પ્રેમનું અગનફૂલ - 11 - 1 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું અગનફૂલ - 11 - 1

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મિશન કામયાબ

ભાગ - 1

વાતાવરણ ગોળીઓ અને ચીસોના અવાજથી ગુંજી ઊઠ્યું.

ગોળીઓના ધમાકાથી વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓ પાંખો ફફડાવતાં ડરના માર્યા આમથી તેમ ચીસો પાડતાં ઊડવા લાગ્યા.

ક્ષણભર માટે આકાશમાં વીજળી ચમકી.

કદમ, પ્રલય અને રસીદએ ગોળીઓના ધમાકા થયા ત્યારબાદ આંખો ખોલી, તેઓને વિશ્વાસ ન આવ્યો. જે રિવોલ્વર તેઓના તરફ તકાયેલી હતી અને તેની ગોળીઓ તેઓના સીનામાં ઊતરી જવાને બદલે ત્યાં એકઠા થયેલ આતંકવાદીઓના સીનામાં ઊતરી ગઇ હતી. છ આતંકવાદીઓ ગોળી ખાઇને મૃત્યુ પામ્યા હતા.

સુલેમાનના ચહેરા પર સ્મિત ફરકી રહ્યુ હતું.

તેઓથી થોડે દૂર ગીચ ઝાડીઓની ઘટામાં ફકીરબાબા ઊભા હતા. તેઓ ચૂપચાપ પોતાની ઝૂંપડી તરફ ચાલતા હતા.

‘થેંક્યુ... સુલેમાન... અમને તો એમ હતું કે તું અમને ગોળીઓથી ભૂંજી નાખીશ.’ સ્મિત ફરકાવતા કદમ બોલ્યો.

‘મિ. કદમ, જો આ છ આતંકવાદીઓને એકઠા કરી છલથી મારી નાખ્યા ન હોત તો તેઓ આપણને ગોળીઓથી ભૂંજી દેત.’

‘સુલેમાન... તે ભારત માતાની રક્ષા માટે ફર્જ બજાવી છે. આ મિશન પૂરું થાય ત્યારે તું અમારી સાથે ભારત ચાલ્યો આવજે, તારા કરેલ ગુનાઓ અમે માફ કરાવી દેશું.’ ગંભીરતાપૂર્વક પ્રલયે કહ્યું.

‘આભાર મી. પ્રલય... મારે મારી માતૃભૂમિનું ઋણ અદા કરવું હતું. મારો ખુદા આજ મારા પર ખુશ થયો હશે, હવે ઝડપથી અહીંથી નીકળી જઇએ.’

‘નીકળતાં પહેલાં આપણે ત્રીજું છેલ્લું ગોદામ પણ ઉડાવી દઇએ. આતંકવાદીઓનાં કપડાં કપાઇ જા.’ રસીદએ કહ્યું.

ગાઢ અંધકારમાં ગીચ ઝાડીઓ વચ્ચે માર્ગ પસાર કરતા તેઓ આગળ વધતા હતા. રાત્રિની સ્તબ્ધતામાં નિશાચર પ્રાણીઓની ત્રાડો જંગલને ભયાનક બનાવતી હતી.

વરસાદ પડ્યો હોવાથી ચારે તરફ પાણીનાં ખાબોચીયાં ભરાયેલ હતાં. જંગલમાં માર્ગ કરતાં ધીરે ધીરે તેઓ ત્રીજા ગોદામ પાસે આવી પહોંચ્યા. અહીં બે સિપાઇઓ ગોદામની બહાર પથ્થર પર બેસીને બીડી પી રહ્યા હતા.

‘તમે સૌ અહીં જ છુપાઇ રહો. આ બે સિપાઇનું કામ તમામ કરી હું તમને લોકોને બોલાવું છું.’ કહેતાં સુલેમાન આગળ વધ્યો, ગાઢ અંધકારમાં ભરાવદાર સીનો અને પહેલવાની બાંધો સુલેમાનના વ્યકિતત્વે અનોખું બનાવતો હતો.

‘અરે ચાચાજાન... આપ... અત્યારે અહીં... ?’

સુલેમાનને જોતાં જ બંને સિપાઇ ચોંકી પડ્યા.

‘હું અહીં ચક્કર લગાવવા નીકળ્યો. થયું લાવ તમારી પૃચ્છા કરતો આવું, સારુ બીડી પિવડાવો.’ કહેતાં સુલેમાન તેઓની બાજુમાં બેસી ગયો.

‘સુલેમાન ચાચા, થોડીવાર પહેલા ધમાકાઓના અવાજ સંભળાયા હતા.’ સુલેમાનને બીડી આપતાં એક સિપાઇ બોલ્યો.

‘એટલે તો... !’ એટલે જ હું અહીં ચક્કર લગાવવા આવ્યો છું. પહેલા ગોદામમાં વિસ્ફોટ થતા ધમાકાઓ સાથે આગ લાગી ગઇ હતી અને બે આદમી પણ પકડાયા હતા.’ બીડી સળગાવી તેનો ઊંડો દમ ભરતાં સુલેમાન બોલ્યો.

‘બે આદમી... ? ચાચા પણ અહીં બહારનો કોઇ જ આદમી આવી શકે તેમ નથી તો... !’ એક સિપાઇએ પૂછ્યું.

‘એ જ વાત સૌને ખટકતી હતી કે બે આદમી અહીં આવી કેમ પહોંચ્યા, પણ મેં તે બંનેને ખત્મ કરી નાખ્યા, ત્યારબાદ આ તરફ ચક્કર લગાવવા આવ્યો છું.’ ભેખમાંથી રિવોલ્વરને બહાર કાઢી હાથેથી રમાડતા સુલેમાન બોલ્યો.

‘સારું થયું ચાચા તમે અમને ચેતવ્યા અમે તો સૂઇ જવાની તૈયારી કરતા હતા. હજુ પણ અમને માન્યામાં નથી આવતું કે આવા ગીચ જંગલમાં નદી પાર કરીને કોઇ અહીં આવી શકે. કેમ કે પુલ પર તો સઘન ચોકી પહેરો લાગેલો છે.’ બીડીનો છેલ્લો દમ ભરી ઠૂંઠાને ‘ઘા’ કરતાં એક સિપાઇ બોલ્યો.

‘તમને ચેતવ્યા ?’ ઘેરું સ્મિત ફરકાવતાં સુલેમાન હસ્યો. ‘તમને ચેતવ્યા વગર તમને મારી નાખું તો તમને દુ:’ખ થાય, પણ ચેતવ્યા બાદ મારી નાખું તો ઉપર જઇ તમને અફસોસ ન થાય કે ચાચાએ ગદ્દારી કરી.’ કહેતાં સુલેમાને તે બે સિપાઇ તરફ રિવોલ્વર તાકી.

‘ચાચા... ચાચા... તમે... તમે આ શું કરો છો... ?’ તમે આપણા પોતાના થઇને અમને મારી નાખશો.’ ચીસભર્યા અવાજે એક સિપાઇ બોલ્યો. તેના અવાજમાં આશ્ચર્ય સાથે કંપન હતું.

બીજો સિપાઇ ધીરે ધીરે સરકવા લાગ્યો. બંનેની રાયફલો તેઓથી થોડે દૂર પથ્થર પર જ પડી હતી.

ધાંય... અચાનક સુલેમાનની રિવોલ્વર ગુંજી ઊઠી. તે સિપાઇ પથ્થર પરથી ઊથલી પડ્યો. તેની અંતિમ ચીસ જંગલમાં ગુંજી ઊઠી.

‘ચાચા... ચાચા... તમે આને મારી નાખ્યો. ચાચા... અમારી શું ભૂલ થઇ છે, તમે તો આ આતંકવાદી કેમ્પના અતિથિ અને અફઝલ શાહિદ ખાસ માણસ છો.’ તે સિપાઇ ધ્રૂજતો હતો.

‘એ બધું છોડ. તારો મિત્રને તને મૂકીને ખુદાગંજ રવાના થઇ ગયો છે. ભાઇ તારા વગર તેને ત્યાં મઝા નહીં આવે, માટે તું પણ જલદી ચાલતી ગાડીમાં ચડી જા મારા ભાઇ...’ ક્રૂર હાસ્ય કરતાં સુલેમાન બોલ્યો, પછી તેણે રિવોલ્વરનું ટ્રેગર દબાવી દીધું.

ધડામ... નો અવાજ ગુંજી ઊઠ્યો. બીજો સિપાઇ પણ આશ્ચર્યના ભાવ સાથે છાતી પર લાગેલ ગોળીવાળા ભાગને બંને હાથેથી દબાવતો ત્યાં જ ઢળી પડ્યો.

સુલેમાને રિવોલ્વર પર ફૂંક મારી સ્મિત સાથે ઊભો થયો.

અંધકારમાં લીધેલાં બંને નિશાનો પર જ ગોળી વાગી હતી. ઝડપથી ટ્રિગરને કેડ પર ખોંસતા કદમ, પ્રલય અને રસીદ હતા તે તરફ જલદી આગળ વધી ગયો.

થોડીવાર બાદ ચારે જણ ગાઢ અંધકારમાં મોબાઇલ ટોર્ચના આછા અજવાસ સાથે દોડતા હતા. તેઓએ ત્રીજા ગોદામમાં પણ ટાઇમ બોમ્બ મૂકી દીધો હતો. તે ગોદામ પણ રાયફલો અને ગોલાબારુદથી ભરેલું હતું.

અચાનક જોરદાર ધમાકા સાથે જંગલ ખળભળી ઊઠ્યુ.

ગોદામમાં રાખેલો બોમ્બ જોરદાર વિસ્ફોટ સાથે ફૂટ્યો હતો અને ત્યારબાદ ત્યાં મૂકેલો દારૂગોળો ફટાકડાની જેમ ધડાધડ ફૂટવા લાગ્યા.

આકાશમાં ઊંચાઇ સુધી આગની જવાળાઓ ઊઠતી હતી.

ચારે જણા આંધીની રફતાર સાથે નદી તરફ દોડતા હતા.

જ્યારે તેઓ નદી કિનારે આવેલ ફકીરની ઝૂંપડી પર પહોચ્યા ત્યારે રાત્રિના ત્રણ વાગ્યાનો સમય થતો હતો.

સુલેમાન તો તે લોકોથી રસ્તામાં જ છૂટો થઇ આતંકવાદી કેમ્પ તરફ આગળ વધી ગયો હતો.

ફકીરબાબા ત્રણેની વાટ જોઇ જાગતા બેઠા હતા.

‘બાબા... તમે બહુ જ સારું કામ કર્યું છે. હવે તમે કાલે આતંકવાદીના કેમ્પ પર ત્રાટકીને નષ્ટ કરી નાખો.’ બાબા એકદમ શાંત અવાજે બોલ્યા.

દુર્ગા પણ જાગતી બેઠી હતી. તેના ખોળામાં આનંદનું માથું હતું. આનંદ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. થોડી થોડી વારે ઊંઘમાં પીડાથી તેના મોંમાંથી ઊંહકારા નીકળતા હતા.

‘દુર્ગા... આનંદને કેમ છે... ?’ કદમે દુર્ગા તરફ નજર ફેરવી.

‘આનંદને હવે ઘણું સારુ લાગે છે. બાબાએ ગોળીઓ આપી, જેથી તેની પીડા ઓછી થઇ છે અને નીદંર પણ આવી ગઇ.’ આનંદના માથા પર હાથ ફેરવતાં દુર્ગા બોલી.

‘અત્યારે બધા સૂઇ જાવ. હું જાગતો બેઠો છું. કાલ રાત તમારા માટે કયામતની રાત હશે. આજ નિંદર થઇ જશે તો કાલે તમે ફ્રેશ થઇ જશો.’ બાબાએ કહ્યું.

‘બાબાની વાત સાચી છે. ત્રણ વાગ્યાનો સમય થવા આવ્યો છે. આપણે થોડી ઊંઘ ખેંચી કાઢવી જોઇએ.’ બંને હાથ ઉપર લઇ આળસ મોડતાં રસીદ બોલ્યો.

ત્યારબાદ થોડી જ વારમાં સૌ ઘસઘસાટ ઊંઘી ગયા.

હરીકેન ફાનસનો અજવાસ ધીમો પડી ગયો હતો. બાબા ઝૂંપડીના દરવાજા પાસે બેઠા હતા અને સાવચેતીપૂર્વક ચારે તરફ નજર ફેરવતા હતા.

અફઝળ શાહિદ ક્રોધથી રાતોપીળો થઇ ગયો હતો.

ગુસ્સાથી તેના હાથ કાંપી રહ્યા હતા.

‘કોણ હતા... ? બતાવો... ?’ તે જોરથી ચિલ્લાયો.

‘કોણ આપણા કેદીઓને છોડાવી ગયું... ? કોણે આપણાં ગોદામો નષ્ટ કરી નાખ્યા છે... ? નકરમીઓ બહારનો માણસ આવી આપણાં માણસોને મારી કેદીઓને ઉઠાવી ગયા. આપણા ગોલા-બારુદથી ભરેલાં ગોદામોનો નાશ કરી નાખ્યો અને તમે બધા શું ધૂળ ફાકતા હતા...? એક દિવસ... ફક્ત એક દિવસ માટે હું કેમ્પ છોડી પેશાવર ગયો. પાછળ બધું નષ્ટ થઇ ગયું, ક્યાં હતા તમે બધા બતાવ...’ અફઝલ શાહિદ ક્રોધ સાથે જોરથી ચિલ્લાયો.

તેની સામે કેટલાય આતંકવાદીઓ અને ટ્રેનિંગ પામેલ આતંકવાદી સિપાઇઓ નીચુ માથુ કરીને ઊભા હતા.

‘સુલેમાન,હું તમને અહીં કેમ્પની જવાબદારી સોંપી ગયો હતો. આપણા કેદીને ઉઠાવી જવામાં આવ્યા, આપણાં ગોદામો નષ્ટ કરી નાખાવમાં આવ્યા, ત્યારે તમે ક્યાં હતા જવાબ આપો.’

‘મેં... મેં... બધી તપાસ કરી તેઓ ત્રણ જણા હતા અને કેદીને છોડાવી નાસી ગયા. ચારે તરફ તપાસ કરાવી પણ તેઓનો પત્તો લાગ્યો નથી.

રાત્રિના વિસ્ફોટના ધમાકા સાંભળી તરત ગોદામો તરફ ગયો હતો. ત્યાં પહોચ્યો ત્યારે બધું નષ્ટ થઇ ગયું હતું. ત્યાંના આપણા સિપાઇઓ મૃત હાલતમાં પડ્યા હતા. હું આખી રાત જંગલમાં તેઓને શોધવા ફર્યો, પણ માણસ તો ઠીક એક ચકલુંય હાથમાં ન આવ્યું.’

‘આકા... નદી કિનારે બુધ્ધઇ ગામથી થોડે દૂર એક ફકીર ઝૂંપડું વાળીને બેઠો છું. ત્યાં મેં એક સંગહીત માણસને જોયો હતો.’ એક આતંકવાદી બોલ્યો.

‘તો અત્યાર સુધી તું કેમ ફાટ્યો નહીં ? અને સુલેમાન...’ સુલેમાન તરફ નજર ફેરવી અફઝલ શાહિદ ક્રોધભર્યા અવાજે બોલ્યો, ‘સુલેમાન તે લોકો આપણા સિપાઇઓને મારી નાખી કેદીઓને ઉઠાવીને ચાલ્યા ગયાં ત્યારબાદ ગામલોકોને તેની પૂછપરછ કરી હતી... ?’

‘હા... ગામ લોકો એ જ મને બતાવ્યું કે તેઓ ત્રણ જણા હતા અને આપણા સિપાઇઓને ખત્મ કરી કેદીઓને લઇને નાસી ગયા. મેં મારી રીતે બધી તપાસ કરાવી પણ કોઇ જ સુરાગ તે લોકોના મળ્યા નથી.’

‘ઠીક છે, ચાલો આપણે બુધ્ધઇ ગામ પાસે નદી કિનારે આવેલ તે ફકીરની ઝૂંપડી પર તપાસ કરી આવીએ. ચાલો જલદી, હજુ સવાર નથી પડી, અંધકારમાં જ તે લોકોને સૂતા ઝડપી લેવા છે, કદાચ તે લોકો ત્યાં ન હોય તો ત્યાં રહેતા ફકીરને પકડી લાવી તેને પૂછપરછ કરીએ. ચાલો જલદી...’ ખુલ્લી જીપમાં બેસતાં તે બોલ્યો. તેની સાથે કેટલાય રાયફલધારી આતંકવાદીઓ પણ જીપમાં બેસી ગયો.

સુલેમાન ત્યાં હોઠ ચાવતો ઊભો હતો.

અફઝલ શાહિદ બે જીપ ગાડી ભરી નદી કિનારા તરફ જવા રવાના થયો.

સવારનો પહોર હતો ઠંડો મંદ-મંદ પવન વાઇ રહ્યો હતો. ઝૂંપડીમાં રહેતો તે ફકીર નદીમાં સન્ના કરી રહ્યો હતો.

અચાનક ઘરઘરાટીનો અવાજ સાથે તે ચોંકી ઊઠ્યો.

નજર ફેરવી તેમણે દક્ષિણા દિશા તરફ જોયું.

બુધ્ધઇ ગામ તરફથી ધૂળના ગોટા ઉડાળતી બે જીપો તેની ઝૂંપડી તરફ આવી રહી હતી. જીપો ખુલ્લી ગાડી હતી અને તેમાં કેટલાય આતંકવાદીઓ પોતાની રાયફલો હાથમાં લઇને ઊભા હતા. આગળની જીપમાં ડ્રાઇવરની બાજુની સીટ પર અફઝલ સૈયદ બેઠો હતો.

ફકીરના ચહેરા પર ચિંતાની લકીર ફરી વળી, પછી કાંઇક વિચારીને તેમણે ઊંડો શ્વાસ લઇ પોતાના નાક પર આંગળી દબાવી પાણીની અંદર ઊતરી ગયો.

ઝૂંપડી પાસે આવીને ગાડીઓ ઊભી રહી અને ફટાફટ આતંકવાદીઓ નીચે ઊતરી પડ્યા પછી ઝૂંપડી ચારે તરફથી ઘેરી લીધી ત્યારબાદ અફઝલ શાહિદ અને બીજા ચાર આતંકવાદીઓ રાયફલો હાથમાં લઇને ઝૂંપડીની અંદર ઘુસી ગયા.

ઝૂંપડીની અંદર એક તરફ આનંદ અને દુર્ગા સૂતાં હતાં, તો બીજી તરફ પ્રલય, કદમ અને રસીદ ગાઢ નિંદ્રામાં સૂતા હતા.

થાડ... થાડ... થાડ... અફઝલ શાહિદ રાયફલની બટને પ્રલય, કદમ તથા રસીદના માથામાં ફટકારી દીધી.

ચીસોના અવાજ સાથે પ્રલય, કદમ અને રસીદ એકદમ ઝબકીને જાગી ગયા. તેઓની ચીસો સાંભળી આનંદ દુર્ગા પણ જાગી ગયા.

સૌની છાતી પર રાયફલો તાકીને આતંકવાદીઓ ઊભા હતા. તેઓ ઊંઘતા જ આતંકવાદીઓના હાથમાં સપડાઇ ગયા હતા.

‘પકડી લ્યો બધાને... હરામખોરોને લઇ ચાલો...’ કહેતાં ક્રોધથી ધૂંવાંપૂંવાં થતાં અફઝલ શાહિદ તેની નજદીક સૂતેલા પ્રલયના પેટમાં પૂરા જોશ સાથે લાત ફટકારી દીધી.

પ્રલયના મોંમાંથી ચીસ સરી પડી. તીવ્ર પીડાથી તે હચમચી ઊઠ્યો.

‘હરામખોર... મર્દની ઓલાદ હો તો રાયફલો ફેંકી મેદાનમાં આવી જાવ. સૂતેલાઓને ઊંઘમાં ઝડપી મારવા તે તો કાયરોનું કામ છે.’ ચીસભર્યા અવાજે કદમ બોલ્યો.

‘તમે ત્રણે કોણ છો, તે તો મને ખબર નથી, પણ તમે અમારા કેદીઓને છોડાવીને પોતાનું મોત માંગી લીધું છે.’ ક્રોધથી અફઝલ શાહિદનો ચહેરો લાલઘૂમ થઇ ગયો હતો.

‘અને તું... છોકરી તે મારી વાત ન માનીને તારું તથા તારા યારનું મોત માંગી લીધું છે.’ દુર્ગા સામે આંગળી ચીંધી તે આગળ બોલ્યો. ‘છોકરી હવે તને ખબર પડશે કે આતંકવાદ કોને કહેવાય. હં તને આતંકવાદીઓ વચ્ચે છોડી મૂકીશ તેઓ સૌ વારાફરતી પોતાની વાસના સંતોષશે. તારા યારને હાથ-પગ બાંધી ઊંધો લટકાવી તે જોવા માટે હું મજબૂર કરીશ. હા... હા... હા...’શેતાનની જેમ તે હસી પડ્યો. પછી પોતના સાથીઓ સામે જોઇ બોલ્યો, ‘ચાલો સૌને કેમ્પમાં લઇ ચાલો. આ ત્રણ કાફરો અને આ છોકરીના યારને વાંસની લાકડીઓ પર ઊંધા લટકાવી દ્યો અને જરાય ચું... ચાં... કરે તો બેધડક ગોળી મારી દેજો.’ કહેતાં તે ઝૂંપડીની બહાર આવ્યો. ચારે તરફ નજર ફેરવી જોયું તેને ક્યાંય તે ફકીરબાબા નજરે ન ચડ્યા.

ત્યારબાદ બે આતંકવાદીઓને ઝૂંપડી પાસે રહેવા તથા ફકીર બાબા આવે તો તેને પકડીને કેમ્પમાં લઇ આવવાનું કહી અફઝલ શાહિદ પ્રલય, કદમ, રસીદ તથા આનંદ અને દુર્ગાને લઇ તે પોતના સાથીઓ સાથે ત્યાંથી કેમ્પ તરફ જવા નીકળી પડ્યો.

***