વિચારક ગંજી hardik raychanda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિચારક ગંજી

ગિરીશકાકા આમ તો પાછા વિચારક. ખાદીની ખરીદી કરીએ તો બચારા કેટલાનું ય ભલું થાય કેમ? ડિસ્કાઉન્ટ તો બરોબર, એમાં ય પાછું ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી એટલે ૩૦% ડિસ્કાઉન્ટ. પણ ના, એટલે નહિ હો.., આ તો ખાદી એટલે ગાંધી વિચારધારા. હમણાં તો પાછી ઠીક ઠાક ફેશન પણ ખરી, ઓલા રેયમંડ વાળા ય ખાદીના હાઈક્લાસ શર્ટ પીસ કાઢે જ છે ને! દિવાળીની કપડાંની ખરીદી તો આમ પણ કરવાની જ હતી. પણ આ તો શું, કે લાભ સીધે સીધો કારીગરોને મળે અને ડિસ્કાઉન્ટનું છોગું વધારાનું, એટલે ગિરીશકાકા તો પહોંચ્યા ખાદી ગ્રામ ઉદ્યોગ.

દેશભક્તિના આવા મહાન કાર્ય છતાં ય એમને ભવ્ય સ્વાગતની તો કોઈ લાલસા નહિ, પણ દુકાનની બહાર જ “બુટ ચંપલ બહાર ઉતારવા” એવી સુચના વાંચીને મન થોડું કચવાયું ખરું. છેવટે “આપના પગની શોભા અહીં ઉતારો” એવું લખ્યું હોત તો ગાંધીજીની આત્મા ને કેટલી ટાઢક મળત...! “અલ્યા ગિરીશીયા, એમ ગાંધીજીની આત્મા કંઈ તારા ચપલાની પ્રતિષ્ઠા માટે જીવ બાળવા નવરી બેઠી છે...? સીધે સીધી અંદર દુકાનમાં જતી થા ને, ચપલા ઉતારીને..! અહીં પાછું નોકરાએ પોચવાની જલ્દી છે..”

અંદરથી ગિરીશ ગંજીનો અવાજ આવ્યો.

અરે, ના ભઈ, દુકાનની અંદરથી નહીં. ગિરીશકાકાના માંહ્યલામાંથી. આ ગિરીશ – કાકા તો હમણાં થયા, પણ શાળામાં, કોલેજમાં બધા એને ગિરીશ ગંજી કહીને બોલાવતા. ગિરીશના મામા મસ્કતવાસી. એટલે વતન આવે ત્યારે ગિરીશ માટે કલર કલરના ગંજી લઇ આવતા, અને ગિરીશ પાછો ફોરેનનો માલ પહેર્યો છે એવો વટ મારવા ખાલી ગંજી અને ફક્કડ જીન્સ પહેરીને ક્રિકેટ રમવા ઉપડતો એટલે ભઈબંધો માટે એ આજે પણ ગિરીશ ગંજી. અને ગિરીશકાકા એવું માનતા કે આપણાથી સારો આપણો ભઈબંધ કોણ? એટલે એ ય પોતાના માંહ્યલાને ગિરીશ ગંજી કહીને જ બોલાવે. કહ્યું ને ગિરીશકાકા આમ તો પાછા વિચારક !!!

દુકાનની અંદર એક બાજુ મસાલા, બીજી બાજુ ઘર વપરાશની ચીજો અને એક બાજુ મોટા કાઉન્ટર પર કપડાના ખડકલા કરેલા દેખાયા. થોડું શોકેસ જેવું કૈંક બનાવવું જોઈએ આ લોકો ને, દિખતા હૈ વો બિકતા હૈ, બ્રાન્ડીંગ નો સદંતર અભાવ જ લોકોને ખાદીથી દુર લઇ ગયો છે, કાકા એ વિચાર્યું. ‘બે... બ્રાન્ડીંગની પત્તર ફાડીશ ના, તું ય પાછી ડિસ્કાઉન્ટના રવાડે અહીં ખેંચી લાઈ છે મને..! સદંતર અભાવ વાળી વાયડી...!’ ગિરીશ ગંજી ઉવાચ. ગિરીશકાકાને પોતાના ઉચ્ચ વિચારોની સામે ગંજીની આ ઉપેક્ષાથી ક્ષોભની લાગણી થઇ. પણ મહાન કાર્યને કાજ, અવગણનાને અવગણી ને તે દુકાનદાર બાજુ વળ્યા.

અહા, આટલા સસ્તા અને પાછા રંગીન અને કર્કશ વણાટના કાપડો..! ગિરીશકાકાએ સાડા ત્રણ શર્ટ પીસ, હા ભઈ, એક જભ્ભા નું હતું એટલે... અને બે પેન્ટ પીસ કઢાવ્યા. દુકાનદારે ટોટલ માર્યું તો રેડીમેડની સરખામણીમાં લગભગ ચોથા ભાગનું !!! અને પાછી વસ્તુ કેવી આ-લા-ગ્રાંડ !!! કેમ લ્યા ગિરીશ્યા..? હમણાં તો હજી દેશપ્રેમની પથારી ફેરવતી તી ને? હવે ચ્યમની સીધી કપડાની ક્વોલીટી પર આઈ ગઈ? સાંભળ હવે, બઉ પોરસાવા પેલા પીસ ખોલી, ઉથલાવી પલટાવીને સરખી ખરાઈ કરી લે... હા, એ વાત ખરી, આજ કાલ સસ્તી ચીજો વેચવા વાળાઓનો કોઈ ભરોસો નહિ પાછો. કાકાએ બધા પીસ ખોલીને ફેરવી ફેરવીને પાછા ચેક કર્યા તો એક પેન્ટ પીસ પર મસ મોટો ધબ્બો...!!!

હે રામ...!!! ગંજીને તો ત્રણ ગન ફાયરના અવાજ પણ સંભળાઈ ગયા...!

“અરે નાહક ચિંતા કરો છો, પેલી બાજુ મસાલા પર કાપડ મુકાઈ ગયું હશે એટલે એનો ધબ્બો છે. પાણીમાં પલાળશો એટલે નીકળી જશે. એક કામ કરો હું કાચું બીલ બનાવી આપું છું એ પીસનું. જો ધબ્બો ન નીકળે તો પાછું આપી દેજો. હું બીજું કાપડ કાઢી આપીશ, અથવા પૈસા પાછા આપી દઈશ.” દુકાનદારે ગિરીશકાકાને આઘાતમાં જોઈને કહ્યું. ખાદીના કુર્તાધારી દુકાનદાર ભલો ગાંધીવાદી દેખાયો. અલ્યા, નીચે જો નીચે ગિરિયા, જીન્સ પેરેલું છે. ભઈ, જીન્સ પેરવા થી કોઈ ગાંધી વિરોધી નથી થઇ જતું. આ નાનપણથી જીન્સ પેરીને ફરીએ છીએ તો ય આપણે દેશી જ નઈ? કાકાએ ગંજી ને ટપાર્યો અને કાપડ લઇ ઘેર પાછા ફર્યા.

બીજા દિવસની સવાર તો કાકાને ખુબ મંગળવર્ણી વરતાઈ. “વાહ ગિરીશ.. કેટલું સુંદર કામ..!“ બાપુની શાબાશીના સપનાં સાથે કાકાની આંખ ખુલી તો કાકીના ભજનોમાંય એમને વૈષ્ણવજન સંભળાયું. અને એક ચોટ તો એવો ય ભ્રમ થયો કે બહાર શેરીમાં કોઈ વ્હાલુડા બાળકો પ્રભાતફેરી કાઢી રહ્યા છે. કાકા જટ દોડતા સુકાવેલા પેન્ટ પીસ તરફ પોચ્યા તો ધબ્બો એમ ને એમ...!!! પ્લુટોને ગ્રહના દરજ્જામાંથી બાકાત કરવાના વૈજ્ઞાનિકોના પ્રયાસોની જેમ ધબ્બાને દુર કરવાના કાકીના પ્રયાસો પણ નિષ્ફળ ગયા હતા.

ધાંય ધાંય ધાંય...!!! ગંજીના માનસપટ પર ગોડસેનો ચેહરો ફરીથી ફરી વળ્યો. કહ્યું તું કે જીન્સ તરફ નજર માર.. પણ મારી સાંભળે કોણ છે..!

એકટીવાને સેલ મારીને કાકા પહેરેલે ગંજી એ ગ્રામોદ્યોગ પોચ્યા. કાઉન્ટર પાછળના ત્રણ ચાર માણસોમાંથી કાકાએ ગઈકાલના પોતાના નથુરામને શોધી કાઢ્યો અને એની તરફ ફંટાયા. આજે તો એણે ટીશર્ટ પહેર્યું હતું, બોલો..!

ઉતાવળમાં કાકા નોંધવાનું ભૂલી ગયા કે એ ચપ્પલ પહેરીને જ દુકાનમાં ઘુસી આવ્યા હતા. દુકાનનો બીજો એક કર્મચારી એ તરફ એમનું ધ્યાન જ દોરવા ગયો ત્યાં નથુરામે શાંત ચિત્તે પેલાને ઈશારો કરીને થોભવાનું કહ્યું. એની એ ચેષ્ટા અને સ્મિત ભર્યું આવકાર જોઈને કાકા થોડા પીગળે એના પહેલા તો ગંજીથી કાકા સાથે એકરૂપ થઇ ને મોટેથી બોલાઈ ગયું, “બે... આ ધબ્બો તો નીકળવાનું નામ નથી લેતો ને..!”

દુકાનદારે ફરી સ્મિતની લહાણી કરતા કહ્યું, “કંઈ વાંધો નહિ, કાકા... આપ જરા આપના પગરખાં બહાર ઉતારી આવો, ત્યાં સુધી હું બીજા પેન્ટ પીસ કાઢી રાખું અને એમાંથી ય કોઈ ગમે તો ઠીક છે નહીતર પુરેપુરા પૈસા પાછા.. લાવો, આ પીસ પાછું આપી દો. આપને તકલીફ પડી એ બદલ હું દિલગીર છું.”

કાકા સાનંદાસ્ચર્ય દુકાનદાર સામે જોઈ રહ્યા, અને આભારવશ પુછ્યું, “આપનું નામ?”

“જી..., મહાદેવ...” પેલા એ સ-સ્મિત ટુંકો જવાબ વાળ્યો. કાચા બીલની એ બૂકના એ ફફડતા પાનાંઓને કાકા મનોમન મહાદેવભાઈની ડાયરી સમ પ્રેમપૂર્વક વંદન કરી રહ્યા.




​- હાર્દિક રાયચંદા


​વાચક મિત્રો, ગિરીશકાકાના હાસ્યમંથનો આગળ પણ ચાલુ રહેશે, એવી ઈચ્છા સાથે ગિરીશકાકા શ્રેણીની બીજી વાર્તા ચાઈનીઝ કોલર, બસ બે ત્રણ દિવસમાં જ આપની સમક્ષ પ્રસ્તુત કરીશ. અને જો આપને આ બંને વાર્તાઓ ગમે, અને આપ આ શ્રેણીની વધુ હાસ્યવાર્તાઓ વાંચવા ઈચ્છતા હો તો પ્રતિભાવોમાં ચોક્કસ જણાવજો તો આ ધરવાહિકમાં નિયમિત રૂપે લખવાનું રાખીશ.