Parenthood in animals books and stories free download online pdf in Gujarati

પ્રાણીઓ માં પિતૃત્વ

પ્રાણીઓ માં પિતૃત્વ

આપણાં સાહિત્યમાં ઘણી કહેવતો છે “ઘોડે ચડતો બાપ મરજો પણ દરણા દરતી મા ન મરજો”, “મા તે મા બીજા વગડાના વા”, “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ”, વિગેરે વિગેરે...! જ્યારે સાહિત્ય કે લોકબોલીમાં પિતા વિષેના સાહિત્ય તરફ નજર કરીએતો બહુ ઓછું સાહિત્ય મળે છે. સારું છેકે પ્રાણીઓને આપણી ભાષા આવડતી નથી નહિતર ઘણા પ્રાણીઓ આપણાં સાહિત્યકારોને કુદરતની કોર્ટમાં ઢસડી જાત અને એક પિતા પોતાના બાળક માટે શું શું કરી શકે તેની રજૂઆત કરી આપણને નીચું જોવડાવત. ખાસ નોંધ: અહી માતા ની નહીં પણ પિતા ની વાત થાય છે.

કેટફિશ

આમતો આપણે ત્યાં જ્યારે ગર્ભાવસ્થા હોય ત્યારે માતાએ ઘણી બધી સાર સંભાણ લેવી પડતી હોય છે અને પરમ પૂજનિય પિતાશ્રીને ખાસ કામ હોતું નથી અને તેમાંય ખોરાક બાબતે કશીજ પરેજી પાડવાના હોતી નથી. ઇંગ્લિશમાં “Heard Headed catfish” જેને આપણે પણ સામાન્ય રીતે કેટફિશ તરીકે ઓળખીએ છીએ તે દરિયાઈ પ્રાણીમાં પિતા ઉપવાસ કરે છે. કેટફિશની માતા અડતાલીસ જેટલા ઈંડા મૂકી અને પિતાના ભરોસે છોડી દે છે. હવે પિતાની જવાબદારી છેકે તેઓશ્રીએ ઈંડાનું ધ્યાન રાખવાનું. માત્ર ઈંડાનું ધ્યાન રાખવાનું નથી પણ ઈંડાનું સેવન પણ કરવાનું અને મહિના પછી ઈંડામાંથી જ્યારે બચ્ચાનો જન્મ થાય ત્યારે દરિયામાં આ નાના બાળકોને છોડી ન દેતા પોતા ની સાથેજ રાખવાનાં અને તે પણ બીજા એક મહિના માટે એટલેકે બે મહિના ની જવાબદારી. કેટફિશે જો ઓસ્ટ્રેલિયાનાં જંગલ માં જન્મ લીધો હોતતો કુદરત તરફ થી તેને ઉત્ક્રાંતિની ભેટ સ્વરૂપે પેટે કોથળી મળી હોતકે જેમાંતે નાના નાના ટાબરિયાને સાચવત! પણ કુદરતે નર કેટફિશને મોઢામાં કોથળી આપી છે અને આ કોથળીમાં ઈંડા સેવવાના તથા સાચવવાનું બંને હોય છે. સતત બે મહિના સુધી કરવી પડતી આ કસરત માં બિચારા નર કેટફિશ ને જબરદસ્ત ડાયેટિંગ કરવું પડે છે. ડાયેટિંગનું લેવલ લિમિટેડ ખોરાક નહીં પણ બિલકુલ ઉપવાસ હોય છે. મોઢામાં શરૂઆતમાં ઈંડા અને પછી બાળક ને સાચવવા માટે બિચારા કેટફિશને સતત મો બંધ રાખવું પડે છે અને બે મહિના સુધી ખોરાક વગર ચલાવવું પડે છે. કેટફિશ આભાર માને ઈશ્વર નો કે આ કામ બે મહિનામાં પતી જાય છે. જો માનવ ની જેમ નવ મહિનાની કે હાથીની જેમ સત્યાવીસ માસ ની ગર્ભાવસ્થા હોત તો બિચારા નું આવી બનત!

આરોવાના માછલી

આમતો આ માછલી ને સાઉથ અમેરિકાનાં લોકો water monkey એટલેકે પાણી નાં વાંદરા તરીકે ઓળખે છે પણ મજાની વાત તો એ છેકે આ જળ-વાંદરો માછલી તેના બાળકો ની સંભાળ લેવામાં કેટફિશ આગળ નીકળી જાય છે. આરોવાના માછલી તેના બાળકો માટે માળો બનાવે છે, ઈંડાને પોતાના મુખમાં સેવે છે (કેટફિશ ની જેમજ)અને ત્યાર બાદ તેના બાળકોને ફરવા પણ લઈ જાય છે. બાળક મોટું નાં થાય ત્યાં સુધી તેને દુનિયા દેખાડવા ની જવાબદારી આરોવાના માછલી નો નર સાંભળે છે અને બીજી ભાષા માં કહોતો father cum teacher ની ભુમિકા ભજવે છે. આ પિતા ઉપરાંત શિક્ષકની ભુમિકા ભજવતા આરોવાના ને નિરાંત એ વાત ની છે કે તેને ઉપવાસ કરવા પડતાં નથી. કદાચ શિક્ષક ની ભુમિકા ભજવતા હોવાથી કુદરતે તેને કેટફિશ ની જેમ ભૂખ્યા રહેવા માંથી મુક્તિ આપી હશે.

ડાર્વિન દેડકો

ડાર્વિનનું નામ તો ઘણું જાણીતુજ છે અને ડાર્વિન દેડકો પણ તેના નામ પ્રમાણે ડાર્વિન દ્વારાજ એક જમાનામાં શોધાયેલ. આ દેડકા ની માદા ઈંડા મૂકી ને જતી રહે અને બધીજ જવાબદારી નર પર આવી જાય છે. વિસ દિવસ સુધી સતત ઈંડાની જાળવણી બાદ ઈંડામાં જ્યારે હલન ચલન ની શરૂઆત થાય કે તરતજ તેને જાળવવા માટે નર ઈંડાને તેના મોઢામાં લઈ અને વોકલ કોર્ડ એટલે કે ધ્વનિ રજ્જુઓ માં સાચવી રાખે છે. આ વોકલ કોર્ડમાંજ બચ્ચા નો જન્મ થાય છે અને બચ્ચાને શરૂઆતનાં દિવસોમાં હુંફ પણ મળે છે. એક સાથે ૧૯ જેટલા બાળકો ને પોતાના વોકલ કોર્ડ માં રાખવાથી તેના અંદરનાં અંગોમાં ઘણા ફેર બદલાવ આવી જાય છે પણ નશીબ જોગે અમુક સમય પછી બધા અંગો સામાન્ય થઈ જાય છે.

વંદો

વંદો જોઈને આપણને ચીતરી ચડે તે સામાન્ય બાબત છે પણ વંદો તેના બાળકને પ્રોટીનનું પૂરતું પોષણ મળી રહે તે માટે કઈ હદે જઈ શકે તે જાણ્યા પછી ખબર પડે કે આ ચીતરી ચડવાનું કારણ વંદાની ગળથૂથીમાં છે. સામાન્ય રીતે લાકડાં પર નભતા વંદાને પૂરતા પ્રમાણ માં કાર્બોદિત પદાર્થો તો પુષ્કળ મળી રહે છે પણ જ્યારે બાળક વંદા ને પૂરતા પ્રમાણ માં પ્રોટીન મળી રહે તે માટે વંદા ના પરમ પૂજનીય પિતાશ્રી પક્ષીઓના ચરક ને ખાય છે. વાચકોને કહેવાની જરૂર નથી કે પક્ષી ના ચરક માં રહેલ યુરિક ઍસિડએ નાઇટ્રોજનનો ખુબજ સારો સ્ત્રોત છે. હવે નિર્ણય વાચકોએજ કરવાનો કે વંદા ની આ પુત્ર ભક્તિ માટે દાદ દેવી કે નહીં?

મરમોસેટ

બાળકના જન્મ સમયે સામાન્ય રીતે આપણે ત્યાં જૂના જમાનામાં દાયણની સિસ્ટમ હતી અને હવે મેટરનિટી હોમની સિસ્ટમ છે. જમાનો જૂનો હોય કે નવો, સામાન્ય રીતે પિતાનો રોલ માત્ર મૂક પ્રેક્ષક તરીકેનો હોય છે. પતિ તરીકે અને પિતા તરીકે મરમોસેટ જરા જુદા પડે છે. પતિ મરમોસેટ તેની પત્ની માટે દાયણ તરીકેનો રોલ ભજવે છે. પતિ મરમોસેટ જ્યારે પત્નીની પ્રસૂતિ થાય ત્યારે ગર્ભનાળ કાપે છે અને તાજા જન્મેલા બાળકને નવડાવે પણ છે. એકાદ અઠવાડીયા માટે બાળક માત્ર માતાને ચીપકી રહે છે પણ ત્યાર બાદ તેની સંભાળ લેવાની પૂરેપુરી જવાબદારી પિતાશ્રી સંભાળે છે. નર મરમોસેટ સતત બાળકને પીઠ પર સાચવે છે અને દર ૨-૩ કલાક બાદ બાળકને સ્તનપાન માટે માતાને સોંપે પણ સ્તનપાન પછી તરતજ પછી જવાબદારી સાંભળી લે છે. બાળકને મોટું કરવામાં પિતા અને ગ્રુપના બાકીના નર મરમોસેટ પણ ખુબજ કાળજી લે છે. ગાયનેકોલોજિસ્ટ તરીકેની ડિગ્રીના હોવા છતાં ડિલિવરીની જવાબદારી સંભાળતા મરમોસેટ ને પિતા તરીકેની બખૂબી જવાબદારી નિભાવવા બદલ કદાચ એમ. ડી. ગાયનેકોલોજિસ્ટ ની માનદ ડિગ્રી માણસ આપે કે ન આપે, કુદરતે તો આપેલજ છે.

એમપરર પેંગવિન (Emperor Penguin)

પેંગવિન માં માત્ર પિતાનીજ વાત કરીએ તો માતા ને અન્યાય થશે પણ આપણે અંહી પિતાની વાત કરવી છે. પેંગવિન પિતા સતત બે મહિના સુધી ઈંડા ને બે પગ વચ્ચે સાચવી રાખે અને ઈંડા સેવે છે. આમતો તેને પિંછા વાળી ચામડી મદદ રૂપ થાય છે ખરી પણ કામ તો અઘરું કેમકે આ બે મહિના દરમ્યાન તેને સતત ભૂખ્યું રહેવાનુ અને તે પણ એંટાર્કટિકા ના ભયંકર વાતાવરણ વચ્ચે. એટલા થી પૂરું ના હોય તો વાળી બાળક જન્મે ત્યારે તેને ખાસ પ્રવાહી પીવડાવવાનું, અને આ પ્રવાહી નર પેંગવિન ની અન્નનળી માંથી પીવડાવવાનું. સમ્રાટ પેંગવિન ને બિચારા ને ભૂખ્યું પણ રહેવાનુ અને બાળક ને પોષણ પણ આપવાનું, બબ્બે ચેલેન્જ! આ ચેલેન્જ પૂરી કરવામાં બિચારા નું ૨૦% જેટલું વજન ઘટી જાય છે. બિચારા નર પેંગવિન ને રજા ત્યારે મળે છે જ્યારે માદા પેંગવિન ભરપૂર પેટ ભરીને આવે છે. વાચકોને જરા વધારે જાણવા ની ઈચ્છા હોય તો આ બધુ તેમને જોવા મળશે પણ શિયાળા ની કળકળતી ઠંડીમાં અને તે પણ ધ્રુવ પ્રદેશ માં!

વાચકો ને ખાસ એક વાર “પેંગવિન: અ લવ સ્ટોરી” નામ ની સરસ મજાની ડોક્યુમેન્ટરી જોવા વિનંતી છે જેના હિન્દી સંસ્કરણમાં અમિતાભ બચ્ચન નો અવાજ છે.

રિયા (Rhea)

સાઉથ અમેરિકા માં જોવા મળતું આ પક્ષી બિલકુલ શાહમૃગ જેવુજ લાગે છે. રિયા ની ખાસિયત એ છે કે તે બાળક ની સંભાળ લેવાનું માત્ર એકજ કામ કરતું નથી. સમાગમ પછી નર રિયા ઘર બનાવવાની શરૂઆત કરે છે અને જેવુ ઘર બને કે તરત માદા ૧૦ થી ૬૦ ઈંડા મૂકી બીજા નર પાસે જતી રહે છે. હવે બધીજ જવાબદારી પરમ પૂજનીય પિતાશ્રીએ ઉઠાવવાની રહે છે. રિયા તેનો માળો બનાવે છે અને તેમાંથી થોડા ઈંડા તે બહાર ના ભાગ માં રાખે છે કે જેથી શિકારી પ્રાણી તેનો શિકાર કરે અને બાકી ના બચી જાય. નર રિયા ઈંડા સેવે છે અને બાળક ના જન્મ પછી તેની સંભાળ પણ કરે છે. ભૂલે ચૂકે પણ જો કોઈ તેના માળા ની આસપાસ ફરકે તો મર્યું સમજો. નર રિયા સો ટકા હુમલો કરે પછી ભલે તે માદા રિયા હોય કે માનવ. બાળક જ્યાં સુધી પોતા ની સાર સંભાળ લેવા સક્ષમ ના બને ત્યાં સુધી તેના પપ્પા તેની સંભાળ લિએ છે.

નામકવાનું બટાવરા (Namaqua sandgrouse)

ગુજરાતમાં જોવા મળતા બટાવરા અને સાઉથ આફ્રિકાના નામક્વાલેંડમાં જોવા મળતા નામકવા બટાવરામાં સામ્યતા એ છે કે બંને પોતાના બાળક માટે પોતાના પીંછાને ભીના કરી પાણી પૂરું પાડે છે. આપણે ગુજરાતના બટાવરાને પાણી મેળવવું બહુ અઘરું પડતું નથી પણ નામકવાલેંડ ના રેતાળ વિસ્તારમાં નામકવા બટાવરાને પોતાના બાળકો માટે ૮૦ કિલો મિટર દૂર પાણી લેવા જવું પાડે છે અને તે પણ ૫૦° ડિગ્રી સેલ્શ્યસ તાપમાને! સાઉથ આફ્રિકાના નામક્વાલેંડ વિસ્તાર માં એક સાથે હજારો ની સંખ્યામાં બટાવરાને પાણી ભરવા જતાં જોવાનો પણ એક લ્હાવો છે પણ ૫૦° ડિગ્રી તાપમાનનો ઉકળાટ સહન કરવાની તૈયારી હોય તો! તમારી ત્યાં જવાની તૈયારી હોય કે ના હોય, નામકવા બટાવરાની તો પૂરેપુરી જવાબદારી છેજ કે તે પોતાના બાળકોને પાણી પહોંચાડે.

દરિયાઈ ઘોડો

પિતૃત્વ ની જો સ્પર્ધા કરવામાં આવે નો સુવર્ણ ચંદ્રક ની દાવેદારી દરિયાઈ ઘોડાની છે. દરિયાઈ ઘોડા ના પેટ માં એક કોથળી હોય છે અને તેમાં માદા ઈંડા મૂકી ને જતી રહે છે. નર દરિયાઈ ઘોડો સતત બે મહિના સુધી ઈંડા ને પોતા પાસે રહેલ કોથળી માં સાચવે છે જેના થી તેનો દેખાવ બિલકુલ સગર્ભા જેવો લાગે છે. આમ માતા તરીકે નહીં પણ પિતા તરીકે પ્રસવ ની પીડા નો અનુભવ દરિયાઈ ઘોડો કરે છે. આ ઘટના બે મહિના સુધી સતત ઈંડા સેવવા માટે અને ત્યારબાદ બાળક ને સંભાળવાની જવાબદારી પણ ઉઠાવવાની! ઘણા પ્રકૃતિવિદો તેના માટે શ્રીમાન માતા (Mr. Mom) જેવા શબ્દો વાપરે છે જે ખરા અર્થ માં દરિયાઈ ઘોડો સાર્થક કરે છે. કદાચ વિજ્ઞાન આગળ વધી જાય અને માણસ માટે જો ટેકનૉલોજિ વિકસે અને પુરુષ માટે પણ સગર્ભા થવાનું શક્ય બને પણ સવાલ એ પેદા થશે કે માણસ જાત ના પુરુષો ની આ બાબતે માનસિક તૈયારી છે!....?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED