64 સમરહિલ - 81 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 81

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 81

પહાડના કરાલ ખડક પર પગ ભીંસીને ત્વરિતે આખું શરીર અમળાવી નાંખ્યું પણ તેને બરાબર ભીંસી રહેલા મુક્તિવાહિનીના ગેરિલાની મજબૂત પકડ તેને ચસકવા દેતી ન હતી. તેના ફેફસાંમાંથી નીકળેલી કારમી ચીસ ગળા સુધી પહોંચી અસ્ફૂટ ઊંહકારો બનીને અટકી ગઈ હતી. ખડક સાથે પગ અથડાવાથી જરાક જેટલો અવાજ થયો ત્યાં એ આદમીએ તેના પગ પરની ભીંસ વધારી દીધી.

શરીરને તંગ કરીને કરાડ પર લેટેલી હાલતમાં તે માંડ વીસેક મીટર નીચેનું દૃશ્ય ફાટી આંખે જોઈ રહ્યો.

દૂર પહાડના ઢોળાવ પર હજુ ય ક્યાંક ગ્રેનેડ ફાટી રહ્યા હતા અને અચાનક ફાટતા બારુદના ક્ષણિક ઝબકારામાં અંધારાની છાતી ચિરાઈ જતી હતી. એકધારા આઠ-દસ ગ્રેનેડના ધડાકા પછી સામેથી થતું ફાયરિંગ અટકી ગયું હતું. ક્યાંય કોઈ હલનચલન વર્તાતી ન હતી...

સિવાય કે કરાડની બરાબર નીચેની તરફ એક વિશાળ ખડકની આડશમાં જેમતેમ લપાઈને વળ ખાઈ રહેલો રાઘવ...

ત્વરિતના શરીરના અણુએ અણુમાંથી કારમી ચીસ નીકળતી હતી પણ તેનાંથી ચસકાય તેમ ન હતું. તે પોતાની નજર સામે રાઘવને મરતો જોઈ રહ્યો હતો અને તેનાંથી...

તિબેટી ગેરિલાઓની મુશ્કેટાટ ભીંસ વચ્ચે તેના કંઠે દારુણ ડુસ્કું બાઝી ગયું.

તેણે રાઘવને એકલો છોડવા જેવો ન હતો. તેણે રાઘવને ઓળખવામાં થાપ ખાધી હતી. તેણે રાઘવને પારખવામાં મોડું કરી નાંખ્યું હતું.

પારાવાર હતાશામાં અને પસ્તાવાના તીવ્રતમ બોજ તળે તેણે લાચાર, બેબસ થઈને શરીર ઢીલું છોડી નાંખ્યું. તેનું હૈયું બેબાકપણે રડવા લાગ્યું હતું.

* * *

એ પહેલાં...

ખભા પર તેણે કોઈકને ઊઠાવ્યું હતું એટલે ચાલવાની સ્ટાઈલ ઓળખાતી ન હતી. લપાયેલા કેસીએ ખાતરી ન થઈ ત્યાં સુધી ગન તાકી રાખી. ધોધમાર વરસાદ વચ્ચે કાળામેંશ અંધારામાં લપસણા ઉબડખાબડ ચઢાણ પર લથડતી ચાલે ધીમે ધીમે આગળ વધી રહેલા આદમીને આખરે તેણે પારખ્યો હતો.

એ ત્વરિત જ હતો.

ધરબાયેલો ત્વરિત અચાનક કોઈકને પોતાની સામે જોઈને ફાયર કરી બેસે એ ડરથી લપાતા-છૂપાતા સાવ નજીક જઈને કેસી અને તેના આદમીઓએ ત્વરિતને પકડયો ત્યારે તેના ચહેરા પર બેબાકળા ભાવ તરવરતા હતા. તેના ખભા પરથી તાન્શીને નીચે ઊઠાવીને તરત કેસીના આદમીઓ તેનો ઘાવ તપાસવા લાગ્યા અને કેસીએ ત્વરિતને નીચે બેસાડીને એકધારા શ્રમથી જકડાયેલા તેના શરીરને વોર્મઅપ અને સ્ટ્રેચિંગ મસાજ આપવા માંડયો.

પણ ઘાંઘો થયેલો ત્વરિત ધમણની માફક હાંફતી છાતીએ સતત ખાંસતો જઈને પીઠ પાછળ આંગળી ચિંધતો હતો.

તાન્શી બેહોશ હતી અને ત્વરિત એકલો તેને ખભે ઊંચકીને અહીં સુધી લાવ્યો હતો એટલે નીચે કાંઠા પર કશુંક અજુગતું બની ગયું હશે એવો અંદાજ તો કેસીએ માંડી જ દીધો હતો, પણ શું થયું હતું? બાકીના આદમીઓ ક્યાં?

'રાઘવ ઈઝ ઓલ અલોન...' છેવટે ત્વરિતે શ્વાસ કાબૂમાં લઈને તૂટતા અવાજે કહ્યું.

હાંફતા ત્વરિતે તૂટતા અવાજે કાંઠા પરના ધમસાણ વિશે કહેવા માંડયું અને કેસી ધીરજપૂર્વક સાંભળતો ગયો. આવનારા આદમીઓ વધુ તાલીમબધ્ધ અને ચડિયાતા સાબિત થયા હતા અને પોતાના માણસોએ અણધારી ખુવારી વેઠવી પડી હતી તેના અહેસાસથી કેસીના ચહેરા પર તંગદીલી પથરાઈ ગઈ.

રાઘવે એકલે હાથે બાથ ભીડીને તેમને રોકી રાખવાનો નિર્ણય લીધો અને ત્વરિત, તાન્શીને પરત મોકલી આપ્યા એથી તેણે મનોમન સલામ કરી નાંખી હતી.

રાઘવ એકલો ટક્કર ઝીલે તેનો અર્થ શું થાય એ ન પારખી શકવા જેટલો નાદાન કેસી ન હતો. એ ત્રણ પેઢીનો વારસો ધરાવતો જન્મજાત લડાકુ હતો પણ તેની લડાઈ જુદી હતી. એ છાપામાર ગેરિલો હતો. તેણે હંમેશા જીવતા રહીને જીતવાનું હતું. જ્યારે રાઘવે સામે ચાલીને વ્હોરી લીધેલી લડાઈ નોંખી હતી. તેમાં મરીને...

તે ઝાટકાભેર ઊભો થઈ ગયો.

'અહીંથી કેટલેક દૂર છે?' તેણે પીઠ પાછળ નજર નાંખીને ગણતરીઓ માંડવા માંડી.

'તાન્શીને ઊઠાવીને અહીં સુધી આવતાં મારે લગભગ પોણી કલાક થઈ...'

'હમ્મ્મ્મ્...' કેસીએ અછડતો હોંકારો ભણી દીધો.

આવનારા લોકો પાસે મોર્ટાર ગન હતી. પૂર્વે બખોલમાં અને હવે અહીં કાંઠા પર તેમણે જે રીતે હલ્લો કર્યો એ જોતાં તેઓ ક્વિક કોમ્બેટથી બરાબર કેળવાયેલા હતા. આવા લડવૈયાઓ સામે રાઘવ એકલો ચાલીશ મિનિટથી ઝૂઝતો હતો...

તેણે ફટાફટ નિર્ણય લીધો. તાન્શીને હોશમાં લાવવાની તજવીજ કરવા એક આદમીને સુચના આપી. તાન્શી હોશમાં આવે એટલે તેમણે ડેવિલ્સ બેડ તરફ આગળ વધવાનું હતું. બીજા આદમી અને ત્વરિતને લઈને તે પહાડીમાં આગળ વધ્યો.

'ઈટ વોઝ ઓલ માય ફોલ્ટ...' ત્વરિતના ચહેરા પર પારાવાર વિષાદ હતો, 'મારે તેને એકલો છોડવા જેવો ન હતો...'

'નો... ઈટ વોઝ પરફેક્ટ પ્લાન...' કેસી રૃંવેરૃંવેથી ઝુઝારુ લડવૈયો હતો. રણમેદાનમાં સામસામે ગોળીઓ છૂટતી હોય ત્યારે અંગત લાગણીઓને કોરાણે મૂકીને નિર્ણયો લેવા ટેવાયેલો હતો, 'તારો કોઈ વાંક નથી. તાન્શી જો બેહોશ ન થઈ હોત તો તેણે પણ પોતે જવાબદારી લઈને તમને બંનેને સેઈફ પેસેજ આપ્યો હોત. એ બેહોશ થયા પછી બચ્યા રાઘવ અને તું, તમારા બેમાં તેનો અનુભવ વધુ ચડિયાતો છે. હી ઈઝ અ બ્રેવ સોલ્જર... આઈ સેલ્યુટ હીમ...'

પહાડના આકરા ચઢાણ સપાટાભેર ચડતો-ઉતરતો કેસી ત્વરિતનો હાથ પકડીને પોતાની ઝડપ સાથે તેને ખેંચતો જતો હતો.

પણ અચાનક એ ખચકાયો અને ઝાટકા સાથે ઊભો રહી ગયો. ઘડીક ત્વરિતની સામે તે દિગ્મૂઢ થઈને જોતો રહ્યો.

'હો સકતા હૈ...' ત્વરિતની સામે જોઈને સ્વગત બબડતો હોય તેમ તે ધીમા અવાજે બોલ્યો. કશીક તીવ્ર કશ્મકશમાં હોય તેમ વળી તેણે ગરદન ધૂણાવી અને ત્વરિતના બાવડા પરની ભીંસ વધારી દીધી...

'એવું પણ હોઈ શકે ને કે તે હુમલો લઈને આવનારા લોકો સાથે મળેલો હોય?'

કેસીએ ખંધી શાતિરતાથી લડાવેલા તર્કથી ત્વરિત ઊભાઊભા થીજી ગયો.

શાંગરામાં જ્યારે તેને રાઘવે કહ્યું ત્યારે તેને પારાવાર ગુસ્સો આવ્યો હતો. રાઘવના કારણે જ આટલી મુસીબત સર્જાઈ હતી અને સમગ્ર મિશન ભયાનક રીતે જોખમમાં મૂકાઈ ગયું હતું. રાઘવને તે તીવ્રતમ રીતે ધિક્કારવા માંડયો હતો.

પણ તાન્શી બેહોશ થયા પછી તેણે રાઘવનું જે સ્વરૃપ જોયું એ તદ્દન અલગ હતું. એ માણસ...

એ જ ક્ષણે તેને રાઘવની પારાવાર ફિકર થઈ આવી હતી. જો કેસી-હિરનને ખબર પડે કે આવનારા લોકો ઈન્ડિયન આર્મીના કમાન્ડો છે અને રાઘવે મૂકેલા છીંડા શોધીને અહીં સુધી પહોંચ્યા છે તો એ બંને રાઘવને રૃંવાડે રૃંવાડે ગોળી મારીને ચાળણી જેવો કરી મૂકે.

તાન્શી સાથે પરાણે તેને ધકેલતી વખતે રાઘવનો ચહેરો, તેના હાવભાવ અને તેની વાતો તેણે અનુભવ્યા એ જ ઘડીએ તેણે રાઘવને છાવરી લેવાનો નિર્ણય લઈ લીધો હતો.

'નો વે...' તેણે સિફતપૂર્વક વરસાદની ધારમાં ચહેરા પરનો આઘાત વીછળી નાંખ્યો, 'એ ત્યાં સામી છાતીએ ગોળીઓ ઝિલે છે. હાઉ કૂડ યુ ડેર ટૂ થિન્ક સો...'

'આઈ ડેર... બિકોઝ આઈ હેવ સીન સચ ગાય્ઝ...' કેસીએ મક્કમતાથી જવાબ વાળ્યો, 'હું જે કામ કરી રહ્યો છું તેમાં બ્લાઈન્ડ ફેઈથ નામનો કોઈ શબ્દ નથી. નોબડી ઈઝ આઉટ ઓફ ડાઉટ. જ્યારે પણ કશુંક અણધાર્યું કે અજુગતું બને એટલે મારી સગી માને ય હું શંકાની નજરે તરાશી લઉં. એ વગર હું જીવતો ન રહી શકું...'

'એટલે?' ત્વરિત કોઈપણ રીતે કેસીને આ તર્ક પરથી પાછો લાવવા મથતો હતો, 'વોટ ડુ યુ મિન? એ કેવી રીતે મળેલો હોઈ શકે યાર?'

'આપણે શાંગરા સુધી પહોંચવામાં કેવી ચુસ્તી દાખવી છે એ મને ખબર છે. કોઈ લૂપહોલ ક્યાંય છોડયો નથી. ઈન્ડિયન ફોર્સિસ સાથે મારે કોઈ દુશ્મની નથી. તો આવનારા લોકોએ કેવી રીતે આપણને લોકેટ કરી લીધા? શા માટે તેમણે આટલી તૈયારી સાથે સીધો જ આપણા પર હુમલો કરી નાંખ્યો? મારો એકેય આદમી ફૂટયો નથી તો એ તમારામાથી જ કોઈક હોવું જોઈએ...'

મધરાત પછીનું કાળુમેંશ આકાશ એકધારું ક્યારનું ધોધમાર વરસી રહ્યું હતું. પહાડના નિર્જન સન્નાટા વચ્ચે ઘટાદાર વૃક્ષોના પાંદડા પર પછડાતા ફોરાની તડતડાટી, તોતિંગ થડની કોરાયેલી બખોલ આસપાસ આમતેમ ઊડીને ઉજાસનો આકાર ખડો કરી જતાં આગિયા, છાતીના પાટિયા ભીંસી દેતી ક્વચિત થઈ જતી મેઘની ગડગડાટી અને અહીં વરસાદની વાછટ ઝીલતા કેસીના ગોરા, નમણા, પાતળા ચહેરા પર લિંપાતો જતો રૌદ્ર...

'કમઓન યાર... તું પાગલ ન બન... હી નીડ્સ હેલ્પ...'

પણ કેસી હવે કોઈ જોખમ લેવા તૈયાર ન હતો. રાઘવ જો કોઈક રીતે ઈન્ડિયન ફોર્સને અહીં સુધી લઈ આવ્યો હોય તો આખો ય કાફલો ડેવિલ્સ બેડ ઓળંગે એ પહેલાં જ અહીં ક્યાંક ઘેરાઈ જાય.

શક્ય છે કે ત્વરિત-તાન્શીને જવાનું કહીને તરત રાઘવ અને આવનારા લોકોએ તેમનો પીછો કર્યો હોય અને સૌને એકસાથે ઝબ્બે કરવાનો વ્યુહ અપનાવ્યો હોય.

રાઘવ, એક પોલિસ અફસર આવા ભેદી કાફલા સાથે તિબેટ જેવી અગોચર જગાએ જવાએ તૈયાર થાય એ વાત જ કેસીને પચી ન હતી. એ વખતે હિરને બહુ ભારપૂર્વક રાઘવની જવાબદારી લીધી હતી. તેમનો પીછો કરીને ખાસ્સી જાણકારી મેળવી ચૂકેલા રાઘવને તે મારી શકે તેમ પણ ન હતી અને છોડી શકે તેમ પણ ન હતી એ ય તેણે કેસીને સ્પષ્ટ કરી દીધું હતું.

આમ છતાં તેણે રાઘવને સતત શંકાના દાયરામાં રાખ્યો હતો. કાંઠા પર ઉતરીને ડિંગીનો સામનો કરવાનો તેનો પ્લાન સાચો જ હતો. પોતે ય એમ જ વિચાર્યું હોત. તો પણ ફક્ત રાઘવ પરની શંકાને લીધે જ તેણે તાન્શી અને બીજા ચાર આદમીને ય સાથે ઉતાર્યા હતા.

એ ચાર આદમી માર્યા જાય, તાન્શી બેહોશ થઈ જાય, ત્વરિત બચી જાય અને રાઘવ એકલો ત્યાં લડતો રહે...

અવઢવમાં કેસીના મોંમાંથી ડચકારો નીકળી ગયો.

જો રાઘવ સાચો હતો તો બેય હાથની સલામને લાયક ખરો લડવૈયો હતો અને જો એ તેનો માસ્ટરસ્ટ્રોક હતો તો એ સમગ્ર તિબેટિયન જાતિનો હાલના તબક્કે સૌથી મોટો દુશ્મન હતો.

આ તર્કથી કેસી પોતે જ ફફડી ગયો હતો. ભાડમાં જાય હિરન અને ભાડમાં જાય તેની વામપંથી મૂર્તિઓ... કેસી માટે મુક્તિવાહિનીના લક્ષ્યથી વિશેષ આખી દુનિયામાં કશું જ ન હતું.

તેણે તરત પ્લાન બદલી નાંખ્યો. સીધા જ કાંઠા પર ધસીને હુમલો કરવાની તૈયારી બદલી નાંખી. ત્વરિતને પોતાની સાથે રાખીને બે અલગ દિશાએથી એ કાંઠા પર ઉતરવા લાગ્યો. જેમ જેમ તે ચઢાણ ઉતરતો ગયો તેમ તેમ કાંઠા પરથી સંભળાતા ધડાકા-ભડાકા તેના તર્કને વેરવિખેર કરતા રહ્યા.

ફાયરિંગ અને ગ્રેનેડના અવાજથી ત્વરિતને ભારે ઉતાવળ આવતી હતી. રાઘવ છટકી જવા માંગે છે એવો વિચાર તો તેને ય આવી જ ચૂક્યો હતો પણ છેલ્લે તેણે જોયેલું રાઘવનું સ્વરૃપ...

'આ... આ જ કરાડ પરથી હું ઉપર ચડયો હતો...' ત્વરિતે પોતે જ્યાંથી પહાડ ચડયો હતો એ કરાડ બતાવી, 'અહીં નીચે જ ક્યાંક એ હોવો જોઈએ...'

ત્રણેય જણાએ નીચે લપાઈને જોયું. અંધારામાં તરત કંઈ ભળાય તેમ ન હતું. ધીમે ધીમે આંખ ટેવાઈ ત્યારે કરાડની બરાબર નીચે ખડકની આડશમાં કશોક સળવળાટ વર્તાયો. કોઈ ઉલટી કરી રહ્યું હોય તેવો, મોંમાંથી ફેંકાતા ઘળકાનો અવાજ સંભળાયો. અવાજની દિશામાં ધ્યાનથી જોયા પછી ભોંય પર તરફડતો, અમળાતો, પારાવાર પીડાથી વળ ખાતો રાઘવ વર્તાયો.

એ રાઘવ જ છે, બૂરી રીતે ઘાયલ છે એવો પહેલો ખ્યાલ આવ્યો એ જ વખતે સામેથી બે ગોળી છૂટી અને ઢિંચણભેર ફસકાઈને વળ ખાતો રાઘવ ઉથલીને ખડક સાથે ટિચાયો.

'રા....' ત્વરિતના મોંમાંથી ચીસ ફાટવા જતી હતી એ જ વખતે તેની પ્રતિક્રિયાનો અંદાજ માંડીને કેસીએ ભારે બળપૂર્વક તેનું મોં દાબી દીધું અને બીજા આદમીએ તેના પર પટકાઈને તેને મુશ્કેટાટ જકડી લીધો.

ત્વરિત રાઘવની સહાયતાએ જવા ઈચ્છતો હતો પણ કેસીની અનુભવી આંખો પારખી ચૂકી હતી કે હવે બહુ મોડું થઈ ગયું છે.

પોતે ફાયરિંગ કરે તો પણ રાઘવ હવે બચવાનો નથી અને ફાયર કરવાથી પોતાની હાજરી ય છતી થઈ જઈ જાય તો કોઈ જીવતું ન બચે.

ત્રણ-ત્રણ પેઢીથી પોતાના લક્ષ્યને વળગી રહેલા ગર્મ ખૂનના એ ખામ્પા લડવૈયાએ અંધારાની આડશમાં અંગૂઠો ફેરવીને પાંપણ પર બાઝેલું આંસું લૂછી નાંખ્યું. બે સેકન્ડ માટે આંખ બંધ કરીને રાઘવની માફી માંગી અને પછી સ્તબ્ધ થઈ ગયેલા ત્વરિતનું મોં દાબીને ખભા પર ઊઠાવી લીધો.

હર હાલમાં તેણે આગળ વધવાનું હતું.

લક્ષ્ય પ્રત્યેનું અડીખમ સમર્પણ અનુભવીને કઠણ કાળજાનો પહાડ પણ રોઈ પડયો હોય તેમ ચોમેર ઝરણા દદડાવી રહ્યો હતો.

(ક્રમશઃ)