માણેકપુરમાં આજે ઉત્સવ જેવું વાતાવરણ હતું. દુર્ગાપૂજા હજુ માસ એક પહેલા જ પૂર્ણ થઇ હતી, અને આજે દિવાળીની પૂર્વ સંધ્યા હતી. ઉપરાંત આવતીકાલે જાનમાં જવાની તૈયારીઓમાં ગામનું દરેક ઘર રોકાયેલું હતું. હવેલીની રોશની જોઇને તો ખુદ ચાંદનીને પણ લઘુતાગ્રંથીની લાગણી થતી હતી. નગરવધુઓના નાચ જોવા ટેવાયેલા ઠાકુરો પણ વિનમ્રતાથી નોકરો પાસે કામ કરાવી રહ્યા હતા. આખુંય માહોલ જાણે આનંદમય થઇ ગયું હતું. અને હોય પણ કેમ નહિ? માણેકપુરના સૌથી ધનવાન ઠાકુર - ભુવન ચૌધરીના એક ના એક પુત્ર મહેન્દ્રના લગ્ન થવાના હતા. ચાલીસ બળદગાડાં ની જાન નીકળવાની હતી દિવાળી ના દિવસે માણેકપુર થી. આટલી ભવ્ય જાન તો થોડા વરસો પહેલા ખુદ ભુવન ચૌધરી ના બીજા લગ્ન વખતે પણ નો'તી નીકળી. માણેકપુરની ધરતીના રજેરજમાં જાણે ખુશી હતી. પણ પાર્વતી નો હરખ તો જાણે મા'તો નો'તો. એનું હૈયું જાણે ધબકવાનું છોડીને નાચવામાં વ્યસ્ત થઇ ગયું હતું. ક્યારેક હવેલીના શણગારને તો ક્યારેક પોતાના પતિ ભુવન ચધારીના વર્ષો પછી ખીલેલા ચેહરાને જોઈ એની આંખોમાંથી અમૃત વહી જતું હતું. એની ઉમર પ્રમાણે એનો એ ઉત્સાહ પણ અસ્થાને નો'તો. હજી થોડા જ વર્ષો પહેલા એના પોતાના લગ્ન થયેલા અને આટલા ઓછા સમયમાં પોતાના ત્યાં પુત્રના લગ્નનો અવસર હતો.
મહેન્દ્ર, ભુવન ચૌધરીની પહેલી પત્નીનો વચલો પુત્ર હતો. મોટી યશોમતીના લગ્ન પાર્વતી અને ભુવન ચૌધરીના લગ્ન પૂર્વે જ લેવાઈ ગયા હતા અને નાની કલિકા હજુ યુવાનીના ઉંબરે હતી. પાર્વતીને પોતાને એક પણ પુત્ર નો'તો. ભુવન ચૌધરીની હઠ એ માટે જવાબદાર હતી. પહેલી પત્ની સુમિત્રાનું સ્થાન એ પાર્વતીને આપી શકતા નહોતા. પણ અવસરની ખુશી અને પાર્વતીના પોતાના કુટુંબ પ્રત્યેના પ્રેમને જોઈ એ પીગળી ગયા હતા. એટલેજ તો ગઈ રાત્રે એમણે પાર્વતીને કહ્યું હતું કે જો પ્રસંગ ઈચ્છા અનુસાર પસાર થઇ જશે તો એ પાર્વતીને પુત્રરત્નની ભેટ આપશે.
પાર્વતીના કાનમાં હજી એ શબ્દોના પડઘાં પડતા હતા. પોતાના કુખે સંતાનનું સુખ..!!!! આટલા વર્ષો એ સુખ માટે પાર્વતી જંખતી રહી હતી. એક સ્ત્રી માટે મા બનવા જેવું સુખ દુનિયામાં બીજું કંઈજ નથી હોતું. એ સુખની કલ્પના જ પાર્વતીના આજના એ ઉત્સાહ માટે પુરતી હતી. બધી જૂની વાતો વિસરી જઈને એ પોતાની દુનિયા આ દિવાળીએ નવેસરથી ચાલુ કરવા માંગતી હતી.
'ચાલ, જરા મહેન્દ્રને તો જોઈ આવું. એ શરમથી લાલ થઇ ગયો હશે. અને થાય જ ને? કાલે લગ્ન છે એના.'
પાર્વતી મહેન્દ્રના શયનકક્ષ પાસે પહોંચી ને અટકી ગઈ. કોઈ બીજી વ્યક્તિનો આદેશવહી અવાજ પણ ત્યાં થી સંભળાતો હતો.
"મહેન્દ્ર, તારી કોઈ પણ દલીલ મારે સંભાળવી નથી. તું આ લગ્ન માટે તૈયાર હો કે ન હો, તારે આ લગ્ન કરવા જ રહ્યા. કોઈ નીચી કુળની છોકરીને તું મારે ઘેર લાવીને મારું નાક કાપવા માગે છે?" ભુવન ચૌધરીનો અવાજ થોડો સ્પષ્ટ થયો. "આજની રાત તારા કક્ષનો દરવાજો બહારથી બંધ જ રહેશે અને કાલે લગ્નમાં પણ તારે કોઈની સામે એક શબ્દનો પણ ઉચ્ચાર કરવાનો નથી. એટલું જરૂર યાદ રાખજે કે સવાલ ઠાકુરોની ઈજ્જત નો હોય ત્યારે એમની તલવાર સંબંધોની શરમ રાખતી નથી."
મહેન્દ્રના આંસુઓને વગર જોએ પણ પાર્વતી એની વ્યથા સમજી શકતી હતી. ભુવન ચૌધરી બહાર આવીને પોતાને જોઈ જાય એ પહેલા જ એ પોતાના ખંડમાં જતી રહી. એનું મન જાણે બે વિપરીત દિશાઓમાં દોડવાના પ્રયાસો કરી રહ્યું હતું. એક પોતાના વ્યર્થ અતીત તરફ, તો એક પોતાના ભવિષ્ય તરફ. મહેન્દ્રની મદદ કરવા જતા એને પોતાનું ભવિષ્ય ગુમાવવું પડે એમ હતું જયારે એનું અતીત એને મહેન્દ્રની મદદ કરવા પ્રેરતું હતું. કાળીચૌદસની આ રાત્રી પાર્વતીની પરીક્ષા લઇ રહી હતી.
કૈંક દ્રઢ નિર્ણય કરી એને ખંડના બધા દીવાઓ ઓલવી નાખ્યા.
________________________________________________________________________
હવેલીમાં ચહલપહલ સાવ શાંત થઇ ગઈ હતી. ભુવન ચૌધરી, બીજા મહેમાનો, નોકરો ઈત્યાદી સૌ આખા દિવસના થાકના લીધે નિદ્રાવશ થઇ ગયા હતા. પાર્વતી ધીમેથી ઉઠીને મહેન્દ્રના શયનકક્ષ પાસે આવી. અવાજ ન થાય તે રીતે બહારથી દરવાજો ખોલી ene દરવાજાને સહેજ ધકેલ્યો. એની ધારણા મુજબ મહેન્દ્ર હજી જાગી રહ્યો હતો.
"છોટી મા, તમે ?!!!"
હોઠ પર આંગળી મૂકી પાર્વતીએ ધીમે અવાજે કહ્યું, "આ થોડા ઘરેણાં અને થોડા રૂપિયા રાખ, મહેન્દ્ર. કામ આવશે. અને થોડા સમય પછી બધું ઠંડુ પડી જાય પછી જ પાછો આવજે. હું સંભાળી લઈશ. હું બીજો દેવ ઉભો કરવા નથી માંગતી. "
પોતાના કક્ષમાં આવી પારોએ દેવદાસનો વર્ષો પહેલાનો બુજી ગયેલો દીવો સળગાવ્યો. દેવદાસના એ ફરીથી જાગૃત થયેલા પ્રેમનો ઓજસ ખરી દિવાળી બનીને હવેલીની બનાવટી રોશની પર હાવી થઇ ગયો.