Humsafar - 2 books and stories free download online pdf in Gujarati

હમસફર - 2

ચારે બાજુ રંગબેરંગી તીતલીઓ અને તેમની આસપાસ ભમતા ભમરા જેવા છોકરાઓ થી કોલેજનું વાતાવરણ એકદમ ફુલોથી મઘમઘતા બગીચા જેવું લાગતું હતું.
કોઈ જુના મિત્રો ફરી મળ્યાની ખુશીઓ માનવતા હતા તો કોઈ નવા મિત્રો બનાવવા મથતા હતા. ક્યાંક ચાર પાંચ યુવતીઓ ટોળે મળીને ખબર નહીં કોઈ વાત પર ખીખી-ખાખા કરતી હતી વળી ક્યાંક અમીર બાપના પૈસા ઉડાવવા આવેલા તેમના 'રાજકુમારો' કોલડ્રિન્કસ ની બોટલો માંથી ઘૂંટડા ભરતાં હીરોગીરી કરી રહ્યા હતા. તો એકબાજુ સ્કૂટી પર બેસેલી બે ત્રણ જણી વાંકાચુકા મોં કરી આંગળીઓથી 'વી' આકાર બનાવી સેલ્ફીઓ લઇ રહી છે, ખબર નહીં કોલેજમાં આવી છે કે પીકનીક પર.

"એક વાત પૂછું.?" અમિત રિયા સાથે ચાલતાં ચાલતાં બોલ્યો.
રિયા થોડી હસી, " ના પાડું તો નહીં પૂછે એમ?" અમિત ચૂપ થઈ ગયો.
"બોલ હવે, શું પુછવું છે?" તે થોડું મલકતાં બોલી.

"મને એ ન સમજાયું કે ટ્રેનમાં મારા કોઈ પ્રશ્નનો તું જવાબ કેમ નહોતી આપતી? શરૂઆતમાં.!" અમિતે માથું ખંજવાળતાં ખંજવાળતા પૂછ્યું.

તે થોડી હસી! "એમ કોઈ અજાણ્યા જોડે વાત થોડી ચાલુ કરી દેવાય." તને એવી છોકરી લાગુ છું!
"તો એટલી વારમાં અજાણ્યા ને જાણી પણ લીધો?" અમિતે તરત જ પૂછ્યું.

રિયા એ વધારે હસતાં કહ્યું, "મને એવું લાગ્યું કે સુરત સુધીજ જતી ટ્રેન માં મુંબઇનું તો પૂછી લીધું, હવે જો જવાબ નહીં આપું તો તું કદાચ અમેરિકાનું પણ પૂછી શકે!"
મેડમ, એ ટ્રેન મુંબઇ સુધીજ જાય છે, એટલે તો મુંબઇ નું પૂછ્યું નહીં તો ડાયરેક્ટ અમેરિકાનું જ પૂછ્યું હોઈ. સુરત દોઢ બે કલાકના સ્ટોપ પછી ઇન્ટરસિટી બાંદ્રા સુધી જશે. આ બધી ટ્રેનોમાં અપડાઉન કરી કરી તેની સીટો ઘસી નાખી છે, વધારે માહિતી માટે તમે ગૂગલ જોઈ શકો છો. મને તો આપણે ત્યાંથી નીકળતી બધી ટ્રેન ના નંબર પણ યાદ છે." અમિતે પોતાનું જનરલ નોલેજ ઝાળતાં કહ્યું.

"રહેવાદે તારી ટ્રેન ડિરેક્ટરી તારી પાસે જ રાખ, તેં જેમ અપડાઉન પર પી.એચ.ડી કર્યું છે એવીજ રીતે મેં તારાજેવા છોકરાઓ પર કર્યું છે, એક નજર માં ઓળખાય જાય કોણ કેવો છે, તારા વિશે મને એવું લાગ્યું કે છોકરો તો સીધો લાગે છે ખાલી બકબક કરવાની ટેવ હશે!.. એ બધી વાતો જવાદે, અત્યારે તો ચાલો ફીની બારી શોધીએ." કહી રિયાએ વાત પર પૂર્ણવિરામ મૂક્યું અને આગળની ફોરમાલિટી પતાવવા નીકળી પડ્યા.

બધે લાઈનો જ લાઈનો હતી તે જોઈ અમિત પાગલ થઈ ગયો, "અરે યાર એ નથી સમજાતું કે આખું ગુજરાત અહીંયા જ એડમિશન લેવા આવી ગયું કે શું!" અમિત બંન્ને હાથે પોતાનું માથું પકડી એક ખુરશી પર બેસી ગયો. "એક કામ કર તું અહીં બેસ અને તારું ફોર્મ મને આપ." તેની સામે હાથ લાંબો કરી રિયાએ કહ્યું. અમિતે ફાઇલ તેના હાથમાં આપતાં કહ્યું, "કેમ તારું કોઈ ઓળખીતું છે અહીં.?"
"ના, પણ છોકરીઓ ની કતાર નાની છે, જલ્દી વારો આવી જશે." કહી તે ચાલી ગઈ, અમિત તેને જતાં જોઈ રહ્યો.
કેવી હજુ હમણાં જ ટ્રેનમાં બોલતી પણ ન હતી અને અત્યારે મારી મદદ કરવા સામે ચાલીને આવી, જાણે મને વર્ષોથી ઓળખતી હોય!

આડીઅવળી વાતો કરતી કરતી ક્યારે બધાંને પાછળ રાખી તે વચ્ચે ઘુસી ગઈ એ અમિતને પણ ખબર ન પડી.
ક્લાર્કએ પૂછ્યું કે બીજું ફોર્મ કોનું છે, એક ક્ષણ પણ અટક્યા વગર કહી દીધું, "સાહેબ મારો ભાઈ, તેની તબિયત સારી નથી, માટે તે ન આવી શક્યો." અમિત તો જોતો જ રહ્યો કે આ તે છોકરી છે કે બલા!
ક્લાર્ક ને કેવી ગોળી પાઇ દીધી અને એક ઝાટકે પોતાને ભાઈ પણ બનાવી દીધો.!

થોડી વારમાં તો તે પાછી આવી ગઈ, અમિતને તેની ફાઇલ આપતાં કહેવા લાગી
"જોયું, આમ હોય, હવે કોઈ ડાઉટ છે? મારા વિશે?" જાણે કોઈ મોટી જંગ જીતી આવી હોય તેમ વટથી તે બોલી.

"હા, જોયું, પણ ત્યાં મને ભાઈ બનાવવાની શું જરૂર હતી." અમિતે ફાઇલ પોતાની બેગમાં મુકતાં કહ્યું.
તે હસવા લાગી, અરે અહીંયા બધે એવાજ બહાના મારવા પડે, નહીતો કામ ન નીકળે.
અને ભાઈ ન કહું તો તેને શું કહેવું મારે, એમ કહેવું કે , સાહેબ સાહેબ, એક છોકરો આજે જ પહેલી વખત મને ટ્રેનમાં મળ્યો હતો તેની ફાઇલ છે, છોકરાઓની લાઇન લાંબી હતી માટે મારી સાથે મોકલી."
તેની ચાગલું ચાગલું બોલવાની રીત જોઈ અમિત ના હોશ ઉડી ગયા, એ તો એમજ માનતો હતો કે પોતાનાથી સ્માર્ટ કોઈ નથી આ દુનિયામાં પણ આ તો તેનાથી પણ ચાર ડગલાં આગળ છે.

હજુ અમિત તેના વિશે વિચારતો જ હતો, ત્યાંજ અચાનક જ તે બોલી,

"કેમ? મારો ભાઈ નથી બનવું તારે? તો? તારે શું બનવું છે?"

અમિત નિઃશબ્દ થઈ ગયો....


***** ક્રમશઃ *****


નોંધ:- આ વાર્તા ના તમામ પાત્રો અને સ્થળ કાલ્પનિક છે.

© ભાવેશ પરમાર


*** આભાર ***


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED