* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૫)
નમસ્કાર મિત્રો, ગેબી ગીરનાર - એક રહસ્યના ભાગ ૧ થી ૪ ને આપ સૌ તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આવનારા દરેક ભાગને પણ આથી પણ વધારે સારો પ્રતિભાવ મળશે એવી આશા છે.
હવે આગળ....
સંત વેલનાથના બોર્ડ પાસેથી જતી સાંકડી કેડી પર થઈને અમે એમના સ્થાનકે પહોંચ્યા. ત્યાં સંત વેલનાથનું નાનું એક મંદિર છે. તેમજ એક ખૂબજ મોટો ઓટલો પણ છે અને તે ઓટલા પર તેમનો ધૂણો તેમજ ત્રિશુલ વગેરે બધુ સાચવીને તે જગ્યા બનાવેલી છે. નજીકમાં જ એક બાજુ ખૂબ ઊંડી ખીણ આવેલી છે.
અમે ત્યાં જઈને સંત વેલનાથના દર્શન કર્યા અને થોડીવાર ત્યાં રોકાયા. બધાએ ત્યાં ફોટાઓ પણ પાડ્યા. એક રીતે આ જગ્યાનું મહત્વ અમારા માટે એટલા માટે હતું કે અમારી જ્ઞાતિમાં સંત વેલનાથ પુજાય છે. તેમનો ઉત્સવ અને જયંતી પણ ઉજવવામાં આવે છે.
ભાવેશ: "આપણે નાસ્તો અહીં કરવો છે કે? બધા થોડું ખાઈ લઈએ તો થેલામાંથી ભાર પણ થોડો ઓછો થઈ જાય."
મનોજ: "ભાર ઓછો કરવાની હજુ વાર છે ભાઈ! તને તો બસ ખાવાનું જ સુઝે છે, અહીં કેવી સરસ પ્રકૃતિ છે એનો આનંદ લે.
આશિષ: "જનાબ! કેમ કંઈ બોલતો નથી! તું તો આખો દિવસ વિચારમાં જ ખોવાયેલો હોય, કે પછી કવિતા લખવાનું વિચારે છે..!
મેં કહ્યું, "ના ભાઈ! પણ હવે આપણે લોકોએ અહીંથી જવું જોઈએ. જો આખો ગીરનાર ચઢશુ તો પછી ઊતરતી વખતે ખૂબ મોડું થઈ જશે."
કલ્પેશ: "હંમમ્ વાત તો તારી સાચી છે હો. વળી પાછું રીટર્નમાં આપણે મુવી જોવા પણ જવાનું છે ને!! 'પી.કે.' મુવી ચાલુ છે ને બહુ જોરદાર મુવી છે."
રાહુલ: "હા. હો એ તો જોવું જ છે. હું ઘણા સમયથી રાહ જોઉ છું એની તો."
મનોજ : "શું જનાબ તું પણ, બધું થઈ જશે. અહીં આવ્યા છીએ તો પ્રકૃતિનો આનંદ માણો. અહીં કેટલા સરસ લોકેશન છે તો ફોટા-બોટા બધા પાડો."
અમે ત્યાં ઊભા રહીને આ બધી ચર્ચાઓ કરતા હતા એટલામાં રાહુલે અમને બધાને બૂમ પાડીને બોલાવ્યા.
રાહુલ : " મનોજ! અહીં આવો બધા કંઈક બતાવું."
અમે બધા રાહુલ જે બાજુ હતો તે તરફ ગયા. તેણે એક રસ્તો બતાવ્યો જે ઝાડીઓમાં થઈને આગળની તરફ જતો હતો.
રાહુલે કહ્યું, " ચાલો અહીંથી આગળ જઈએ કદાચ ત્યાં કંઈક જોવાનું હોય..!! "
મારા અને કલ્પેશ સિવાયના બધા જવા માટે તૈયાર થઈ ગયા. મેં ફરી પાછી મારી વાત દોહરાવી કે ત્યાં આગળ કંઈ નહીં હોય ખોટું આપણે મોડું થશે, પરંતુ એ લોકો કંઈ સાંભળવા તૈયાર નહોતા.
રાહુલ અને મનોજ તો આગળ ચાલતા પણ થઈ ગયા. અમારે પણ ના છૂટકે તે લોકોની સાથે જવું જ પડ્યું.
મનોજ : " આ તરફ ચાલ્યા આવો બધા અહીં આગળ રસ્તો છે."
અમે એ રસ્તા પર થોડીવાર સુધી ચાલતા રહ્યા. રસ્તા અને આજુબાજુની ઝાડીઓને જોતાં એવું લાગતું હતું કે આ તરફ ભાગ્યે જ કોઈ આવ્યું હોય! આગળ જતા રસ્તો અને ઝાડીઓ પુરી થઈ ગઈ. ત્યાં થોડી ખુલ્લી જગ્યા હતી અને આગળ મોટા પથ્થરો હતા.
કલ્પેશ : " શું હતું અહીં તે અહીં લઈને આવ્યા! રસ્તો પણ પૂરો થઈ ગયો. હવે વળો પાછા! "
ત્યાં મોટા - મોટા પથ્થરો પર સફેદ એરા જેવા ઉપરની તરફ નીશાન હતા. અહીંથી ગીરનારનો ખડકાળ ભાગ શરૂ થતો હતો.
ભાવેશ એરા જેવા નિશાન હતા તે પથ્થર પર ચઢ્યો અને થોડે આગળ સુધી ગયો.
ભાવેશ : " અહીં આગળ પણ થોડા નિશાન છે ચાલો થોડે સુધી જઈએ. ત્યાં લોકેશન ખૂબ જોરદાર આવશે હો.
આ બધાની વચ્ચે અમારો વિરોધ તો ચાલુ જ હતો પણ બધા પથ્થરો પર ફોટા પડાવવાના ક્રેઝમા હતા ને કોઈને જરાપણ ખ્યાલ નહોતો કે આવી જગ્યાએ અવળે રસ્તે કે અજાણી જગ્યાએ જવાનું શું પરિણામ આવે!
મનોજ અને ભાવેશ એ પથ્થરો પર આગળ ચાલતા થયા અને અમે બધા તેની પાછળ ધીમે ધીમે ચાલી રહ્યા હતા. થોડેક આગળ જઈને એક વિશાળ ખુલ્લી જગ્યા હતી. ત્યાંથી નીચેનો નજારો ખરેખર રમણીય લાગી રહ્યો હતો. ત્યાં જોતાં એવું લાગી રહ્યું હતું કે આખો ગીરનાર જાણે કે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવ્યો ન હોય!
અમે બધાએ સમુહમાં અલગ - અલગ પોઝમા ત્યાં ફોટાઓ પાડ્યા. તો વળી બધાએ પોત પોતાની પસંદ મુજબના ફોટાઓ પણ પાડ્યા. મનોજભાઈ ને તો ફોટાઓ પાડવાનો એટલો બધો શોખ છે કે તે આવી જગ્યાએ ખાસ ફોટાઓ પાડવા માટે જ આવે છે. તેમની પાસે ભેગો કેમેરા પણ હોય જ.
અમે ત્યાંથી પાછા વળી જવાનું વિચારતા હતા ત્યાં ભાવેશ આગળ જઈને પથ્થરો પર ઊંચે જવા લાગ્યો. મેં ના પાડી પરંતુ તે ઉપર પથ્થરો પર ચડ્યો, અને ત્યાંથી મનોજને કહ્યું, " મનીયા, લોકેશન જોરદાર છે. ત્યાંથી મારા ફોટા પાડી લે. પછી તો એક પછી એક બધા ઉપર જઈને ફોટા પડાવવા લાગ્યા. મેં પણ તેમાં ભાગ લઈ લીધો.
ભાવેશ : " મનોજ, ચાલો ઉપર તરફ જઈએ. ત્યાં હજુ આથી પણ સારા લોકેશન મળશે.
બધા પોત પોતાના થેલાઓ ખભા પર નાખીને આગળ ઊંચે જવા લાગ્યા. મેં મોબાઈલમાં જોયું તો મોબાઈલમાં નેટવર્ક જરા પણ નહોતું. મેં બધાને પૂછ્યું પણ કોઈના પણ મોબાઈલમાં નેટવર્ક આવતું નહોતું.
અમે ફોટાઓ પાડતા અને હસી-મજાક કરતા ઉપર પથ્થરો ચઢી રહ્યા હતા. ઘણી જગ્યાએ તો માંડ કરીને ઉપર ચઢાતુ હતું. અમે ઘણે ઊંચે સુધી ચઢી ગયા હતા. હવે રહી રહીને બધાને થોડો ડર લાગી રહ્યો હતો.
અમે એક જગ્યાએ પથ્થર પર ચઢીને બેઠા અને બધાએ પાણી પીધું. નીચેની તરફ જોતાં જ ડર લાગે એવું હતું. અમે થોડીવાર થાક ખાઈને નીચે ઊતરવા માટે તૈયારી કરી.
ઊતરતી વખતે એવું લાગ્યું કે ઉપર ચઢ્યા ન હોત તો સારું હતું. કારણ કે ચઢવામાં જેટલું સહેલું હોય એટલું જ ઉતરવામાં કઠીન હોય છે. સીધા સઢાણના પથ્થરોમાં ઘસડાઈને અને સાવચેતી પૂર્વક ઉતરવાનું હતું કારણ કે જો જરાપણ પગ લપસી જાય તો સીધા નીચે પડી જવાનો ડર હતો.
હજુ અમે માંડ એક કે બે પથ્થર પરથી ઉતર્યા હતા ત્યાં જ એક ખૂબ જ સપાટ અને સીધો ટેકરા જેવો પથ્થર હતો જે અમારે પાર કરવાનો હતો. વળી પાછા બધાએ સુઝ પહેરેલાં હોવાથી વધારે તકલીફ પડતી હતી.
ભાવેશ આગળ રહીને ઉતરવાની કોશિશ કરી રહ્યો હતો, પણ ઉતરતાં ખૂબ જ ડર લાગી રહ્યો હતો. કેમેય કરીને ઉતરાતુ નહોતું. હવે ખરેખર બધાને ડર લાગ્યો. મને પેલા નાગા સાધુના શબ્દો યાદ આવ્યા, 'જે દૂરથી સુંદર લાગે તે ખરેખર સુંદર ન પણ હોય.'
એટલામાં ભાવેશની રાડ સંભળાઈ. ભાવેશ જે ઉતરવાની કોશિશ કરી રહ્યો હતો તેનો પગ લપસ્યો હતો. તેની રાડ સાંભળીને અમારા બધાના જીવ તાળવે ચોંટી ગયા. મારું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.....
( ક્રમશઃ )
ગીરનારના અજાણ્યા પ્રવાસમાં અમારી સાથે શું બનવાનું હતું?? ભાવેશનુ શું થશે?? શું અમે નીચે ઉતરી શકીશું?? જાણવા માટે વાંચતા રહો ' ગેબી ગીરનાર - એક રહસ્ય ' ના આવનાર ભાગો.
મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુ મૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 91060 18219 પર પણ આપનો મત જણાવી શકો છો.