Minor Planet got name of great indian Classical Musician books and stories free download online pdf in Gujarati

Minor planet (નાના ગ્રહ) ને મળ્યું એક મહાન ભારતીય સંગીતકાર અને શાસ્ત્રીય ગાયકનું નામ

આપણી સૂર્યમાળા એટલે કે સૌરમંડલમાં ઘૂમી રહેલા એક નાના ગ્રહ (minor planet) ને મળ્યું એક મહાન ભારતીય સંગીતકાર અને શાસ્ત્રીય ગાયકનું નામ. કયા નાના ગ્રહને મળ્યું અને કયા સંગીતકારનું નામ મળ્યું તે જાણતા પહેલાં થોડું ગ્રહોના નામકરણનું વિજ્ઞાન જાણી લઇએ.

International Astronomical Union" (IAU)ના નામથી ઓળખાતા આંતરરાષ્ટ્રીય સંગઠનનું મુખ્યાલય ફ્રાન્સનું પેરિસ શહેર છે. આ સંસ્થા દરેક અવકાશી પદાર્થોના નામ નક્કી કરવા માટે જવાબદાર સંસ્થા છે. IAUની સ્થાપના 1919માં થઈ હતી. કોઈ પણ ખગોળીય પિંડની શોધ થાય તેની જાણ IAUને કરવામાં આવે છે. ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, માઇનોર પ્લાનેટસ વગેરેનું નામકરણ કરવા માટેની પદ્ધતિ જુદી જુદી છે.

વાચકોના ખગોળ વિજ્ઞાનને એક વાર તાજું કરવા નોંધી લઈએ કે ગ્રહો કરતાં ઉપગ્રહ નાના હોય અને લઘુગ્રહ તેનાથી પણ નાના હોય. લઘુગ્રહથી નાના હોય તેવા ખગોળીય પિંડોને માઇનોર પ્લાનેટસ કહે છે. આમ તો આ માઇનોર પ્લાનેટ એક જાતના લઘુગ્રહ છે જે સૂર્ય કે અન્ય તારા કે ગ્રહની આસપાસ પ્રદક્ષિણા કરે છે. લઘુગ્રહ અને માઇનોર પ્લાનેટ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે લઘુગ્રહ પોતાના ગુરુત્વાકર્ષણથી તેમાં રહેલા પદાર્થોને જકડી રાખે છે જયારે માઇનોર પ્લાનેટ એટલા નાના હોય કે તેઓ પોતાનું ગુરુત્વાકર્ષણ નહીવત ધરાવતા હોય છે. માઇનોર પ્લાનેટસમાં અન્ય વિવિધ પ્રકારના ખગોળીય પિંડનો પણ સમાવેશ થાય છે. જેમકે ધૂમકેતુ, ટ્રોજન અને સેન્ટર (centaurs) વગેરે વગેરે.

માઇનોર પ્લાનેટસના નામકરણ માટે IAU દ્વારા એક કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં પંદર સભ્યો હોય છે. આ કાર્યકારી સમિતિના સભ્યો નવા શોધાયેલા માઇનોર પ્લાનેટને હંગામી કોડ નામ આપે. આ હંગામી કોડમાં શરૂઆતના ચાર અંક છે તે શોધનું વર્ષ સૂચવે છે, પછી અંગ્રેજી મૂળાક્ષરોના બે અક્ષરો અપાય છે અને જરૂર પડે તો છેલ્લે બે અંક પણ અપાય છે. દા. ત. 1989AC અથવા 2002LM60. માઇનોર પ્લાનેટનું ઓછામાં ચાર વખત અલગ અલગ સમયે અવલોકન થયા બાદ ખાતરી થાય છે કે માઇનોર પ્લાનેટ અસ્તિત્વ ધરાવે છે. નાના ગ્રહનું અસ્તિત્વ નક્કી થઇ ગયા બાદ તેને કાયમ માટે એક તકનીકી અંક (અનુક્રમાંક પણ કહી શકાય) આપી દેવામાં આવે છે અને આ સાથે શોધકને તેનું નામકરણ કરવાનો હક્ક મળે છે અથવા સમિતિ શોધકને તેણે શોધેલા માઇનોર પ્લાનેટનું નામકરણ કરવા આમંત્રે છે. શોધકને મળેલ આ હક્કનો ઉપયોગ કરી શોધક દશ વર્ષ સુધીમાં પોતે શોધેલા લઘુગ્રહનું નામકરણ કરી શકે છે. શોધકે આ સાથે નામ આપવા માટેનું નાનું વિવરણ પણ સાથે જોડવાનું રહે છે જેને “citation” કહે છે.

નામકરણને અધિકૃત કરતી સમિતિ અલગ હોય છે. આ સમિતિને Committee for Small Bodies Nomenclature (CSBN) કહે છે. નામકરણ કરતી સમિતિને જેવું નામ મળે કે તેની મિટીંગમાં ચર્ચા કરવામાં આવે અને નામકરણના નિયમોની જાણવણી થઇ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. નિયમ મુજબ નામ વધુમાં વધુ અંગ્રેજીના 16 અક્ષરોનું હોવું જોઈએ. તેનો કોઈને કોઈ ભાષામાં સ્પષ્ટ ઉચ્ચાર થતો હોવો જોઈએ. આ ઉપરાંત તે કોઈ અશ્લીલ કે આક્રમક અર્થ ધરાવતું ન હોવું જોઈએ. રજુ થયેલ નામ સીધી કે આડકતરી રીતે કોઈ વ્યાપારિક બાબત સાથે સંકળાયેલ ન હોવું જોઈએ. અન્ય કોઈ માઈનોર પ્લાનેટને તે નામ અપાઈ ગયેલ હોય તો ગૂંચવાડો ઊભો થાય. તેથી તેવું નામ પણ સ્વીકારવામાં આવતું નથી. વિજ્ઞાનને તત્કાલીન રાજકારણથી દૂર રાખવા કોઈ પણ રાજકીય કે લશ્કરી બાબત કે તેની સાથે સંકળાયેલ વ્યક્તિનું નામ પણ તે ઘટનાના ઓછામાં ઓછા સો વર્ષ સુધી સ્વીકારવામાં આવતું નથી.

જ્યારે રજુ થયેલ નામ સંપૂર્ણ રીતે સ્વીકૃત થઇ જાય ત્યારે Minor Planet Circular કે જેનું પ્રકાશન માઇનોર પ્લાનેટ સેન્ટર દ્વારા દર મહિને કરવામાં આવે છે, તેમાં જાહેર થાય છે. ટેક્નિકલી આ પ્રક્રિયાની પળોજણ ભલે ગમે તેટલી લાંબી હોય પણ એક વાર કોઈ પણ નાના ગ્રહને જે તે વ્યક્તિ કે સંસ્થાનું નામ મળે તો તે વ્યક્તિ કે સંસ્થાનું નામ ખગોળ શાસ્ત્રના ઈતિહાસમાં અમર થઇ જાય.

માઉન્ટ લેમોન ઓબ્ઝરવેટરી નામક વેધશાળા અમેરિકાના એરિઝોના રાજ્યના ટક્સન શહેરમાં આવેલ ઉત્તર પૂર્વ દિશામાં આવેલ સાંતા કૈટાલિનાની ગિરિમાળામાં સ્થિત છે. આ વેધશાળા દ્વારા ૧૧ નવેમ્બર, ૨૦૦૬ના રોજ શોધાયેલ માઈનોર પ્લાનેટને ખબર નહીં હોય કે ભવિષ્યમાં તેનું નામ ૨૮ જાન્યુઆરી ૧૯૩૦માં હિસાર ખાતે જન્મેલ મહાન ભારતીય સંગીતકાર અને શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ ગાયક પંડિત જસરાજ સાથે જોડાઈ જશે.

IAUના નિયમાનુસાર ૨૦૦૬ની સાલમાં શોધાયેલા આ માઈનોર પ્લાનેટને 2006VP32 જેવો કોડ આપવામાં આવ્યો અને ઓછામાં ઓછા ચાર વાર અવલોકન થયા પછી તેને ૩૦૦૧૨૮ ક્રમાંક આપવામાં આવ્યો. સૂર્યમાળામાં રહેલ તેમજ મંગલ -ગુરુની વચ્ચે ભ્રમણ કરતા આ માઈનોર પ્લાનેટને ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના "પંડિત જસરાજ" નામ આપવામાં આવ્યું. પંડિતજી પ્રથમ ભારતીય સંગીતકાર છે જેને આ લાભ મળ્યો હોય. ભૂતકાળમાં અનેક સંગીકારોને (પણ ભારતીય નહીં) અને અનેક ભારતીયો (પણ સંગીતકાર નહીં)ને આ લાભ મળેલ છે.

પંડિતજી માટે આ ઘટનાને "feather in crown"ને બદલે "planet in crown" કહી શકાય. થોડી ક્ષણોમાટે વિજ્ઞાનની બહાર આવીને માની લઈએ કે માઈનોર પ્લાનેટને હૃદય છે. માઈનોર પ્લાનેટ "પંડિત જસરાજ"નું હૃદય તપાસવામાં આવે તો તેમાં ચોક્કસ ઘંટડી વાગતી હશે અને આ ઘંટડી પછી સપ્તકના સૂર રેલાવતી હશે. કયારેક આપ આકાશદર્શન કરી રહ્યા હો અને કોઈ ખગોળીય પદાર્થમાંથી સરસ મજાની 'સારેગમપ'ની સુરાવલી વહેતી નજરે ચડે તો માનજો કે તે ખગોળીય પિંડ minor planet “પંડિત જસરાજ” છે.

બીજા રસપ્રદ વિકલ્પો