Mathabhare Natho - 18 books and stories free download online pdf in Gujarati

માથાભારે નાથો - 18


રામા ભરવાડે રાઘવને પોલીસના ડરથી છોડી મુક્યો હતો.પણ નરશીએ રાઘવને કેદ કરવાના પચ્ચીસ હજાર આપવાનું કહ્યું હતું. મહિધરપુરમાં જ્યારે આખલાઓ દોડ્યા હતા ત્યારે એ ત્યાં હાજર હતો, પણ જે ધમાલ મચી હતી એને કારણે એ નરશીને મળી શક્યો નહોતો. પણ એ વધુ જોખમ લેવા માંગતો નહોતો કારણ કે નાથાએ અને મગને ચાવડા સાહેબની બીક એને બતાવી હતી. રામો ભરવાડ સ્વભાવથી જ પોલીસથી ખૂબ જ ડરતો હતો.કારણ કે એક બે વખત એને પોલીસનો પરચો મળી ચુક્યો હતો. પૈસા પણ પડાવે અને મારી મારીને કુલા તોડી નાખે એ અલગ !
એટલે રાઘવને વધુ દિવસો કબજે રાખવો એને જોખમકારક લાગ્યો હતો. પણ નરશીને મળવું ખૂબ જરૂરી હતું.
થોડા દિવસો પછી જ્યારે એ નરશીને મળવા હોસ્પિટલ ગયો ત્યારે નાથો અને મગન નરશીને મળીને જતા રહ્યાં હતાં. નરશીને પણ નાથા અને મગને પોલીસનો ડર બતાવ્યો હતો, એટલે એ પણ પાણીમાં બેસી ગયો હતો.
"તેં ભલે એ રાઘવાને છોડી મુક્યો પણ એનો પીછો કરવાનું ચાલુ રાખજે.." નરશીએ રામાભરવાડે બનાવેલો માવો મોંમાં ઓરતા કહ્યું.
"ના, હો ભઈ.. ઇના ઓલ્યા બે ભયબન ભાળ્યાંને તમે ? હવે મુકોને લપ શેઠ, તમારો માલ તો તમને મલી જ્યો સને !" રામાએ કહ્યું.
"પણ ઓલ્યા આખલાએ જે ઢીક મારી..હું આયાં ખાટલે પડ્યો અને માલ કોકના હાથમાં આવી ગયો...
રામલા હું તો હવે રોડ પર જ આવી જ્યો...ઇ રાઘવા પાંહે હજી માલ તો છે જ..તું ઇની પાછળ રે.. એનો પીછો કરવાથી કંઈ પોલીસ નહીં પકડે..હાળા એટલો બધો કેમ બીએ છે ?" નરશીએ ખિજાઇને કહ્યું.
"સારું..હું બે દિવસમાં તમને રિપોટ આપું છું બસ..? ઇ શુ કરે સે અને ચયા જાય આવે સે ઇ તમને સમાસાર મળી જાહે..રોજના સો રૂપિયા આલવા પડહે અને મારા પચીસ હજાર ચયારે દેશો.." રામાએ પોતાનો ભાવ જણાવ્યો.
"મને અહીંથી બહાર તો નીકળવા દે...બધું થઈ જાહે..બરોબર ?"
રામો ભરવાડ ત્યાંથી નીકળીને હીરા બજારમાં જઈને બેઠો. રાઘવ સમાન ભરીને વતન ભેગો થઈ ગયો હતો એની એને ખબર નહોતી.એને તો એમ જ હતું કે રાઘવ હીરા દલાલ છે એટલે ગમે ત્યારે બજારમાં તો આવશે જ. અને જેવો એ બજારમાં આવે એટલે એનો પીછો કરી શકાશે..
પણ રાઘવ બજારમાં આવવાનો જ નહોતો એની એને ક્યાંથી ખબર હોય ?
રમેશ, રાઘવનો દોસ્ત હતો. રાઘવે એને સાચવવા આપેલો માલ એણે ભોળાભાવે સાચવ્યો પણ હતો. જે બન્યું હતું એવું બની શકે એ રાઘવને કદાચ ખબર હશે.તેથી રાઘવે માલના બે પેકેટ આપ્યા હતા
અને રમેશને જણાવ્યું હતું કે ગમે ત્યારે હું માલ લેવા આવું અને મારી સાથે જો કોઈ માણસો હોય તો એક જ પેકેટ તારે આપવું...રમેશે તે દિવસે એમ જ કર્યું હતું.રાઘવે આપેલા બન્ને પેકેટ એ જુના બગલથેલાના તળિયે નાખ્યા હતા.
પણ બન્ને પડીકા એક સાથે રાખવા એને જોખમી લાગ્યા.એટલે જ્યારે મગન રમેશની રૂમે રહેવા આવ્યો તેના થોડા દિવસ પછી રમેશે એ પેકેટ એક જુના કપડામાં વીંટીને મગનની ફટીચર શૂટકેશના તળિયે છુપાવી દીધું હતું. રમેશ એ જાણતો હતો કે મગન આ શૂટકેશ લઈને ક્યાંય પણ જવાનો નહોતો.
રામા ભરવાડ પાસેથી છૂટીને રાઘવ જ્યારે રમેશની રૂમ પર આવ્યો ત્યારે સાંજના સાડા પાંચ થયા હતા.જેન્તી કારખાને હતો અને રમેશ ટ્યૂશન કરાવવા બહાર ગયો હતો.નાથો અને મગન પણ ક્યાંક બહાર ગયા હતા અને કાંતા શાકભાજી લેવા ગઈ હતી.
રમેશની એ પાછળની રૂમમાં કોઈ તાળું મારતું નહીં. મગન, નરશી પાસેથી જે માલ લાવ્યો હતો એને કારણે એને રૂમને તાળું મરવાનો વિચાર આવ્યો હતો પણ તાળું હતું જ નહીં. અને અહીં કોણ ચોરી કરવાનું છે ? એવો ભરોસો પણ હતો.એટલે મગનને પણ તાળું મારવાનું જરૂરી લાગ્યું નહીં.
રાઘવ ગેલેરીમાંથી આવ્યો ત્યારે ત્યાં કોઈ નહોતું. રૂમને ખાલી આગળો મારેલો હોઈ એ રૂમમાં પ્રવેશ્યો અને રૂમ અંદરથી બંધ કરી. કોઈ આવી જાય તો પણ એને ચિંતા નહોતી કારણ કે એ રમેશનો મિત્ર હતો એ બધા જ જાણતા હતા.
રાઘવે, રમેશનો બગલથેલો ઠાલવ્યો..પણ એમાંથી તો જુના કપડાં અને કેટલીક બિનજરૂરી ચીજો ઠલવાઇ હતી.
પોતાના હીરાનું પાકીટ રાઘવને એ બગલથેલામાંથી ન મળ્યું એટલે એ સમજી ગયો કે રમેશે કોઈ બીજી જગ્યાએ કે બીજા કોઈ થેલામાં જ સંતાડયું હોવું જોઈએ. રમેશે રૂમમાં ચારે તરફ નજર કરી.અંતે માળિયામાં પડેલી ફટીચર બેગ જોઈને એના ચહેરા પર સ્મિત આવ્યું.
ઝાડ ઝાંખરા પાછળ સંતાયેલો ભૂખ્યો ચિત્તો નિરાંતે ચરતા હરણ ઉપર તરાપ મારે એવી જ ઝડપે રાઘવ કુદયો.મગનની જૂની પુરાણી ફટીચર બેગ ઉતારીને એણે ઝડપથી ખોલી.
નરશી માધાનું એ પર્સ જોઈને રાઘવની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં. પર્સ ખોલીને રાઘવે દસ હજાર રૂપિયા અને માલના પડીકા બહાર કાઢ્યા.પડીકાના વજન જોઈને એ ખુશીથી નાચી ઉઠ્યો. આટલો માલ અહીં કેવી રીતે આવ્યો એ વિચારવાની એને જરૂર નહોતી.પર્સમાં રહેલા દસ હજાર રૂપિયા છોડી દેવાનું એને મન થયું, પણ પોતાની હાલત જ અત્યારે ખરાબ હતી..
"આ માલના વહીવટમાંથી રમેશને હું જરૂર મદદ કરીશ...પણ હજુ મારું પેકેટ કેમ ન મળ્યું.." રમેશે મનોમન વિચાર્યું. થેલાની જેમ જ શૂટકેશ પણ એણે ઠાલવી.રમેશે જે જૂના કપડામાં પેકેટ વિટાળ્યું હતું એ શોધતા રાઘવને જરા પણ વાર ન લાગી.
એ પેકેટ પણ એણે પેલા પર્સમાં નાખ્યું. નિરાંતે મગનની શૂટકેશ હતી એવી જ રીતે ગોઠવીને પાછી માળિયામાં મૂકી દીધી.અને રમેશનો બગલથેલો એની જગ્યાએ લટકાવ્યો. ચોકડીની દિવાલ પર પડેલા માટલમાંથી બે ગ્લાસ પાણી પી ને એ હળવેથી રૂમની બહાર નીકળ્યો. રાઘવ આવીને જતો રહ્યા પછી પાંચ જ મિનિટમાં કાંતા આવી હતી. રચના સોસાયટીની મુખ્ય બજારમાં રાઘવને સામી પણ મળી, પરંતુ રાઘવ કે કાંતા પરસ્પર ઓળખતા નહોતા.
તે રાત્રે જ રાઘવ ગામ ભેગો થઈ ગયો હતો. દસ હજાર રૂપિયા એ જમાનામાં ખૂબ જ મોટી રકમ હતી.પણ રાઘવ પાસે જે હીરા હતા એની કિંમત આગળ દસ હજારની કોઈ વિસાત નહોતી.
બીજા દિવસે રમેશ, ફરીવાર રાઘવની તપાસ કરવા એની રૂમ પર ગયો ત્યારે એને જાણવા મળ્યું હતું કે રાઘવ મુંબઈ ગયો હતો અને કાલે સાંજે એ આવ્યો હતો.અને ગામડેથી અચાનક કોઈ સમાચાર આવતા એ રૂમ બંધ કરીને સમાન સાથે વતનમાં જતો રહ્યો હતો.
બરાબર એ જ વખતે નાથો અને મગન નરશી માધાને મળવા એની ઓફિસે ગયા હતા અને ત્યાંથી રાઘવની પૂછ પરછ કરવા હોસ્પિટલ ગયા હતા.
અને છેક સાંજે જ્યારે એ લોકો રૂમ પર આવ્યા ત્યારે રમેશ આવી ગયો હતો અને એણે જણાવ્યું હતું કે રાઘવને આ લોકોએ છોડી મુક્યો છે,અને એ વતન ભેગો પણ થઈ ગયો છે.
એ જ રાત્રે મગને પોતાની શૂટકેશ ખોલી હતી અને પર્સ ગાયબ થઈ ગયું હોવાનો ખ્યાલ એને આવ્યો હતો. અને વ્યાકુળ બનીને ટેરેસ પર ગયો હતો ત્યારે કોઈ ફરીવાર રૂમમાં ઘુસ્યું હતું અને ત્યારબાદ એ વ્યક્તિ પણ ટેરેસ પર આવ્યો હતો.મગને એને જોયો એટલે તરત જ પડકાર્યો હતો પણ એ પળવારમાં જ ક્યાંક અલોપ થઈ ગયો હતો. એ વ્યક્તિ સહિત મગનને રમેશ અને જેન્તી ઉપર શક હતો, કારણ કે રમેશે જે કપડાં અને બુટ લીધા હતા અને વળી નવી હીરોહોન્ડા બાઇક પણ છોડાવી હતી. એ બધા પૈસા એની પાસે ક્યાંથી આવ્યા એ પણ મગન પૂછવા માગતો હતો.પણ નાથો એમ કરવાની ના પાડતો હતો કારણ કે એમ કરવાથી રમેશને એમ લાગે કે મગન પોતાને ચોર સમજી રહ્યો છે, એટલે નાથાએ પોતાની રીતે તપાસ કરવાનું વચન મગનને આપ્યું હતું.
*** *** *** ** ** ** **
રાઘવે થોડા દિવસો ગામડે જ રહેવાનું પસંદ કર્યું.એના માં બાપ ખૂબ ગરીબ હતા પણ હવે એ ગરીબી રહેવાની નહોતી. જૂનું પુરાણું મકાન એણે રીપેર કરાવ્યું હતું. અને ગામમાં ચાલતા હીરાના કારખાનામાં રાઘવે કાચા હીરા મજૂરીથી ઘસાવ્યા હતા અને માલ તૈયાર કર્યો હતો. નરશી પાસેથી જે પાકીટ વાયા મગન એના હાથમાં આવ્યું તેમાં અમુક હીરાના નંગ ખૂબ જ કિંમતી હતા અને રાઘવ એની કિંમત બરાબર સમજતો હતો. આખરે એણે મુંબઈની વાટ પકડી હતી.
મુંબઈના હીરા બજારમાં પંચરત્ન ટાવરમાં ઘણી હીરાની ઓફિસો છે. રાઘવ કુશળ દલાલ જ નહીં પણ ઉત્તમ હીરા પારખું હતો,એની પાસે જે માલ હતો એની કિંમત એ બરાબર સમજતો હતો.
ગામડે તૈયાર કરાવેલા હીરા વેચીને ચાર લાખ રૂપિયા ઉભા કર્યા હતા. અને પોતાને રહેવા માટે એક ફ્લેટ ભાડે લઈ લીધો. મુંબઈ હીરા બજારમાં દલાલી કરતા કે વેપાર કરતા ઘણા લોકો સૌરાષ્ટ્રના હતા.
એ લોકો ચાર પાંચ જણ વચ્ચે એક ફ્લેટ ભાડે રાખીને રહેતા. અને પોતાનું જોખમ હીરા બજારના લોકરોમાં રાખતા. રાઘવે પણ એની પાસે જે માલ હતો એ લોકરમાં મૂકી દીધો હતો.પંદર દિવસમાં જ એણે એક ઓફીસ પણ ભાડે રાખી હતી. કેટલાક દલાલો અને વેપારીઓ રાઘવને ઓળખાતા હતા, પણ પહેલાના રાઘવ અને અત્યારના રાઘવમાં ઘણો ફેર હતો.
રાઘવે નવી રફ લઈને એને એસોર્ટ
કરીને, હલકા ભારે હીરાના લોટ તૈયાર કરવાનું શરૂ કર્યું. હીરા બજારમાં સંઘવી બ્રધર્સની પેઢી ખૂબ મોટી ગણાતી. રાઘવે એ પેઢીમાં એનો મોટાભાગનો માલ ખૂબ ઊંચા ભાવે વેચ્યો હતો.
રાઘવ પોતાના મિત્રને ભુલ્યો નહોતો. જે દોસ્તને લીધે આવો માલ એને મળ્યો એનો બદલો આપવાનું એણે એ જ વખતે વિચારી લીધું હતું. રમેશ સાથે અમદાવાદ હોસ્ટેલમાં કેટલાક મહિના એ રહ્યો હતો. એટલે એને રમેશની પસંદ અને શોખ વિશે ખૂબ જાણકારી હતી.
રમેશ માટે ત્રણ જોડી કપડાં, અને નાઈકના શૂઝ એણે મુંબઈથી કુરિયર કર્યા હતા.સાથે પચાસ હજાર રૂપિયા પણ મોકલ્યા હતા. જેમાંથી એક બાઇક લઈ લેવાનું એણે રમેશને કહ્યું હતું.
રાઘવે, રમેશને માત્ર એટલું જ જણાવ્યું હતું કે આ પૈસા અને ગિફ્ટ તને આપું છું એ તારા હકનું જ છે, હું કોઈ ઉપકાર કરતો નથી. તેં મારા હીરા સાચવ્યા એનું વળતર હું તને ચૂકવી રહ્યો છું...
રમેશને એવી તો કલ્પના પણ ન હોય કે રાઘવ જ મગનની શૂટકેશમાંથી પર્સ અને તેનું એક બચી ગયેલું પાકીટ લઈ ગયો હશે.
આવા સરસ કપડાં અને બુટ જોઈ ને એની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો.અને એ આનંદના અતિરેકમાં એ મગનની વ્યથા જોઈ શક્યો નહોતો. મગનની બેગમાં હજુ પણ એક પેકેટ એણે સંતાડયું હતું એ વાત એને યાદ આવી નહોતી.
સાંજે જ્યારે રમેશ સ્કૂલેથી આવ્યો ત્યારે નાથો અને મગન એની જ રાહ જોઇને બેઠા હતા. નાથાએ મગનને વચન આપ્યું હતું કે એ રમેશને પૂછશે કે આ બધો ઝગમગાટ કઈ રીતે થયો છે !!
રમેશે મગન સામે જોઇને સ્મિત કર્યું પણ એ સ્મિતનો એને કોઈ જ જવાબ મળ્યો નહી. ગુસ્સાથી એ રમેશને જોઈ રહ્યો હતો.
"કેમ મગનબાપુ.. મૂડ આઉટ લાગે છે ..!" રમેશે હસીને કહ્યું.
મગને નાથા સામે જોયું.એટલે નાથાએ કહ્યું, "રમેશ, આ મગનની બેગમાંથી પર્સ ગુમ થયું છે, અને એ પર્સમાં દસ હજાર રૂપિયા અને કેટલાક હીરાના પેકેટ હતા..આજે કેટલા દિવસોથી એને ચેન પડતું નથી.. તને તો ખબર જ છે ને....
તારા ઓલ્યા દોસ્ત રાઘવાને કારણે આ બધું બન્યું છે..તેં એનો માલ સંતાડયો હતો..પછી એને રામા ભરવાડે પકડ્યો હતો, અને તે રાત્રે આઠ દસ જણ આપણી રૂમે એને લઈને આવ્યા હતા, એ ટોળીનો જે લીડર હતો એ નરશી માધાને હીરા બજારમાં...."
"એક મિનિટ..." રમેશે નાથાને અટકાવ્યો. અને માળિયામાં પડેલી મગનની બેગ એણે ઉતારી. નાથો અને મગન એને જોઈ રહ્યા. રમેશે
બેગમાંથી મગનનો બધો સામાન બહાર કાઢ્યો.
"આ બેગમાં મેં રાઘવનું બીજું પેકેટ સંતાડયું હતું..મગન એ પેકેટ પણ નથી..કોકને ખબર હતી..કે આ બેગમાં માલ છે..જરૂર આપણી રૂમમાં કોઈક આવ્યું હોવું જોઈએ, અને એને ખબર હોવી જોઈએ.."
મગન અને નાથો, રમેશને તાકી રહ્યા.થોડીવાર પછી મગને રમેશને એક તમાચો મારી દીધો.
''સાલા ડફોળ, હવે તારું નાટક બંધ કર..તેં મારી બેગમાં હીરા મુક્યા હોય તો ઉપાડી પણ લીધા હોય..આ નવા કપડાં, નવા બુટ, સ્પ્રે અને હજી હીરો હોન્ડા....વાહ દીકરા વાહ..સાચું બોલ તેં જ મારી બેગમાંથી પેલું પર્સ ઉઠાવ્યું હતું ને ? તને આવો હરામખોર નહોતો ધાર્યો.. રમલા બહુ મોટો દગો કર્યો તેં.. તું મારો દોસ્ત ઉઠીને આમ કરી શકતો હોય તો હવે આ દુનિયામાં કોની ઉપર ભરોસો કરું ? સગા
ભાઈઓએ ધક્કો માર્યો એટલે તારે આશરે પડ્યો'તો..પણ તેં તો મને લૂંટી જ લીધો..ભલા માણસ કહેવું તો હતું એકવાર...જીવ આપી દેત.."કહીને મગન રડવા લાગ્યો.
"મગન દોસ્ત..તું ગેરસમજ કરી રહ્યો છો..મેં તારું પર્સ નથી જોયું..
યાર, તું મને એટલો હલકટ કેમ ધારી શકે છે ? શું મેં એ પર્સની અંદરના હીરા વેચીને આ કપડાં અને બાઇક લીધી છે એમ તું માનેશ ? "રમેશે મગનને કહ્યું અને નાથા સામે જોઇને ઉમેર્યુ, "નાથા
સમજાવ તું મગનાને..તમને લોકોને કેમ એવું લાગે છે...?"
"તો પછી આ જાહોજલાલી આવી ક્યાંથી..? એ જણાવવાની કૃપા કરશો મહારાજ.?"નાથાએ પૂછ્યું.
"અચ્છા, તો એમ વાત છે.. મારે કહેવું નહોતું પણ આ વાતનો આવો અંજામ આવશે એ નહોતી ખબર..રમેશે ગાલ પંપાળતા કહ્યું.
"રાઘવને તમે લોકો ઓળખો છો, મેં એના હીરા સંતાડયા હતા.. અને એક પેકેટ સાચે જ મેં તારી બેગમાં છુપાવ્યું હતું.રાઘવે જ મને એમ કરવાનું કહ્યું હતું..રાઘવ એ લોકોની ચુંગાલમાંથી આપણા લીધે જ છૂટ્યો છે અને હાલ એ મુંબઈ જતો રહ્યો છે...મુંબઈની કોઈ મોટી
હીરાની પેઢી સાથે એણે ધંધો શરૂ કર્યો છે અને સારું કમાયો છે..અને એ કમાણી માંથી મારા ઉપકારનો બદલો એ આપી રહ્યો છે,હવે રહી
વાત તારા પર્સની..એ પર્સ વિશે ખરેખર હું કશું જ જાણતો નથી..
મારા પ્રિય દોસ્ત મગન, હું રાઘવને કહીશ કે ખરેખર તને રામા ભરવાડ અને નરશી માધાની જાળમાંથી છોડાવનાર હું એકલો જ નથી..એ તમને પણ.."
''બસ..બસ.. બહુ થયું..અમે કોઈ બદલાની ઇચ્છાથી એને છોડાવવા
નહોતા ગયા..એ તારો દોસ્ત છે અને અમે તું અમારો દોસ્ત છો, એ ભલે ગમે તેવો હોય પણ તારા વિશ્વાસે જ અમે એને છોડાવવા જોખમ લીધું હતું..અમારે એવા હરામના પૈસાની જરૂર નથી..આ બાવડા ભગવાને કોકની દયા ઉપર જીવવા નહીં,તનતોડ મહેનત કરવા
માટે આપ્યા છે, કોકનું આપેલું અને તાપેલું ક્યાં સુધી રહેશે ? હું તો પાટું મારીને પેદા કરવામાં માનું છું, કોકની ખેરાત પર જીવવામાં નહીં સમજ્યો ?
તારા દોસ્તની મદદ કે ઉપકારનો બદલો તને મુબારક.. પણ રમલા એટલુ લખી રાખજે હું મારી બેગ
માંથી પર્સ ચોરનારને પાતાળમાંથી
પણ શોધી કાઢીશ.." એમ કહી મગન બાથરૂમમાં ચાલ્યો ગયો.
રમેશનું આવી રીતે રાઘવના પૈસે લીલાલહેર કરવાનું એને બિલકુલ
ગમ્યું નહોતું.
નાથાને પણ આ વાત બહુ યોગ્ય ન લાગી. એણે રમેશને કહ્યું,
"તે રાતે મગન ધાબે ગયો'તો ત્યારે કોક આપણી રૂમમાં આવ્યું'તું..એ ચોર જ હોવો જોઈએ..જો તેં હાથ ન માર્યો હોય તો આપણે એને જ પકડવો પડે.જેન્તીયાને તો આ વાતની કાંઈ જ ખબર નથી, તું એને કહેતો પણ નહીં..''
"યાર, તમે લોકો મારી ઉપર શક નો કરો ...તમને નો ગમ્યું હોય તો હું હવે રાઘવાની મદદ નહિ લઉં બસ ? "રમેશે નિરાશ થઈને કહ્યું.
''અમે તને કાંઈ કહેતા નથી..એ તારો દોસ્ત છે..તારે જેમ કરવું હોય એમ કર,પણ એકવાર હું એને મળવા માંગુ છું,સુરત આવે ત્યારે કેજે "મગને બાથરૂમમાંથી આવીને કહ્યું.
"સારું..આપણે ચોક્કસ મળશું, ચાલો હવે હું ટ્યૂશન લેવા જાઉં છું
યાર,મગન તું મારા વિશે ગેરસમજ
ન કરતો દોસ્ત..તારા જેવો દોસ્ત ગુમાવવાનું મને નહીં પોસાય...'
એમ કહી રમેશ ગયો. નાથો અને મગન પણ ફ્રેશ થવા બહાર ચાલ્યા ગયા. રૂમને હવે તાળું મારવું જરૂરી નહોતું..
કાંતાએ મગન અને નાથાને બહાર જતા જોઈને કહ્યું, "આજે હું પાણી પુરી બનાવવાની છું..તમે પાસા બા'ર ગળશીને આવતા નઈ.."
એનો લાગણી ભરેલો અવાજ સાંભળીને બન્ને દોસ્તો હસી પડ્યા.

* ** *** **** *****

''તાડી કોલેજમાં તને કોન ભનાવતું
છે ? કોઈ તાનીની ડેહાઈ કડીને છે કે ?" ચંપક કાંટાવાળાના દિમાગમાં તારીણી દેસાઈ ગરબે રમવા લાગી હતી.તે દિવસે બગીચામાં થયેલી મુલાકાત પછી ચંપક એ પ્રોફેસરનો દિવાનો બન્યો હતો. તારીણીને હોસ્પિટલમાં લઈ જવી પડી હતી એ ઘટના બન્યા બાદ થોડા દિવસો પછી ચંપક કોલેજ જઈને,તારિણી દેસાઈની રાહ જોઇને ગેટ પર ઉભો રહ્યો હતો.એનો વિચાર તારીણી ક્યાં રહે છે એ જાણી લાવવાનો હતો.અને પછી એક દિવસ ગોટા લઈને એને ઘેર જવાનો ખાસ પોગ્રામ એણે વિચાર્યો હતો.
"હું રવિવાડે બપ્પોડના સમયે ગોટા લઈને જવા,હું ડોરબેલ માડીશ એટલે થોડીવાડે એ એના ઘડનું બાયનું ખોલહે..એ ત્યાડે ઘડમાં એકલી જ ઓહે..મને જોઈને એ ખુસ ઠેઇને હહી પડહે..
મેં પન એકડમ મિઠ્ઠું સ્મિટ આલવા..આમ ટો એના હોઠ પડ.. ના ના એટો અજુ વાડ લાગહે..
પચ્છી તો એ મને અંડર આવવાનું કેહે.. હું હલવે રહીને એના ઘડમાં પેહી જવા..એના ડિલમાં પેહી ગેલો છું એમ જ વળી.. એ ઘડનું મેન ડોર બન કરી મુકહે.. મેં સોફા પર બેહીને એમને પન બેહાડવા..
પહી તો શું છે કે એના મોં માં એક પહી એક ગોટું...'' કોલેજના દરવાજે ઉભેલો ચંપક કલ્પના કરતો કરતો તારિણીને એના બેડરૂમમાં ઉંચકીને લઈ જાય એ પહેલાં જ ચમેલી ત્યાં આવી ગઈ.
"અડે... પપ્પા..ટમે ..? ટમેં અહીંયા આગડી શુ કડતા છો ?"
ચમેલીએ કોલેજના ગેટ પાસે ઉભેલા ચંપકને જોઈને નવાઈથી પૂછ્યું એટલે એ તારીણીના કાલ્પનિક ફ્લેટમાંથી એને ગોટા ખવડાવ્યા વગર જ વાસ્તવિકતામાં આવી ગયો અને ચમેલીને તારિણી વિશે પૂછ્યું.
" હા, છેને..ટમે કેમ પૂછટા છો ? જો પપ્પા, હું કંઈ નાની કિકલી ની મલું.. તમને કઈ દેવા...તમે માડી કોઈ વાત માડા પ્રોફેસડ જોડે ની કડતા...પ્લીઝ..પપ્પા.." ચમેલી સમજેલી કે કદાચ તારિણી દેસાઈએ જ મારા પપ્પાને બોલાવ્યા હોય.
" ઓકે..ની કહેવા.. પન, ખાલી હું તેને મલવા માગતો છું દિકડા..એમાં ટને શું વાંધો મલે ?" ચંપકે કહ્યું.
"પન એટો હમના આવટા ની મલે.. તમે એવું હોય ટો ડીન સાહેબને મલી લેવ..ચાલો મેં ટમને એમની ચેમ્બર બટાવી ડેવ.."
ચંપકને થયું કે "ચાલની ડિન સાહેબ પાસેથી જાની લેવ કે કેમ કોલેજ ની આવતા છે..અને વાટ વાટમાં એના ઘડનું એડ્રેસ પન મલી જાય તો આપનો ગોટા લેઈને જવાનો પોગ્રામ હો ઠેઈ જહે...''
"પપ્પા....ટમે શુ વિચાડમાં પડ્યા છો..? તમે મલવાના છો ડિન સાહેબને..?" ચમેલીએ ચંપકને જોરથી કહ્યું. એને પણ એ નહોતું સમજાતું કે પપ્પા ક્યારેય સ્કૂલના ટીચરને મળવા નથી આવ્યા..અને આજ માસ્ટર કરું છું ત્યારે એક વાલીની જેમ પોતાના બાળકના સરને મળવા શુ કામ આવ્યા હશે.!
" હા, હા..ટો ચાલની..આવ્યો જ છું ટો હવે એમને મલી લઉં..'' એમ કહીને એ ચમેલી સાથે ચાલ્યો. ચમેલીએ દૂરથી રસિકલાલ દવેની ચેમ્બર બતાવી દીધી અને એ પોતાના કલાસમાં ચાલી ગઈ.
''અંદડ આવું કે..?" ડિન દવેની ઓફિસનું બારણું ખોલીને ચંપકે એનું મોટું માથું અંદર ઘુસાડીને પૂછ્યું.
ન્યુઝપેપર વાંચી રહેલા રસિકલાલે
ચશ્માની માથું નમાવેલું જ રાખીને ચશ્માની ઉપરની ધાર પરથી, બારણામાં પરાણે અંદર આવવા માગતું એક માથું જોયું. તાવડીના તળિયા જેવા એ ચહેરા પર ભીંત પર બેઠેલી ચકલી જેવું નાક ચોટયું હતું. ખેતરના શેઢે ઉગેલા અણીદાર ઘાસ જેવા વાળને પરાણે ચપ્પટ ઓળીને બેસાડ્યા હતા.મોટા કપાળ પર કાળી ભમ્મર અને બરછટ વાળના ગુચ્છા જેવા નેણ નીચે ઊંડા ખાબોચિયાં જેવી બે આંખો તગતગી રહી હતી. એ ચહેરાનું મોઢું કોઈ અંધારી ગુફાના પ્રવેશદ્વાર જેવું અને એમાંથી એક લાંબો દાંત નીચે લબડી રહેલા હોઠમાં ખુંપી ગયો હતો.
દવેએ આંખો ચોળી.હજુ એમણે ચંપકને અંદર આવવાની હા નહોતી પાડી, કારણ કે આવા મોઢાવાળો માણસ મને શું કામ મળવા આવ્યો હોય ? એમ તેઓ વિચારતા હતા. પણ ચંપકને એવો સમય આપવો પોસાય તેમ નહોતો.
બારણાંને વધુ ધક્કો મારીને એ અંદર પ્રવેશ્યો. દવે સાહેબ એને તાકી રહ્યા. કોઈ મોટા માટલા ઉપર કપડું ઢાંકયું હોય એમ ચંપકે શર્ટને પેટ પરથી ખેંચીને ઇનશર્ટ કર્યું હતું.
પેટના ઢોળાવ ઉપર પેન્ટને ચામડાના જુના બેલ્ટ વડે બાંધ્યું હોવાથી એ લસરી જતું નહોતું. પહોળા પાંયસા વાળા ટૂંકા પેન્ટ નીચે તાજા જ પોલિશ કરેલા બુટ અને લાલ મોજા દેખાઈ રહ્યા હતા.
તારીણી દેસાઈને મળવાનું થાય એ હિસાબે ચંપક આજ બરાબર તૈયાર થઈને આવ્યો હતો.
પણ એ બિચારાના કમનસીબે એનો ભેટો એના હરીફ ઉમેદવાર દવે સાહેબ સાથે થવાનો હતો !!
ચંપક અંદર આવી ગયો એટલે દવેનો મગજ છટક્યો.એણે પ્યુનને બોલાવવા બેલ માર્યો. બેલની લાંબી રિંગ સાંભળીને પટ્ટાવાળો દોડાદોડ આવ્યો.
"ક્યાં મરી ગ્યો'તો..સાલ્લા તને બહાર શું ઝખ મારવા બેહાડયો છે ? આ શું બોડી બામણીનું ખેતર છે..હેં.. એ...મારી ઓફીસ શુ કોઈ ધરમશાળા છે..આલિયો માલિયો ગમે તે આવીને ડોકું મહીં ઘાલીને ડબુક લઈને ઓફિસમાં ઘરી જાય છે..સાલ્લા ડફોળ..ક્યાં મરી ગ્યો'તો..?" દવે સાહેબની ગર્જના સાંભળીને ચંપકને ગભરામણ થવા લાગી.હજુ એ કાંઈ સમજે એ પહેલાં જ પટ્ટાવાળાએ એનો હાથ પકડીને એને દરવાજા તરફ ખેંચ્યો.
"અલ્યા ભઈ.. ચયાંથી આવીને સાયેબની હોફિસમો ઘુસી જ્યો સ તમી લોકો...યાર.. પેલા પરમિશન તો લ્યો..હેંડો બાર નેકરો...ચાલો હેંડો...''
ચંપકને પટ્ટાવાળો બહાર ખેંચી ગયો..
"અડે ઓ ભઈ.. માડે સડને મલવાનું છે..ટમે ઉભા ટો રેવ..."
ચંપકે ફરી અંદર જવાનો પ્રયત્ન કર્યો.
"એમ ના જવાય..ઓ ભઈ... શુ નોમ સ તમારું..અન શા હારુ તમન મલવું સ ? લ્યો આ ચબરખીમોં લખી આલો..પસ હું સાયેબન બતાડી આવું..પસ સાએબ હા કેય ન તો જ તમે મઈ જઈ હકો..હમજયા..?" પ્યુને પ્રોસીઝર સમજાવી.
ચંપકે ચબરખીમાં પોતાનું નામ લખીને પ્યુનને આપી એટલે એ અંદર ગયો. ફરીવાર દવે સાહેબે એને ખખડાવ્યો. અને બહાર આવેલા એ ગડબાને મળવાની ચોખ્ખી ના પાડી દીધી.
પ્યુને દરવાજો ખોલીને કહ્યું, "જાવ ભ..ઇ ચંપકલાલ કાંટાવાળા..આ..સાયેબ તમન મલવાની ના કેય સ.."
ચંપકલાલ કાંટાવાળા.... દવેને આ નામ ક્યાંક સાંભળ્યું હોવાનું યાદ આવ્યું. અને એમણે ફરીવાર બેલ માર્યો..
"અલ્યા...રૂડિયા..મોકલ એને..હવે
એના જેવું કોણ થાય...''
રૂડિયા પટ્ટાવાળાએ ચંપકને અંદર આવવા કહ્યું. અને ચંપકે રસિકલાલ દવેની સામે ખુરશી પર આસન લીધું.
"બોલો..કાંટાવાળા..કેમ આવ્યા છો ? આ તમારી ફરસણની દુકાન નથી..યુનિવર્સીટીના ડીન સાહેબ રસિકલાલ દવેની ઓફીસ છે, અહીં ખેતરમાં ઢોર ઘૂસે એમ ઘુસી ન જવાય..પહેલા એપોઇન્ટમેન્ટ લેવી પડે સમજ્યા..હવેથી ધ્યાન રાખજો..બોલો...શું કામ હતું..?"
"સોડી સડ..હવેઠી ઢયાન રાખવા.
પન તમને કેવી રિટે ખબડ પડી કે હું ફડસાનની દુકાન ચલાવટો છું..?"
"તમે ચમેલીના ફાધર છો..અને તારીણી દેસાઈને મળવા આવ્યા છો એ પણ મને ખબર છે..અમને બધી જ ખબર હોય..કારણ કે અમે યુનિવર્સીટીના ડિન છીએ.."
ચંપકલાલ કાંટાવાળાને ગળામાં કોઈએ કાંટો ભરાવ્યો હોય એવું લાગ્યું. "સાલું ગજબ કેવાય.. ડિન લોકોને બઢી જ ખબડ હોય..?"
"તો પછી કેટલે આવ્યું તમારું..?"
તારીણીએ પોતાને બદલે આવા બુડથલને મળવા ગાર્ડનમાં બોલાવ્યો એ બદલ દવેને ખુબ દાઝ ચડી હતી.
"હાનુ..કેટલે આવ્યું..?" ચંપકે આંખો પટપટાવી.
"તારિણી સાથે તમારું..કેવી રીતે મેળ પડ્યો....યાર જબરા છો હો તમે..અહીં ઘરના છોકરા ઘંટી ચાટે છે..અને મહેતાજીને આટો.. વાહ વાહ...તમે તો ગાર્ડનમાં જલસા કર્યા એમને.."
"મને કંઈ હમજ ની પડી...શું કેટા છો ટમે..'' ચંપકે લોચા વળ્યાં.
"કેમ તમારું ચક્કર ચાલે છે ને..."
"હાનુ ચક્કડ..કઈ હમજ પડે ટેવુ બોલોની..."
"સારું જવા દો.. બોલો કેમ પધાર્યા છો ?" રસિકલાલે કંટાળીને કહ્યું.
"માડે તારીની ડેસાઈનું કામ હતું.."
ચંપકે કહ્યું.
'ઓ..ત્તા...રી...નો.. તો એમ વાત છે..કેટલા ટાઇમથી ચાલે છે..?''
"શું યાડ સડ તમે મજાક ની કડો..
મને એ મડશે.. કે ની એ કેવની.."
ચંપકે કહ્યું.
"યાર એ કોઈને નથી મળે તેમ..તમે છાનામાના ગોટા બનાવો..ક્યારેક અમારા જેવાને ખવડાવો..." રસિકલાલે હસીને કહ્યું.
ચંપક કાંટાવાળાને કલાક સુધી રમાડીને રસિકલાલે વિદાય કર્યો.
"કેટલા આવા ને આવા બબુચકો
ભર્યા છે સાલ્લા.."એમ બબડીને દવેએ છાપામાં આંખો પરોવી.
(ક્રમશ :)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED