પ્રેમનું અગનફૂલ
વ્રજલાલ હિરજી જોષી
મોતનો અગનખેલ
ભાગ - 2
ગોદામ પહેલાના ગોદામ કરતા મોટું હતું અને ત્યાં બે મશીન પડ્યાં હતા, તે મશીન ઝેરોક્ષ મશીન ટાઈપનાં હતાં. તે સિવાય ત્યાં કલરના ડબ્બા, એલ્યુમિનિયમનો કાગળ, સફેદ કાગળોનાં બંડલો પડ્યાં હતાં.
‘આ... આ.. શું છે...?’ રસીદએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
‘રસીદ આ એ વસ્તુ છે કે જેણે અમને અહીં સુધી પહોંચતા કર્યા છે.’ ચહેરા પર સ્મિત ફરકાવતાં કદમ બોલ્યો.
‘એટલે... હું સમજ્યો નહીં...? રસીદના ચહેરા પર મૂંઝવણના ભાવ હતાં.
‘રસીદ... આ નોટો છાપવાનું કારખાનું છે અને અહીં ભારતીય ચલણની પાંચસો, હજારની ડુપ્લિકેટ નોટો છપાય છે અને પછી ભારતમાં ઘુસાડવામાં આવે છે.’ પ્રલય દાંત કચકચાવતાં બોલ્યો.
‘ચાલો હવે જલદી કરો... કદમ બોમ્બના ટાઈમર મૂકી સેટ કર. જલદી...’ પ્રલયે કહ્યું.
કદમ ઝડપથી કામે લાગ્યો.
થેલામાંથી ટાઈમ બોમ્બ, ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું.
‘કટ... કટ...’ અચાનક બહારથી આવેલા અવાજ સાથે ત્રણે એકદમ ચોંકી ઊઠ્યાં.
‘શું થયું...?’ ચોંકીને કદમ બોલ્યો.
‘પ્રલય જલદી સ્ટાર્ટ ખોલ...?’ થેલામાં ઝડપથી સામાન મૂકતાં કદમે પ્રલય સામે જોયું.
પ્રલય દોડ્યો શટર પાસે જઈ શટરને ઊભું કરવા માટે તેણે હાથના પંજાને નીચે ભરાવી જોર કર્યું, પણ આશ્ચર્ય વચ્ચે શટર ઊંચું ન થયું. પ્રલેય બેં હાથ વડે હેન્ડલને પકડીને ઉપરની તરફ ખેંચ્યું, પણ વ્યર્થ કોઈએ શટરને બહારથી બંધ કરી નાખ્યું પ્રલયના ચહેરા પર પરસેવો વળી ગયો.
‘શું થયું શટર ખૂલતું નથી.’ ચિંતીત ચહેરે કદમે પૂછ્યું.
‘કદમ શટરને બહારથી બંધ કરી લોક કરી દેવામાં આવ્યું છે.
પ્રલયની વાત સાંભળી કદમ અને રસીદના ચહેરા પર પરસેવો વળી ગયો.
ત્રણે જણ ગોદામમાં પુરાયા હતા અને કોઈએ બહારથી શટર બંધ કરી દીધું. તેઓ બરાબરના ફસાઈ ચૂક્યા હતા.
અને... અને... ટાઈમ બોમ્બનું ટાઈમર શરૂ થઈ ચૂક્યું હતું. જો જે અડધા કલાકમાં શટર ખોલી તેઓ બહાર નીકળી ન જાય તો ટાઈમ બોમ્બના ધડાકા સાથે ગોદામની સાથે સાથે તેઓનાં પણ મોત નક્કી હતા. તેઓ બરાબરના ફસાયાં હતાં.
‘આપણે જલદી શટર ખોલવું જ પડશે. નહીંતર ગોદામ સાથે સાથે આપણો પણ છુંદો થઇ જશે. ટાઇમર ચાલુ થઇ ચૂક્યું છે. અને તેને બંધ કરવા જતા જરા પણ ચૂક થશે તો બોમ્બ વિસ્ફોટ થઇ જશે.’ રસીદ બોલ્યો. તેના ચહેરા પર ગભરાટના ભાવ છવાયેલા હતા.
‘રસીદ... જલદી ગોદામમાં કોશ, હથોડા કે ટામી જેવાં સાધન પડ્યા હોય તો શોધો, જલદી આપણી પાસે સમય એકદમ ઓછો છે.’ કહેતાં પ્રલય ટોર્ચના આછા અંજવાસને ચારે તરફ ઘુમાવતો. ટામી, કોશ જેવી કોઇ વસ્તુ મળી જાય તે જોવા લાગ્યો.
કદમ ટાઇમ બોમ્બ પાસે બેસીને તેને કેમ રિફ્યુઝ કરવો તે વિશે વિચારતો હતો.
ભયાનક અંધકારભર્યા વાતાવરણમાં એકદમ સન્નાટો છવાયેલો હતો. ગોદામની અંદર સન્નાટામાં ટાઇમરનો ટીક-ટીક અવાજ તે લોકોને હથોડાના ‘ઘા’ જેવો મોટો લાગતો હતો.
પ્રલય અને રસીદ ગોદામની ચારે તરફ ફરી વળ્યા પણ ક્યાંય કોઇ એવી વસ્તુ નજરે ન ચડી જેના વડે શટરને ખોલી શકાય.
કદમને પણ ટાઇમ-બોમ્બ રિફ્યુઝ કરવા માટે ક્યા તારને છૂટો પાડવો તે સમજણ પડતી ન હતી, કેમ કે બધા જ તાર એક જ લીલા કલરના હતાં.
મોત ધીરે ધીરે તે લોકોની આગળ વધી રહ્યું હતું.
પ્રલય અને રસીદએ શટરને ખોલવાની કોશિશ કરી પર તેઓ નાકામયાબ રહ્યા, બધી મગજમારીમાં વીસ મિનિટનો સયમ પૂરો થયો હતો.
હવે ફક્ત દસ મિનિટનો સયમ બાકી રહ્યો હતો.
આ ટાઇમર બોમ્બમાં કાંઇ જ થઇ શકે તેમ નથી. આપણે ભૂલ કરી છે કે પહેલા ટાઇમર બોમ્બને રિફ્યુઝ કરવાનું સમજી લેવાની જરૂર હતી. આપણી જલ્દબાજીએ આપણને મોતના મોંમાં ધકેલી દીધા. નિરાશ વદને કદમ ઊભો થયો.
ટક... ટક... ટક... ઘણના ‘ઘા’ જેવો ભયાનક ટાઇમરનો અવાજ સન્નાટામાં તેઓના માથા પર કોઇ ઘણના ‘ઘા’ મારી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું.
આપણે ત્રણે મળી શટરને ખોલવાની કોશિશ કરીએ. ચહેરા પર પરસેલો લૂછતાં કદમ બોલ્યો.
‘ચાલો... આજુબાજુ લોખંડના પાઇપ જેવી વસ્તુ પડી હોય.’
પ્રલયે ટોર્ચના પ્રકાશમાં જોવા લાગ્યો, પણ એવી કોઇ જ વસ્તુ તેઓને જોવા ન મળી.
ટક... ટક... ટક... મોતનો સૂર રિધમ સાથે ટાઇમરમાં સતત ગુંજતો સમય પસાર કરવાની રહ્યો હતો.
ત્રણે જણા શટરને પકડીને ઊંચી કરવાની, લાતો મારી પછાડવાની સતત કોશિશ કરી પણ વ્યર્થ કાંઇ જ ન થયું.
ફક્ત મોત અને તે લોકો વચ્ચે પાંજ મિનિટનો સમય બાકી હતો.
અચાનક બહાર કોઇના પગરવનો અને રાડારાડનો અવાજ સંભળાયો. ત્રણે જણા શટર પર લાતો મારી શટર ખોલાવવા માટે કોઇ મદદ કરે તેવો પ્રયત્ન કરી રહ્યા હતા.
પ્રલય, કદમ અને રસીદના ચહેરા પર પરસેવો નીતરતો હતો.
અચાનક બહાર ધમાકાઓના અવાજ થયો.
ગોળીઓની રમઝટ બોલાઇ રહી હોય તેવું લાગ્યું. ત્યારબાદ કેટલીય ચીસો ગુંજી ઊઠી, પછી કોઇના દોડવાનો અવાજ આવ્યો.
પગરવનો અવાજ નિરંતર તે લોકો તરફ આવી રહ્યો હતો.
બહારથી આવતા પગરવના અવાજ સાથે જ તે જે હોય તેવું ધ્યાન ખેંચવા માટે ત્રણે જણાઓએ શટર પર લાતોનો વરસાદ વરસાવ્યો.
ટક... ટક... ટક... ફક્ત બે જ મીનીટ બાકી રહી હતી.
‘પ્રલય...’ આપણો અંત આવો આવશે, તેની મને ખબર ન હતી. પ્રલયને બાથ ભરતાં કદમ બોલ્યો. તેની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં હતા. તે મોતથી ડરતો ન હતો, પરંતુ સામી છાતીએ દુશ્મનો સામે લડતાં લડતાં ગોળી ખાઇ મરવાનું વધુ પસંદ કરતા હતા, બીજું તેઓના મોત પછી મિશન અધૂરું રહી જાય તેમ હતું.
બહાર ગોળીઓના ધમાકાઓનો અવાજ ગુંજ્યો.
અને પછી કોઇ દોડતું ગોદામ પાસે આવ્યું હોય તેવું લાગ્યું.
બોમ્બને ફૂટવા માટે એક જ મિનિટ બાકી હતી.
અચાનક ઝડપથી ગોદામનું શટર ખૂલ્યું, તેઓની સામે બહાર સુલેમાન ઊભો હતો.
‘ચાલો જલદી ભાગો...’ પ્રલયે ચીસ પાડી અને ત્યારબાદ પ્રલય, કદમ અને રસીદ આંધીની રફતાર સાથે બહાર દોડ્યા, ત્યારે ઝડપથી ગોદામથી થોડે દૂર દૂર જવા માંગતા હતા. તેઓની પાછળ સુલેમાન પણ દોડતો હતો.
અને પછી જોરદાર ધમાકાઓના અવાજ સાથે વિસ્ફોટ થયો. આખું ગોદામ ધમાકાભેર ઊડી ગયું. ધમાકો થતાં જ દોડતા સૌ જમીન પર લાંબા થઇને સૂઇ ગયા.
ગોદામનો કેટલોય મલબો તે લોકો પર આવીને પડ્યો, પરંતુ સદ્દભાગ્યે કોઇને નુકસાન થયું નહીં, ફરીથી સૌ ઊભા થયા અને દોડવા લાગ્યા.
થોડીવારમાં જ તેઓ ગોદામવાળા સ્થળેથી દૂર પહોંચી ગયા. સૌ પરસેવાથી રેબઝેબ થઇ ગયા હતા. બહાર વરસાદ ધીમે ધીમે પડી રહ્યો હતો. વાતાવરણ વાદળ છવાયેલું હતું. ઠંડા વાતાવરણથી સૌને ઠંડક વળી તેઓનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો.
કદમે સુલેમાન સામે જોયું.
‘સુલેમાન... તેં અમને મોતના મોંમાંથી બચાવ્યા. તેના માટા આભાર, પરંતુ તેં જે દેશદ્રોહીનું કામ કર્યું છે, તેના માટે તને સજા તો મળશે જ.’ કહેતાં કદમે રિવોલ્વર સુલેમાન સામે તાકી તેનો હાથ રિવોલ્વરનો ટ્રેગર પર દબાતો જતો હતો.
‘એક મીનીટ...’ હાથને લાંબો કરતાં સુલેમાન બોલ્યો.. ‘મી. કદમ મેં દેશદ્રોહનું કામ કર્યું છે, પણ હવે મને તેનો અફસોસ છે. અને દેશ માટે કાંઇ કરી છૂટવા માટે મેં તમને બચાવ્યા છે. આતંકવાદીઓ સામેની લડાઇ હજુ બાકી છે. અને તેમાં તમને મારે મદદ કરવી છે. ત્યારબાદ તમે મને ભલે ગોળી મારી દેજો, હું હસતાં મોંએ ગોળી ખાવા તૈયાર છું, પણ મને એક મોકો આપો.’
કદમનો રિવોલ્વરવાળો હાથ નીચો થયો.
‘સુલેમાન... અમે તૈયાર છીએ, પણ જો દગો રમવાની કોશિશ કરી તો તે જ મિનિટે હું તને ગોળી મારી દઇશ.’
‘મારે દગો કરવો હોત તો તમને શું કામ બચાવત, આતંકવાદીઓને તમને મારી નાખવા માટે ગોદામની બહારથી લોક લગાવી દીધો હતો. જો હું થોડો પણ મોડો પહોંચ્યો હોત તો અત્યારે તમે જીવતા ન હોત.
‘કદમ... સુલેમાનની વાત સાચી છે. આપણે મિશન પૂરું કરવાનુ છે, હજુ આતંકવાદીઓને જડમૂળમાંથી નષ્ટ કરવાના છે. સુલેમાન...’ સુલેમાન સામે સખ્ત નજરે જોતાં પ્રલય બોલ્યો, ‘જરાપણ દગો કરવાની કોશિશ કરીશ તો હું તને રિબાવી રિબાવીને મારીશ.’
ગુસ્સાથી પ્રલયના હાથ ધ્રૂજતા હતા.
ત્યારબાદ સૌ આગળ ચાલવા લાગ્યા.
અચાનક સામે આવેલ વૃક્ષોના ઝુંડમાંથી બે આતંકવાદીઓ નીકળી આવ્યા તેમના હાથમાં રાયફલો હતી.
‘હોલ્ટ...’ સૌથી પાછળ ચાલતો સુલેમાન એકાએક ચિલ્લાયો અને પછી ઝડપથી પોતાની રિવોલ્વર કદમ, પ્રલય, રસીદની પાછળ તાકી ઊભો રહ્યો.
‘સુલેમાન...’ પ્રલય ગુસ્સાથી તમતમી ગયો.
‘ચુપ... ચુપ કરો અને ત્રણે જલદી હાથ ઊંચા કરો. સુલેમાનનો પહાડી અવાજના વાતાવરણમાં પડઘા પડ્યા.
‘સુલેમાન... હું તને જીવતો નહીં છોડું હરામખોર... એકવાર મારા કબ્જામાં આવ પછી. જોજે તારી શું હાલત કરું છું.’ રસીદ ચિલ્લાયો.
રાત્રિના અંધકારમાં સ્પષ્ટ કોઇ જ દેખાતું ન હતું, પણ સુલેમાનનો પહાડી અવાજ વાતાવરણમાં ગુંજતો હતો, તેથી વૃક્ષના ઝુંડમાંથી બહાર આવેલ બંને આતંકવાદીઓ તેમના તરફ દોડી આવ્યા અને પ્રલય, કદમ, રસીદ સામે રાયફલો તાકી ઊભા રહ્યા.
‘સુલેમાન ચાચા... આ લોકો અહીં કેવી રીતે પહોંચી આવ્યા. અને તે લોકો કોણ છે...?’ બેમાંનો એક આતંકવાદી બોલ્યો
‘આ આપણા કેદીઓને છોડાવવા આવ્યા હતા. તેઓ આપણા દુશ્મન દેશના જાસૂસો છે.’ સુલેમાને કહ્યું. પછી પ્રલયની ગરદન પર રિવોલ્વર ભરાવ બોલ્યો, ‘ચાલો આગળ વધો.’
‘સુલેમાન... તું દેશનો ગદ્દાર છે, પોતાને દેશને દુશ્મન દેશ કહેનાર ગદ્દારને હું જીવતો ચીરી નાખીશ, સુલેમાન એક વખત... ફક્ત એક વખત મારા હાથમાં આવ.’ પ્રલયનો ચહેરો ગુસ્સાથી ભયાનક લાગી રહ્યો હતો.
‘અત્યારે આજુબાજુ આપણા કેટલો લોકો તૈનાત છે...?’ પ્રલયની વાતને બે ધ્યાન કરતા સુલેમાને એક આતંકવાદીને પૂછ્યું.
‘સુલેમાન ચાચા... અહીંથી થોડે દૂર તળાવ પાસે ચાર આદમી બેઠા છે, અને બે જણ અહીં કુલ છ આદમીઓ છીએ.’
‘ઠીક છે ચાલો, તળાવ પાસે, આ લોકો ખતરનાક છે. બે થી છ ભલા ચાલો...’ સુલેમાને કહ્યું.
કદમે ગુસ્સાભરી નજરે સુલેમાન સામે ગરદન ફેરવી જોયું, સુલેમાને રિવોલ્વર હલાવી તેને આગળ વધવાનું કહ્યું.
તળાવ ગીચ જંગલ વચ્ચે આવેલું હતું.
ચારે તરફ ઊંચા ઊંચા વૃક્ષોની ગીચ ઝાડીઓ વચ્ચે માર્ગ કરતાં ગાઢ અંધકારમાં તેઓ આગળ વધતા હતાં.
વાતાવરણમાં રાનીપશુઓની ત્રાડોનો ડરામણો અવાજ સંભળાઇ રહ્યો હતો. વરસાદ બંધ થઇ ચૂક્યો હતો, પણ ગાઢ વાદળોથી છવાયેલા આકાશમાં થોડી થોડી વારે વીજળીના ચમકારા થતા હતા. વીજળીના પ્રકાશમાં વાતાવરણ એકદમ ડરામણું લાગતુ હતું.
તળાવની પાળ પાસે એક મોટા પથ્થર પર બેસીને ચાર આતંકવાદી પત્તા રમી રહ્યા હતા. તેઓની બાજુમાં હરીકેન ફાનસ આછા અજવાસ સાથે સળગી રહ્યું હતું.
કોઇને આવતા જોઇ તેઓ ઝડપથી ઊભા થઇ ગયા અને પોતપોતાની રાયફલો તેઓની સામે તાકી.
‘કોણ છે... ?’ ચારમાંથી એક બોલ્યો.
‘અરે... મજનું હું ફજલ છું, અમે ત્રણ લોકોને અહીં પકડી પાડ્યા છે. અમારી સાથે સુલેમાન ચાચા પણ છે.’
‘ઠીક છે, અહીં આવી જાવ.’ ચારેય આતંકીઓએ પોતાની રાયફલો નીચી નમાવી દીધી.
‘સુલેમાન ચાચા... આને ક્યાંથી પકડી લાવ્યા છો ?’ મજનુએ પૂછ્યું.
‘મજનુ... તમને લોકોને કાંઇ ભાન છે...?’ આ લોકોએ આપણો પુલ ઉડાવી દીધો છે અને ગોદામો પણ ઉડાવી દીધાં છે અને તમે અહીં અંધકારમાં ફાનસ બાળી તાસ રમી રહ્યા છો. મારા અફઝલ સૈયદને તમારી લોકોની ફરિયાદ કરવી પડશે.’ સખ્ત અવાજમાં સુલેમાન બોલ્યો.
ચારેનાં માથાં નીચા નમી ગયાં.
‘સુલેમાન ચાચા, અમારી ભૂલ થઇ ગઇ. જંગલમાં ચારે તરફ ચક્કર લગાવવાને બદલે અમે અહીં બેસી ગયા.’ મજનુ ઢીલા અવાજે બોલ્યો
‘ઠીક છે... આ તો મારા હાથમાં આ લોકો અથડાઇ ગયા. નહીંતર બધું જ સત્યાનાશ થઇ જાત, આપણું ગોલાબારુદ, દારૂખાનું ભરેલું ગોદામ સુરક્ષિત રહી ગયું. ખૈર... હવે આ ત્રણને મારી આની લાશોને તળાવમાં પધરાવી દેવાની છે. ચાલો તમે લોકો એક તરફ હટી જાવ, હું આ ત્રણેને ગોળી મારી ખત્મ કરી દઉં એટલે પત્યું.
સુલેમાનની વાત સાંભળી રસીદના ચહેરા પર પરસેવો વળી ગયો
છ એ છ આતંકવાદીઓ પોતાની રિવોલ્વર પથ્થર પર મૂકી એક તરફ ઊભા રહી ગયા.
‘ચાલો તમે ત્રણે મરવા માટે તૈયાર થઇ જાવ.’ સુલેમાન સખ્ત અવાજે બોલ્યો, પછી પોતાની એ.કે. 47 ને ખભા પરથી ઊતારી પ્રલય કદમ અને રસીદ સામે તાકી.
એક... બે... ત્રણ... કાઉન્ટ કર્યા બાદ સુલેમાનની ગનમશીનની ટ્રેગર પર આગંળી દબાઇ અને પછી.
ધાંય... ધાંય... ધાંય... કરતી કેટલીય ગોળીઓ છૂટી અને વાતાવણમાં કેટલીય મરણ ચીસો ગુંજી ઊઠી.
***