ભાગ -૧૧
(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ સોનગઢ જવા માટે ઘરેથી નીકળે છે, હવે આગળ...)
નવી ચિંતા સાથે વ્યોમ નીકળી પડ્યો નવી સફર પર. પ્રમોદભાઈએ નક્કી કર્યું હતું એટલે વ્યોમ માટે આ સફર સહેલી તો નહીં જ હોય એ તો વ્યોમ પણ જાણતો હતો. પણ સુવિધામાં વસેલો વ્યોમ દુવિધાની કલ્પના પણ ન કરી શકતો, એટલે એને લાગ્યું કે પોતે કઈક મેળ કરી લેશે.
સોનગઢના પાદરમાં પહેલી વખત વ્યોમે પગ મૂક્યો. પ્રમોદભાઈએ કહ્યું હતું કે તું પહોંચીસ એટલે વ્યવસ્થા થઈ જશે. પણ વ્યોમને કોઈ દેખાયું નહિ. ક્યાં જવાનું ને શું કરવાનું એને કઈ ખબર ન પડી. પાદરમાં વડલા નીચે ઓટલા પર જઈ બેઠો, તરસ લાગી પણ પાણી પાસે હતું નહીં. કોઈ હતું નહિ કે એમને પૂછે, પાણી શોધતો ઉભો થયો ત્યાં એક અવાજ સંભળાયો,
"એલા, કૂણ સે તું, હુ જોયેસ તારે પાણી ગોતતો લાગસ કારુંનો નય !"
વ્યોમે જોયું તો એક બારેક વર્ષનો છોકરો આવીને ઉભો હતો. વ્યોમે પૂછ્યું,
"અહીં કોઈ હોસ્પિટલ છે, મારે ત્યાં જવાનું છે, તને ખબર એ કઈ બાજુ આવી."
છોકરો બોલ્યો, " હુ બોયલો, મની તો કઈ હમજાણુ જ ની.... ને પાણી ગોતતો હોય તો હાઈલ આ રવાબાપાનું ખેતર ઢુંકડું સે, નિયાથી પી લે, ધોરીયો હાયલો જાતો હયશે."
હવે વ્યોમને કઈ ખબર ન પડી. એ આશ્ચર્યથી છોકરા સામે જોઈ રહ્યો, એટલે છોકરો એનો હાથ પકડી એને લઈ જવા ખેંચવા લાગ્યો. વ્યોમનો સામાન ઓટલા પર પડ્યો હતો. વ્યોમ એ લેવા જતો હતો તો છોકરો બોલ્યો,
"ઈ ભલી પયડો હોય, કોઈ ની અડે, તું તારે હાલતો થા મારી મોર્ય..."
વ્યોમ છોકરા પર વિશ્વાસ મૂકી સામાન મૂકી એની સાથે હાલતો થયો. છોકરાના કહેવા મુજબ કોઈ રવાબાપાનું ખેતર હતું. બંને અંદર ગયા. છોકરાએ કુવામાંથી આવતું પાણી પીવા કહ્યું. વ્યોમને થોડી સુગ ચડી કે આવું પાણી કેમ પીવું. છોકરો સમજી ગયો એણે ધોરીયામાંથી ખોબો ભરી પાણી પીધું, ને વ્યોમને ઈશારો કરી કહ્યું કે આમ પીવાય અહીં પાણી. વ્યોમ માટે તો આમ પાણી પીવું એ જ નવાઈની વાત પ્રમોદભાઈ પાસેથી સાંભળ્યું હતું કે ખેતરમાંથી સીધું પાણી પીતા પણ પોતાને પણ આમ કરવું પડશે એ એણે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. કમને વ્યોમે એકાદ ઘુંટડો પાણી પીધું. ત્યાં તો રવાબાપા ખેતરના માલિક આવતા દેખાયા. આવતા જ બોલ્યા,
"એલા કારયા, આ મેમાનને આપણા ખેતરના સિભડા ખવરાયવા કે નય.."
પેલો છોકરો કે જેનું નામ કારયો હોવું જોઈએ એ બોલ્યો,
"રવાબાપા, મેમાન પાણીય માંડ પીવેશ, ઈમાં સિભડા હુ ખાય..."
રવાબાપા ને કારયો બેય હસી પડ્યા. વ્યોમ નાકનું ટેરવું ચડાવી બેઠો હતો. રવાબાપા ફરી બોલ્યા,
"તી હેં કારયા આ મેમાન લાગે તો હારા ઘરનો, શેરનો... ભૂત બંગલે જ આયવો હયશે ને ?"
કારયો બોલ્યો, " કોને ખબર, કિયા રોકવાનો હયશે ! આપણે તો પાદરમાં દેયખો તી થયું કે બીસારાને પાણી પીવરાવી દઉં. ન્યા જ જાવાનો હયશે, બીજે તો કિયા આને રાયખા જેવોય સે, ગામમાં.."
ફરી કારયો ને રવાબાપા હસી પડ્યા. વ્યોમ બોલ્યો,
"હવે આપણે જવું જોઈએ, મારે હોસ્પિટલે જવાનું છે, ગામની હોસ્પિટલ કઈ બાજુ આવી, મને ત્યાં સુધી પહોંચાડી દેશો ?"
કાળું તો બોલ્યો, " રવાબાપા તમારી વાત હાચી નીકરી, આ ભૂત બંગલાનો જ મેમાન લાગેશ. હાલો તો તો મારે જ મુકવા જાઓ જોહે, બાકી તો ખબર ને વારો પડી જાહે.."
કાળુએ વ્યોમને કહ્યું, " હાલ તારે, થા આમ મોર્ય, તને ભૂત બંગલે મૂકી આવું."
વ્યોમ તો ભૂત બંગલાનું નામ સાંભળી ડઘાઈ ગયો, કે એ વળી કેવી જગ્યા હશે. ને આ છોકરો મને ત્યાં કેમ લઈ જાય છે મારે તો હોસ્પિટલ જવાનું છે. વ્યોમ ફરી બોલ્યો,
" મારે હોસ્પિટલ જવાનું છે, કોઈ ભૂત બંગલામાં નહિ, તું મને હોસ્પિટલ મૂકી જા, તે જોઈ છે ક્યાં આવી એ. "
કાળું ચાલતો ચાલતો જ બોલ્યો,
" હા, ઓયલો ભૂત બંગલો જ ને. હાઈલ ન્યા જ તો મૂકી જાવ શુ તને. "
વ્યોમને હવે લાગ્યું કે આ નહિ સમજે. એટલે એ ચુપચાપ કાળુની પાછળ ચાલતો થયો. એને યાદ આવ્યું કે સામાન તો ઓટલે જ પડ્યો હતો. એ ઉતાવળે પગલે ચાલવા લાગ્યો. ખેતરની બહાર નીકળી વ્યોમ સામાન તરફ ગયો. ગામને પાદર જઈને જુએ તો સામાન ક્યાંય દેખાયો નહિ. વ્યોમે આમતેમ જોયું પણ કઈ મળ્યું નહિ, ને કોઈ માણસ પણ દેખાયું નહિ. વ્યોમને પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવી. વ્યોમ રીતસરનો બરાડી ઉઠ્યો.
" અરે મારો સામાન ક્યાં ગયો ? અહીં જ તો મુક્યો હતો કોણ ઉઠાવી ગયું ? હે ભગવાન! હવે હું શું કરીશ ?"
( હવે આગળ વ્યોમ સાથે શું થાય છે એ આવતા ભાગમાં જોઈશું...)
© હિના દાસા