યારા અ ગર્લ - 25 - છેલ્લો ભાગ pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યારા અ ગર્લ - 25 - છેલ્લો ભાગ



ને એ સવાર ઊગી ગઈ. સવાર થી જ મહેલમાં ખૂબ ચહેલપહેલ હતી. વોસીરોની પ્રજા પોતાના નવા વારસદાર ને જોવા ઉત્સુક હતી. લોકો ઉત્સાહ થી રાજમહેલ તરફ જઈ રહ્યાં હતાં. હજારો લોકો થી મેદાન ભરેલું હતું. મહેમાનો પણ આવી ચૂક્યા હતાં.

રાજા ચાર્લોટ, રાણી કેનોથ, ફિયોના અને રાજકુમાર કવીન્સી સાથે ત્યાં પહોંચી ચૂક્યા હતાં.

રાજા મોરોટોસ રાજમાતા સાથે ત્યાં આવ્યાં. તેમણે બધાં જ મહેમાનોનું ખૂબ ભાવ થી સ્વાગત કર્યું. ને સમારંભમાં સામેલ થવા બદલ બધાનો આભાર માન્યો.

બીજા રાજાઓ એ પણ પોતે લાવેલ ભેટો તેમને આપી.

હવે ભેટ આપવાનો વારો રાજા ચાર્લોટ નો આવ્યો.

તેમણે ઉભા થઈ ને ખૂબ આદર સાથે રાજમાતા અને ત્યાં ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું. ને પછી ફિયોનાને પોતે લાવેલ ભેટ આપવા કહ્યું.

ફિયોના જઈ ને એક પાલખી લઈ ને આવી. તેણે પાલખી નીચે મુકવાનો ઈશારો કર્યો.

રાજમાતા આજ ના આ શુભ પ્રસંગે મોસ્કોલા તરફ થી આપ ને આ ભેટ આપી રહ્યો છું. આશા છે કે આપને મારી ભેટ ગમશે, રાજા ચાર્લોટે ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું.

રાજા ચાર્લોટ અમે આપના આભારી છીએ, રાજમાતાએ કહ્યું. પછી ફિયોનાને ભેટ દર્શાવવા ઈશારો કર્યો.

ફિયોના એ પાલખીનો પડદો ઉપર કર્યો. ને તેમાં થી રાજકુમારી કેટરીયલ બહાર આવી. બધાં આશ્ચર્યચકિત થઈ ગયાં. રાજમાતા ની આંખો તો ત્યાં જ જડાઈ ગઈ. મોરોટોસ પોતાની જગ્યા પર થી ઉભો થઈ ગયો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. તેના ચહેરા પર પરસેવો થવા લાગ્યો.

કેટરીયલ? રાજમાતા આશ્ચર્ય સાથે બોલ્યા.

કેટરીયલે માથું નમાવી અભિવાદન કર્યું.

રાજમાતા પોતાની જગ્યાએ થી ઉભા થઈ ગયા અને કેટરીયલ તરફ આગળ વધ્યા. પણ ત્યાં કેટરીયલ બોલી, ક્ષમા રાજમાતા હું આપની પાસે ન્યાય માંગવા આવી છું.

રાજમાતા જ્યાં હતાં ત્યાં જ રોકાઈ ગયા. તેમણે રાજા ચાર્લોટ અને રાણી કેનોથ તરફ જોયું. તેમને લાગ્યું જાણે એ બન્ને પણ તેમને એજ કહી રહ્યા હતાં જે કેટરીયલ કહી રહી હતી.

રાણી કેટરીયલ બોલો તમારી સાથે શું અન્યાય થયો છે? ને આ અન્યાય કોણે કર્યો છે?

કેટરીયલે રાજા મોરોટોસ તરફ જોયું. મોરોટોસની હાલત એકદમ ખરાબ હતી. ડર અને ચિંતા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય રહ્યા હતાં.

રાજમાતા વોસીરો પોતાના વારસદાર ને રહેવા દઈ ને કોઈ બીજા ને વારસદાર કેવી રીતે બનાવી શકે? કેટરીયલે પ્રશ્ન કર્યો.

વારસદાર? કોણ વારસદાર? કોનો વારસદાર? રાણી કેટરીયલ તમે શું કહેવા માંગો છો તે સ્પષ્ટ કરો, રાજમાતાએ કહ્યું.

રાજમાતા હું વોસીરો ની રાજગાદી ના વારસદાર ની વાત કરું છું. રાજકુમાર ઓરેટોન અને મારા બાળક ની વાત કરું છું, કેટરીયલે ખૂબ શાંતિ થી જવાબ આપ્યો.

ઓરેટોન નો વારસદાર? પણ રાજકુમાર ઓરેટોન નું કોઈ બાળક નથી? ને તમે કોણ છો? મોરોટોસે ગુસ્સા થી પૂછ્યું.

રાજા મોરોટોસ તમારી યાદશક્તિ નબળી થઈ ગઈ છે. તમે તમારા નાના ભાઈ ની પત્ની ને પણ ભૂલી ગયા? કેટરીયલે વેધક દ્રષ્ટિ નાંખતા પૂછ્યું.

માફ કરજો પણ રાજકુમાર ઓરેટોન અને તેમની પત્ની ને મૃત્યુ પામે વર્ષો થઈ ગયા છે, મોરોટોસે કહ્યું.

રાજા મોરોટોસ તમે કદાચ ભૂલી ગયાં છો કે મૃત્યુ માત્ર રાજકુમાર ઓરેટોન નું જ થયું હતું. તેમની પત્ની કેટરીયલ ને તમે વર્ષો સુધી બંધી બનાવી રાખી હતી, કેટરીયલે ગુસ્સા સાથે કહ્યું.

ત્યાં હાજર હતા એ બધા લોકો આ સાંભળી આશ્ચર્ય પામ્યાં.

સાવધાન.. તમે શું બોલી.... ત્યાં રાજમાત મોરોટોસ ને ચૂપ કરાવી વચ્ચે બોલ્યા, તમે શું કહી રહ્યા છો તે તમે જાણો છો ને?

હા રાજમાતા હું બરાબર જાણું છું. ને હું આ વાત ના પુરાવા પણ આપી શકું તેમ છું, કેટરીયલે નમ્રતાપૂર્વક કહ્યું.

તો તમે પુરાવા રજૂ કરો, રાજમાતાએ આદેશ આપ્યો.

કેટરીયલે ફિયોના ની સામે જોયું. ફિયોના એ તરતજ બહાર જઈ ને નિકોસી ને લઈ આવી.

નિકોસી ને જોઈ રાજા મોરોટોસના મોતિયા મરી ગયાં. હવે તે કંઈ બોલી શકે તેમ નહોતો.

નિકોસી તમે? રાજમાતાએ પૂછ્યું.

નિકોસી એ રાજમાતાને પ્રણામ કર્યા ને માથું નમાવી ઉભો રહ્યો.

રાજમાતા આ પુરાવો છે જે આરોપ મેં રાજા મોરોટોસ પર લગાવ્યો છે તેનો, કેટરીયલે કહ્યું. પછી તેણે નિકોસી ને બોલવા કહ્યું.

નિકોસી ની હાલત ખૂબ ખરાબ હતી. એ બોલે તો પણ ને ના બોલે તો પણ તેના માટે તકલીફ તો હતી જ.

નિકોસી ગભરાય વગર કહો કે રાણી કેટરીયલ જે કહી રહ્યા છે તે સાચું છે? ને આ જ રાણી કેટરીયલ છે? રાજમાતાએ કહ્યું.

હવે નિકોસી એ બોલવું જ પડે તેમ હતું. તેણે કહ્યું, આજ રાણી કેટરીયલ છે અને એમને જે આરોપ લગાવ્યો છે તે સાચો છે. પછી તેણે બધી વાત કહી સંભળાવી.

બધા લોકો નિકોસી ની વાત સાંભળી આઘાત પામ્યાં. રાજા મોરોટોસ ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. પણ હવે બાજી તેના હાથમાં રહી નહોતી.

ને રાજમાતા આ સિવાય રાજકુમાર ઓરેટોન ની હત્યા પણ રાજા મોરોટોસે કરાવી હતી અને આરોપ ગ્લોવર પર નાંખ્યો હતો, કેટરીયલે દુઃખ સાથે કહ્યું.

રાજમાતા તો આ સાંભળી દુઃખી થઈ ગયાં. તેઓ ત્યાં જ બેસી ગયાં.

મોરોટોસ તરત જ દોડી તેમની પાસે ગયો પણ રાજમાતાએ તેને દૂર રહેવા કહ્યું. તે ભોઠો પડી ગયો ને એક તરફ ઉભો રહી ગયો.

રાજમાતા ઉભા થયાં અને કેટરીયલની પાસે ગયા. તેમણે કેટરીયલના માથા પર હાથ ફેરવ્યો ને બોલ્યા, કેટરીયલ મને માફ કરી દે. આટલું બોલતાં બોલતાં રાજમાતા રડી પડ્યા. કેટરીયલની આંખોમાં થી પણ આંસુ વહી રહ્યાં હતાં.

પછી રાજમાતાએ સ્વસ્થ થતા કહ્યું, કેટરીયલ કોણ છે મારો વારસદાર?

ત્યાં ગ્લોવર યારા સાથે ત્યાં આવ્યો. યારા અને ગ્લોવરે રાજમાતા ને માથું નમાવી અભિવાદન કર્યું.

પછી ગ્લોવરે નમ્રતાપૂર્વક કહ્યું, રાજમાતા આ રાજકુમારી યારા છે. રાજકુમાર ઓરેટોન અને રાણી કેટરીયલની દીકરી.

રાજમાતાએ યાર સામે જોયું. પછી કેટરીયલ ની સામે જોયું. હજુ તેમને વિશ્વાસ આવી નહોતો રહ્યો કે ઓરેટોનની દીકરી તેમની સામે ઉભી છે.

પછી યારા આગળ વધી ને રાજમાતા ની સામે ઉભી રહી ગઈ.

રાજમાતા ની આંખોમાં થી અવિરત આંસુ વહી રહ્યાં હતાં. તેમણે યારા ના ચહેરા પર હાથ ફેરવ્યો. પછી તેને ગળે લગાવી લીધી. કેટરીયલ આતો મારા ઓરેટોન જેવી દેખાય છે, રાજમાતાએ કેટરીયલ ને કહ્યું.

હા રાજમાતા કેટરીયલે કહ્યું.

ગ્લોવર તું મારા ઓરેટોન નો સાચો મિત્ર છે. તું એક સાચો સિપાઈ નીકળ્યો. પણ મેં તને ઓળખ્યો નહીં. તું મને માફ કરી દે જે, રાજમાતાએ ગ્લોવર ની માફી માંગતા કહ્યું.

રાજમાતા તમારે માફી ના માંગવાની હોય. તમે તો રાજમાતા છો, ગ્લોવરે કહ્યું.

ગ્લોવરને જોઈ મોરોટોસનો ગુસ્સો વધી ગયો. એ જોર થી બરાડ્યો, ગ્લોવર તારી એટલી હિંમત કે તું મને ખોટો સાબિત કરવા આ બધું કરે.

માફ કરજો રાજા મોરોટોસ પણ તમે આ બધું કર્યું છે તે હવે સાબિત થઈ ગયું છે. તમે બુમો પાડી ને તેને ખોટું છે એવું ના કહી શકો, ગ્લોવરે શાંતિ થી કહ્યું.

કોઈપણ ને લાવી ને ઉભા રાખી દેવાથી તે રાજકુમારી છે તે સાબિત નથી થઈ જતું. ને એ પણ વોસીરો નો વારસદાર, મોરોટોસે ગુસ્સામાં કહ્યું.

સાચી વાત છે રાજા મોરોટોસ વોસીરોનો વારસદાર કોઈ સામાન્ય વ્યક્તિતો નાજ હોય શકે, ગ્લોવરે કહ્યું.

ગ્લોવરની વાત થી રાજા મોરોટોસ વધુ ગુસ્સે થઈ ગયો. તેને યારાના રૂપમાં પોતાનું મોત દેખાતું હતું. તેને ભવિષ્યવાણી યાદ આવવા લાગી. તે જોર થી બરાડ્યો ને બોલ્યો સાવધાન, તું વોસીરોની વારસદાર હોય તો પોતાની જાત ને બચાવ.

હવે મોરોટોસ પાસે કોઈ ઉપાય નહીં હતો. તે હવે પોતે સાચો ને બીજા ખોટાં છે તે સાબિત કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ ગયો.

તેની ચેતવણી સાંભળી ગ્લોવર સમજી ગયો કે હવે મોરોટોસ કોઈ મોટો હુમલો કરશે. તે પોતાની શક્તિઓ નો ઉપયોગ કરશે. ને યારા માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે. તેને યારા ની ચિંતા થવા લાગી.

ને એટલે ગ્લોવર યારા ને સાવધાન કરવા જોર થી બરાડ્યો રાજકુમારી યારા સંભાળો.

મોરોટોસે પોતાની શક્તિ થી એક મોટો થાંભલો ઉઠાવી યારા તરફ ફેંક્યો.

સમયસૂચકતા વાપરી યારા એ કૂદકો માર્યો ને એ ઉપર હવામાં ઉચકાઈ ને પાછી નીચે આવી ગઈ.

રાજા મોરોટોસ ધૂવાપુઆ થઈ ગયો. એ સમજી ગયો કે આવી શક્તિઓ તો માત્ર તેના કુટુંબના વારસદાર પાસે જ હોય શકે. તેણે ફરી યારા પર હુમલો કર્યો અને ફરી યારા એ પોતાને બચાવી લીધી.

મોરોટોસે થાંભલો ઉઠાવી ને યારા પર ફેંક્યો એટલે જ્યાં થી એ થાંભલો ઉઠાવ્યો હતો તેની સ્થિરતા ડગી ગઈ અને બધું નીચે પડવા લાગ્યું. પણ સદ નસીબે કોઈ નુકશાન કે જાનહાનિ ના થઈ. પણ મહેલનો તે ભાગ નબળો થઈ ગયો. ને બધું હલવા લાગ્યું. તેમાં થી કાંકરી ચારો ખરી રહ્યો હતો.

હવે મોરોટોસે પોતાના જીવન રક્ષક હીરા ને આગળ કર્યો.

બધા ડરી ગયાં. ગ્લોવર, કેટરીયલ, ફિયોના, કવીન્સી બધાં યારા ની આગળ આવી ગયા. એ લોકો સારી રીતે જાણતા હતા કે મોરોટોસ નો જીવન રક્ષક હીરો હવે આગ ઓકશે.

યારાએ એ લોકો ને કહ્યું, તમે લોકો ખસી જાવ. આજે વોસીરોના લોકો ને જોવા દો કે એમનો રાજા કેટલો ક્રૂર થઈ ગયો છે. તે પોતાના જીવન માટે નિર્દોષ લોકો ને મારતા પણ ખચકાતો નથી.

પણ યારા ..... યારાએ કેટરીયલને બોલતા અટકાવી ને પોતે બોલી, માતા આજે રાજા મોરોટોસ ને પોતાનો બધો ગુસ્સો કાઢી લેવાં દો. હું પણ જોવું છું કે એક રાજા માટે શું મહત્વનું છે?

હવે યારા અને મોરોટોસ આમને સામને હતાં. મોરોટોસનો જીવન રક્ષક હીરો જેવો તેણે આગળ કર્યો એટલે તેમાં થી આગ નીકળવા લાગી અને તે યારા તરફ આવી રહી હતી. પણ તે આગ યારા ને અડી શકી નહીં.

યારા અને ત્યાં ઊભેલા બધા જ નવાઈ પામી ગયા કે આ કેવી રીતે થયું?

જે સમયે મોરોટોસે જીવન રક્ષક હીરો યારા તરફ કર્યો તેજ સમયે યારા નો જીવન રક્ષક હીરો તેજમયી થઈ ગયો અને તેણે યારા ની આજુબાજુ એક કવચ બનાવી દીધું. જેના કારણે પેલી આગ તે કવચ ની બહાર જ રહી ગઈ. તે યારા ને બાળી શકી નહીં.

હવે બધાં એ જોયું કે યારા સલામત છે અને તેનો જીવન રક્ષક હીરો તેની મદદે આવી ગયો છે એટલે તે બધા ને હાશ થઈ.

મોરોટોસ હજુ પણ યારા ની સાથે ટક્કર લઈ રહ્યો હતો.

તેજ સમયે રાજમાતાએ ઉકારીઓને ઈશારો કર્યો અને ઉકારીઓ એ વાનર ની જેમ કૂદી ને મોરોટોસના હાથમાં થી તેનો જીવન રક્ષક હીરો છીનવી લીધો. ને ઉકારીઓ ની ઝપટના કારણે રાજા મોરોટોસ નીચે પડી ગયો.

ઉકારીઓ એ જીવન રક્ષક હીરો રાજમાતાને આપી દીધો.

ઝીટન રાજા મોરોટોસ ને બંધી બનાવી લો, રાજમાતાએ આદેશ આપ્યો.

રાજમાતાનો આદેશ મળતા તરત જ ઝીટને આગળ વધી રાજા મોરોટોસ ને બંધી બનાવી લીધા. રાજા મોરોટોસ તેની સામે જોવા લાગ્યો. પણ ઝીટને રાજમાતાના આદેશ નું પાલન કર્યું.

યારા હવે સુરક્ષિત હતી. બધા લોકો ખુશ થઈ ગયા. વોસીરો ની પ્રજા જોર જોર થી બુમો પાડવા લાગી. ને પોતાની રાજકુમારી ને વધાવી લીધી.

રાજમાતા કેટરીયલ અને યારા ને સાથે લઈ પોતાની જગ્યા પર ગયા. તે ખૂબ ગુસ્સામાં હતાં.

મોરોટોસે પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી ને પોતાના સ્વાર્થ માટે રાજકુમાર ઓરેટોન ની હત્યા કરાવી છે. તેમજ રાણી કેટરીયલને વર્ષો સુધી કેદમાં રાખી તેમની સાથે અન્યાય કર્યો છે. તેમજ એક સ્ત્રી ની નિર્બળતા નો લાભ લીધો છે. તેમજ મોરોટોસે પોતાની જીંદગી બચાવવા માટે વોસીરોની વારસદાર રાજકુમારી યારા ને વર્ષો સુધી તેમના પરિવાર અને હક્કો થી દૂર રાખી છે. જે તેમના ગુના છે જેના માટે તેમને વોસીરો.....રાજમાતા બોલતા હતાં ત્યાં રાણી કેટરીયલ વચ્ચે બોલ્યા.

ક્ષમા રાજમાતા પણ આપ રાજા મોરોટોસ ને કોઈ સજા આપો એ પહેલા હું કઈ કહેવા માંગુ છું.

બોલો રાણી કેટરીયલ, રાજમાતાએ કહ્યું.

રાજમાતા રાજા મોરોટોસ એ માત્ર મારો કે રાજકુમારી યારનો ગુનેગાર નથી. એ આખા વોસીરો નો ગુનેગાર છે. તેમને વોસીરોની પ્રજા સાથે છેતરપિંડી કરી છે. એટલે તેમને પણ ન્યાય મળવો જોઈએ, કેટરીયલે કહ્યું.

રાણી કેટરીયલ હું તમારી વાત સાથે સહમત છું. ને એટલે હું વોસીરો ની રાજમાતા ઈમોગન મોરોટોસને મૃત્યુદંડ ની સજા ફટકારું છું, રાજમાતાએ મક્કમતા થી કહ્યું.

બધા લોકો જોર જોર થી બુમો પાડવા લાગ્યા, "મૃત્યુદંડ, મૃત્યુદંડ." ચારેબાજુ એક જ અવાજ સંભળાતો હતો.

રાજા મોરોટોસ આ અવાજો સાંભળી ભાંગી ગયો હતો. તે દુઃખી લાગતો હતો.

યારા ચારે તરફ જોવા લાગી. તે ઉભી થઈ અને બોલી, રાજમાતા આપની પરવાનગી હોય તો હું કંઈક કહેવા માંગુ છું.

રાજમાતાએ હાથ ઉંચો કરી બધા ને ચૂપ રહેવા કહ્યું. ને પછી યારા સામે જોઈ ને બોલ્યા, હા રાજકુમારી યારા બોલો શું કહેવું છે તમારે.

રાજમાતા હું ઈચ્છું છું કે રાજા મોરોટોસને મૃત્યુદંડ ની સજામાં થી મુક્ત કરવામાં આવે, યારા એ બહુ શાંતિ થી કહ્યું.

બધા આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. બધા ની નજર યારા પર ચોંટી ગઈ.

મોરોટોસે માથું ઉંચુ કરી યારા તરફ જોયું. તેની આંખોમાં તેને એક અજબની ચમક દેખાતી હતી. તેની આંખો નું તેજ મોરોટોસને આંજી રહ્યું હતું. જાણે તેની આંખો મોરોટોસ ને કંઈક કહી રહી હોય. મોરોટોસ ને યારા ના ચહેરા પર એક ન સમજાય તેવું સ્મિત દેખાય રહ્યું હતું.

મોરોટોસ ને ઓરેટોનની યાદ આવી ગઈ. કેટલો વિશ્વાસ હતો તેને પોતાના મોટાભાઈ પર. ક્યારેય તેણે એને ઓછું નહોતું આવવા દીધું. કેટલો પ્રેમ હતો બન્ને ભાઈઓ વચ્ચે. મોરોટોસને પોતાના કરેલા કર્મો માટે પસ્તાવો થવા લાગ્યો. તેની આંખો આંસુઓ થી ભરાઈ આવી.

રાજકુમારી યારા તમે શું બોલી રહ્યા છો તેની તમને ખબર છે? રાજમાતા એ પૂછ્યું.

હા રાજમાતા. હું રાજા મોરોટોસના મોત ની અપેક્ષા નથી રાખતી. જો એમને મોત જ આપવું હોત તો બીજા પણ ઉપાયો હતાં. હું તો માત્ર એટલું જ ઈચ્છતી હતી કે રાજા મોરોટોસને પોતે કરેલા ગુનાનું ભાન થાય. તેમને ખબર પડે કે એમણે જે કર્યું તે ખોટું હતું. કોઈપણ વસ્તુ ક્યારેય અમર હોતી નથી. જે આ દુનિયામાં આવે છે તે બધા જ પછી તે માનવી હોય, પશુ પક્ષી હોય કે કોઈ વસ્તુ હોય તે બધા નશ્વર છે. તેનો ક્યારેક ને ક્યારેક નાશ થવાનો જ છે. બસ આજ વસ્તુ તેમને સમજાવા માંગતી હતી. મેં ક્યારેય રાજા મોરોટોસનું મોત નથી ઈચ્યું, રાજકુમારી યારા એ કહ્યું.

બધા યારાની વાતો શાંતિ થી સાંભળી રહ્યાં.

રાજમાતા જો માતા કેટરીયલ ઈચ્છે તો તમે આ સજા કાયમ રાખી શકો છો, યારા એ કહ્યું.

રાજમાતાએ રાણી કેટરીયલની સામે જોયું. કેટરીયલ આંસુ ભરી આંખે યારા ની વાતો સાંભળી રહી હતી.

રાજકુમારી યારા તમે રાજા મોરોટોસને માફ કરી શકો પણ હું તેમને માફ ના કરી શકું. એક માતા તરીકે હું રાજા મોરોટોસને મારા પુત્રની હત્યા માટે ક્યારેય ક્ષમા નહિ કરું, રાજમાતા ગુસ્સામાં બોલી રહ્યા હતાં.

મોરોટોસ માથું નીચું રાખી આ બધું સાંભળી રહ્યો હતો. તેને પોતાના કરેલા ગુના માટે ખરેખર પસ્તાવો હતો.

રાજમાતા તમે એક માતા તરીકે રાજા મોરોટોસને માફ ના કરી શકો. પણ રાજા મોરોટોસ સૌથી વધારે મારો ગુનેગાર છે. તેમણે મારી પાસે થી મારો પતિ, બાળક અને જીવનના અમૂલ્ય વર્ષો છીનવી લીધાં. વર્ષો સુધી બંધી બનાવી મને તકલીફો આપી. તો રાજા મોરોટોસને સજા આપવાનો હક્ક માત્ર મને જ છે, રાણી કેટરીયલે કહ્યું.

રાણી કેટરીયલ હું વોસીરોની રાજમાતા તમને હક્ક આપું છું કે તમે જે ઇચ્છો તે સજા મોરોટોસ ને આપી શકો છો, રાજ માતાએ એલાન કર્યું.

રાણી કેટરીયલ રાજમાતા ની પાસે ગઈ અને તેણે મોરોટોસનો જીવન રક્ષક હીરો તેમની પાસે થી માંગ્યો. રાજમાતાએ જીવન રક્ષક હીરો કેટરીયલ ને આપ્યો.

કેટરીયલ તે લઈ ને રાજા મોરોટોસની પાસે ગઈ ને બોલી, ક્લિઓપેટર ઝીટન રાજા મોરોટોસને બંધન માં થી મુક્ત કરો.

ઝીટને મોરોટોસ ને મુક્ત કરી દીધો.

પછી કેટરીયલ બોલી, આ લો રાજા મોરોટોસ તમારો જીવન રક્ષક હીરો.

રાજા મોરોટોસ અને ત્યાં ઉપસ્થિત બધાજ રાણી કેટરીયલ ને જોઈ રહ્યાં.

રાજા મોરોટોસ આમ ના જુઓ. હું રાણી કેટરીયલ તમને તમારું રાજ્ય પાછું સોંપુ છું. ને દરેક ગુના અને સજામાં થી તમને માફ કરું છું. તમે જીવો ત્યાં સુધી વોસીરો પર રાજ કરો, રાણી કેટરીયલે મક્કમતા થી કહ્યું.

બધા લોકો અચંબિત થઈ ગયાં. રાજા મોરોટોસ પાસે હવે કઈ બચ્યું નહોતું. યારા અને કેટરીયલે તેને માફી આપી ને તેનું સર્વસ્વ ઝૂંટવી લીધું હતું.

રાણી કેટરીયલ તમે આ શુ કરી રહ્યાં છો. આ યોગ્ય નથી, રાજમાતાએ કહ્યું.

રાજમાતા જો આજે ઓરેટોન હોત તો એમણે પણ આમજ કર્યું હોત. ઓરેટોન પોતાના મોટાભાઈ ને ખૂબ પ્રેમ કરતાં હતાં. એમણે ક્યારેય સત્તા ની અપેક્ષા રાખી નહોતી. એતો મારી અને અમારા સંતાન સાથે એક સારી જીંદગી જીવવા માંગતા હતાં. ને હું પણ હવે યારા સાથે એક સારી જીંદગી જીવવા માંગુ છું, એટલે વોસીરો ના રાજા મોરોટોસ જ રહેશે.
ત્યાં બેસેલા બધાં રાણી કેટરીયલની વાત સાંભળી ખુશ થઈ ગયા. બધાં તેમને ધન્ય છે રાણી કેટરીયલ એમ કહી બિરદાવા લાગ્યા. રાજા ચાર્લોટ અને રાણી કેનોથ ને પોતાની દીકરી પર ગર્વ થયો.

" ધન્ય છે રાણી કેટરીયલ, ધન્ય છે." તમે માફી આપી ને દુનિયાની સૌથી મોટી જીત હાંસલ કરી લીધી છે. વોસીરોનો ઇતિહાસ હમેશાં તમારો ઋણી રહેશે, રાજમાતાએ આંખોમાં આંસુ સાથે કહ્યું.

તેઓ પોતાની જગ્યા પર થી ઉભા થઈ ને રાજા મોરોટોસ તરફ આવી રહ્યા હતાં ત્યાં પેલા તૂટેલા ભાગ નો એક થાંભલો પડવા જઈ રહ્યો હતો. યારા ની નજર તે તરફ ગઈ. તેણે સમયસૂચકતા વાપરી રાજમાતા ને પોતાની તરફ ખેંચી લીધાં. ને થાંભલો નીચે પડી ગયો. જો યારા રાજમાતાને ખેંચી ના લેતી તો એ થાંભલો તેમની ઉપર પડતો.

બધાં ડરી ગયાં. ક્લિઓપેટર, ઉકારીઓ, ગ્લોવર એ બધા ઝડપ થી એ તૂટતા ભાગ ને બચાવવા ત્યાં દોડી ગયાં. ઝડપ થી લાંબા લાકડાં લાવી તેને ઉભા રાખી તેને ટેકો કરવા લાગ્યાં. જેથી વધુ નુકશાન ના થાય. પણ તે છત નીચી થઈ જવાને કારણે એક લાકડું લાવતા ત્યાં લટકતા ઝુંમર ને વાગી ગયું. જેના કારણે ઝુંમર નીચે આવવા લાગ્યું.

બરાબર એ ઝુંમર યારા ની ઉપર હતું.

ગ્લોવરે જોર થી બુમ પાડી, રાજકુમારી યારા ત્યાં થી ખસી જાવ. ઉપર જુઓ.

યારા એ ઉપર જોયું. ઝુંમર સડસળાટ નીચે આવી રહ્યું હતું. યારા કઈ સમજે અને કંઈક કરે તે પહેલાં તો કોઈએ તેને ધક્કો મારી દીધો. ને તે દૂર જઈ ને પડી. ને ઝુંમર નીચે પડી ગયું.

બધા જોર થી બુમ પાડી ઉઠ્યા રાજકુમારી યારા..રા...રા...

પણ યારા સલામત હતી. તેણે ઉભા થઈ ને જોવા નો પ્રયત્ન કર્યો કે તેને ધક્કો કોણે માર્યો. ને તેની આંખો પહોળી થઈ ગઈ. ઝુંમર ની નીચે રાજા મોરોટોસ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. એ ધક્કો મોરોટોસે યારા ને બચાવવા માર્યો હતો. કોઈ કઈ સમજે અને કઈક કરે તે પહેલા રાજા મોરોટોસના ચહેરા પર એક સુંદર સ્મિત આવ્યું અને તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું.

બધાં આ જોઈ રહ્યાં. હવે કોઈ ને કઈ કહેવાનું રહ્યું નહોતું. ઘણાં બધાંની આંખોમાં આંસુ આવી ગયાં.

કેટરીયલ અને યારા એકબીજાની સામે જોવા લાગ્યાં. જાણે એકબીજાને પૂછી રહ્યા હોય કે આ કુદરત નો ન્યાય હતો કે પછી મોરોટોસે પોતે પોતાની માટે ન્યાય કર્યો?

ને ભવિષ્યવાણી સાચી પડી, " ઓરેટોન અને કેટરીયલનું આવનાર બાળક રાજા મોરોટોસની મોત નું કારણ બનશે." પણ કંઈક અલગ રીતે. મોરોટોસ નું મોત વોસીરોના વારસદાર ની રક્ષા કરતાં થયું. જો મોરોટોસે ભવિષ્યવાણી ને વધુ મહત્વ ના આપતાં જીવન જીવ્યું હોત તો આજે પરિસ્થિતિ કઈક બીજી હોત. જીવનમાં ભવિષ્યવાણીઓ નો અર્થ માત્ર ખરાબ જ નથી હોતો. કોઈવાર તેનો અર્થ આટલો સારો પણ હોઈ શકે.

રાજા મોરોટોસની અંતિમ ક્રિયા કર્યા પછી. યારા ને વોસીરોની વારસદાર ઘોષિત કરી રાજ્ય નો કારભાર સોંપવામાં આવ્યો. રાણી કેટરીયલ યારા ની સાથે વોસીરોમાં જ રહી ગયાં. યારા એ ગ્લોવર ને પોતાના સલાહકાર તેમજ રાજ્યના સેનાપતિ તરીકે વર્ણી કર્યા. ક્લિઓપેટર અને ઉકારીઓ ને પોતાના કામ સાથે આગળ વધતા રહેવાનું કહેવામાં આવ્યું. ભોફીન, અકીલ અને વેલીન ત્યાં જ યારા ની સાથે રોકાઈ ગયાં. ને વોસીરો ના સારા ભવિષ્ય માટે યારાએ રાજા ચાર્લોટ પાસે થી ઐયાર ફિયોના અને બુઓન માંગી લીધા અને તેમને રાજ્ય ના વિકાસ ની જવાબદારી સોંપી દીધી.

યારા પોતે એક સારી અને પ્રેમાળ રાજા બનવા માટે આ બધા પાસે થી તાલીમ લેવા લાગી.

(વ્હાલા વાચકમિત્રો આજે અહીં મારી, તમારી અને યારા ની સફર પુરી થાય છે. તમે લોકોએ 'યારા' ને તમારો કિંમતી સમય આપી સાથ આપ્યો તે બદલ તમારા બધાંનો ખૂબ ખૂબ આભાર. ને એ દરેક મિત્રો નો આભાર જેમણે દરેક એપિસોડ વાંચી મને વાર્તાને વધુ રોચક બનાવવા અભિપ્રાય આપી મદદ કરી. આશા રાખું છું કે તમને મારી વાર્તા ગમી હશે.
ધન્યવાદ આપ સૌનો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much everyone 🙏🙏🙏 शुक्रिया आप सबका🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏)

💐💐💐💐💐સમાપ્ત💐💐💐💐💐