Featured Books
શ્રેણી
શેયર કરો

અન્ય સજીવોને નુકસાન પહોંચાડી પોતાના પગે કુહાડો મારતો માનવ

પોતાની જાતને ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ સર્વોચ્ય માનતો માનવી એ હદે પોતાની કરણી પર વિશ્વાસ ધરાવે છે કે તેનાથી થતી નુકસાનીને શરૂઆતમાં નજર અંદાજ કરે અને પછી એકદમ મોટું નુકસાન ભોગવે છે. આ લેખમાં આપણે એવા પ્રાણીઓ વિષે વાત કરવી છે જે વર્ષોથી માનવીની સેવા કરતા હતા અને માનવીએ તેની કદી ગણના ન કરી અને આજે તેની કિંમત ચૂકવે છે.

ગરોળી:

જેને જોઈને ચીતરી ચડી જાય તેવું આ સરીસૃપ વર્ગનું પ્રાણી આમ તો માનવી સાથે વર્ષથી રહે છે. ગુફામાં માનવી જ્યારે વસવાટ કરતો થયો ત્યારે ગુફાની દિવાલમાં થતાં કિટકો ખાઈ જઈ તેણે માનવીની સેવા કરવાની શરૂઆત કરી. ગુફાવાસી માનવે વર્ષો બાદ જ્યારે ઝૂંપડા બનાવવાના શરૂ કર્યા ત્યારે તે ઝૂંપડામાં વપરાતા ડાળી ડાળખાં વિગેરેને કારણે થતી જીવાતથી તેને ખોરાક મળી રહેતો એટલે તે માનવીને બિલકુલ નુકસાન પહોંચાડયા વગર પ્રેમથી ખૂણાખાંચરાની સાફ સફાઈ કરતી રહેતી. આધુનિક મકાનોમાં માનવ જ્યાં દિવાળી ટુ દિવાળી સફાઈ કરે તે દરેક અભેરાઈની પાછળ, ફોટોગ્રાફની ફ્રેમની પાછળ, જૂના જમાનાના કબાટમાં પડેલ તિરાડો વિગેરે જેવી જગ્યાએ રોજેરોજ જઈને એક એક જીવાતનો સફાયો કરતી ગરોળીનો માનવીએ કયારેય આભાર ન માન્યો. અને હા ગરોળીથી ગભરાતા લોકો માટે ખાસ જણાવવાનું કે ગરોળી ક્યારે માનવીને બટકું ભરતી નથી! સામાન્યતઃ તે માનવીથી ડરે પણ છે અને શરમાય પણ છે. આજ કારણ છે કે તે બને ત્યાં સુધી માનવીની નજીક આવવાની કોશિશ પણ નથી કરતી.

ગરોળીનો નાશ ક્યારે શરૂ થયો તેની ખબર જ ન પડી. એક કારણ છે વૈશ્વિક તાપમાનનો વધારો. સરીસૃપ વર્ગના પ્રાણીઓ તાપમાનમાં થતાં બહોળા ફેરફારને સહન કરી શકતા નથી અને તેથી તેની સંખ્યામાં ઘટાડો થવો એ સામાન્ય છે. બીજું કારણ છે મકાનોનું આધુનિકરણ કરતી વખતે વપરાતી તકનિકો. જેમ કે વોલપેઈન્ટમાં વપરાતા પેસ્ટીસાઈડસ. નોંધ કરો કે ન કરો પણ માનવીની તેના પ્રત્યેની ઘૃણા પણ એક મહત્વનું કારણ બની છે. આધુનિકતાના યુગમાં વધારે પડતી ચોખ્ખાઈને નામે ગરોળીનું નિકંદન નીકળી ગયું છે.

આજ હવે જ્યારે ગરોડીની સંખ્યા ઘટવા માંડી છે ત્યારે મચ્છરનો ત્રાસ વધતો જાય છે અને મચ્છરના વધારાની સાથે સાથે માનવીને મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે જીવાતોથી ફેલાતા રોગોનો સામનો પણ કરવો પડે છે. મચ્છરોનો ત્રાસ ફેલાવાનું મુખ્ય કારણ ગરોળીઓની ઘટી ગયેલી વસ્તી છે.

દેડકો:

કાગડાને રમત થાય અને દેડકાનો જીવ જાય” આ કહેવત કદાચ એટલા માટે આવી છે કેમકે દેડકો ક્યારેય કોઈને નહોર ભરાવતો નથી કે બટકું ભરતો નથી. પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ આરામથી દેડકાને ચીરીને પ્રયોગો કરે છે પણ દેડકો ક્યારેય ન તો બટકુ ભરે કે ન તો તેનું ઝેર ચડે. બિલકુલ નિર્દોષ અને જરાપણ પ્રતિકાર ન કરી શકતો દેડકો કદાચ માનવીની જાણ બહાર જ આતંકનો ભોગ બન્યો છે.

વાત એમ છે કે માત્ર ચોમાસામાં દેખાતો દેડકો વધુ પડતો સમય પાણીમાં રહે છે અને પ્રજનન પણ પાણીમાંજ કરે છે. પાણીમાં હોય ત્યારે શ્વસન કરવા માટે તે ભીની ચામડીનો ઉપયોગ કરે છે. આપણને જ્યારે શ્વાસ લેવામાં દુર્ગંધ આવે ત્યારે આપણે નાકે ડૂચો લગાડી દઈએ પણ દેડકાની ત્વચા ન તો ડૂચો લગાવી શકે કે ન તો દૂર ભાગી શકે. કૂવાને બદલે તળાવમાં રહેતો કે નદીમાં વહેતો દેડકો બિચારો ગમે તેટલી કોશિશ કરે પણ ખૂબ દૂર જઈ શકતો નથી. અત્ર તત્ર સર્વત્ર પ્રદૂષણ ફેલાવામાં જરાય પાછીપાની ન કરનાર માનવીએ જ્યારે પાણીને પ્રદૂષિત કરવાનું શરૂ કર્યુ ત્યારે તેણે જાણતા-અજાણતા ભીની ત્વચા દ્વારા શ્વસન કરવા ટેવાયેલ દેડકાને પ્રદૂષિત પાણીમાં શ્વાસ લેવાની ફરજ પાડી.

જરાયે પ્રદૂષણ સહન ન કરી શકનાર દેડકાઓની સંખ્યા ઘટવા માંડી. ઘટતી દેડકાની સંખ્યાનો સીધો ફાયદો મચ્છરોને થયો. કીટક પર નભતા દેડકાની ગેરહાજરીમાં મચ્છરોએ માઝા મૂકી અને પરિણામ આપણી સામે છે. તાવ અને ડેન્ગ્યુના કિસ્સામાં થયેલ વધારાને માટે પ્રથમ જવાબદાર દેડકાઓનું નિકંદન કાઢનાર સુજ્ઞ મહાશયને હજુ કેટલું પ્રદૂષણ ફેલાવવું છે તે રામ જાણે પણ કદાચ પોતાના આરોગ્ય પર મંડરાતો ખતરો તેને પ્રદૂષણ ઘટાડવા મજબૂર કરે તો સારું. જો આમ નહીં થાય તો આવનાર ચોમાસાઓમાં દેડકાના ડ્રાઉં ડ્રાઉંને બદલે સ્મશાનવત્ શાંતિ અનુભવવી પડશે અને મેલેરિયા કે ડેન્ગ્યુથી ત્રસ્ત રુગ્ણાલયના ધક્કા ખાવા પડશે.

ગીધ:

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જો સ્વચ્છ ભારત અભિયાનની વિશેષ કામગીરી બદલ પ્રાણીઓ માટે કોઈ ખાસ પુરસ્કાર જાહેર કરે તો ગીધને તે ચોક્કસ મળે! મૃતદેહના હાડપિંજરમાં ચોંટેલા માંસના ટુકડાઓને ખાઈને સાફ-સફાઈ કરનાર ગીધનો ખૂબ મોટો ફાળો રોગચાળો અટકાવવામાં હતો.

માંસ સડી જાય અને રોગચાળો ફેલાય તે પહેલા ચૂપચાપ સફાઇની કામગિરી બજાવતા આ સફાઇ કામદારો જાણતા-અજાણતા મનુષ્યના ઉપયોગમાં આવતી દવાઓનો ભોગ બન્યા છે. ડાઈક્લોફેનાક નામક દવા સામાન્યતઃ દર્દ નાશક તરીકે ઉપયોગી છે પણ આ દવા જ્યારે મનુષ્યોને આપવામાં આવે ત્યારે તેના માંસમાં જમા થતી રહે છે. જમા થયેલા આ દવાવાળાવ મૃતદેહનું માંસ જ્યારે ગીધ ખાય ત્યારે તેના શરીરમાં જાય છે અને તે ઘાતક નીવડે છે. હજુ હમણાં 1980ના દાયકામાં ભારતમાં આઠ કરોડ જેટલી ગીધની વસ્તી હતી, પરંતુ આજે આ સંખ્યા માત્ર થોડા હજારમાંજ બચી છે.

ગીધની ઘટતી વસ્તીનું પરિણામ એટલે ફેલાતો જતો રોગચાળો. સડતા માંસ પર નભતા વિવિધ કીટકો, બેક્ટેરિયા વિગેરેની સંખ્યા વધતી જાય છે કેમ કે તેના ખોરાકમાં હવે કોઈની ભાગીદારી નથી. ગીધ હાજર હતા ત્યારે માંસ ખાઈને કોઈ ઉપદ્રવ ફેલાવતા નહોતા પણ કીઙટકો જેવા કે માખી , મચ્છર અને વિવિધ પ્રકારના બેક્ટેરિયાનો ત્રાસ વધતો જાય છે અને પૂરતો ખોરાક મળવાથી હૃષ્ટપુષ્ટ થયેલ આ ઉપદ્રવીઓ હવે આપણે છાંટેલ જંતુનાશકને પણ ગણકારતા નથી.

માનવીના વિચાર્યા વગરના ભરેલાં આ પગલાંઓ આજ હવે માનવીને નડી રહ્યા છે. વધુ પડતાં બુદ્ધિશાળી હોવાના વહેમમાં રાચતો માનવ ક્યારે પ્રકૃતિ પાસેથી શીખ લઈ તેની સાથે તાલમેલ કરશે તે ભગવાન જાણે.