યારા અ ગર્લ - 23 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યારા અ ગર્લ - 23



પણ યારા હજુ ત્યાં જ ઉભી હતી. તે વિચારી રહી હતી, કે એક માતા પાસે આના થી વધારે શું અપેક્ષા રાખી શકાય. આટલા બધા વર્ષો દુઃખ વેઠયા પછી પોતાની દીકરી તેની સામે ઉભી છે છતાં તે ખુશ નથી. તેને પોતાની દીકરી ના જીવનની ચિંતા છે. તે ફરી એજ દુઃખ વેઠવા તૈયાર થઈ ગઈ જે તે અત્યાર સુધી વેઠી રહી હતી. તેને પોતાની કોઈ ચિંતા નથી.

ત્યાં કેટરીયલે તેને પકડી ને હચમચાવી નાંખી ને બોલી, યારા તું સાંભળે છે? તું અહીં થી પછી તારી દુનીયામાં ચાલી જા. તારા જીવ ને અહીં જોખમ છે.

યારા એ પ્રેમ થી કેટરીયલનો હાથ પકડ્યો અને તેને દોરી ને તેના પલંગ તરફ લઈ ગઈ. તેને કેટરીયલને પલંગ પર બેસાડી. પછી પોતે ફિયોના, ગ્લોવર, ભોફીન, કવીન્સી, રાજા ચાર્લોટ, બુઓન, કુતંગી, આરોન અને ઓકેલીસ ને વારાફરતી પકડી કેટરીયલની સામે ઉભા રાખી દીધા.

બધા વિચારવા લાગ્યા કે યારા શું કરી રહી છે. ને પછી યારા પોતે બધાની વચ્ચે ઉભી રહી ગઈ પછી બોલી, માતા હવે તમને લાગે છે કે મારા જીવ ને જીખમ છે? આ જુઓ કેટલા બધા લોકો મારી આજુબાજુ છે. ને હું આ બધા ની વચ્ચે સહીસલામત છું. ને માતા આ તો તમને ઓળખે છે તે છે. એ સિવાય પણ.... યારા બોલતા બોલતા ભોફીન, વેલીન અને અકીલ તરફ ગઈ અને એ ત્રણેય ને પકડી ને લઈ આવી. માતા આ લોકો પણ છે મારી સાથે. પછી તે ત્યાં થી આગળ વધી કેટરીયલ પાસે ગઈ ને ઘૂંટણીયે બેસી ગઈ ને તેનો હાથ પકડી બોલી, હજુ ઉકારીઓ છે. જે વોસીરોમાં રહી અમારી મદદ કરી રહ્યા છે.

માતા હું તમારી ચિંતા સમજુ છું. પણ હવે હું નાની નથી અને એકલી પણ નથી. હું મોટી થઈ ગઈ છું. મારી સાથે મારા પોતાના લોકો એક મજબૂત કિલ્લો બનાવી મારી રક્ષા કરવા ઉભા છે. એ લોકો મને કઈ નહિ થવા દે.

કેટરીયલ આંસુ ભરેલી આંખો સાથે યારા ને જોઈ રહી હતી. તેની વેદના આંસુ સાથે ટપકી રહી હતી.

રાણી કેટરીયલ તમે ચિંતા ના કરો. આપણે એટલે હારી ગયા હતા કે આપણી ઉપર અચાનક હુમલો થયો હતો. આપણે એકલા હતાં. આપણી પાસે આપણા બચાવ માટે કઈ નહોતું. પણ અત્યારે આપણે એકલા નથી. આપણે બધા સાથે છીએ. આપણે આપણા દુશ્મનને ઓળખીએ છીએ. આપણી પાસે આપણો બચાવ કરવાના ઘણા રસ્તાઓ છે, ગ્લોવરખૂબ જ શાંતિ થી અને વિશ્વાસ થી કહ્યું.

કેટરીયલ તું એકલી હતી તો પણ આટલા બધા વર્ષો એ દુઃખ, તકલીફો, પરિસ્થિતિઓ સામે લડી. હિંમત થી તેનો સામનો કર્યો માત્ર એકજ સાંત્વના સાથે કે તારી દીકરી સુરક્ષિત છે. પણ આજે એજ દીકરી તારી સાથે ઉભી છે. ને આજે તું એકલી નથી આ બધા જ તારી સાથે છે. તો શું આપણે જીતી નહીં જઈએ? શું એક મા ના આટલા બધા વર્ષો ના દુઃખ, તકલીફો ની એક સ્વાર્થી માણસના સ્વાર્થ આગળ કિંમત ઘટી ગઇ? કવીન્સી ખૂબ ભાવુકતા સાથે કેટરીયલ ને કહી રહ્યો હતો.

કેટરીયલે કવીન્સીનો હાથ પકડ્યો અને તેને પોતાની પાસે બેસાડ્યો. પછી તેના ખભા પર પોતાનું માથું મૂકી દીધું. કવીન્સી એ ખૂબ પ્રેમથી પોતાની બેનનો હાથ પકડી રાખ્યો. તે જાણતો હતો કે કેટરીયલ તકલીફમાં છે. તેના માટે પોતાના લોકોનો સાથ ખૂબ જરૂરી હતો. તે પોતાની મોટીબેન ની હાલત જોઈ ખૂબ દુઃખી હતો. પણ એ પોતાને સ્વસ્થ રાખવા પ્રયત્ન કરી રહ્યો હતો.

રાજા ચાર્લોટ અને બીજા લોકો ત્યાં થી બહાર નીકળી ગયા. યારા પણ તે લોકો ની સાથે કેટરીયલના કક્ષમાં થી બહાર નીકળી ગઈ.

દાદાજી, હું કઈ કહેવા માંગુ છું, યારા એ રાજા ચાર્લોટ ની સામે ઉભા રહી નમ્રતાપૂર્વક કહ્યું.

હા રાજકુમારી યારા બોલો, રાજા ચાર્લોટે કહ્યું.

દાદાજી હું લડાઈ કે યુદ્ધની વિરુદ્ધ છું કેમકે એમાં ઘણા નિર્દોષ લોકો ને વગર વાંકે સજા મળે છે. પણ હું અન્યાય ની વિરુદ્ધ છું. હું રાજા મોરોટોસ ની વિરુદ્ધ છું. તેમણે મારી માતા સાથે જે વ્યવહાર કર્યો તે યોગ્ય નથી. ને મારી ઇચ્છા છે કે રાજા મોરોટોસ ને તેમના ગુના માટે સજા મળવી જોઈએ. પછી એ સજા મોત ની હોય કે બીજી કોઈપણ, યારા એક જ શ્વાસે બોલી ગઈ. એના અવાજમાં બિલકુલ નરમાશ નહોતી.

બધાં યારા ને સાંભળી રહ્યા હતાં. બધા એ આજે યારામાં એક બદલાવ જોયો હતો.

રાજા ચાર્લોટે રાજકુમારી યારા ના માથે હાથ ફેરવતા કહ્યું, હા રાજકુમારી હવે તમે કહ્યું એવું જ થશે. તમે તમારી માતા ને સાચવો બીજું બધું અમે જોઈ લઈશું.

યારા રાજા ચાર્લોટ અને બીજા બધા નું અભિવાદન કરી ત્યાં થી વેલીન સાથે પોતાના કક્ષ તરફ નીકળી ગઈ.

બુઓન રાજકુમારી યારા એ ભલે આપણ ને બે વિકલ્પો આપ્યા હોય પણ હું તમને લોકો ને માત્ર એક જ વિકલ્પ આપું છું કે, રાજા મોરોટોસ ને બંધી બનાવો અને મારી સામે લઈ આવો. હું એને મોત આપી છૂટો નથી કરવા માંગતો. હું ઈચ્છું કે એ પણ એજ તકલીફમાં થી પસાર થાય જે અત્યારે કેટરીયલ વેઠી રહી છે, આપણે બધા અનુભવી રહ્યા છીએ. મોરોટોસ ને તેના ગુના માટે સજા આપવાની તૈયારી કરો, રાજા ચાર્લોટે કહ્યું.

જી રાજા ચાર્લોટ આપના આદેશ નું પાલન કરવામાં આવશે, બુઓને કહ્યું.

રાજા ચાર્લોટ ત્યાં થી ચાલ્યા ગયા.

ફિયોના તું રાજકુમારી કેટરીયલ ની સાથે રહે. પછી આપણે સેનાપતિ કવીન્સી સાથે બેસી આગળ ની રણનીતિ તૈયાર કરીશું, બુઓને કહ્યું.

હા બુઓન, પછી ફિયોના ત્યાં થી કેટરીયલ ના કક્ષ તરફ આગળ વધી. ને બીજા બધા પણ ત્યાં થી પોતપોતાના કામ માટે નીકળી ગયા.

રાજા મોરોટોસ પોતાના કક્ષમાં આવી ગયો હતો. તે ખૂબ ચિંતામાં હતો. એને સમજ નહોતી પડતી કે કેટરીયલ ગઈ તો ગઈ ક્યાં? એ નિકોસી ની રાહ જોઈ રહ્યો હતો. નિકોસી ને ગયે ત્રણ દિવસ થયા હતા.

રાજા ચાર્લોટ, નિકોસીએ મોરોટોસના કક્ષમાં આવતાં કહ્યું.
તે માથું નમાવી ઉભો હતો.

મોરોટોસ એકદમ ઉભો થયો ને નિકોસી ની પાસે ગયો, નિકોસી શું થયું? કેટરીયલ મળી ગઈ? મોરોટોસના અવાજમાં એક અજબની ગભરાટ હતી.

ના રાજા મોરોટોસ. મેં ઘણીબધી જગ્યાએ તપાસ કરી પણ રાણી કેટરીયલની કોઈ માહીતી મળી નથી, નિકોસી એ નિરાશા સાથે કહ્યું.

ઓહ.... નિકોસી એવું નહિ ચાલે. કેટરીયલ ને કોણ ખાઈ ગયું આકાશ કે જમીન? એ ક્યાંક તો હશે ને? એને શોધ, મોરોટોસ બુમો પાડી ને બોલી રહ્યો હતો.

જી રાજા મોરોટોસ હું પ્રયત્ન કરી રહ્યો છું. પણ આટલા દિવસ પછી એ ક્યાં છે તે જાણવું મુશ્કેલ છે. ને હું એકલો આ કામ ઝડપ થી નહીં કરી શકું, નિકોસી એ પોતાની મર્યાદા દર્શાવી.

મોરોટોસે નિકોસીની સામે જોયું. તે પોતે પણ જાણતો હતો કે આ કામ નિકોસી એકલો કરી શકે તેમ નથી. આટલી મોટી દુનિયામાં એ કેટરીયલ ને એકલો શોધી શકે તેમ નહોતો. તેણે નિકોસી ને બીજા આદેશ સુધી રાહ જોવા કહ્યું.

મોરોટોસ વિચારવા લાગ્યો કે કેટરીયલ ક્યાં ગઈ? ને કેવી રીતે ગઈ? તેણે પોતાનું મગજ દોડાવા લાગ્યું. પણ એને કોઈ એવો પુરાવો કે પ્રસંગ નહોતો મળી રહ્યો જે કોઈ મદદ કરી શકે. ને એવું કઈ મળવું પણ અશક્ય હતું કારણ કે એવું કશું ક્યારેય થયું જ નહોતું. એને થયું કે કદાચ કેટરીયલ મોસ્કોલામાં હોય તો? ને આ વિચાર માત્ર થી તે ધ્રુજી ગયો. એ જાણતો હતો કે જો એણે કરેલ ગુનાની રાજા ચાર્લોટ ને ખબર પડી જાય તો એનું જીવન મુશ્કેલીમાં મુકાય જાય. પણ હજુ સુધી એવું કશું થયું નહોતું.

હવે માત્ર એક જ ઉપાય હતો કે રાહ જોવી. ને નિકોસી પોતાની રીતે કેટરીયલ ને શોધે. એવું નહોતું કે મોરોટોસ કેટરીયલને શોધવા માણસો નહોતો રોકી શકતો. એ એક રાજા હતો. તેની પાસે સાધનસામગ્રીની કોઈ ઉણપ નહોતી. પણ એક રાજા તરીકે એ પ્રજા નો પ્રિય હતો. તેનું માનસન્માન દૂર દૂર સુધી ફેલાયેલું હતું. તે પોતાની શાખ પર કોઈ આંચ આવવા દેવા નહોતો માંગતો.

ને પ્રશ્ન એ હતો કે એ શું કહેતો? કે કેટરીયલ ને તેણે વર્ષો થી પોતાની મોતની બીકે કેદ કરી રાખી હતી? તેણે પોતાના જીવનની રક્ષા માટે પોતાના સગા ભાઈ ની હત્યા કરાવી હતી? એની પાસે કોઈ જવાબ નહોતો. ને એટલે તેણે ચુપચાપ કેટરીયલ ની શોધખોળ કરવાનું ચાલુ રાખ્યું.

ઘણીવાર એવું થાય છે કે માણસ પોતે જ કરેલા કર્મોમાં પોતે જ ફસાય જાય છે. પછી ભલે તે ગમે તેટલો બળવાન કે પૈસાદાર હોય. એ કઈ કરી શકતો નથી. બધું જ હોવા છતાં તે લાચાર અને નિર્બળ બની જાય છે. ને હાલ મોરોટોસની હાલત પણ આવી જ હતી.

રાણી કેટરીયલની હાલતમાં ઝડપ થી સુધાર થઈ રહ્યો હતો. યારા બને એટલો સમય માતા સાથે વિતાવતી હતી. તે પોતે ક્યાં હતી? શું હતી? તે કેવી રીતે મોટી થઈ? અહીં આવવા કેવા કેવા સાહસ કર્યા? આવું ઘણું બધું તે માતા કેટરીયલને કહેતી. તેણે કેટરીયલને પોતાની માતા ની ડાયરી પણ બતાવી અને એ સપનાઓ વિશે પણ કહ્યું જે એને અને તેની પાલક માતા ને આવતા હતાં.

કેટરીયલ ખૂબ ધ્યાન થી યારા ની વાતો સાંભળતી. તે યારા ને જોઈ ખુશ થતી. એ યારા ને જોઈ પોતાનું દુઃખ ભૂલવા પ્રયત્ન કરતી. ને જ્યારે યારા ના હોય ત્યારે તેની વાતો યાદ કરી ખુશ થતી. કેટરીયલ પાસે એવું કઈ નહોતું કે એ પોતાની દીકરી ને કહે. ને પોતાના દુઃખ ની વાતો કરી એ યારાને દુઃખી કરવા નહોતી માંગતી.

યારા પોતાની માતા સાથે બેસી વાતો કરી રહી હતી. ત્યાં એક સિપાઈ આવી બોલ્યો, રાજકુમારી કેટરીયલ રાજકુમારી યારા ને સભાખંડમાં રાજા ચાર્લોટે યાદ કર્યા છે.

યારા કેટરીયલની પરવાનગી લઈ સભાખંડમાં જવા નીકળી.

સભાખંડમાં બધા ઐયારો, સેનાપતિ, ગ્લોવર, ભોફીન બધાં જ હાજર હતાં.

યારા એ આવી માથું નમાવી બધાનું અભિવાદન કર્યું. પછી પોતાની જગ્યા પર બેસી.

રાજા ચાર્લોટ આપના આદેશ મુજબ મોરોટોસ ને બંધી બનાવવા માટે અમે યોજના બનાવી દીધી છે, સેનાપતિ કવીન્સી એ કહ્યું.

ખૂબ સરસ સેનાપતિ કવીન્સી. યોજના બતાવો, રાજા ચાર્લોટે વખાણ કરતાં કહ્યું.

રાજા ચાર્લોટ ફિયોના સિવાયના આપણા ચાર ઐયારો વેશ બદલી ને વોસીરો જશે. ને ત્યાં ઉકારીઓની મદદ થી મહેલમાં જ કોઈ કામ મેળવી લેશે. તેઓ ત્યાં પરિસ્થિતિઓ નો અભ્યાસ કરશે ને મોરોટોસ પર નજર રાખશે. ને એમને તક મળશે ત્યારે તેઓ મોરોટોસને બંધી બનાવી મોસ્કોલા લઈ આવશે. આ સમય દરમીયાન ઉકારીઓ તેમને મદદ કરશે. ને જે ગુપ્ત રસ્તા થી રાજકુમારી કેટરીયલને મોસ્કોલા લાવવામાં આવ્યા હતાં તેજ રસ્તા થી મોરોટોસને મોસ્કોલા લઈ આવવામાં આવશે. જેથી કોઈ ને ખબર પણ નહિ પડે અને કોઈ સમસ્યા પણ નહીં થાય, કવીન્સી એ યોજના સમજાવતા કહ્યું.

ના સેનાપતિ કવીન્સી તમારી આ યોજના બરાબર નથી, કેટરીયલે સભાખંડમાં પ્રવેશતા કહ્યું.

કેટરીયલનો અવાજ સાંભળી બધા ઉભા થઈ ગયા.

માતા, યારા એકદમ બોલી ને ઉભી થઈ ગઈ અને કેટરીયલ ની પાસે ગઈ ને બોલી, માતા તમને આરામ ની જરૂર છે. તમે શા માટે અહીં આવ્યા. તમે મને કહેતા હું આવી જતી.

ના યારા હું જાતે જ આ વાત બધા ની સામે કરવા માંગુ છું, કેટરીયલે યારા ના ખભા પર હાથ મુકતા કહ્યું.

હા રાજકુમારી કેટરીયલ તમે જે ઇચ્છો તે કહી શકો છો, રાજા ચાર્લોટે કહ્યું.

કેટરીયલે બધા ને બેસવા ઈશારો કર્યો. પછી બોલી, તો સેનાપતિ કવીન્સી તમારી યોજના મને બરાબર નથી લાગતી.

રાજકુમારી કેટરીયલ આપ તમારો અભિપ્રાય આ યોજના પર આપી શકો છો, કવીન્સીએ મોટીબેનને સન્માન સાથે કહ્યું.

આભાર સેનાપતિ. રાજા મોરોટોસ ને લપતા છુપાતા બંધી બનાવી મોસ્કોલામાં લઈ આવવાની કોઈ જરૂર નથી. તેણે જે ગુનો કર્યો છે તે ક્ષમાને પાત્ર નથી. તેના માટે તેને તેની જ પ્રજા ની સામે સજા મળવી જોઈએ. કાયદો બધાં માટે સરખો હોવો જોઈએ. જો તમે રાજા મોરોટોસને આવી રીતે છુપાઈ ને પકડી લાવશો તો વોસીરોની પ્રજા તમારી વાત પર ક્યારેય વિશ્વાસ નહીં કરે. માટે તેને તેના જ રાજ્યમાં સજા મળવી જોઈએ, કેટરીયકે મક્કમતા થી કહ્યું.

બધા વિચારમાં પડી ગયા.

રાણી કેટરીયલ આપ તો જાણો છો કે દરેક સિંહ પોતાના જંગલનો રાજા હોય છે. ને એને ત્યાં માત આપવી ઘણું મુશ્કેલ કામ છે. તમે મગરમચ્છ ને પાણીમાં ના હરાવી શકો? ગ્લોવરે નમ્રતાપૂર્વક પૂછ્યું.

વાહ ! અતિ ઉત્તમ ઉદાહરણથી તમે રાજા મોરોટોસ ને અલનકૃત કર્યા. પણ તમે એ ભૂલી ગયા કે સિંહ અને મગરમચ્છ પોતાના વિસ્તારના રાજા હોય છે. એ ક્યારેય બીજા સિંહ કે મગરમચ્છ ને કન્નડગત કરતાં નથી. એક શ્રેષ્ટ રાજા ક્યારેય એક નિઃસહાય અને મજબૂર સ્ત્રી પર અત્યાચાર કરતો નથી. પોતાના સ્વાર્થ માટે પોતાના સગા ભાઈ સાથે દગો કરતો નથી, રાની કેટરીયલ ગુસ્સામાં બોલી રહ્યા હતાં.

રાજકુમારી કેટરીયલ અમે આપની ભાવનાઓ સમજીએ છીએ. પણ રાજકુમારી યારા લડાઈ નો વિરોધ કરી રહી છે. એમનું કહેવું છે કે રાજા મોરોટોસે ગુનો કર્યો છે તો સજા માત્ર મોરોટોસ ને જ મળવી જોઈએ. બીજા કોઈ નિર્દોષ ને નહીં,રાજા ચાર્લોટે કેટરીયલના ગુસ્સાને શાંત પડતાં કહ્યું.

હા તો રાજકુમારી યારા નો વિરોધ યોગ્ય છે. હું પોતે પણ નિર્દોષની હત્યા ના વિરુદ્ધમાં છું. પણ હાલમાં હું ચોરીછુપી થી કામ કરવાનો વિરોધ કરી રહી છું, કેટરીયલે કહ્યું.

તો રાણી કેટરીયલ આ સિવાય આપની પાસે કોઈ યોજના છે? ગ્લોવરે પૂછ્યું.

હા ગ્લોવર મારી પાસે યોજના છે, કેટરીયલે કહ્યું.

તો આપ આપની યોજના અમને જણાવો રાજકુમારી કેટરીયલ, કવીન્સી એ કહ્યું.

ગ્લોવર રાજા મોરોટોસે અંધકારનો લાભ લઈ આપણી પર હુમલો કરાવ્યો હતો. આપણે ઉજાસમાં તેના પર હુમલો કરીશું. મોરોટોસે એક નિર્બળ અને અશક્ત સ્ત્રી પર પોતાનું જોર અજમાવ્યું હતું. આપણે સશક્ત અને શક્તિશાળી મોરોટોસ પર જોર અજમાવીશું. મોરોટોસે એક નિર્દોષ અને પોતાના કુટુંબની રક્ષા કાજે ઝઝૂમતા નિર્દોષ પર કપટ થી ઘા કર્યા હતાં. આપણે પોતાની લાલચ ને કારણે ગુનેગાર બનેલા મોરોટોસ પર સામી છાતીએ ઘા કરીશું, કેટરીયલ ગુસ્સા અને જુસ્સા સાથે બોલી રહી હતી.

બધા લોકો તેની સામે જોઈ રહ્યા હતાં. તેની આંખોમાં આગ ઉતરી આવી હતી.

કેટરીયલ ગ્લોવર ની સામે ગઈ ને બોલી, મોરોટોસે આપણને એકાંત અને સુમસાન જગ્યાએ મારવાનો પ્રયત્ન કર્યો. આપણે તેને તેના જ રાજ્યમાં તેની જ પ્રજા ની સામે સજા આપીશું.

ગ્લોવર માથું નમાવી ઉભો હતો. કોઈ ને કઈ સમજ પડતી નહોતી કે કેટરીયલ શું કહેવા માંગે છે.

રાજકુમારી કેટરીયલ આપ શું કહેવા માંગો છો તે હજુ સમજ પડી નથી, ફિયોના એ નમ્રતાથી કહ્યું.

કેટરીયલ ફિયોના તરફ ફરી ને બોલી, ફિયોના આજ થી બરાબર એક મહિના પછી વોસીરોનો સ્થાપના દિવસ આવે છે. એ સમયે વોસીરોમાં ભવ્ય સમારંભ આયોજિત થાય છે. દેશ પરદેશ ના રાજા મહારાજાઓ ને આમંત્રિત કરવામાં આવે છે. બીજા રાજ્યના લોકો પણ આમા ભાગ લેવા આવે છે, આતો તને ખબર છે ને?

ફિયોના થોડો વિચાર કરી બોલી, હા રાજકુમારી મને ખબર છે.

ને જો વોસીરોનો કોઈ રાજા 25 વર્ષ સુધી રાજ્ય કરે અને તે દરમિયાન તે રાજ્ય ને તેનો વારસદાર ના આપે તો આ સમારંભમાં તેના જ પરિવાર ના કોઈ બાળક ને દત્તક લઈ તેને વારસદાર ઘોષિત કરવામાં આવે છે, હું બરાબર કહું છું ને ગ્લોવર? કેટરીયલે ગ્લોવર ની સામે જોતા પૂછ્યું.

જી રાણી કેટરીયલ આપ બરાબર કહી રહ્યા છો, ગ્લોવરે કહ્યું.

ને આ ઘોષણા રાજાની માતા અને વોસીરોની રાજમાતા કરે છે, બરાબર ગ્લોવર કેટરીયલે પૂછ્યું.

હા રાણી કેટરીયલ, ગ્લોવરે કહ્યું.

પણ વોસીરોનો વારસદાર હોય તો તેઓ કોઈ બીજા ને દત્તક લઈ વારસદાર ઘોષિત કરી શકે નહિ. તે નિયમની વિરુદ્ધ છે. ને વોસીરો નો વારસદાર છે, રાજકુમારી યારા. રાજકુમારી યારા સિવાય બીજા કોઈ ને વોસીરોની ગાદી પર અધિકાર નથી, કેટરીયલે સમજ આપતા કહ્યું.

હવે બધાં તેની વાત ને સમજી રહ્યા હતાં.

જો સમય રહેતા આ સમારંભમાં આ વાત રજૂ કરવામાં આવે તો મોરોટોસ માટે સમસ્યા ઉદ્દભવી શકે છે. કેમકે રાજમાતા પછી કોઈ ને દત્તક લેવા ની પરવાનગી આપશે નહીં. ને એટલા બધાં લોકો ની વચ્ચે મોરોટોસ કઈ કરી શકશે નહીં, કેટરીયલે કહ્યું.

પણ રાજકુમારી કેટરીયલ એ લોકો એટલી સરળતા થી થોડા સ્વીકારી લેશે આ બધું, ઐયાર કુતંગીએ કહ્યું.

હા કુતંગી એ લોકો એમ નહિ સ્વીકારે. પણ મને જોઈને જરૂર થી સ્વીકારશે, કેટરીયલે કહ્યું.

પણ રાજકુમારી કેટરીયલ આપણે ત્યાં આપણી દરેક વાત સાબિત કરવી પડશે, ઐયાર ઓકેલીસે કહ્યું.

ત્યાં બુઓન બોલ્યો, હા ઓકેલીસ તારી વાત સાચી છે. પણ આપણી પાસે એ દરેક વાત સાબિત કરવાના પુરાવા છે. રાજકુમારી યારા વારસદાર છે એતો એમના જીવન રક્ષક હીરા થી જ સાબિત થઈ જશે. રાજકુમારી કેટરીયલ પોતે ત્યાં હાજર હશે એટલે એ પણ સાબિત કરવાની જરૂર નથી કે તેઓ જીવીત છે. પણ રાજકુમાર ઓરેટોન ની હત્યા અને રાજકુમારી કેટરીયલ ની આટલા વર્ષો ની કેદ એ સાબિત કરવું મુશ્કેલ છે.

પણ જો આપણે ગ્લોવર ને ત્યાં ઉભો કરી દઈએ તો એ સાબિત કરવું મુશ્કેલ નહિ પડે, ઐયાર આરોને કહ્યું.

હા એ પણ બરાબર છે, ભોફીને કહ્યું.

એનો મતલબ એ છે કે આપણે વોસીરોના સ્થાપના ઉત્સવમાં જઈએ. ને ત્યાં જઈ બધાં ની વચ્ચે આ બૉમ્બ ફોડીએ. જેથી રાજા મોરોટોસ ને કઈ કરવાનો મોકો ના મળે? ને બધાં ની વચ્ચે તેના માનસન્માન ના લીરા ઉડે. ને તેને બંધી બનાવી લઈએ. બરાબર? અકીલે પ્રશ્ન કર્યો.

હા અકીલ એકદમ બરાબર, કેટરીયલે કહ્યું.

આ બધું ચાલતું હતું ત્યાં યારા કઈ બોલી નહોતી રહી. તે ચુપચાપ બધાંને સાંભળી રહી હતી.

ફિયોનાએ યારા ને ચૂપ જોતા પૂછ્યું, રાજકુમારી યારા તમે કયા વિચારમાં છો? તમને આ યોજના કેવી લાગી?

ફિયોના માતા ની યોજના તો બરાબર છે. પણ મોરોટોસે માતા ને આટલા વર્ષો કેદ રાખી તેનો કોઈ પુરાવો જોઈશે જ. રાજમાતા અને વોસીરોની પ્રજા પુરાવા વગર આ વાત નહિ સ્વીકારે. ને બીજી વાત જ્યાં સુધી પુરાવા ના મળી જાય અને આપણે વોસીરો ના જઈએ ત્યાં સુધી માતા અને ગ્લોવર વિશે ગુપ્તતા જાળવવી પડશે, યારા એ પોતાના મનની શંકા દર્શાવી.

બરાબર છે. રાજકુમારી યારા ની વાત એકદમ યોગ્ય છે. આ કામ માટે આપણી પાસે પાક્કા પુરાવા હોવા જરૂરી છે, કવીન્સી એ કહ્યું.

હા છે પુરાવો. મારી સાથે થયેલા અન્યાય નો પુરાવો છે, કેટરીયલ જોર જોર થી બોલી.

તો એ પુરાવો ક્યાં છે? શુ છે? કવીન્સી એ પૂછ્યું.

વોસીરો માં. નિકોસી, મોરોટોસ નો વફાદાર માણસ. આટલા વર્ષો થી એ જ મારુ ધ્યાન રાખતો હતો, કેટરીયલે કહ્યું.

નિકોસી? ગ્લોવરે પૂછ્યું.

હા ગ્લોવર, આટલા વર્ષો થી એજ હતો મારી સાથે, કેટરીયલે ઉદાસીનતા સાથે કહ્યું.

તો આપણે એ નિકોસી ને પહેલા પકડવો પડશે. રાજકુમારી કેટરીયલ આટલા વર્ષો થી મોરોટોસની કેદમાં હતી તે વાત ની સાક્ષી પુરશે, કવીન્સી એ કહ્યું.

નિકોસી વોસીરોમાં મળશે. ને કદાચ ના પણ મળે. રાજા મોરોટોસે હું કેદમાં થી ભાગી ગઈ છું તે જાણી તેને મારી પણ નાંખ્યો હોય, કેટરીયલે કહ્યું.

કદાચ જીવીત પણ હોય રાણી કેટરીયલ. હું વોસીરો જાવ છું અને તેને શોધવાનો પ્રયત્ન કરું છું, ભોફીને કહ્યું.

ના ભોફીન તમે એકલા નહીં. તમારી સાથે બુઓન, કુતંગી, આરોન અને ઓકેલીસ પણ આવશે. આ લોકો ત્યાં તમારી મદદ કરશે નિકોસી ને શોધવામાં. આ ઐયારો છે. તેમના માટે આ કામ સહેલું રહેશે. ને એ સિવાય તેઓ અમે વોસીરો પહોંચીએ ત્યાં સુધી બધી વ્યવસ્થા પર ધ્યાન રાખશે. ને આપણી મદદ પણ કરશે, કવીન્સી એ કહ્યું.

બરાબર છે સેનાપતિ કવીન્સી. પણ આપણ ને વોસીરોના આયોજન નું આમંત્રણતો આવશે ને? કેટરીયલે પૂછ્યું.

રાજકુમારી કેટરીયલ દર વર્ષે રાજા મોરોટોસ આમંત્રણ મોકલે છે પણ અમે જતાં નથી. પણ આ વર્ષે જરૂર જઈશું, રાજા ચાર્લોટે કહ્યું.

તો હવે કરો તૈયારીઓ વોસીરો જવાની. ને ફિયોના તું રાજકુમારી યારા ને તૈયાર કર એક રાજકુમારી બનવા માટે. ગ્લોવર, કવીન્સી તમે યારા પર વાર કરો ખબર પડે કે એની પાસે કેવી શક્તિઓ છે. વોસીરો પહોંચતા પહેલાં યારા ને ખબર હોવી જોઈએ કે તેની પાસે કઈ શક્તિઓ છે. જેથી જો અચાનક મોરોટોસ હુમલો કરે તો યારા પોતાની રક્ષા કરી શકે, કેટરીયલે કડક શબ્દોમાં આદેશ આપ્યો.

યારા અચરજ ભરી નજરે માતા નું આ રૂપ જોઈ રહી.


ક્રમશ.................