કૂબો સ્નેહનો - 6 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 6

? આરતીસોની ?
પ્રકરણ : 6

❣️કૂબો સ્નેહનો❣️

આપણે આગળ જોયું કે પ્રિન્સિપાલ સાહેબે પણ મૂંછ પર તાગ દેતાં દેતાં 'પરિણામ પછી જોયું જશે' કહીને કંચને ઉછીની રકમ માંગતા વાત પછી ઉપર ઠેલી દીધી. અને આમ કંચનનો મુંઝારો વધી ગયો હતો કે, 'પછી પણ ક્યાંથી રકમ એકઠી થશે?' હવે આગળ જોઈએ..

છેલ્લા દસ વર્ષથી કંચનને પોતાનાં પરિવારના પેટ પૂરતી ચણ્ય એકઠી કરવા સિવાય સવારથી રાત બીજી કોઈ ઉપાસના નો'તી. એમાં વળી પાછી એક ઉપાસના વધી'તી. 'ગમે તેમ કરીને વિરાજને આગળ ભણાવવો.' પણ કંચન જાણતી હતી. ભણતર દીવા સમાન છે જે આખી જિંદગી વિરાજને કામ લાગવાનું છે. ભણતર જ ઘરને ઝળહળતું રાખશે. એટલે જ એ વિરાજને ભણાવવા મથામણો કર્યા કરતી હતી. પણ ઈશ્વરનું કરવું કંચન છેક સુધી રકમની વ્યવસ્થા કરી શકી નહોતી.

વિરાજ કંચનનો ચિંતિત ચહેરો જોઈ સઘળું સમજી ગયો હતો કે, 'અમ્માથી રકમની વ્યવસ્થા થઈ શકી નથી.' અેટલે એ ત્યાર પછી ક્યારેય અમ્મા સામે શહેરમાં ભણવા જવાની વાત ખોલતો જ નહોતો.

આમ પરિણામ નજીક આવતું ગયું. એની આગલી રાત્રે કંચનની ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. સદાયે ઉછળકૂદ કરી બક બક કરતો વિરાજ અચાનક ધીરગંભીર બની ગયો હતો. અચાનક એનામાં આવેલું પરિવર્તન અમ્માથી પણ અજાણ્યું રહ્યું નહોતું.

બીજા દિવસે વિરાજના પરિણામ વિશે વિચારો કરતી કંચન સ્કૂલમાં બેલ મારવાની જગ્યાએ ખુરશી પર બેસી રહી હતી.

મણીકાકાએ થોડી ધણી મદદ કરવા કહ્યું હતું, પણ શહેરના ખર્ચા પ્રમાણમાં ખૂબ વધારે હોય છે, જેમાં પહોંચી વળાય એવું નહોતું અને ઉછીના આપવા કોઈ તૈયાર થયું નહીં. આથી કંચનની બધાંની પાસેની અપેક્ષાઓ નઠારી નીકળી હતી. ગારમાટીની તકલાદી દીવાલ ઉપર સિમેન્ટના પ્લાસ્ટર જેવું બનાવટી હાસ્ય પાછળ લોકોના વિપરીત ચહેરા હોય છે એ એને ક્યાં ખબર હતી.!!

“અમ્મા તમને પ્રિન્સીપાલ સાહેબ ઑફિસમાં બોલાવે છે.” એક વિદ્યાર્થીએ આવીને કહ્યું,

કંચન ઝબકી અને પેટમાં ફાળ પડી, મન મસ્તિષ્કમાં ઉથલ પાથલ થઈ ગઈ. ફાટેલી ઈચ્છાઓ ઉપર મારેલું સ્વપ્નનું થીગડું જાણેકે વધારે ચિરાઈ ગયું હોય એવી થથરી ગઈ હતી.

'ચોક્કસ ઉછીના રૂપિયા માગ્યા હતા એટલા માટે જ બોલાઈ હશે.! છેલ્લા બે મહિનાની ફી પણ ભરી શકી નથી. હે, કાન્હા.. શું કશું અણધાર્યુ બન્યું હશે? શું વિરુની કોઈ ફરિયાદ જેવું તો નહીં હોયને.?'

હૈયે ભારોભાર પસ્તાવો થયો, 'ક્યાં માંગણી કરી!!' સાહેબે બોલાવી હતી છતાંયે કંચન ખુરશીમાં જ હાલ્યાં ચાલ્યાં વિના સ્થિર વિચારોમાં ખોવાયેલી ખોડાઈ રહી.

'ના ના એવું કંઈ નહીં જ હોય.! હિંમત કરી કાન્હાનું નામ લઈ સાહેબની ઑફિસમાં જઈ તો આવું.!’ તોયે સૂનમૂન હજુયે બેસી જ રહી હતી.

પાછલા દસ વર્ષથી મનને ટપારતી હતી એમ આજેય એણે મનને ટપાર્યુ. 'થઈ થઈને શું થશે? જે થશે જોયું જશે. લાવ.. સાહેબ બોલાવે છે તે જઈ તો આવું.!!’

મનમાં પ્રવર્તતા જાત જાતના મતમતાંતર સાથે કંચન બીતી બીતી કાન્હાનું નામ લેતી, સાહેબની ઑફિસ તરફ ગઈ. ‘હે, કાન્હા.. લાજ રાખજે.. ઉછીની રકમ વિશેની વાત હશે તો કહી દઈશ કે, હું એને જ્યારે પણ સગવડ થશે ત્યારે શહેરમાં ભણવા મોકલીશ અને ફી ભરવાની બાકી છે એ વાત હશે તો જટ ભરી દઈશ એવી વાત કરીશ. કદાચ વિરુની કંઈ ભૂલ હશે તો સાહેબની માફી માંગી લઈશ.' આવું વિચારતી વિચારતી કંચન સાહેબની ઑફિસ બાજુ ધીમે પગલે ડરતી ડરતી ગઈ. કંચનના મન મસ્તિષ્કમાં માથું ભમી જાય એવી ધમસાણ્ય ઉપડી'તી.

“આવું સાહેબ.” કહી કંચન ઑફિસમાં દાખલ થઈ. પ્રિન્સિપલ સાહેબની ઑફિસમાં વિરાજના ક્લાસ ટીચર પણ બેઠેલા હતાં.

સાહેબે કહ્યું. "કંચન બેન જોયું, તમારા દીકરા વિરાજનું પરાક્રમ!!! મારો વિરુ.. મારો વિરુ.. એવું કહેતા થાકતાં નહોતાં તમે અને એય આખા ગામમાં ઢંઢેરો કરતો ફરતો હતો કે શહેરમાં ભણવા જવાનો છું.” એમ કહી એક પેપર ઊંચો કરી કંચન સામે ધર્યો.

જાણે વીજળી સાથે આખુંયે આકાશ તુટી પડ્યું હોય એવા ઝાટકા સાથે કંચન ધ્રુજી ઉઠી હતી. પ્રિન્સિપાલ સાહેબ સામે કંચન આંખો પરોવી ન શકી. ધીરેથી એ પેપર એના હાથમાં લઈને જોવા મથી રહી‌. 'શું હશે.? સાહેબ આટલાં ગુસ્સામાં છે..' સ્હેજ વાર મૌન છવાઈ ગયું.

"સાહેબ.. અંગૂઠા છાપ સુ.. આ બધી ક્યાં ગતાગમ પડે, સાહેબ.. કોઈ ભૂલ થઈ ગઈ મારા વિરુથી? એની કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી માગું છું. એને માફ કરી દેજો સાહેબ.. એની ફીની રકમયે આજે ને આજે ગમે ત્યાંથી ભેગી કરી ભરી દઉં છું, ચિંતા ના કરશો સાહેબ.!!" ને આટલું બોલતા તો કંચનની આંખમાં ઝળઝળીયાં ભરાઈ આવ્યા અને ડરની મારી સ્વબચાવમાં સાહેબ તો ત્રણ ચાર વખત બોલાઈ ગયું હતું. એને જે વાતની બીક હતી એવું જ થઈ રહ્યું હતું.©

ક્રમશઃ વધુ આવતાં પ્રકરણ ૭ માં જોઈશું કે, શું વિરાજની ફી નહોતી ભરી શકાઈ એટલે કંચનને સાહેબે ઑફિસમાં બોલાવી કે પછી વિરાજની કોઈ ફરિયાદ હતી.? કે પછી ઉછીના રૂપિયા માંગ્યા હતાં એટલા માટે..!!

-આરતીસોની ©