માઇક્રો ફિક્શન - 3 Hetal Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માઇક્રો ફિક્શન - 3

અપના ટાઇમ આયેગા

તાજા ખીલેલા પુષ્પો અને પંખીઓના કલરવ થી ગુંજતી ખુશનુમા સવાર હતી ,આળસ મરડીને તે બેઠી થઇ ગઇ અને ભજનની મધુર ધૂન ગુનગૂનાવા લાગી.
ત્યાં જ તેણે રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સાંભળ્યો -"સવાર સવારમાં શું રાગડા તાણો છો'' દીકરા એ ઠપકો આપ્યો, તે ચૂપચાપ ફરી પથારીમાં સૂવા ગઇ ત્યાં જ દીકરાના મોટા દીકરા સેમના રૂમમાં ચાલતાં રેપ સોન્ગ થી આખું ઘર ગૂંજી ઉઠ્યું "અપના ટાઇમ આયેગા".

વરસાદ

વરસાદી મોસમમાં ચા અને ભજીયા મળી જાય તો મોજ જ મોજ રાહીલની દર પહેલાં વરસાદે ફરમાઇશ રહેતી.
આજે પણ મૌસમનો પહેલો વરસાદ ઝરમર વરસી રહ્યો હતો અને સાથે જ વરસતી આંખો એ હીરલ કોરા કપાળ અને સૂના ગળાએ ભાન ભૂલી ભજીયા બનાવે જઇ રહી હતી.

સભ્ય સમાજ

સભ્ય સમાજ તેને હીન અને નીચલી કક્ષાના શબ્દો થી નવાજતો પણ તે હવે આ બધાં થી ટેવાઈ ગઇ હતી.
કેમ કે રાતના અંધકારમાં સમાજના માનનીય અને અગ્રણી કહેવાતા આ જ લોકો ને તેણે કપડાની સાથે સાથે શરીફાઇનો મુખવટો ઉતારતા જોયા હતા, નેતા હોય કે સરકારી અધિકારીઓ, મૌલાના હોય કે પૂજારી, બધાં જ એક નિર્જીવ વસ્તુ ની જેમ તેના શરીર સાથે રમીને ચાલ્યા જતાં.
પણ પોતાની લૂટાંઇ રહેલી ઇજ્જત ને સવાર થતાં જ કપડાં સાથે સંકોરતા તે પોતાના એકમાત્ર એવા નાના ભાઈ ને ડોક્ટર બનાવવા ના સપના જોતી.સભ્ય સમાજ તરફ ચાલતી પકડી લેતી.

પધરામણી

શેરીમાં નવરાત્રિ મહોત્સવ ચાલતો હતો ,બરાબર 12 વાગ્યા હતા, એટલે લોકો માતાજીની આરાધના કરવામાં વ્યસ્ત હતા.
અને ઘરમાં પતિ-પત્ની સાથે દાદા-દાદી પણ રડી રહ્યાં હતા, કેમ કે ઘરમાં ચોથી વાર પણ લક્ષ્મીજી પધાર્યા હતા.

માવડિયો

લોકો તેના પર હસતાં અને માવડિયો કહેતા કેમ કે કરોડપતિ શેઠ ધનસુખલાલની એક ની એક દીકરી સાથે લગ્ન કરી ઘરજમાઈ બનવાની જગ્યાએ તેણે પોતાને એકલા હાથે તકલીફો વેઠી ઉછેરનાર મા ની સાથે રહેવા નું પસંદ કર્યું હતું.

ગોદડી

જમના મા દોરી વાળા ખાટલા પર આંસુ સારતા પડ્યા હતા.દોરીની છાપ શરીર પર ઉપસી આવી હતી.
જેનો જન્મ પણ થયો ન હતો તે પહેલાં જ તેમણે હાથે બનાવી મુલાયમ ગોદડી ઓનો ઢગ ખડકી કાઢ્યો હતો તેવા પુત્ર એ રોજ ગોદડી ગંદી કરો છો એમ કહીને તેમને એમ જ સુવા મજબૂર કરી દીધા.

બેરંગ સાડી

તે અરીસા સામે ઉભી રહી અને પોતાની જાતને જોઇ રહી,
તેની ફેવરિટ લીલા રંગની સાડી જે ફસ્ટૅ એનિવર્સરી પર અવિનાશે તેને ગિફ્ટ આપી હતી ચહેરા પર હળવો મેકઅપ તેની સુંદરતા મા ચાર ચાંદ લગાવતો હતો ,પાછળ થી હળવા પગે આવેલા અવિએ તેને ઉંચકી લીધી અને ગોળ ફેરવવા લાગ્યો.
ત્યાં જ અચાનક સાસુમાની બુમ સાંભળી તે ઝબકી ગઇ બે રંગ એવી સફેદ સાડીમાં પોતાની જાતને લપેટતી જાતને સંકોરતી, બહાર આવી ગઈ.

ભમરો

કૈવલ આઇ લવ યુ ની બુમો પાડતા સુરભી ના પગ પકડીને રડી રહ્યો હતો.આખરે બે મહિના પછી આજે સુરભી એ તેના પ્રપોઝલને એકસેપ્ટ કર્યો.
બંને ગાડૅનમા બેસીને હાથમાં હાથ લઇ વાતો કરવા લાગ્યા, બીજી બાજુ કૈવલની આગલી ગલૅફ્રેન્ડે હાથની નસ કાપીને આત્મહત્યા કરી લીધી. બાગમાં ભમરો એક ફુલ થી બીજા ફૂલ પર રસ ચૂસતો ફરતો હતો.

પિતાનુ નામ

દીકરીનું ભણવાનું સ્વપ્ન પૂરું કરવા માટે તો તેણે કેટલુ વેઠ્યુ હતુ, ચંપા આન્ટી ની કાનના કીડા ખરી પડે તેવી ગાળો સાંભળી હતી અને માર પણ ખાધો હતો.
દીકરીના સ્કૂલ નું ફ્રોમ ભરતી વખતે પિતાના નામ આગળ તે અટકી ગઈ, શહેરની બદનામ ગલીમાં પોતાની દીકરી નહી જ રહે ,બસ આ એક આશા સાથે તેણે પિતા તરીકે પોતાનું નામ લખી દીધુ. એક નવી આશા સાથે દીકરીનો હાથ પકડી વર્ગખંડ તરફ આગળ વધી.