નસીબ ના ખેલ... - 25 પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ ના ખેલ... - 25

કેવલ એ ખૂબ સિફતથી ધરા ને ગળે વાત ઉતારી દીધી... અને ધરા વાત માની પણ ગઈ, જો કે ધરા ની અહીંયા ભૂલ હતી.. પણ પિયર માં આવું કાઈ જોયું સાંભળ્યું નોહતું એટલે આવા પ્રપંચ ની તેને જાણ નોહતી... સાવ ભોળી હતી ધરા,
જ્યારે બીજી તરફ નિશા ખૂબ જ ચાલાક હતી, ધરા અને કેવલ રાત્રે સુવા માટે રૂમ માં જાય ત્યારે જ એકલા રહેતા... બાકી નિશા ધરા અને કેવલ ને એકલા રહેવા જ નોહતી દેતી, કોઈ સગા સંબંધી એ બંને વરઘોડિયા ને જમવાનું કીધું હોય તો ય નિશા સાથે જ જતી હતી ધરા ને લઈ ને અને કેવલ દુકાનેથી જમવાના સમયે જે તે જગ્યા એ પહોંચી જતો....
આમ ને આમ એક મહિનો થઈ ગયો પણ ધરા અને કેવલ બે એકલા તો ક્યાં ય બહાર ફરવા ગયા જ ન હતા, ત્યાં ધરાના આગલા ઘર ના જેઠ ના દીકરા ના ઘરે જમવા જવાનું થયું, હંમેશા ની જેમ નિશા ધરા ને લઈ ને એના ઘરે ગઈ, ધરા ત્યાં રસોઈ માં મદદ કરાવવા લાગી, કામ તો ધરા લગ્ન ના બીજા દિવસે જ્યારે પેલા વચન ના શબ્દો સાંભળ્યા તે જ દિવસથી ઘરે કરવા લાગી હતી.. નિશા ના પાડોશી ધરા ને જોવા બહાને આવ્યા ત્યારે ધરા કપડાં ધોતી હતી , આ જોઈ ને અચરજ પામેલા પાડોશી નિશા ને ઠપકો આપવા લાગ્યા હતા કે હજી નવી વહુ છે એક અઠવાડિયું તો એને રાજ કરવા દ્યો, કામ તો પછી જિંદગી આખી કરવાનું જ છે ને, પણ નિશા એ બધું ધરા માથે ઠાલવતા કહ્યું કે ધરા જ પરાણે બેસી ગઈ કપડાં ધોવા...
અને અહીં ધરા રસોઈ માં મદદ કરાવવા લાગી ત્યારે પણ નિશા કહેવા લાગી ધરાના હાથ ની રસોઈ ખૂબ સરસ થાય છે, ઘરે પણ મને કરવા નથી દેતી, અને આમ વાત કરીને પોતે બહાર રૂમ માં ટીવી જોવા બેસી ગઈ... બીજી તરફ ધરા અને તેની ભત્રીજા વહુ રસોડા માં રસોઈ કરતા કરતા વાતો પણ કરવા લાગ્યા અને વાત વાત માં ભત્રીજાવહુ એ પૂછ્યું કે કાકી તમારા લગ્ન ને મહિનો થઈ ગયો ભાવનગર માં શુ શુ જોયું ? ક્યાં ફરી આવ્યા એ તો કહો.. ત્યારે ધરા થોડી ઉદાસ થઈ ગઈ... જાજુ કાઈ બોલી નહિ, બસ એટલું જ કીધું કે અમે ક્યાંય બહાર ગયા જ નથી.. આ સાંભળી ને ભત્રીજા વહુ ને આશ્ચર્ય થયું એને આ વાત પોતાના પતિને કીધી.. અને ધરા ના ભત્રીજા એ એ બંને ને બહાર મોકલવાનો પ્લાન બનાવ્યો, ભત્રીજા ને ખબર હતી નિશા ના સ્વભાવ ની અને....
એ બહાનું કાઢી ને બહાર ગયો અને ફિલ્મ ની 2 ટીકીટ લઇ ને આવ્યો, ધરા અને કેવલ ને પહેલા જમવા બેસાડવાની વાત કરી, નિશા એ ના પાડી કે પહેલા પુરુષો જમી લ્યે પછી બધી સ્ત્રી ઓ જમવા બેસશે ત્યારે ધરા જમશે.. પણ અહીં નિશાનું ન ચાલ્યું, ધરા અને કેવલ ને પહેલા જમવા બેસાડ્યા અને જમી ને ઉઠ્યા પછી ભત્રીજા એ કહ્યું કે હવે એ લોકો ફિલ્મ જોવા જશે અને અહીં આપણે જમવા નું પતાવશું... આ સાંભળીને નિશા ગુસ્સે થઈ... કહેવા લાગી આમ કામ પડતું મૂકી ને ફિલ્મ જોવા ન જવાય કામ પતાવી ને સાંજે જાજો આ સારું ન લાગે ... પણ કેવલ ના ભત્રીજા એ કહ્યું કે એ પોતે ટીકીટ લઈ ને આવ્યો છે અને આમ પણ ધરા અને કેવલ હજી સુધી ક્યાંય બહાર ગયા જ નથી તો આજે ભલે થોડું ફરી આવે...
બધા ની હાજરી માં નિશા પોતાનું ધાર્યું કરી શકે એમ નોહતી... અને ધરા અને કેવલ ફિલ્મ જોવા ગયા, ધરા ખુશ હતી કે પહેલી વાર એ કેવલ સાથે ક્યાંક બહાર જઈ રહી હતી, પણ આ ખુશી કેટલું ટકશે એ ક્યાં એ જાણતી હતી ??? ફિલ્મ જોઈ ને ઘરે પહોંચ્યા બાદ શુ થશે એ ક્યાં એને ખબર હતી ???