કાશ તેં મને કહ્યું હોત…. - 1 Urvi Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ તેં મને કહ્યું હોત…. - 1

કાશ તેં મને કહ્યું હોત….

પ્રકરણ - ૧

જસલોક હોસ્પિટલ - મુંબઇ

આઈ. સી. યુ વિભાગની બહાર, પતિ પ્રશાંતનાં આયુષ્ય માટે સજળ નેત્રે ઈશ્વર સ્મરણ કરી રહેલી એ માનુની એનાં યુવાન સંતાનોથી વીંટલાયેલી હતી. સમયાંતરે એનો પુત્ર નિસર્ગ અને જમાઈ નિશિથ એને આશ્વાસન આપતા રહેલાં.

અત્યારે પણ નિસર્ગ કહી રહેલો,' ડોન્ટ વરી મમ્મી ! ડૉક્ટરે આપેલો કટોકટીભર્યો સમય લગભગ પૂરો થવા આવ્યો છે. હવે ડૉકટરનાં કહેવા પ્રમાણે ડેડ ગમે ત્યારે ભાનમાં આવી શકે છે.'

એ અપલક નેત્રે નિસર્ગ સામે જોઈ રહી.પ્રશાંતનાં સમાચાર જાણી સવારે જ અમેરિકાથી આવેલો નિસર્ગ તો કાંઈ જ જાણતો ન હતો કે એનાં મમ્મી - ડેડનાં જીવનમાં કેવી ઝંઝાવાતી આંધી ફૂંકાઈ ચૂકી છે.

એ માનુની હતી નિલાક્ષી ! લાંબી -ઘેરી પાંપણોવાળી આંખોની અંદરની આસમાની કીકીનો રંગ જોઈ, એનાં જન્મની સાથે જ કોઈને એ 'નીલાક્ષી'નામ સ્ફુરી ગયેલું, જે કાયમ રહી ગયેલું.

નિર્ઝરી વાંરવાર થોડીવારે નીલાક્ષી, તો થોડીવારે નિમિષા તરફ જોઈ લેતી હતી. એનાં મનમાં વારંવાર કસક ઉઠતી હતી કે ડેડને આવેલાં આ સિવિયર હાર્ટએટેક બદલ કોણ જવાબદાર હતું ?

નિમિષા કે એની મમ્મી ? જો કે નિમિષા કેટલી સુંદર લાગે છે !!! અદ્લોદલ એની મમ્મી જેવી જ. ગૌર, ઊંચી અને આસમાની આંખોવાળી. કેમ ન લાગે ? એ પણ તો મમ્મીની જ પુત્રી છે ને !!

બધુ સાવ અચાનક જ બની ગયેલું. ખાટલે મોટી ખોડ એ હતી કે પ્રશાંતને એટેક આવ્યો ત્યારે એની સાથે ઘરમાં કોઈ ન હતું.

પરમ દિવસે સાંજે એ અને નિશિથ રવિવાર હોવાથી પપ્પાને મળવા ઘેર ગયા ત્યારે ફ્લેટનું ડોર થોડું હડસેલતાં જ ખુલી ગયેલું. જોયું તો ડેડ એટલે કે પ્રશાંત શાહ ઇઝી ચેરમાં છાતી પર હાથ મૂકી કણસી રહેલ. એનાં જમણા હાથની મુઠ્ઠીમાં એક પત્ર ભીંસાયેલો હતો. નિર્ઝરી તો એનાં વ્હાલા ડેડની આ હાલત જોઈ ગભરાઈ ગયેલી.નિશિથે સમયસુચકતા દાખવી પરિસ્થિતિ સંભાળી લેતાં સસરાને તરત જસલોકમાં દાખલ કરી દીધેલાં. નિર્ઝરીએ પેલો પત્ર એનાં ડેડના હાથમાંથી સેરવી લઇ પોતાનાં પર્સમાં સંભાળીને મૂકી દીધો હતો.

આજે હવે ત્રીજા દિવસે ઉપર ઉપરથી શાંત લાગતી નિર્ઝરીનાં મનમાં પેલાં પત્રની યાદે વાંરવાર અનેક પ્રશ્નો ઉઠતાં હતા. એક આવેશ અને ઉશ્કેરાટ જાગતો અને શમી જતો.અંતે એનાથી રહેવાયું નહીં. એણે એ પત્ર તેનાં પર્સમાંથી કાઢી એની મમ્મી નિલાક્ષી સામે ધર્યો.

નિલાક્ષી આષ્ચર્યથી ઘડીક નિર્ઝરી સામે તો ઘડીક એની તરફ લંબાયેલા પત્ર સામે જોઈ રહી.

'આ શું છે..??' નિલાક્ષીના હોઠ ફફડેલા.

નિશિથ નિર્ઝરી પર અકળાયો,' નિર્ઝરી, આ તું અત્યારે શું કરી રહી છે ? મમ્મી વધારે ડિસ્ટર્બ થશે...'

નિસર્ગ અને નિમિષા કુતુહુલપુર્વક પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યાં. 'નિશિથ, મમ્મી માટે આ પત્ર વાંચવો ખૂબ જરૂરી છે. ડેડને એટેક આવ્યો ત્યારે આ પત્ર એમનાં હાથમાં હતો..'નિર્ઝરી પ્રયત્નપૂર્વક શાંત સ્વરે બોલી હતી.

ધ્રુજતા હાથે નિલાક્ષીએ એ પત્ર હાથમાં લીધેલો. એની આંખોમાં ફરી એકવાર અશ્રુઓ ઉમટ્યાં. છેલ્લાં ત્રણ મહીનાથી એ હદ બહારનો માનસિક પરિતાપ વેઠી રહી હતી. ફર્ક માત્ર એટલો હતો કે પ્રશાંતને એટેક આવ્યો એટલે એનું દર્દ બધા અનુભવી શકતાં હતા,જ્યારે એ હજી ઝઝૂમી રહી હતી. એ મનથી તૂટીને કણ કણ વેરાઈ ગઈ હતી,જેનાથી કોઈ જ્ઞાત ન હતું.

ઓહ ! છેલ્લે એની અને પ્રશાંત વચ્ચે કેવો ઝઘડો થયેલો ! ત્રણ મહિના પહેલાંનો, પચીસેક વર્ષનાં દામ્પત્યજીવનમાં તેની અને પ્રશાંત વચ્ચે થયેલો જોરદાર અંતિમ ઝઘડો એની નજર સમક્ષ અત્યારે તરવરી ઉઠ્યો.

??????????

મેં તને આવો નહોતો ધાર્યો પ્રશાંત ! આટલી હદે તું નીચે ઉતરી ગયો ? પૈસાની આપણને એટલી બધી શી જરૂરિયાત હતી ? શેની કમી હતી આપણી પાસે ?'

નિલાક્ષી રીતસર ગુસ્સાથી ધ્રુજી રહેલી. નિલાક્ષીનાં આ રૌદ્ર સ્વરૂપનો સાક્ષાત્કાર પ્રશાંતને વર્ષો પછી થઈ રહ્યો હતો. એ ઠંડો રહ્યો. એને કોઈ જવાબ ન વાળ્યો.

પ્રશાંતની આવી ઠંડી ચુપકીદીથી નીલાક્ષી વધુ ધૂંધવાઈ ઉઠી. એણે પ્રશાંતની નજીક જઇ તેનાં બંને ખભેથી પકડી ઝ્નઝેડી નાંખતા પૂછ્યું,' મને જવાબ જોઈએ પ્રશાંત. તેં આવું શા માટે કર્યુ? આપણાં જ સંતાનને તેં આપણાથી શા માટે દૂર કર્યુ ?' આટલું બોલતાં તેં ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

થોડીવારે એનું રુદન થંભતાં તે ફટાક દઈને ઊભી થઇ ગઈ. એની આસમાની,લાંબી,મોટી આંખો લાલઘૂમ હતી અને ગૌરવર્ણ ચહેરો તમતમતો હતો.

'પ્રશાંત, હું તારી સાથે હવે એક મિનિટ વધુ રહી શકું એમ નથી. તેં મારો દ્રોહ કર્યો છે. તેં....તેં.... પૈસા માટે આપણાં બાળકને વેચી ખાધું. ઓહ..!' તેનાં હૈયામાં એક પીડાભર્યો સણકો ઊઠ્યો.

એની વળતી પળે જ......ત..ડા..ક...!

હવામાં પ્રશાંતનો મજબૂત હાથ લહેરાયો અને એક જોરદાર થપ્પડ નીલાક્ષીનાં ગાલ પર રસીદ થઈ. નીલાક્ષીનાં કાનમાં તમરાં બોલી ગયાં.

પચીસ વર્ષનાં દામ્પત્યજીવનમાં પ્રથમ વાર જ હાથ ઉપાડનાર પતિ પ્રશાંતને એ ફાટી આંખે જોઈ રહી.આજ સુધી નીલાક્ષીનો પડ્યો બોલ ઝીલનાર અને અને ઊંચા સ્વરે એક પણ શબ્દ ન બોલનાર પ્રશાંતે એનાં પર હાથ ઉપાડ્યો હતો. એ થપ્પડમાં શું નહોતું! ભરપૂર તિરસ્કાર, અવહેલના અને ભારોભાર બેરુખી.

માનુની નિલાક્ષી માટે એક ક્ષણ પણ ત્યાં થોભવું દોહ્યલું બની ગયું, તો પ્રશાંતે પણ તેને જતાં રોકી નહોતી. પચીસ વર્ષનાં દામ્પત્યજીવનને રોળાતાં પાંચ ક્ષણેય નહોતી લાગી.

ક્રમશ :

સુખી લગ્નજીવન જીવી રહેલ નીલાક્ષી અને પ્રશાંતનાં દાંપત્યજીવનમાં ફૂંકાયેલી ઝંઝાવાતી આંધી માટે જવાબદાર પરિબળ કયા હતા ? તેઓ પોતે કે કોઈ અન્ય ? સંજોગો ? કે સમય ? એ જાણીશું પ્રકરણ - ૨ માં ……

***