પ્રેમનું અગનફૂલ
વ્રજલાલ હિરજી જોષી
ઘૂંટાતું રહસ્ય
ભાગ - 2
શહેરમાં ઘણું જ નુકસાન થઈ ગયું હતું.
સ્ટ્રીટ લાઈટો, મોટા સર્કલ, ગાર્ડન, સરકારી બસો, સરકારી ઓફિસોને પારાવાર ક્ષતિ પહોંચી હતી. ગુજરાત ગવર્નમેન્ટ શાંતિથી ઈચ્છતી હતી. ભાઈચારો બની રહે તેવા સતત પ્રયાસ કરતી હતી.
આનંદ યાસ્મીનને લઈને રહીમચાચાના ઘરે પહોંચ્યો ત્યારે સાંજ ઢળી ચૂકી હતી.
રહીમચાચાના ઘર પાસે આવી આનંદે મોટરસાયકલને થોભાવી. યાસ્મીને નીચે ઊતરી ઘરની ડેલી ખખડાવી.
બે મિનિટ પછી રહીમચાચાએ જ ડેલી ખોલી.
‘કોણ....?’ ધ્રૂજતા અવાજે બોલતાં રહીમચાચાએ યાસ્મીન સામે જોયું અને તેને ઓળખવાની કોશિશ કરી.
‘ચાચા.... હું યાસ્મીન... રહેમત રસુલની દીકરી... ઓળખ્યા ?’ ડેલીમાં પ્રવેશતાં યાસ્મીન બોલી.
‘અરે... આવ... આવ.. બેટી... શું રહેમત આવ્યો છે?’ કહેતાં રહીમચાચાએ યાસ્મીનની પાછળ નજર ફેરવી. પછી રહેમત રસુલને બદલે અજાણ્યા યુવાનને જોઈ તેના ચહેરા પર મૂંઝવણના ભાવ છવાયા.
‘ચાચા.... તમારા ભાઈજાન રહેમત અને મારી માતા તથા મારી બેન તો ખુદાને પ્યારા થઈ ગયા. ચાચા... દંગાફસાદમાં લોકોએ તેઓને મારી નાખ્યા.’ બોલતી યાસ્મીનની આંખોમાં અવિરત આંસુઓની ધારાઓ નીકળી.
રહીમચાચા એકદમ સ્તબ્ધ થઈ ગયા.
બે-ચાર ક્ષણો પછી તે આગળ વધ્યા. બેટી... કહેતાં યાસ્મીનને ગળે લગાવી લીધી, યાસ્મીન રહીમચાચાને ભેટી પડી અને નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
કેટલોય સમય યાસ્મીન રડતી રહી, રહીમચાચાએ તેને રડવા દીધી. તે વ્હાલપૂર્વક યાસ્મીનના માથા પર હાથ ફેરવતા રડ્યા. તેની આંખોમાંથી પણ આંસુ ટપક્યા.
આનંદ મૂક બની ત્યાં જ ઊભો હતો.
યાસ્મીનનાં ધ્રુસકાં ધીરે ધીરે ઓછાં થતાં ગયાં, પછી રહીમચાચા તેને બાથમાં લઈ ઘરની અંદર લઈ ગયા.
જડવત્ ઊભેલા આનંદ પણ તેઓની પાછળ ઘરમાં પ્રવેશ્યો.
‘બેસો ભાઈ...’ પહેલી વખત રહીમચાચાએ આનંદ સામે જોઈ બોલ્યા, આનંદ સોફા પર બેસી ગયો. તે એકદમ સાદો બેઠકરૂમ હતો.
‘બેટા, પાણી લાવ તો.’ રહીમચાચા ઊંચા સ્વરે અંદર ઝાંકતાં બોલ્યા.
‘લાવી... અબ્બાજાન...’ અંદરથી ઘંટડીના રણકાર જેવો અવાજ આવ્યો અને પછી એક મિનિટમાં જ દુર્ગા ટ્રેમાં પાણી ભરેલા ગ્લાસ સાથે બેઠકરૂમમાં પ્રવેશી.
આનંદની નજર દુર્ગા પર પડી તે દુર્ગાને જોતો જ રહી ગયો.
દુર્ગાના ચહેરા પર કંઈક એવું આકર્ષણ હતું કે આનંદની નજર ન હટી.
‘લ્યો પાણી...’ બોલતાં દુર્ગાએ આનંદની આગળ ટ્રે ધરી.
અચાનક આનંદને લાગ્યું કે તે સંમોહનમાંથી બહાર આવ્યો છે.
‘હે... હા... આપો...’ નજર નીચી કરતા આનંદે ટ્રે માંથી પાણીનો ગ્લાસ ઉઠાવ્યો.
દુર્ગાએ યાસ્મીન તથા રહીમચાચાને પાણી આપ્યું. પછી ટ્રેને ત્યાં પડેલી લાકડાની ટિપોય પર મૂકી પોતે ત્યાં પડેલી નેતરની ખુરશી પર બેસી ગઈ.
આનંદ વિચારમાં પડી ગયો, દુર્ગા દેખાવ પરથી અને પહેરવેશ પરથી હિન્દુ લાગતી હતી. તો તે મુસલમાનના ઘરે કેમ....?
જ્યારે યાસ્મીન વિચારી રહી કે રહીમચાચાને કોઈ જ સંતાન ન હતું તો આ છોકરી કોણ હશે...?
પાણીદાર મોટી આંખો... ધૈર્ય, ગંબીર અને રતુંબડો ચહેરો, ગાલ પર પડતા ખંજન, ખૂબસૂરત સશક્ત બાંધો, આનંદ ફરીથી તેની તરફ નજર ફેરવી જોઈ જ રહ્યો.
‘પાણી પીઓ...’ રૂપાની ઘંટડી જેવા અવાજ સાથે તે બોલી અને આનંદ પૂરો ગ્લાસ પાણીનો ગટગટાવી ગયો. દુર્ગાના ચહેરા પર સ્મિત ફરક્યું, પણ પળભરમાં વિલીન થઈ ગયું.
‘બેટા.... આ દુર્ગા છે જેવી પરિસ્થિતિ તારી છે, તેવી જ આ દુર્ગાની છે. ધર્મઝનૂનીઓએ દુર્ગાનાં માતા-પિતાને તેના જ ઘરની અંદર બંધ કરી સળગાવી નાખ્યાં. શું થવા બેઠું છે તેની જ ખબર નથી પડતી. દુર્ગાને પણ મારી નાખવા કેટલાય લોકો શિકારી કૂતરાની જેમ તેની પાછળ પડ્યા હતા. માંડ માંડ મેં દુર્ગાને બચાવી છે.
આનંદે દુર્ગા સામે જોયું. દુર્ગાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં હતાં.
‘ચાચા જેમ તમે દુર્ગાને બચાવી તેમ મને આનંદ ભૈયાએ પોતાના જાનની પરવાહ કર્યા વગર બચાવી, એક હિન્દુ ભાઈએ મુસ્લિમની દીકરીને બેન બનાવી. આનંદની માતાએ મને દીકરી માની માતાની મમતાભરી હુંફ આપી તેઓ તો મને પોતાના ઘરે જ રાખવા માંગતાં હતાં. પરંતુ મેં જીદ કરી કે મને મારા ચાચાના ઘરે મૂકી આવો. ચાચા મારા અબ્બાજાન, અમ્મીજાન અને નાનીબેનની લાશો અમારા ઘરમાં જ પડી હશે. તમે મદદ કરો... એની દફનવિધિ કરાવી આપો.’ કહેતાં તે ફરીથી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
દુર્ગા ઝડપથી યાસ્મીન પાસે આવી અને વહાલથી યાસ્મીનને પોતાની બાંહોમાં સમાવી લીધી. કેટલાય સમય સુધી બંને એકબીજાને ભેટી રડતી રહી.
‘બેટા...’ રહીમચાચાએ આનંદ સામે નજર કરી. બેટા... તું યાસ્મીનની ચિંતા મારા પર છોડી દે, તેં યાસ્મીનને બહેન બનાવી મોટો માનવધર્મ પાડ્યો છે. યાસ્મીનના પિતા મારા કઝીન ભાઈ થતા હતા. હું તેની બધી જ વિધિ મુસ્લિમ ધર્મ પ્રમાણે કરાવી દઈશ. યાસ્મીનને મારી દીકરી કરી મારી પાસે રાખીશ, પણ...’
‘પણ શું ચાચા...’ આનંદે પ્રશ્નાર્થ ભરી નજરે રહીમચાચાની સામે જોયું.
‘બેટા... તારે પણ એક જવાબદારી ઉઠાવવી પડશે.’
‘રહીમચાચા... તમે બોલો, હું તમે કહેશો તે કરવા તૈયાર છું’
‘બેટા... આ દુર્ગા મારી દીકરી છે. તેનું ઘર સળગાવી નાખી ઘરમાં જ તેનાં માતા-પિતાને જીવતા સળગાવી નાખ્યા છે. તારે દુર્ગા સાથે તેમના ઘરે જવાનું છે અને તેનાં માતા-પિતાની તપાસ કરવાની છે. તારે દુર્ગાને મદદ કરવી પડશે, તું જે કરી શકીશ તે હું નહીં કરી શકું. કેમ કે હું મુસલમાન છું, અને હજુ હિન્દુ મુસલમાન લોકો વચ્ચેનો રોપ શમ્યો નથી. હું દુર્ગા માટે તેના ઘરે જઈને તપાસ કરાવી શકું, પણ આગળ જે કરવું પડે તે બધું હું કરવા જઈશ તો લોકો મને સાથ નહીં આપે.’
આનંદ રહીમચાચાની વાત સમજી ગયો. તેમનો ઈશારો દુર્ગાના માતા-પિતા જો મૃત્યુ પામ્યા હોય તો હિન્દુ ધર્મ વિધિ પ્રમાણે તેમના અગ્નિ-સંસ્કાર કરવાના હતા.
‘ચાચા... તમે દુર્ગાની ચિંતા છોટી દો. હું દુર્ગાને મારે ઘરે લઈ જઈશ અને બધી તપાસ કરાવી તેમનાં માતા-પિતા માટે જે કરવાની જરૂર હશે તે બધું જ કરી છૂટીશ. તમે ચિંતા ન કરશો.’
રહીમચાચાએ નિરાંતનો શ્વાસ લીધો. તેના માથા પરથી જાણે મણનો બોજો દૂર થઈ ગયો. મમતાભરી નજરે તેઓ આનંદને જોઈ રહ્યા.
રહીમચાચાનું મન ગ્લાનિથી ભરાઈ ગયું હતું. બનેલી ઘટનાઓથી તેઓ ખૂબ દુઃખી થયા હતા.
‘હે પરવરદિગાર, યા અલ્લા...’ બંને હાથને ઉપર ઉઠાવી માથું ઊંચું કરી તેમણે નજર ઉપર રી. આગળ બોલ્યા, ‘ખુદા... લોકોને સદ્દબુદ્ધિ આપ. લોકો નાદાન છે. તેઓને ખ્યાલ નથી કે ધર્મના નામ પર તેઓએ મહાભયાનક અત્યાચાર માંડ્યો છે. તેઓ જે પાપ કરી રહ્યા છે. તેને અટકાવો પરવર દિગાર...’ કહેતાં કહેતાં તેઓની આંખો છલકાઈ.
તે જ વખતે સન્નાટાને તોડતો, ચારે તરફ પડઘા પાડતો નમાઝની બાંગનો અવાજ વાતાવરણમાં ગુંજી ઊઠ્યો.
‘અલ્લાહુ... અકબર...’
‘રહીમચાચા... હવે હું રજા લઈશ. રાત્રિના અગિયાર વાગ્યા પછી કર્ફ્યુ લગાવી દેવામાં આવે છે. મોડું થયું તો તકલીફ પડશે.’ ઊભા થતાં આનંદે રજા માંગી.
‘ભલે બેટા... સાચવીને જજો.’ કહેતાં તેમમે દુર્ગા સામે જોયું. જા બેટા... ચિંતા ન કરીશ, તને જ્યારે પણ અહીં આવવું હોય ત્યારે પાછી આવી જજે. આ ઘરને તારું જ સમજજે.’
દુર્ગાની રડીને લાલ થઈ ગયેલી આંખોમાંથી આંસુ પડ્યાં, પછઈ આગળ વધી રહીમચાચાને પગે લાગી, ત્યારબાદ...
‘ચાલો... કહેતાં દુર્ગાએ આનંદ સામે જોયું.’
આનંદ દુર્ગાને લઈ ઘરે પહોંચ્યો ત્યારે ધરતીના પડ પર અંધકારના ઓળા ઊતરી આવ્યા હતા.
શહેરમાં ચારે તરફ વેરાની છવાયેલી હતી. વાતાવરણમાં ફેલાયેલ મનહુસ સન્નાટો વાતાવરણને ડરામણું બનાવતો હતો. શહેરમાં ચારે તરપ સી.આર.પી.એફ. ના યુવાનો હાથમાં ભરી રાયલફલોએ પહેરો દેતા નજરે ચડતા હતાં.
રસ્તામાં આનંદને કોઈએ અટકાવ્યો નહીં.
ડોરબેલ વાગતા જ ઝડપથી આરતીએ દરવાજો ખોલ્યો.
આનંદ સાથે આવેલ દુર્ગા પર નજર પડતાં આરતીને થોડું આશ્ચર્ય થયું.
‘એક છોકરીને મૂકી આવ્યો અને બીજી છોકરીને તેડી આવ્યો.’ આરતીનું ચંચલ મન બોલી ઊઠ્યું, ‘એકને બેન બનાવી લાવ્યો હતો. હવે બીજી છોકરી આવી. સારા ઘરની હોય અને આનંદને તેને બેન ન બનાવે તો...’ આરતી પોતાના વિચાર પર મનમાં ને મનમાં હસી પડી.
‘મા’ વિચારોમાં ખોવાયેલી આરતીને દરવાજા વચ્ચે ઊભેલી જોઈ આનંદ બોલ્યો.
‘હેં... આવ બેટા, આવ.’ વિચારોમાં ખોવાયેલી આરતી ઝબકી એકાએક બોલી ઊઠી. ‘બેટા... યાસ્મીનને તેના ઘરે હેમખેમ મૂકી આવ્યો...?’ રસ્તામાં કોઈ તકલીફ નથી પડીને?’
‘ના, મા, કોઈ જ તકલીફ પડી નથી.’ બોલતાં આનંદ દુર્ગા તરફ ફર્યો, ‘દુર્ગા, આ મારા મમ્મી છે.’
દુર્ગાએ ઝડપથી દુપટ્ટાને માથા પર પાલવની જેમ મૂક્યો અને પછી હાથ જોડી આગળ આવી.
‘નમસ્તે મા...’ નીચા નમી પગે લાગતાં તે બોલી.
‘આવ બેટી...’ કહેતાં દુર્ગાને હેતથી તેને બાથમાં લીધી અને આનંદ સામે એક નજર કરી, ઘરની અંદર દુર્ગાને તેડી ગઈ.
ઘરના જાળિયાને તાળું લગાવી આનંદ પણ ઘરમાં આવ્યો.
‘મા... આ દુર્ગા છે... મા, જેવી પરિસ્થિતિ યાસ્મીનની હતી તેવી જ પરિસ્થિતિ દુર્ગાની છે. મા, તેમના માતા-પિતા હુલ્લડમાં કોઈએ ઘરમાં જીવતાં સળગાવી નાખ્યા. મા, યાસ્મીનના ચાચાએ માંડ માંડ દુર્ગાને બચાવી છે. મા, આ દુનિયામાં દુર્ગાનું કોઈ જ નથી. મેં રહીમચાચા પાસે દુર્ગાની જવાબદારી લીધી છે.’ વાત પૂરી કરી આનંદ પ્રશ્નાર્થ ભરી નજરે આરતી સામે જોઈ રહ્યો. આનંદના મોં પર છવાયેલા હાવભાવ ખાતાને પૂછી રહ્યા હતા કે ‘મા, મેં બરાબર કર્યું છે ને...?’
‘બેટા... તે સારું જ કર્યું. દુર્ગા આપણી સાથે જ રહેશે. હું દુર્ગાને સાચવીશ.’ કહેતાં આરતી ઊભી થઈ. સોફા પર બેઠેલ દુર્ગાની પાસે બેસી ગઈ અને વહાલથી તેના માથામાં હાથ ફેરવવા લાગી.
દુર્ગાનાં બંધન તૂટી ગયાં. તે આરતીને બાથ ભરી મા... મા... કહેતી રડી પડી. આરતી પ્રેમથી તેની પીઠ પર હાથ પસવારતી રહી.
આનંદ દુર્ગની સામે જોઈ જ રહ્યો પછી કાંઈક વિચાર કરીને ઝડપથી ઊભો થયો અને રસોડામાં દોડી જઈ પાણીનો ગ્લાસ ભરી લાવ્યો.
‘દુર્ગા... લે પાણી પી લે... શાંત થા બેટા, તું તો સાક્ષાત ‘મા દુર્ગાનો’ અવતાર છો... રડ નહીં બેટા. આજથી આ ઘર તારું છે. તું મારી દીકરી છે.’ દુર્ગાને પાણી પિવડાવતાં આરતી બોલી.
બીજા દિવસની સવારના જ આનંદ દુર્ગાને લઈને તેના ઘરે ગયો. આજુબાજુ તપાસ કરતાં જાણવા મળ્યું છે દુર્ગાના આજુબાજુના પડોશીઓએ એક દિવસ દુર્ગાની વાટ જોઈ પછી કર્ફ્યુ હટી જતાં તેનાં માતા-પિતાને ધર્મવિધિ પ્રમાણે અગ્નિસંસ્કાર આપી દીધા.
દુર્ગા વાત સાંભળી કેટલોય સમય રડતી રહી. સૌએ તેને પ્રેમથી સમજાવી, માંડ માંડ છાની રાખી.
દુર્ગાનું ઘર તો પૂરું સળગીને ખાખ થઈ ગયું હતું. બારી-દરવાજા, ઘરનું ફર્નિચર બધું જ સળગી ગયું હતું.
ઘર પાસે ઊભા રહી કેટલોય સમય દુર્ગા પોતાના સળગી ગયેલા ઘરને તાકી રહી. તેને ભણકારા વાગી રહ્યા હતા, કે તેના મમ્મી, પપ્પા ચીસો પાડીને બચાવવા માટે તેને કહેતા હતા.
‘ચાલ દુર્ગા... જે થવાનું હતું તે થઈ ગયું. હોનીને કોઈ જ રોકી શકતું નથી, દુર્ગા... મનને મક્કમ કર. દુર્ગા હું તારી સાથે છું, તને ક્યારેય કોઈ જ તકલીફ, દુઃખ પડવા નહીં દઉં. દુર્ગા... આ હું તારા મૃત માતા-પિતાના આત્માની સાક્ષીએ કહું છું, ચાલ દુર્ગા.’ દુર્ગાના ખભા પર હાથ મૂકી આનંદ બોલતો હતો.
મનને મક્કમ બનાવી ર્ગાએ આનંદ સામે નજર કરી જોયું.
આનંદની આંખોમાં તેના માટે છલોછલ પ્યાર ભરાયેલો હતો. દુર્ગા એક વખત સળગી ગયેલ પોતાના ઘર પર નજર કરી પછી મનને મક્કમ કરી આનંદ સામે જોયું. ‘ચાલો...’ તે એટલું જ બોલી.
ત્યારબાદ દુર્ગાના પડોશીઓની રજા લઈ દુર્ગા આનંદ સાથે તેની મોટર-સાયકલ પર બેસી ગઈ. આજુબાજુ ત્યાં ઊભેલા દુર્ગાના પડોશીઓની આંખો છલકાઈ આવી. જાણે સાસરે જતી દીકરીને વિદાય આપતા હોય.
‘બેટા... અમારી દુર્ગાને સાચવજે...’ એક બુઝુર્ગ માજી બોલ્યાં.
‘તમે ચિંતા ન કરશો, મા, દુર્ગાને હું મારા જીવ કરતાંય વધુ સાચવીશ.’ મોટરસાયકલ સ્ટાર્ટ કરતા આનંદ બોલ્યો.
શહેરનું જનજીવન ધીરે ધીરે થાળે પડતું જતું હતુ. ક્યાંક ક્યાંક નાના છમલકાં થતાં હતાં, પણ પોલીસ તથા સી.આર.પી.એફ. કડક હાથે કામ લઈ તેને દબાવી દેતા હતા. સરકારનો સખત આદેશ હતો કે સખત રીતે કામ લેવાનું અને દંગા ફસાદીઓને કોઈપણ રીતે નાકામ બનાવવાનું. કોઈપણને ન બક્ષવાનો મુખ્યમંત્રીનો સખત આદેશ હતો. ગુજરાતમાં થયેલા દંગાઓથી તેઓ દુઃખી થયા હતા અને કેન્દ્ર તરફથી પણ ઠપકો સાંભળવો પડ્યો હતો.
શહેરમાં બે અલગ અલગ જગ્યાએ સરકારની મદદથી મેગા કેમ્પની સ્થાપના કરવામાં આવી.
એક કેમ્પ હતો હિન્દુ ભાઈઓ માટેનો, બીજો હતો મુસલમાન ભાઈઓ માટેનો. કેમ્પ ચલાવવા માટે કેટલીય સંસ્થાઓ મદદ માટે આવી હતી. કેટલીય હિન્દુ ધાર્મિક સંસ્થાઓ, કેટલીય મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓ સતત કાર્યરત હતી.
***