ઐદિપક અને મંજરી બંને એકબીજાને પસંદગી પર ખરા તો ઉતરે છે પણ દિપક કંઈ કહેવા માંગે છે કહીને સહુને ચોકંદા કરી મૂકે છે.. અમ્મા અને વિરાજનું હૈયું ક્ષણભર માટે ધડકી જાય છે.. 'દિપક શું કહેવા માંગતો હશે...?' સઘડી સંધર્ષની.....
મધદરિયે પેટાળમાં જેવી ઘુમરીઓ ફરી વળે, એવી ઘુમરીઓ અચાનક દિપકના બોલવાથી અમ્માના મનમસ્તિષ્કમાં ઘુમરાવા લાગી હતી. અમ્મા પોતે સ્થિતપ્રજ્ઞ અને દરેક પરિસ્થિતિમાં માનસિક સ્વસ્થતા ધારણ કરવા ટેવાયેલાં હતાં. ને એથી ભીતર ઉઠેલો અણધાર્યો દાવાનળ બહારથી તો બાળકનાં પારણાં જેવો હળવો હળવો હિલ્લોળો જ લાગી રહ્યો હતો.
“હું મારો એક વિચાર રજૂ કરવા માગું છું."
આવી ક્ષણે દિપકના વાક્બાણથી જાણે ત્યાં ખુદ કાળ પણ અટકી ગયો હતો. કોઈનેય શબ્દોની કોઈ આવશ્યક્તા ન લાગી. મૌન જ બોલકું હતું અને એકબીજાની આંખો જ બોલકી થઈને પ્રશ્નો ઉચ્ચારતી હતી..
"હું કૉર્ટ મેરેજ કરી સાદાઈથી આર્ય સમાજમાં લગ્ન કરવા ઈચ્છું છું, જો સૌની સહમતી હોય તો કેવું રહેશે.?”
કોઈપણ જગ્યાએ શબ્દાડંબર કે કોઈપણ પ્રકારના બિનજરૂરી શબ્દો વાપર્યા વિના દિપક ધીમેથી વડીલોનું અપમાન ન થાય એ રીતે બોલ્યો હતો.
દ્વૈતમાંથી અદ્વૈત થવાની આવી વાતે બંને પક્ષે સ્નેહામૃત લેકવ્યું અને લટકામાં લળી લળીને બધાએ દિપકની વાત સલામી ભરીને ખુશી ખુશી વધાવી લીધી હતી. અમ્માએ હળવાં હાશકારા સાથે એક ઠંડો થડકો અનુભવ્યો.
સુભદ્રાબેન પણ જાણે કંઈક નક્કી કરીને જ આવ્યાં હોય એમ પોતાની વાત રજૂ કરતાં બોલ્યાં,
"દિપકને સેમેસ્ટરનું છેલ્લું વર્ષ છે અને આવતે મહિને કૉલેજ પણ શરું થનાર છે, આ મહિનામાં જ લગ્ન થઈ જાય તો કેવું રહેશે ? નહિંતર આખું વર્ષ જવા દેવું પડે અને આવતે વર્ષે લગ્નની જાન જોડાય એવું બને."
"એ પણ ખરું, પતાવી જ દઈએ લગ્ન." અમ્માના મનમાં હતું અને સુભદ્રાબેને સીધો કોળિયો જ મોં માં મૂકી દીધો. કહેવત છે ને કે, 'જોઈતું હતું ને વૈદે કહ્યું.' અંતે લગ્ન સાદાઈથી જ કરવા એવું નક્કી થયું.
"હા તો તમે મૂહુર્ત કઢાવી જાણ કરજો, આ ફાગણ મહિનામાં લગ્ન પતાવી દઈએ. લગ્ન સાદાઈથી કરવા છે એટલે તૈયારીઓ કરવામાં બહુ ખાસ સમય નહીં લાગે." પ્રોફેસર શાસ્ત્રીએ વાતનો વીંટો વાળ્યો અને સૌ છુટ્ટા પડ્યાં.
અમ્માને મનમાં થતું હતું કે, 'વિરાજ હવે મંજીના લગ્ન પતાવીને જ શહેરમાં જાય.' એમણે લગ્નના મુહૂર્ત કઢાવવાનું શરૂ કરી દીધું. લગ્ન માટે જોવડાવેલા બે-ત્રણ મુહૂર્તમાંથી અઠવાડિયા પછીનું મૂહુર્ત અમદાવાદથી પ્રોફેસર શાસ્ત્રીના પરિવાર તરફથી પણ સંમતિ દર્શાવી દીધી હતી. લગ્ન સબંધી બધાં કાર્યો હોંશે હોંશે વિરાજે ઉપાડી લીધાં હતાં.
ગણપતિ મૂળ શુકનવંતા દેવ અને વિધ્ન કર્તાહર્તા હોવાથી ગણેશ સ્થાપના અને પ્રસંગને સુખશાંતિથી અને નિર્વિધ્ને પૂર્ણ કરવા માટે ગ્રહશાંતિ બંને પક્ષે કરવામાં આવી હતી. પીઠી ચોળવાથી મંજરીનો રંગ ઓર સૌન્દર્યતાથી ઝળહળી ઉઠ્યો હતો. પીઠીના આ ઓચ્છવ પર જાણે કેસરવૃષ્ટિ થયાની આનંદની નિર્ઝરણી મંજરી માણી રહી હતી. આમ રીત રિવાજ મુજબ સામાન્ય નાની-મોટી વિધી ઘર મેળે પૂર્ણ કરવામાં આવી હતી.
દિપક અને મંજરીના મનના માંડવા તળે શહનાઈ ગૂંજી ઉઠી હતી. હૈયાના પાંદડાઓ એકબીજાનાં મસ્તીના લયમાં લહેરવા માંડ્યા હતાં. લળક લળક હીરા મોતીનો ઘાઘરો, ભરત ભરેલી ચોલી અને સોનેરી કોરનું ઓઢણું પહેરેલી મંજરી શોભાયમાન થઈ ઉઠી હતી. અનૂઠું દ્રશ્ય નિરખવાને આખું આકાશી મંડળ જાણે લગ્ન માંડવા તળે ઝૂકીને આવી ચડ્યું હતું અને એ માત્ર આવ્યું નહોતું, હરખાઈ પણ રહ્યું હતું.
વિરાજે નવી શરું કરેલી જૉબમાંથી એડવાન્સ ઉપાડ અને અમ્માની કરેલી થોડીઘણી જે બચતમાંથી કોઈપણ પ્રકારની કમી ન રહે અને સાદાઈથી પણ વાજતે ગાજતે મંજરીના લગ્ન કરી સાસરે વિદાય આપી. લાડકોડથી ઉછેરી મોટી કરેલી દીકરી મંજીના વિદાયનો પ્રસંગ અમ્માને માટે બહારથી આનંદિત હતો પણ અંદરથી ઘણો પીડાદાયક હતો..
પ્રોફેસર શાસ્ત્રીના પરિવારમાં દિપક એકનો એક દીકરો હોવાથી મંજીને વહુ કરતાં દીકરી તરીકેનો પ્રેમ વધારે મળશે એ કંચનને ખાતરી હતી, કેમકે લગ્નમાં મંજરીને ચઢાવવાં ઘણાં બધાં દર-દાગીના ને કપડાં-લત્તા લઈ આવ્યા હતાં. જે ક્યારેય મંજરીને પહેરવા ઓઢવાની કમી મહેસુસ નહીં થાય એ ચોક્કસ હતું.
સંસારીક જીવનમાં ડગલાં ભરવાં જઈ રહેલી દીકરી મંજીને સારો છોકરો મળ્યાનો આનંદ સાથે સંસ્કારી કુટુંબમાં સાસરે વળાવવાનો સંતોષ પણ હતો, તો સાથે સાથે અમ્માને એકલપણાનો રંજ પણ હતો. ભાવીથી અજાણ અમ્માએ અને વિરાજે, મંજીને ભારે હ્રદયે આંસુ ભરી આંખે વિદાય આપી.
ઘરમાં દિવાલ પર ટાંગેલી કાન્હાની છબીને હાથ જોડી વિનંતી કરતી હોય એમ અમ્મા કહેવા લાગ્યા, "હે.. કાળીયા ઠાકર.. મારી મંજીને સુખી રાખજે, જીવનમાં કોઈ તકલીફ એના પર ન આવે એનું ખાસ ધ્યાન રાખ્યું છે અને લાડકોડથી મોટી કરી છે.. પણ એણે ક્યારેય શ્રીમંત પરિવાર જેટલી સુખ સાહ્યબી જોઈ નથી એટલે એની જોળી હવે સઘળી ખુશીઓથી અને સુખોથી ભરી દેજે કાન્હા..." અને કાન્હાની હસતી છબી જોઈ બોલી ઉઠી,
"બધી જ પીડાનું વર્ણન કરાય એવું નથી.. કાન્હા..
દીકરીની વિદાયનું દુઃખ શું છે તને સમજાય એવું નથી.. કાન્હા.."
"કાન્હા.. તેં ગોવર્ધન ઉપાડ્યો એ રીતે મારે હવે આ સંજોગોના પોટલાને ઉપાડવું જ રહ્યું."
સમસ્ત વાતાવરણ સીસા જેવું પોલાદી ને બોજાદારા બનીને ચંપાતુ હતું.©
ક્રમશઃ વધુ આવતા પ્રકરણ 17 માં.. શું એકલા પડી ગયેલા અમ્મા ગામડે એકલા રહેશે કે વિરાજ સાથે શહેરમાં જશે..??
-આરતીસોની ©