શાળા માં ગુણોત્સવ હોઈ, બાહ્ય મૂલ્યાંકન થવાનું હોઈ અનિલા એ સ્ટાફ મિટિંગ કરી સ્ટ્રીક સૂચનાઓ આપી દીધી હતી, આખો સ્ટાફ જુના પેપર લઈ વાંચન, ગણન લેખન પર તૂટી પડ્યો હતો. શાળા માં બાહ્યમુલ્યાંકનકાર તરીકે પાણી પુરવઠા વિભાગ ના અગ્રસચિવ આવ્યા હતા. સાહેબે આખો દિવસ શાળાની સારી નરસી બાબતો ની નોંધ લીધી અને ગુણોત્સવ પૂરો કરી વાલી મિટિંગ કરી સાહેબ રવાના થયા.
ત્રણ માસ જેટલો સમય વીતી ગયો એક બાજુ શિક્ષકો ની ભરતી ચાલી રહી હતી અને બીજી બાજુ ગુણોત્સવ નું રિજલ્ટ આવ્યું છેલ્લા 5 વર્ષ માં પેહલી વખત મહાત્માગાંધી શાળા નમ્બર 1 B ગ્રેડ માં આવી હતી. આજે અનિલા ખૂબ ગુસ્સા માં હતી, ઉપર થી રમેશભાઈ પણ સંભળાવી ને ગયા આ સાલ મેડમ 10000 રૂ A ગ્રેડ નું ઇનામ આપણી શાળા ને નહીં મળે. હવે મેડમ શિક્ષણ પ્રત્યે સજાગ બન્યા, અપર ના સ્ટાફ ને કહી દીધું બે નું મહેકમ છે એટલે હજી એક ગણિત અને સામાજિક ના શિક્ષક કદાચ આ ભરતી મા આવી જાય, તો તમને લોડ ઓછો પડશે પણ મારા 18 તાસ નો સમાવેશ ટાઈમ ટેબલ માં કરી દો, હવે હું પણ ભણાવીશ. અને હા હવે દર શનિવારે સ્કૂલ છૂટ્યા પછી સ્ટાફ ની ચિંતન બેઠક મળશે અને સ્કૂલ 12 વાગે જ છૂટશે.
આજે શનિવાર હતો અને શાળા માં સવાર સવાર માં મીનાબેન(સામાજિક) અને મનીષભાઈ (ગણિત) ઓડર લઈ હાજર થવા આવ્યા.
મીનાબેન નું વતન વલસાડ જિલ્લા માં હતું અને અહીંયા કોઈ જાણીતું નોહતું એટલે એમની ઈચ્છા એવી કે હાજર થઈ અહીં રૂમ ની વ્યવસ્થા કરી સોમવારે આવી જઈશું, અને મનીષભાઈ વડોદરા જિલ્લા ના હતા એમને આમ તો અહીં વડોદરા કે ભરૂચ મળે તો સારૂ એમ હતું પરંતુ એ બંને જિલ્લા માં રિઝર્વ જગ્યાઓ જ હોવાથી એમણે ખેડા પર પસંદગી ઉતારી હતી.
અનિલા એ બંને શિક્ષકો ને હાજર કરી ટાઇમટેબલ બતાવી દીધું, મીના બેન તમે 7 બ અને મનીષ ભાઈ તમે 8 ક ના હાજરીપત્રક મેળવી લ્યો. મીનાબેન પેંડા લઈ ને આવ્યા હતા એમને એવું હતું કે સ્ટાફ ને પેંડા ખવડાવી આચાર્ય પાસે સેટ થવા એક બે દિવસ ની ભલમનસાઈ વાળી રજા લઈ વલસાડ ઉપડી જાવ અને જરૂરી સામાન લઇ ને આવીશ. પણ અહીંયા તો મેડમે કહી દીધું શાળા છૂટ્યા પછી ચિંતન બેઠક માં મળીશું ત્યારે પેંડા ખવડાવી દેજો, અત્યારે હવે કલાસ માં જઈ બાળકો ને પરિચય આપો.
શાળા છૂટી ને ચિંતન બેઠક શરૂ થઈ, નવા હાજર થયેલા વિદ્યાસહકો ને પોતપોતાનો પરિચય આપવા કહ્યું અને પછી અનિલા એ ભાષણ શરૂ કર્યું, ત્યાંજ મનીષ ભાઈ બોલ્યા મેડમ મારે આજે પહેલો દિવસ છે આટલા બધા દિવસો થી તમે બધા એ શું કર્યું છે એ મારે અત્યારે જાણવાની જરૂર નથી, તમે ચિંતન કરો મારે બરોડા પોહચવાનું છે હું નીકળું છું.અનિલા કઈ જવાબ આપે એ પેહલા જ મનીષ નીકળી ગયો.
અને KGF માં ફસાયેલા મજૂરો માટે જે મસીહા આવ્યો, અહીંયા સ્ટાફ એક ક્ષણ માટે આવી અનુભૂતિ મનીષ માટે કરવા લાગ્યો. એ દિવસે ચિંતન વધુ ના ચાલ્યું.
મનીષ એમએસસી બીએડ થયેલો યુવાન ટેટ પાસ અને ટાટ પણ પાસ બરોડા માં પ્રસિદ્ધ અંબે વિદ્યાલય માં કેમેસ્ટ્રી ટીચર, મહિને પચાસ હજાર આરામ થી કમાઈ લેતો એના પપ્પા ની જીદ ના કારણે સરકારી માં આવ્યો.અને એને સ્વભાવ મુજબ પડકારો વધુ પસંદ અને એટલેજ સ્થળ પસંદગી વખતે બે ભાઈઓ વચ્ચે થયેલી વાતચીત સાંભળી, એક ભાઈ અહીંના સ્થાનિક શિક્ષક હતા જે કોઈ મિત્ર ને સ્થળ પસંદ કરાવવા માટે જોડે આવ્યા હતા, અને તે મહાત્મા ગાંધી શાળા ની અને અનિલા ની વાત કરતા હતા કે આ શાળા જો છેલ્લે વધી હોય તોજ લેવાય બાકી અહીં ન જવાય, બસ પછી મનીષે નક્કી કર્યું મારે આજ સ્કૂલ લેવી છે. જ્યારે મીનાબેન ને કોઈ ઓપશન નોહતો અને એ અહીંયા મજબૂરીથી આવી ચડ્યા હતા.
સોમવારે આખો સ્ટાફ સમયસર હાજર ને મનીષભાઈ આવ્યા 10.42 એ તરત મેડમ બોલ્યા તમે 12 મિનિટ લેટ છો, બીજીવાર આવું થશે તો રજા મુકાઈ જશે. મનીષ બોલ્યો મેડમ ધમકી નહીં આપવાની રજા મુકવી હોય તો મૂકી દેવાની, બાકી સમય તો નિયમ મુજબ 9.30 નો છે, આખા રાજ્ય માં ચાલે છે તમે અહીંયા ઘરની સ્કૂલ નથી ચલાવતા, થોડું લેટ ગો રાખવું પડે. કહી ને એ વર્ગ માં ચાલતો થયો, એટલે મેડમે કહ્યું મોબાઈલ જમા કરાવતા જાવ. મનીષ બોલ્યો કોઈ અધિકારી આવે તો કહેજો આ સાહેબે મોબાઈલ જમા નથી કરાવ્યો, કહી એ કલાસ માં ગયો અડધી કલાક માં તો સૂચના બુક આવી ગઈ આજે સ્કૂલ છૂટ્યા પછી સ્ટાફ મિટિંગ માં હાજર રહેવું.
આજે અનિલાને પેહલી વખત કોઈએ આવો જવાબ આપ્યો હતો. સ્ટાફ મિટિંગ માં બધા શિક્ષકો પર ગરજવા લાગી, નવી નવી નોકરી છે તો સાચવવાની, મનીષ વચ્ચે જ અટકાવતા બોલ્યો મેડમ નવી નોકરી વાળા ની નોકરી જશે તો બીજી નોકરી તૈયાર છે, તમને આટલી ઉંમરે કોણ નોકરી આપશે એ વિચારજો. અનિલા મેમ ના તમામ નિર્ણયો માટે તર્ક બદ્ધ દલીલો થવા લાગી.
આખો સ્ટાફ હવે માનવા લાગ્યો હતો કે મનીષભાઈ ની દલીલ સાચી હોય છે, તે આચાર્ય તરીકે મનીષ ને વારંવાર નોટિસ આપવા લાગી,મનીષ દરેક નોટિસ નો લેખિત માં જવાબ આપે, સાથોસાથ સ્કૂલ છૂટ્યા પછી વાલી સંપર્ક કરવા લાગ્યો, વાલીઓ ને એમની ફરજો, કર્તવ્યો સમજાવવા લાગ્યો, એસેમસી ના સભ્યો ને એમની ફરજો અને કાર્યો સમજાવવા લાગ્યો. વાલીઓ ના મગજ માં એ વાત ઠાસવવા માં સફળ રહ્યો કે અનિલા ના સ્ટાફ સાથે ના વર્તન ને કારણે શિક્ષણ નું સ્તર નબળું પડ્યું છે. જો શિક્ષકો ને કોઈ ભય વિના મુક્ત મને કામ કરવા દેવામાં આવે તો બાળકો ને વધુ સારૂ શિક્ષણ મળી શકે એમ છે.
ચિંતન બેઠક માં પણ મનીષ અનિલા ને મોઢે સંભળાવવા લાગ્યો કે મેડમ અહીંયા નિયમ મુજબ જ કામ થાય છે, પરિપત્ર નો જ અમલ થાય છે. તમારા ત્રાસ ને કારણે કોઈ શિક્ષક ને એક્સટ્રા એક્ટિવિટી કરાવવા નું મન થતું નથી. અહીંયા બાળકો હોશિયાર છે, સ્ટાફ સપોર્ટિંવ છે, ફક્ત તમારી પદ્ધતિ બદલો રિજલ્ટ ચોક્કસ મળશે. અનિલા ની નોકરી દરમિયાન આ પેહલી વખત હતું કે એને કોઈએ સલાહ આપવાની હિંમત કરી હોય.
પછી શું!? અનિલા એ શાળા ના લેટરપેડ પર એક મોટી ફરિયાદ લખી, શાળા માં શિક્ષણ વિરોધી પ્રવૃત્તિઓ,અને અસભ્ય વર્તન ના આક્ષેપ સહ ડીપીઓ ઓફિસ માં ફરિયાદ આપી, અને ડીપીઓ સાહેબે અનિલા મેમ નો સારો રેકર્ડ જોતા એકતરફી નિર્ણય કરી મનીષ ની બદલી કરતો હુકમ કર્યો.
આ સમાચાર બાળકો એ ઘરે જઈ વાલીઓ ને આપ્યા, કે અમારા પ્રિય સાહેબ ને અમારા આચાર્ય બેને કઢાવી મુક્યા, બીજા દિવસે સ્ફુટી લઈ શાળાએ અનિલા પોહચી તો વાલીઓના ટોળે ટોળા.... મહાત્માગાંધી શાળા નં 1 માં પહેલીવાર તાળાબંધી થઈ હતી, ટીપીઓ સમજાવવા આવ્યા પણ વાલીઓ સમજતા નોહતા, ડીપીઓ આવ્યા વાલીઓ ને સમજાવવાની કોશિષ કરી, વાલીઓ ની એકજ માંગણી હતી કે આ મેડમ અમારે ન જોઈએ બદલી કરવી હોય તો એની કરો. ડીપીઓ એ પોલીસ બોલાવી બળપ્રયોગ કરવાની કોશિશ કરી, તો વાલીઓ આંદોલન ના મૂડ માં આવી ગયા. છેવટે મનીષભાઈ નો બદલી હુકમ રદ કરવામાં આવ્યો.
પરંતુ હવે રોજના આઠ દસ વાલીઓ એલસી લેવા આવતા હતા, અને બીજી શાળા માં એડમિશન લેવા લાગ્યા. અનિલા મનોમન વિચારતી હતી કે ખરેખર આચાર્ય તરીકે હું નિષ્ફળ જઈ રહી છું, તો બીજી બાજુ એનો અહમ આ વાત સ્વીકારવા દેતો નૉહતો. એક દિવસ અનિલા રજા પર હતી અને બીજા દિવસે આવીને એણે સીસીટીવી ફૂટેજ જોયા તો ગઈકાલ ની ઓનલાઇન હાજરી ની કામગીરી ઓફિસ ના કોમ્પ્યુટર માં મનીષભાઈ કરી રહ્યા હતા અને એ પણ એની ખુરશી પર બેસી ને. એ દિવસે ફરીએકવાર મનીષભાઈ સાથે મોટો ઝઘડો કર્યો એ દિવસે ચાર્જ રમેશભાઈ નો હતો એટલે મનીષ બરાબર સામે થયો, ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. ઓફિસ માં તોડફોડ થઈ વાત ખાતા માં ગઈ, તો બંને એ સામસામી ફરિયાદ નોંધાવી, ખાતાકીય તપાસ ચાલે ત્યાં સુધી બંને ને બદલી સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા. અંતે સમાધાન થયું પરંતુ બંને જિલ્લાના અલગ અલગ અંતરિયાળ તાલુકા માં મુકવામાં આવ્યા. મહાત્માગાંધી શાળા નં 1 નું સુકાન ફરી એકવાર રમેશભાઈ ના હાથ માં હતું. શાળા ના વાતાવરણ માં એક સરસ મજાની મહેક પ્રસરી ગઈ હતી. હા સ્ટાફ અને બાળકો ને મનીષ સર ની ખોટ ચોક્કસ વર્તાતી હતી. બીજા જિલ્લા માંથી આવેલ મનીષ ખુશ હતો કારણકે એને તો ગમે તે જગ્યા હોય ભણાવવું જ હતું. અને હા હવે અપડાઉન ના કિમિ વધી જવાને કારણે ઘણીવાર અનિલા ને નવી નિશાળે ક્યારેક વહેલા મોડું થઇ જતું હતું.
-મેહુલ જોષી
લીલીયા-અમરેલી-ગુજરાત