પ્રસ્તાવના :
આ વાર્તા છે એક એવી છોકરીની જેણે હજારો સપના સજાવેલા પોતાની અલગ ઓળખ બનાવવા માટે પણ એ સપનાઓ ક્યારેય પૂરા થશે કે નહીં એ વસ્તુ થી એ અજાણ
હતી.
આજે બારમા ધોરણની પરીક્ષા નું પરિણામ આવવાનું હતું. સિદ્ધિ ની આંખો માં એક અલગ જ ચમક હતી. જાણે તે પરિણામ પરિક્ષા નું નહિ પણ જાણે તેણે જોયેલા સપના નું પરિણામ આવવાનું હોય એમ તે ખૂબ આતુરતાથી પોતાના પરિણામ ની રાહ જોઈ રહી હતી.
આખરે સિદ્ધિ ની ઉત્સુકતા નો અંત આવ્યો.તેના પપ્પા ઉમેશભાઈ તેનુ પરિણામ લઈ ને આવી ગયા.
બેટા, સિદ્ધિ ક્યાં છે તું? બહાર તો આવ.
એ આવી પપ્પા.
જો તારૂં બારમા ધોરણ નું પરિણામ આવી ગયું. તે બારમા ધોરણમાં પ્રથમ નંબર મેળવ્યો છે.
ઉમેશભાઈ બોલતા હતા અને સિદ્ધિ સાંભળતી હતી.પ્રથમ નંબર સાંભળતા ની સાથે જ સિદ્ધિ તો જાણે આકાશમાં ઉડવા લાગી.તેને જાણે પાંખો આવી ગઈ હોય એવું તેને મહેસૂસ થવા લાગ્યું.
મમ્મી ઓ મમ્મી મારો પ્રથમ નંબર આવ્યો છે.
ત્યાં પાર્વતીબહેન રસોડા માંથી બહાર આવ્યા, અને બોલ્યા.
મને તો ખબર જ હતી મારી દિકરી એ દિવસ-રાત મહેનત કરી હતી તો પ્રથમ નંબર તો આવવાનો જ ને!
ઉમેશભાઈ પાર્વતીબહેન ની વાત વચ્ચે જ કાપી ને બોલ્યા.આજે તો ઘરે પાર્ટી કરવાની છે.ચાલ સિદ્ધિ બેટા તૈયાર થઈ જા.
બધાં પાર્ટી ની તૈયારી માં લાગી ગયા.રાત ના નવ વાગી ગયા એક પછી એક મહેમાનો આવવા લાગ્યા.અને સિદ્ધિ ને ભેટ અને અભિનંદન આપવા લાગ્યા.
અચાનક જ ઉમેશભાઈ કંઇક બોલે છે, અને બધાં નું ધ્યાન એ તરફ જાય છે.
આજે મારી સિદ્ધિ એ બારમા ધોરણમાં પ્રથમ નંબર મેળવ્યો એ તો તમને બધાં જાણો જ છો.
હવેથી સિદ્ધિ મારી 'હરસિદ્ધિ જ્વેલર્સ' ની દુકાન સંભાળશે.
બસ, આટલું સાંભળીને સિદ્ધિ તો જાણે સ્તબ્ધ થઈ જાય છે.તે અચાનક જ ઉપર થી જમીન પર ફસડાઇ પડી હોય એવું તેને લાગ્યું.તે પપ્પા ને કહેવા માંગતી હતી કે મારે હજું તમારી દુકાન નથી સંભાળવી.
હું કોલેજ કરવા માગું છું. સારી એવી પોસ્ટ મેળવીને નોકરી કરવા માગું છું.હું મારી અલગ ઓળખ બનાવવા માગું છું, પણ તે કંઈ બોલી જ ના શકી.તેનો અવાજ જાણે અંદર દબાઈ ગયો હોય એવું તેને લાગ્યું.તે દોડીને પોતાના રૂમમાં ચાલી ગઇ,અને ખૂબ રડવા લાગી.થોડો સમય થયો ત્યાં દરવાજેથી મમ્મી નો અવાજ સંભળાયો.
સિદ્ધિ બેટા શું કરે છે?
કંઈ નહીં મમ્મી ડ્રેસ ઉપર થોડું શરબત પડી ગયું હતું તો એ સાફ કરું છું.
ઓકે.બેટા. જલ્દી આવજે બહાર બધાં તારી રાહ જોઈ રહ્યા છે.
હા મમ્મી. હમણાં જ આવી.
સિદ્ધિ આંસુ લૂછી ને બહાર જાય છે.સાથે મળી ને કેક કાપે છે.થોડીવારમા બધા મહેમાન વિદાય લે છે.ઉમેશભાઈ અને પાર્વતિબહેન ફરી સિદ્ધિ ને અભિનંદન આપી રૂમમાં ચાલ્યા જાય છે, અને સિદ્ધિ એકલી પડી જાય છે.
આખી રાતનાં વિચારોનાં સંઘર્ષ બાદ સવારનાં પાંચ વાગે નિંદરરાણી થોડા મહેરબાન થાય છે,અને સિદ્ધિ સુઇ જાય છે.સવારે દરવાજે ટકોરા પડે છે.
સિદ્ધિ બેટા, સવારના સાત વાગ્યા હશે તો ઊઠી જા બેટા.
એ હાલ જ આવી મમ્મી, બસ પાંચ મિનિટ.
સિદ્ધિ તૈયાર થઈને બહાર જાય છે. નાસ્તો કરીને ઉમેશભાઈ પોતાની દુકાને જાય છે,અને પાર્વતિબહેન ઘરના કામમાં લાગી જાય છે, અને સિદ્ધિ ફરી એકલી પડી જાય છે.
થોડા દિવસ આમ ચાલે છે.સિદ્ધિ થોડા દિવસ તેનાં પપ્પા સાથે દુકાને જાય છે, પણ ત્યાં તેનું મન લાગતું નથી.એક મહિનો આમ ચાલે છે.
એક રાત્રે સિદ્ધિ મોબાઇલ પર ગીતો સાંભળતી હતી.તેને ગીતો સાંભળવાનો બહુ શોખ હતો. સાંભળવાની સાથે તે સારા એવા ગીત ગાઈ પણ લેતી.સિદ્ધિ જ્યારે ઉદાસ હોય ત્યારે અને જ્યારે બહું ખુશ હોય ત્યારે ગીતો સાંભળતી.હાલ તો તેનું ગીતો સાંભળવાનું કારણ તમને ખબર જ છે.સિદ્ધિ તેના સપનાં તૂટવાના લીધે બહું ઉદાસ હતી.
અચાનક ગીતો સાંભળતા સાંભળતા તેને વિચાર આવે છે કે તે જો પોતાના ગીતો રેકોર્ડ કરીને ઓનલાઈન કોઇ વેબસાઇટ પર મૂકે અને ગીતો ને સારો પ્રતિભાવ મળે તો પણ તે દુનિયામાં પોતાની ઓળખ બનાવી શકે.આ વિચાર આવતા ની સાથે જ સિદ્ધિ એ એક ગીત રેકોર્ડ કરી ને ઓનલાઇન અપલોડ કર્યુ.રાતોરાત જ તે ગીત ને હજારો લાઈક્સ અને કમેન્ટસ મળી.
આમ સિદ્ધિ રોજ દિવસે તેનાં પપ્પા ઉમેશભાઈ ની દુકાનમાં તેમની મદદ કરતી,અને રાત્રે ગીતો રેકોર્ડ કરી ઓનલાઇન અપલોડ કરતી.
એક વર્ષ માં તો સિદ્ધિ ટોપ લેવલ ની સિંગર બની ગઈ.તેના ગીતો ગાવાના અને સાંભળવાના શોખ ના લીધે તે આજે એક પછી એક સફળતાની શિખરો પાર કરી રહી છે.
સિદ્ધિ ને પપ્પા ની ઈચ્છા માટે કોલેજ અને નોકરી ના સપના નું બલિદાન આપવું પડ્યું પણ તેનું અલગ ઓળખ બનાવવાનો ધ્યેય અંતે તો પૂર્ણ જ થયો.
તો આમ કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે કિંમતી વસ્તુનું બલિદાન આપવું પડે છે.જેમ સિદ્ધિ એ આપ્યું તેમ.
જો આપને મારી 'સફળતાની ચાવી બલિદાન' વાર્તા પસંદ આવી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો.
ધન્યવાદ.