હમસફર - 4 Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમસફર - 4

અને, નંબર સેવ થઇ ગયો,
હા, અત્યારે તો મોબાઇલ માં જ.!

"વાહ એલા, તારો તો નંબર પણ તારા જેવો જ અળવીતરો છે હો! 98*420*143"
"પણ ધ્યાન રાખજે ગમે ત્યારે મેસેજ કે કૉલ ન કરીશ ફોન ગમે તેના હાથ માં હોઇ શકે, વળી કોઈ પૂછે ને મારે કહેવું પડે કે આજેજ નવો ભાઈ મળ્યો." કહેતી તે હસવા લાગી, અમિત પણ હસવા લાગ્યો. "હા મોટાં બહેન હવે ઘરે સિધાવો, નહીંતર ઘરનાં બધાં અમારી રાજકુમારી ક્યાં ગઈ કરતાં શોધવા નીકળી પડશે, બંને ખૂબ હસ્યાં અને હસતાં હસતાં જ બંન્ને છુટા પડ્યા.

રિયા ને જતી જોઈ અમિત થોડીવાર વિચાર માં પડ્યો કે આ છોકરી માં કંઈક તો ખાસ છે જ, નહીતો જેની સામે સારાં સારાં ની બોલતી બંધ થઈ જાય એવો હું! પણ આની સામે તો મારે પણ વિચારવું પડે છે.
સાલી! બહુ ફાસ્ટ છે,
પણ દિલની તો સારી લાગે છે. અને મજાકમસ્તી માં પણ પાવરફુલ, અમારી જોડી ધૂમ માચાવશે કોલેજમાં એમાં કોઈ બેમત નથી.
પણ એ નથી સમજાતું કે ક્યાં હતી આટલા દિવસ!? એકજ શહેર માં રહેવા છતાં ક્યારેય જોઈ પણ નથી, હવે મળે ત્યારે પુછવું પડશે.

વાત કરીએ અમિતની તો તેનો એક ગુણ, ગુણ કહો કે અવગુણ છોકરી જોઈ નથી ને 'હાઈ' કહ્યું નથી!
બીજું, ભણવામાં જેટલો હોશિયાર એટલો જ બીજી બધી બાબતોમાં પણ હતો, પછી તે ખેલકુદ હોઇ કે બીજી કોઇ સ્પર્ધાઓ, સ્કૂલમાં અમુક મિત્રો તો તેને 'સ્માર્ટી' જ કહેતાં, હાજરજવાબી માંતો એક નંબર, એટલું ઝડપથી જવાબ આપી દે કે કદાચ ખોટું હોઈ તો પણ સામેવાળું એકવાર તો સાચું માની જ લે, તેના એક શિક્ષકે તો તેને 'સેન્સ ઓફ હ્યુમર નો બાદશાહ' એવી ઉપાધિ પણ આપેલી!

પણ આજે એ બાદશાહ ઉપર એક બેગમ, મતલબ કે, એક છોકરી ભારે પડી રહી હોય એવું લાગ્યું.
એક જ દિવસની મુલાકાત માં કોઈ આટલું કેમ ભળી શકે! એ પ્રશ્ન કદાચ તમારાં બધાંના મન માં હશે! અને થવો પણ જોઈએ.
પણ કહેતા હોય છે ને કે ભગવાન જોડીઓ ઉપરથી જ બનાવી ને મોકલે છે. અહીં પણ એવું જ કંઇ હોઈ શકે. કદાચ! પણ એ જોડી અત્યારે તો જુગલ જોડી બની રહી છે.
.........

થોડા દિવસોમાં કોલેજ શરૂ થઇ ગઈ.
ભણવામાં રસ હોય તે ભણે બાકી બધા કેન્ટીનમાં કે ગાર્ડનમાં ફરે, તો વળી કોઈ બંક મારવા ની કલા માં પારંગત બનવાનો અભ્યાસ કરે.
રિયા અને અમિત પણ એ જ કરતાં, થોડું ભણવાનું થોડું રખડવાનું.
પણ જે કરે તે એકબીજાના સથવારે. સવારે વહેલી ટ્રેનમાં બંને સાથે જ નીકળે, કોઈ વખત જગ્યા મળે અને ન પણ મળે, પરંતુ બંન્ને સાથે હોઇ ત્યારે તેઓને કોઈ ફરક ન પડતો કે ઉભા રહેવું પડે કે બેસવા મળે, હસીમજાક કરતાં કરતાં દોઢ-બે કલાક નો રસ્તો આરામથી પસાર થઈ જતો.
રિયાને તેના મમ્મી કહેતાં કે માસીના ઘરે અમદાવાદ જ રહેવા જતી રહે આ રોજનાં ચારચાર કલાક ના અપડાઉનમાં થાકી જવાય, લાંબાગાળે બીમાર પડી જવાય, પણ તે માનવા તૈયાર ન હતી. પણ લાંબો સમય તેની ના ચાલે તેમ ન હતી.
રોજ સાંજે આવે ત્યારે તેની હાલત જોઈ બધાં રિયાની પાછળ જ પડી ગયાં. આખરે રિયાએ પણ નમતું જોખ્યું.

દિવસ આખો તો બંન્ને સાથે જ હોઇ વળી રાત્રે પણ મોડે સુધી એકબીજાં સાથે ચેટ પર વાતો કર્યા કરે, બંન્ને વચ્ચે એકદમ ઊંડી આત્મિયતા બંધાઈ ગઈ, સાથે હોઇને દિવસ કેમ નીકળી જતો તે ખબર જ ન પડે.
પણ એકદમ નિર્દોષ મૈત્રીભાવ, મોટાભાગે તો એકબીજાની ટાંગ ખેંચવામાં જ લાગેલાં હોય સાથેસાથે મીઠા ઝગડા પણ ચાલ્યા જ કરતા હોય, નક્કી ન રહે ક્યારે કોણ રિંસાઇ જાય, પણ બે જ મિનિટ માં કોઈ મનાવે કે ન મનાવે આપમેળે માની પણ જવાનું.
બંન્ને મળ્યાને હજુ થોડો સમય જ થયેલો પણ લાગે કે વર્ષો જુના દોસ્ત હોય.!!

વળી ક્યારેક કોલેજ બંક કરી ફિલ્મો જોવા પણ જતાં રહે તો ક્યારેક ભરબપોરે કાંકરિયા નહીં તો બીજા કોઈ ગાર્ડનમાં જઇ બેસી જાય. પોતાની પાસે તો સ્કૂટર કે બાઇક હતાં નહીં, માટે કોઈ ને કોઈ દોસ્તો પાસે માંગી લે, અને કયાંયથી મેડ ના પડે તો કોઈ પ્રોફેસર પાસેથી મંગવામાં પણ ખચકાય નહીં, એમાં પણ બંન્ને ના વારા રાખેલા, એકવાર રિયાએ માંગવાનું તો એક વાર અમિત નો વારો.
કોલેજ માં તેઓના બીજા પણ ઘણા મિત્રો બન્યા પણ કોઈ એટલા નજીક નહીં જેટલાં કે તે બંને હતાં.
બસ એમજ ચાલ્યા કરતું હતું, દિવસો નીકળી રહ્યા હતા.

એક દિવસ સવારે અમિત ગાડી ની રાહ જોઈ રહ્યો હતો, રિયા પણ હજુ નહોતી આવી, એટલી વહેલી સવારે ટ્રાફિક તો શું હોઇ! બસ અમુક લોકો બગાસાં ખાતાં આમતેમ આંટાફેરા કરી રહ્યા છે, તે થોડી થોડી વારે ઘડિયાળ સામે જોઈ લેતો ના ગાડી નો પત્તો મળે કે ન તો રિયાનો.
તેને એ જ નહોતું સમજાતું કે પોતે કોની રાહ જોવે છે ટ્રેનની કે રિયાની!

અચાનક જ તેના વાંસા પર ધબો પડ્યો, તે પડતાં પડતાં બચ્યો, ગાંડી! આવી રીતે તો કોઈ મારતું હશે? દુસમની કાઢવી હોય તો સામસામે આવી જા." ગુસ્સે થવાનો ડોળ કરતાં તે બોલ્યો.
પણ રિયાને તો એટલું જ જોઈતું હતું, "તો લેતો જા'' કહી તેની છાતી પર મુક્કો મારતાં બોલી, "હવે તારે ક્યાં વધારે મુક્કા ખાવાના છે મારા, તને મારાથી છુટકારો મળી જશે મારાથી! મારી પણ જાન છૂટી! આ અપડાઉન ની લપમાંથી, આપડે તો છૂટ્યા આ રોજ રોજના ધક્કા ખાવાથી."
અમિત અચાનક થયેલા પ્રહાર ના કારણે હેબતાઈ ગયો અને તેનાથી વધુ રિયાની વાત સાંભળી આશ્ચર્યચકિત પણ, "કેમ? કોલેજ છોડી દેવી છે કે શું! સગાઈ બગાઈ તો નક્કી નથી થઇ ગઈ ને?" અમિતે મજાક કરતાં પૂછ્યું.

અરે યાર! ક્યાં પહોંચી ગયો તું તો! બ્રેક માર બ્રેક માર! એટલો જલ્દી મારાથી છુટકારો નથી મળવાનો તને." રિયા એ તેનો કોલર પકડતાં કહ્યું, અને આમેય મારા માટે એક મસ્તીનો મુરતિયો તો તુજ શોધી લાવશે ને!

અમિત હસવા લાગ્યો, "હા નલાએક, તેને બીજું કંઇ આવડે કે ન આવડે મસ્તીતો આવડવી જ જોઈએ, નહી તો તારી હારે ફિટ કેમ થઈ શકે" કહેતાં અમિતે તેની સામે આંખ મિચકારી.
સામે રિયા પણ હસી પડી, "હા, હું નલા-એક અને તું, નાલા-બે બરાબર ને?" વળી થોડો સિરિયસ ચહેરો બનાવી તે કહેવા લાગી, "જે હોય તે પણ અત્યારે તો તારા માટે દુઃખદ સમાચાર છે."

અમિતે કોલર સરખો કરતાં પૂછ્યું "તો ભઈ જે હોય તે ચોખ્ખું કે ને, સીધી અને સરળ વાર્તા ને સસ્પેન્સ થ્રિલર સા માટે બનાવે છે?"

"એ તો તું સાંભળશે ત્યારે ખબર પડશે, સરળ તો મારા માટે છે તારા માટે તો થ્રિલર જ છે." કહી તે હસવા લાગી.
"રેવાદે, મારે નથી સાંભળવી તારી કોઈ વાત." કહી બાજુ પર રહેલા બાંકડા પર બેસી ગયો.

ત્યાં જ બંન્ને ની વાતને કાપતી ટ્રેનની વ્હીસલ વાગી.


***** ક્રમશઃ *****


નોંધ:- આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે.

© ભાવેશ પરમાર. *****આભાર****