ફેશનની દુનિયામાં સુગંધનું મહત્વ
અત્તર કહો કે પરફ્યુમ, સેન્ટ કે પછી આજના જમાનામાં પ્રચલિત ડિયોડ્રન્ટ. શરીરને સુગંધિત કરવાની પ્રથા યુગોથી ચાલી આવે છે. વ્યક્તિત્વ નિખારના કેટલાંય સંસાધનો હોય છે, પરંતુ આ એક એવું સત્વ છે જે દેખા દેતું નથી, પરંતુ એની હાજરી ચોક્કસ એ વ્યક્તિમાં પામી શકાય છે.
ફેશન ફંડા
સુગંધનો વૈભવ ફેશનની દુનિયામાં ઓછો ન આંકશો. તમે કોઈ પાર્ટીમાં કે મિટિંગમાં એ સ્થળ અને પ્રસંગને અનુરૂપ વસ્ત્રસજ્જા કરીને જ જાવ છો, ખરું ને ? તમે એવું તો કરશો જ નહીં કે ઓફિશિયલ મિટિંગમાં લાલચટ્ટાક ચમકિલા ચણિયાચોળી પહેરીને પહોંચી જાવ. જરા વિચિત્ર જ લાગે ને ? એ જ સાથે મેકઅપ પણ પ્રસંગોપાત કરાય છે. વળી, દિવસ અને રાતના પ્રસંગને અનુરૂપ જ તૈયાર થવાતું હોય છે. લાઈટ મેકઅપ – ‘લાઉડ’ કે શાઈનિંગ મેકઅપ કરવામાં કોઈ જ કસર નથી મૂકતા. સાથોસાથ મેચિંગ એસેસરીઝ વિશે પણ આપણે ચોક્કસ પસંદગી અને કાળજી રાખીએ છીએ.
એવું એક સૌંદર્ય પ્રસાધન છે જે ખરેખર તો અદૃશ્યમાન છે; બાહ્ય દેખાવ નથી, પરંતુ આંતરિક રીતે એને અનુભવી શકાય છે. માણી શકાય છે. જો એનો ઉપયોગ ન કરીએ તોય ચાલે, પણ સુયોગ્ય રીતે કરીએ તો વ્યક્તિત્વ દીપિ ચોક્કસ ઊઠે !
એ છે – મઘમઘતું... ફોરમતું... અત્તર !
● કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’
અત્તર કહો કે પરફ્યુમ, સેન્ટ કે પછી આજના જમાનામાં પ્રચલિત ડિયોડ્રન્ટ. શરીરને સુગંધિત કરવાની પ્રથા યુગોથી ચાલી આવે છે. વ્યક્તિત્વ નિખારના કેટલાંય સંસાધનો હોય છે, પરંતુ આ એક એવું સત્વ છે જે દેખા દેતું નથી, પરંતુ એની હાજરી ચોક્કસ એ વ્યક્તિમાં પામી શકાય છે.
આપણે કેટલીક જાહેરાતોમાં જોઈએ છીએ કે કોઈ પુરુષ આકર્ષક બાટલીમાંનું પરફ્યુમ લગાવતો હોય અને તરત જ કોઈ રૂપાળી માનુની પડખે આવીને એને વળગી પડે છે ! આપણને એમ થાય કે આ શું ? આ તો જાણે અતિશયોક્તિ, હેં ને ? ખરું કહો તો સુગંધ એક એવી ઇન્દ્રિય છે જે સીધી ચેતાતંત્ર સાથે સક્રિય થઈને આપણાં સ્વભાવ અને મન પર અસર કરે છે. પ્રફુલ્લિત ચિત્ત કરવા આ અત્તર ખૂબ જ સમર્થ છે.
સદીઓથી આ અત્તરની બનાવટો અને એના ઉપયોગોમાં આજ સુધી અનેક ફેરફારો થયા છે. સાથો સાથ એને સંગ્રહવાના તરીકાઓમાં પણ વૈવિધ્ય આવ્યું છે.
લાકડાનું ઊધ
સામાન્ય રીતે, ફૂલોના અર્ક અને લાકડાના ઊધ/oudh માંથી અત્તરના સત્વોને તેલરૂપે પ્રક્રિયાઓ કરીને બનાવાય છે જેમાં મોગરો, ડોલર, ગુલાબ, જૂઈ, બકુલ ને હિના ખૂબ પ્રચલિત છે. જ્યારે ઊધમાં ચંદનનું લાકડું, ઍગરવુડ, એલોઉઝવુડ અથવા ઇગલવુડ, ઍગરવુડ ઘણુંખરું પ્રચલિત છે જે અમુક પરોપજીવી કોષોમાં જેતે વૃક્ષ સાથેના સંસર્ગમાં આવતાં જૈવિક પ્રક્રિયા કરે છે જેમાંથી સુગંધ ઉત્પન્ન થાય છે. આ પ્રકારના ઊધને ગરમ કરેલા કોલસાની સાથે ભેળવવામાં આવે છે જેની સરસ સુવાસ વરાળરૂપે પ્રસરે છે. તમે કદાચ કોઈ ઐતિહાસિક ભારતીય ફિલ્મોમાં જોયું હશે કે નાયિકા એના વાળમાં કોઈ ખાસ પ્રકારનો ધૂપ લે છે. આ એક અતિ વૈભવિ શોખ છે જે રાજાવી યુગમાં ખૂબ જ પ્રચલિત હતો.
આ સાથે કેટલીક માટી પણ એવી હોય છે જેમાં રહેલાં સુગંધિત સત્વોને જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓ કરીને અત્તર સ્વરૂપે પ્રાપ્ત કરી શકાય છે. કેટલીક વનસ્પતિઓ પણ સુગંધીત દ્રવ્યો ધરાવે છે. જેમ કે લેવેન્ડ્ર, લેમોન્ગ્રાસ, રોઝમેરી વગેરે, જેને આપણે ‘એરોમા ઓઈલ્સ’ તરીકે શરીર પર વિવિધ પ્રકારના સ્પા કે નહાવાના સાબુમાં અથવા રૂમફ્રેશનર તરીકે ઉપયોગમાં લઈએ છીએ.
સુગંધની મસ્તી માણવી એ એક આગવો શોખ હોઈ શકે. કુદરતી તૈલીય આ અર્કના અત્તરો ખૂબ મોંઘાદાટ આવતાં હોય છે. ત્યારે એક પ્રશ્ન થાય કે એની આપાણાં રોજીંદા જીવનમાં શું જરૂર ? કે પછી શા માટે આવા પર્ફ્યુમ આપણે દરરોજ લગાડવાં જોઈએ ?
કલ્પના કરો કે તમે તમારી કોલેજમાં સૌ સાથે કેન્ટિનમાં બેઠાં છો, કે પછી કોઈ લગ્નસરાના પ્રસંગમાં ગયાં છો. મોકા અનુસાર તમે કપડાં પહેર્યાં છે. છોકરીઓએ એ અનુસાર હેરસ્ટાઈલ અને મેકઅપ કર્યો છે. પુરુષવર્ગ પણ એમના પ્રસંગ અનુસાર તૈયાર થયા જ છે. પણ… પણ… પણ… અચાનક તમે અનુભવ્યું કે તમારી પડખે ઊભેલ વ્યક્તિ તમારી સાથે વાત કરવામાં જરા અચકાય છે કે પછી ઝડપથી વાત પતાવીને દૂર ખસી જાય છે. કાર્યાલયમાં તમારો વટ્ટ નથી પડતો. તમારો આત્મવિશ્વાસ તમને જવાબ દઈ જાય છે કે એવું કેમ ? હું આટલી સરસ કામગીરી આપવા છતાં સૌની સાથે ભળી શકતો/શકતી નથી ?
એનો એક જ ઉત્તર હોઈ શકે. બની શકે કે તમારા શરીરમાંથી પરસેવાની તીવ્ર બદબો આવતી હોય. તમે ઘણીવખત નોંધ્યું હશે કે કોઈ બહેનના બ્લાઉઝમાં કે ભાઈના શર્ટના બગલના ભાગે લંબગોળ આકારનો ભીનો ડાઘ દેખાવા લાગતો હોય છે. કોઈનો પરસેવો તો એટલો ક્ષારયુક્ત હોય કે એની આસપાસ સફેદ ચકામા પણ લાગી જતાં હોય છે. આપણા સુઘડ અને સતેજ વ્યક્તિત્વને માટે આ પ્રકારના ચિહ્નો નુક્સાનકારક નિવડી શકે.
ભલે ને, એવું નથી કે તમે જ્યાં જાવ ત્યાં સતત લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બની રહો એવાં મઘમઘો ! જરા સરખો અત્તરનો લસરકો આખા દિવસ દરમિયાન તમારું મન ખુશનુમા રાખી શકવા સમર્થ છે એમાં બે મત નથી. તો આવો, આ પ્રકારના અત્તર કે પર્ફ્યુમને કઈ રીતે ઉપયોગમાં લેવા, એને કેમ સાચવવા અને ક્યાં અને ક્યારે કયું અને શું વાપરવું એવી બાબતો પર ધ્યાન દોરીએ.
આ અત્તર કે પર્ફ્યુમની બોટલો ખૂબ જ આકર્ષક હોય છે. નાની નાની કાચની ડબલીઓમાં જરા સરખું અત્તરનું બૂચ ખોલીએ એટલે માહોલ જ બદલાઈ જાય જાણે. આ શીશીઓના ઢાંકણાંઓમાં ખરી કરામત રહેલી હોય છે. કેટલાંકને ખાસ પ્રકારના લાકડાંમાંથી બનેલ બૂચ હોય તો કોઈને કાંચની કે પ્લાસ્ટીકની ‘ડિપ સ્ટીક’ સાથે બંધ બેસતું ઢાંકણ હોય છે. કોઈ ‘સ્પ્રે’ રૂપે સહેલાઈથી છંટકોરી શકાય એવી સગવડવાળાં હોય છે જે ખૂબ જ પ્રચલિત છે, તો કોઈ નાનીશી શીશીઓ ‘રોલ-ઓન નોબ’ સાથે કવર કેપમાં ઉપલબ્ધ હોય છે. કેટલાંક ડિયોડ્રન્ટ રોલ-ઓન સાથે સહેજ ચીકાશ પડતાં સ્વરૂપે પ્રવાહિત કે બામ જેવા ક્રિમ બેઈઝ સાથે આવતાં હોય છે.
આ બધાં જ પ્રકારનાં સુગંધિત દ્રવ્યોને સાચવવા તેમને અંધકાર કે ઓછા પ્રકાશવાળી સૂકી જગ્યાએ મૂકી રાખવાં. સૂર્યપ્રકાશથી દૂર રાખવાં. અત્તરનો પ્રયોગ કરીને જે તે ડિપ સ્ટિક તરત જ અંદર ફરીથી મૂકી દેવી જેથી બહારનો કચરો, રજકણ કે ગંદકી અંદર ન પ્રવેશે. રોલ-ઓન શીશીમાં એ તકલીફ છે કે શરીરની ચામડીના સંપર્કમાં એ તરત આવે છે જેથી જ્યારે લગાવવું હોય ત્યારે તેને રગડવું નહીં. આછું ફેરવીને એના બોલને સહેજ સાફ કરીને બંધ કરી મૂકવું. ‘ડિપ સ્ટીક’ થી અત્તર લગાવતી વખતે પણ હાથ, હથેળી કે ત્વચાનો એ ભાગ, જ્યાં અત્તર લગાવવું છે, એ સ્વચ્છ હોવો જોઈએ. તૈલિય પદાર્થ હોવાથી તેને લગાવીને ચોળવું નહીં, નહિતર એના અર્કનું સત્વ હવામાં વિસ્ફારીત થઈ જશે અને જોઈએ એવું સુગંધિત પરિણામ નહીં મળે.
ક્યાં લગાવવું ? આ ખૂબ જ પૂછાતો પ્રશ્ન છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કાંડા પાસે એટલે કે પલ્સ પોઈન્ટ પાસે લગાવવાની પ્રથા છે. હા, એ યોગ્ય છે. પરંતુ આપણા હાથ, હથેળી સતત કાર્યરત હોય છે, પરસેવો વળતો હોય છે, પાણીથી ધોવાતો હોય છે જેથી અત્તરને કાંડાથી સહેજ ઉપરની તરફ લગાવવું. કાનની બૂટ પર અને ગરદનના સાંધા પાસે લગાવવાથી ખૂશ્બો લાંબો સમય ટકે છે અને આપ જેમના સંપર્કમાં આવશો એમને પણ એ મહેક અનુભવાશે. ડિયોડ્રન્ટ સૌ કોઈ લગાડી લે છે નહાયા પછી તરત જ. પરંતુ શરીરને પૂર્ણપણે સાફ અને કોરું કરીને જ અત્તર લગાવવું. ભીના હાથે કે ભેજયુક્ત શરીર પર પર્ફ્યુમ કે અત્તર લગાવવું નહીં. તે ત્વચાને નુકસાન કરી શકે છે. સંવેદનશીલ જગ્યાઓએ લગાવાઈ જશે તો રતાશ પડતાં ચકામાં થઈ શકે. આ સંજોગોમાં તાત્કાલિક બરફવાળા પાણીથી ધોઈને ડોક્ટરને બતાવવું હિતાવહ છે, કારણ કે કુદરતી તૈલીય પદાર્થની ગેરંટીવાળા ઉત્પાદનો પણ સિંથેટિક હોવાની શક્યતા નકારી શકાતી નથી. ભલે ને ગમે તેટલાં મોંઘાં હોય, આપની અનુકૂળતાને આડે ન આવે એવી રીતે આ શોખને અપનાવશો તો મજા આવશે.
કઈ જગ્યા અને કયા મૌસમમાં કયું પર્ફ્યુમ લગાવવું એય પાછો વધુ શોધખોળનો વિષય છે, અચ્છા, પર્ફ્યુમર પાસેથી પર્ફ્યુમ ખરીદતી વખતે આની ચર્ચા ચોક્કસ કરી લેવી. કોઈને અમુક સુગંધની એલર્જી હોય એવુંય બનતું હોય છે. એ મહેકની અસર નાસિકાઓમાંથી તુરંત જતી રહે એ માટે સરસ યુક્તિ છે. આપ કોઈ પર્ફ્યુમ ખરીદવા જાવ તો થોડાં શેકેલાં કોફિબીન્સ સાથે લઈને જવા. જો છીંક આવવા જેવું લાગે તો નાક પાસે લઈ એક શ્વાસ ભરી લેવાથી સારું અનુભવાશે.
મનમોહક રંગ, આકાર અને પ્રકારની આ સુગંધિત દુનિયા વૈશ્વિક સ્તરે સ્ટાઈલ અને સ્ટેટસ સિમ્બોલ બની રહી છે જેને તમારા વોર્ડરોબ અને વપરાશના પ્રસાધનોમાં સ્થાન આપવાનું ન ચૂકવું. જોજો વટ્ટ પડશે હોં...!
*
શી અદેખાઈ કરું શીશીની ? અત્તર એની સોડમાં વસે છે,
છું આભારી પંખૂડીઓનો, પીડાઈનેય સુવાસ અર્પે છે.
- કુંજકલરવ
■