કાશ તેં મને કહ્યું હોત…. - 3 Urvi Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ તેં મને કહ્યું હોત…. - 3

કાશ તેં મને કહ્યું હોત….

પ્રકરણ - ૩

શીલાનાં ફ્લેટ સુધી માંડ -માંડ પહોંચી શકેલી નિલાક્ષી ફ્લેટનાં દરવાજે તાળું જોઈ હતાશ થઈ ગઈ. થાકેલાં તન-મન સાથે દાદરમાં નજીકમાં બીજા કોના ઘરે જઈ શકાય એમ તે વિચારી રહી.

બરાબર એ જ સમયે સામેનાં ફ્લેટનો દરવાજો ખુલ્યો. વરસાદી રેઇનકોટ પહેરીને નીકળેલો તે મજબૂત બાંધાનો ઊંચો -તંદુરસ્ત યુવાન થોડી ક્ષણો નિલાક્ષીનાં બ્લૉઉઝમાંથી દેખાઈ રહેલી અધખુલી ગૌર પીઠ, ખુલ્લાં રેશમી ભીંજાયેલા વાળ અને ઘાટીલી કાયાને પ્રશંસનીય નજરે જોઈ રહ્યો. એને બહાર જવું હતું એથી તેણે દાદર ઉતરવા માટે નિલાક્ષીને સંબોધી....

'એક્સક્યુઝ મી....'

પોતાની પાસે નીચે ઉતરવા માટે રસ્તો માંગી રહેલ એ યુવાન તરફ સહજપણે નિલાક્ષીનો ચહેરો ફર્યો.નિલાક્ષી અને એ યુવાનની નજર એક થતાં ઘડીભર માટે તારામૈત્રક રચાયું અને બન્ને એકસરખા ચમક્યા.

'મિહિર તું ?' ચમકવાની સાથે થોડીક ડઘાયેલી નિલાક્ષીનાં હોઠ આછું ફફડી ઊઠ્યા.

મિહિર નિલાક્ષીથી અનેકગણો ઉત્તેજિત હતો. આશ્ચર્ય ન છુપાવી શકાતા મિહિરનાં મુખેથી આનંદભર્યો ઉદગાર નીકળી ગયો,'અરે ! નીલુ તું અહીં ? વૉટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ !'

થોડી પળો બાદ, થોડા સમય પહેલાં જ ખરીદાયેલા મિહિરનાં ફ્લૅટમાં નિલાક્ષી મિહિરની સામે બેઠી હતી.એ હળવે હળવે ભરપૂર આદુ-મસાલાથી સભર ગરમ - ગરમ ચા ની ચુસકી લઈ રહી હતી.

પૂરી પંદર મિનિટ બાદ એ સ્વસ્થ થઈ હતી. હાલનાં સંજોગો અને પરિસ્થિતિમાં એ મિહિરનો સામનો કરવા બિલકુલ તૈયાર ન હતી. મિહિર એને જોઈ આનંદાશ્ચર્યકિત થઈ ગયેલો,જ્યારે એ આનંદિત થવાનાં બદલે વિક્ષિપ્ત થયેલી.

'ચા સારી બનાવી છે તેં...'એ આછું હસતા બોલી.

' હાશ ! તું હસી તો ખરી. નીલુ, તને યાદ છે એ દિવસો ! આપણે કેન્ટીનમાં આવી જ રીતે સામસામે બેસીને ચા પીતાં.' મિહિરે કોલેજજીવનના દિવસો યાદ કરતાં કહ્યું.

'હા, એકલી ચા નહીં, સાથે બટાટાવડા પણ..' નિલાક્ષી બોલતાં બોલી ગઈ, પણ પછી પોતાની જીભ દાંત તળે કચરી રહી.

મિહિર ખુલ્લા દિલે ખડખડાટ હસી પડ્યો. એ બોલ્યો,' એક્ચ્યુઅલી હું એવું જ કોઈ ગરમાગરમ ફરસાણ લેવા બહાર જઇ રહ્યો હતો, ત્યાં તું મળી ગઈ !'

નિલાક્ષીને રહી રહીને ખ્યાલ આવ્યો કે એ મિહિરના ઘરનાં અન્ય સભ્યો વિશે પૂછવાનો વિવેક ચૂકી ગઈ છે. એણે સ:સંકોચ ,હળવા પણ સ્પષ્ટ સ્વરે પૂછ્યું,' કોણ - કોણ છે આ ઘરમાં ?'

' હાલ તો માત્ર તું અને હું...' મિહિરે એની આસમાની આંખોમાં નજર પરોવતા એને છેડતા શરારતભર્યા સૂરે કહ્યું.

નિલાક્ષીનો ચહેરો શરમ અને ક્ષોભથી રાતોચોળ થઈ ગયો.થોડી ક્ષણો એ લજ્જિત ચહેરાને મિહિર મોહિત નજરે જોઈ રહ્યો ; પછી એની આદત પ્રમાણે ખડખડાટ હસતાં બોલ્યો,' બાય ધ વે, આ ઘરમાં ઘણા બધા રહીએ છીએ. હું, માય વાઈફ તૃષા, બહેન અને મમ્મી. તૃષા પ્રથમ ડિલીવરી માટે એનાં પિયર ગઈ છે. બહેનને લઈ મમ્મી મુરતિયો જોવા પૂના ગઈ છે.'

ફ્લૅટમાં તેઓ બંને એકલાં જ છે એમ સમજતાં નિલાક્ષીનું હૃદય જોરથી ધડકી રહ્યું. ધ્યાનથી કોઈ જુએ તો એની ચોળી એનાં ધબકાર ઝીલી રહી છે એ દેખાયા વગર ન રહે.

'ચાલ, તો હું બટાટાવડા લઈ જ આવું.' એમ કહેતો મિહિર ઊભો થયો.

'ના-ના...આવા વરસાદમાં તું ક્યાં લેવા જશે ? હું જ બનાવી દઉં છું. તું મને કિચન બતાવ..' નિલાક્ષી ઊભી થતાં બોલી. થોડી હા-ના કર્યા પછી બંને કિચનમાં સાથે જ ગયાં.

?????????

બરાબર ત્રણ મહિના પછીની એક સાંજે પ્રશાંત ચૂપચાપ નીચી નજરે બેઠો -બેઠો ગાયનેકોલોજિસ્ટનો ઠપકો સાંભળી રહેલો.

'ગયા વખતે જ મેં તમને કહેલું કે ત્રીજા સંતાન માટે તમે ઉતાવળ ન કરતાં. છતાં તમે આવી રીતે આવ્યા ! શું કહેવું મારે તમને ? આમાં સ્ત્રીને કેટલું સહન કરવાનું આવે એ કંઈ તમે સમજો છો ખરાં ?'

ડોકટર,હું આ બાળક નથી ઈચ્છતી. એનો કોઈ ઉપાય નથી ? ' દબાયેલાં સૂરે બોલી રહેલ નિલાક્ષીનું હૃદય આટલું કહેતાંય તાર-તાર થઈ રહ્યું.

'બિલકુલ નહીં. કોઈ ઉપાય નથી. કેમ કે તમારી શારીરિક સ્થિતિ જોતાં તમારાં માટે ગર્ભપાત હિતાવહ નથી. હવે જે થયું એ થયું. એને પૂરું જ કરો. પછી ઓપેરેશન કરાવી લો એ જ મારી સલાહ છે.' ડોક્ટરે સ્પષ્ટતાથી એમને ફેંસલો સંભળાવ્યો.

?????????

ખરેખર, નિલાક્ષી માટે એ બહુ કપરો અને સંઘર્ષમય સમય હતો. તેની તબિયત સારી નહોતી રહેતી. આ જ સમયગાળા દરમિયાન ઘરનાં મોભી સમાન એનાં સસરાનું અવસાન થયેલું. એનાં સસરા શેર બ્રોકર હતા. એમની સાથે જ પ્રશાંત કામ કરતો હતો.

શૅરબજારની નાડ પારખવાની આવડત અનુભવી સસરા જેટલું યુવાન પ્રશાંતમાં સ્વાભાવિકપણે જ નહોતી. તેણે એક સોદામાં એવી જબ્બર ખોટ ખાધી હતી કે એમનો અંધેરીનો ફ્લૅટ ગિરવી મૂકવો પડ્યો હતો. એટલું પૂરું ન હોય એમ એક દિવસ પ્રશાંતને પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડેલું.

'આફ્ટર ઓલ, ફાઇનલ ડિસિઝન તારું જ રહેશે નિલાક્ષી, પણ મને તો આપણી અત્યારની આર્થિક બેહાલીમાંથી ઉગરવાનો માત્ર આ એક ઉપાય દેખાઈ રહ્યો છે..'

નિલાક્ષી ફાટી આંખે પ્રશાંતને જોઈ રહેલી. એનું મગજ ચકરાઇ રહેલું. પ્રશાંત કહી રહેલો કે આર્થિક બેહાલીમાંથી ઉગરવાનો એક જ માર્ગ છે અને એ માર્ગ પર વિચાર કરી અંતિમ નિર્ણય એણે જ લેવાનો રહેશે.પણ પ્રશાંતે કેવો માર્ગ સૂચવેલો ?

પ્રશાંતે સૂચવેલું કે તેમનાં આવનારાં ત્રીજા સંતાનને કોઈ સંતાનહીન દમ્પતીને દત્તક આપી ઉભી થયેલી નાણાંખાધને સરભર કરવી.નિલાક્ષી એ સમજી નહોતી શકતી કે નિસર્ગ-નિર્ઝરીને સાધારણ તાવ આવે તોય ઘર આખું માથે લેતાં પ્રશાંતને આવો વિચાર આવ્યો ક્યાંથી??

અંતે નિલાક્ષીએ નિર્ણય લીધો હતો ! પરંતુ એવો નિર્ણય લીધો હતો કે પ્રશાંત ચકરાઈ ગયેલો.

ક્રમશ:

નિલાક્ષી કયો નિર્ણય લ્યે છે ?શું પ્રશાંત એનાં નિર્ણય સાથે સહમત છે ? મિહિર અને નિલાક્ષી વચ્ચેનો સબન્ધ માત્ર ઉપરછલ્લો છે કે ઊંડાણભર્યો ? નિલાક્ષીનાં જીવનમાં મિહિરનું પુનરાગમન તારણહાર સમ પૂરવાર થશે કે એને તળીયે બેસાડશે? એ તમામ પ્રશ્નોનો ઉત્તર માટે વાંચો પ્રકરણ -૪.

***