Koobo Sneh no - 12 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 12

? આરતીસોની ?
પ્રકરણ : 12

પ્રકરણ 11 માં વિરાજે અભ્યાસ બિલકુલ ન ખોરવાય અને અભ્યાસ પહેલું કર્તવ્ય છે એવી શરતે દિક્ષાને પ્રેમનો એકરાર કર્યો હતો.. બીજી તરફ ગામડે અમ્માને જેમ જેમ મંજરી મોટી થતી જતી હતી સતત એની ચિંતા સતાવતી રહેતી હતી..
સઘડી સંધર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

મંજરીનું શિક્ષણ સૌની નજરોમાં બિનજરૂરી અને રૂપિયાનો વ્યય લાગતો હતો. એટલે યેનકેન પ્રકારે સગા-સંબંધી કે પછી આડોશી-પાડોશી તરફથી ઘણીવાર અમ્માને ટકોર થતી રહેતી કે, 'મંજરીને હવે વધારે ભણાવી ગણાવીને ક્યાં તમારે એને નોકરી કરાવવી છે? છેવટે એને તો ચુલો જ ફૂંકવાનો છે ને.! બહુ ભણેલી દીકરી માટે મુરતિયો શોધવો પણ મુશ્કેલ થઈ પડશે. છોકરી જાતને બહુ સ્વચ્છંદી ન બનાવાય.

પરંતુ વિરાજના ભણતરને કારણે કદી કોઈના તરફથી કોઈ પણ પ્રકારના ખોટા પ્રત્યાઘાત નહોતાં મળતા. કેમકે સામાજિક માળખા પ્રમાણે વિરાજ પુત્ર હોવાથી એનું ભણતર સૌની આંખોમાં તદ્દન સામાન્ય અને સમાજ માટે એક નિશ્ચિત હિસ્સા સમાન હતું.

પણ સૂરજ ક્યાં કદીયે પોતાનાં સોનેરી કિરણો અને પ્રખર તેજ પ્રસરાવવામાં પક્ષપાત કરે છે. આતો એક જ હાથની બે આંગળીઓ છે. અમ્મા મંજરીને પણ નાનકડા ગામડામાં ભણવા માટે ઉત્સાહિત કરતાં રહેતાં હતાં.

મણીકાકાનો ભરત ભણવામાં કાચો હોવાથી ને મંજરી કરતાં એક વર્ષ મોટો હોવા છતાં એકજ ક્લાસમાં બંને સાથે ભણતા હતાં. ભરતની નજર સામે મંજરીની નાજૂક નમણી દેહયષ્ટિ તરવરતી રહેતી. ભરતની જીદ્ સામે નમતું જોખી મણીકાકા ભરત માટે મંજરીનો હાથ માંગવા અમ્માને મળવા આવ્યા.

મણીકાકાને થોડાં ઘણાં રૂપિયા હજુપણ આપવાના બાકી હતાં એ વિચારથી અમ્માએ ભીની આંખે જલ્દીમાં જલ્દી રૂપિયાની વ્યવસ્થા કરી આપી દેવાની વાત કરી એટલે મણીકાકાએ કહ્યું,

"રૂપિયાની કોઈ ઉતાવળ નથી કંચનભાભી, પણ આવક ઓછી ને સામે ખર્ચા અઢળક છે આ મોંઘવારીના જમાનામાં ઘર ચલાવવાનાય ફાંફાં પડે એવું છે અને વિરાજ પણ મહેનત કરી કરીને કમાય છે ને સાથે ભણે છે."

અમ્મા એમની વાતો એકીટસે સાંભળી રહ્યાં હતાં. સ્હેજ વાર પછી મણીકાકા બોલ્યા,

"મારા ભરતાના મનમાં મંજરી બેસી ગઈ છે. મારું માનો તો ભરત અને મંજરી બંને હવે મોટા પરણવા યોગ્ય થઈ ગયાં છે, મંજરીનું સગપણ ભરત સાથે થઈ જાય તો વેવાણ થવાને નાતે રૂપિયા થોડા પાછા લેવાય? અને આ રોજની ભાંજગડમાંથી તમને છુટકારો મળી જાય. બાકી એનેય મોટા ઘરની અને ભણેલી દેખાવડી કન્યાઓના ઘણાંયે માંગા આવે છે."

અમ્માએ તો સપનામાંયે વિચાર્યું નહોતું કે ભરત માટે મંજરીનો હાથ માગશે. આવી વાતથી તદ્દન અજાણ અમ્મા કંઈજ બોલી ન શક્યાં કેમકે મણીકાકાના પણ ઘણા ઉપકાર રહ્યાં હતાં એમના ઉપર.

અમ્માનો નિસ્તેજ ચહેરો જોઈને મણીકાકાએ કહ્યું,

"જુઓ કંચનભાભી જવાબની કોઈ જ ઉતાવળ કે જબરદસ્તી પણ નથી. વિચારી લો. તમારો કોઈ પણ નિર્ણય હશે મને મંજૂર છે. બાકી મારા જેવો દયાળું કોઈ માણસ નહીં મળે. મંજરીનો હાથ સ્વીકારાશે તો બાકી નીકળતું લેણું હું ભૂલી જઈશ, એનાથી વધારે શું કોઈ કરે?"

મણીકાકાના ગયા પછી કેટલાયે દિવસો સુધી સુમસામ અમ્માને જોઈને મંજરીના તેજ દિમાગથી કશું છૂપું નહોતું રહ્યું. મંજરી એટલું તો સમજી ગઈ હતી કે મણીકાકા પાસેથી લીધેલા રૂપિયા પાછા આપવાની ચિંતામાં છે અમ્મા, છતાંયે તક મળતાં એણે પુછ્યું,

“અમ્મા, બહુ દિવસથી જોઉં છું. શું તમારી તબિયત નથી સારી?”

“હેં!... ના... ના... આજે જરિક માથું દુઃખતું હતું. બીજું કશું નથી.”

“અમ્મા, સાચું કહો જે હોય એ. મણીકાકાએ શું વાત કરી.? તમને મારા સમ છે!!”

ત્યારે અમ્માએ ભીની આંખે બધી વાત કરી. મંજરી એ દિવસે મનમાં ને મનમાં ઉકળી ઉઠી હતી છતાંયે બોલ્યા વિના ચૂપ જ રહી ગઈ હતી. પણ બીજે દિવસે મંજરીએ કહ્યું,

“અમ્મા, મણીકાકાને ભરત માટે હા પાડી દો.”

"શું?? ભરત ક્યાં અને આ મારી ફૂલ જેવી મંજરી ક્યાં. જાણી જોઈને કૂવામાં થોડી ધકેલાય? ના.. ના.."

"પણ અમ્મા.. સાથે સાથે આપણને બીજી મદદ પણ થશે. નાનપણથી જોતી આવી છું, તમે બે પગ ભેગા કરીને શાંતિથી બેસી શકતાં નથી. દિવસ રાત કેટલી મહેનત કરી છે."

આમ બેઉં વચ્ચે એ દિવસે ઘણી બધી રકઝક થતી રહી. એ પછી અમ્માએ ઘણું વિચાર્યું અને એ દિવસે એક નિર્ણય પર એમણે મહોર મારી, 'મંજરીને કાંટાની વાડમાં જાણી જોઈને ફેંકતા કેમનો જીવ ચાલે.!! ના.. ના.. દીવા જેવી સ્પષ્ટ વાત છે. ગમે તે થાય એ મંદ બુદ્ધિના ભરત સાથે મંજીના લગન કરાવવા કરતાં કુંવારી ઘરમાં રે'શે તોયે મને ભારે નહીં પડે.'

'પૂનમના ચંદ્ર સરિખી ચંચળ, તુલસી જેવી શીતળ, પતંગિયા માફક ગણગણતી ઉછળ કૂદ કરતી મંજરીનો હાથ ભરતાને આપવાનો વિચાર કરવો પણ મંજરી જોડે અન્યાય કરવા બરાબર થશે.'

એ બંને જણ સારી પેઠે જાણતાં હતાં કે, 'ભરત કેટલાં પાણીમાં છે.'
અંતે એ પછી એક દિવસ અમ્માએ સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબની મદદ લેવાનો નિર્ણય કર્યો.©

-આરતીસોની ©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ 13 માં.. શું અમ્મા મંજરીનું સગપણ ભરત સાથે નક્કી કરશે કે પછી મણીકાકાને ઘસીને ચોખ્ખી ના પાડી શકશે.??


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED