માથાભારે નાથો - 25 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

માથાભારે નાથો - 25

નાથો અને મગન રવજીના કારખાનામાં ગયા એટલે રામાએ બુલેટનું સ્ટેન્ડ ઉતારીને કીક મારી. અને મહિધર પુરા માર્કેટ આવ્યો.
નાથાએ જે ગોળી પીવડાવી હતી એનો એને આફરો ચડ્યો હતો.
"સાલો પેલો ખહુરિયો કરાઈમ બ્રાન્સમાં ચયાંથી ઘૂસ્યો ? નરશી શેઠને વાત કરવી પડશે, આમ તો બબ્બે અડબોથના ગરાગ છે, પણ પોલીસમાં મારા બેટાવને ભારે મોટી ઓળખાણ લાગે સે.ઠેઠ ગાંધીનગર
સુધીના છેડા સે..આમની અડતું બવ જાવું હારુ નઈ.હાળા કરાઈમ બ્રાન્સવાળા તો ઢીંઢા ભાંગી નાખે."
એમ વિચારતો વિચારતો રામો નરશીની ઓફિસે પહોંચ્યો. મહિધરપુરા માર્કેટ, મોટી બજાર અને વરાછામાં ભરાતી બજાર મિનિબજાર કહેવાય છે. હીરા બજારની સૌથી મોટી સમસ્યા છે પાર્કિંગ. એ બજારમાં કોઈપણ સમાન વગર ચાલીને નીકળવું પણ મુશ્કેલ હોય છે.કારણ કે ભારતનું બીજા નંબરનું આ ડાયમંડ માર્કેટ
ગણાતું હતું.રામાંએ તેનું બુલેટ પાર્ક કરવા જગ્યા શોધી.પણ ક્યાંય જગ્યા હતી નહીં એટલે બજાર શરૂ થાય ત્યાં નાકા પરના મકાન આગળ ખાલી જગ્યા જોઈને એ ખુશ થયો.આ એક જ મકાન આગળ કોઈ વાહન પાર્ક થયું નહોતું એની રામાને નવાઈ પણ લાગી. ગમાણે ભેંસ બાંધતો હોય એમ નિરાંતે રામાએ એનું બુલેટ ત્યાં પાર્ક કર્યું અને જેવો આગળ વધ્યો ત્યાં જ એ મકાનના પહેલા માળની ગેલેરીમાંથી એક કાકાએ એને સાદ પાડ્યો, "ઓ બુલેટ..આ કંઈ ટારા બાપનો ટબેલો ની મલે,ટે ટું આમ બિનડાસ્ટ ટાડું ઘોડું બાંઢીને ચાલટો ઠેઈ ગીયો..ચલ હટાવ અહીંઠી... નહિતડ હમને બન્નેની હવા નિકલી જવા..ટારા બુલેટની અને ટારી હો..બેન@#$..કાં કાંઠી આવીને હૂરટની માં @#$ નાંખી"
રામો આવી ગાળ સાંભળવા ટેવાયેલો નહોતો.એ માર સહન કરી શકતો પણ ગાળ એનાથી સહન થતી નહિ.મગન અને નાથાએ એનું મગજ તપાવેલું જ હતું એમાં આ સુરતી કાકાએ એ બળતામાં ઘી હોમ્યું.
એ સુરતીકાકો એટલે ગાંડાલાલ ફાફડાવાળા..! ચોરસ માથા પર સફેદી છવાઈ ગઈ હતી. અડદ કરતા થોડા ઓછા કાળા એ કાકાએ પહેરેલા ચશ્માંની કાળી ફ્રેમ એમના ચહેરાની કાળાશમાં ઓગળી જતી હતી.એટલે દૂરથી તમને આંખ આગળ બે જાડા કાચ રાખ્યા હોય એમ લાગે. એ બિલોરી કાચમાંથી એમની અડસઠ દીવાળીઓ જોઈ ચુકેલી પીળી ધમરક આંખો હંમેશા સામેવાળાને તીક્ષણ નજરે તાકી રહેતી.એમના નામ પ્રમાણે એમનો સ્વભાવ હોવાથી એમના બાળકો, એમને છોડીને બીજે રહેવા જતા રહ્યા હતા. અને મહિધરપુરાની આ શેરી ચંદુલાલ શેઠની શેરી કહેવાય છે, અહીં હીરા બજાર ક્યારે અને કેવી રીતે શરૂ થયું એ એક અલગ જ ઇતિહાસ છે,પણ અહીં હીરા બજાર શરૂ થયું એટલે આ શેરીના મૂળ રહેવાસીઓએ પોતાના મકાનો પહેલાં ભાડે અને પછી ધીમે ધીમે વેચવા માંડ્યા.અને આ મકાનોમાં હીરાની ઓફિસો બની.આ બધા જ મકાનો ગાળા ટાઈપ હોવાથી ગ્રાઉન્ડ ફ્લોરથી એમાં ઓફિસો બની હતી.એટલે સ્વભાવીક રીતે જ પાર્કિંગ શેરીમાં કરવું પડે. આ તમામ મકાનો એક જ લાઈનમાં અને સામસામે આવેલા છે,વધુ ભાડાની લાલચે લોકોએ ચાર ચાર માળ ચણી લીધા.કોઈ કોઈ એક માળમાં રહ્યા. મોટાભાગ ના લોકો આખે આખા મકાનો ભાડે આપીને નવા વિસ્તારોમાં રહેવા જતા રહ્યાં.
ગાંડાલાલ ફાફડાવાળા જેવા અમુક લોકોને આ પસંદ આવ્યું નહોતું.આ રીતે બહારના લોકો આવીને આપણાં ઘરોને ધંધાની જગ્યા બનાવી નાખે એ કેમ સહન થાય! કારણ કે આ મકાન એ લોકો
ના "ઘર" હતા. જો કે હીરા બજારના નાકે એમની ફફડાની દુકાન હતી.અને એ ગાંડાકાકાના ફાફડા આ બજારમાં આવતા વેપારીઓ અને દલાલોમાં ખૂબ જ ફેવરીટ પણ હતાં.છતાં ગાંડાકાકાને કાઠિયાવાડીઓ પ્રત્યે ખૂબ જ નફરત હતી..!
રામાં ભરવાડને ગાંડાકાકાની ગાળ માફક ન્હોતી આવી.પહેલા માળની ગેલેરીમાં લાકડાની કઠેડી પકડીને ઉભેલા ગાંડાકાકા ઉપર રામાંએ રામબાણ છોડ્યું, "એ..ડોહા..આ મકાન તારું હસે પણ રસ્તો તારા બાપનો નથી..હવે મરવાનો તો થિયો જ સો..બવ ઉતાવળ હોય તો જઈને તાપીમાં પડયને..મારે હાથે શીદને મરવું સે તારે...!''
"ઓ ઓ ઓ..મને મરવાનું કેટો છે.ઉભો રે'જે, ટાડી જાટનો ગેબો મારું..એકટો માડા ઘડ આગડી ગેરકાયડે પાડકિંગ કડવું છે ને પાછું ઉપડથી ડાડાગીડી કડતો ફડેછે.. આજ ટાડી બઢઢી હવા મેં કાડી આલટો છું.. ઉભો રે'જે બેન@#." ગાંડોકાકો ગાંડો થયો. અને ઝરૂખમાંથી ઝડપથી અંદર ગયો.રામો હજુ કંઈ જવાબ વાળે એ પહેલાં તો દાદરમાંથી પગથિયું ચુકીને દડતો દડતો ગાંડોકાકો રામાં ના બુલેટ પાસે પડ્યો.એના હાથમાં લાકડી તો હજુ પકડેલી જ હતી.
રામાંને દયા આવી એટલે ગાંડાકાકાને ઉભા કરવા એમના બન્ને હાથ પકડવા કોશિશ કરી. પણ ગાંડોકાકો એ સહાય સ્વીકારવા તૈયાર નહોતો.એને પડ્યા પડ્યા જ રામાંના પગમાં લાકડી ફટકારી.
"ચલ હટાવ..આ ટાડું વાહન. નહિતડ ટાડા ટાંટિયા તો ગેલા જ મલે.. " કહીને બીજીવાર લાકડી મારવા માટે ઉગામી.
રામાંને પાટું મારવાનું મન થયું. પણ વૃદ્ધ જાણીને એને દયા આવી.એ દેકારો સાંભળીને બજારમાં લોકો અને અડોસી પાડોશી ભેગા થઈ ગયા.
"અરે ભાઈ જવા દો ને..એ કાકો વિચિત્ર છે.."એમ લોકો રામાને સમજાવતા હતા. ત્યાં જ એક સ્કૂટર હાંફતુ હાંફતુ ત્યાં આવીને ઉભું રહ્યું. એ સ્કૂટર પર બેઠેલા મહાકાય માણસે રમકડાંની જેમ એ સ્કૂટર ઉંચકીને સ્ટેન્ડ ચડાવ્યું. એના મોટા પેટને એનો શર્ટ ઢાંકી શકવા અસમર્થ હતો,એનું માથું જાણે કે ધડમાં ઊગ્યું હોય એવું લાગતું હતું. રામાંને એણે ધક્કો મારીને એક બાજુ ખસેડી દીધો. અને ગાંડાકાકાને ઘોડિયામાંથી છોકરું ઉપાડે એમ ઉપાડીને રામાંના બુલેટ ઉપર બેસાડી દીધા.
"બેન@# કોને માડા કાકાની પટ્ટડ ઠોકી કાડી.. અને આ બુલેટ કોનું છે ? બાપાનો બગીચો હમજે છે કે ?" પેલો મહાકાય ગર્જ્યો.
"આ ઉભેલો છે ટે..જોની મને કેટો છે કે મડવું જ હોય ટો ટાપીમાં જઈને પડની.. બેન@#.."કાકાને ફરીવાર ઉભરો આવ્યો.
"ચલ બે..માફી માગ. નહિતડ હમના ચૂરમું કરી મુકવા..ટું હજુ મને ઓળખટોની મલે !" પેલાએ રામાંના ખભે દબાણ આપીને કહ્યું.
રામાંએ પોતાના ખભા પરથી પેલાંનો હાથ હતાવતા કહ્યું, "તારો આ ડોહો મને ગાળ દેતો'તો..અને બુલેટ મારું છે.રસ્તો તારા બાપનો નથી..બહુ વાયડીનું થ્યા વગર આ ડોહાને ઉપાડીને હાલતીનું થા.નકર હું તને ટીપીને રોટલો કરી નાખીશ."
આ સાંભળીને ગાંડાકાકા અને એના ભત્રીજાએ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ એમ સમજીને રામાંને રોળી નાખવાનું નક્કી કર્યું.
"બેન@# , તારી હમને કવ એ, ટું ટારા મનમાં શું હમજટો છે..!'' એમ કહી પેલાએ કાકાના હાથમાંથી લાકડી લઈને રામાંને મારવા ઉગામી.
એ જોઈ રામાંએ પેલાને એક લાફો ઠોકી દીધો.અને કાકાને બુલેટ ઉપરથી ધક્કો દઈને નીચે પાડી દીધા. પેલાએ તરત જ રામાંનો કોલર પકડીને રામાંના નાક ઉપર ઢીકો માર્યો. રામાએ પેલાને લાત મારી.આ દંગલ જોવા લોકો ટોળે વળ્યાં.અંદરથી ગાંડાકાકાની પત્ની વેલણ લઈને ધસી આવ્યા.એ ત્રણેય સુરતીમાં અને રામો કાઠિયાવાડીમાં અઘરાને અઘરા શ્લોકો (!) બોલ્યે જતા હતા. કાકાએ પણ બુલેટ નીચેથી બહાર આવીને પેલી લાકડી વડે રામાં ઉપર પ્રહારો કર્યા. પણ રામો મચક આપતો નહોતો. આખરે પેલો મહાકાય રામાંની ડોકે વળગી પડ્યો અને એના ગળે બચકું ભરી લીધું.રામો રાડ પાડી ઉઠ્યો.પણ પેલો એને છોડતો નહોતો.એણે રામાંને ધક્કો મારીને નીચે પાડી દીધો અને પોતાનું મહાકાય શરીર રામાં ઉપર નાખી દીધું.
રામો એની નીચે દબાઈ ગયો. એની બગલમાં રામાનું મોં ફસાયું હતું. અને એ મહાકાયની બગલની બદબુ રામાંને બેહોશ કરે એ પહેલાં બળ કરીને એ પેલાના શરીર નીચેથી બહાર આવ્યો. કાકા લાકડીથી અને કાકી વેલણથી રામાંને છૂટક માર મારી રહ્યા હતાં રામાએ પડ્યા પડ્યા ગાંડાકાકા ના બે પગ વચ્ચે લાત મારી.એ સાથે જ.."ઓ..માં..મડી ગીયો..રે.."ની મરણચીસ નાખીને ગાંડોકાકો ગડથોલીયું ખાઈને ગબડી પડ્યો. પેલાએ એ જોઈને પોતાના ભારે ભરખમ હાથની કોણી રામાની છાતીમાં મારી.અને રામાંના નસકોરામાં એની બે આંગળીઓ ઘુસાડી દીધી.કદાચ પેલો મહાકાય આ પ્રકારની લડાઈમાં માહિર હશે.મહાકાય આખલાને પણ નાકમાં દોરડું પરોવીને નાથી શકાય છે.રામાએ પોતાના બેઉ હાથથી પેલાંનો હાથ પકડીને ખેંચ્યો.
કાકાને તરફડીયા મારતાં જોઈ કાકીએ રાડ પાડી.."ચંપક દિકડા.. ટાડા કાકા પટી જહે..તું એ સાંઢને જવા ડે .."
એ મહાકાય એટલે આપણો ચંપક કાંટાવાળો..એણે રામાંના બન્ને નસકોરામાં પોતાના હાથની બન્ને આંગળીઓ ઘુસાડીને જાણે નાકને ઉખાડી નાખવા માગતો હોય એમ આંચકો માર્યો..
"મૂકી દે..મૂકી દે.ભાઈસા'બ હું તારી ગા છું. મારું નાક ટૂટી જાહે.. તારી જાતના જાડીયા મુક કવસુ.." રામો રાડ પાડી ગયો.અને બેઉ હાથે બળ કરીને ચંપકના હાથને ખેંચવા લાગ્યો.પણ ચંપકે બીજા હાથે રામાંના વાળ પકડ્યા હતા.જે હાથની આંગળીઓ રામાંના નાકમાં ઘુસાડી હતી એ હાથનો અંગુઠો રામાંના કપાળમાં દબાવી રાખ્યો હતો.રામો વાંકો વળી ગયો હતો.એના નાકમાં ભયંકર બળતરા થતી હતી.આખરે એણે ચંપકનો હાથ છોડીને જોરથી ચંપકની ઘેરાવદાર ફાંદમાં બન્ને હાથથી ગડદા મારવાનું શરૂ કર્યું.રામાંનો હાથ કાંડા સુધી ચંપકની ફાંદમાં ઘુસી જતો હતો.અને ચંપકનું પેટ કેરી ઘોળાય તેમ ઘોળાતું હતું..! રામાંના મુકકાઓથી ચંપકે એનું નાક જોરથી ખેંચ્યું.અને વાળ ખેંચીને રામાંનું નાથુ બુલેટના કેરિયર સાથે ભટકાડ્યું. રામો, ચંપક કરતાં ઘણો તાકાતવાન અને સ્ફૂર્તિલો હોવા છતાં એના નાકમાં પેસી ગયેલી ચંપકની આંગળીઓને કારણે લાચાર થઈને લબડી પડ્યો.વાંકા વાંકા એણે ચંપકના પગ પકડ્યા.પણ એ થાંભલા એની જગ્યાએથી હલ્યા પણ નહીં.
આખરે ઢીલા પડી ગયેલા રામાંનાં બરડામાં ચંપકે એની કોણી વડે જોરથી પ્રહાર કર્યો.નાકની કાળી બળતરા અને બરડામાં પડેલા ગડદાથી રામો ચંપકના પગમાં ઢળી પડ્યો.ચંપક પણ વાંકો વળી ગયો કારણ કે હજુ એ રામાંના નાકમાંથી એની આંગળીઓ કાઢવા માંગતો નહોતો.રામાનું માથું એણે આડું કરીને જમીન સાથે જડી દીધું અને એની કમર ઉપર ગોઠણભેર બેઠો..
" બોલ..કોય ડાડો અહીંયા આગડી બુલેટ મુકવાનો ? શુ સમજટો છે ટારી જાટને..બોલ.. નાક ખેંચી કાડું..? બેન@#..આ ટમારા લોકોના બાપની જગ્યા ની મલે.."
"ઓ ચંપક ડીકડા.. હવે એ કુટડાને છોડ..આ ટાડો કાકો..ચાયલો કે શું...જોની તડફડીયા માડતો છે.."
પડોશમાં રહેતા બેચાર જણ દોડી આવ્યા.ગાંડાકાકાના બે પગ વચ્ચે રામાએ લાત મારી હતી.અને રામાએ ચામડાના ભારેખમ બુટ પહેર્યા હતા એટલે ગાંડોકાકો ધોળે દિવસે આસમાનના તારા ભાળી ગયો હતો.એના વૃદ્ધ શુક્રપિંડો પર વાગેલી લાતથી એ ચિત્કારી ઉઠ્યો હતો.અને એનો આંખો ચકળવકળ થઈ રહી હતી.પારાવાર વેદનાથી એ તરફડીયા મારતો હતો..
રામાં સાથે દ્વંદ્વ યુદ્ધમાં રોકાયેલા ચંપકે એ જોયું નહોતું.આખરે તમાશો જોવા ભેગા થયેલા લોકોએ રામાં ઉપરથી ચંપકને ઉઠાડ્યો હતો.ચંપકે ગાંડાકાકાની હાલત જોઈને ફરીથી બરાડો પાડ્યો, "કોઈ પોલીસ બોલાવો...
આણે માડા કાકાને પટાવી ડિધેલા લાગટા છે..ઓ...ટું અહીં જ રે'જે..લાવ ટાડા બુલેટની ચાવી લાવ..સાલ્લા જો માડો કાકો ઉપડ પોચી ગીયો ને ટો ટો ટું જેલમાં જ ગેલો હમજજે..બેન@#.."
એટલીવારમાં ગાંડલાલને કળ વળી.કાકી અંદરથી પાણી ભરી લાવ્યા અને એમને પીવડાવ્યું.એ રામાંને આગઝરતી આંખે જોઈ રહ્યા હતાં, હમણે જાણે એ આંખો માંથી આગનો ભડકો રામાં ઉપર પડશે !
''બે...બે..હેં..@#$....ટ.હ..ને..પો...પો..હ..લી.. સ..બે..બે..હેં..@#
માં..પ..હ..ક..ડા..બે..હેં.. હે.."
ગાંડાકાકાએ હાંફતા હાંફતા રામાંને ગાળો દીધી..કાકીએ પણ કેટલીક ચોપડાવી.ચંપક તો હજુ એને મારવા દોડતો હતો.પણ ભેગા થયેલા લોકોએ આખરે મામલો થાળે પાડ્યો.રામો એક હાથે નાક અને બીજા હાથે કમર દબાવીને માંડ માંડ સીધો ઉભો રહી શકતો હતો.લોકોની સમજાવટથી ચંપક પણ ઢીલો પડ્યો.ગાંડાકાકાને ઉપાડીને એ અંદર લઈ જતાં બોલ્યો, "ટાડું આ બુલેટ અહીંઠી હટાવી લેજે..નહિટડ આ વખટે ટો ટને જવા ડેવ છું..પન હવે પછી નકટો જ કડી મુકવા.."
કાકીએ અંદર જતા પહેલા દોડીને રામાંના ગાલ ઉપર એક તમાચો ખેંચીને પોતે પણ કંઈ કમ ન હોવાનું બતાવી દીધું.
રામાએ નાક ઉપર રૂમાલ બાંધ્યો.
"અલ્યા ભરવાડભાઈ, આ કાકો બહુ જ ખતરનાક છે યાર. કોઈને અહીં વાહન મુકવા દેતો નથી..તમે ખોટા ભરાઈ પડ્યા..ચાલો જવા દો હવે..ફરીવાર બજારમાં આવો તો ક્યારેય અહીં ગાડી પાર્ક કરતાં નહીં."
"હહરીનાએ મારું નાક તોડી નાખ્યું..હું ઈ સુરતાને મુકવાનો તો નથી જ..આયાં એનું ઘર ભલે હોય..પણ ક્યાંક તો ભેગો થાશેને !
આ જાડીયાને તો યાદ જ રાખીશ." એમ બબડતાં રામાંએ એનું બુલેટ સ્ટેન્ડ ઉપરથી ઉતાર્યું.એના કપડાં ધૂળમાં રગદોળાઈને મેલાં થયા હતા.અને શર્ટ કોલરમાંથી ફાટી ગયો હતો. એની કમરમાં અને બરડામાં ચંપકે ગડદા ઠોક્યાં હતાં એના સણકાં ઉઠી રહ્યા હતા.રામો મજબૂત હાડકાનો ન હોત તો કદાચ ચંપકના વજનથી એની પાંસળીઓ પણ તૂટી ગઈ હોત. હળવેથી એની ઉપર બેસીને માંડ માંડ બુલેટની કીક મારી..

**** *** ** ** ******* ***
રાઘવ પાસેથી, સવજી દલાલ દ્વારા જે હીરા નરશીએ ખરીદ્યા હતા એ હીરા ખૂબ ઉંચી ગુણવત્તા ધરાવતા હતા.પણ વટ કરીને જે ભાવે એણે ખરીદ્યા હતા એ ભાવે તો, તૈયાર હીરા વેચાઈ શકે એમ હતા. જ્યારે આ તો કાચા હીરા હતા.જો આ હીરા બનાવવામાં આવે તો નરશીને ભારે ખોટ સહન કરવી પડે એમ હતી.એની ઓફિસના કારીગરોએ પણ હીરાનો ભાવ સાંભળીને હીરા તૈયાર ન કરવાની સલાહ આપી હતી. નરશી આ માલમાં બરાબરનો ફસાયો હતો..."સુરતમાં ઠેંબા ખાતો રાધવો મુંબઈની બજારમાં, એના પેલા બે મુફલિસ દોસ્તો સાથે મોંઘી હોટલમાં જલસા કરતો હતો..." નરશીને રાઘવની આ ચાલ સમજતી ન્હોતી..." રાઘવા જેવો ફટીચર આદમી મુંબઈમાં કઈ રીતે હોઈ શકે ? મુંબઈમાં હીરાની લે વેચ તો એકબાજુ રહી,દલાલી પણ રાઘવ જેવા સામાન્ય દલાલો ન કરી શકે.જરૂર એણે કોઈ બીજી જગ્યાએ હાથ માર્યો હોવો જોઈએ.કમબખ્ત પેલા ખુંટિયાઓ
એ મારો ખેલ બગાડી નાખ્યો..!"
નરશી ટ્રેમાંથી મુંબઈથી ખરીદેલી રફના હીરા આઈગ્લાસ વડે જોતાં જોતાં વિચારી રહ્યો હતો.
ત્યાં જ દરવાજામાં એણે નાથાને જોયો..ઘડીભર એને જોઈને નરશીને અજીબ સંવેદન થયું..
"અંદર આવવાની પરમિશન છે કે..?" નાથાએ દરવાજામાંથી જ પૂછ્યું.લાંબી ડોક અને પાતળા દેહ પર પહેરેલું બ્લુ ચેકસનું જૂનું શર્ટ એણે પેન્ટમાં ખોસીને ઇનશર્ટ કર્યું હતું,પણ બેલ્ટ બાંધ્યો ન્હોતો. નરશી એને તાકી રહ્યો.
"પગથી માથા હુંધીન જોવાઈ રિયું હોય અને તમારી ઓફિસમાં આવવા લાયક લાગ્યું હોય તો હું અંદર આવું નરશી શેઠ..બાકી ઓફિસ તમારી છે.." નાથાએ જવાબ ન મળતા ફરીવાર પૂછ્યું.
"શું કામ છે ? "નરશીએ કંટાળાથી પૂછ્યું..
"એમ દરવાજામાં ઉભા ઉભા કહી શકાય એવું હોત તો ક્યારનું કહીને હાલતો થયો હોત.."નાથાએ કહ્યું.
"આવ.." નરશીએ કમને કહ્યું.
નાથો એના બુટ બહાર ઉતારીને અંદર આવ્યો. નરશીની સામે બેઠેલા કારીગરે એક ખુરશી ખેંચીને નાથાને બેસવાની જગ્યા કરી આપી.
"બોલ, શું કામ છે તારે..? મને રાઘવાના દોસ્તોમાં કોઈ રસ નથી.
તમને લોકોને કોની સાથે કેમ વાત કરાય એનું પણ ભાન નથી.."
નરશીએ કડવાશથી કહ્યું.
"હશે,નરશીશેઠ.તમને એવું લાગતું હોય તો એમ. અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. હું તમારી સાથે કોઈ ચર્ચા વિચારણા કરવા નથી આવ્યો..તમે હીરાનો ધંધો કરો છો અને અમે પણ આ ધંધામાં પ્રવેશ કર્યો છે.લો આ પેકેટ જુઓ.
આ હીરા તમારે ચાલતા હોય તો જોઈ લો.."નાથાએ હીરાનું પેકેટ આપીને ટેબલ પર બેઠેલા નરશીના સ્ટાફ ઉપર નજર ફેંકી.
નરશીએ નાથાએ આપેલ પેકેટ જોયા વગર જ કહ્યું, "હું તારી જેવા શિખાઉ લોકો પાસેથી ખરીદી કરતો નથી. અને તારા પેકેટને તો હું હાથ પણ ન લગાડું. બીજું કંઈ કામ હોય તો બોલ, નહીંતર નીકળો પોચાભારે.." નરશીએ કહ્યું.
બધાં એસોર્ટર નાથાને જોઈ રહ્યાં.
નરશી માધા જેવા માંધાતાનું કામ જોયા જાણ્યા વગર સીધો જ હીરાનું પેકેટ લઈને વેચવા આવેલો નાથો એ બધાને વિચિત્ર લાગ્યો.
અને નાથાને અંદર આવવા દીધો એ પણ નવાઈની વાત હતી.
"ઓકે, નરશી શેઠ.. હું કંઈ તમારી માસીનો દીકરો તો છું નહીં. એટલે મારે તમારું બીજું તો શું કામ હોય, પણ જે હીરા તમે મુંબઈથી લીધા એની પડતર નીચે આવી શકે એવો માલ મારી પાસે છે,તમે લોકોને અંડર એસ્ટીમેન્ટ કરો છો,તમારે હીરા સાથે નિસ્બત રાખવી જોઈએ,નહીં કે હીરા બતાવનાર સાથે..અમને લોકોને ભલે કોની સાથે કેમ વાત કરાય એની ખબર ન પડતી હોય..પણ કેવી વાત કરાય અને કેવી ન કરાય એની ખબર જરૂર પડે છે..સવજી દલાલે જે સાંઠીકુ તમારી @#$માં ભાંગી નાખ્યું છે એની આ દવા છે, મને તમારી દવા કરવાનો કોઈ શોખ નથી, હું પણ બે પૈસા કમાવા માટે જ પાનસો કિલોમીટરથી આયાં આવ્યો છું..અત્યારે લીધું હોત તો સસ્તું પડેત.હું દલાલ નથી..આ મારો જ માલ છે..હવે તમને મારો દલાલ બતાવવા આવશે. દલાલી ચૂકવીને લેજો.." નાથાને બોલતો જોઈને તમામ કારીગરોમાં હાથમાં આઇગ્લાસ સ્થિર થઈ ગયા.નરશી શેઠને મોઢામોઢ આવું કહેનારો હજુ સુધી કોઈ જોયો ન્હોતો.
નરશીને કળ વળે એ પહેલાં જ નાથો પેલું પેકેટ લઈને રવાના થઈ ગયો.નાથાનું પેકેટ જોયા વગર જ એને ઉતારી પાડવા બદલ નરશીને પસ્તાવો થયો.પોતે જે માલમાં ભેરવાયો હતો એ નાથાને ખબર હતી..શું એને હીરામાં સમજણ પડતી હશે ? એને કેમ ખબર પડી કે મને, સવજી દલાલનો માલ મોંઘો પડ્યો છે ? શું નાથાએ આ માલ જોયો હશે ?" આવા અનેક પ્રશ્નો એના દિમાગને કોરી ખાવા લાગ્યા.નાથાને જવા દેવા જેવો નહોતો.
એણે સામે બેઠેલા કારીગરને તરત જ નાથાની પાછળ મોકલ્યો. પણ એ તરત જ પાછો આવ્યો.
"શેઠ, એ ભાઈ તો ક્યાં અલોપ થઈ ગયો એ ખબર જ ન પડી..''
નરશી કંઈ જ બોલ્યા વગર રફનું એસોર્ટ કરવા લાગ્યો.

** *** ** *()()()()********

રસિકલાલ દવે,એમના બાવન વર્ષના બગીચામાં બહાર લાવવા ઇચ્છતા હતા.તારિણી જેવી બે કાંઠામાં વહેતી સરિતા જો એમના આ ઉજડી ગયેલા ઉપવનમાં આવી જાય તો એમના ઉર ઉપવન ના છોડવે છોડવે, હરેક વૃક્ષની ડાળીએ ડાળીએ વસંત ટહુકા કરવા માંડે એમ એ માનતા હતા. તારિણીના એકલવાયા જીવનમાં એને કેમ કોઈના સાથની જરૂર નહીં હોય એ એમને સમજાતું નહોતું.
"બિચારી..બળી રહી છે.આ દુનિયાનાં અફાટ મહાસાગરમાં સાવ એકલી અટુલી નાનકડી નાવ જેવી જિંદગી લઈને ભટકી રહી છે.એની નાવને હલેસા મારનારું કોઈ નથી. બિચારી..મદ મસ્ત યૌવન,નવપલ્લવિત વેલ જેવું..કોઈ વૃક્ષને વીંટળાઈ જવાનું એને કેમ મન નહીં થતું હોય ! જીવનની મજા..પ્રેમરસનો આસ્વાદ..એકમેક
માં ભળી જવાની ભીંસ એ કેમ નહીં અનુભવતી હોય ! પેટની ભૂખ જેવી જ શરીરની પણ એક ભૂખ, મનની પણ એક ભૂખ હોય છે.એ બિચારી ક્યાંક કોઈ સસ્તી હોટલ જેવા લબાડ સાથે ભરાઈ પડશે તો દુઃખી થઈ જશે.." રસિકલાલને ચંપક કાંટાવાળો યાદ આવ્યો..
"હટ્ તેરીનો...સાલો પેલો ભજીયા
તળનારો..પલાળેલા કોથળા જેવો,
સડી ગયેલી ડુંગળીની ગુણ જેવો ગંધાતો એ લબાડ ચંપક કાંટાવાળો
શું જોઈને આ ઉઘડતા પહોરની પહેલી ટશર જેવી, ગડગડાટ કરતા વાદળોને ચીરતી વીજળી જેવી, અજવાળી રાતના ઉજાશ જેવી અને પહાડની છાતી ચીરીને વહી રહેલા નાચતા કૂદતાં ઝરણાં જેવી આ, આ તારીણીના સ્વપન જોઈ રહ્યો છે..સાલો ડફોળ.."
"સર..આવું કે ?"ઓફિસના અડધા દરવાજામાં આવીને ઉભેલી તારીણીનો મીઠો ટહુકો સાંભળીને દવેએ છાપામાંથી ઊંચું જોયું.
તારીણી મરક મરક મરકી રહી હતી..
"અરે આવો આવો મિસ દેસાઈ..હું તમારા વિશે જ વિચારતો હતો.. હેવ આ સીટ પ્લીઝ.."
"ઓહ..સર..તમે વળી અમારી જેવા વિશે વિચારો એ તો અમારું અહો ભાગ્ય કહેવાય.."તારિણીએ એનું પર્સ ટેબલ પર મૂકીને બેસતાં કહ્યું.
''આજ કેમ અમારી ઓફિસ પાવન કરી..હું તમારા જીવન વિશે જ વિચારતો હતો..મિસ દેસાઈ.."
"સર..તમે મને મિસ દેસાઈ ન કહો.
અને આ શું તમે તમે લગાવી રાખ્યું છે...તમે માત્ર તારીણી કહેશો તો પણ મને ગમશે સ..અ.. ર..''
તારીણીએ આંખો પટપટાવીને કહ્યું. રસિક દવે તો આભા જ બની ગયા.એમના ઉજ્જડ બાગમાં કોયલ બોલવા લાગી.
"ઓહો..હો..હો..શું વાત છે..? હું તમને..ઓહ..તને..તારી...તારિણી કહું..? "રસિકલાલ ઉભા થઈ ગયા.
"તારી..તારીણી નહીં સ..અ.. ર...
મારી તારીણી કહો ને..! મેં પછી ખૂબ વિચાર કર્યો.એકલું જીવવું ખૂબ અઘરું છે..સર..તમે મને સાથ આપો તો હું આ એકલતાની વૈતરણી પાર કરી લઈશ.." તારીણીએ ઉભા થઈને રસિકલાલ ના હાથ પકડી લીધા.રસિકલાલે ગડગડતાં વાદળોની વીજળીનો ઝટકો મહેસુસ કર્યો..
"તારીણી.... "
"રસિક...."
"ઓહ...નો..."
"ઓહ...યસ..."
રસિકલાલ ટેબલની બીજી તરફ જ્યાં તારીણી ઉભી હતી એ તરફ ગયા..અને પોતાના બાહું પહોળા કર્યા..તારીણી એમનાં ચશ્માંની આરપારથી એમની આંખોમાં તાકી રહી..જાણે કોઈ પ્યાસી માછલી, એ આંખોમાં ઉછળતા મહાસાગર ના મોજાઓમાં તણાઈ જવા ન માંગતી હોય ! અને પછી એ પહોળા થયેલા બહુઓમાં સમાઈ ગઈ. રસિકલાલની છાતીમાં માથું મુકીને ધીરેથી ધ્રુજતા હોઠોથી એ બોલી..
"રસિક.."
રસિકલાલે એની હડપચી પકડીને ઊંચી કરી.તારીણીએ એની આંખો
બંધ કરીને હોઠ અધખુલા કર્યા..
અને રસિકલાલ માથું ઝુકાવીને એમના લાંબા હોઠ એ કોમળ હોઠ પર મુકવા ગયા ત્યાં જ...
''કેમ સાહેબ,છાપું વાંચતા વાંચતાં
ઊંઘ આવી ગઈ કે શું..ચા લાવું ?''
દરવાજાના અડધિયાને ધક્કો મારીને પટ્ટાવાળો છગન ગાંગર્યો.
"તારી જાતના...છગના..સાલ્લા ડફોળ..બે મિનિટ મોડો ગુડાણો હોત તો તારા બાપનું શું જાતું'તું..
નથી પીવી મારે ચા..કમબખ્ત સાલી પટ્ટાવાળાની જાત..જા મર અહીંથી.." રસિકલાલના ગુસ્સાનો પાર રહ્યો નહીં.
"જો છગનો એક મિનિટ મોડો આવ્યો હોત ને...અહાહા..હા..કેવું મસ્ત મજાનું ચુંબન હું તારીણીને કરી લેત.. કેવી રસિક રસિક કરતી મને વીંટળાઈ વળી'તી.. પેલી વેલ વૃક્ષને વીંટળાઈ વળે એમ જ..હો.. પણ આ કપાતર છગનો,સાત ભવ સુધી સાલ્લાને બયરૂ નસીબ ન થાજો.. એક બ્રાહ્મણનું અમૃત સાલ્લાએ ઢોળી નાખ્યું.બે બદામનો નાલાયક.કાઢી મુકવા જોઈએ.. કોઈ પટ્ટાવાળા ન જોઈએ મારે.. મારી રંગીન કલ્પનાઓમાં, મારા વસંત વિહારમાં વિક્ષેપ પાડનારા આવા તુચ્છ પ્રાણીઓ આ પૃથ્વી ઉપરથી નાશ પામો..."
રસિક દવેની આંતરડી કકળી ઉઠી અને બિચારા છગનને અનેક શ્રાપ આપવા લાગી.
છગન,આંખો ફાડી ફાડીને સાહેબને તાકી રહ્યો..જાણે કે હમણાં સાહેબને ફાડી ખાશે કે શું...!
''મારું બેટુ સાનું પૂશયું ઈમાં તો તાડુંકવા માંડ્યું.. નો પીવી હોય તો
માઈ જાવ..આતો બેઠું બેઠું ઊંઘી જયું'તું તે ઈમ થિયું કે લાવ્યને જરીક સા પીવી હોય તો પુસી લવ.." છગન મનમાં ગાળો ભાંડતો ભાંડતો ચાલ્યો ગયો.
* * * * * * * * * * * * * * *
"હેલો રાઘવ, એને હવા બહુ વધારે છે, સાલ્લાએ આપણું પેકેટ પણ પકડ્યું નથી.પણ કંઈ વાંધો નહીં, હું એના પુંછડે દીવાસળી મુકતો આવ્યો છું એટલે એને ઠેકતું ઠેકતું આપણાં તળાવમાં એનું પૂંછડું ઓલવવા આવવું જ પડશે.." નાથાએ S.T.D. માંથી મુંબઈ ફોન જોડ્યો હતો.
"કંઈ વાંધો નહીં નાથા..હું તને એક સરનામું આપું છું, તું એ ઓફિસમાં જા..ત્યાં તને નરેશ રૂપાણી મળશે..
એને તું આ પેકેટ વેચવા આપજે. અને ચંદુલાલ શેઠની શેરીમાં રામાણી ટ્રેડર્સની દુકાન પર બેસજે.
પછી જે થાય એ જોયા કરજે." રાઘવે સૂચના આપી.
નાથો બિલ ચૂકવીને નરેશ રૂપાણીને
મળવા એની ઓફિસ શોધવા લાગ્યો.
બરાબર એ વખતે મગન,રવજીના કારખાના પર એક મેનેજર પાસે બેઠો હતો, અને તૈયાર હીરા કેવા હોય એની ખાસિયતો શીખી રહ્યો હતો. રવજી ઠૂંમરની મહેરબાનીથી
મગનને બધું શીખવા મળી રહ્યું હતું. નાથો અને મગન સિધ્ધિઓના શીખરોની દિશામાં નીકળી પડ્યા હતા.
રામો ભરવાડ એના દોસ્ત જોરુભાને, એને નડી રહેલા ક્રાઈમબ્રાન્ચના માણસો મગન અને નાથાની કંઈક વ્યવસ્થા કરવાનું કહેતો હતો.
જોરુભા પોલીસ લાઇનના ઘણા લોકો સાથે સાંઠ ગાંઠ ધરાવતો હતો.ક્રાઈમબ્રાન્ચમાં નવો દાખલ થયેલો મગન કોણ છે એની તપાસ કરવાનું કામ જોરુભા કરવાનો હતો...!
(ક્રમશ : )