કાશ તેં મને કહ્યું હોત…. - 2 Urvi Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ તેં મને કહ્યું હોત…. - 2

કાશ તેં મને કહ્યું હોત….

પ્રકરણ - ૨

પતિ-પત્નીનાં પચીસ વર્ષનાં દાંપત્યજીવનની ઇમારતને પાયાસહિત ધ્રુજાવી નાંખનાર ઘટનાની શરૂઆતનાં મંડાણ નીલાક્ષી જ્યારે ગાયનેકોલોજિસ્ટ પાસે ત્રણ મહિના પહેલાં ચેકઅપ માટે ગઈ હતી ત્યારથી થયેલ.

નિલાક્ષી મેનોપોઝનાં કપરા સમયમાંથી પસાર થઈ રહેલી.એ એક નહીં, વિવિધ પ્રકારની મનોદૈહિક તકલીફ ભોગવી રહેલ.

એ જ સમયે, ત્યાં પોતાની ગાયનેકોલોજિસ્ટ મિત્રને મળવા આવેલ એનો ખુદનો ડોક્ટર મિત્ર અવિનાશ અનાયાસ મળી ગયેલો. યુરો સર્જન અવિનાશ સાથે એની મિત્રતા વર્ષો જૂની હતી.

જેમ નિલાક્ષીને અવિનાશને ઓળખી જતા ક્ષણનોય વિલંબ નહોતો થયો એમ અવિનાશનેય નિલાક્ષીને ઓળખતા જરાય વાર ન લાગી હતી.બન્નેય એકમેકને ભૂલે પણ ક્યાંથી ? ભૂલેશ્વરનાં બાજુ -બાજુનાં બ્લોકમાં બંનેય સાથે જ ઉછરેલા.

એ મિત્રતાનાં નાતે જ તો અવિનાશે પ્રશાંતનું ઓપરેશન એની પાસે સમય નહોતો રહ્યો તોય કોઈ પણ રીતે મેનેજ કરીને કરી આપેલું. એ ઓપરેશનમાં નિલાક્ષી પોતાની ડિલીવરીનાં કારણે હાજર નહોતી રહી શકે એમ હોવા છતાં - અવિનાશ પરનાં પૂરા વિશ્વાસનાં કારણે એણે ખુદની ગેરહાજરીમાં એ ઓપરેશન કરી નાંખવા અનુમતિ આપી દીધેલી.

'હાય નીલુ...ગ્રેટ સરપ્રાઈઝ યાર !! હાઉ ઇઝ પ્રશાંત ? એને ત્યાર પછી ક્યારેય કિડની સ્ટોનનો પ્રોબ્લેમ નથી થયોને ?' અવિનાશ નિલાક્ષીને પૂછી રહ્યો.પ્રશાંતનાં ઓપરેશનનાં બીજા જ દિવસે અવિનાશ વર્ષો માટે અમેરિકા જતો રહ્યો હતો.

નિલાક્ષી ચમકી. ઓપરેશન કિડની સ્ટોનનું ? તે વિચારી રહી કે કદાચ અવિનાશ ભૂલી ગયો હશે. એણે હસતાં-હસતાં કહ્યું,' શું તુંય તે અવિ, આખીને આખી કિડની રિપ્લેસ કર્યા બાદ એમાં કિડની સ્ટોન થોડો રહેવાનો હતો ?'

હવે ચમકવાનો વારો અવિનાશનો હતો, ' યુ મીન કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ? પ્રશાંતને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું પડ્યું ? ક્યારે? બટ હાવ્ઝ ધેટ પોસીબલ?'

નિલાક્ષી સ્થિર થઈ ગઈ.તદ્દન ચિત્રવત બની રહી. એનાં માથા પર જાણે ઘણ પછડાઈ રહ્યાં. બ્લડ પ્રેસર વધવા માંડ્યું. મનમાં સતત ઉમટી રહેલાં વિચારોનાં ધસમસતા પૂરમાં તણાઇ. એવી તણાઈ કે થોડી પળો માટે એ બેશુદ્ધ બની ગઈ.

થોડા પ્રાથમિક ઉપચાર બાદ ખુદ અવિનાશ એને ઘરે મૂકી ગયેલો.સિફતપૂર્વક નિલાક્ષીએ અવિનાશ પાસેથી ન જાણવા જેવું જાણી લીધું હતું અને એનાં સુખી દાંપત્યજીવનમાં વાવંટોળ ફૂંકાયો હતો.

નિલાક્ષી જે દિવસે પ્રશાંત સાથે ઝઘડો કરીને ઘરેથી નીકળી ત્યારે મુંબઈમાં અનરાધાર વરસાદ વરસી રહેલો .એ વરસાદ જોઈ એને અઢાર વરસ પહેલાંનો એ ખતરનાક દિવસ યાદ આવી ગયેલો.વિચારી રહી કે આજે એ કેવી ઘરેથી નીકળી કે ભારે વરસાદથી મુંઝાયા વગર તરત હોટલ પર પહોંચી ગઈ ! પણ, એ દિવસોમાં તો એનાં જેવી મધ્યમવર્ગીય સંસ્કારી ગૃહિણી એકલી હોટેલમાં જઈ રૂમ માંગે એવી કલ્પના કરવી પણ અઘરી હતી.મોબાઈલ તો હજી કોઈક -કોઈક જ વાપરતા હતા. હજી લેન્ડલાઈનની જ બોલબોલા હતી.

???????

'હલો ! પ્રશાંત, તું સાંભળે છે ને ? લોકલ બંધ થઈ ગઈ છે. શું કરું હું ? તું મને લેવા આવી શકીશ ?' બેફામ વરસી રહેલાં વરસાદથી ભરપુર ભીંજાઈ ચૂકેલી છવ્વીસ વર્ષીય સોહામણી નિલાક્ષી દાદરનાં એક પબ્લિક ટેલિફોન બુથમાંથી પ્રશાંતને પૂછી રહી હતી.

એ દિવસે મેઘો બરાબર મંડાયો હતો.સતત વરસી રહેલાં અનરાધાર વરસાદે ઠેર -ઠેર ટ્રાફિક જામ કરી દીધો હતો.લોકલ ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. બેસ્ટની બસો બંધ થઈ ગઈ હતી. ટેક્ષી-ઓટોનો કોઈ ગજ વાગે એમ ન હતો.

બેન્કમાં નોકરી કરતી નિલાક્ષી ઘરે જવા નીકળી તો ગઈ,પણ દાદર સ્ટેશન આવ્યાં બાદ તેં મુંઝાઈ ગયેલી.અનિશ્ચિત સમય સુધી મુંબઈની ધોરી નસ જેવી લોકલ ટ્રેન બંધ રહેવાની સતત એનાઉન્સમેન્ટ થઈ રહી હતી.

નિલાક્ષીની નજર સમક્ષ એનાં બે નાનાં બાળકો નિસર્ગ - નિર્ઝરીનાં ચહેરા તરવરી ઉઠ્યાં. ઘરે પહોંચવા આતુર એવી નિલાક્ષીએ પ્રશાંતને ફોન કર્યો.

પ્રશાંતની ઓફિસ તેઓ રહેતાં હતા ત્યાં અંધેરીમાં જ હતી.સ્વાભાવિકપણે એ યેનકેન પ્રકારે ઘરે પહોંચી જવાનો હતો એ નક્કી હતું.એટલે એની કોઈ ચિંતા ન હતી. બાળકોય ઘરે સાસુ પાસે સલામત હતા.અટવાઈ પડેલી તો માત્ર એક નિલાક્ષી જ હતી.

'નિલા.., વરસાદ અહીં પણ ધોધમાર છે. પહેલાં તો ઝડપથી બાપુજીની સાથે ઘરે બા અને બાળકો પાસે પહેલાં પહોંચવું પડશે. તું તો જાણે છે કે બા એકલાં તો બન્નેયને ઝાઝીવાર નહીં સંભાળી શકે. જો હું તને લેવા આવીશ તો હું પણ અધવચ્ચે જ અટવાઈ પડવાનો એ ચોક્કસ છે...' પ્રશાંત નિલાક્ષીને સમજાવવાની સાથે - સાથે ખુદ પોતે પરિસ્થિતિ સમજવાની કોશિશ કરી રહ્યો હતો.

પ્રશાંત સાથેનાં પાંચ વર્ષનાં દાંપત્યજીવનથી નિલાક્ષી સંપૂર્ણ રીતે સંતુષ્ટ અને સુખી હતી.પ્રશાંત કુટુંબપ્રેમી હતો. એ નિલાક્ષીને ભરપૂર ચાહતો.

સ્વરૂપવાન નિલાક્ષી સ્વભાવે કંઈક ચંચળ,તેજીલી અને માનુની હતી. જયારે પ્રશાંત ઘણો જ શાંત અને કોઈ પણ પરિસ્થિતિમાં સમતા જાળવી શકે એવો, પૂરતું ગાંભીર્ય ધરાવતો અઠઠાવીસ વર્ષનો યુવાન હતો.એનાં માતા -પિતા નવા જમાનાની સાથે તાલ મિલાવતા જવાની વિચારસરણીવાળા હોઈ એમણે નિલાક્ષીને લગ્ન પછી પણ નોકરી કરવાની અનુમતિ આપી હતી.

નિલાક્ષી પ્રશાંતની વાત સમજી ગઈ હતી કે અત્યારે પ્રશાંતનું ઘરે રહેવું પણ એટલું જ જરૂરી હતું. પ્રશાંતે આપેલ સુઝાવ પ્રમાણે એ દાદર સ્ટેશનની બહાર નીકળી કમર સમાણા પાણીમાં ચાલવા લાગી.

' નિલાક્ષી, પહેલાં તું નોર્મલ થઈ જા. સાંભળ, દાદર સ્ટેશનથી ફકત પાંચ મિનિટનાં અંતરે દેવયાની એપાર્ટમેન્ટ છે. જ્યાં આપણાં જ્યા માસીની દીકરી શીલા ગયા મહિને જ શિફ્ટ થઈ છે.લગભગ એ થર્ડ ફ્લોર પર છે, એવું મને યાદ છે. તું ત્યાં જતી રહે અને મને પછી ત્યાંથી કૉલ કરજે કે તું ત્યાં સહી સલામત પહોંચી ગઈ છે...'

પાંચ વર્ષનાં સુખી દામ્પત્યજીવનનાં પરિપાકરૂપે નિલાક્ષી અને પ્રશાંતનાં સંસારમાં ચાર વર્ષીય નિર્ઝરી અને ત્રણ વર્ષીય નિસર્ગ કિલ્લોલ કરી રહેલાં.પહેલી ડિલિવરી બાદ તુર્ત જ બીજી ડિલીવરી વખતે એની ગાયનેકોલોજિસ્ટે ઠપકો આપતાં કહેલું,' તમારે ધ્યાન રાખવાની જરૂર છે. ઉપરાઉપરી ડિલીવરી સ્ત્રીની તબિયત માટે હિતાવહ ન ગણાય. તેથી હવે હમણાં ત્રીજાનું આગમન મુલત્વી રાખજો.'

જવાબમાં નિલાક્ષી શરમથી નીચું જોઈ ગઈ,જ્યારે પ્રશાંતે હસતા -હસતા કહી દીધું,' નૉ ડૉક્ટર, હવે સરકારનાં આદેશ પ્રમાણે બીજા પછી ત્રીજું ક્યારેય નહીં..'

આવા સુખી દંપતિની જિંદગી બિલકુલ અવરોધ વગર સરી રહેલી અને આજે વરસાદ વેરી બની ત્રાટક્યો હતો.

???????

પિતરાઈ નણંદ શીલાનાં ફ્લેટ સુધી માંડ -માંડ પહોંચી શકેલી નિલાક્ષી એ ફ્લેટનાં દરવાજે તાળું જોઈ હતાશ થઈ ગઈ. થાકેલાં તન-મન સાથે દાદરમાં નજીકમાં બીજા કોના ઘરે જઈ શકાય એમ તે વિચારી રહી. સાંજ તો ક્યારનીય ઢળી ગયેલી.

બરાબર એ જ સમયે સામેનાં ફ્લેટનો દરવાજો ખુલ્યો. વરસાદી રેઇનકોટ પહેરીને નીકળેલો તે મજબૂત બાંધાનો ઊંચો -તંદુરસ્ત યુવાન થોડી ક્ષણો નિલાક્ષીનાં બ્લૉઉઝમાંથી દેખાઈ રહેલી અધખુલી ગૌર પીઠ, ખુલ્લાં રેશમી ભીંજાયેલા વાળ અને ઘાટીલી કાયાને પ્રશંસનીય નજરે જોઈ રહ્યો...બસ જોઈ રહ્યો.

ક્રમશ :

આગલા પ્રકરણમાં જોઇશું કે વરસાદમાં અટવાયેલી નિલાક્ષીનાં ભાગ્યમાં આખરે શું નિર્ધાયુ છે ???

***