64 સમરહિલ - 87 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 87

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 87

પોણી કલાક પછી...

ચેકપોસ્ટથી દૂરની પહાડી પર બેય કાફલા ભેગા થઈ ચૂક્યા હતા. હેંગ્સુન હજુ ય ચેકપોસ્ટ આસપાસ લટાર મારતો, બીડીઓ વહેંચતો ફરતો હતો. કોઈને શંકા ન જાય એ માટે તેણે આરામથી નીકળવાનું હતું. અહીં બેય કાફલાના ચહેરા પર પહેલી કસોટી હેમખેમ પાર કર્યાની પારાવાર હળવાશ વર્તાતી હતી. ત્વરિત ખુશમિજાજ થઈને હિરનને પોતાનો અનુભવ કહી રહ્યો હતો. કઢંગા વેશમાં હાસ્યાસ્પદ લાગતા છપ્પનને જોઈને ઝુઝાર પહેલાં ખડખડાટ હસ્યો હતો અને પછી તેણે જોરથી બાથ ભરીને છપ્પનને, પ્રોફેસરને એકસામટા જ ઊંચકી લીધા હતા.

આરંભિક હળવાશ પછી આખરે કેસીએ વાત માંડી હતી.

'આગળ હવે છેક લ્હાસા સુધી ખાસ ભય નથી...' તેણે દરેકના ચહેરા બરાબર નોંધીને કહેવા માંડયું, 'હવે એકેય ચેકપોસ્ટ નહિ આવે. સિવાય કે રાઉન્ડમાં નીકળેલા કોઈ આદમી ભટકાઈ જાય. હજુ પણ આપણે સતર્કતા રાખવાની છે. આપણે છેક લ્હાસા સુધી બે ટીમમાં રહીને અલગ અલગ મુસાફરી કરશું. આખા ય રસ્તે મનોમન પ્રાર્થના કરતા જજો કે આપણો ઉદ્દેશ કોઈ અડચણ વગર સફળ થાય...'

એટલી વારમાં તેના આદમીઓએ ટેકરીઓ પર રંગીન ધજાઓ ખોસી દીધી હતી. માખણનો દીવો પ્રગટયો હતો અને કેસી, તાન્શી સહિત મુક્તિવાહિનીના દરેક આદમીઓ ઢીંચણભેર જમીન પર બેસીને ઉત્તર દિશામાં મોં કરીને શ્રધ્ધાભર્યા ભાવે ક્ષેમકુશળની પ્રાર્થના કરી રહ્યા હતા.

તેમનું જોઈને પહેલાં પ્રોફેસર એ સ્થિતિમાં પ્રાર્થનામાં જોડાયા. પછી હિરન, પછી ત્વરિત અને પછી સૌ કોઈ એવી જ શ્રધ્ધાથી હારબંધ બેસી ગયા.

ક્ષેમકુશળની પરવા અને આવી શકનારી અડચણો પાર કરવાની શ્રધ્ધાને ભાષા, સંસ્કૃતિ કે રિવાજનો ફરક નથી હોતો એવું વણકહ્યે સૌ કોઈને લાગી રહ્યું હતું.

*** *** *** ***

ડિફેન્સ સેક્રેટરીની ચેમ્બરમાંથી બહાર આવીને તેણે દમામભરી ચાલે આખી લોબી પસાર કરી. બહાર પગથિયા પાસે તેની ગાડી આવી ચૂકી હતી. ડ્રાઈવરે અદબભેર દરવાજો ખોલ્યો અને તેની સામે જોયું.

'હેલિપેડ તરફ લઈ લે...' તેણે સપાટ સ્વરે કહી દીધું.

એ જ વખતે ડિફેન્સ સેક્રેટરીની ઓફિસમાંથી રિજન્ટને (પ્રાંત અધિકારીને) સત્તાવાર મેઈલ રવાના થઈ રહ્યો હતો. જેમાં લખ્યું હતું, 'બેજિંગ સરકાર તરફથી મેજર ક્વાંગ યુનને તાત્કાલિક અસરથી તિબેટનો સર્વોચ્ચ હવાલો આપવામાં આવે છે. તિબેટમાં કાર્યરત પ્રશાસન અને ફૌજ બંને તેમના અધિકાર ક્ષેત્રમાં રહેશે. મેજર યુન ત્રણ કલાકમાં લ્હાસા પહોંચશે.'

કહેવા માટે તો કમ્પ્યૂટરના સ્ક્રિન પર મેઈલ સેન્ટ થઈ રહ્યો હતો...

- પણ ભેગાભેગી અડચણો ય રવાના થઈ રહી હતી... પારાવાર અડચણો.

*** *** ***

કશોક ભેદી કોલાહલ, લાકડાના પાટિયા પર દાંડી પીટવાથી થતી બોદી ઠકઠકાટી જેવો કશોક અવાજ, મંત્રોચ્ચારની માફક નિશ્ચિત લયમાં સામૂહિક રીતે બોલાતા કશાક શબ્દો અને પથ્થરની ભોંય પરથી પસાર થતા પગરવનો અવાજ...

ત્વરિતની આંખ તો ખુલી ગઈ પણ હજુ ય તેને સમજાતું ન હતું. બાજુની ખાટ પર છપ્પન પડખાભેર નસકોરાં બોલાવી રહ્યો હતો. ખાટ સાંકડી પડવાથી ભોંય પર સૂતેલો ઝુઝાર પણ બહાર થતા દેકારાથી પડખું ફર્યો હતો, ઘડીક કાન સરવા કર્યા અને પછી મોં પર કામળી ઓઢીને ફરીથી સૂઈ ગયો.

એ સિવાય કમરામાં કોઈ ન હતું. પ્રોફેસરની અને કેસીની પથારી ખાલી હતી. ત્વરિત સફાળો બેઠો થયો. તેની કમરમાં હજુ ય સબાકા નીકળી રહ્યા હતા.

ચેકપોસ્ટ વટાવ્યા પછી યાકની પીઠ પર મુસાફરી શરૃ થઈ ત્યારે શરૃઆતમાં તો બહુ સારું લાગ્યું હતું પણ અડધો દિવસ વટાવ્યા પછી કમરના અંકોડામાં કિચૂડાટી બોલવા માંડી હતી.

પહાડના ઢોળાવ પર ડાબે-જમણે લયબધ્ધ ડગલાં માંડતું યાક ધ્યાનસ્થ યોગીની અતૂટ તંદ્રાની માફક એકધારું ચાલ્યા કરતું હતું પણ તેના લયના પ્રત્યેક હિલોળે અસવારનું શરીર પણ હાલક-ડોલક થતું રહેતું હતું. મેદાન પર ઘોડેસવારી કરવી અને યાકની પીઠ પર સવાર થઈને પહાડી ઈલાકાની સફર કરવી એ બેયમાં કેટલો તફાવત એ ઝુઝારને ય તરત સમજાઈ ગયું હતું.

ચંબલની ઘાટીઓમાં ઘોડા તબડાવી ચૂકેલા ઝુઝારે શરૃઆતમાં ગમ્મતભેર યાકને ય એમ જ તબડાવ્યું હતું પણ એક-બે પાતળી કરાડ પર યાકે અણધાર્યો હિલોળો લઈને જે રીતે આબાદ કૂદકો માર્યો ત્યારે ઝુઝાર માંડ પડતાં પડતાં બચ્યો હતો.

ચેકપોસ્ટ વટયા પછી પહેલે દિવસે બે મોટી પહાડી ઓળંગવાની હતી એટલે બેય ટીમે એક સાથે જ પ્રવાસ ખેડયો. પછીના દિવસે કેટલાંક કસ્બાઓ આવતા હતા એટલે કેસીની ટીમ યાક પર પહેલાં રવાના થઈ અને તાન્શી સાથે શોટોન કલાકારોનો સ્વાંગ ચડાવીને ત્વરિત, પ્રોફેસર પણ ખાસ્સું અંતર રાખીને નીકળ્યા. રાત્રે નિયત કરેલી જગાએ સૌ ભેગા મળવાના હતા.

દરેક કસ્બા આવે એટલે કેટલાંક ભેદી લોકો કેસીને મળવા આવતા હતા. ભાવવિભોર ચહેરે કેસીનું કપાળ ચૂમતા હતા અને અહોભાવભરી આંખે તેને નિરખી રહેતા હતા. વધઘટ મુજબ સામાનની આપ-લે થતી હતી. ક્યારેક કેસી તો ક્યારેક તાન્શી આ અજાણ્યા લોકો સાથે દૂર જઈને ગૂફતગુ કરતાં રહેતાં હતાં.

કેસીએ જડબેસલાક પાથરેલા નેટવર્કને હિરન, ત્વરિત તાજુબીથી જોયા કરતાં હતાં.

બીજા દિવસે આકાશ ચોખ્ખું હતું. વરસાદ અટકી ગયો હતો અને મજાનો નરમ, કૂણો તડકો નીકળ્યો હતો. સળંગ મુસાફરીથી સૌના ચહેરા પર થકાન ઊભરી આવી હતી. ખાસ તો યાકની પીઠ પર સવારી કરવાના મહાવરાના અભાવે દરેકની કમર જવાબ દઈ ગઈ હતી એટલે કેસીએ બપોર થતાં જ પડાવ નાંખી દીધો હતો.

ઊંચી ચટ્ટાન પર સૌ લથબથ કપડાં અને સામાનના પોટલા સૂકવવા મૂકી રહ્યા હતા ત્યારે મુક્તિવાહિનીના આદમીઓએ ખડકની આડશમાં ચૂલા પેટાવવા માંડયા હતા. ચોખાના લોટમાં લીલાં મરચાં નાંખીને પૂડલા જેવી કશીક વાનગી રંધાઈ હતી. વગડામાંથી વીણેલા કંદમૂળ અને અજાણી વનસ્પતિના વેલા બાફીને બનાવેલાં સૂપનો બેહુદો સ્વાદ પણ અત્યારે ગળે ઉતરી જતો હતો.

'લ્હાસામાં આપણી વ્યવસ્થા થઈ ચૂકી છે...' ભોજન પછી પહાડીની છાયામાં આડા પડેલા હિરન અને પ્રોફેસરને સંબોધીને કેસીએ વાત માંડી, 'ક્યા અવરોધો આવશે એ વિશે કંઈ કહી શકાય નહિ. આપણે ઓછામાં ઓછા સમયમાં તમારું કામ આટોપવું પડશે. ડૂ યુ હેવ એની ક્લ્યૂ? એ સ્થળો ઓળખવાની કોઈ એંધાણી કે એવું કશું?'

કેસીના સવાલ પછી હિરને અને પ્રોફેસરે વાત માંડી.

પ્રાચીન ભારતના અત્યંત મોંઘેરા જ્ઞાનવારસાના દુર્લભ પુસ્તકો તિબેટમાં હોવાનું એકમાત્ર સત્તાવાર બયાન હતું અને એ બયાન કરનારા રાહુલ સાંકૃત્યાયન હતા. તેમણે પોતે લામાઓની અનુમતિ પછી કેટલીક પ્રતોની નકલ ઉતારી હતી. એ સિવાય તેમણે તિબેટના વિહારોમાં જોયેલા પુસ્તકો, હસ્તપ્રતો, તામ્રપત્રોનો એક કેટલોગ તૈયાર કર્યો હતો. પોતે નોંધેલી વિગતો તો તિબેટમાં જોયેલા ખજાનાની સરખામણીએ સોયની અણી જેટલી ય નથી એવું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

'હમ્મ્મ્મ...' કેસીને ય આ દરેક વિગત પારાવાર રસ જગાવવા માંડી હતી, 'તેમણે ક્યા વિહારના ભોંયરામાં આ પુસ્તકો જોયા એ વિશે કોઈ ઉલ્લેખ છે?'

'ના...' પ્રોફેસરે જવાબ વાળ્યો, 'કારણ કે, મધરાત વિત્યા પછી આંખે પાટા બાંધીને તેમને લઈ જવામાં આવતા હતા. એટલે તેમણે કોઈ વિહારનું ભૌગોલિક સ્થાન જોયું નથી. હા, કેટલેક ઠેકાણે તેમણે વિહારની આંતરિક બાંધણી કે જર્જરિત હસ્તપ્રતો સાચવવાની પધ્ધતિઓનો ઉલ્લેખ કર્યો છે.'

દિવસભરના આરામ પછી રાત ઢળતા જ કાફલો ઉપડયો હતો અને આખાય રસ્તે કેસી સતત પૂછતો રહ્યો. હિરન અને પ્રોફેસર જવાબ વાળતા રહ્યા. લ્હાસા પહોંચ્યા પછી ય અંધારામાં જ બાચકા ભરવાના હતા પણ તેમ છતાં ય પ્રોફેસરનો ઉત્સાહ બેવડાવા લાગ્યો હતો.

થોડાં થોડાં વિરામ લઈને સળંગ ચોવીશ કલાકની આકરી મુસાફરી પછી લ્હાસાની ચેકપોસ્ટ પાર કરી ત્યારે મધરાત થવા આવી હતી. ગામેગામથી આવેલા શોટોન કલાકારોના ટોળામાં તાન્શીની આગેવાની હેઠળ ત્વરિત, પ્રોફેસર અને છપ્પન ભળી ગયા હતા. બાકીની ટીમ છાતી પર બેઝ ચિપકાવીને પસાર થઈ. નાકા પર દરેકની અંગજડતી લેવાઈ, સામાન ચેક થયો અને ખાસ કોઈ સવાલ-જવાબ વગર તેમને પ્રવેશ મળી ગયો હતો.

શોટોન મહોત્સવના સ્થળે પહોંચીને પહેલો તંબુ દેખાયો કે તરત રંગબેરંગી વાઘા ઉતારીને ત્રણેયને તાન્શીએ ડુપ્લિકેટ બેઈઝ આપી દીધા હતા. મોડી રાતે રોકાણના સ્થળે પહોંચ્યા ત્યારે આટલા દિવસમાં પહેલી વાર હુંફાળું ઘર, નર્મ પથારી જોઈને દરેકની આંખોમાં રીતસર હાશકારો ઉભરાઈ આવ્યો હતો.

કરોડરજ્જુના હાડકામાંથી કડેડાટી બોલતી હતી તોય ત્વરિતે પરાણે શરીર સ્ટ્રેચ કરી નાંખ્યું અને અધૂકડું વાસેલું કમાડ ઉઘાડીને તેણે ઊંઘરેટી આંખે બહાર નજર નાંખી.

દૂર પહાડો પરથી નીચે ઉતરતો સોનલવરણો તડકો સાંકડી, પથ્થર જડેલી પગથારના ઢોળાવ પર જાણે રેલાઈને ઉંબરો પખાળતો હતો. બહાર કેટલાંક લોકોની આવનજાવન ચાલુ હતી. કમરથી નીચે છેક પગની પાની સુધી પહોળી મોરીની લૂંગી જેવું રેશમી વસ્ત્ર વિંટાળેલા લોકોની આવનજાવન ચાલુ હતી. કોઈક ખચ્ચરની પીઠ પર બેય બાજુ મોટા સૂંડલામાં સામાન લાદીને પસાર થતું હતું તો કોઈક સાઈકલની પાછળ ઠેલણગાડી લઈને પસાર થતા હતા.

પોતે બહાર નીકળવું કે નહિ તેની અવઢવમાં ત્વરિત ઘડીક ત્યાં જ ખોડાઈ રહ્યો. એ જ વખતે પગથારની સામેની ટેકરી પરથી નીચે ઉતરતા પ્રોફેસર અને કેસીને તેણે જોયા.

'ગુડ મોર્નિંગ ત્વરિત...' પ્રોફેસરના અવાજમાં અજાયબ ઉત્સાહ હતો. તેમણે હાથમાં રહેલું પોટલું ત્વરિતને થમાવ્યું. તેમની પાછળ કેસી ય અંદર પ્રવેશ્યો.

'સોરી... થાકને લીધે મારી ઊંઘ જરા મોડી ઊઘડી...' બહાર તડકો બરાબર જામ્યો હતો. પોતે આટલી વાર સુધી ઊંઘતો રહ્યો અને આ લોકો તો કામે ય લાગી ગયા તેના અહેસાસથી ત્વરિત મનોમન કોચવાતો હતો.

ત્વરિત ફ્રેશ થયો એટલે પ્રોફેસરે અને કેસીએ સવારના ઉદ્યમનો હિસાબ આપવા માંડયો.

'અહીંથી દોઢ કિલોમીટર દૂર દક્ષિણ દિશાએ એક નાનકડો વિહાર છે. તેને બૌધ્ધ દર્શનનું કેન્દ્ર કહો કે આધ્યાત્મિક મઠ પણ કહો. ત્યાં પહોંચીને અમે વિહારની પરિકમ્મા કરી અને વ્યવસ્થાપકને મળ્યા. તને તાજુબી થશે...' પ્રોફેસર અજબ ઉલટભેર કહી રહ્યા હતા, 'આરંભિક વાતચીત પછી જેવું મેં રાહુલ સાંકૃત્યાયન વિશે કહેવા માંડયું કે શરૃઆતમાં તો તેઓ સ્મિતભેર મને સાંભળતા રહ્યા અને પછી અંદરના ખંડમાં લઈ ગયા. હારબંધ ગોઠવેલા ઘોડાઓ પર જાતભાતના પુસ્તકોમાંથી તેમણે વચ્ચેની હાર તરફ આંગળી ચિંધી. ત્યાં રાહુલ સાંકૃત્યાયને બૌધ્ધ દર્શન વિશે લખેલાં પુસ્તકો હતા...'

'ઓહ્હ્... ગ્રેટ..' ત્વરિતને ય હવે પ્રોફેસરનો ઉત્સાહ સમજાતો હતો, 'રાહુલ ક્યા વિહારમાં હતા એ વિશે...'

'એ જ કહું છું...' પ્રોફેસરને જાણે પોતાની વાતમાં ત્વરિતના સવાલથી વિક્ષેપ થતો હતો, 'મેં એ વ્યવસ્થાપકને રાહુલની તિબેટયાત્રા વિશે, તેમના સાથીદાર ગેંદોન ચોફાલ વિશે મારી જાણકારી કીધી. રાહુલે ઉતારેલા પુસ્તકો અને જોયેલા પુસ્તકોના નામ વિશે ય મેં કહ્યું એટલે તેઓ મને એક જૈફ સાધુ પાસે લઈ ગયા. ધડ ઉપર ફક્ત કિરમજી રંગનો એક દુશાલો વિંટાળેલા એ જૈફ સાધુ હઠયોગની સાધના કરે છે. છેલ્લા ચાર વર્ષથી ધડથી નીચેના શરીરને જમીનમાં દાટેલું રાખીને તેઓ ધ્યાન ધરે છે. દિવસમાં ફક્ત સવારના સમયે ગણતરીની મિનિટો માટે જ વાત કરે છે.'

'તેમનો બોલવાનો સમય તો વીતી ગયો હતો પણ હજુ ધ્યાન શરૃ કર્યું ન હતું એટલે ઈશારાથી કે લખીને વાત થઈ શકે તેમ હતી. મેં તેમની સામે રાહુલનું પુસ્તક ધર્યું. રાહુલની તસવીર જોઈને તેમના ચહેરા પર સ્મિત આવ્યું. મેં પટણાથી આવેલા ઓરિએન્ટલ રિસર્ચના સ્કોલર તરીકે મારી ઓળખ આપી અને રાહુલ સાંકૃત્યાયન જે વિહારમાં રહ્યા હોય એ વિહાર વિશે માહિતી આપવા વિનંતી કરી.'

પ્રોફેસરે ખિસ્સામાંથી ચબરખી કાઢીને ત્વરિત સામે ધરી ત્યારે ત્વરિતના ચહેરા પર પણ એવી જ તાજુબી તરી આવી...

'ઝેન્પા મઠનું એ સરનામું છે...' ત્વરિત ચબરખી પર તિબેટી ભાષામાં લખાયેલું કશુંક જોઈ રહ્યો હતો અને પ્રોફેસરે ઉત્સાહપૂર્વક વાત જારી રાખી, 'અહીંથી આશરે ત્રીસ કિલોમીટર દૂર પૂર્વમાં ઝેન્પા નામના નાનકડા સરોવરના કાંઠે એ મઠ આવેલો છે. એંશી વર્ષ પહેલાં રાહુલ સાંકૃત્યાયન જ્યારે અહીં આવ્યા ત્યારે ઝેન્મા મઠ ચોફાલ સાધુઓનો મુખ્ય મઠ હતો. રાહુલને તિબેટ સુધી લાવનાર બૌધ્ધ સાધુ ગેંદોન આ મઠનો શિષ્ય હતો. હવે ત્યાંથી કંઈક માહિતી સાંપડી શકે...'

***

'એર સર્વેલન્સનો રિપોર્ટ રોજ ક્યારે આવે છે?' તેણે કાગળોની થોકડી પર નજર ફેરવતા પૂછવા માંડયું.

'જી સર, દિવસમાં બે વાર રિપોર્ટ આવે છે... સવારે દસ વાગ્યે અને સાંજે છ વાગ્યે' તેની સામે ઊભેલો આદમી અદબભેર કહી રહ્યો હતો પણ તેના ચહેરા પર અણગમો સ્પષ્ટ વર્તાતો હતો.

'ઈન્ડિયા સાઈડની બોર્ડર સીલ કરવા માટે કેટલી ટીમ મોકલી છે? ચાર્જમાં કોણ છે?'

'તમારો ઓર્ડર મળ્યો કે તરત લોકલ પોસ્ટને એલર્ટ કરીને વધારાની બે ટ્રુપ મોકલી આપી હતી'

'ટ્રુપ નહિ...' તેણે નાક પર લટકતા ચશ્માની આરપાર ધારદાર નજરે ઊંચે જોઈને કહ્યું, 'હું ટીમનું પૂછું છું... કેટલા જવાનને મોકલ્યા?'

'જી...' તેનો અણગમો હવે અછતો રહેતો ન હતો, 'એડમિનિસ્ટ્રેશનની ટર્મિનોલોજી તમને કદાચ ખબર ન હોય પણ એક ટ્રુપ એટલે સાઠ આદમી... એવી બે ટ્રુપ એટલે ૧૨૦ની ફોજ મોકલી છે'

'બહાર આવ...' તેણે ઝાટકા સાથે ખુરસી પરથી ઊભા થતા હુકમ કર્યો.

'હેં?'

'હેં નહિ, બહાર આવ...' તેણે બાવડું પકડીને રીતસર એ આદમીને બહાર દરવાજા તરફ ખેંચ્યો, 'મને કહે, તું કેટલેક દૂરનું જોઈ શકે છે?'

'તમે મને... કહેવા શું માંગો છો?' પોતાના હાથ નીચેના સ્ટાફની હાજરીમાં પોતાની આવી બેઈજ્જતી થાય એ તેનાંથી સહન થતું ન હતું.

'મેં બહુ સાદો સવાલ કર્યો છે, કેટલે દૂરનું તને દેખાય છે? સામેની પહાડી? તેની નીચે ભરાયેલી બજાર? બજારમાં ફરતા આદમી ઓળખાય છે? તેમના ચહેરા વર્તાય છે?'

સવાલનો હેતુ સમજાતો ન હતો એટલે તેણે ઓજપાયેલા ચહેરે નકારમાં ગરદન ધૂણાવી દીધી.

'માંડ ત્રણસો-ચારસો મીટર દૂર તને ભળાતું નથી અને સાડા ત્રણસો કિલોમીટર લાંબી પહાડી સરહદ પર તેં ફક્ત ૧૨૦ આદમી મોકલ્યા? એક આદમી ત્રણ કિલોમીટર સુધી નજર રાખશે?' તેના અવાજમાં ભારોભાર સખ્તાઈ હતી. 'તાત્કાલિક બીજી બે ટ્રુપ મોકલવાનો બંદોબસ્ત કર...'

'પણ..'

'શું કહ્યું મેં?' હવે તેણે રીતસર ત્રાડ પાડી દીધી અને તેની આંખોના ડોળા તગતગી ગયા, 'એડમિનિસ્ટ્રેશનની ટર્મિનોલોજી મને ભલે ખબર ન હોય પણ આર્મીની ટર્મિનોલોજી હું તને સમજાવીશ...'

તેણે બહાર જવા ઈશારો કર્યો એટલે પેલા આદમીએ નત મસ્તકે, ક્ષોભ ભર્યા ચહેરે ચાલવા માંડયું.

'અને સાંભળ, એક કલાક પછી હું ચેકપોસ્ટની વિઝિટ પર જવા માંગું છું. તારે મારી સાથે આવવાનું છે. દરેક ડિપાર્ટમેન્ટમાં ઓર્ડર કરી દે, નવા રિજન્ટ તરીકે રોજ સવારે બધાએ મને રિપોર્ટ કરવાનો રહેશે'

એ મેજર ક્વાંગ યુન હતો. લ્હાસા પહોંચતાની સાથે જ તેણે ચીફ ઓફિસર શીન લાઈને બરાબર કાંપતો કરી દીધો હતો.

(ક્રમશઃ)