64 સમરહિલ - 99 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 99

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 99

ત્રીજા ફૂવારાથી ડાબી તરફ ફંટાવાનું હતું અને રાવટીમાંથી નીકળ્યા ત્યારથી જ બેય ટીમે ડાબે-જમણે અલગ દિશા પકડી હતી. તોય ત્રીજા ફૂવારે પહોંચીને પ્રોફેસર ઘડીક થંભ્યા. ફૂવારાથી ડાબી તરફ એકધારો ઢોળાવ શરૃ થતો હતો. દૂર રાંગ પરથી રેલાતી સાવ પાંખી રોશનીની પૃષ્ઠભૂમાં ઝંખવાતા જતા ઓળાઓને તેઓ ઘડીભર જોઈ રહ્યા.

પોતાલા પેલેસ પરિસરમાં જ વાયવ્ય ખૂણેથી શરૃ થતી શ્ત્સેલિંગ્કાની પહાડી અઢી કિલોમીટર સુધી પથરાયેલા કૌતુક સમાન હતી. નિસર્ગની કરાલ, રૌદ્ર લીલાએ કંઈક વર્ષોની કરામત પછી અહીં વિકરાળ ખડકોની વચ્ચે પોલાણ સર્જી દીધા હતા. હજારો વર્ષની ઉથલપાથલ પછી ઠરેલા લાવાના છીદ્રાળુ ખડકોમાં પવનના ઝંઝાવાતે આબાદ ગુફાઓ કોરી નાંખી હતી.

દુનિયાથી અલિપ્ત થઈને પરમતત્વ સાથે સંધાન સાધવા મથતા બૌદ્ધ સાધુઓ વિકરાળ પહાડોની એ એકાકી, ભેંકાર ગુફાઓમાં મહિનાઓ સુધી આસનબદ્ધ બની રહેતા. સત્તરમી સદીના આરંભે પાંચમા દલાઈ લામાએ શ્ત્સેબુલિંગ્કાની ગુફાઓ પાસે પોતાલકા પર્વતમાળામાં ભવ્ય મહેલ બંધાવવાનો શરૃ કર્યો એ પછી આ ગુફાઓનો ખાસ ઉપયોગ રહ્યો ન હતો.

પરંતુ ઓગણીસમી સદીના આખરમાં ફરીથી અહીં ગુફાઓની સાફસૂફી શરૃ થઈ હતી. દેવદાર, ચિનારના ખોખામાં કાળજીપૂર્વક પેક કરેલા અત્યંત પ્રાચીન અને મૂલ્યવાન હસ્તપ્રતો, ભોજપત્રો, તામ્રપત્રોના પોટલાં અહીં મોકલાયા હતા. વિષય અને ઉપયોગિતા મુજબ તેનું વિભાજન કરવામાં આવ્યું હતું અને લગાતાર પાંચ વર્ષની જહેમત પછી પોતાલા પેલેસ મંજૂરી આપે એ બૌદ્ધ મઠ માટે તેનો અભ્યાસ ખુલ્લો મુકાયો હતો.

ચીનના આક્રમણ પછી તિબેટીયનોની લાગણી જીતવા મથતા રેડ આર્મીએ એક વખત તો આખો ય પોતાલા પેલેસ અને શ્ત્સેબુલિંગ્કાની પહાડી પરના એકે એક ભોંયરા ફેંદી લીધા હતા. મુખ્યત્વે સુરક્ષા સાથે જ નિસ્બત ધરાવતા ચીની અફસરોને જર્જરિત પુસ્તકો, હસ્તપ્રતોમાં કંઈ જોખમ જેવું ન લાગ્યું એટલે તિબેટિયનોની ધાર્મિક લાગણી જીતવાના આશયથી પોતાલા પેલેસની સાથે શ્ત્સેબુલિંગ્કાની સેંકડો વિરાટ ગુફાઓને ય તેમણે સ્વાયત્ત જાહેર કરી દીધી હતી.

વેરાન ઝાડીઓના કાંટાળા વળાંક, કઢંગા ખડકોનો એકધારો ઢોળાવ, પહાડ વચ્ચેની ફાંટમાંથી ફૂંકાતા પવનનો સિસકારો અને ભેંકાર સ્તબ્ધતા ઓઢીને અંધારું કણસતી રાત...

વાદળછાયા આકાશમાં કૃષ્ણ પક્ષનો ચંદ્ર ક્યાંય અલોપ થઈ ગયો હતો. દક્ષિણ દિશાએ કોટની રાંગ પર જલતી હેલોજનનો ઉજાસ ક્યાંય દૂર ક્ષિતિજ પર ઝાંખી વીજરેખા રચીને ઓલવાઈ જતો હતો. અંધારામાં તદ્દન અજાણી પહાડી પર દિશાભાન રાખવું અને ચૂપકીદીપૂર્વક આરોહણ કરવું જરાય આસાન ન હતું પણ તાન્શીની કડક સુચના હતી. પહાડની ડાબી તરફ પોતાલા પેલેસ પરિસરનું પછવાડું શરૃ થતું હતું અને વહેમાયેલા મેજર ક્વાંગે ત્યાં પહેરો ગોઠવ્યો જ હશે. એવા સંજોગોમાં પહાડીઓ પર ટોર્ચનો જરાક સરખો ઝબકારો ય પારાવાર જોખમ સર્જી શકે.

એકધારું ચઢાણ ચડીને હાંફી રહેલો ત્વરિત ઘડીક થંભ્યો. એ અને એકવડિયા બાંધાનો છપ્પન સડસડાટ ઉપર ચડી આવ્યા હતા પણ પ્રોફેસરની ગતિ પ્રમાણમાં ધીમી હતી.

એ જ વખતે તેના વોકીટોકીમાં 'બીપ્..' અવાજ સાથે લીલી લાઈટનો આછકલો ઝબકારો થયો. ચોંકીને તરત તેણે સાવચેતી ખાતર વોલ્યુમ ડાઉન કરીને કાન સરવા કર્યા.

'હિરન વોઝ રાઈટ... ફૂવારા પાસેના ઝાડ પર મેજરે કેટલાંક આદમીઓને ચડાવ્યા હતા. હિરને એકને ઢાળી દીધો છે પણ...' ભેંકાર અંધારા વચ્ચે ય તેના ચહેરા પર ભયનો ઓથાર લપેટાતો સ્પષ્ટ વર્તાતો હતો, 'હિરન કેસીને ચેતવવા પેલેસ તરફ ધસી છે. આપણે શક્ય તેટલી ઝડપ રાખવી પડશે...'

ચિંતાતુર પ્રોફેસરે તરત ઘડિયાળમાં જોયું. મધરાતના દોઢનો સુમાર થવા આવ્યો હતો. આયોજન પ્રમાણે તેમણે ભડભાંખળું થાય એ પહેલાં કામ પતાવીને પરિસરના ત્રીજા ફૂવારા પાસે પહોંચી જવાનું હતું.

ત્યાંથી શોટોન કેમ્પમાં અને ત્યાંથી...

સહી-સલામત ભાગી છૂટવાની કલ્પના માત્રથી દરેકના કદમમાં જોર ઊભરાયું. ત્વરિતે મજબૂતીથી પ્રોફેસરનો હાથ પકડયો અને ઉપરની તરફ દોટ મૂકી.

ચોર, ઊઠાઉગીર જેવા શબ્દો પોતાના માટે વપરાય એ જરાક પણ સહી ન શકતો છપ્પન સતત મૌન રહીને અંતર્મુખપણે આગળ ધસ્યે જતો હતો. આજે પહેલી વાર તે એવી જગ્યાએ કરામત કરવા જઈ રહ્યો હતો, જેનો તેની પાસે કોઈ પ્લાન ન હતો. કોઈ નકશો ન હતો. ન તો તેણે એ જગાની મુલાકાત લીધી હતી કે ન તો તેને પડી શકતી મુશ્કેલીઓનો કોઈ અંદાજ હતો.

- અને આજે પહેલી વાર તે એકલો ય ન હતો.

પોણી કલાક પછી પહેલી પહાડી તેમણે ઓળંગી અને વિસામો લીધો ત્યારે પ્રોફેસર હાંફતી છાતીએ તાજુબ થઈને જોઈ રહ્યા હતા.

જમણી તરફ ત્રાંસમાં ઊભા હતા રૃદ્રના ખપ્પર જેવા કરાલ પહાડો, પહાડોએ ડાચુ ફાડીને કરેલા અટ્ટહાસ્ય જેવી વિરાટ ગુફાઓ, ગુફાઓની ભીતરનું કાળુંડિબાંગ અંધારું અને અંધારાને ઉજાળતો સદીઓથી સચવાયેલા પૂરાતન જ્ઞાનનો પ્રકાશ...

'માય ગોડ...' પહેલી ગુફાની નજીક સરકી રહેલા ત્વરિતના મોંમાંથી ઉંહકારો નીકળી ગયો. પર્વતના પોલાણમાં ઠેરઠેર ગુફાઓના નાના-મોટા મુખ વર્તાતા હતા, 'ટોર્ચ સળગાવ્યા વગર છૂટકો નથી...' તેણે છપ્પન અને પ્રોફેસર તરફ મૂંઝવણભરી નજરે જોયું.

'ના...' પ્રોફેસર પીઠ પાછળ ક્ષિતિજ તરફ જોયું. દૂર ક્ષિતિજ પર લગભગ એકસરખી ઊંચાઈએ અંધારા વચ્ચે ન્હાતો યશોજ્જવલ પેલેસ દેખાતો હતો, 'આપણે કોઈ જ જોખમ નથી લેવું... અહીં દરેક ગુફાની બહાર જે-તે મઠની નાનકડી ધજા અને પ્રતીક આંકેલા છે. આપણે રિન્દેમ મઠની ભુરી ધજા અને બોધિવૃક્ષનું પ્રતીક ઓળખવાનું છે'

'કુમબુમ, ત્સેલુંગ, ચોફાલ, દારપો, ચોકપોરી...' પ્રોફેસરે બેકપેકમાંથી નાનકડી ડાયરી કાઢીને આગલી રાતે મોટા અક્ષરે લખી રાખેલો તિબેટી પ્રણાલિ મુજબનો મઠનો ક્રમ વાંચવા માંડયો, 'રિન્દેમ મઠનો ક્રમ સાતમો છે. જો પહેલું ભોંયરું કુમબુમ મઠનું હોય તો આપણે ક્રમ મુજબ શોધી શકીએ...'

છપ્પને આંખ ઝીણી કરીને આખાય પહાડનું બારીક અવલોકન કરવા માંડયું.

સીધી કરાડના ઉતરતા ઢોળાવ પર નાનકડી-સાંકડી તળેટી અને પછી વળી કરાડ એવા નૈસર્ગિક માળ વચ્ચે આબાદ ભોંયરા રચાયેલા હતા. એક પહાડ પર ઉપરથી નીચે તરફ ૧૫-૧૭ જેટલી ગુફા હોય તેવો કાચો અંદાજ તેણે માંડયો. એ હિસાબે ચોથી પહાડી તરફ રિન્દેમ મઠનું ૬૪ નંબરનું ભોંયરું હશે. લામા નામલિંગે ભોંયરું શબ્દ વાપર્યો હતો, મતલબ કે એ છેલ્લી તળેટી તરફ જ હોવું જોઈએ.

ત્રણેયે પહાડના તળિયાને ત્રણ અલગ અલગ દિશામાં વહેંચીને શક્ય તેટલી ઉતાવળે અંધારામાં ફાંફા મારવાના શરૃ કરી દીધા. છપ્પનનો અંદાજ સાચો હતો. ચોથી પહાડીના તળિયામાં જ ખડક પર રિન્દેમ મઠનો ભુરો ધ્વજ અને શીખાઉ છોકરડાંની કલાકારી જેવું અણઘડ હાથે ચિતરાયેલું બોધિવૃક્ષ દેખાયું.

હવે? ત્રણેયના ચહેરા પર પારાવાર અજંપો વર્તાતો હતો. પ્રોફેસર ફાટી આંખે ભોંયરાના અંધારાની આરપાર જોવા મથતા રહ્યા. પહેલાં ત્વરિત અંદર પ્રવેશ્યો. પથ્થર કોરીને બનાવેલા પગથિયા અંદર ઊંડાણ હોવાનો અંદાજ આપતાં હતાં. સાંકડી છત પર હાથ ફંફોસતા જઈને તે છ-સાત પગથિયા ઉતર્યો અને બાજુ પર સ્હેજ લપાયો એટલે પ્રોફેસર નીચે ઉતર્યા. બેયે સલામતી ખાતર અંધારામાં જ ગન તાકી દીધી એટલે બરાબર વચ્ચે આવીને છપ્પને ટોર્ચ સળગાવી.

સામે પહાડની કાળમીંઠ દિવાલના ભેંકાર સૂનકાર સિવાય કશું જ ન હતું. ત્રણે ય એ જ ફોર્મેટમાં આગળ વધ્યા. વીસેક પગથિયા જેટલો ઢાળ ઉતર્યા પછી ડાબી તરફ માંડ બે આદમી એકસાથે પસાર થઈ શકે તેવું પોલાણ હતું. એ પોલાણ વાટે દસેક મીટરનું સાંકડું બોગદું પસાર કરીને છપ્પને ફરીથી ટોર્ચનો ઉજાસ ફેંક્યો એ સાથે ત્રણેયની આંખમાં આશ્ચર્યનો ધોધ વરસી રહ્યો.

ચારેક ફૂટ ઊંચી છત ધરાવતો ચાલીસેક ફૂટ લાંબો અને અઢારેક ફૂટ પહોળો, ઢાળ ઉતરતો અને સ્હેજ વાંકોચૂંકો એ પથારો, ખડકની કુદરતી દિવાલો સાથે જડેલી આલમારીઓ અને દરેક અલમારીઓ પર હારબંધ ગોઠવેલા ખોખાંઓ, પોટલાંઓ અને મજબૂત લાકડાંના મોટા પટારાઓ...

પ્રોફેસરની આંખોમાં ઝળઝળિયા આવી ગયા.

જેના સાટે જિંદગી ખર્ચી નાંખી, આંખો નિસ્તેજ થઈ જાય અને મગજ બ્હેર મારી જાય એટલું અધ્યયન કર્યું, આખા ય દેશના અનેક ચકરાવા માર્યા, કેટલાંય જોખમો ઊઠાવ્યા અને બેહિસાબ ગુનાઓ ય કરી નાંખ્યા એ સત્ય હજારો માઈલ દૂરની આ નિર્જન, ભેંકાર, એકાકી અને વિકરાળ પહાડીઓ વચ્ચે તદ્દન અણધારી જગાએ કોઈ જ ચોકીપહેરા કે તાળાકૂંચી વગર સાવ રેઢું પડયં હતું.

પારાવાર ઉતાવળથી પ્રોફેસરે અલમારીઓ ગણવા માંડી. જમણી તરફથી ત્વરિત ગણવા માંડયો. દિવાલ સરસી સુઘડ રીતે બાંધેલી સાંકડી અલમારીઓ અને વચ્ચે ખડકની ભોંય પર લાકડાના પાટડા જડીને તેના પર બનાવેલા ઘોડા. ડાબે-જમણે બેય તરફથી ગણતરી માંડીને નામલિંગે ચીંધ્યા પ્રમાણે ૮૩મી અલમારી તેમણે પસંદ કરી.

છપ્પને હારબંધ પડેલા ખોખાંઓ નીચે ઉતારવા માંડયા. ખોખાં પર બીડેલા મજબૂત તાળાને સ્પર્શ પણ કર્યા વગર તેણે બે પેચિયા અંદર ખોસીને હથોડીના ફટકા મારી મિજાગરા ઢીલા કરી નાંખ્યા. પહેલું ખોખું, બીજું, ત્રીજું...

એ ફટાફટ ખોખાં ખોલતો જતો હતો. ત્વરિત અંદરથી લાલ રંગના જાડા માદરપાટમાં વિંટાળેલા પોટલા નીચે મૂકતો જતો હતો અને પ્રોફેસર એ એક-એક પોટલાઓમાંથી હસ્તપ્રતો, ભોજવૃક્ષની છાલ પર કોતરેલા લખાણો, તાંબાના પતરાં પર આલેખેલા લખાણોને બહાર કાઢી રહ્યા હતા.

તેમના હાથ ધ્રૂજી રહ્યા હતા અને આંખોમાં બાઝેલી ભીનાશ હવે ગાલ પર વરસી રહી હતી. ભરઊંઘમાં પોઢેલા લાડકવાયા સંતાનના વાળમાં ફેરવતા હોય એવા આર્જવથી તેમણે સજળ આંખે હસ્તપ્રતો પર હાથ પસવાર્યો. ટોર્ચનો ઉજાસ ફેંકીને કાળજીપૂર્વક હસ્તપ્રતો, તામ્રપત્રો, ભોજપત્રોને છૂટા પાડવા માંડયા.

વિસરી જવાયેલું શ્વેતાશ્વતરોપનિષદ ભાષ્ય, ભૃગુસંહિતાના ખોવાયેલા પાનાઓ, વાતાવરણનું પટલ ભેદીને અવકાશમાં સંપર્ક સ્થાપિત કરવા અંગેના વરાહમિહિરના ખોવાયેલા તર્કો, દૂર બેસીને ય સાંભળી શકતી કર્ણપિશાચિની વિદ્યાનો આખો ય સંપૂટ, સેંકડો જોજનો દૂર ક્યાંક હવામાં વહેતા ધ્વનિતરંગોને પારખી આપતી ધ્વનિર્ધરવિદ્યાનો સંપૂર્ણ અભ્યાસક્રમ, ત્રાટક વડે સામેની વ્યક્તિને સંમોહનમાં લઈ લેતી નેત્રાવલંબ વિદ્યા, બે માણસના મગજની ચેતાઓ વચ્ચે સંધાન સાધીને સંપર્ક ઊભો કરતી વૃતદીર્ઘા, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને ચોક્કસ સંજોગોમાં વળોટી શકતી ઉર્ધ્વસંપાત...

ખોખાંઓ ખોલીને પ્રોફેસરની આસપાસ થપ્પો કરી રહેલો છપ્પન અને પોટલાંઓ ઠાલવીને હસ્તપ્રતોના થોકડા કરી રહેલો ત્વરિત, બંને અચરજથી જોઈ રહ્યા અને પ્રોફેસરે નાના બાળકની માફક ધ્રુસ્કે ધ્રુસ્કે રડતાં એ દરેક હસ્તપ્રતોને સાષ્ટાંગ પ્રણામ કરી લીધા.

હજારો વર્ષ પૂર્વેના વિચક્ષણ મહામાનવોને લાધેલું એ જ્ઞાન હતું. સદીઓ સુધી અનેક અનામ લોકોએ વહાવેલા લોહીની અણમોલ કિંમત ચૂકવીને સચવાયેલું એ જ્ઞાન પોતાની સામે પડયું છે તેના અહેસાસથી પ્રોફેસર ભાવવિભોર બની રહ્યા હતા.

બારીકીથી જોવાનો સમો ન હતો અને ભાવવિભોર થયે પાલવે તેમ ન હતું. ત્વરિતે લાગણીવશ પ્રોફેસરના ખભે હાથ દબાવ્યો. આંખો લૂછી રહેલા પ્રોફેસરે હકારમાં ગરદન ધૂણાવી.

જેના માટે આખું ય ભારત વળોટીને, હિમાલયની વિકરાળ પહાડીઓ વિંધીને આટલું જોખમ ઊઠાવીને તદ્દન અજાણ્યા મુલકમાં ઘૂસણખોરી કરવાનું સાહસ ખેડયું એ આ જ ખજાનો હતો.

પ્રોફેસરે હકાર ભણ્યો એટલે ત્વરિત અને છપ્પન ફટાફટ કામે લાગી ગયા. માદરપાટનું કપડું મજબૂત હતું પણ વળતી મુસાફરી કેવીય હશે તેનો કોઈ અંદાજ ન હતો એટલે છપ્પને ત્યાંથી જ ત્રણેક પેટીઓ ઊઠાવી તેમાં પોટલાં ભર્યા અને દરેક આલમારીઓ હતી તેવી ગોઠવીને તેઓ બહાર નીકળ્યા ત્યારે પ્રોફેસરે સજળ આંખે ગરદન ફેરવીને આખા ય ઓરડાને આવરી લીધો અને ભોંયરાના દેવતાઓનો, રિન્દેમ મઠના દીર્ઘદૃષ્ટા લામાઓનો અને અહીં સુધી પહોંચાડનાર નામલિંગનો મનોમન આભાર માની રહ્યા હતા.

(ક્રમશઃ)