64 સમરહિલ - 98 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 98

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 98

મેજરનો વ્યુહ :

રેડ બુક ઉથલાવીને મેજરે તર્ક તારવ્યો હતો. ભગવાન બુદ્ધની પવિત્ર પદછાપ અને દલાઈ લામાઓના સેંકડો વર્ષ જૂના પવિત્ર મુકુટને કંઈ હાનિ થાય તો આખું ય તિબેટ ભડકે બળે. શક્ય છે કે ભેદી ઘુસણખોરોનો એ જ ઉદ્દેશ હોય.

તેણે તરત પેલેસનો નકશો ખોલીને કસરત આદરી દીધી હતી.

શોટોન મંચથી દોઢ કિલોમીટર સુધી પહાડ કોરીને જેમતેમ સમથળ કરાયેલા ચઢાણ પછી ડાબી તરફ શ્ત્સેલિંગ્કાની પહાડી શરૃ થતી હતી અને જમણી તરફ અગ્નિકૃત ખડકમાંથી કાપીને બનાવેલા વાંકાચૂંકા ૪૩૭ પગથિયા નોર્બુલિંગ્કા યાને પોતાલા પેલેસ તરફ લઈ જતા હતા.

પેલેસની વ્યવસ્થા સંભાળવા માટે ૬ મુખ્ય લામા અને ૧૨ એંગ્લામાના મંડળ હેઠળ સેંકડો ભીખ્ખુઓનો કાફલો રહેતો. વ્યવસ્થા સાથે સંકળાયેલા ૩૦-૩૫ જેટલા વિશાળ ઓરડાઓને બાદ કરતાં મહેલમાં અન્યત્ર ક્યાંય વિધિવત્ત દીક્ષા લીધેલા સાધુઓ સિવાય અન્ય કોઈને જવાની પરવાનગી ન હતી.

પેલેસની સુરક્ષા સંભાળવા માટે એક જમાનામાં દલાઈ લામાના વિશેષ સંત્રીઓ રહેતા. પાંચ-સાત પેઢીથી પહેરેદારીની પવિત્ર ફરજ બજાવતા આ સંત્રીઓનો મોટો વર્ગ ધર્મસત્તા તરફ વફાદાર હતો. પણ હવે દાયકાઓથી દલાઈ લામા ગેરહાજર હતા અને ચીનની લોખંડી બેડી ઉત્તરોત્તર વધુને વધુ મજબૂત બની ચૂકી હતી. એટલે સંત્રીઓની સતર્કતા અને વફાદારીને ય લૂણો લાગવા માંડયો હતો.

પેલેસ પ્રત્યે તિબેટીઓની અત્યંત આળી લાગણીને ધ્યાનમાં રાખીને ચીને પેલેસને સ્વાયત્ત રાખ્યો હતો. પોતે તિબેટીઓની ધર્મભાવનાનું સન્માન કરે છે એવો નર્યો ડોળ કરીને ય ચીને પેલેસમાં ઠેરઠેર પોતાના મળતિયા તો ગોઠવી જ દીધા હતા.

વ્યવસ્થા સંભાળતા લામામંડળના કેટલાંક ભીખ્ખુઓ, સુરક્ષા સંભાળતા કેટલાંક સંત્રીઓ ચીની રિજન્ટના જાસુસ હતા. પેલેસમાં થતી દરેક મૂવમેન્ટની રિજન્ટ ઓફિસને માહિતી મળી જતી.

એમ છતાં ય મેજર ક્વાંગ યુન કોઈ રિસ્ક લેવા માંગતો ન હતો. ઓર્ડરલીને તેણે બૌદ્ધ સાધુ માટે આવશ્યક સરંજામ લાવવાની સૂચના આપીને ચોંકાવી દીધો હતો પણ એ તેનો માસ્ટરપ્લાન હતો. લામાના વેશમાં એ હવે પેલેસમાં ગમે ત્યાં જઈ શકે તેમ હતો.

તેણે એમ જ કર્યું. રિહર્સલ અને ઉત્સવના બંને દિવસ અને રાતની પ્રત્યેક ઘડી આંખમાં મરચું આંજીને એ પેલેસમાં જ વિતાવવાનો હતો.

મોટી સંખ્યામાં પેલેસ પર હલ્લો થવાનો હોય તો?

એ તર્કથી મેજર થથરી રહ્યો હતો.

મહેલની પાછળની પહાડીઓમાં તો તેણે ફૌજ ખડી કરીને રીતસર ઘેરો ઘાલી દીધો હતો પણ પેલેસની અંદર તેની મર્યાદા હતી. શોટોન મંચની પાછળના પરિસરમાં એ ચાઈનિઝ લશ્કરને રાખી શકે તેમ ન હતો. પેલેસ પર હલ્લો થાય એવી શંકાને તે લામામંડળ કે તિબેટીઓના ગળે ઉતારી ન શકે અને માત્ર શંકાના આધારે ચીનની સરકાર પણ પેલેસમાં લશ્કર મોકલવાની તેને પરવાનગી ન આપે.

મેજરે તેમાં ય આબાદ રસ્તો કાઢ્યો. શોટન મંચની પાછળ શરૃ થતા અવાવરૃ પરિસરના ગાઢ વૃક્ષો પર તેણે થોડા થોડા અંતરે બે આદમીઓને સાંજ ઢળી એ પહેલાં જ ચડાવી દીધા હતા.

પેલેસ તરફ જતા એ રસ્તે કોઈપણ મૂવમેન્ટ વર્તાય તો એ બંને આદમી પોતાલા પેલેસમાં છૂપાયેલા મેજરને ખબર કરવાના હતા.

કેસીનું આયોજનઃ

દલાઈ લામા ભગવાન ગૌતમ બુદ્ધનો અવતાર ગણાતા અને તેમનો પુનર્જન્મ થતો હોવાની તિબેટીઓની અખંડ શ્રદ્ધા હતી. એક દલાઈ લામાનું અવસાન થાય પછી તેમનો નવો અવતાર ક્યાં થયો છે એ શોધવાની અટપટી વિધિ હતી. નવા અવતારની ખાતરી થયા પછી એ બાળકને વાજતે-ગાજતે પોતાલા પેલેસમાં લાવવામાં આવતો. ભગવાન બુદ્ધની પવિત્ર પદછાપનો સ્પર્શ કર્યા પછી લામાઓનો મુકુટ તેના શિરે મૂકવામાં આવે એ સાથે ગઈકાલનો એ બાળક બુદ્ધના અવતાર અને નૂતન દલાઈ લામા તરીકે લાખો તિબેટીઓનું પરમ શ્રદ્ધાકેન્દ્ર બની જતો.

હાલના ચૌદમા દલાઈ લામાની શોધ અને વરણી પણ આ રીતે જ થઈ હતી. ચીનના આક્રમણ પછી દલાઈ લામા પર જીવનું જોખમ ઊભું થયું અને તેઓ નાસીને ભારત આવતા રહ્યા. તેમની પાછળ હજારો તિબેટીઓ પણ ભારત આવ્યા. તિબેટ પર ચીનની આણ મજબૂત થઈ ચૂકી હોવા છતાં હજુ પણ ધર્મસત્તાનું અસલ કેન્દ્ર તો દલાઈ લામા જ હતા પરંતુ પરંપરાગત રીતે બદલાતા દલાઈ લામાના રાજ્યાભિષેકની વિધિ માટે અનિવાર્ય એવી પદછાપ અને મુકુટ પોતાલા પેલેસમાં હતા. પોતાલા પેલેસ તિબેટમાં હતો અને તિબેટ પર ચીનનું એકચક્રી શાસન હતું.

ખંધું ચીન દલાઈ લામાના મૃત્યુની રાહ જોઈ રહ્યું હતું. જૈફ થયેલા ચૌદમા દલાઈ લામા મૃત્યુ પામે પછી તેમનો નવો અવતાર શોધવો પડે. એ વખતે ચીન પોતાની રીતે કળા કરીને તિબેટના કોઈ પણ બાળકને ચૌદમા દલાઈ લામાના પુનર્જન્મ તરીકે ઘોષિત કરી દે. નવા દલાઈ લામાની વરણી માટે પવિત્ર પદછાપનો સ્પર્શ અને અગાઉના ચૌદ દલાઈ લામાએ ધારણ કરેલ પવિત્ર મુકુટ માથા પર ધારણ કરવો જરૃરી હતો અને એ ચીનના કબજામાં હતો.

એકવાર ચીન પોતાના કહ્યાગરા દલાઈ લામા બનાવી નાંખે એ સાથે તિબેટ પરનો તેનો કબજો સંપૂર્ણ બની જવાનો હતો.

મુક્તિવાહિનીના સ્થાપક એનરોદ ત્સોરપેએ આ ભયસ્થાન દાયકાઓ પહેલાં જ પારખી લીધું હતું પણ તેની લાચારી હતી. પોતાલા પેલેસમાં પ્રવેશવું, પવિત્ર ચિહ્નો ઊઠાવવા અને સહીસલામત ભારત પહોંચાડવા એ સર્વથા અશક્ય સાહસ હતું.

દાદા અને પિતાએ વારસામાં મૂકેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા કેસીએ એ અશક્ય બીડું ઝડપ્યું હતું અને કેટલાંક વર્ષોથી પેલેસની વ્યવસ્થામાં છીંડા પાડવા માંડયા હતા. લામામંડળના ત્રણેક વરિષ્ઠ લામાઓને તેણે બેહદ ભાવનાત્મક ઉગ્રતાથી પોતાનું આયોજન ગળે ઉતાર્યું હતું. સંત્રીમંડળના બે મુખ્ય અધિકારીઓને ય તેણે સાધી રાખ્યા હતા.

પેલેસના ત્રીજા માળે સીધી હારમાં ત્રણ વિશાળ ખંડો વટાવ્યા પછી માંડ ૬૦૦ ચોરસ ફૂટનો એકપણ બારી વગરનો નાનકડો ઓરડો ચૌદમા દલાઈ લામા પૂજાવિધિ માટે ઉપયોગમાં લેતા હતા. એ ઓરડામાં વિરાટ સિંહાસન પર પવિત્ર મુકુટ અને નીચે મખમલના થપ્પા પર પવિત્ર પદછાપ રાખવામાં આવતા હતા.

વિશેષ તહેવારો વખતે જ એ ઓરડો ખૂલતો અને તેનું ડીજીટલ લોક બે પાસવર્ડ એન્ટર કર્યા પછી જ ખૂલતું. પહેલો પાસવર્ડ ચીની રિજન્ટ ઓફિસ આપે અને બીજો પાસવર્ડ લામામંડળ નાંખે પછી જ ઓરડો ખૂલે.

કેસીને ભેદી તિજોરી જેવા આ લોકની કશી પરવા જ ન હતી. એ ઓરડાની પછીતની દિવાલ બ્લાસ્ટ કરીને અંદર ધસી જવા માંગતો હતો. ધડાકો કરવો એ સલામત નાસી છૂટવા માટે બેહદ જોખમી હતું પણ એ સિવાય બીજો વિકલ્પ ન હતો.

હેંગ્સુનની આગેવાની હેઠળ તેણે ચાર આદમીઓને અગાઉ રવાના કર્યા હતા. શ્ત્સેલિંગ્કાનો પહાડ તો રેઢો હતો અને ત્યાં સેંકડો ભોંયરાઓમાં ઠાંસોઠાંસ પુસ્તકો, હસ્તપ્રતો અને એવી જ પૂરાણી ચીજો હતી. એ ચોરાવાની કોઈ વકી ન હતી એટલે ત્યાં ખાસ પહેરો ન હોય એ સહજ હતું.

નોર્બુલિંગ્કાના પગથિયા શરૃ થાય ત્યાંથી હથિયારધારી સંત્રીઓની હાર શરૃ થતી હતી. સંત્રીઓ બેખબર રહે એ રીતે જો પગથિયા વટી શકાય તો ડાબી તરફના સાંકડા રવેશમાંથી અંદર ઘૂસવાનું મુશ્કેલ બનવાનું ન હતું.

- પણ એ કેસીની ધારણા હતી.

શ્ત્સેબુલિંગ્કા તરફઃ

પહાડોમાં ઘુમરાટો મારીને દૂર કોટની રાંગ પરથી ફૂંકાતો મધરાતનો અલ્લડ પવન, રાંગની સમાંતરે દર પચાસ ફૂટના અંતરે જલતી હેલોજનનો, રોગીષ્ઠની આંખ જેવો, પીળચટ્ટો ઉજાસ, એ ઉજાસને પોતાના ઘટાટોપમાં ગૂંચવી મારતાં ઘેઘૂર વૃક્ષો, પવનના સૂસવાટાથી આમતેમ ઝૂલતી ડાળીઓના ભોંય પર ઝીલાતા બિહામણા ઓળા અને પહાડની પેલે પાર ક્ષિતિજ પરથી ન્હોર લંબાવતો સૂમસામ રાતનો કાળોડિબાંગ, ભેંકાર સન્નાટો...

દુનિયાભરમાં સૌથી વિરાટ પરિસર ધરાવતો પોતાલા પેલેસ જંપી ગયો હતો ત્યારે એકબીજાથી નિયમિત અંતર રાખતા ઓળાઓ પગથારની સમાંતરે વૃક્ષોની આડશમાં લપાતા સપાટાભેર આગળ વધી રહ્યા હતા.

પગથારની ડાબી તરફ ટીમ-એ અને જમણી તરફ ટીમ-બી.

પહેલાં ત્વરિત, તેની પાછળ પ્રોફેસર અને છેલ્લે છપ્પન. બીજી તરફ મુક્તિવાહિનીના બે આદમી અને તેમની પાછળ કેસી. બેય ટીમ રવાના થઈ એ પછી પગથારથી સ્હેજ ત્રાંસમાં ડાબે-જમણે ફંટાઈને વધુ બે ઓળા નીકળ્યા. એ તાન્શી અને ઝુઝાર હતા.

મેજર ક્વાંગ પોતે બૌદ્ધ લામાના વેશમાં આવ્યો હોય ત્યારે ચોક્કસપણે તેને ગંધ આવી જ હોય એવું પારખી ચૂકેલી હિરને પોતાને સૌથી છેલ્લે રાખી હતી.

ત્રીજા ફૂવારાથી શ્ત્સેબુલિંગ્કાની પહાડી અને પેલેસ તરફ જતા રસ્તા ફંટાતા હતા. મેજરે એ રસ્તાઓ પર નજર રાખવાની પેરવી કરી જ હોય પણ કઈ રીતે એ નજર રાખતો હશે તેની ગડ સૂઝતી ન હતી.

બંને ટીમ રવાના થઈ. બેકઅપ કવર માટે તાન્શી અને ઝુઝાર પણ રવાના થયા. એ પછી વીસ મિનિટ સુધી ભયનો કોઈ સંકેત ન મળ્યો એટલે હિરને પોતાની કિટ બાંધી અને છાતીના ઊભાર વચ્ચે વોકીટોકી ખોસી.

બહાર કાળુડિબાંગ અંધારું હતું. છેક પેલેસના પગથિયા પાસે જલતી રોશની અને દૂર રાંગ પાસે મૂકેલી હેલોજનનો ઉજાસ પગથારની આસપાસ પહોંચે તેમ ન હતો.

હિરને તંબુની બહાર નીકળીને ઠંડી હવા ફેફસાંમાં ભરી, ઝીણી નજરે માહોલ નીરખ્યો. ક્યાંય કોઈ સંચાર જણાતો ન હતો. દબાયેલા પગલે તેણે આડેધડ ઊગેલી મ્હેંદીની વાડ તરફ દોટ મૂકી. બીજા ફૂવારા સુધીનું અંતર એકધારું કાપીને એ થંભી.

પાછળ મંચ તરફ કોઈ હલચલ ન હતી. બેય ટીમ ત્રીજા ફૂવારાનો વળાંક પસાર કરીને પોતપોતાના માર્ગે છૂટી પડી ચૂકી હોવી જોઈએ. તેણે બરાબર અંદાજ લગાવ્યો હતો. આસપાસ ધ્યાનપૂર્વક નીરખીને તેણે વળી દોટ મૂકી અને ત્રીજા ફૂવારાના વળાંક પાસે પહોંચી.

તાન્શી અને ઝુઝારે એ વળાંક આસપાસ મોરચો સંભાળીને એ રસ્તો સલામત રાખવાનો હતો અને તેણે પોતે પાછળ મંચ તરફ જતો રસ્તો ખુલ્લો રાખવાનો હતો. જો બેય કામ ધારણા મુજબ ચૂપકીદીભેર થઈ શકે તો ભડભાંખળું થતા પહેલાં શોટોન કલાકારની રાવટીમાં પ્રવેશીને પછી લાગ મળ્યે કલાકારના સ્વાંગમાં જ પોબારા ગણી જવાના હતા.

પણ તેના હૈયામાં કંઈક અજબ સંવેદન થતું હતું.

પેલેસમાં પ્રવેશવામાં ઢીલાશ દાખવાઈ હતી. ખુદ મેજર બૌદ્ધ લામાના સ્વાંગમાં આવ્યો હતો. મતલબ કે, એ રિજન્ટ હાઉસ પરત ગયો નથી. તો શું એ પોતાલા પેલેસમાં જ હોઈ શકે? તો પછી તેણે પેલેસ તરફના રસ્તા પર નજર રાખવા માટે કોઈક વ્યવસ્થા તો કરી જ હોય.

પણ એ વ્યવસ્થા કરી છે તો કોઈ વર્તાતું કેમ નથી? ક્યાંય કોઈ બોલાશ, કોઈ ચહલપહલ, કોઈ...

અચાનક તેની પીઠ પાછળના બોરસલ્લીના ઝાડ પરથી કશોક અવાજ આવ્યો. ચોંકેલી હિરને ઝાટકા સાથે ગરદન ફેરવીને અવાજની દિશામાં ગન તાકી લીધી. કેટલાંક કાગડા કાંઉકાંઉ કરતા ઊડયા હતા...

ઓહ્હ્હ...

કાગડાની ઊડાઊડ જોઈને તેણે ઓજપાયેલા ચહેરે નજર ફેરવી લીધી પણ એજ ઘડીએ તેના સતર્ક દિમાગમાં વિચાર ઝબક્યો.

મધરાતે આટલી ઠંડક અને આટલું સૂમસામ વાતાવરણ છતાં આછી-પાતળી નિંદર ધરાવતા કાગડા કેમ ઊડયા?

વિચારના ઝબકારા સાથે જ તેનું હૈયું થડકી ઊઠયું. ઓહ્હ્ નો... કોઈક બોરસલ્લીના ઝાડ પર ઘેઘૂર ડાળીઓ વચ્ચે લપાયેલું હોય તો...

આકરી લશ્કરી તાલીમથી કેળવાયેલા શરીરને સ્પ્રિંગની માફક તેણે તંગ કર્યું અને નિર્જીવ લાકડી પડતી હોય તેમ, પછડાટનો અવાજ સુદ્ધાં ન આવે એ રીતે, કોણીભેર જમીન પર પડતું મૂક્યું.

બોરસલ્લી પરથી ઊડીને ગરમાળાની ડાળીએ બેઠેલા કાગડાંઓનું કાંઉકાંઉ ધીમે ધીમે શમી રહ્યું હતું પણ પવનથી હલતાં પાંદડાને બદલે ઝાડના ઘટાટોપ વચ્ચે પાતળી ડાળીઓનું આખું ઝુંડ હલી રહ્યું હતું.

હિરને આંખો ઝીણી કરીને સ્હેજપણ હલનચલન વગર એકધારા ઝાડના અંધારિયા ઝુંડને જોયા કર્યું.

- અને તેનાં ફેફસાંમાંથી ધ્રાસ્કો ફાટી ગયો.

બોરસલ્લીની ડાળીઓના ત્રીજા માળે તેનાં તરફ પીઠ ફેરવીને પેલેસની દિશાએ ચહેરો રાખીને એક આદમી ઝળુંબતો હતો. બે ડાળીઓ પર પગની આંટી બિડેલી રાખીને શરીરનું સંતુલન જાળવવા મથતો એ ડાબી તરફ કશુંક તાકી રહ્યો હતો.

માય ગ્ગ્ગોડ...

આગળ રવાના થયેલી બેય ટીમને તેણે કદાચ પારખી ન હોય તો પણ હવે તે તાન્શીને અથવા તો ઝુઝારને તો જોઈ જ ગયો છે... હિરનના મગજમાં ઝડપભેર ગણતરીઓની દોડધામ મચી રહી હતી અને તે એકધારી એ આદમીની દિશામાં તાકીને આંખોને સાબદી કરી રહી હતી.

ગણતરીની સેકન્ડ તેને નિરખીને હિરને સતત તેના પર નજર ચોંટાડેલી રાખતાં ઝડપથી ક્રાઉલિંગ કરી લીધું. હવે એ આદમી તેનાંથી માંડ ત્રીશ અંશ ત્રાંસમાં ચાલીસેક ફૂટ ઉપર હતો.

એ આદમી ડાળીઓ ફરતો વિંટાળેલો પગનો ઝોલ છોડી રહ્યો હતો. એક હાથે બીજી ડાળી પકડી હતી અને છાતી સાથે બાંધેલા પટ્ટામાંથી કશુંક કાઢવા જતો હતો...

નો વે... વધુ મોડું કરવું પાલવે તેમ નથી... યસ.. એ કોઈકને જાણ કરે એ પહેલાં... અરે.. તેના હાથમાં વોકીટોકી જ હતી...

ચોંકેલી હિરને હિપ પોકેટમાંથી બ્રાઉનિંગ ગન કાઢી. નાળચા પર હાથ પસવારીને સાયલેન્સર નોબ ઘૂમાવ્યો અને અંધારામાં ડાળીઓ વચ્ચે લપાયેલા એ આદમી તરફ તાકી લીધી.

આડેધડ ઊગેલી ડાળીઓ, પવનની લહેરખીથી આમતેમ હિલોળાતા પાંદડા, નીચે ખરી રહેલાં સફેદ ફૂલ અને પાતળી ડાળીઓની આરપાર દેખાતી એ આદમીની પીઠ...

તેણે ટ્રિગર દબાવી દીધું.

પહેલાં સાયલેન્સરના મોડયુલરમાંથી દબાયેલો સિસકારો થયો, પછી ઝાડ પરથી થોડાંક વધુ પક્ષીઓ ઊડયા, પછી ડાળીઓને જાણે કંપવા ઉપડયો હોય તેમ હલવા લાગી, એક-બે ડાળીઓ તૂટવાના કડાકા ય થયા અને પછી ધબ્બ કરતો એ આદમી નીચે પછડાયો.

બ્રાઉનિંગના નાળચામાંથી બારુદની કડવી, તીખી ગંધ હળવા ધૂમાડા વાટે નીકળી રહી હતી. અંધારામાં ડાળીઓના ઝુંડ વચ્ચેથી ય હિરને આબાદ નિશાન તાક્યું હતું.

નીચે પટકાયેલા આદમીનું મોં જમીન પર ભીંસીને તેણે ગનનું ધગધગતું નાળચું તેની ગરદન પર ભીંસ્યું. એ આદમીએ ઉંહકારો ય ન કર્યો. બ્રાઉનિંગમાંથી વછૂટેલી ૯ એમએમ બુલેટ પીઠ પાછળથી તેના હૈયાની આરપાર નીકળી ગઈ હતી.

રાહતના હાશકારા સાથે હિરન ઝાટકાભેર ઊભી થઈ. આ આદમી એકલો ન હોઈ શકે. તેણે આસપાસના ઝાડ પર નજર ફેરવી લીધી અને ફટાફટ ગણતરી માંડીને વોકીટોકી હેન્ડસેટ ઓન કર્યો.

કેસીએ ત્રણ સેટની વ્યવસ્થા કરી હતી. એક તાન્શી પાસે, એક હિરન પાસે અને એક ત્વરિત પાસે. પોતાલા પેલેસમાં કોઈપણ પ્રકારનું વાયરલેસ કમ્યુનિકેશન શક્ય ન હતું એટલે કેસીની ટીમ છૂટી પડયા પછી તેની સાથે સંપર્ક થવાનો ન હતો.

'વી આર ઓન હાઈ રિસ્ક...' કોમન ફ્રિક્વન્સી પર તેણે દબાયેલા અવાજે ઝડપભેર કહેવા માંડયું, 'ઝાડ પર પક્ષીઓ ગોઠવાયા છે. એકને મેં વિંધી નાંખ્યું છે પણ બીજા ય હશે જ. ટીમ-એ ઉતાવળ રાખે. ટીમ-સી તમે બેહદ ચૌકન્ના રહો... એન્ડ ફાઈન્ડ આઉટ ધ બર્ડ્ઝ.. હું ટીમ-બી ને એલર્ટ કરવા જાઉં છું. બી કેરફૂલ એન્ડ ટેઈક કેર. ઓવર એન્ડ આઉટ...'

ત્રીજા ફૂવારાથી દૂર કોટની રાંગ તરફ ભોંયસરસી લપાઈને સાંભળતી તાન્શીના હૈયે ધુ્રજારી છૂટી ગઈ. શ્ત્સેલિંગ્કાની પહાડીના ભોંયરા તરફ ધસી રહેલા ત્વરિતને ય ડચકારો નીકળી ગયો.

પોતાલા પેલેસમાં ઘૂસી રહેલી કેસીની ટીમ તેમના પર ઘેરાતી આફતથી બેખબર હતી અને પેલેસની ભૂગોળથી ના-વાકેફ હિરન તેમને સતર્ક કરવા દોડી રહી હતી.

પેલેસ તરફઃ

ત્રીજા ફૂવારાથી જમણી તરફ ફંટાયેલી કેસીની ટીમના મરજીવાઓ સલામતી ખાતર લપાતા-છૂપાતા, વિરામ લેતાં પેલેસના પગથિયે તો પહોંચી ગયા પણ અહીં ડાબે-જમણે અને ઉપર-નીચે એવા બેવડા ફોર્મેશનમાં સંત્રીઓ ગોઠવાયેલા હતા.

પેલેસની બરાબર સીધમાં ઝાડની આડશમાં લપાઈને કેસી ઢીંચણભેર બેઠો અને પારાવાર જોખમ વચ્ચે ય તેણે બેધડક આંખ મીંચી લીધી.

'ઓહ ઈશ્વર...' બંધ આંખે, થડકતા હૈયે એ મનોમન બબડી રહ્યો હતો, 'અહિંસાધર્મના પ્રવર્તક ભગવાન બુદ્ધ... તમારા પવિત્ર અને કૃપાળુ નિવાસની બરાબર સામે હું એકરાર કરું છું કે મેં જિંદગીભર હિંસા આચરી છે. નીતિ શું છે અને આચાર શું છે એ જાણવા છતાં મેં ભાગ્યે જ ધર્મસત્તાના આદેશ પાળ્યા છે. પણ જ્યારે મારું વતન, મારો દેશ... અરે મારો ખુદનો ધર્મ પોતે જ અસ્તિત્વના જોખમ તળે હોય ત્યારે પહેલાં શું મહત્વનું હોય? ધર્મનો ઉપદેશ કે ધર્મનું અસ્તિત્વ? નીતિ અને આચારનો વ્યવહાર કે વતનની મુક્તિ? એ સવાલના જવાબમાં મને જે સત્ય લાધ્યું તેને હું અનુસર્યો છું. હવે હું જે કરવા જઈ રહ્યો છું તેના સારા કે માઠા પરિણામોથી હું બેખબર છું. પણ મને લાધેલું સત્ય મને આદેશ કરે છે કે એ મારે કરવું જોઈએ. મને ખબર નથી કે હું મારા બાંધવોની ભાવિ પેઢી માટે શું કરી રહ્યો છું પણ ઈશ્વર, તારા આંગણે ઊભીને હું પવિત્ર હૃદયે સ્વીકારું છું કે મન, વચન અને હેતુથી હું એટલો જ શુદ્ધ છું જેટલો આ ધરતી પર તેં મને અવતાર આપ્યો ત્યારે હતો. હું સફળ થઈશ તો એ તારી કૃપા હશે અને...'

ક્ષણાર્ધ માટે તેના ગળે ડૂમો ભરાયો. તેની બંધ આંખોની ભીતરથી આંસુની ધાર વહેતી થઈ, 'જો હું નિષ્ફળ જઈશ તો એ મારી નિયતિનો આદેશ હશે.. જો હું સફળ થાઉં તો હે ઈશ્વર, મારા દેશબાંધવોના તરડાયેલા, મુરઝાયેલા, હતાશ ચહેરા પર તારો કૃપાળુ હાથ પસવારજે. અને જો હું નિષ્ફળ જાઉં તો...' ફરીથી તેના જડબા તંગ થયા. ફરીથી આંખમાંથી વહેતા આંસુઓ ગાલ પર દદડીને ગરદન પખાળવા લાગ્યા, 'તો ફરીથી મને આ જ સોહામણી ધરતી પર આ જ ભોળુડા દેશબંધુઓની વચ્ચે જન્મ આપજે. આ જન્મે અને પ્રત્યેક જન્મે મને કામના તો એમની સુખાકારીની જ રહેશે...'

તેણે ઝાટકા સાથે આંખ ખોલી નાંખી. મણિમંત્રનો પાઠ કરતા રહીને કમરમાંથી તે ઝૂક્યો અને પરમ આસ્થાના પ્રતીક સમા મહેલનો પ્રણિપાત કર્યા.

'મૂવ...' શર્ટની બાંયથી ચહેરો લૂંછતા તેણે સિસકારા જેવા અવાજે આદેશ કર્યો. એ સાથે તેના આદમીઓ પથરાળ ઢોળાવ પર કોણી અને ઢીંચણના સહારે જરાક સરખો ય અવાજ કર્યા વગર રીઢા કાચિંડાની માફક ચઢાણ કરવા લાગ્યા.

એકધારા અડધી કલાકના ચઢાણ પછી વિરાટ મહેલના પહેલા માળની સમાંતરે તેઓ પહોંચ્યા. અહીં વિરામ લેવાનો કેસીએ આદેશ કર્યો. ગોરાડુ માટીના રંગે રંગેલી પેલેસની દિવાલો આસપાસ ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરામાં લપાઈને લાકડાના વજનદાર પીઢિયાની આડશમાંથી કેસીએ અંદરનો નજારો જોયો. બલ્બના ઝાંખા પીળા અજવાસમાં લાંબી પરસાળ તદ્દન નિર્જીવ લાગતી હતી. એંશી ફૂટ લાંબી એ પરસાળ વટાવ્યા પછી સાંકડા રવેશ વાટે ઉપર જવાનું હતું.

સાધારણ રીતે બહારની તરફ ખૂલતા દરેક રવેશ પર રખાતા સંત્રીઓ આજે કેસીના અંદરના જાણભેદુઓએ હટાવી લીધા હતા. લાકડાની મજબૂત બારીઓ ખુલ્લી રખાઈ હતી એટલે અંદર હાથ નાંખીને રિવેટ ખેંચી લેવાનું ખાસ મુશ્કેલ ન હતું.

કેસીએ ઘડિયાળમાં જોયું.

મધરાતના સવા ત્રણ થવા આવ્યા હતા. તેની પાસે હવે દોઢ કલાક હતી. મળસ્કે પોણા પાંચે પરંપરા પ્રમાણે મહેલના ડંકા-નિશાન વાગે એ પહેલાં તેણે પહોંચવાનું હતું. તેણે ઈશારો કર્યો એટલે તેની ટીમના ત્રણેય જોરાવર આદમીઓ કામે લાગી ગયા. અડધી કલાકની મહેનત પછી તેમણે દિવાલમાં રિવેટ વડે જડેલો લાકડાનો આખો કઠેડો જ નોંખો કરી દીધો એ સાથે એક આદમી શરીર સંકોરીને અંદર ઘૂસી શકે એટલી જગા થઈ ગઈ.

મહેલની પવિત્ર ભૂમિની અંદર પગ મૂકતા વેંત ફરીથી સૌએ પ્રાર્થના કરી અને સાંકડા, અંધારિયા રવેશમાં દોટ મૂકી. રવેશની પાછળ ખુલતો દાદર ચડીને તે સૌ ઉપર ચડયા. અહીં પણ લાંબી પરસાળ એવી જ સૂમસામ હતી. પરસાળની એ જ દિવાલ તોડવાની હતી.

હવે ચાર વાગ્યા હતા.

એકધારા શ્રમ, દડમજલ અને તણાવને લીધે પરસેવે રેબઝેબ થતા કેસીએ ઈશારો કર્યો એટલે એક આદમી વજનદાર કોશ વડે દિવાલનું તળ ખોતરવા માંડયો. તદ્દન ધીમા ફટકા મારીને અને ભારે બળપૂર્વક કોશ અંદર ખોસતા જઈને આશરે અડધી કલાક પછી છ-સાત ઈંચ ઊંડું અને દોઢેક ફૂટ લાંબું બાખોરું તૈયાર થઈ ગયું.

ડંકા ગગડવાને હવે ચંદ મિનિટો જ બાકી હતી. એટલી વારમાં એ બાખોરામાં બારુદ ધરબીને અડધો ફૂટ લાંબી સિંદરી સળગાવી તેનો બીજો છેડો બારુદમાં ખોસ્યો અને સૌ સલામત અંતરે ખસીને ભોંયસરસા ચંપાઈ ગયા.

બરાબર પોણા પાંચે સૂમસામ સ્તબ્ધતાની છાતી માથે પહેલો ડંકો પડઘાયો. દસ સેકન્ડના વિરામ પછી બીજો ડંકો અને પછી તરત ત્રીજા ડંકા સાથે મહેલની છત પર પ્રચંડ અવાજે ઝાલર, ડંકા ગગડવા લાગ્યા. પ્રબુધ્ધ શક્તિની જાગવાની એ વેળા હતી. એ જ વખતે ભીષણ ધડાકા સાથે બારુદ ફાટયો હતો અને સૈકાઓ જૂની એ દિવાલ ધડાકાભેર ફસકી પડી હતી.

દિવાલ ભાંગતાં ઉડેલી ધૂળની ડમરી અને બારુદનો કાળોમેંશ ધૂમાડો ઓસરે એ પહેલાં જ કેસીએ દોટ મૂકી દીધી અને ઈંટ-પથ્થરના જેમતેમ ઊડેલા રોડાં કૂદાવતા જઈને એ ઓરડામાં પ્રવેશ્યો એ જ વખતે એકસામટી બંદૂકો ગરજી હતી. કેસી કંઈ સમજે, આડશ શોધે, વળતો ફાયર કરે એ પહેલાં તેના ખભામાં, પડખામાં અને પેઢુમાં ત્રણ ગોળી ઘૂસી ગઈ હતી.

નોર્બુલિંગ્કા તરફ કેટલાંક આદમીઓ ધસી રહ્યા છે એવો સંદેશો ઝાડ પર છૂપાવેલા આદમીએ આપ્યો એ સાથે જ ખંધો મેજર આખો ય મામલો પામી ચૂક્યો હતો. અંધારી રાતે પેલેસ ભણી આવનારા આદમીઓનો ઈરાદો શું હોય એ હવે તેને સમજાવવું પડે તેમ ન હતું. તેણે તરત પોતાના ફર્સ્ટ ઓફિસરને તૈનાત કર્યા હતા. એખલાસ અને સદ્ભાવ અને સારા વર્તાવની ઐસીતૈસી કરીને બંદૂકની અણીએ લામામંડળને એકઠું કર્યું હતું અને બેય પાસવર્ડ લાગુ કરીને પવિત્ર ઓરડાનો દરવાજો ખોલાવ્યો હતો અને ખુદ પોતે ગન તાકીને ઊભો રહી ગયો હતો.

બહારથી દિવાલ પર ઝિંકાતા કોશના ફટકા જાણે મેજરના હૈયે ઝિંકાતા હતા. ચીનની સરકારને સુદ્ધાં બેખબર રાખીને તેણે પોતાલા પેલેસમાં છેક પવિત્ર ઓરડા સુધી હથિયાર સાથે પ્રવેશીને ખતરનાક જોખમ ખેડી નાંખ્યું હતું. હવે તો ઘુસણખોરોને રંગે હાથે, ઓન ધ એક્શન ઝડપ્યા વગર છૂટકો જ ન હતો.

અત્યાર સુધી વંકાતું રહેલું મેજર ક્વાંગ યુનનું નસીબ એ દિવસે પાધરું ચાલતું હતું.

બારુદ ફાટયો, દિવાલ ફસકી પડી તોય ચૂપકીદીભેર લપાયેલા રહેલા મેજરે જેવો પહેલા આદમીને અંદર પ્રવેશતો જોયો એ સાથે જ બેય હાથે ગન ચલાવી નાંખી હતી.

*** *** ***

દૂર રિન્દેમ મઠમાં એ આખી રાત વેદી જલતી રહી હતી. જૈફ લામા નામલિંગ કિરમજી દુશાલાની આડશમાં ચહેરા પરની ખિન્નતા ઢબૂરીને બોઝીલ આંખો પર પાંપણો દબાવીને રાતભર આહુતિ આપતા રહ્યા હતા.

અચાનક વહેલી સવારે તેમની આંખો ખુલી ગઈ હતી. આહુતિ આપતો હાથ ઉંમરવશ ધ્રૂજી રહ્યો છે કે રિન્દેમના હૈયાની ફફડાટી એ ધ્રૂજારી થકી છતી થાય છે એ પાસે બેઠેલો ભીખ્ખુ સમજી શકતો ન હતો.

ખોળામાં મૂકેલું આહુતિપાત્ર તેમણે આવેશવશ હડસેલી દીધું. ક્યાંય સુધી એકધારા તે યજ્ઞાની પવિત્ર વેદીમાંથી ઊઠતા હુતાશનને આક્રોશભેર જોઈ રહ્યા.

- અને પછી ધુ્રસ્કે ધુ્રસ્કે નાના બાળકની જેમ રડી પડયા.

ભીખ્ખુ તાજુબીપૂર્વક રિન્દેમ લામા નામલિંગની અજબ વ્યાકુળતા જોઈ રહ્યો. વેદીની અગનજ્વાળાઓને સંબોધતા હોય તેમ સ્વગત બબડી રહેલાં નામલિંગને સાંભળતો રહ્યો.

ત્યારે પહેલી વાર ભીખ્ખુને ખબર પડી કે રિન્દેમ નામલિંગ સન્યસ્ત ધારણ કરતાં પૂર્વે પૂર્વાશ્રમમાં ખામ્પા સરદાર યોદોંગ ત્સોરપેના નાના ભાઈ હતા. એ સંબંધે એનેરોદ ત્સોરપે તેમનો ભત્રીજો હતો અને એનેરોદનો દીકરો કેસાંગ ત્સોરપે તેમના પરિવારનો આખરી આતશ હતો.

દૈવીશક્તિથી કેસાંગની મહેચ્છા અને તેની નિયતિ પારખી ચૂકેલા નામલિંગ આજે અહીં બેઠા પોતાના પૌત્રની અંતિમ ક્ષણો નિરખી રહ્યા હતા.

(ક્રમશઃ)