હમસફર - 6 Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમસફર - 6

"અમદાવાદ જતી કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેના નિર્ધારિત સમયથી અડધો કલાક મોડી આવશે,યાત્રીઓ ને પડતી અસુવિધા માટે અમે દિલગીર છીંએ"

એનાઉન્સમેન્ટ સાંભળી અમિતના ગુસ્સા નો પારો થર્મોમીટર તોડીને બહાર નીકળી ગયો.
"એક તો આ રેલવે તંત્ર ક્યારે સુધરશે કોણ જાણે, ટ્રેનો કોઈ દિવસ સમયે હોતી જ નથી, ઉપરથી આ બધા ભિખારીઓ સલાઓ ને ક્યાંય જગ્યા નથી મળતી તે અહીંયા બાંકડા રોકીને સુય જાય છે." કહેતાં પ્લેટફોર્મ પરના લોખંડના થાંભલા પાર મુઠી વડે પ્રહાર કર્યો, થાંભળાનો એ '''ખનનન"' કરતો જે અવાજ આવ્યો અમિતને લાગ્યું જાણે થાંભલો તેના પર હસી રહ્યો હોય અને કહેતો હોઈ કે, " અમારો શું દોષ છે ભાઈ? ગુસ્સો અમારા પર સા માટે કરે છે, અમે રિયાને અમદાવાદ નથી મોકલી.."

એવું તો રોજ થતું, કેમ થતું? એ તો એ પોતે પણ નહોતો સમજી શકતો.! કોલેજ પહોંચવાની ઉતાવળ હશે કદાચ, ના કોલેજ પહોંચવાની નહી રિયાને મળવાની ની ઉતાવળ હોય છે.
રોજ સવારે નીકળતો, રેલવે સ્ટેશનના એ પ્લેટફોર્મ કે જ્યાં બંન્ને સાથે મસ્તીમજાક કરતાં એક એક કલાક પણ નીકળી જતી, હવે ત્યાં પાંચ મિનિટ પણ ઉભો રહે તો તેને એ પ્લેટફોર્મ ખાવા દોડતું! ગંદી વાસ આવતી! કોલેજ પહોંચી રિયાને ન મળે ત્યાં સુધી તેનું મગજ સાતમા આસમાને જ રહેતું, કોઈ સાથે જગ્યા માટે ઝગડી પડે તો કોઈ સાથે બારી પાસે બેસવા માટે..

ઉપરથી રિયા ક્યારેક એ ભળભળતી આગમાં ઘી હોમી જતી,, "કેવું લાગે છે અપડાઉન.? મજા આવેને, હા! મજા તો આવતી જ હશે! હું સાથે ન હોઉં ને પરેશાન કરવા માટે." કહી તેના વાંસા પર એક ધબો મારે. રિયાના એ ધબા તો એને હંમેશા મીઠા જ લાગતા પણ તેની એની વાત, તેને બેચેન કરી દેતી, તે સમજી નહોતો શકતો કે પોતાની સાથે શું થઈ રહ્યું છે.

તેની મદદે પવન આવ્યો વાવાઝોડું બની કારણ કે આ બંનેની પ્રેમ કહાની લખવા માટે જે મોટુંબધું પુઠું આડું હતું તે પવન જેવા વાવાઝોડા સિવાય ઉથલે એમ ન હતું. કોઈ મોટી લાગવગ લગાવી બીજી કોલેજમાંથી આવેલો એ, એકદમ હીરો જેવો લાગે, કાળા ગોગલ પહેરી ને કોલેજના ગેટ પરથી તેની એન્ટ્રી કેટલી છોકરીઓને ઘાયલ કરી જતી, છોકરીઓ તો ઠીક છોકરાઓ પણ ઘાયલ થઈ જતા, (જોજો હો કોઈ ગેરસમજ ન થાય) છોકરાઓ તેની સ્ટાઇલ જોઈને ઘાયલ થતા અને ઘણા ને તો તેની ઈર્ષ્યા પણ થતી.

પણ તે રિયાને તે ઘાયલ ન કરી શક્યો!
રિયા તો રિયા હતી, તેને ઘાયલ કરવા તો સ્વયં કુસુમાયુધને ધરતી પર અવતાર લેવો પડે, અને જે લઇ પણ ચુકેલો અમિતના રૂપમાં! અમિત માટે તેના મનમાં કૂણી લાગણીઓ તો ઘણો વખત પહેલાં જ જન્મી ગયેલી, પણ તેને ડર હતો, અમિત નો સ્વભાવ તો તે જાણતી જ! માટે પહેલ અમિત તરફથી થાય એ માટે થોડી રાહ જોવું તેને વધારે ઉચિત લાગ્યું. પણ અમિત એવી વાત કદી છેડતો જ નહીં.

એક વખત બંન્ને કેન્ટીન માં બેસેલાં ત્યારે જ પવન ત્યાંથી નીકળ્યો અને રિયાના સેતાની દિમાગ માં એક વિચાર આવ્યો.
"યાર! સાલ્લો કેવો હેન્ડસમ છે નહીં! આવો કોઈ બોયફ્રેન્ડ મળી જાય તો..." "તો શું, ધૂળ, અહીંયા ભણવા આવી છો કે બોયફ્રેન્ડ્ બનાવવા" કહી અમિતે રિયાની વાત કાપી નાખી અને કહ્યું, "અને તારી પાસે તો હું છું ને?!"
રિયા સમજી ગઈ કે તિર બરોબર નિશાન પર લાગી રહ્યું છે, તરત જ રિયા બોલી, "તું, બોયફ્રેન્ડ! એ પણ મારો, તું મારો બોયફ્રેન્ડ કદી ન બની શકે અમિત," એની વાત સાંભળી અમિતને ગુસ્સો આવ્યો, "કેમ, મારામાં કોઈ વાંધો છે?, બાડો છું, બોબળો છું, કાળો છું, જાડો છું, બોલ શું વાંધો છે મારામાં, તને મળ્યો એ પહેલાં લાઈનો લાગતી છોકરીઓની."
અમિતને ગુસ્સે થતો જોઈ રિયાને મજા પડી, એ કહેવા લાગી, "તું મારો બોયફ્રેન્ડ એટલે ન બની શકે કારણ કે તું તો મારો જીગરજાન દોસ્ત છે!"
રિયાના મોંએ પોતાના માટે 'જીગરજાન' સંબોધન સાંભળી અમિતનો ગુસ્સો થોડો ઓગળ્યો અને તે બોલ્યો, "એ સારું, એક જીગરજાન અને બીજો બોયફ્રેન્ડ, બીજી કોઈ પોસ્ટ માટે વેકેન્સી છે. તો અરજીઓ મંગાવું." કહી તે ચાલવા ની તૈયારી કરવા લાગ્યો.

રૂક સાલ્લા, હું તો મજાક કરતી હતી! ગુસ્સે કેમ થાય છે? તેં કદી જોઈ મને તારા સિવાય કોઈ સાથે બેસતાં કે વાત કરતાં પણ? કદાચ 'જીગરજાન' નો મતલબ તને નહીં સમજાતો હોઈ, બેસ સમજાવું." કહી અમિતનો હાથ ખેંચી તેને બેસાડ્યો.


**** ક્રમશઃ ****


"જબ કોઈ દોસ્ત જીગર કે કરીબ આ જાયે, ઓર હમારી જાન બન જાયે, ઉસ દોસ્ત કેલિયે જો નામ દિલસે નીકલતા હે ઉસે 'જીગરજાન' કહતે હે."
(આ ભાંગ્યો તૂટ્યો શેર જો કોઈને ન ગમે તો મહેરબાની કરીને ગાળો ન આપતા, આમેય આ વાર્તા સાથે તેને કંઈ લેવાદેવા નથી..)

નોંધ: આ વાર્તા ના બધાં પાત્રો અને સ્થળ તેમજ ઘટનાઓ કાલ્પનિક છે.

© ભાવેશ પરમાર 'આર્યમ્'