ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૨૦ ) VIKRAM SOLANKI JANAAB દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૨૦ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૨૦)

રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો..

અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. કામિની અને તેની માંથી છૂટકારો મેળવ્યા બાદ અમારી પાછળ એક બલા પડે છે જેને લીધે અમે એક અજાણી જગ્યાએ પહોંચી જઈએ છીએ જ્યાં પેલી છોકરીની પાછળ જતાં એક જગ્યાએ વિચિત્ર ગુફા અને સાધુ મહારાજ જોવા મળે છે.‌...હવે આગળ...

અમે ઘડીક સાધુ મહારાજ તરફ તો ઘડીક ગુફા તરફ બાઘાની જેમ જોઈ રહ્યા હતા. આ સાધુ મહારાજ અચાનક કેમ અહીં પહોંચી ગયા એ સમજાતું નથી. શું એમનો આ ગુફા સાથે કોઈ સંબંધ હશે? કે પછી આ ગુફા જ તેઓ રહેતા હશે? એવા સવાલો મનમાં ઉઠી રહ્યા હતા.

આ કોઈ સામાન્ય સાધુ નહોતા. એમના મુખ પર એક અજાયબ તેજ હતું જે કોઈપણ વ્યક્તિને તેમની તરફ આકર્ષિત કરી શકે. એમને જોઈને જાણે કે બધું જ ભૂલી ગયા હોઈએ એવો અહેસાસ થાય.

અમે બધાએ એ સાધુ મહારાજને પ્રણામ કર્યા. 'કલ્યાણ મસ્તુ' જેવા એમણે આશિવૉદ તો આપ્યા પણ તેમના મુખ મંડલની રેખાઓ અત્યારે સામાન્ય નહોતી.

" તો તમે બધા અહીં સુધી પહોંચી જ ગયા! તમે લોકો અત્યારે એક એવી જગ્યાએ છો જ્યાં સામાન્ય લોકો આસાનીથી પહોંચી શકતા નથી. આ એક એવી રહસ્યમય જગ્યા છે જે બાકીની દૂનિયાથી અલગ અને સુરક્ષિત છે. તમે જેમ અહીં આવ્યા છો તેમ હવે અહીંથી જવું પણ લગભગ અશક્ય છે. " એ સાધુ મહારાજે તે જગ્યા વિશે જણાવતાં અમને બધાને કહ્યું.

" મહારાજ! અમે લોકો ભૂલથી અહીં આવી ગયા છે. અમારો અહીં સુધી આવવાનો ઈરાદો કોઈ લોભ કે લાલચ નહોતી." મનોજભાઈએ કહ્યું.

" હું બધું જ જાણું છું. તમારે ભૂલથી પણ અવળે રસ્તે જવાની જરૂર નહોતી. ઘણાં લોકોએ આવી ભૂલો કરીને પોતાના જીવ ગુમાવ્યા છે." સાધુ મહારાજે અમારા બધા તરફ જોતાં કહ્યું.

" મહારાજ! તમે કોણ છો?? તમારા મુખ પરનાં આ તેજનું રહસ્ય શું છે? અમે ઘણીવાર તમને જોયા છે. તમે કેવી રીતે દરેક જગ્યાએ પહોંચી શકો છો?? " મેં સાધુ મહારાજને તેમના રહસ્ય વિશે પૂછતાં કહ્યું.

" મારું નામ જોગેન્દ્ર નાથ છે જે મને મારાં ગુરૂ રૂખડનાથ તરફથી મળ્યું છે. આ તેજ તેમના અને ગીરનારી મહારાજના આશીર્વાદના પ્રતાપે છે. હું મારી સિદ્ધિઓની મદદથી ગમે ત્યાં જઈ શકું છું. હું ભૂતકાળ પણ જોઈ શકું છું. જે ઘટનાઓ બનવાની હોય તેની પણ મને જાણ થઈ જાય છે.

તમે લોકો આડા રસ્તે જવાનાં હતાં એની જાણ મને થઈ ગઈ હતી. તમને લોકોને ચેતવવા માટે જ હું વારંવાર તમારી સામે આવતો હતો." સાધુ મહારાજે પોતાનો પરિચય આપતાં કહ્યું.

" મહારાજ! અમે જે ભૂલ કરી એનો અમને ખૂબ જ પસ્તાવો છે. આ ભૂલ અમારાથી અજાણતાં જ થઈ હતી. અમને માફ કરી દેજો. જો તમે તમારા વિશે અમને વધુ જણાવશો તો ખરેખર અમે ભાગ્યશાળી હોઈશું." આશિષે સાધુ મહારાજને કહ્યું.

અમારી માફી અને પસ્તાવાની તે સાધુ મહારાજ ઉપર ધારી અસર થઈ. તેમના મુખ મંડલ પરની રેખાઓ પણ બદલાઈ ગઈ હોય એવું લાગ્યું.

" હું એક સિદ્ધ યોગી છું. આ ગીરનાર પર્વત પોતાની અંદર ઘણાં બધાં રહસ્યો ધરબીને બેઠો છે. આવાં રહસ્યોનો હું રક્ષક છું. મારાં જેવા બીજા સિદ્ધ યોગીઓ પણ ગીરનારમાં ફરતા હોય છે પરંતુ સામાન્ય લોકો તેને જોઈ શકતા નથી.

તમે લોકો અત્યારે એક એવાં રહસ્યની સામે ઊભા છો જે અન્ય લોકોથી પર છે. એ રહસ્ય સુધી પહોંચવું પણ એટલું જ કઠીન છે. કોઈ ભાગ્યશાળી જ ત્યાં સુધી પહોંચી શકે છે.


મારો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. હું જ્યારે નાનો હતો ત્યારે જ મારા માં - બાપ મૃત્યુ પામ્યા હતાં. પરિવારમાં બીજું કોઈ હતું નહીં એટલે અન્ય લોકો દ્વારા જ મારો ઉછેર થયો હતો.

નાનપણથી જ મારી ચેષ્ટાઓ અસાધારણ હતી. મારાં પાલક લોકો મારી પાસે જે - તે કામ કરાવતાં હતાં પરંતુ મને કોઈપણ કામમાં રસ નહોતો.

કોઈ સાધુ આવે તો હું તેની સાથે ફર્યા કરતો. કલાકો સુધી ધ્યાન કરતો. અજાણી જગ્યાઓએ ભટક્યા કરતો. મારાં આવાં વર્તનને લીધે મને ઉછેરનાર લોકોએ મારો ત્યાગ કરી મને કાઢી મૂક્યો.

રખડતાં - રખડતાં એક સાધુનો મને ભેટો થયો. એમની સાથે હું ઘણાં સમય સુધી રહ્યો. એણે મને ગીરનાર વિશે જણાવ્યું. ગીરનારના નાગા સાધુઓ અને હઠીલા યોગીઓ વિશે પણ વાતો કરી. ગીરનારમાં જઈને તપસ્યા કર તો તને જરૂર કોઈ સિદ્ધ પુરુષનો ભેટો થશે એવા આશીર્વાદ પણ આપ્યા.

એ પછી ગીરનારમાં જઈને તપસ્યા કરવાની મને તાલાવેલી લાગી ગઈ. ગમે તેમ કરીને ગીરનારના સિદ્ધ પુરુષને મળવું એ એક લક્ષ્ય બની ગયું.

આજથી ત્રણસો વર્ષ પહેલાં હું તમારાથી પણ નાની ઉંમરમાં હું ગીરનારમાં આવી ચડ્યો હતો. હું ઘણાં મહિનાઓ સુધી ગીરનાર પર્વત અને તેની આસપાસ ભટકતો રહ્યો. ગીરનારના તમામ દેવી - દેવતાઓના સ્થાનકોના દર્શન પણ કર્યાં.
ગીરનાર મને એટલો ગમી ગયો હતો કે અહીંથી હવે ક્યાંય જવા માંગતો નહોતો. મારે મારું સમગ્ર જીવન ગીરનારમાં જ વ્યતિત કરવું હતું.

એકવખત હું ગીરનારમાં ભટકતાં - ભટકતાં એક ખૂબ જ ઊંચી ટેકરી પાસે જઈ ચડ્યો. મને અંદરથી એવું લાગ્યું કે આ ટેકરી પર નક્કી કંઈક તો છે પરંતુ તેનાં પર ચડવું લગભગ અસંભવ હતું છતાં મેં એ ટેકરી પર ચડવાનું નક્કી કર્યું.

ટેકરી પરનું ચઢાણ એટલું મુશ્કેલ હતું કે મારું આખું શરીર લોહી લુહાણ થઈ ગયું. મેં હાર માન્યા વગર ચડવાનું ચાલુ જ રાખ્યું. હું ઘણું ખરું ચડી પણ ગયો હતો પરંતુ એક મુશ્કેલ જગ્યાએ મારો પગ લપસ્યો અને હું ટેકરીની નીચે પડવા લાગ્યો. મેં મારી આંખો બંધ કરી દીધી. એ પછી શું થયું એની કશી ખબર નથી.

મેં જ્યારે આંખો ખોલી તો હું એક ગુફામાં હતો. મારી સામે એક અતિ તેજોમય મૂર્તિ જેવા સાધુ ધ્યાન મુદ્રામાં બેઠા હતા. મારાં શરીર પર કોઈ ઘાવ નહોતાં. હું એકદમ બાઘાની જેમ એ સાધુ સામે હાથ જોડીને બેસી ગયો.

એ સાધુ મહારાજે આંખો ખોલી અને મને કહ્યું કે હું તારી હઠથી પ્રસન્ન થયો છું. તું અહીં કેમ આવ્યો છે એ બધું હું જાણું છું.

તે દિવસથી હું તે સાધુ મહારાજની સેવામાં લાગી ગયો. તેમની પાસેથી તમામ જ્ઞાન મેળવ્યું. અશક્ય કહી શકાય એવી સિદ્ધિઓ પણ મેળવી. મારાં ગુરૂ મહિનાઓ સુધી સમાધીમાં લીન રહેતા. ઔષધીઓની મદદથી ભૂખ કે તરસ પણ ના લાગતી.

હઠીલા યોગો, રોગનાશક સિદ્ધિઓ, તમામ પ્રકારનાં છોડ અને ઔષધીઓની ઓળખ, પશુ - પક્ષીઓની ભાષા, અષ્ટાંગ યોગની સિદ્ધિઓ બધું જ તેમની પાસેથી મેળવ્યું.

ઘણાં વર્ષો સુધી તેમની સેવા કર્યા બાદ તેમણે મને આવી જગ્યાઓનું રક્ષણનું કામ સોંપીને એક દિવસ સદેહે અંતર્ધ્યાન થઈ ગયા.

ત્યારથી માંડીને અત્યાર સુધી હું આવાં સ્થાનોનો રક્ષક છું. મહિનાઓ સુધી સમાધિમાં લીન રહીને તપસ્યા કરતો રહું છું. જ્યાં સુધી મારાં ગુરૂનો આદેશ હશે ત્યાં સુધી મારે આ કાર્ય કરતાં રહેવું પડશે. " સાધુ મહારાજે તેમની વાત પૂરી કરતાં જણાવ્યું.

" અમારાં બધાનાં અહોભાગ્ય કે તમારી પાસેથી આ બધું જાણવા મળ્યું નહીંતર આ બધું ક્યારેય જાણવા ન મળે." કલ્પેશભાઈએ કહ્યું.

" શું ગીરનારમાં તમાંમ પ્રકારની જડીબુટ્ટીઓ છે જે દરેક રોગોનો ઈલાજ કરી શકે?? અમારાંમાંથી જ્યારે એકને વાગ્યું હતું ત્યારે એક છોડનાં પાનની મદદથી તે ઘાવ ઠીક થઈ ગયો હતો." ભાવેશે પોતાનો પ્રશ્ન મૂકતાં કહ્યું.

" હાં. ગીરનારમાં તમામ પ્રકારની ઔષધીઓ છે, કારણ કે આ એક દૈવી પર્વત છે. જો ગીરનારી મહારાજની કૃપા હોય તો જ એ ઔષધીઓ સામાન્ય લોકોને મળી શકે. ઘણાં મહિનાઓ સુધી ભૂખ કે તરસ ન લાગે એવી ઔષધીઓ પણ ગીરનારમાં છે જ જેની જાણ માત્ર અમુક સિદ્ધ યોગીઓને જ હોય છે." સાધુ મહારાજે જણાવતાં કહ્યું.

" શું એ વાત સત્ય છે કે હજુ પણ ગીરનારમાં એવા યોગીઓ છે જે હજારો વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે? તમે આવા સિદ્ધ યોગીઓ જોયા છે?? " રાહુલે સાધુ મહારાજને પૂછતાં કહ્યું.

" હા. એ વાત પણ સત્ય છે. મારા ગુરુ એવા ગીરનારી મહારાજ પણ એમાંના એક હતાં. આવા સિદ્ધ યોગીઓ પોતાની મરજી હોય ત્યાં સુધી જીવીને તપસ્યા કરતા રહે છે અને અંતે તેઓને શિવ તત્વની પ્રાપ્તિ થતાં તેઓમાં લીન થઈ પોતાનો દેહ ત્યાગ કરે છે." રાહુલનાં પ્રશ્નનો ઉત્તર જણાવતાં સાધુ મહારાજે કહ્યું.

" તમે કેવાં રહસ્યોના રક્ષક છો? ગીરનારમાં આવાં કેટલાંક રહસ્યો છે એ જણાવશો? " મેં વિનંતી ભર્યા સ્વરે કહ્યું.

" આ ગુફા છે એ એમાંનું જ એક રહસ્ય છે. તેની અંદર પ્રવેશવું અશક્ય હોય છે. આ ગુફાઓની અંદર હઠીલા નાગા સાધુઓનો વસવાટ હોય છે. " સાધુ મહારાજે જણાવતાં કહ્યું.

અચાનક મને પેલી છોકરીની વાત યાદ આવી ગઈ. કદાચ આ સાધુ મહારાજને તેનાં વિશે ખબર હશે એવું મનમાં આવતાં મેં તરત જ પૂછ્યું.

" અહીં સુધી પહોંચતા અમારાં પર ઘણી મુસીબતો આવી પરંતુ અમને વારંવાર એક નાનકડી છોકરી દેખાતી હતી. એ દિશામાં જતાં એ ગાયબ થઈ જતી અને ફરી અન્ય કોઈ જગ્યાએ દેખાતી. એની પાછળ આવતાં જ અમે અહીં સુધી પહોંચ્યા છીએ. એ છોકરી કોણ છે? એનાં વિશે અમને જણાવશો."

મારી વાત સાંભળીને સાધુ મહારાજે એક દિશામાં જોઈને વંદન કર્યાં. એમનું આમ કરવું અમને આશ્ચર્ય જેવું લાગ્યું.

" તમે બધા જીવિત છો એ કદાચ એની મરજીથી જ છો નહીંતર તમે અહીં પહોંચ્યા જ ન હોત. મેં આ બધું રહસ્ય તમને એટલાં માટે જ જણાવ્યું છે. એ છોકરી મારી અને તમારી વચ્ચેનો મુળભૂત આધાર સ્તંભ છે."

સાધુ મહારાજનાં શબ્દો અમે બધા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. એમણે જે જણાવ્યું એ સાંભળીને અમને લાગ્યું કે આ ગીરનાર ખરેખર એક રહસ્ય છે....( વધુ આવતા અંકે )

કોણ હશે એ છોકરી અને તેનું રહસ્ય?? ગુફાની અંદર ક્યાં પ્રકારનું રહસ્ય હશે?? અમે કેવી રીતે બહાર નીકળી શકીશું?? જાણવા માટે વાંચતા રહો ગીરનારની અમારી યાત્રાનો આવનારો ભાગ જે તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવશે.

મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.

રેટ કરો અને રિવ્યુ આપો

priyanka nandasana

priyanka nandasana 1 અઠવાડિયા પહેલા

Arvind Dawra

Arvind Dawra 4 માસ પહેલા

Archana

Archana 4 માસ પહેલા

Nita Vala

Nita Vala 5 માસ પહેલા

vijay bamaniya

vijay bamaniya 5 માસ પહેલા

શેયર કરો