Ek anokhi dosti books and stories free download online pdf in Gujarati

એક અનોખી દોસ્તી

પ્રસ્તાવના:
દોસ્તી ભગવાનનો આપેલો એવો સંબંધ છે,જે દરેક વ્યક્તિના જીવનમાં વિશ્વાસ, પ્રેમ અને લાગણી પૂરી પાડવાનું કામ કરે છે.દરેક વ્યક્તિના જીવનમાં એક સારો દોસ્ત હોવો જરૂરી છે.
દોસ્તી માણસને ભગવાન પાસેથી મળેલી ભેટ છે.જેના જીવનમાં સારા દોસ્ત હોય તે કોઈ પણ પરિસ્થિતિમાં લડી લેવા સક્ષમ હોય છે.
‌‌‌‌‌‌ અહીં કંઈક એવાં જ દોસ્તોની વાત કરવામાં આવી છે.જે જીવનની દરેક પળમાં સાથે રહે છે, અને જીવનની દરેક પળને સાથે મળીને જીવે છે.પરંતુ, જીવનમાં કિસ્મત નામની પણ એક વસ્તુ છે જે માણસના જીવનમાં ક્યારે શું આફતો લઈને આવે એ કોઈ નથી જાણતું.આમ આ લોકોની દોસ્તી માં પણ એવી જ આફતો આવે છે, જે ત્રણેય મિત્રો ને અલગ કરી દે છે.
તો જોઈએ એ દોસ્તોના જીવનમાં શું આફતો આવે છે.



અમદાવાદ શહેરમાં રહેતી ત્રણ દોસ્ત, આકૃતિ, સ્વીકૃતિ અને સંસ્કૃતિ.અમદાવાદમા‌ જ નર્સરી થી લઈને કોલેજ સુધી સાથે જ અભ્યાસ કરેલો અને સાથે જ મસ્તી કરેલી.
આકૃતિ ને પેઇન્ટિંગસ બનાવવાનો બહુ શોખ હતો.તેની ઈચ્છા એક પ્રોફેશનલ પેઈન્ટર બનવાની હતી.આકૃતિ પેઇન્ટિંગ પણ એવી બનાવતી કે આપણે જોઈએ તો મંત્રમુગ્ધ થઇ જઈએ.એમ થાય જાણે પેઇન્ટિંગ માં જે છે એ હકીકતમાં બહાર આવી જશે.
સંસ્કૃતિ તેના નામ મુજબ જ સંસ્કારી અને અત્યારના આધુનિક સમયમાં ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખવાવાળી સાવ સરળ સ્વભાવની હતી.જયારે સ્વીકૃતિ તેનાથી સાવ વિરુદ્ધ સ્વભાવની હતી.પોતાની દુનિયામાં જ મસ્ત રહેવાવાળી અને ભગવાનના નામથી જ દુર ભાગવાવાળી.પરંતુ, એવું નથી કે એ ભગવાનમાં વિશ્વાસ ન કરતી.તેનુ એવું માનવું હતું કે કોઈ વસ્તુની જરૂર હોય તો મહેનત કરવી.પોતાની મુસીબતો સામે જાતે જ લડવું.
સ્વીકૃતિ ને પણ એક શોખ હતો. એક્ટર બનવાનો.રોજ રોજ અલગ અલગ પ્રકારની એક્ટિંગ કરીને બધાનું મનોરંજન કરતી.પણ તેનાં માટે એ કાફી ન હતું.તે એક્ટિંગ માં પોતાનું કરિયર બનાવવા માંગતી હતી.ઘણી જગ્યાએ ઓડીશન પણ આપેલું પણ બધી જગ્યાએ એક જ જવાબ મળતો.હજુ વધું મહેનતની જરૂર છે.પરંતુ સ્વીકૃતિ એમ હાર માને એવી ક્યાં હતી. રિજેકટ થયાં પછી તે વધું મહેનત કરતી,અને ફરી ઓડીશન આપતી.
અહીં આકૃતિ પણ પોતાના પેઇન્ટિંગસ ના એકઝિબિશન માટે પ્રયત્ન કરી રહી હતી.એક દિવસ અચાનક તેને એકઝિબિશન ની મંજુરી મળી જાય છે.આ વાતની ખુશી સ્વીકૃતિ અને સંસ્કૃતિ સાથે સેલિબ્રેટ કરવા આકૃતિ તે બંનેને કોલ કરી પોતાની ઘરે બોલાવે છે.
થોડીવારમાં સ્વીકૃતિ અને સંસ્કૃતિ બંને આકૃતિની ઘરે આવી જાય છે.ઘરમા પ્રવેશતાની સાથે જ સ્વીકૃતિ કહે છે,

ઓય, આકૃતિ ક્યાં છે? બહાર નીકળ.

આટલા સરસ ન્યૂઝ તું અમને મોબાઇલ પર જ સંભળાવી ને બચી જવા માંગે છે. એમ!

ના હો.બકા એ શક્ય નથી.

આ માટે મારે તો મોટી પાર્ટી જોઈએ.
પછી આકૃતિ કહે છે કે અત્યારે તો એકઝિબિશનની બહું બધી તૈયારી કરવાની છે.કાલે સવારે નવ વાગે એકઝિબિશન હોલ એ પહોંચી જવાનું છે.તો હાલ બધી તૈયારી કરી લઈએ.હુ કાલ તમને બંનેને પાર્ટી આપીશ.આકૃતિની વાત પૂરી થઈ એટલે સ્વીકૃતિ કાંઈ બોલે એ પહેલાં જ સંસ્કૃતિ બોલે છે,

હું હવે મંદિરે જઈને ભગવાનને ધન્યવાદ કહેતી આવું.પછી તૈયારી કરીએ.

ત્યાં વચ્ચે જ સ્વીકૃતિ બોલી પડે છે.આ સંસ્કૃતિ નહીં સુધરે.

ચાલ બકા.આપણે તૈયારી કરીએ.એ ભલે તેના ભગવાનને ધન્યવાદ કહેતી.

સંસ્કૃતિ મંદિરે જાય છે,અને આકૃતિ સ્વીકૃતિ ને માથામાં હળવી ટપલી મારી તૈયારી માં લાગી જાય છે.

સ્વીકૃતિ ગીત ગાતાં ગાતાં તૈયારી કરે છે.

યે દોસ્તી હમ નહીં તોડેગે
તોડેગે દમ મગર
તેરા સાથ ના છોડેગે
ત્યાં જ આકૃતિ તેને એક ટપલી મારી કહે છે.પહેલા તૈયારી કરી ગીત કાલ ગાજે.શુ ખબર કાલ તને પણ તારૂ એક્ટિંગ નું કરિયર પુરું કરવા સાથ આપવાવાળુ કોઈ મળી જાય.
આકૃતિ એ તેના એક મિત્ર ને સ્વીકૃતિ ની માહિતી આપી હતી.જે પોતાની કંપની માં એડ માટે એક છોકરીની શોધમાં હતો.આકૃતિને તે સારી રીતે ઓળખતો અને એકાદ વાર સ્વીકૃતિ ને પણ મળ્યો હતો.એટલે એ તરત માની ગયો હતો.એ વાતથી આકૃતિ ખુશ હતી.તે કાલ એકઝિબિશનમા આવવાનો હતો.એ વાતથી સ્વીકૃતિ અજાણ હતી.
થોડીવારમાં સંસ્કૃતિ મંદિરેથી આવે છે.તેના હાથમાં લાડું જોઈને સ્વીકૃતિ તેની તરફ દોડે છે.

આહ.લાડુ?એ પણ મોતીચુરના.

મજા પડી ગઈ.
સ્વીકૃતિ ને મોતીચુરના લાડુ બહુ પસંદ હતાં. સંસ્કૃતિ એ વાત જાણતી હતી એટલે એ તેનાં માટે એક્સ્ટ્રા લાડુ લાવી હતી. સ્વીકૃતિ મંદિરે ન જતી પરંતુ તેને મંદિરનો લાડું નો પ્રસાદ બહુ પસંદ હતો.ત્રણેય પ્રસાદ ખાઈને તૈયારી માં લાગી જાય છે.
ત્રણેય મિત્ર મસ્તી કરતા કરતા તૈયારી કરે છે.બધી પેઇન્ટિંગસ અને જરૂરી સામાન પેક કરી એક જગ્યાએ ગોઠવી દે છે.બધુ કામ પુરુ કરી જમીને ત્રણેય સૂઈ જાય છે.
‌‌‌ સંસ્કૃતિ સવારે વહેલા ઉઠી મંદિરે જઈને પૂજા કરીને ઘરે આવે છે,અને નાસ્તો તૈયાર કરે છે. ત્યાં આકૃતિ તૈયાર થઈને બધી પેઇન્ટિંગસ એક વખત ચેક કરીને તેને ટ્રક દ્વારા એકઝિબિશન હોલ સુધી પહોંચાડી દે છે.
આકૃતિ કામ પૂરું કરીને અંદર આવે છે.તો સંસ્કૃતિ સ્વીકૃતિ ને ઉઠાડતી હોય છે.પણ તે ઉઠતી નથી.તો આકૃતિ કહે છે,

બકા.ઉઠી જા.નહીતર હું અને સંસ્કૃતિ જ એકઝિબિશન માં ચાલ્યા જઈશું.

આ સાંભળતા જ સ્વીકૃતિ ફટાક થી ઉઠે‌ છે,અને કહે છે.

સાલા આવા કાંઈ દોસ્ત હોતા હશે.એક તો સુવા નથી દેતાં અને ધમકી આપે છે.

સંસ્કૃતિ અને આકૃતિ હસતાં હસતાં કહે છે.હવે નાટક ના કર.ઝડપથી તૈયાર થઈ જા.

બધા દોસ્ત મળીને નાસ્તો કરીને એકઝિબિશન હોલ એ જાય છે.થોડી ઘણી તૈયારી બાકી હતી જે ત્રણેય સાથે મળીને કરી લે છે.નવ વાગે એકઝિબિશન ચાલુ થઈ જાય છે.
એક પછી એક લોકો આકૃતિ ની પેઇન્ટિંગસ જોવે છે,અને ખુબ વખાણ કરે છે.એટલામા આકૃતિ નો દોસ્ત આનંદ ત્યાં આવી જાય છે.આકૃતિ કોઈને કહ્યા વગર તેને મળવા ચાલી જાય છે.આનંદ સાથે બધી વાત કર્યા પછી તેને સ્વીકૃતિ સાથે મળાવે છે,તે સ્વીકૃતિ સાથે વાત કરી સ્વીકૃતિ ને પોતાની એડ માટે ફાઈનલ કરે છે. સ્વીકૃતિ ની તો ખુશીનો પાર નથી રહેતો.
થોડીવારમાં સંસ્કૃતિ આકૃતિ અને સ્વીકૃતિ ને શોધતી ત્યાં આવે છે.અને કહે છે.

અરે યાર. ક્યાં હતાં તમે?

ત્યાં આકૃતિ કહે છે, ક્યાંય નહીં અહીં જ હતાં.મારો એક મિત્ર આવ્યો હતો એ એડ માટે એક છોકરી શોધતો હતો તો હું સ્વીકૃતિ ને તેની સાથે મળાવવા લાવી હતી.

ઓહ.તો શું થયું તેણે હા પાડી?

ત્યાં સ્વીકૃતિ ખુશીથી ઉછળીને સંસ્કૃતિ ને ભેટી પડે છે અને કહે છે હા હું સિલેક્ટ થઈ ગઈ.
આટલું સાંભળતા જ સંસ્કૃતિ પણ ઉછળી પડે છે.પછી બધાં ફરી એકઝિબિશન ના કામમાં લાગી જાય છે.
સાંજે આઠ વાગે એકઝિબિશન પુરું થાય છે.ત્રણેય ઘરે આવે છે અને ફ્રેશ થઈને હોટેલમાં જમવા જાય છે.
જમીને ત્રણેય પોતાની ઘરે જાય છે.સવારે સ્વીકૃતિ ને ઓડીશન માટે જવાનું હતું તો એ તેની તૈયારી કરે છે.એડ જ્વેલરી ની હતી તો તેને બહું મહેનત ન કરવી પડી.
બીજા દિવસે સવારે નવ વાગે સ્વીકૃતિ આનંદ ની ઓફીસે ઓડીશન માટે જાય છે.આકૃતિ ને પેઇન્ટિંગ નું કામ હતું તો સ્વીકૃતિ એ એકલા જવું પડે છે.
સ્વીકૃતિ દેખાવે સુંદર હતી એટલે તેને બહું મહેનત ન કરવી પડી.બધી જ્વેલરી તેને સારી લાગતી હતી.થોડીવારમા ફોટોશુટ પુર્ણ થઈ જાય છે‌.આનંદ સ્વીકૃતિ ના ખૂબ વખાણ કરે છે.સ્વીકૃતિ તેનો આભાર વ્યક્ત કરી ઘરે જાય છે.
સ્વીકૃતિ ને એક્ટિંગ નો શોખ હતો.પરંતુ તેને એક્ટિંગ માં કામ નથી મળતું એ બાબત થી તે થોડી ઉદાસ હતી.પરંતુ તેને સુંદર હોવાથી મોડેલ બની શકશે એ વાતથી એ ખુશ હતી.થોડીવારમા સ્વસ્થ થઈને તે આકૃતિ ને કોલ કરી સંસ્કૃતિ ને લઈને પોતાની ઘરે આવવાનું કહે છે.બપોરના અગિયાર વાગે બંને સ્વીકૃતિ ની ઘરે આવે છે. સ્વીકૃતિ ના મમ્મી-પપ્પા ઘરે નહોતા એટલે સ્વીકૃતિ એ બંને મિત્રો સાથે પોતાની ખુશી સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
ત્રણેય બહારથી જમવાનું ઓર્ડર કરે છે.જમીને બહું બધી મસ્તી કરે છે. સ્વીકૃતિ ને અચાનક બેચેની થવા લાગે છે તો તે ફ્રેશ થવા ઉભી થાય છે,અને તેને અચાનક ચક્કર આવે છે અને પડી જાય છે.આ બધું અચાનક થતાં સંસ્કૃતિ ખૂબ ડરી જાય છે.તે ફટાફટ એમ્બ્યુલન્સ બોલાવી સ્વીકૃતિ ને હોસ્પિટલ લઈ જાય છે.આકૃતિ સ્વીકૃતિ ના પપ્પા મહેશભાઈ ને કોલ કરીને બધું જણાવી દે છે. સ્વીકૃતિ ના મમ્મી ઉર્મિલા બહેનને આ વાતની જાણ થતાં જ તે રડવા લાગે છે.મહેશભાઈ અને ઉર્મિલાબેન ફટાફટ હોસ્પિટલ પહોંચે છે, અને ઉર્મિલાબેન આકૃતિ ને પૂછે છે.

બેટા આકૃતિ.શુ થયું સ્વીકૃતિ ને?

ઉર્મિલાબેન ને દુઃખી જોઇ આકૃતિ તેને આશ્વાસન આપતાં કહે છે, કાંઈ નહીં આન્ટી તે બસ બેભાન થઈ ગઈ છે.

શું બેભાન? કઈ રીતે? અને આમ અચાનક જ! સવારે તો બિલકુલ સાજી હતી.

ડોક્ટર તપાસ કરે છે આન્ટી.હમણા ખબર પડી જશે.

ત્યાં જ ડોક્ટર બહાર આવે છે ‌, અને જણાવે છે કે સ્વીકૃતિ ના દિલમાં કાણું છે.ઓપરેશન કરવું પડશે.ઓપરેશન સફળ થવાના ચાન્સ બહું ઓછાં છે.જો સમય રહેતા સ્વીકૃતિ ને મેચ થતું દિલ નહીં મળે તો તેના જીવને જોખમ છે.આ સાંભળતા જ ઉર્મિલાબેન ને આઘાત લાગે છે.મહેશભાઈ જેમ તેમ પોતાની જાતને સંભાળે છે.અને તરત ઓપરેશન ની મંજુરી આપી દે છે.ડોકટર ઓપરેશન ની તૈયારી કરે છે.
હજુ ઓપરેશન માટે અમુક ઇંજેક્શન આપવામાં આવે છે. ત્યાં સ્વીકૃતિ ના દિલની ધડકન ઓછી થવા લાગે છે અને ઓપરેશન વચ્ચે જ રોકવું પડે છે.ડોકટર બહાર આવી જણાવે છે.

સ્વીકૃતિ ના ઓપરેશન માં મોડું થઈ ગયું છે.

અમને થયું ઓપરેશન કરવાથી થોડો સમય રાહત રહેશે.એટલા સમયમાં આપણે બીજું દિલ શોધી લઈશુ પરંતુ,

ત્યાં જ ડોક્ટર ની વાત વચ્ચે જ કાપતાં ઉર્મિલાબેન બોલી ઊઠે છે.પણ શું ડોક્ટર?

પછી ડોક્ટર કહે છે,કે આ પ્રોબ્લેમ બહું ગંભીર થઈ ગયો છે. સ્વીકૃતિ ના દિલ એ કામ કરવાનું ઓછું કરી નાખ્યું છે.જો અમે એવામાં ઓપરેશનનું રિસ્ક લેશું તો સ્વીકૃતિ મૃત્યુ પામશે.તો આ સંજોગોમાં તેનું દિલ ટ્રાન્સફર કરવા સિવાય કોઈ ઓપ્શન નથી.
મહેશભાઈ આટલું સાંભળીને જ બોલી પડે છે.તો રાહ શેની જુઓ છો ?ડોક્ટર. તમે તૈયારી કરો હું મારી દિકરી માટે ગમે તેટલા રૂપિયા ખર્ચ કરવા તૈયાર છું.
અહીં વાત રૂપિયા ની નથી મહેશભાઈ. સ્વીકૃતિને મેચ થતું દિલ શોધવું પડશે.અમારી પાસે એવું કોઈ દિલ નથી.અને દિલ ત્યારે જ મળે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને તે મૃત્યુ પામનાર વ્યક્તિ તેનું દિલ કોઈ બીજાને આપવા માંગતો હોય તો જ.
આ વાતો સંસ્કૃતિ સાંભળી જાય છે અને તરત જ મંદિરે પ્રાર્થના કરવા પહોંચી જાય છે.મંદિરે જઈને સ્વીકૃતિ માટે પૂજા કરાવડાવે છે અને તે જલ્દી ઠીક થઈ જાય એવી પ્રાર્થના કરે છે. અને સ્વીકૃતિ માટે પૂજા નો પ્રસાદ લઈને હોસ્પિટલ જવા નીકળે છે.તે રસ્તા ઉપર રિક્ષાવાળા ને રોકતી હોય છે એટલામાં એક ટ્રકવાળો સંસ્કૃતિ ને ટક્કર મારી ચાલ્યો જાય છે.જોતજોતામા રસ્તા ઉપર ભીડ જામી જાય છે અને સંસ્કૃતિ ને હોસ્પિટલ ભેગી કરવામાં આવે છે.જે હોસ્પિટલમાં સ્વીકૃતિ હતી એ જ હોસ્પિટલમાં સંસ્કૃતિ ને પણ દાખલ કરવામાં આવે છૈ.
સંસ્કૃતિ ને માથામાં લાગ્યું હોવાથી તેને લોહી ચડાવવું પડે છે.થોડીવારમા સંસ્કૃતિ ભાનમાં આવે છે.પરંતુ માથામાં ઈજા પહોંચી હોવાથી તે વધું સમય નોર્મલ રહી શકે એમ નહોતી.કયારે તે બેભાન થઈ ને કોમામાં સરી જાય એ નક્કી ન હતું.આ વાત તેને નર્સ પાસેથી જાણવા મળે છે.
એકાએક સંસ્કૃતિ ને વિચાર આવે છે કે કોમામાં રહીને જીવવા કરતાં હું મારું દિલ સ્વીકૃતિ ને આપી મારા પ્રાણ ત્યાગી દવ.તે ડોક્ટર ને બધી વાત કરે છે અને આ વાત કોઈને ન જણાવવા વિનંતી કરે છે.
થોડીવારમાં ડોક્ટર બધા રિપોર્ટ તૈયાર કરી સંસ્કૃતિ નું દિલ સ્વીકૃતિ ને આપવાની તૈયારી કરે છે.એક કલાક ના સમય પછી ઓપરેશન સફળ થાય છે અને સ્વીકૃતિ ભાનમાં આવે છે.બધા સ્વીકૃતિ ને મળે છે અને તેને ઠીકઠાક જોઈ ખુશ થાય છે.એટલામા આકૃતિ ને ખબર પડે છે કે સંસ્કૃતિ ત્યાં હાજર નથી.આકૃતિ સંસ્કૃતિ ને કોલ કરે છે પણ કોઈ ઉપાડતુ નથી.તેને એકાએક ખ્યાલ આવે છે કે હોસ્પિટલ નજીક મંદિર છે તો તે કદાચ ત્યાં હશે.તો આકૃતિ તેને શોધવા મંદિરે જાય છે. ત્યાં પહોંચીને તેને ખબર પડે છે કે સંસ્કૃતિ ને એક ટ્રક એ ટક્કર મારી હતી અને તેને હોસ્પિટલ સારવાર માટે મોકલી દેવામાં આવી છે.
આકૃતિ હોસ્પિટલ પહોંચી સંસ્કૃતિ વિશે ડોક્ટર ને પૂછે છે તો ડોક્ટર બધું વિગતવાર જણાવે છે સંસ્કૃતિ એ ડોક્ટર ને જણાવવાની ના પાડી હતી પરંતુ હવે બધું કાર્ય થઈ ગયું હતું તો ડોક્ટર આકૃતિ ને બધું જણાવી દે છે.
આકૃતિ સંસ્કૃતિ ને મળવા તેની પાસે જાય છે.પછી સ્વીકૃતિ અને સ્વીકૃતિ ના મમ્મી-પપ્પા ને બધુ જણાવે‌ છે. સ્વીકૃતિ ના મમ્મી-પપ્પા સંસ્કૃતિ નો દિલ થી આભાર માને છે અને એક સગી દીકરીની જેમ સંસ્કૃતિ ને અંતિમ વિદાય આપે છે.આમ પણ સંસ્કૃતિ નું આ દુનિયામાં સ્વીકૃતિ અને આકૃતિ સિવાય કોઈ હતું નહીં. સંસ્કૃતિ ના મમ્મી તો સંસ્કૃતિ નો જન્મ થયો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા અને પપ્પા સંસ્કૃતિ અઢાર વર્ષની હતી ત્યારે હાર્ટ એટેક થી મૃત્યુ પામેલા.તો સંસ્કૃતિ ની બધી વિધિ સ્વીકૃતિ ના મમ્મી-પપ્પા જ પૂરી કરે છે.






આમ સંસ્કૃતિ પોતાની દોસ્તી કઈક અનોખી રીતે નિભાવે છે. અત્યાર ના આધુનિક યુગમાં જો સંસ્કૃતિ જેવી દોસ્તનો સાથ મળે તો કોઈ પણ વ્યક્તિ ગમે તેવા દુઃખ માં ખુશી ખુશી જીવી લે.

તો દોસ્તો આપને મારી "એક અનોખી દોસ્તી" વાર્તા પસંદ આવી હોય તો આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા મારી નમ્ર વિનંતી છે.


‌‌‌






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED