હૃદયનો ભાર Mohammed Saeed Shaikh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

શ્રેણી
શેયર કરો

હૃદયનો ભાર

“ખુશનસીબ હોતે હૈ, જિનકે પ્યાર કો પ્યાર મિલતા હૈ ” મનહરે ચાની ચુસકી લેતા કહ્યુ.

“હા,નસીબદાર તો કહેવાય એવા લોકો.પણ કેમ તને પ્યાર ના મળ્યો? ” મારા આ પ્રશ્નથી એ થોડો ગૂંચવાયો ,શું કહેવું એ એને સમજાયું નહિ.મેં તરત બીજો પ્રશ્ન કર્યો "સાચે સાચ કહેજે, તું સુખી છે કે દુખી ?”

આજ પહેલા અમારી વચ્ચે આવી કોઈ ચર્ચા થઇ નહોતી.લગભગ ૩૦ વર્ષમાં એ માંડ ૩-૪ વખત ફેમીલી સાથે ભારત આવ્યો હતો.ફોન પર અમારી વાતો થતી પણ આવી કોઈ ચર્ચા સ્વાભાવિક રીતે જ થઇ નહતી.રૂબરૂમાં હું એને આવો મુશ્કેલ પ્રશ્ન પણ પૂછી શકતો હતો એવી અમારી મિત્રતા હતી.

ઘણા વર્ષો પછી એ મારા અમદાવાદ ના ઘરે સહકુટુંબ આવ્યો હતો.

હું,મનહર અને કવિતા જે.બી.મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના એક જ વર્ગમાં ભણતા હતા. મનહર ભણવામાં તો હોશિયાર હતો. હેન્ડસમ પણ એટલો જ હતો. છોકરીઓ એની ઉપર વારી જતી હતી. પરંતુ એ કવિતા ઉપર વારી ગયો હતો અને એને ચાહતો હતો. કવિતા પણ એને ખૂબ ચાહતી હતી. ભણતા ભણતા પ્રેમ કરતાં રહેવું, પરંતુ કયારેય લગ્નની વાત પણ વિચારવી નહી એવો બિન લિખિત કે મૌખિક કરાર બન્ને વચ્ચે થયો હતો. અને તઓ ડોકટર બન્યા સુધી આ કોલ-વચન પર પ્રતિબધ્ધ રહ્યા હતા. એમની ઘણીબધી વાતો હું એટલા માટે જાણું છું કે એ બન્ને વચ્ચેનો હું સેતુ હતો. અત્યારની જેમ એ વખતે સ્માર્ટ મોબોઈલ ફોન ન હતા કે સોશિયલ મીડીયા પણ ન હતો. હું સોશિયલી એ બંને ને કનેકટ કરતો હતો. ઘણીખરી વાતો અમારા ત્રણની હાજરીમાં થતી. હું એ વખતે કોઈ છોકરીના પ્રેમમાં પડ્યો નહતો.મારા ભણતર માટે કદાચ એ જ સારું હતું.બીજી મહત્વની વાત એ હતી કે હું મારા પિતાજીનું સપનું સાકાર કરવા માટે ભણી રહ્યો હતો.અસંખ્ય હોસ્પિટલોમાં ભટક્યા પછી અને હજારો રૂપિયાનું પાણી કર્યા પછી તેઓ હોજરીના કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. જીવનની આખરી ક્ષણોમાં એમણે મારાથી વચન લીધું હતું કે હું એક સારો ડોકટર બનીશ અને ગરીબ દર્દીઓની સેવા કરીશ.

‘વર્ષોના અનુભવે હું કહી શકુ કે ગીતામાં શ્રી કૃષ્ણે જે સ્થિતપ્રજ્ઞ થવાની વાત કરી હતી, હવે હું એ અવસ્થામાં છું.’ મનહર બોલ્યો.

‘એટલે કે સુખી પણ નથી કે દુખી પણ નથી એમને ,ભાઈ તું ફિલોસોફર ક્યારથી બની ગયો?’ મે હસતા હસતા કહ્યું.

“લે ,ભૂલી ગયો ...તેંજ તો મને કહ્યું હતું કે સોક્રેટીસે કહ્યું છે સારી પત્ની મળે તો માણસ સુખી થઇ જાય છે અને ખરાબ મળે તો ફિલોસોફર બની જાય છે.”આ વાત પર અમે ખડખડાટ હસ્યા.પણ એના હાસ્યમાં એક અજીબ દર્દ હતું ,જેને હું મેહસૂસ કરી શકતો હતો.

‘તને યાદ છે આપણે ભણતા ત્યારે અમેરિકા જવાના સપના જોતા. આપણો સિનિયર પેલો કેશવાણી અમેરિકા ગયો ત્યારે તો આપણને ચાનક ચઢી હતી. તું થોડો ઢીલો પડી ગયો, પણ મેં તો જવાનું નકકી જ કરી લીધું હતું.' મનહર બોલી રહ્યો.

"પિતાજીને કહી દીધું હતું, ગમે તેમ પણ મારે તો અમેરિકા જવું જ છે. ગમે તે કરો. પિતાજીએ તો સ્પષ્ટ કહી દીધું હતું મારે પાસે તને અમેરિકા મોકલવાના પૈસા નથી. લોન લઈને તને ભણાવ્યો. હવે મારી હિમ્મત નથી. તું તારી રીતે કરે તો મને વાંધો નથી. પછી તને ખબર છે, ગ્રીન કાર્ડની લાલચમાં આ ‘બ્લેક બ્યુટી’ મંદાકિનીને હું પરણી બેઠો.' એટલું કહી મનહર હસ્યો પણ એમાં દુખ વધારે છલકાતું હતું. હોટો ઉપર તો હાસ્ય હતું, પણ આંખોમાં દર્દ નીતરતું હતું.

મને યાદ આવ્યું આવ્યું, અમે ડોકટર બન્યા પછી ઈન્ટર્નસીપ કરી રહ્યા હતા, ત્યારે એક વખત અમે કોફી પીવા બેઠા હતા.લગ્નની વાત નીકળી હતી. મનહરે કવિતાને પ્રપોઝ કર્યો હતો. મને આશા હતી કે કવિતા મનહરને ઈન્કાર નહીં જ કરે. મનહરે કવિતા સિવાય બીજી કોઈ છોકરીને કદી ચાહી જ નહોતી.

પરંતુ કવિતાએ એને કહી દીધું કે મમ્મી-પપ્પા તારી સાથે લગ્ન કરવાની ના પાડે છે. એ બંને વચ્ચે ઝઘડો પણ થઈ ગયો હતો. એ સાંજ કદાચ અમારા ત્રણેની સૌથી ખરાબ સાંજ હતી.

કવિતાના મમ્મી-પપ્પા થોડા જુનવાણી વિચારોના હતાં. જ્ઞાતિભેદ જેવી નાનકડી બાબતમાં એમણે મનાઈ કરી દીધી હતી. બસ, અમારા ત્રણેની એકસાથે એ છેલ્લી મુલાકાત હતી. પછી કવિતા એમની જ જ્ઞાતિના એન્જીનીયર સાથે લગ્ન કરી લીધા હતા અને પછી બંને ઈગ્લેન્ડમાં સેટલ થઈ ગયા હતા. આ બાજુ મનહર ભાંગી પડ્યો હતો. એક વખત તો એણે આપધાતનો પણ વિચાર કર્યો હતો. મે એને વાર્યો અમે મારા સેલ્ફ હેલ્પ અને મોટીવેશનલ પુસ્તકોના વાચનમાંથી એને સારી વાતો કરી હતી. એ કેટલો મોટીવેટ થયો એ તો ખબર નહી પણ અમેરિકાથી
મંદાકિની ભાભી એમના ભાઈ સાથે મુરતિયો જોવા અમદાવાદ આવ્યા અને ખબર નહી, કોણે એમને મનહરનું નામ સુચવ્યું. જીવનની હતાશ પળોમાં એણે મંદાકિનીને જોયા વિના જ અમેરિકા જવાની લાલચમાં “હા” ભણી દીધી હતી. અઠવાડિયામાં તો એમણે સાદગીથી કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા.

લગ્નના દિવસે મે મંદાકિનીને જોઈ અને હું અચંબામાં પડી ગયો હતો. મનહરે “હા”કેમ ભણી હશે.?

કવિતા જેટલી સુંદર, રૂપાળી, હોશિયાર અને ભણેલી ગણેલી હતી. મંદાકિનીભાભી એનાથી તદ્‌ન વિરૂધ્ધ દિશામાં ૧૮૦ ના ખૂણા ઉપર હતાં. લગ્નના બીજા જ દિવસે મનહરે મને કહ્યું હતું કે યાર કયાંક ઉતાવળ તો નથી થઈ ગઈને? ત્યારે મને પેલી કહેવત યાદ આવી ગઈ હતી કે “ઉતાવળે પરણો અને નિરાંતે પસ્તાવો.” પણ હું મારા મિત્રને દાઝયા ઉપર મીઠું ભભરાવવા નહોતો માંગતો તેથી મે એક ફિલસુફની અદાથી કહ્યું હતું “દોસ્ત,રૂપતો બધા ઝાંઝવાના નીર, સાચું સૌદર્ય ચહેરામાં નહી આત્માની સુંદરતામાં હોય છે,કદરૂપા ચહેરાને નહીં સુંદર આત્માને જોજે.”

એણે આત્માના કેવા દર્શન કર્યા એ તો મને ખબર નથી, પણ એટલું ચોક્કસ હતું કે ભાભી એક મહિના સુધી અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી બંનેએ ખુબ મજા કરી હતી. બંને ખુબ ખુશ લાગતા હતા.એ પછી ભાભીએ અમેરિકા જઈ મનહરની ફાઈલ મુકી હતી. ત્રણ વર્ષ પછી એની ફાઈલ પાસ થઈ હતી. જે દિવસે એની અમેરિકાની ફલાઈટ હતી, ત્યારે એ ખુબ ખુશ હતો.

'અમેરિકા પહોંચવાની બહુ ખુશી હતી મને –' એણે ચાની ચુસ્કી લીધી.

'પણ એ બહુ ના ટકી – ઘણા સપનાઓ હતાં મારા.હું ભારતમાં હતો, ત્યારે અમેરિકા વિશે કેવી કેવી કલ્પનાઓ કરી હતી. કેવા સપના જોયા હતા. પણ એ સપના બધા સપના જ હતા. પુરા થાય એ સપના ના કહેવાય.'

'પછી શું થયું, આજે તું સાચુકલુ ખુલ્યો છે, બોસ. બોલતો જા.'આજે હું એને રોકવા નહોતો ઈચ્છતો એટલે કહ્યું.

'ન્યુજર્સી પહોચ્યા પછી મને એમ હતું કે મને કોઈ દવાખાનામાં ડોકટર તરીકે નોકરી મળી જશે અથવા તો મને ઝડપથી પ્રેકટીસ માટે લાયસન્સ મળી જશે. પરંતુ મને જાણ થઈ કે જયાં સુધી હું યુએસએમએલઈ ૧ અને ૨ પરીક્ષા ન આપું ત્યાં સુધી ૩જા તબક્કાની કસોટી પણ ન આપી શકું. એ આપ્યા પછી જ મને દાકતરી પ્રેકટિસ કરવાનું લાયસન્સ મળે. મેં વિચાર્યુ હતું એટલું સરળ ન હતું. આ બધી પરીક્ષાઓ પાસ કરી લાયસન્સ લેવામાં જ મને લગભગ પાંચેક વર્ષ નીકળી ગયા. એ દરમ્યાન મારૂં સ્ટ્રગલ તો ચાલું જ હતું, કેમ કે બાળકો નાના હતાં અને મંદાકિની. . . . .યુ નો ,સાવ ....' મનહર અભણ શબ્દ ના બોલી શક્યો ,એના ચેહરાની રેખાઓ તંગ થઇ ગઈ.

'અમેરિકામાં પતિઓ સાથે પત્નીઓને પણ નોકરી કરવી પડે છે ત્યારે ઘર ચાલે છે. મંદાકિની એક તો અભણ અને પાછું અંગ્રેજી બોલતાંય ન આવડે એટલે એને નોકરીએ રાખે કોણ? અને લાયસન્સ મેળવવા સુધી ઘર ચલાવવા માટે દિવસમાં મોલમાં સેલ્સમેન તરીકે અને સાંજે પેટ્રોલપંપ ઉપર ફીડર તરીકે નોકરી કરવી પડતી. રાત્રે થાક્યા હાર્યા પછી મેડીકલનું વાંચવાનું. કેટલું યાદ રહે ? કયારેક તો મને થતું કે હું આ બધુ છોડી ભારત ભેગો થઈ જાઉં. આખરે અહીંયા છે શું? તે કહ્યું હતું ને “ ઝાંઝવાના નીર,” એ ઝાંઝવાના નીર પકડવા હું અમેરિકા નામના રણમાં મૃગલો બનીને દોડતો હતો, ત્યારે મને આપણા દેશનું ખરૂં મહત્વ સમજાયું હતું. જયાં સુધી મને મેડીકલ લાયસન્સ ન મળ્યું, અમારા ઘરની સ્થિતિ બહુ ખરાબ હતી. કમાવાવાળો હું એકલો અને ખાવાવાળા ચાર – અમે બે અને બે બાળકો – માંડ પુરૂં થતું હતું. પછી એક સરકારી દવાખાનામાં નોકરી મળી, ત્યારે ઘરની સ્થિતિ થોડી સુધરી. કેટલાય વરસ નોકરી કર્યા પછી મે મારૂં પોતાનું કિલનીક ખોલ્યું. બાળકો મોટા થયા. હવે લાગે છે કંઈક આરામ મળ્યું છે.”

મનહરનો મોટો દીકરો વિશાલ એક આઈટી કંપની માં સોફ્ટવેર એન્જીનીયર છે ,નાનો સાગર એક મોલમાં ફ્લોર મેનેજર છે.

‘દોસ્ત, બહુ વર્ષે તે હ્‌દયનો ભાર હળવો કર્યો હોય એમ લાગ્યું.’ મેં મનહરને કહ્યું.

‘લે, આવી ગઈ ‘મિસ નાઈજીરિયા’ મંદાભાભી એમના બંને પુત્રો સાથે ઘરમાં પ્રવેશ્યા કે તરત મનહરે ટીખળ કરી.

ભાભી એમના બંને પુત્રો સાથે બજારમાં ખરીદી કરવા ગયા હતા.

‘અરે, સરિતા, ભાભી અને બાળકો આવી ગયા.’ મેં મારી પત્ની નો બૂમ પાડી.

મારી પત્ની બહાર આવી અને હાય હેલો પછી તે બંને અંદરના ખંડમાં વાતોએ વળગી. મનહરના બંને બાળકો વિશાલ અને સાગર અમારી સાથે જોડાયા.

‘હવે, આ બંનેનું કયાંક ગોઠવાઈ જાય તો એકવાર હરિદ્રાર જઈ આવવું છે, યાર’ મનહરે કહ્યું.

‘ગોઠવાઈ જશે, યાર શું ચિંતા કરે છે. કેમ બાબલાઓ તમે ત્યાં કોઈ જોયેલી તો હશે જ ને ફ્રેન્ડ-બેન્ડ....”

મારી આ વાત સાંભળી બંને છોકરાઓ શરમાઈ ગયા. કશું બોલ્યા નહી માત્ર સ્મિત કર્યુ.

એટલામાં મારી બંને દિકરીઓ
વૈશાલી અને શિવાની સીધી જ અમારી પાસે આવી પહોંચી.

હું એમને મહેમાનોની ઓળખાણ કરાવું, એ પહેલા જ બંને બોલી ઉઠી.

‘હાય ,વિશાલ’ વૈશાલી બોલી.

‘હાય,સાગર’ શિવાનીએ કહ્યું.

‘તમે લોકો એકબીજાને ઓળખો છો?’ મે આશ્ચર્યચકિત થતાં પુછયું.

‘ડેડ, વી આર ફેસબુક ફ્રેન્ડઝ’ બંને એકસાથે બોલી ઉઠી.

‘તમે લોકો ફેસબુક ફ્રેન્ડઝ છો? મનુ, લે ભઈલા આ તો આપણાથી ય આગળ નીકળી’ હું બોલ્યો.

‘યાર સંજુ (એ મને સંજય નહિ હંમેશા સંજુ જ કહેતો) હું વિચારૂ છું કે આ ફેસબુક ફ્રેન્ડશીપને....લગ્નગ્રંથિમાં કેમ પરિવર્તન ન કરી દઈએ?’ મનહર ઝીણી આંખો કરી બોલ્યો.

‘એ માટે મારે મારા હોમ મિનિસ્ટરને પુછવું પડે ભઈલા’ મેં ટીખળ કરતાં જવાબ આપ્યો.

‘પણ મારે તો મારા હોમ મિનિસ્ટરને પુછવાની જરૂર નથી હો.... બધા ડીસીજન્સ હું જ લઉ છું.’ મનહર બોલ્યો.

‘લે ભઈલા આ આવ્યા હોમ મિનિસ્ટર. . . .’

‘બધું સાંભળી લીધું છે, અમે’ બંને સ્ત્રીઓએ રૂમમાંથી બહાર નિકળતા કહ્યું.

‘સંજય મને તો મંજુર છે હો.’ મારી પત્ની સરિતાએ કહ્યું.

‘પણ મને મંજૂર નથી હો. . .મને પુછવાનું ય નહી.શું આ મારાય બાળકો નથી. મને કશું બોલવાનો અધિકાર પણ નથી?’ અમને હતું કે મંદાભાભી મજાક કરતા હશે.પણ એ તો બહુ ગંભીરતાથી બોલી રહ્યા હતા.એમની આંખોમાં આસું ઉભરાવા લાગ્યા.

‘સંજયભાઈ ,અમારા લગ્નને ત્રીસ વર્ષ થયા પણ પુછો એમને... હરામ બરાબર એમણે મને પ્રેમના અઢી અક્ષર પ્રેમથી કહ્યાં હોય તો? દરેક વાતમાં હડદુત. . .હડદુત. . .કાળી, કુબળી, મિસ.નાઈજિરીયા, બ્લેક પેન્થરેસ, કાળી વાઘણ અરે કેવા કેવા ઇલકાબો આપ્યાં છે, એમણે મને. . . પણ મે એમને એકેય કડવો વેણ કહ્યો હોય તો એમને પુછી જુઓ. જાણે મારી કોઈ ઓકાત નથી. કોઈ હૈસિયત જ નથી. અરે હાં હું, કાળી કુબળી છુ પણ હું મારા હાથે નહોતી બની. ઈશ્વરે જેવી બનાવી એવી જ છું.’

મંદાકિની ભાભીનું આ રૂપ જોઈ અમે તો ઠીક મનહર પોતે સૌથી વધુ ડઘાઈ ગયો હતો. આવું થશે એ તો કોઈએ લગીરેય વિચાર્યુ નહોતું.

‘રીલેક્ષ ભાભી. શાંત થઈ જાવ’. હું થોથવાતા સ્વરે બોલ્યો, શું બોલવું એ મનેય સૂઝતું ન હતું.

સરિતા પાણીનો ગ્લાસ લઈ આવી અને મંદાભાભીને આપ્યું.

‘આ ૩૦ વર્ષમાં તમે જે ધાડ મારીને એમાં મારો ય હિસ્સો હતો. . . અમેરિકામાં આ બાળકો ઉછેરવા એ કોઈ લાડવા ખાવા જેવું નથી. . . તમે દાકતરી કરી બીજાની ધડકનો સાંભળી,પણ કયારેક મારા હ્‌દયની ધડકનો કાન દઈને સાંભળી? કયારેય મને ય પુછયું કે તારી તબિયત કેમ છે? . . . અને હાં, પેલી તમારી કોલેજ ફ્રેન્ડ, શું નામ એનું. ઓલી કવિતારી. . એનો ફોટો પર્સમાં ઝાલી રાખ્યું. ત્રીસ ત્રીસ વર્ષ થયા તોય મે તમને કશું કહ્યું નહિ . . . શું મે કોઈ પરપુરૂષનો ફોટો રાખ્યો હોય તો ત્રીસ વરસ તો શું ત્રીસ સેકન્ડેય તમે મને સહન કરી શક્યા હોત? છટ ..પુરૂષની જાત...”

મંદાભાભી આજે વરસી પડ્યા હતા.અમે બધા ડઘાઈ ગયા એ તો ઠીક પણ મનહરને તો કાપો તો લોહી નાં નીકળે એવી એની સ્થિતિ હતી.એણે કદાચ વિચાર્યું પણ નહિ હોય કે ત્રીસ વરસનો હિસાબ ભાભી માત્ર ત્રીસ સેકન્ડમાં જ કરી નાખશે. એની વાચા જ હરાઈ ગઈ હતી.

ધોધમાર વરસાદ પછી વાતાવરણ ખુલ્લું થઈ જાય એમ ત્રણ દાયકાનો એમના હ્‌દયનો ભાર કદાચ એમના અશ્રુઓમાં વહી રહ્યુ હતું.

‘દોસ્ત, તારે ભાભીની માફી માંગવી જાઈએ.’ મે મનહરનો હાથ પકડીને કહ્યું.

એ સુન્ન મારી ગયો હોય એમ પૂતળાની જેમ ઊભો હતો .શું કહેવું ,શું કરવું એને કશુંજ સમજાતું નહતું.

પછી કોણ જાણે શું થયું કે સોફા ઉપર બેઠેલા મંદાભાભીના પગ ઉપર માથુ મુકીને રડવા લાગ્યો અને માફી માંગવા લાગ્યો.

કંઈ કેટલીય વાર સુધી તેમની સાથે અમારી આંખોમાં પણ અશ્રુઓ છકલાતા રહ્યાં. જાણે ઘર આખું રડી રહ્યું હતું. મંદાભાભીનો હ્‌દયનો ભાર તો હળવો થયો જ હશે. મનહર પણ હવે કાંઈક શાંત લાગતો હતો અને હું પણ હળવો થઈ રહ્યો હતો. અત્યાર સુધી હું એવુંજ વિચારતો હતો કે લાઈફ માત્ર અમેરિકામાં જ છે અને પ્રમાણિકતાથી કહું તો મારે મનહરની અદેખાઈ પણ આવતી હતી કે મારો બેટો, કેવી રીતે અમેરિકામાં સેટલ થઈ ગયો અને હું અહિંયા ભારતમાં મધ્યમ વર્ગના એક સામાન્ય ડોકટર તરીકે જ જીવન પસાર કરી રહ્યો હતો. પણ આજે મનહરની અને મંદાભાભીની આ વાતો પછી મને લાગે છે કે હું કદાચ મનહર કરતાંય વધારે નસીબદાર હતો કે મને સરિતા જેવી સુધડ, પ્રેમાળ, વફાદાર, પત્ની મળી અને બે સુંદર દિકરીઓ ઈશ્વરે આપી.હું અમેરિકા ના જઈ શક્યો ,કાંઈ નહિ ,મારી દીકરીઓ તો જશે.

શું કમી હતી મારે ? હું એકદમ હળવો ફુલ થઈ ગયો.