ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૧૮ ) VIKRAM SOLANKI JANAAB દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૧૮ )

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૮)

રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા.

લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ'
--------------------------------------------------------
મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો..

અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. ઘૂના કાંઠે અમને કામીની નામની અજાણી યુવતીનો ભેટો થાય છે.તેની સાથે જતાં અચાનક અમારાં બે સાથીદારો ગાયબ થઈ જાય છે. તેને શોધવા જતાં અમને કામિની અને તેની માં ની અસલિયતની જાણ થાય છે અને તેમને તેનાં કર્મોની સજા મળે છે. અચાનક પેલી નાનકડી છોકરી ફરી ત્યાં આવે છે અને અમને સાધુનો અવાજ પણ સંભળાય છે.. હવે આગળ...

કામિની અને તેની માંને તેમનાં કર્મોની સજા મળી ગઈ હતી. શૈતાની શક્તિઓ ગમે તેટલી તાકાતવર કેમ ન હોય ઈશ્વરીય શક્તિ આગળ તેમનું કંઈ ચાલતું નથી. કામિની અને તેની માં બંનેનો નાશ થયા બાદ જાણે અમારા જીવમાં જીવ આવ્યો હતો.

અમે બધાએ ભેગા મળી ત્યાં અંદર રહેલી તમામ તાંત્રિક વસ્તુઓનો નાશ કરી દીધો. દિવાલમાં રહેલી શૈતાનની આકૃતિનો પણ સંપૂર્ણપણે અમે નાશ કરી દીધો હતો.

હવે આશિષ અને કલ્પેશ પણ લગભગ સ્વસ્થ લાગતા હતા. તેઓએ ત્યાં એક ખૂણામાં પડેલાં તેમનાં કપડાં પહેરી લીધા. અમારા પર હજુ નશા જેવી અસર તો યથાવત્ જ હતી.

અચાનક અમને બહારથી અવાજ સંભળાયો. 'અલખ નિરંજન' , 'જય ગીરનારી'. આ એ જ અવાજ હતો જે અમે અગાઉ પણ સાંભળ્યો હતો. એ અવાજ સાંભળીને અમે લોકો સતેજ થઈ ગયા. અમે એ જે તરફથી આવ્યા હતા એ તરફ નજર કરી તો એ ગુફાના આછા અંધારામાં ગુફાના મુખ આગળ અમને પેલી નાનકડી છોકરી દેખાઈ. અમે જેવું એના તરફ જોયું કે તરત જ તે ત્યાંથી ચાલી નીકળી.

મેં બધાને કહ્યું, " ઝડપથી તૈયાર થઈ જાવ. હોય ન હોય આ છોકરી આપણને ક્યાંક લઈ જવા માંગે છે. તે આપણું અહિત કરવા નથી માંગતી.".

"પણ જનાબ! તે કેવી રીતે નક્કી કર્યું કે તે આપણું અહિત કરવા નથી માંગતી? જ્યારથી આપણે ભૂલા પડ્યા છીએ ત્યારથી અત્યાર સુધી આપણે અનેકવાર મુસીબતોમાં ફસાયા છીએ." મારી વાત સાંભળીને મનોજભાઈએ દલીલ કરી.

" આપણે ભલે મુસીબતોમાં ફસાયા હોય પણ દરેક વખતે આપણે બચી પણ ગયા છીએ અને આપણે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ મળ્યો જ છે. આ નાનકડી છોકરી આપણને કદાચ કોઈ ચોક્કસ મુકામ પર લઈ જવા માંગે છે. દરેક વખતે તેણે આવીને આગળ જવાનો આપણને માર્ગ બતાવ્યો છે. જો તે કોઈક બૂરી શક્તિ હોત તો એણે આપણને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હોત પરંતુ અત્યાર સુધી એવું બન્યું નથી અને જો એ કોઈ સામાન્ય છોકરી હોત તો આમ વારંવાર આપણી સામે શું કામ આવે અને એ પણ આવી જગ્યાએ જ્યાં આપણે કોઈ મુસીબતમાં હોઈએ! મને તો એવું લાગે છે કે આપણને દરેક મુસીબતમાંથી બચાવનાર આ છોકરી જ છે. તે કદાચ કોઈ દૈવી શક્તિ હોવી જોઈએ." મેં મનોજભાઈની દલીલનો જવાબ આપતાં કહ્યું.

"તારી વાતમાં દમ તો છે પણ એ દૈવી શક્તિ જ હશે એ કેવી રીતે નક્કી કરવું??" કલ્પેશભાઈએ કહ્યું.

"હવે એ તો એ જ્યારે એની પાસે જઈએ અથવા તો કંઈક જાણકારી મળે તો જ ખબર પડે. અત્યારે હવે આપણે દલીલોમાં સમય ન બગાડતાં અહીંથી નીકળીને તેની પાછળ જવું જોઈએ. કદાચ આપણને કોઈ નવી દિશા મળી આવે." મેં બધા સામે વારાફરતી જોઈને ત્યાંથી નીકળવાના ઉદ્દેશ સાથે કહ્યું.

મારી વાત સાંભળીને બધાએ હકારમાં માથું હલાવ્યું. અમે બધા ત્યાંથી નીકળવા ઝડપથી ડગ માંડ્યા. ગુફાની સાંકડી દિવાલો પાર કરીને અમે બહાર નીકળ્યા.

અમે જેવા એ માયાવી ગુફામાંથી બહાર નીકળ્યા કે તરત જ અમારાં બધાનાં આશ્ચર્યની વચ્ચે તે ગુફામાં જવાનો રસ્તો બંધ થઈ ગયો. જાણે કે ત્યાં કંઈ હતું જ નહીં એમ જમીન જેવી જમીન બની ગઈ. વૃક્ષ પર કોતરેલી હતી એ આકૃતિ પણ હવે ગાયબ થઈ ગઈ હતી. કદાચ પેલી બે શૈતાની શક્તિઓ નાશ પામી એટલે જ એવું બન્યું હોવું જોઈએ એવું અમને બધાને લાગ્યું.

અમે રાતના અંધારામાં એ બગીચામાંથી બહાર નીકળ્યા. બહાર આવીને અમે બધા અસમંજસમાં હતા કે હવે કઈ દિશામાં જવું! કારણ કે અંધકારમાં અમને એ ખબર નહોતી કે પેલી નાનકડી છોકરી કઈ દિશામાં ગઈ હશે!

"મને લાગે છે કે આપણે ઘૂનાવાળી દિશામાં જ પાછું જવું જોઈએ, કારણ કે બહાર નીકળવાનો રસ્તો પણ એ તરફ જ છે ને! " આશિષે અમે આવ્યા હતા એ રસ્તો બતાવતાં કહ્યું.

" મને તો લાગે છે કે આપણે સવાર સુધી રાહ જોવી જોઈએ. હમણાં સવાર પડી જશે પછી આપણે સરળતાથી આગળ વધી શકીશું. આપણે થોડીવાર અહીં જ સુઈ જઈએ." ભાવેશે કહ્યું.

" આ જગ્યાએ હવે રોકાવું ઉચિત નથી. આપણે ગમે તેમ કરીને અહીંથી દૂર નીકળી જવું જોઈએ." રાહુલે અધીરાઈ બતાવતાં કહ્યું.

" રાહુલની વાત સાચી છે. આપણે હવે આ જગ્યા પર તો રોકાવું નથી. ભલે ગમે તે થાય આપણે આ જગ્યાએથી અત્યારે જ નીકળી જવું છે. આશિષની વાત પણ સાચી છે કે આપણો રસ્તો ઘૂના તરફ જ છે પરંતુ હું એ વિચારું છું કે પેલી છોકરીએ કંઈક તો રહસ્ય છોડ્યું જ હશે કે આપણે કઈ દિશામાં જવું જોઈએ." મેં બધાને સમજાવતાં કહ્યું.

" પણ અહીં આસપાસ એવું કશું જ નથી કે આપણને કંઈ ખબર પડે. એ છોકરીનો પણ હવે કોઈ પત્તો નથી. એ તો થોડીવાર દેખાઈને પાછી ગાયબ જ થઈ જાય છે. આ અંધારામાં આપણે તેને કેવી રીતે શોધીશું? " મનોજભાઈએ નિરાશાભર્યા સ્વરે કહ્યું.

" મનોજભાઈ તમે આમ નિરાશ ન થાવ. મને એટલી તો ખબર છે કે આપણે અહીં સુધી આવ્યા તો હવે આગળ પણ સહી સલામત નીકળી જ જશું. આપણી સામે જે પણ મુસીબત આવી તેમાંથી આપણે સહી સલામત બહાર નીકળ્યા છીએ." મેં મનોજભાઈને હિંમત આપતાં કહ્યું.

" આપણે જો સવારે આડે રસ્તે આવ્યા જ ન હોત તો આવું કંઈ થાત જ નહીં. અત્યારે તો આપણે શાંતિથી બાંટવા વાડીએ સુતા હોત. આપણી આવી ભૂલના કારણે ઘરના લોકો પણ પરેશાન થતા હશે. આપણે અહીંથી નીકળીશું કે નહીં એનું પણ કંઈ નક્કી નથી." કલ્પેશભાઈએ રડમસ અવાજે કહ્યું.

" એ બધી વાતોનો હવે કોઈ અર્થ નથી. આ બધું થવાકાર જ હોય, કારણ કે દરેક વસ્તુ આપણાં હાથમાં હોતી નથી. જો એવું હોત તો દરેક માણસ અત્યારે સમર્થ હોત. આપણાં મનમાં ચાલતા દરેક વિચારો પર આપણું નિયંત્રણ હોતું નથી. એનું બીજું નામ એટલે ભૂલ. કદાચ આપણી કિસ્મતમાં આ બધું લખેલું હશે. રહી વાત ઘરના લોકોની તો એ બધાને ખબર જ છે કે આપણે એવી જગ્યાએ ફરવા આવ્યા છીએ જ્યાં મોબાઈલમાં નેટવર્ક આવતું નથી. આમ પણ ઘણીવાર આપણે ઘરે જણાવ્યાં વિના મોડા ગયા જ છીએ. જો કદાચ કાલે પણ આપણે ન નીકળી શકીએ તો એ વાત અલગ છે." મેં તર્કબદ્ધ રીતે કલ્પેશભાઈને સમજાવતાં કહ્યું.

અમારી બધાની વચ્ચે આવી દલીલો અને વાતો ચાલતી હતી ત્યાં અચાનક ઘૂનાવાળા રસ્તા તરફની ઝાડીમાં કંઈક સળવળાટ થયો. એ અવાજ સાંભળીને અમે બધા એકદમ ચૂપ થઈ ગયા.

અમે બધા કાન માંડીને એ અવાજને સાંભળવાની કે સમજવાની કોશિશ કરી રહ્યા હતા. અંધારામાં ત્યાં શું હતું એ જોઈ શકાય એમ હતું નહીં. મનોજભાઈએ તરત જ પોતાના હાથમાં રહેલી બેટરી બંધ કરી દીધી.

થોડીવાર વાતાવરણમાં એકદમ નીરવ શાંતિ પથરાઈ ગઈ. ઝાડીમાંથી આવતો એ સળવળાટનો અવાજ પણ બંધ થઈ ગયો. અમારા કાને માત્ર અંધારામાં બોલતાં તમરાનો અવાજ પડી રહ્યો હતો.

અમારી આંખો અને કાન અત્યારે એ ઝાડી તરફ જ હતાં. આખરે ત્યાં શું હતું? એ જાણવા અમે જાણે કે શ્વાસ રોકીને ઊભા હતા.

અચાનક આશિષના ખભે રહેલી બેગ નીચે સરકી ગઈ. બેગ નીચે પડતાં જ તેમાં રહેલી પાણીની બોટલનો અવાજ આવ્યો. એ અવાજ થતાં જ જાણે કે સમગ્ર વાતાવરણની શાંતિ ભંગ થઈ હોય એવું લાગ્યું.

એ અવાજને લીધે ઝાડીમાંથી આવતો એ સળવળાટનો અવાજ હવે વધી ગયો. કોઈ માણસનો સળવળાટ એ નહોતો એ વાત અમને ખબર પડી ગઈ કારણ કે ત્યાં એકસાથે એવા ઘણાં અવાજો થયા.

અંધારામાં ત્યાં શું હતું એ તો અમને કંઈ ખબર ન પડી પરંતુ એ અવાજ ધીમે - ધીમે અમારી તરફ આવી રહ્યો હોય એવું અમને લાગ્યું.

ઓચિંતો જ ત્યાં કોઈ પ્રાણીના ઘુરકવાનો અવાજ સંભળાયો. એ અવાજ સાંભળીને જાણે અમારા પર જે થોડીઘણી નશાની અસર હતી તે પણ ઓસરી ગઈ. હવે ત્યાં થોડીવાર પણ ઊભા રહેવું જોખમી હતું.

અમે પણ બધા તૈયાર જ હતા. અમે ઘૂનાની વિરુદ્ધ દિશામાં દોટ મૂકી. એક હાથે એકબીજાનો હાથ પકડીને અને એક હાથે પોતપોતાની બેગ સંભાળીને અમે ત્યાંથી ભાગ્યા. અંધારામાં રસ્તા જેવું કંઈ સુઝતું નહોતું. ઝાડી ઝાંખરા વટાવતાં બસ અમે લોકો અંધારામાં દોડી રહ્યા હતા.

થોડે દૂર ગયા બાદ અમને બધાને એવું લાગ્યું કે અમારી પાછળ જાણે કોઈ જંગલી પ્રાણીઓનું ઝુંડ આવી રહ્યું હોય પરંતુ અત્યારે પાછળ ફરીને જોવાનો સમય નહોતો.

" ભાગો! એકબીજાનો હાથ પકડીને દોડતા રહો. કોઈ એકબીજાથી અલગ ન પડે એનું ધ્યાન રાખજો." મનોજભાઈએ દોડતાં - દોડતાં કહ્યું.

અમે લગભગ ઘણીવાર સુધી દોડતા રહ્યા. પગમાં દરેકે બુટ પહેરેલાં હોવાં છતાં ઝાંખરાઓ વાગવાને લીધે છોલાઈ ગયા હતા. આ ક્યા પ્રકારની મુસીબત પાછળ પડી છે એ પણ સમજાતું નહોતું.

અમને સતત એવું લાગી રહ્યું હતું કે એકસાથે જાણે ઘણાં બધાં પ્રાણીઓ અમારી પાછળ દોડી રહ્યા હતાં. અમારી પીઠ પાછળ દૂરથી એમનાં ઘૂરકવાનો અવાજ અમને સંભળાઈ રહ્યો હતો.

અમે જાણે કે જીવ હાથમાં લઈને દોડી રહ્યા હતા. કઈ દિશા, કેવો રસ્તો કશી અમને ખબર નહોતી. બસ અમે એ બલાથી બચવા માંગતા હતા.

દોડતાં દોડતાં અમને એવું લાગ્યું કે જાણે અમે કોઈ ટેકરી જેવો ભાગ ચડી રહ્યા હતા કારણ કે અમારી દોડવાની શક્તિ ઓછી થઈ ગઈ હોય એવું લાગ્યું. આમ પણ હવે અમારામાં દોડવાની શક્તિ બચી નહોતી.

ઓચિંતો જ એક ઢાળ જેવો ભાગ આવ્યો અને અમે બધા તેમાં ફસડાઈ પડ્યા. અમે ગબડીને નીચે પડ્યા પછી અમને કશું યાદ નહોતું. બધા લગભગ બેહોશ થઈ ગયા હતા. હવે કોણ જાણે કેવું આશ્ચર્ય અમારી સામે આવવાનું હતું!... (વધુ આવતા અંકે..)

અમારી સામે કઈ નવી મુસીબત આવવાની હતી?? પેલી છોકરી અમને મળશે કે કેમ? અમારી સાથે હવે શું બનવાનું હતું?? અમે સહી સલામત નીકળી શકીશું કે કેમ?? જાણવા માટે વાંચતા રહો ગીરનારની અમારી આ ગેબી યાત્રાના આવનારા અંકો. આવનારો દરેક અંક એક નવું રહસ્ય લઈને આવશે.

મિત્રો આપના પ્રતિભાવો મારા માટે બહુમૂલ્ય છે, સ્ટોરીને સારા રેટીંગ્સ આપીને વધુ સારૂ લખી શકું એ માટે પ્રોત્સાહિત કરશો એવી આશા રાખું છું. તમે અહીં મેસેજથી અથવા મારા વ્હોટસએપ નં 8980322353 પર પણ આપનો મત જણાવી શકો છો.