મહેકતા થોર.. - ૪ HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

મહેકતા થોર.. - ૪

ભાગ -૪

(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ એના ઉદ્ધત વર્તનને લીધે સજા પામે છે... હવે આગળ..)

વ્યોમ પગ પછાડતો H.O.D. ની ઓફિસની બહાર નીકળી ગયો. નિશાંત ને ધૃતી એની રાહ જોઇને ઉભા હતા. બંને એકીસાથે બોલ્યા,
" શું થયું ?"
વ્યોમ બોલ્યો,
"યાર આ મેડમે તો ખરો ફસાવ્યો, એક મહિનો નાઈટ ડ્યુટી આપી બોલો અહીં, ને મારે કમ્પાઉન્ડર બનીને કામ કરવાનું, એ પણ સિનિયરો સાથે."

"શું???"
ધૃતી બરાડી ઉઠી.

"હવે તું શું કરીશ વ્યોમ, મને તો રીતસરનું ટેંશન થવા લાગ્યું, તું તો બરાબરનો ફસાયો."

વ્યોમનો મૂડ સાવ જ બગડી ગયો. હવે ક્યાંય પણ જવાને બદલે એ સીધો ઘરે જ ગયો. સાંજના જમવાનો સમય થયો એટલે બધા ગોઠવાયા. બધામાં તો ત્રણ જણા જ હતા. પણ કુમુદ ક્યારેક હાથે રસોઈ બનાવતી ત્યારે થતું કે કોઈ મહેમાન ન આવવાનું હોય. વ્યોમ ને પ્રમોદની મનપસંદ વાનગીઓ બનતી. આજે પણ એમ જ થયું આખું ડાઇનિંગ ટેબલ ભરાઈ ગયું. બધી વ્યોમની પસંદની વાનગીઓ હતી. મહારાજ બધું પીરસાય ગયું પછી શેઠને બોલાવવા ગયા. વ્યોમને બોલાવવા કુમુદ પોતે ગઈ. મા હતી એટલે ખબર પડી જ જાય કે દીકરાનો મૂડ આજે ઠીક નથી.

વ્યોમ એની સજા માટે પરેશાન ન હતો પણ પોતાના પિતાને કહ્યું છતાં એમણે કઈ કર્યું નહિ એનો ગુસ્સો હતો. કુમુદ રૂમનો દરવાજો ખખડાવતા બોલી,
"વ્યોમ, ચાલ તો બેટા આજે તો બધી વાનગી તારી પસંદગીની બની છે, જમવા આવી જા."

વ્યોમ દરવાજો ખોલતા બોલ્યો,
"મારે નથી જમવું મને ભૂખ નથી."

મા બોલી," ઠીક છે તો આજે મારેય ઉપવાસ."

ને એ બહાર ચાલતી થઈ ગઈ. વ્યોમને ગયા વિના છૂટકો જ ન હતો. મોઢા પર ગુસ્સો લઈને જ એ નીચે ઉતર્યો.

ત્રણેય ટેબલ પર ગોઠવાયા. પ્રમોદભાઈ બધું જાણતા હતા પણ એમણે એવું વર્તન કર્યું જાણે કઈ જ થયું નથી. કુમુદના વખાણ કરતા બોલ્યા, "વાહ કુમુદગૌરી તમારા હાથમાં જાદુ છે, આટલી સ્વાદિષ્ટ રસોઈ કઈ રીતે બનાવી લો છો ! કેમ વ્યોમ ભાવીને તને, બધી તારી પસંદગીની જ છે."

વ્યોમ કઈ પણ બોલ્યા વગર નીચે જોઈને જમવા લાગ્યો, કુમુદે ઈશારો કરીને પ્રમોદભાઈને પૂછ્યું કે શું થયું, પ્રમોદભાઈએ પણ ઇશારામાં જ સમજાવી દીધું કે કંઈક બબાલ થઈ છે. કુમુદ કઈ બોલી નહિ ચૂપચાપ જમવા લાગી.

વ્યોમને હતું કે પ્રમોદભાઈ વાત છેડશે પણ એ કઈ બોલ્યા નહિ એટલે એણે જ ચાલુ કર્યું.

"પપ્પા આ બધા સેવાના કાર્યો બહાર કરીએ તો જ પુણ્ય મળતું હશે નહિ, ઘરમાં તો એવો કોઈ સિદ્ધાંત લાગુ નહિ પડતો હોય, ઘરના છોકરા તો ભલે ઘંટી ચાટે...."

પ્રમોદભાઈ સંયમ રાખી બોલ્યા, " લે કેમ વળી શુ થયું છે ?"

વ્યોમ આશ્ચર્યભરી રીતે પ્રમોદભાઈ સામે જોઈ રહ્યો પછી બોલ્યો,

" કેમ વળી તમને ખબર નથી મારી સાથે શું થયું એ. કોલેજમાંથી જાણ નથી કરાઈ !."
પ્રમોદભાઈ બોલ્યા,

" ઓહ એ! So sorry my son, તે કાલે કહ્યું હતું એ વાત જ મગજમાંથી નીકળી ગઈ, પછી છેક અત્યારે કોલેજે થઈને આવ્યો તો પરીખ મેડમે બધી વાત કરી. તને કઈક સજા પણ થઈ છે એવું કહ્યું, મેં દલીલ પણ કરી કે સજા માફ કરી દો, તો એમનું કહેવાનું એમ હતું કે કોલેજમાં ખોટી છાપ ઉભી થશે, બધાને ખબર પડી ગઈ છે એટલે હવે વ્યોમને આવવું તો પડશે, જઈ આવ ને બેટા એમાં શું છે, આમ પણ તારે ડૉક્ટર થઈશ ત્યારે દિવસ રાત કામ તો કરવું જ પડશે, અત્યારથી પ્રેક્ટિસ કરી લે."

વ્યોમ હવે વધુ ગુસ્સે ભરાયો, પણ એની પાસે હવે કોઈ વિકલ્પ પણ ન હતો, અત્યારે જ એને નાઈટ ડ્યુટીમાં જવું પડે એમ હતું. જો આજે ન જાય તો બીજી સજા પણ મળી શકે એમ હતી, ને એ પરીખ મેડમને ઓળખતો હતો, એમને કોઈ પણ વાત અસર કરતી ન હતી, ન વ્યોમનું સ્ટેટ્સ, ના એના પિતાનો હોદ્દો, ન કોઈની મજબૂરી...

વ્યોમ જમવાનું પતાવી કઈ પણ બોલ્યા વગર હોસ્પિટલ જવા નીકળી ગયો.

કુમુદે બધી વાત પ્રમોદભાઈ પાસે જાણી લીધી, આખરે તો મા રહીને પ્રમોદભાઈને ઠપકો આપ્યો તમે કઈ કર્યું નહિ આટલું થયું તો પણ.

પ્રમોદભાઈ કઈ પણ બોલ્યા વગર જમવાનું પતાવી પોતાના રૂમમાં જતા રહ્યા. એમને લાગ્યું કે પોતે વ્યોમને વધુ પડતી જ છૂટછાટ આપી દીધી છે. પણ એક પિતા તરીકે પોતાને જે નથી મળ્યું એ વ્યોમને આપવા માંગતા હતા.

પોતાની એ અભાવપૂર્ણ જિંદગી.....

"પરમોદ, આ લાકડાનો ભારો ચડાવજે તો! " પોતાની માના શબ્દો જાણે નજીકમાં જ ક્યાંક ગુંજી રહ્યા હોય એવું પ્રમોદભાઈને લાગ્યું.

ચીંથરેહાલ પરમોદ દોડીને આવ્યો. અકિંચનતા એનું સામ્રાજ્ય બખૂબી જમાવીને બેઠી હતી. અમીરી એક આંખો સિવાય ક્યાંય દેખાતી ન હતી. પરમોદ ને એની મા લાકડા વેચીને ગરીબીને ધક્કો મારતા ને એટલી જ બમણી ગતિથી એ ફરી ડોકાઈ જતી.

નાનકડો પ્રમોદ પોતાની મા ના હાથમાં પડેલા ઘાવ જોઈ રહેતો. એને પોતાના હાથે થયેલા ઘા બહુ નહિવત લાગતા. જો કે બંને મા દીકરાના હાથમાં પડેલા ઘા અસહ્ય હતા પણ કોઈ વિકલ્પ જ ન હતો. બાવળના લાકડા સિવાય કોઈ લાકડાનો આટલો ભાવ આવે એમ ન હતો. મા ને લાગતું કે આમ જ જિંદગી નીકળી જશે લાકડાની ભારી ખેંચવામાં જ. પિતા તો વહેલા મૃત્યુ પામ્યા હતા. ને આ ગરીબી ક્યારેય એકલી નથી આવતી એને એકલતા ગમતી જ નથી સાથે જાકારો, નિરાશા, નિષ્ફળતાં લઈને આવે છે. અહીં પણ એમ જ હતું.

પ્રમોદ ને એની મા નસીબ લખાવીને આવ્યા હતા. એવું એમને લાગતું આ ગરીબી લકીરોમાં છપાઈ ગઈ હતી. જે ક્યારેય મીટવાની ન હતી સિવાય કે મૃત્યુ. પિતા એ વાતે નસીબદાર નીકળ્યા બે દિવસના સાદા તાવમાં એમણે હાથની લકીરો પરથી આવી કારમી ગરીબી મિટાવી નાખી. પોતે મૃત્યુની ચાદર ઓઢી નસીબદાર બની ગયા. પણ પાછળ આ બે જીવને જીવ્યા સિવાય છૂટકો જ ન હતો.

મા રાતે પ્રમોદને હાથમાં માટી લગાવતી ને કહેતી સવાર થશે ત્યાં ઠંડક થઈ જશે, ને એ માટીમાં કોણ જાણે શુ ઠંડક હતી કે પ્રમોદ સીધો નિંદ્રારાણીના ખોળે જઈ બેસતો. પ્રમોદ સવારે ઉઠે ત્યાં તો મા લાકડા કાપવા નીકળી ગઈ હોય. પ્રમોદને નિશાળ પુરી કરી માની મદદ કરવા બપોરે જવાનું. ભણવામાં બહુ હોશિયાર નહિ પણ ગણતરમાં તો પ્રમોદ ભલભલાને પાછળ રાખી દે. એની સૂઝબૂઝ ને તાર્કિકતા બધાને પ્રભાવિત કરી દે.

આમને આમ એમની જિંદગી પસાર થઈ રહી હતી. પણ કહેવાય છે ને જિંદગી એક બહુ મોટો ચમત્કાર છે. આપણે એને સમજી શકતા નથી. આવો જ એક ચમત્કાર પ્રમોદના જીવનમાં થયો......

(પ્રમોદના જીવનમાં શું ચમત્કાર થાય છે ! વધુ વાત આવતા અંકમાં.....)

© હિના દાસા