Sam Dukhiya books and stories free download online pdf in Gujarati

સમ દુ:ખીયાછગનલાલ પર ચમનલાલનો ફોન આવ્યો. તે બોલ્યા “ ભાઈ છગન, તું જ્યાં હોય ત્યાંથી હાલ રિવર ફ્રન્ટ પર આવી જા મારે તારું અગત્યનું કામ છે.” ચમનલાલનો અવાજ ખુબ ધીમો હતો. છગનના ઘર થી રિવર ફ્રન્ટ ઘણો દૂર હતો તેમ છતાં છગન અને ચમન વચ્ચે એવો સબંધ હતો કે તે ના ન પાડી શક્યો. છગને પોતાનું બાર વર્ષ જૂનું ખખળધજ એક્ટિવા સ્ટાર્ટ કરી રિવર ફ્રન્ટ તરફ દોડાવી મૂક્યું.

છગન અને ચમન બંને પ્રાથમિક શાળાના શિક્ષક. બંને મહેસાણા જીલ્લાના વતની. સાત વર્ષ એક જ પ્રાથમિક શાળામાં સાથે શિક્ષણ કાર્ય કર્યું. ચમનલાલનું મૂળ નામ ચીમનલાલ હતું પરંતુ સૌ તેમને ચમનલાલ કહીને જ બોલાવતા. ચમનલાલ છગન કરતાં ત્રણ વર્ષ મોટા હતા અને તેમનાથી સિનિયર હોવાના નાતે તે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની જવાબદારી સંભાળતા હતા. વતનના ગામમાં થોડીક ખેતીની જમીન હતી તે તેમણે સાચવી રાખી હતી. વતનમાં પોતાનું એક ખાનદાની ઘર પણ હતું. ચમનલાલ આજીવન શિક્ષક. તેઓ સતત પ્રવૃત્તિશીલ રહેતા. જે ગામમાં બદલી થાય તે ગામની શિક્ષણની વિકાસયાત્રા ગતિ પકડતી. તેમણે જે જે ગામોમાં નોકરી કરી તે ગામમાં ડ્રોપ આઉટ રેશિયો નહિવત રહેતો. વાલીઓ અને બાળકોને સમજાવી ભણવામાં રસ લેતા કરવા તે તેમના ડાબા હાથનું કામ હતું. તે જે ગામમાંથી નિવૃત્ત થયા ત્યાં તેઓ છેલ્લા પંદર વર્ષથી સેવા બજાવતા હતા. છગન પણ તે ગામમાં સાત વર્ષથી સેવા બજાવતો હતો અને તેને ચમનલાલ સાથે એક અનોખો નાતો બંધાઈ ગયો હતો. છગને ચમનલાલને મોટાભાઇના સ્થાને બેસાડયા હતા. નાનાભાઇ તરીકે તે ચમનલાલની કોઈ વાત ન ઉથામતો. તેમણે છગનને એક ગુરુ મંત્ર આપ્યો હતો કે જો સફળતા પૂર્વક નોકરી કરવી હોય અને લોકચાહના મેળવવી હોય તો જે પણ ગામમાં નોકરી કરીએ ત્યાં આપણે શિક્ષણ સિવાયની કોઈ પણ બાબતમાં માથું મારવું નહીં. દરેક ગામમાં બે ત્રણ ગ્રૂપ હોય જ છે માટે કોઈ એક પક્ષની તરફેણ કરવાના બદલે કામ થી કામ રાખવું. ચમનલાલે આ સિધ્ધાંત મુજબ જ નોકરી કરી હતી એટલે તેમણે દરેક ગામમાં ખૂબ લોક ચાહના મેળવી હતી. વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા ત્યારે શાળાના બાળકો, વાલીઓ અને ગામના આગેવાનોએ તેમને ખૂબ સન્માન ભેર રોતી આંખે અને ભરેલા હદયે વિદાય આપી હતી.

ચમનલાલનું કુટુંબ નાનું કુટુંબ હતું. તે પોતે તેમના પત્ની સાવિત્રીબેન અને તેમનો પુત્ર બિપિન. સાવિત્રીબેનને લગ્ન પછી છેક બાર વર્ષે ખોળો ભરાયો હતો. ભગવાન ખોળાનો ખૂંદનાર આપે તે માટે તેમણે ઘણી બધાઓ, આખડીઓ રાખી હતી. લગ્નના બે વર્ષ પછી ખોળો ન ભરાતાં તેમણે જ્યાં સુધી તેમને ભગવાન કોઈ બાળક ન આપે ત્યાં સુધી ઉઘાળા પગે ફરવાનું અને દર વર્ષે ચાલીને ભાદરવી પૂનમે અંબાજી માતાના દર્શન કરવાની બધા રાખી હતી. બિપિનના જન્મ પછી તેમણે પગમાં પગરખાં પહેરવાનું શરૂ કર્યું પરંતુ જ્યાં સુધી તેમના પગે સાથ આપ્યો ત્યાં સુધી દરવર્ષે ભાદરવી પૂનમે ચાલીને અંબાજી માતાના દર્શન કરવાનો ક્રમ જારી રાખ્યો હતો.

ચમનલાલ અને સાવિત્રીબેને બિપિનને ખુબ લાડકોડથી ઉછેર્યો હતો અને ભણાવી ગણાવી એંજિનિયર પણ બનાવ્યો હતો. ભણીને બિપિન અમદાવાદમાં નોકરી કરતો હતો અને ખૂબ સારું કમાતો હતો. બિપિન પરણેલો હતો અને તેને એક દીકરી પણ હતી. નિવૃત્તિ વખતે મળેલી લગભગ પાંત્રીસ લાખ રૂપિયા જેવી રકમમાંથી તેમણે બિપિન માટે અમદાવાદમાં એક ફ્લેટ ખરીદ કર્યો. પોતે આજીવન સાઇકલથી ચલાવેલ હોવા છતાં પોતાના લાડકા દીકરાને નોકરીએ આવવા જવામાં તકલીફ ન પડે તે માટે તેમણે એક ન્યુ બ્રાન્ડ ગાડી પણ લાવી આપી હતી. તેમને ગ્રેજ્યુઈટી અને ફંડ પેટે મળેલ તમામ રકમ પોતાના છોકરાનું ઘર વસાવવામાં લગાડી દીધી હતી.

સાવિત્રીબેન એક વર્ષ પહેલાં ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યા હતા. સારસ બેલડી નંદવાઈ ગઈ હતી!. સાવિત્રી બેનના અવસાન પછી હવે એકલા ગામમાં રહેવા જમવાની તકલીફ પડે તેમ હોવાથી બિપિન ચમનલાલને તેમની સાથે રહેવા અમદાવાદ લઈ આવ્યો હતો.
છગન પણ હવે નિવૃત્ત થઈ ગયો હતો.તે પણ પોતાના દીકરા પાસે અમદાવાદમાં રહેતો હતો. ચમનલાલને અમદાવાદ રહેવા આવ્યાને એક વર્ષ જેટલો સમય થયો હતો પરંતુ છગન અને ચમનલાલ ફક્ત એકજ વાર રૂબરૂ મળ્યા હતા. હા અવાર નવાર ફોન પર વાત થતી રહેતી હતી. આજે એકાએક ચમનલાલે છગનને “અગત્યનું કામ છે “ કહી રિવર ફ્રન્ટ પર બોલાવ્યો એટલે છગનને થોડુક કુતૂહલ જરૂર થયું હતું.

છગન રિવરફ્રન્ટ પર પહોંચ્યો ત્યારે સાંજ ઢળવા આવી હતી. એક બાંકળા પર બેઠેલા ચમનલાલ છગનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. સાબરમતી નદી પરથી વાતા પવનમાં હજુ ગરમાહટનો એહસાસ થતો હતો પરંતુ તેના કરતાંય ચમનલાલના મનમાં વધારે ઉકળાટ હોય તેવું તેમના ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. છગને તેમને પ્રણામ કરી કહ્યું “ મોટાભાઇ બધુ સુખરૂપ તો છે ને ?”
ચમનલાલ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી બોલ્યા “ જો બધુ સુખરૂપ હોત તો તને તાબડતોબ ન બોલાવ્યો હોત.”
છગન “ કેમ શું થયું ?”
ચમનલાલ “ હું કાયમ માટે અમદાવાદ છોડીને જાઉં છું એટલે છેલ્લી મુલાકાત માટે તને અહી બોલાવ્યો છે. ભગવાન જાણે ફરી મળાય કે ન મળાય !” તેમના અવાજમાં વેદના ટપકતી હતી.
છગન “ પણ મોટાભાઇ, કોઈ ખુલાસાથી વાત કરો તો ખબર પડે ને ?”
ચમનલાલ “ છગન જ્યાં પંડના પારકા થાય ત્યાં વળી ખુલાસા કેવા..? “ તેમનો અવાજ ઘેરાયેલો હતો.
છગન “ બિપિને કાઇં કહ્યું ? જો એવું હોય તો અબઘડી તેનો કાન પકડીને તમારી માફી મંગાવું “
ચમનલાલ “ જવાદેને બિપિન ને ફિપિન. તેનું તેની બૈરી આગળ કઇં ચાલતું નથી. બાયલો છે બાયલો.... “ ચમનલલનો ગુસ્સો ફૂટી પડ્યો.

ચમનલાલે છગનને જે વાત કરી તે આ મુજબ હતી.

સાવિત્રીબેનના અવસાન પછી બિપિન અને તેની પત્ની લાજવંતી લોકલાજે ચમનલાલને તેમની સાથે રહેવા અમદાવાદ લઈ આવ્યા હતા. થોડોક સમય તો બધુ સુખરૂપ ચાલ્યું પરંતુ ત્યારબાદ લાજવંતીએ તેનું પોત પ્રકાશ્યુ. નાની નાની વાતોમાં ચમનલાલને ટોકયા કરતી. દર મહિને ત્રીજી તારીખે યાદ કરીને લાજવંતી ચમનલાલને બેંકમાંથી પેંશનની રકમ ઉપાડવા મોકલતી અને સાથે સાથે માહિનાનું કરિયાણાનું લિસ્ટ પકડાવી દેતી. તે ઉપરાંત દૂધવાળાનું બિલ, ધોબીનું બિલ, ચેનલનું બિલ, લાઇટ બિલ અને ટેલિફોનનું બિલ પણ તેમને ભરવા મોકલતી અને કદી પૈસા બાબતે પૂછતી નહીં.
“આ બધુ આખરે તેમનું જ છે..!! ” તેમ માની ચમનલાલ વહુ કહે તે બધી ખરીદી કરી લાવતા અને બિલોની ચુકવણી પણ કરતા રહેતા હતા. આટલું કરવા છતાં પણ ચમનલાલને સુખ ન હતું. જો વહેલા ઉઠી ભજન કરે તો “ ઊંઘમાં ખલેલ પડે છે” તેવી ફરિયાદ થતી જો મોડા ઊઠે તો “ મારા સસરા મોડે સુધી ઘોર્યા કરે છે એટલે બિપિન ને ઓફિસે જવાનું મોડુ થાય છે” તેવી ફરિયાદ લાજવંતી પાડોશીઓને કર્યા કરતી. ચમનલાલને બીડી પીવાની ટેવ હતી જે લાજવંતીને ગમતું નહીં. “બીડીના ધુમાડાની મને એલર્જી છે માટે બાપુજી તમારે ઘરમાં બીડી ન પીવી “ તેવું તેણે ફરમાન બહાર પડ્યું હતું જેથી ચમનલાલને બીડી પીવા છેક નીચે જવું પડતું હતું.

ચમનલાલ રોજ સાંજે સોસાયટી પાસે આવેલા બગીચામાં જતા. ત્યાં તેમને તેમની ઉમરના કેટલાક લોકો સાથે મિત્રતા થયેલી. એક દિવસે તે મિત્રોએ ચમનલાલને નાસ્તો કરાવવાની ફરમાઇશ કરી. તેમણે ખુશી ખુશી મિત્રોને નાસ્તો કરાવ્યો જેના કારણે તેમણે બેંકમાંથી જે રકમ ઉપાડી હતી તે રકમ પુરી થઇ ગઈ. તેમણે બીડીની ગળી લેવા વહુ લાજવંતી પાસે પચાસ રૂપિયા માગ્યા તેથી તે વિફરી બેઠી. તે બોલી “ બાપુજી હવે ક્યાં સુધી બીડીયો ફૂંકયા કરશો ? બીડી પી પી ને તમારાં ફેફસાં બગડી ગયાં છે તેથી આખી રાત ખાંસ ખાંસ કરો છો અને અમારી ઉંઘ બગાડો છો. સ્મશાન ભેગા થવા આવ્યા , હવે તો બીડી ફૂંકવાનું બંધ કરો. “ અને ચમનલાલને પૈસા આપ્યા વિના મોઢાનો તોબરો ચઢાવી જોરથી દરવાજો બંધ કરી બેડરૂમમાં ઘૂસી ગઈ. ચમનલાલને ખૂબ ખોટું લાગ્યું. તેમનું આત્મ સન્માન ઘવાયું એટલે તેમણે તે જ ક્ષણે, છેલ્લા ચાલીસ વર્ષની સાથી, બીડી છોડી દીધી. હવે તેઓ બીડી પીતા ન હતા.

એક વખતે લાજવંતીનો સ્માર્ટફોન બગડી ગયો હતો એટલે “ બાપુજી હવે તમારે આ ઉમરે સ્માર્ટ ફોનની શી જરૂર છે “ કહી તેણે ચમનલાલનો સ્માર્ટ ફોન લઈ લીધો અને તેમને ઘરમાં પડ્યો હતો તે જૂનો સાદો ફોન આપ્યો જેની બેટરી બહુ ચાલતી નહીં તેથી આખો દિવસ ફોન ચાર્જર સાથે લગાડી રાખવો પડતો હતો. ચાઇનાનો ફોન હતો જેમાં આવતો અને જતો આવાજ બરાબર સાંભળતો ન હોવાથી ફોન પર વાત કરતી વખતે ચમનલાલને ઊંચા અવાજે બોલવું પડતું હતું તે બાબતે પણ લાજવંતી ફરિયાદ કરતી કે “ બાપુજી તમે ઘોંટા પાડી વાતો કરો છો એટલે “ઢબૂડી” (પૌત્રી) કાચી ઊંઘમાંથી જાગી જાય છે અને રડી રડીને મને હેરાન કરે છે માટે તમારે ફોન પર વાત કરવી હોય ત્યારે બહાર જતા રહેવું. “ ચમનલાલ બહાર જઇ વાત કરે અને વાત પૂરી થાય ત્યાં સુધીમાં તો બેટરી ડિસ્ચાર્જ થઈ જતી અને વાત અધૂરી રહેતી. લાજવંતીનો સ્માર્ટ ફોન રીપેર થઈને આવી ગયો જે તેણે તેના ભાઈને આપી દીધો પણ ચમનલાલને તેમનો સ્માર્ટ ફોન પરત ન કર્યો.

હમણાં લાજવંતીને લોકોની દેખાદેખી કૂતરું પાડવાનો શોખ થયો હતો. તે એક બ્રાઉન પોમેરેનીયન ગલૂડિયું દસહજાર રૂપીયા ખર્ચીને લાવી હતી. આખો દિવસ તેને લાડ લડાવવામાં તે રચીપચી રહેતી. “ઢબૂડી” કરતાં તે ગલૂડિયા “ટોમી”ને વધારે વહાલ કરતી હતી. થોડાક દિવસમાં ગલૂડિયા પ્રત્યે ભાવ ઓછો થયા પછી તેણે તે ગલૂડિયાની સાચવણી પરાણે ચમનલાલના માથે ઠોકી દીધી. રોજ સવારે અને સાંજે તેની સાંકળ પકડી તેને બહાર ફરવા લઈ જવાની, ગલૂડિયાને સમયસર નવરાવવા ધોવરાવવાની, તેને પેશાબ પાખાને લઈ જવાની, તેના વાળને નિયમિત બ્રશથી સાફ કરવા જેવી અવાંછિત કામગીરી ચમનલાલના શીરે આવી પડી જે તેમના માટે શિર દર્દ સમાન હતી. મજબૂરી વશ અને વહુના કજીયાથી બચવા ચમનલાલ આ જવાબદારી નિભાવતા હતા. એક દિવસે લાજવંતીએ ચમનલાલ પાસે કુતરાના સવારના નાસ્તા માટેના બિસ્કીટ મંગાવ્યા હતા જે લાવવાનું ચમનલાલ ભૂલી ગયા તો બીજા દિવસે સવારે લાજવંતીએ ચમનલાલનો નાસ્તો તેના “ ટોમી” ને આપી દઈ બદલો લઇ લીધો હતો.
એક દિવસે સાંજે ચમનલાલ “ટોમી” ને નિત્યક્રમ મુજબ ફેરવવા લઈ ગયા હતા ત્યારે પડોશીના જર્મન શેફર્ડ કૂતરાએ “ટોમી” પર હુમલો કરી તેને ફેંદી નાખ્યો જેથી “ટોમી” ઘાયલ થઇ ગયો. લાજવંતીના કજીયા અને કંકાસના ડરના લીધે કુતરાની સૂગ હોવા છતાં તેને પોતાના બે હાથથી પકડી તેમના જભ્ભાના ખોળામાં નાખી તે ઘરે લઇ આવ્યા. “ટોમી” ના ઘાયલ થયાની વાત જાણી લાજવંતી વાઘણની જેમ વીફરી બેઠી અને “ બાપુજી, તમારાથી શેકેલો પાપડ પણ ભાંગી શકાતો નથી “ તેવું કહી સોસાયટીના માણસો સમક્ષ તેમનું અપમાન કર્યું. લાજવંતીની આવી વર્તણૂકથી ચમનલાલની લાગણી ખૂબ દુભાઈ. સાંજે તેમણે બિપિન સમક્ષ ફરિયાદ કરવાનું નક્કી કર્યું પરંતુ લાજવંતી એક ડગલું આગળ હતી તેણે બિપિનના આગમન સાથે ઘરમાં રોકકળ કરી મૂકી અને સ્ત્રીચરિત્ર અજમાવી ત્રાંગુ કરી બિપિનને અવળી પટ્ટી ભણાવી કહ્યું કે “ હું બાપુજીને ના પાડી હતી તેમ છતાં તે “ટોમી” ને બહાર ફરવા લઈ ગયા જેથી “ટોમી” ઘાયલ થયો. તે “ટોમી”ને બાથમાં ઘાલી લાંબા સમય સુધી રડતી બેસી રહી જેથી બિપિને ચમનલાલને ઠપકો આપ્યો. બિપિને પત્નીનું ઉપરાણું લીધું એટલે ચમનલાલ બિપિનને સાચી વાત જણાવી ન શકયા કે કોઈ ફરિયાદ પણ કરી શક્યા નહીં.

ગઈ કાલે તો લાજવંતીએ હદ કરી મૂકી. તે રૂપીયા એકસોના સ્ટેમ્પ પેપર પર તેમની ગામડાની જમીન અને ઘર વેચવા માટે બિપિનને સત્તા આપતું એક મુખત્યારનામું (Power of Attorney) તૈયાર કરાવી લાવી અને ચમનલાલ સમક્ષ ધરી તેમાં સહી કરવા જણાવ્યુ. ખાનદાની ઘર અને જમીન ચમનલાલને ખૂબ વહાલી હતી. લાજવંતીએ રજૂ કરેલું મુખત્યારનામું વાંચી ચમનલાલ પહેલાં ધૂવાપૂવા થઈ ગયા અંતે ત્યારબાદ રડી પડ્યા. તેમને હતું કે કદાચ આ બાબતથી બિપિન અજાણ હશે તેમ માની સાંજે બિપિન ઘરે આવ્યો ત્યારે તેમણે તેની સમક્ષ મુખત્યારનામું રજૂ કર્યું. બિપિન બોલ્યો “ બાપુજી તમારા પછી તે ઘર અને જમીન અમારી જ થવાની છે તો મે વિચાર્યું કે તેને વેચી તેમાંથી જે રકમ મળે તે શહેરમાં રોકીએ તો વધારે નફો મળે. માટે તેમાં તમે સહી કરી આપો” ચમનલાલ બિપિનની વાત સાંભળી પોક મૂકીને રડી પડ્યા. બાપદાદાની નિશાની તે કોઈ પણ સંજોગોમાં કાઢી નાખવાના પક્ષમાં ન હતા. તેમનું રુદન અને કાયપોત જોઈ બિપિન ઝંખવાણો પડી ગયો. ચમનલાલ જમ્યા વિના સૂઈ ગયા. તેમણે પાક્કો નિર્ણય લઈ લીધો કે હવે તેમનો ગુજારો બિપિન અને લાજવંતી સાથે શક્ય નથી. તેમને અફસોસ એ વાતનો હતો કે તેમણે તેમના સેંકડો વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કર્યું હતું પરંતુ તેમના ખુદના દીકરામાં તે સંસ્કારો સિંચિ શક્યા ન હતા. તેમને ખબર ન પડી કે તેમનાથી ક્યાં કચાસ રહી ગઈ હતી.

ચમનલાલની વાત સાંભળી છગન ગમગીન થઇ ગયો. તેણે કહ્યું “ મોટાભાઈ ગામડામાં તમને ખાવા પીવાની તકલીફ પડશે. કપડાં લત્તા ધોવા, ઘરની સાફ સફાઈ કોણ કરશે ? તમે બીમાર પડશો તો તમારી સેવા ચાકરી કોણ કરશે ?”
ચમનલાલ બોલ્યા “ જો છગન, સરકાર ત્રીસ હજાર પેન્શન આપે છે તેમાંથી નોકર રાખી લઈશ. કોઈ વિધવા અને જરૂરીયાતમંદ બાઈને દરરોજ મહેનતાણું આપી રસોઈ કરી આપવા રોકી લઈશ જો કોઈ તૈયાર નહી થાય તો લોજમાં ટીફીન બંધાવી લઈશ પરંતુ હવે હું બિપિન અને લાજવંતી સાથે હરગીજ નહિ રહું. હું મારા જીવતાં જીવ બિપિનને મારા બાપદાદાની જમીન અને ખાનદાની ઘર કદી નહિ વેચવા દઉં. બસ આ છેલ્લી વખતના રામ રામ કરવા માટે મેં તને બોલાવ્યો હતો જેથી તને ન મળ્યાનો કોઈ અફસોસ ન રહી જાય. જો મારી યાદ આવે અને તને અનુકુળ હોય તો મહીને દા’ડે એકાદ વાર ફોનથી મારી ખબર પૂછતો રહેજે.” કહી તેમણે છગનના માથે હાથ મૂકી કહ્યું “ તું સુખી થાય તેવા મારા આશીર્વાદ છે. લે ચાલ હવે હું જાઉં. જીવ્યા માર્યાના જુહાર છે. “

વેદના ભર્યા હૃદયે આંખોના ભીના ખૂણા લૂછતાં લૂછતાં ચમનલાલ રવાના થયા. તે દેખાયા ત્યાં સુધી છગન તમને જોતો રહ્યો અને મનમાં બોલ્યો. “ મોટાભાઈ તમે તો તમારી વેદના મારી સમક્ષ રજુ કરી તમારા હદયનો ભાર હળવો કરી ચાલ્યા ગયા પરંતુ હું મારી વીતક કથા કોને કહી સંભળાવીશ ? “ છગન પણ ભર્યા હૈયે તેનું જુનું ખખળધજ એકટીવા સ્ટાર્ટ કરી ચમનલાલ જેવી યાતનાઓનો ભાર વેંઢારવા ઘર તરફ રવાના થયો.બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED