ટ્રેન આવી, બંન્ને વચ્ચેની વાતચીત ત્યાં જ અટકી ગઈ.
"ખબર નહીં આટલા બધાં લોકો સવાર સવારમાં ક્યાં જવા નીકળી પડતા હશે! સૂતાં રહેતાં હોઈ તો શાંતિથી." જગ્યા શોધતાં શોધતાં અમિતે હૈયાવરાળ કાઢી.
રિયા હસવા લાગી, "એલા, મારો ગુસ્સો બિચારા બીજાં લોકો પર કેમ નિકાળે છે? આપણી જેમજ બધાં ની મજબૂરી હોય, કોઈને શોખ ન થાય આવી રીતે ધક્કા ખાવાનો." રિયાએ ડહાપણ બતાવ્યું.
હા, ચિબાવલી! તને બહુ બધાંની ફિકર થાય છે, ચાલો ઉપર ચડો, નીચે તો મેડ પડે એવું લાગતું નથી." કહેતા અમિત ઉપરની પાટિયા વાળી સીટ પર ચઢી ગયો, રિયા પણ સાથેસાથે.
એ પાટિયા વાળી સીટ પર બેસવાની મજાતો એ જ જાણે જેઓએ પેસેન્જર ટ્રેનો માં અપડાઉન કર્યાં હોઇ! થોડી થોડી વારે હલનચલન કરતું રહેવું પડે!
વ્યવસ્થિત ગોઠવાયા પછી રિયાએ વાત શરૂ કરી, "હા તો આપણે ક્યાં હતાં!"
"પ્લેટફોર્મ નંબર બે પર." અમિત તરતજ તેની વાતનો ઉલાળીયો કરતાં બોલ્યો.
"જા, તારી સાથે વાત જ નથી કરવી" રિયા છણકો કરતાં બોલી, "હા તો એક કામ કર આ પંખા સાથે વાત કરી લે." ડબ્બામાં લટકેલા અને અટકીઅટકી ફરી રહેલા રેલવે ના તોતિંગ પંખા સામે ઇશારો કરતા અમિત બોલ્યો.
રિયાને મસ્તી સુજિ, રિયાએ પંખા તરફ જોઇ વાત ચાલુ કરી, "હા, તો પંખાભાઈ! વાત જાણે એમ છે કે હવે આપણી મુલાકાત થવાના ચાન્સ બહુ ઓછા છે, કેમકે હું હવે અમદાવાદ રહેવા જતી રહીસ, મારાં માસીને ઘેર, માટે મારે તમારી આ સીટ ના પાટિયાં નહીં ખાવાં પડે!" તે બાળકો જેવી કાલી ભાષામાં બોલી.
તેની વાત સાંભળી અમિત ચમક્યો, "અચ્છા તો આ હતી તારી થ્રિલર સ્ટોરી? તો સીધી રીતે નહોતું કહી શકાતું! ક્યારની વાતો ને ગોલગોલ ફેરવે છે." અમિતે બનાવટી ગુસ્સો કરતાં કહ્યું.
રિયા તરત જ બોલી, "ગુસ્સે થવાનું સાચું કારણ કહેશો સાહેબ, મેં સીધી રીતે કહ્યું નહીં એટલે કે હું જતી રહેવાની એટલા માટે?"
અમિત કશું ન બોલ્યો, બસ વિચારમાં પડી ગયો.
રિયા તેનો ચહેરો જોઇને જ પામી ગઈ, "શું વિચારે છે?" અમિતને કોણી મારતાં એ બોલી.
"કંઈ નહીં." કહેતાં ફોન માં કંઈક જોવા લાગ્યો,
"ગૂગલમાં જવાબ નહીં મળે." કહેતી હસવા લાગી, "પાગલ, હું અમદાવાદ જઉં છું, અમેરિકા નહીં! કોલેજમાં તો મળશું જ ને." અમિત પણ હસ્યો, હા, હું તો બુદ્ધિ વગરનો છું ને! મને તો એ મગજ માં જ ન આવ્યું, ન્યુટનની દીકરી!"
રિયાએ ફરી કોણી મારતાં કહ્યું, "તો અહીં ચહેરા પર બાર કેમ વાગ્યા છે?" અમિતના ચહેરા સામે આંગળી ફેરવતાં એ બોલી,
સાચું કહું, યાર! આ ચાર કલાકનું અપડાઉન એકલાં એકલાં કેમ થશે એ વિચારું છું." રિયા સામે જોયા વગર જ અમિત બોલ્યો.
"કેમ, પહેલાં કેવી રીતે કરતો? બીજી રિયા શોધી લેજે, આમેય એમાં તો તું માસ્ટર છે." રિયા ને એમ કે અમિત ગુસ્સે થશે પણ, તે ના થયો.
"બસ પત્યું, કે બીજું કશું બાકી છે! કહેવા માટે? ટાઈમપાસ માટે તો એક નહીં ચાર મળી જશે પણ..રિયા..!" તે વાક્ય પૂરું ન કરી શક્યો.
"તો તું પણ આવી જા, તારે નથી કોઈ માસી કે ફોઈ અમદાવાદમાં? પછી આખો દિવસ અમદાવાદ માંજ ફરશું, ક્યારેક કાંકરિયા, ક્યારેક કોલેજ હા.. હા.. હા..." રિયા એ હસતાં હસતાં કહ્યું.
"છોડ, જોયું જશે." કહી અમિત શાંતિથી બેસી ગયો અને એ વાત પર તો પૂર્ણવિરામ લાગ્યું.
થોડા દિવસોમાં રિયા અમદાવાદ રહેવા જતી રહી.
બંન્ને આખો દિવસ કોલેજમાં તો સાથે જ હોય, ત્યારે ખાસ કંઈ તકલીફ પણ ન પડતી.
પણ અમિતને હવે અપડાઉનમાં જરાય મજા નહોતી આવતી, રેલવેનાં મોટાંમોટાં પ્લેટફોર્મ તેને ભેંકાર લાગતાં, ગમે એટલી ભીડ હોઇ પણ અમિતને તો એવું જ લાગતું કે તે એકલો જ છે, બંન્ને એ સાથે કરેલી મસ્તીઓ અને હસીમજાક વારેવારે યાદ આવી જતાં, બીજી ઘણી છોકરીઓ આવતીજતી પણ હવે તેને કોઈ સાથે વાત કરવાની તેને ઇચ્છાજ ન થતી.
પોતે જ નથી સમજી શકતો, કેમ પોતાનામાં આટલો ફેરફાર કેમ આવી ગયો!!??
કદાચ રિયા ......