Featured Books
શ્રેણી
શેયર કરો

ડિજિટલ ચાંચિયાગીરીથી બચાવતી ટેક્નોલીજી - ટુ સ્ટેપ વેરિફિકેશન

હાલમાં તમે સમાચારોમાં અને સોશિયલ મીડિયા પર ઘણું વાંચ્યું હશે કે ‘સોસીયલ ઈન્ફોર્મેશન લીક થઈ’... ‘હેકર્સ ત્રાટકયા સોશિયલ એકાઉન્ટ પર...’ વગેરે, તો જ્યારે આવું થાય ત્યારે તમારા એકાઉન્ટને કઈ રીતે ફુલપ્રુફ સુરક્ષિત કરવું જાણો છો? નહીં? ચિંતા નહિ! આપણે આ વખતે મેળવીશું ‘ટેક્નોજગત’માં બહુ ઉપયોગી એવા ‘ડબલ લોક’ એટલે કે ‘ટુ-સ્ટેપ-વેરિફિકેશન’ની માહિતી. ટુ-સ્ટેપ-વેરિફિકેશન એ ડબલ લોક સમું કાર્ય કરે છે. અત્યારના સમયમાં સોશિયલ મીડિયા સમાજનું એક અભિન્ન અંગ બની ચૂક્યું છે.

સોશિયલ મીડિયામાં આપણું ‘વ્હોટ્સએપ’ પણ હોય, ‘ઇન્સ્ટાગ્રામ’ હોય કે પછી ‘જી-મેલ’, તેમાં રહેલી તમારી માહિતી બહુ કિંમતી હોય છે. જો આ માહિતી કોઈ બીજી વ્યક્તિ મેળવી લે તો તમારી આ બધી માહિતીનો ઘણો દુરૂપયોગ કરી શકે છે. હાલમાં દરેક જગ્યાએ પાસવર્ડ તો હોય જ છે, પરંતુ આ પાસવર્ડ એક સાદા લોકની જેમ હોય છે. જો કોઈ વ્યક્તિ તમારો આ પાસવર્ડ જાણી જાય તો એ તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરી શકે છે. માટે, તમારા આવા એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવવા આ ટુ-સ્ટેપ વેરિફિકેશન બહુ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પાસવર્ડ વિસરાઇ જવાય અથવા કોઈ બીજા વ્યક્તિને તમારા આ પાસવર્ડની જાણ થાય તો એવા સંકટના સમયે ટુ-સ્ટેપ વેરિફિકેશન સંકટમોચન બની તમારા એકાઉન્ટની તથા સાથે સાથે તમારી માહિતીની રક્ષા કરે છે. મારા મતે તો આપણા બધા એકાઉન્ટનું ટુ-સ્ટેપ વેરિફિકેશન કરી જ લેવું જોઈએ. પણ જો તમને આ વિષયમાં પૂરતી માહિતી નથી તો ચિંતા ન કરશો, આ લેખ વાંચ્યા બાદ તમે પૂરી રીતે સમજી અને ઉપયોગ કરવામાં સમર્થ થઈ જશો.

ટુ-સ્ટેપ વેરિફિકેશન એ MFA/મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશનનો પેટા પ્રકારછે. મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે કોઈ વસ્તુનો ઍક્સેસ મેળવવા માટે બે પગથિયાંનો પ્રયોગ: એક પગથિયું જે તમે જાણો છો અને બીજું તમે જે છો અથવા તો જે તમારા પાસે છે તેવું. આ બન્ને વસ્તુની મદદથી તમે ઍક્સેસ મેળવી શકો. મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશનમાં એટલિસ્ટ ૨ સાબિતી આપવી પડે કે તમે જ સાચા માલિક અથવા તો ઉપયોગકર્તા છો.

દા. ત., કોઈ એક બેંકમાં તમારું લોકર છે. આ લોકર ખોલવામાં ૨ ચાવીનો પ્રયોગ કરવામાં આવે છે. એક ચાવી બેંક પાસે હોય છે અને એક ચાવી લોકરધારક પાસે રહેલી હોય છે. જ્યારે આ બંને કૂંચીનો એકસાથે ઉપયોગ કરવામાં આવે તો અને માત્ર તો જ બેંક લોકર ખોલી શકાય છે, ખરું ને?

બસ એવી જ રીતે ટુ-સ્ટેપ વેરિફિકેશનમાં એક માહિતી તમારી પાસે હોય - તમે જાણતા હો એવી માહિતી એટલે કે પાસવર્ડ અને એક એવી માહિતી જેનો જવાબ તમે જાણો છો અથવા તો એક ડેટા જે મુખ્ય માધ્યમ દ્વારા ૬ આંકડાનો એક કોડ મોકલવામાં આવે છે જે ઉમેરવાથી તમે ઍક્સેસ મેળવી શકો છો.

● તો ચાલો જાણીએ કે કઈ રીતે આ વેરિફિકેશન કરાય….

તમારા સોશિયલ મીડિયામાં સૌથી અગત્યનો ભાગ ‘જી-મેલ’ ધરાવે છે, કારણ કે તમારા દૈનિક કામકાજના મેઇલ્સ અને બેન્ક, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજારના મેઇલ્સ ઉપરાંત ફેસબુક, ટવીટર જેવી કોઈ પણ વેબ સર્વિસનો પાસવર્ડ ભૂલી જઈએ તો તેને રીસેટ કરવાની લિંક પણ ‘જી-મેઇલ’માં આવે છે. ટૂંકમાં આપણી ડિજિટલ લાઇફનો સૌથી જોખમી ભાગ એટલે ‘જી-મેઇલ’છે. તો આપણે તેને કોઈ પણ ભોગે સુરક્ષિત રાખવો જ રહ્યો.

તો આપણા સોશિયલ મીડિયાની ચાવી સમા ‘જી-મેલ’ને સુરક્ષિત કરવાની પદ્ધતિ નીચે મુજબ છે.

● ટુ-સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે શરૂ કરશો?

બહુ સહેલું છે. પીસીમાં હંમેશની જેમ, યૂઝરનેમ-પાસવર્ડ આપીને તમારા જીમેઇલમાં લોગ-ઇન થાઓ. હવે જમણી બાજુ ઉપર તમારા ફોટોગ્રાફ કે નામ પર ક્લિક કરો અને તેમાં ‘માય એકાઉન્ટ’ પર ક્લિક કરો (તમે સીધા જ myaccount.google.com માં જઈને પણ જીમેઇલની જેમ લોગ-ઇન થઈ શકો છો).

તેમાં ‘સાઇન-ઇન એન્ડ સિક્યુરિટી’ વિભાગમાં, ‘સાઇનિંગ ઇન ટુ ગૂગલ’ પર ક્લિક કરો.

અહીં જરા નીચે સ્ક્રોલ કરશો એટલે પહેલો વિકલ્પ, પાસવર્ડ આપ્યા વિના સાઇન-થવા વિશેનો મળશે. આ એક પ્રકારનું ટુ-સ્ટેપ વેરિફિકેશન જ છે.

આ સુવિધામાં જો તમારો એન્ડ્રોઇડ ફોન કે આઇફોન કોમ્પેટિબલ હશે તો તમે જ્યારે પીસીમાં ફક્ત તમારું જીમેઇલ યૂઝરનેમ આપશો એટલે તમારા સ્માર્ટફોનના સ્ક્રીન પર, ‘તમે જીમેઇલમાં સાઇન-ઇન થવા માગો છો? હા કે ના?’ એવું પૂછવામાં આવશે. હા કહેશો તો પીસીમાં તરત લોગ-ઇન થઈ જશો. આ સુવિધા ચાલુ કરવા, ‘ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરો. તમે ગૂગલને તમારો મોબાઇલ નંબર નહીં આપ્યો હોય તો તે પૂછવામાં આવશે, મોબાઇલ કોમ્પેટિબલ છે કે નહીં તે તપાસવામાં આવશે અને મોબાઇલનો સ્ક્રીન લોક્ડ છે કે નહીં એ પણ તપાવવામાં આવશે. બધું બરાબર હશે તો આ સુવિધા ચાલુ થઈ જશે.

આ પદ્ધતિમાં જ્યારે તમારો મોબાઇલ હાથવગો ન હોય ત્યારે તમે પાસવર્ડની મદદથી લોગ-ઇન થઈ શકશો.

આથી પણ વધુ સલામતી માટે પાસવર્ડ અને મોબાઇલ બંનેનો ફરજિયાત ઉપયોગ કરવો હોય તો ટુ-સ્ટેપ વેરિફિકેશન જરૂરી છે. એ માટે…

- ફરી ‘સાઇનિંગ ઇન ટુ ગૂગલ’ વિભાગમાં જઈ, નીચેની તરફ સ્ક્રોલ કરો અને ‘ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓફ’ લખેલું જોવા મળે તેની બાજુના એરો પર ક્લિક કરો.

- ‘ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરો. ખાતરી માટે ફરી એક વાર તમારો પાસવર્ડ પૂછવામાં આવશે.

- તમે ગૂગલને તમારો મોબાઇલ નંબર જણાવ્યો ન હોય તો તે પૂછવામાં આવશે.

- ફોન પર આપણે બે રીતે, કોડ મેળવી શકીએ છીએ : એસએમએસ સ્વરૂપે અને ફોન કોલ સ્વરૂપે.

- કોઈ પણ એક પદ્ધતિ પસંદ કરી આગળ વધો, ધારો કે એસએમએસ સ્વરૂપે.

- તરત તમે આપેલા ફોન નંબર પર એસએમએસમાં ૬ અંકનો એક કોડ મળશે, એ પીસીમાં લખો. બધું બરાબર રહેશે તો હવે તમે ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરી શકશો.

આમ કરવાથી તમારો જીમેલ ફુલપ્રુફ સુરક્ષિત થઈ જશે અને તમારી બધી માહિતી પણ સાચવેલી રહેશે.

આ જ ટુ-સ્ટેપ વેરિફિકેશન બીજા બધા સોસીયલ મીડિયામાં પણ કરી શકાય છે.

દા. ત,

વ્હોટ્સએપ

ઇન્સ્ટાગ્રામ

ફેસબૂક

ટ્વીટર

૧. વ્હોટ્સએપ માં ટુ-સ્ટેપ વેરિફિકેશન:

સૌપ્રથમ તો તમે વ્હોટ્સએપ પર એકાઉન્ટ બનાવેલું હોવું જોઈએ. ત્યાર બાદ તમારા એકાઉન્ટ ને વધુ સિક્યોર કરવામાટે તેમાં આવતા ઓપ્શન પર કિલક કરો તેની અંદર સેટીંગ નામના વિકલ્પ ને પસંદ કરો.

આ વિકલ્પ પસંદ કરતાં બીજા ઘણા પેટા વિકલ્પો સામે આવશે જેમાંથી એકાઉન્ટ પર ક્લિક કરો.

હવે તમારા મોબાઇલ સ્ક્રીન પર વિકલ્પો બતાવશે તેમાંથી આપણો પસંદીદા એટલે કે ટુ-સ્ટેપ વેરિફિકેશન પર ક્લિક કરો. તેમાં પ્રથમ તબક્કામાં તમારે ૬ અંક નો એક પાસવર્ડ સેટ કરવાનો રહેશે.. એ પાસવર્ડ ને કંફૉર્મ કરો તથા તમારી ઇમેઇલ આઈડી ઉમેરો. આ પ્રક્રિયા પુરી થતા તમારો વ્હોટ્સએપ એકાઉન્ટ ડબલ લોક થઈ જશે.

જ્યારે તમે આ જ મોબાઇલ નંબર પરથી બીજી વખત લોગ-ઇન કરશો તો પહેલા તમે ૬ આંકડાનો સેટ કરેલો પાસવર્ડ ઉમેરવો પડશે જેથી વ્હોટ્સએપ ને જાણ થાય કે તમે માન્ય વ્યક્તિ છો.

૨. ઇન્સ્ટાગ્રામ:

ઇન્સ્ટાગ્રામમાં જો તમારે ટુ-સ્ટેપ વેરિફિકેશન કરવું હોય તો તમારા એકાઉન્ટમાં જઇ ઓપ્શન પર ક્લિક કરવું અને એ વિકલ્પને ચાલુ કરવું.

જેની મદદથી તમે જ્યારે પણ લોગ-ઇન કરશો ત્યારે તમારા વેરીફાઇડ/માન્ય મોબાઇલ નમ્બર પર ૬ આંકડાનો એક કોડ આવશે એ કોડ ઉમેરવાથી જ તમે એકાઉન્ટ માં લોગ-ઇન કરી શકશો.

૩. ફેસબૂક:

ફેસબૂકમાં ઇન્સ્ટાગ્રામ અને જીમેઇલની જેમ જ વેરીફાઇડ થાય છે. પણ ફેસબૂકમાં તમે મોબાઇલ નમ્બર અને ઇમેઇલ આઈડી ઉમેરી શકો છો જેની મદદથી જો તમારી પાસે તમારો મોબાઇલ હાથ વગો ન હોય તો તમે ઇમેઇલ આઈડી ની મદદથી પણ ફેસબૂક માં લોગ-ઇન કરી શકો છો.

૪. ટ્વીટર:

ટ્વિટરમાં પણ ફેસબૂકની જેમ જ ટુ-સ્ટેપ વેરિફિકેશન થાય છે. ટ્વિટર એકાઉન્ટને સાચવી રાખવું ખૂબ જરૂરી છે. ટ્વિટરથી નીકળેલી એક ટ્વિટ તમને ક્યાંયથી ક્યાં લઈ જઈ શકે છે. તો તમારા આ એકાઉન્ટને સુરક્ષિત બનાવી જ્યાં છો ત્યાં રહો અથવા તો આગળ વધો!

તો આ રીતે તમારા એકાઉન્ટને સેફ કરો સુરક્ષિત રહો આગળ વધતા રહો અને વાંચતા રહો ‘ખજાનો.’

આભાર.

- ઉદય ભાનુશાલી

(આ લેખને કલરફૂલ પાનાંમાં સચિત્ર વાંચવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)