GEBI GIRNAR - RAHASYAMAY STORY - 19 books and stories free download online pdf in Gujarati

ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૧૯ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૯)

રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો..

અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. ઘૂના કાંઠે અમને કામીની નામની અજાણી યુવતીનો ભેટો થાય છે. તેની સાથે જતાં અમે મુસીબતમાં ફસાઈ જઈએ છીએ. કામિની અને તેની માં બંનેનો નાશ થતાં અમને હાશકારો થાય છે પરંતુ ત્યાંથી બહાર આવી નાનકડી છોકરીને શોધવા જતાં અમારી પાછળ કોઈ અજાણી બલા પડે છે અને અમે બધા એક જગ્યાએ ગબડીને બેહોશ થઈ જઈએ છીએ.... હવે આગળ...

અંધારામાં અમે બધા દોડી રહ્યા હતા તે દરમિયાન એક મોટો ઢાળ અમે ચડી ગયા. રસ્તા જેવું કશું હતું નહિં એટલે અમને કોઈને ખબર નહોતી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ.

અચાનક જ એ સીધું ચઢાણ પૂરું થયું અને બીજી તરફ અમે બધા ગબડી પડ્યા. ગબડીને નીચે પહોંચ્યા ત્યાં સુધીમાં મારી આંખો ભારે થવા લાગી હતી. બીજા બધાની હાલત પણ કદાચ મારા જેવી જ હતી.

મેં મારી બંધ થતી આંખો વડે થોડે દૂર અંધારામાં એ છોકરીને આગળ જતાં જોઈ. મારાં સાથી મિત્રો બેશુદ્ધ હાલતમાં આસપાસ પડ્યા હતા. મારી આંખો પણ ધીમે - ધીમે બંધ થઈ ગઈ.

એ જ બેશુદ્ધીની અવસ્થામાં મને લાગ્યું કે અમે બધા ઘરે જઈ રહ્યા હતા. અમે તમામ મિત્રો સુરક્ષિત હતા. અમારી સાથે જાણે કંઈ બન્યું નહોતું. અમે ઘરે પહોંચીને બધાને મળીએ છીએ. એક પછી એક સુખદ દ્રશ્યો મારા માનસપટ પરથી પસાર થઈ રહ્યા હતા. ઓચિંતા જ એ સાધુ મહારાજ મારી સામે આવે છે અને અમે કોઈ પાપ કર્યું હોય તેમ તેની લાલચોળ આંખો અને ગુસ્સો જોઈને મારી આંખો ખુલી જાય છે.

હું સફાળો બેઠો થઈ ગયો. ઉઠીને જોયું તો ચારે તરફ આછું અજવાળું પથરાઈ ગયું હતું. મનોજભાઈ, આશિષ, કલ્પેશ, ભાવેશ, રાહુલ બધા જેમની તેમ સ્થિતિમાં પડ્યા હતા. મને તરત જ ખ્યાલ આવ્યો કે મેં જે કંઈ પણ જોયું એ બધું બેહોશ હાલતમાં જોયું હતું.

મેં આસપાસની જગ્યાનું નિરીક્ષણ કર્યું. અમે બધા એક સીધા ચઢાણની બીજી તરફના ઢોળાવની નીચે હતા. સામેની તરફ પણ એવું જ સીધું ચઢાણ એટલે કે નાનકડી ટેકરી જેવો ભાગ હતો.

અમે લોકો અત્યારે ગીરનાર પર્વતની આસપાસ આવેલી અસંખ્ય નાની મોટી ટેકરીઓમાંથી જ એક ટેકરીની વચ્ચે પડ્યા હતા. અમારો જે રસ્તો હતો તે બધું છોડીને અમે એક નવી જ જગ્યાએ આવી પહોંચ્યા હતા.

આગળની રાત્રે જે બન્યું હતું તે યાદ કરીને અત્યારે પણ મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. હું માથે હાથ દઈને ત્યાં જ બેસી ગયો. મને પણ હવે એવું લાગી રહ્યું હતું કે અમારું બધાનું અહીંથી નીકળવું લગભગ અશક્ય છે. ગીરનાર અમને એક એવી જગ્યાએ લઈ આવ્યો છે જ્યાં કદાચ કોઈ ક્યારેય આવ્યું જ નથી.

અચાનક મને ભાન થતાં મેં એક બેગમાંથી પાણીની બોટલ કાઢીને એક પછી એક બધા પર પાણીનો છંટકાવ કર્યો. તે બધા સફાળા બેઠા થઈ ગયા. કોઈને પણ ખ્યાલ નહોતો કે એમની સાથે શું બન્યું હતું.

મેં એ બધાને નીચે બેસાડીને બધી વાત કરી અને અમે બધા ક્યાં છીએ એ વિશે પણ અવગત કર્યા. એ સાંભળીને લગભગ બધાના ચહેરા રડવા જેવા થઈ ગયા.

" આપણે અંધારામાં કઈ દિશામાં આવ્યા એ વિશે આપણામાંથી લગભગ કોઈને યાદ નથી. આપણે અત્યારે કઈ જગ્યા પર છીએ તે પણ જાણતાં નથી. તો હવે આપણે રસ્તો કઈ રીતે શોધીશું? " મનોજભાઈએ ગભરાયેલા અવાજે કહ્યું.

" મને એ સમજાતું નથી કે રાત્રે આપણી પાછળ જે કંઈ પણ હતું તે આપણે લોકોને પકડી કેમ ન શક્યું? તે બલા જે પણ હતી આપણે દોડતા હતા ત્યારે એનો અવાજ પણ પાછળ સ્પષ્ટ રીતે સંભળાતો હતો. અવાજ ઉપરથી તે કોઈ જંગલી પ્રાણીઓનું ઝુંડ હોવાનું લાગતું હતું પરંતુ જો તે જંગલી પ્રાણીઓ જ હોય તો આપણને અહીં સુધી પહોંચવા જ ન દે." મેં તાર્કિક દલીલ કરતાં કહ્યું.

" જનાબ! તારી વાતો એક તો તાત્કાલિક સમજમાં નથી આવતી. ખરેખર તું શું કહેવા માંગે છે! એ પ્રાણીઓ જ હતાં અને આપણે તેનાથી બચીને અહીં સુધી આવી પહોંચ્યા. એમાં તર્ક શું કરવાનો હોય! " કલ્પેશભાઈએ મારી વાતનું ખંડન કરતાં કહ્યું.

" હા. કલ્પેશની વાત સાચી છે. આપણે જ્યારે ભાગ્યા ત્યારે પણ આપણે તેનો અવાજ સાંભળ્યો હતો ને! કદાચ એ પ્રાણીઓ અંધારામાં વધુ દોડી શકતાં ન હોય એમ પણ બને." ભાવેશે કલ્પેશની વાતનું સમર્થન કરતાં કહ્યું.

" હું તમારી બંન્નેની વાત સાથે સહમત નથી થઈ શકતો, કારણ કે એનાં માટે એક નહીં પણ ઘણાં કારણો છે." મેં એ બંને તરફ જોઈને કહ્યું.

" જનાબ! જે કારણ હોય એ અમને જણાવ. હવે તો મારો અહીંથી નીકળવાનો રહ્યો સહ્યો ભરોસો પણ તુટતો જાય છે. એક મુસીબતમાંથી બચ્યા નથી કે બીજી નવી મુસીબત સામે આવી જાય છે. કોણ જાણે હવે કઈ નવી મુસીબત આપણી રાહ જોઈને બેઠી હશે." આશિષે ગળગળા સાદે કહ્યું.

" હા, અને બીજી વાત એ કે આપણી પાસે હવે ખાવા માટે પણ કંઈ બચ્યું નથી. આપણી સામે રસ્તો જ નથી અને ક્યારે મળે તે પણ નક્કી નથી તો ભૂખ્યા અહીંથી નીકળવું લગભગ અસંભવ જેવું જ છે. " રાહુલે બધાને ડર લાગે એવી વાત જણાવતાં કહ્યું.

" મિત્રો, આ ગેબી ગીરનાર છે. મને લાગે છે ત્યાં સુધી એ આપણને ભૂખ્યા તો નહીં જ મારે, કારણ કે આ જગ્યા એકદમ હરિયાળી છે અને સામેની તરફ ઘણાં બધાં વૃક્ષો પણ દેખાય છે તો ખાવા માટે તો જરૂર કંઈક મળી જ જશે. " મેં રાહુલને ધરપત આપતાં કહ્યું.

આશિષ : " એ તો કંઈક કરશું પણ તું ક્યાં કારણો જણાવવા માગે છે ગઈ રાતની ઘટના માટે એ તો કહે. "

" હું માનું છું ત્યાં સુધી આપણને અહીં સુધી લાવવા માટેની એ કોઈ માયાજાળ હતી." મેં બધાને ચોંકાવનારી વાત જણાવતાં કહ્યું.

" માયાજાળ! પણ એવું કઈ રીતે બને? આપણે સાંભળેલા અવાજોનું શું? " મનોજભાઈએ કહ્યું.

બધા મારી વાત સાંભળવા માટે આતુર હતા કે હું ખરેખર શું કહેવા માગું છું. મેં વાતનો દોર સાંધતા આગળ કહ્યું,

" હા. એ હું માનું છું ત્યાં સુધી માયાજાળ જ હતી, કારણ કે આપણાંમાંથી કોઈએ પણ પાછળ ફરીને જોયું જ નહોતું કે તે ખરેખર શું છે. એ અવાજો, પ્રાણીઓ પાછળ હોય એવો ભાસ, એ બધું જ અહીં આપણને પહોંચાડવાની ગેબી ચાલ કહી શકાય.

ભાવેશે કહ્યું કે એ પ્રાણીઓ કદાચ અંધારામાં વધુ દોડી શકતાં ન હોય એટલે આપણાં સુધી ન પહોંચી શક્યા પરંતુ કોઈ પણ જંગલી પ્રાણીઓની એ ખાસિયત હોય છે કે તેની આંખો દિવસ કરતાં રાતે વધુ તેજસ્વી બને છે. તે નાનામાં નાની વસ્તુ પણ સ્પષ્ટ રીતે જોઈ શકે તેવી હોય છે. આથી એ જંગલી પ્રાણીઓ હોવાનું હું માનતો નથી.

જો એ જંગલી પ્રાણીઓ હોત તો અહીં નીચે આવીને આપણો શિકાર કરી ગયાં હોત પણ એવું બન્યું નથી. બીજી સૌથી મોટી વાત એ છે કે આપણે બધા બેહોશ થયા એ પહેલાં મેં પેલી છોકરીને અહીં જોઈ હતી. એટલે મને તો એવું જ લાગે છે કે આપણે અહીં સુધી આપણી મરજીથી નહીં પણ કોઈ અદ્રશ્ય શક્તિના પ્રતાપે પહોંચ્યા છીએ. " મેં વાત પૂરી કરીને બધાના ચહેરા તરફ જોઈને તેમનાં ભાવો જાણવાની કોશિશ કરી.

" જો એ છોકરી આપણને અહીં સુધી લાવી હોય તો હવે આપણે શું કરવું જોઈએ? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આ તરફ આપણને કોઈ રસ્તો મળવાનો નથી. " આશિષે મને પ્રશ્ન કરતાં કહ્યું.

" ઘણીવાર સમસ્યાનો ઉકેલ આપણી સામે જ હોય છે પણ આપણને દેખાતો નથી. આપણે તેને સમજવાનો પ્રયત્ન પણ કરતા નથી. મને લાગે છે કે જો કોઈ આપણને અહીં સુધી લાવ્યું છે તો જરૂર એની પાછળ કંઈક તો કારણ હશે. આપણે આગળ વધીને એ કારણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. " મેં બધાને વાત સમજાવતાં કહ્યું.

આમ પણ અમારી પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં એટલે બધા મારી વાત માનીને મારી સાથે આવવા માટે તૈયાર થઈ ગયા. અત્યારે કોઈને પણ નશાની અસર બીલકુલ નહોતી.

" મને લાગે છે કે આપણે સામેની ટેકરી તરફ જવું જોઈએ. ટેકરીની નીચે ગાઢ વૃક્ષો દેખાય છે. કદાચ આપણને ત્યાં કંઈ ફળ - ફળાદિ મળી આવે." મેં સામેની તરફ ઈશારો કરતાં કહ્યું.

અમે બધા સામેની તરફની ટેકરીની દિશામાં ચાલી નિકળ્યા. અમે હતા ત્યાંથી લગભગ દોઢ - બે કિલોમીટરના અંતરે તે ટેકરી આવેલી હતી.

બીજી એક વાત પણ નવાઈ ઉપજાવે તેવી હતી કે આસપાસની અન્ય ટેકરીઓ કરતાં તેની તળેટીમાં વધુ વૃક્ષો હતાં અને તે આખી ટેકરી લીલાંછમ વૃક્ષોથી આચ્છાદિત હતી.

અમારી પાસે હવે આ મુસીબતોમાં અન્ય વાતો કરવાનો સમય નહોતો. મજાક મસ્તી અને મોબાઈલ તો જાણે ક્યારનાય ભૂલાઈ ગયાં હતાં.

લગભગ અડધો કલાક જેટલું ચાલ્યા બાદ અમે તે ટેકરીની નજીક પહોંચી ગયા. જે વૃક્ષો દેખાતાં હતાં તે મોટેભાગે બિલીપત્રના વૃક્ષો હતાં. બોરડીઓ પણ દૂરથી જોઈ શકાતી હતી.

અમે બધાએ ત્યાં પહોંચીને જોયું તો બિલીના વૃક્ષો પર અને નીચે પુષ્કળ પ્રમાણમાં તેનાં ફળ (બિલા) પડ્યા હતા. શિયાળાની ઋતુની શરૂઆત હતી એટલે બોર પણ બધી બોરડીઓ પર હતાં.

" ભાઈ રાહુલ! ભૂખ માટેનો ઉકેલ તો હાલ પૂરતો મળી ગયો. આ પાકેલાં બિલા અને બોર આપણને આગળ પણ કામ લાગશે." મેં ઉત્સાહમાં આવી જતાં કહ્યું.

અમે બધા નીચે પડેલાં પાકેલાં બિલીપત્રના ફળ ભેગા કરવા લાગ્યા. કલ્પેશ અને રાહુલ બોરડી પરથી બોર પાડવામાં લાગ્યા હતા.

અચાનક દૂરથી સૂકા પાંદડાંઓમાં કંઈક અવાજ થતાં અમારું ધ્યાન તે તરફ ગયું. અમારા બધાના આશ્ચર્યની વચ્ચે પેલી છોકરી વૃક્ષો પાછળથી નીકળીને જતી દેખાઈ.

અમે બધા ફળ વીણવાનું પડતું મૂકીને એની પાછળ જવા દોટ મૂકી. આમ પણ ત્યાં ચારે તરફ બોરડી અને બિલીપત્રનાં વૃક્ષો હતાં એટલે એ કંઈ સમસ્યા નહોતી.

અમે જેવા એની પાછળ ગયા એવી જ એ અચાનક દેખાતી બંધ થઈ ગઈ. ટેકરીની તળેટી પૂરી કરીને અમે સીધા ચઢાણ ઉપર આવી ગયા હતા.

અચાનક જ અમારા પગ ત્યાં જ થંભી ગયા. એક અલૌકિક દ્રશ્ય અમારી આંખો સામે હતું. તળેટીના ઉપરના ભાગમાં વૃક્ષોથી ઘેરાયેલી એક વિશાળ ગુફા હતી. એ ગુફાની અંદર જાણે કોઈ દિવ્ય તેજ હોય તેમ તે ચમકી રહી હતી.

' અલખ નિરંજન, જય ગીરનારી ' અચાનક અમારી પાછળથી એક અવાજ આવ્યો. અમે ચોંકીને પાછળ જોયું તો એક સાધુ મહારાજ ત્યાં ઊભા હતા. તેમનો ચહેરો જોઈને જ ખ્યાલ આવી ગયો કે આ એજ સાધુ મહારાજ છે જેમને અગાઉ પણ જોયા હતા.

અમે ઘડીક સાધુ મહારાજ તરફ તો ઘડીક ગુફા તરફ બાઘાની જેમ જોઈ રહ્યા હતા. ...( વધુ આવતા અંકે )

આ ગુફાની અંદર શું હશે?? સાધુ મહારાજનું રહસ્ય શું હશે?? પેલી છોકરી કોણ હશે?? આગળ શું બનવાનું હતું? અમે સહી સલામત નીકળી શકીશું કે કેમ? જાણવા માટે વાંચતા રહો ગીરનારની અમારી આ ગેબી યાત્રાના આવનારા અંકો. આવનારો દરેક અંક એક નવું રહસ્ય લઈને આવશે.

મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED