ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ - ૯ ) VIKRAM SOLANKI JANAAB દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગેબી ગીરનાર - એક રહસ્ય ( ભાગ - ૯ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૯)

રસસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
નોંધ :- ' ગેબી ગીરનાર - એક રહસ્ય' ને અંતર્ગત અમારા પ્રવાસ દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ 'માતૃભારતી' વેબ પર મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે આપ જોઈ શકો છો.

મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

અગાઉના ભાગમાં તમે જોયું કે રસ્તો શોધીને અમે ઉતરતા હતા તે દરમિયાન અમે પડ્યા અને માંડ - માંડ બચ્યા પરંતુ આગળ જતાં એક જગ્યાએ આરામ કરવા બેઠા તે દરમિયાન અજગરનો ભેટો થઈ જાય છે અને અમે મહા મહેનતે તેમાંથી છૂટીએ છીએ. આગળ જતાં મનોજ અને ભાવેશ બિલાડીના જેવા લાગતાં બચ્ચાં પકડે છે અને એક અજાણી છોકરી દ્વારા અમને જાણ થાય છે કે આ વિસ્તારમાં એક દીપડી પણ હોય છે જેણે બચ્ચાંઓને જન્મ આપ્યો હોય છે.... હવે આગળ...

મેં બચ્ચાંને હાથમાં લઈને કહ્યું, " મનોજભાઈ કદાચ આ દીપડીના બચ્ચાં તો નથી ને?"

મનોજભાઈ કંઈ બોલે તે પહેલાં તો સામેની ઝાડીઓમાં સળવળાટ થયો. અમે બધાએ ડરીને તે બાજુ જોયું અને જે દ્રશ્ય અમે જોયું તે જોઈને અમારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. ત્યાં ઝાડીઓમાંથી એક દીપડી અમારી તરફ આવી રહી હતી..

અમે ધીરે-ધીરે પાછળ હટવા લાગ્યા પરંતુ જમીન પર પડેલાં સુકાયેલા પાંદડાઓનો જે અવાજ આવતો હતો તેને લીધે તે દીપડી ઘુરકાટ કરી રહી હતી. પાંદડાંનો અવાજ અત્યારે જાણે કે અમારા દરેકના કાળજાં સોંસરવો નીકળી રહ્યો હતો.

અત્યારે સૌથી છેલ્લે કલ્પેશ અને રાહુલ હતા. આશિષ અને ભાવેશ થોડા પાછળ હતા તેમજ હું અને મનોજભાઈ સૌથી આગળ હતા બરાબર દીપડીની સામેની તરફ. અમારા હાથમાં જે બચ્ચાં હતાં તેને જોઈને દીપડી અત્યારે ઘુરકાટ કરી રહી હતી. તેનાં પરથી ખ્યાલ આવી ગયો કે આ બચ્ચાં તે દીપડીના જ હતાં.

"આ કોઈ બિલાડીના બચ્ચાં નથી પણ આ દીપડીના જ બચ્ચાં છે." મેં મનોજભાઈ સામે જોઈને કહ્યું.

" હા. જનાબ આપણે આ બચ્ચાંઓને પકડીને મોટી ભૂલ કરી બેઠા છે." મનોજભાઈ એ ફફડતા હોઠે કહ્યું.

એક વાત અત્યારે સારી હતી કે બચ્ચાં હજુ માંડ એકાદ બે દિવસનાં જ હતાં તેથી તે દીપડીને જોઈ શકતાં ન હતાં અને અવાજ પણ નહોતાં કરી શકતાં. જો તે દીપડીને જોઈને અવાજ કરેત તો તો અમારું આવી જ બનવાનું હતું. કારણકે કોઈપણ પ્રાણીના નાનાં બચ્ચાં પોતાની માં પાસે જવા માટે ખૂબજ અવાજ કરતાં હોય છે.

અત્યારે દીપડીને જોતાં એવું લાગી રહ્યું હતું કે તેને પોતાનાં બચ્ચાંઓની ચિંતા હતી કારણકે તે અવાજ કરી રહી હતી પણ તેણે અમારા પર હુમલો કરવાની કોશિશ નહોતી કરી.

" કોઈ ડરીને ભાગવાની કોશિશ ન કરતા કેમકે જો કોઈ ભાગશે તો તે ગભરાઈને આપણાં પર હુમલો કરી બેસશે કારણકે અત્યારે એના બચ્ચાં આપણી પાસે છે." મેં પાછળ બધાને ઉદ્દેશીને કહ્યું.

આશિષ : " આજ આપણે બચવાના નથી આ દીપડી હવે આપણને નહીં છોડે."

કલ્પેશ : " ભાઈ ડરવાની જરૂર નથી એવું કંઈજ નહીં થાય આપણે અહીંથી હેમખેમ બહાર નીકળી જશુ.ખોટા વિચાર કરવાનું બંધ કરો.."

ભાવેશ : " કલ્પેશની વાત સાચી છે.આશિષ, તું હિંમત રાખ. આપણને કંઈ નહીં થાય."

" હિંમત રાખી રાખીને હું તો હવે નાહિંમત થઈ ગયો છું. નક્કી આપણી કોઈ ભૂલ હોવી જોઈએ નહીંતર આટલી બધી મુસીબતો આવે નહીં. આ ગીરનાર આપણને હવે અહીંથી નીકળવા દેવા નથી માંગતો." રડમસ અવાજે આશિષે કહ્યું.

" ડરવાની જરૂર નથી આશિષ. મને લાગે છે દીપડી એના બચ્ચાંઓ માટે આવી છે. એ આપણા પર હુમલો નહીં કરે. બસ તમે હિંમત રાખીને થોડીવાર જેમ છો તેમજ ઊભા રહેજો. જરાપણ આડા અવળા થવાની કોશિશ ન કરતા." મેં આશિષ અને બીજા સાંભળે એ રીતે કહ્યું.

અમે વાતો કરી રહ્યા હતા પણ સામે દીપડી હવે અકળાઈ રહી હતી. એની નજરો અમારા હાથમાં રહેલાં ‌બચ્ચા પર મંડાયેલી હતી.

" મનોજભાઈ હવે વધુ સમય આ બચ્ચાંઓને આપણી પાસે રાખવાં યોગ્ય નથી. તમારી પાસે રહેલાં ઝાડ પાસે આ બચ્ચાંઓને મૂકી દઈએ અને આપણે ધીમે - ધીમે પાછળ ખસી જઈએ." મેં મનોજભાઈ તરફ જોઈને કહ્યું.

મનોજભાઈએ ઈશારામાં જ હા પાડી અને હું ધીમે ધીમે મનોજભાઈ તરફ આગળ વધ્યો. મારી નજરો એકદમ દીપડી સામે અને એની ગતિવિધી ઉપર મંડાયેલી હતી. મારા એક એક ડગલાં પર અત્યારે જાણે કે બધાનાં શ્વાસોની ગતી ચાલી રહી હોય એમ બધાં પૂતળાંની જેમ મારી સામે અટકેલા શ્વાસે જોઈ રહ્યા હતા.

હું જેમ જેમ મનોજભાઈ પાસે જઈ રહ્યો હતો તેમ તેમ મારા શ્વાસોની ગતિ તેજ થઈ ગઈ હતી. મારી છાતી ધમણની જેમ ચાલી રહી હતી. જાણે કે અમારું બધાનું જીવન હવે આ બચ્ચાં પર જ નિર્ભર હોય એમ લાગી રહ્યું હતું.

મહામહેનતે અને કોઈ પણ જાતના અવાજ વિના હું મનોજભાઈ પાસે જઈ પહોંચ્યો. ત્યાં સુધીમાં તો હું પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. આટલો પરસેવો તો ક્યારેય નહીં થયો હોય. અને એક વાત પણ સત્ય છે કે જીવનની એકદમ મુશ્કેલ સ્થિતિમાં કુદરત તમને યોગ્ય રાહ પણ ચીંધે છે. શરત એટલી જ કે એ રસ્તાને પસંદ કરવા માટેની ધીરજ આપણામાં હોવી જોઈએ.

" મનોજભાઈ આ બચ્ચાંઓને અહીં મૂકીને આપણે ધીમે ધીમે પાછળ હટવાનું છે. આપણી નાની સરખી ભૂલ આપણાં મોતને આમંત્રણ આપી દેશે." મેં એકદમ ધીમા અવાજે મનોજભાઇને કહ્યું.

અમે દીપડીના બચ્ચાંઓને એની નજર સમક્ષ ત્યાં ઝાડીઓ પાસે મૂકી દીધા. જાણે એને વિશ્વાસ આપવા માંગતા હતા કે અમે એને કોઈ જાતનું નુકસાન કરવા નથી માંગતા. અમારી અને દીપડી વચ્ચે માંડ પંદરેક ફૂટ જેટલું અંતર હતું. જાણે કે સાક્ષાત મોત અમારી સામે ઊભું હતું એમ કહીએ તો પણ કશું ખોટું નહોતું.

" જનાબ હવે આપણે સાવધાનીથી અહીંથી પાછળ જતા રહીએ." મનોજભાઈ એ મારો હાથ પકડીને કહ્યું.

" અમે જેમ પાછળ આવીએ તેમ બધા ધીમે ધીમે પાછળ ખસતા રહેજો. કોઈપણ જાતની ઉતાવળ કરવાની જરૂર નથી." મેં આશિષ અને ભાવેશ તરફ જોઈને કહ્યું.

અમે એકદમ શાંતિથી પાછળ હટવાની કોશિશ કરી. દીપડીની નજર અત્યારે અમે મૂકેલા એના બચ્ચાંઓ પર મંડાયેલી હતી. એણે એકવાર અમારી સામે ગુસ્સાથી જોઈ લીધું.

બધા ધીમે ધીમે એ સ્થળથી દૂર જઈ રહ્યા હતા. હવે અમે વીસેક ફૂટ જેટલાં દૂર ખસી ગયા હતા. દીપડી પણ હવે પોતાના બચ્ચાં પાસે આવી રહી હતી. એટલામાં જ રાહુલનો પગ પાછળ ખસવામા એક પથ્થર સાથે અથડાયો અને તે નીચે પડી ગયો.

રાહુલનાં નીચે પડવાથી બધાનાં શ્વાસ અધ્ધર થઈ ગયા અને દીપડી પણ પોતાના બચ્ચાંઓ પાસે પહોંચીને અટકી ગઈ. દીપડીએ જોરદાર ત્રાડ પાડી અને તે જોરદાર અવાજ કરતી મારી અને મનોજભાઈ તરફ આવવા લાગી‌.

દીપડીને અમારી તરફ આવતી જોઈને મેં બૂમ પાડીને બધાને ભાગવા કહ્યું. મારી બૂમ સાંભળીને રાહુલ અને બીજા બધા ભાગવા લાગ્યા.

દીપડી ત્રાડ પાડતી છેક અમારા સુધી પહોંચી ગઈ પરંતુ અમે ભાગવાની કોશિશ ન કરી. એટલામાં તરત જ દીપડીનું ધ્યાન એના બચ્ચાંઓ તરફ ગયું અને તે કૂદીને સીધી પોતાના બચ્ચાંઓ પાસે પહોંચી ગઈ. આખરે એ પમ એક માં હતી. અને માતૃત્વની કોઈ જાત હોતી નથી. દરેક માં એ માણસ હોય કે પછી અબોલ પ્રાણી હોય દરેકને પોતાના બાળ બચ્ચાં માટે અખૂટ પ્રેમ હોય છે.

એ માતૃત્વનું જીવતું જાગતું ઉદાહરણ અત્યારે અમારી સામે હતું. એ દીપડી અત્યારે પોતાના બચ્ચાંઓને પોતાના મોં માં લઈ રહી હતી. એકદમ વહાલથી બચ્ચાંઓને સાવચેતી પૂર્વક મોંમાં લઈને તે ચાલી નીકળી.

એ થોડી આગળ ગઈ એટલે અમારા જીવમાં જીવ આવ્યો. મેં મનોજભાઈ તરફ જોઈને કહ્યું, " મનોજભાઈ ભાગો."

અમે હતી એટલી તાકાત એકઠી કરીને જે તરફ બધા ગયા હતા તે બાજુ દોડ્યા. અમને દૂર આશિષ અને રાહુલ દોડીને જતા દેખાયા. અમને પાછળ આવતા એમણે જોયા. અમે એમને બૂમ પાડીને દોડતા રહેવા કહ્યું.

અમે પાછળ જોયું તો દીપડી દૂર પોતાના બચ્ચાંઓને લઈને જતી દેખાઈ. આથી અમને થોડી રાહત થઈ. અમારા જીવમાં જીવ આવ્યો. છતાં અમે બધાએ દોડવાનું ચાલુ રાખ્યું. અમે જેમ બને તેમ ઝડપથી આ જગ્યાથી દૂર જવા માંગતા હતા.

પર્વતનો ઢોળાવ હવે થોડો ઓછો થયો હતો. પરંતુ ખડકાળ જગ્યા અને ઝાંખરાઓને ને લીધે ઝડપથી દોડવું સહેલું નહોતું. છતાંપણ જ્યારે જીવ પર આવી બને ત્યારે કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં માણસ બચવા માટે મથતો હોય છે. એમ અમે પણ અત્યારે ઝાડી ઝાંખરા જોયાં વિના દોડી રહ્યા હતા.

આખરે અડધી કલાક જેટલું એકધારું દોડ્યા પછી અમે થાક્યા હતા. હવે તે જગ્યાથી અમે ઘણા દૂર આવી ગયા હતા. અત્યારે અમારી આસપાસ કોઈ દેખાતું નહોતું.

દોડીને ભાગવામાં અમે એક મોટી ભૂલ કરી નાખી હતી. બધા એકબીજાની આગળ પાછળ હતા અને જે રસ્તો હતો તે બાજુ ભાગવાને બદલે બધા અલગ અલગ અને જે બાજુ સરળ હતું તે બાજુ ગયા હતા.

અમે થાકને લીધે ખૂબજ હાંફી રહ્યા હતા. અમે થોડું પાણી હતું તે પીધું હવે તો પાણી પણ પતી ગયું હતું. અમે આશિષને બૂમ પાડી. તેનો અવાજ જે બાજુથી આવતો હતો તે બાજુ અમે ગયા.

આશિષ ત્યાં એકલો જ હતો. અમે બધાને બૂમો પાડતા પાડતા આગળ ગયા. થોડીવાર પછી કલ્પેશ અને રાહુલ પણ મળી ગયા પણ હજુ ભાવેશ ક્યાંય દેખાતો ન હતો.

આશિષને ભાવેશ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે અમે જ્યારે દોડીને જતા હતા ત્યારે એના પગમાં કાંટો વાગ્યો હતો અને પછી તે મારી પાછળ હતો. એ પછી તે મારી સાથે થયો જ નથી.

અમે અત્યારે એક તો માંડ એક મુસીબતમાંથી બચ્યા હતા. ત્યાં વળી ભાવેશનો કોઈ પત્તો નહોતો. અત્યારે અમે દીપડીને ભૂલીને ભાવેશની ચિંતામાં લાગી ગયા. અમને ડર પણ હતો કે ક્યાંક દીપડી પાછી અહીં આવી ન ચડે! અને આ જંગલનો ભાગ એવો હતો કે કઈ દિશામાં જવું તેની કોઈ ગતાગમ પડતી નહોતી.

અમે બધી બાજુ જઈને ભાવેશના નામની ઘણી બૂમો પાડી પરંતુ કોઈ જવાબ ન મળ્યો. અમે થાકીને એક જગ્યાએ ભેગા થયા. બધાને હવે ખરેખર ખૂબ ચિંતા થતી હતી. કારણ કે ભાવેશનો દૂર દૂર સુધી ક્યાંય પત્તો નહોતો.

ભાવેશ આમ અચાનક ક્યાં ગાયબ થઈ ગયો તે વિશે અમને કંઈ સૂઝ પડતી નહોતી. કલ્પેશ પણ રડવા જેવો થઈ ગયો હતો. એણે રડમસ અવાજે છેલ્લી બૂમ પાડી..ભાવેશ....!! ( વધુ આવતા અંકે )

આખરે ભાવેશ ક્યાં ગાયબ થઈ ગયો હતો? શું કોઈ અદ્રશ્ય શક્તિ એને ખેંચી ગઈ હતી? ભાવેશ આખરે ક્યાં હતો? અમારી સાથે આગળ શું બનવાનું હતું? જાણવા માટે વાંચતા રહો ગીરનારની આ ગેબી યાત્રાના આવનારા ભાગો. આવનારો દરેક અંક એક રહસ્ય લઈને આવશે.

મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.