64 સમરહિલ - 71 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 71

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 71

આવનારા લોકોએ મશાલો પ્રગટાવવાને બદલે ડિઝલનો કેરબો ફંગોળીને સીધી જ કાંડી ચાંપી દીધી એ સાથે સદીઓથી અંધારુ ઓઢીને બેઠેલી બંધિયાર, સ્તબ્ધ બખોલમાં આતશ ભભૂક્યો હતો.

મશાલ વડે જ અજવાળું થશે અને એટલા ઝાંખા ઉજાસમાં પોતાની હાજરી પરખાશે નહિ એવી કેસીની ગણતરી ખોટી સાબિત થઈ હતી.

કેરબો ફંગાળાયા પછીની પહેલી દસ સેકન્ડઃ

આગ પ્રગટી એ સાથે જ પહેલાં તો જલતા ડિઝલની મીઠી વાસથી બખોલ છવાઈ ગઈ અને પછી તરત ઊઠેલા ધૂમાડાના ગોટા બહાર નીકળવાની જગ્યા ન મળતા અંદર જ ઘૂમરાવા લાગ્યા. સાલાઓએ હોડીના એન્જિનમાં તળિયે બાઝેલું રો-ડિઝલ એકઠું કરીને બાળ્યું હતું એટલે વાસ પણ બેહદ મારતું હતું અને ધૂમાડો ય પારાવાર છોડતું હતું.

હવે જો તેઓ પોતાની જગ્યાએથી બહાર ન નીકળે તો ધૂમાડાની ગૂંગળામણ તેમને મારી નાંખે અને બહાર નીકળવા જાય તો આવનારા લોકોની ગોળીઓથી વિંધાઈ જાય.

બીજી દસ સેકન્ડઃ

કેસીના દિમાગમાં તીવ્ર ઘમસાણ મચી ગયું હતું. આવનારા લોકો પૂરી તૈયારી સાથે આવ્યા છે. ઓવારાથી ઉપર ચડેલો ફક્ત એક જ આદમી વર્તાયો છે. મતલબ કે, આખો કાફલો કેટલાં લોકોનો છે તેનો અંદાજ આવી શકતો નથી.

શું કરવું જોઈએ? ટીમ-૧ ઓવારા તરફ હતી અને ત્યાં ખુલ્લી હવા મળતી હતી એટલે એમને બહુ વાંધો નહિ આવે, પણ જો તેઓ ગન ચલાવે તો તેમની હાજરી પરખાઈ જાય અને આવનારો આખો કાફલો તેમના પર તૂટી પડે તો...

તો શું પોતે જ ફાયર ઓપન કરી દેવું જોઈએ? પારાવાર કશ્મકશમાં કેસીએ અજાણપણે જ ચટ્ટાન સાથે માથું અફળાવી દીધું.

એ જ વખતેઃ

ઓચિંતી આગ પ્રગટવાથી રઘવાયા થયેલા રાઘવે, ખડકસરસા ચંપાઈ રહેવાની કેસીની સૂચના છતાં ગરદન ઘૂમાવીને આગના લબકારા વચ્ચે દેખાતા ઓળાઓ તરફ આંખ માંડી લીધી પરંતુ શાંગરાના વળાંક પર જ તે લપાયો હતો અને બહારથી આવતી હવાની લહેરખીને લીધે અંદરથી ફૂંકાતો ધૂમાડાનો ગોટ દબાણના તફાવતને લીધે તેની દિશામાં જ ઘૂમરાતો હતો. તેણે ખોલેલી આંખો ઘડીકમાં મીંચી લેવી પડી અને ખાંસી અટકાવવા મોં પર હાથ દઈ દીધો.

એ જ વખતેઃ

તાન્શી અને હિરન આગથી જરા દૂર હતા પણ બહારથી ફૂંકાતી હવા ધૂમાડાને તેમના તરફ ધકેલતી હતી. તોય તેમની હાલત હજુ રાઘવ કે કેસી જેટલી ખરાબ થઈ ન હતી. આગ લાગવાથી ઊભું થયેલું જોખમ પારખીને હિરન તરત જ છત પર લપકતી ગરોળીની ત્વરાથી તાન્શી તરફ સરકી હતી અને ફૂસફૂસાતા સ્વરે તેણે કહ્યું, 'કેસી એન્ડ ટીમ-૧ સીમ્સ અન્ડર થ્રેટ. શૂડ વી ગો અહેડ એન્ડ ઓપન ધ ફાયર?'

હિરનના પ્રસ્તાવનો તાન્શીએ ઘડીક કોઈ પ્રતિસાદ ન આપ્યો. આવું કદી બન્યું ન હતું. તેમના આશરાની જગ્યા જ એવી ભેદી હોય કે ક્યારેય કોઈ સાથે અથડામણના સંજોગો જ ન આવે. વળી, ભારતમાં તેમને કોઈની સાથે દુશ્મની ન હતી. તો આવનારા લોકો કોણ હોઈ શકે તેની તીવ્ર અવઢવ કેસીની માફક તાન્શી પણ અનુભવી રહી હતી.

તેણે જરાક હાથ ઊંચો કરીને હિરનને અટકાવી અને ગન સાબદી કરી.

ત્રીજી દસ સેકન્ડઃ

હજુ પણ એ લોકોએ ફાયર કેમ ઓપન નથી કર્યું? શું હજુ ય તેમને પોતાની હાજરીનો ખ્યાલ નથી આવ્યો? કે પછી કેરબો સળગાવીને ચોંકાવી દીધા પછી હવે તેઓ ગન ચલાવવાને બદલે...

એ લોકો સીધો ગ્રેનેડ જ ફેંકે તો શું હાલત થાય તેની કલ્પના માત્રથી કેસી થીજી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને પછી નાક આડે બેય હાથનું પોલાણ ધરીને ચિબરી જેવો તીણો, ભેદી, કમકમાટી ઉપજાવનારો અવાજ કાઢ્યો.

એ અવાજની ગૂંજ શાંગરાની હવામાં ઓસરે એ પહેલાં તો તાન્શીએ એક સાથે ત્રણ ક્રિયા કરી નાંખી હતી. સૌથી પહેલાં તો તેણે પોલાણમાંથી સીધી આગળની તરફ છલાંગ લગાવી દીધી હતી, ડાબા હાથે હિરન અને ઝુઝારને ય પાછળ આવવા સંકેત કરી દીધો હતો અને જમણાં હાથે ધડાધડ ગન ચલાવવા માંડી હતી.

ઓવરા તરફ લપાઈને ઊભેલા ટીમ-૧ના ચાર આદમીઓને જો આ તરફ વાળી શકાય તો હજુ ય નાસી છૂટવાનું મુશ્કેલ ન હતું.

છલાંગભેર શાંગરાના વળાંક પાસે પહોંચીને તે કેસી-રાઘવને કવર આપવા મથતી હતી પણ પારાવાર ધૂમાડાનો ગોટ તેને ય કનડતો હતો.

એ પારખીને હિરને ઊંડો શ્વાસ લીધો અને ભડકે બળતા ડિઝલની પરવા કર્યા વગર જ સીધી દોટ મૂકી. આગના લબકારા વચ્ચેથી તેણે કેટલાંક ઓળા પારખ્યા અને ગન ચલાવી નાંખી. બીજા જ ફાયરમાં એક કારમી ચીસ પડઘાઈ ગઈ.

ડિઝલના કેરબાને કાંડી ચાંપીને પાછા પગે ઓવારા ભણી જઈ રહેલા આદમીને તેણે આબાદ વિંધી નાંખ્યો હતો.

શાંગરાની બંધિયાર, સૂમસામ હવાને ડહોળી નાંખતો એ પહેલો ચિત્કાર હતો.

હિરન ફાયર કરીને હજુ હટે એ પહેલાં તો સામેથી મશીનગન ધણધણવા લાગી હતી પણ ઓવારા પર જોખમમાં મૂકાયેલા આદમીઓને કવર આપવાની આ છેલ્લી તક હતી. મશીનગનમાંથી છૂટતી ગોળીઓની પરવા કર્યા વિના જ કેસી પહાડની દિવાલોમાં આંગળા ભરાવીને આગળ વધવા માંડયો, અથવા બીજા શબ્દોમાં કહીએ તો પાછળ હટવા માંડ્યો.

સામેથી ફાયર ઓપન થયું એટલે હિરને આડશ શોધી લીધી. હવે ઝુઝારનો વારો હતો. આગના લબકારાથી ધગધગતી ભોંયની પરવા કર્યા વિના જ મલ્હાને ક્રાઉલિંગ કરી નાંખ્યું હતું અને છેક વળાંક પર પહોંચીને તેણે ફાયર કરવા માંડયા હતા.

સામેથી કોઈ દિશાભાન વગર ગોળીઓ છૂટી રહી હતી. જમીન પર લેટેલો ઝુઝાર તેને જવાબ વાળી રહ્યો હતો. કેસી લગભગ અડધે પહોંચી ગયો એ જોઈને તાન્શીએ બીજી તરફની દિવાલ પર સરકીને ઓવારા તરફ આગેકૂચ માંડી.

હિરને દિશા બદલીને ચાર-પાંચ રાઉન્ડ ફાયર કરી નાંખ્યા.

ભોંય પર ભભૂકતી આગ, ધૂમાડાના કારમા ગોટા, સામેથી ધણધણતી મશીનગન, ખૂણામાં લપાઈને ફાયર કરી રહેલો ઝુઝાર...

રાઘવ કેમ ક્યાંય કળાતો નથી?

કેસી, તાન્શી, ઝુઝારની પોઝિશન તે જોઈ ચૂકી હતી પણ રાઘવ હજુ બહાર આવ્યો ન હતો.

કાળાડિબાંગ ધૂમાડા અને આગના ભડકા વચ્ચે તેણે ઝુઝારની બરાબર ઉપર બખોલના પોલાણમાં લપાયેલા રાઘવને પારખ્યો.

ફાયર કરવાને બદલે કે નીચે ધગધગતી ભોંય પર ફસકાયા પછી ય ફાયરિંગ કરી રહેલા ઝુઝારને ટેકો આપીને ઉપર ખેંચવાને બદલે એ કેમ આગળ ઓવારા તરફ ધસવા મથતો હતો?

હિરને રાઘવની દિશાએ દોટ મૂકવા હજુ પહેલું ડગલું માંડયું ત્યાં જ સામેથી એક સાથે ત્રણ દિશાએથી મશીનગન ફૂંકાવા લાગી હતી. ભોંય પર લપકેલો ઝુઝાર સલામત હતો પણ બખોલના એક છેડાથી બીજા છેડા તરફ લપકીને સતત ફાયર કરી રહેલી હિરન આસાન નિશાન બની શકે તેમ હતી.

મશીનગનના અંધાધૂંધ ધડાકા વચ્ચે રીતસર પછડાટ ખાઈને હિરને પહાડના પડખામાં પડતું મૂક્યું એ જ વખતે બિહામણો ધડાકો થયો હતો.

ઓવાર તરફ લપકી ચૂકેલા કેસીએ ચંદ્રના આછા ઉજાસ અને આગના ભડકા વચ્ચે ચાર આદમીની હાજરી પારખીને ગ્રેનેડ ઉછાળી દીધો હતો. કેસીએ ફેંકેલા ગ્રેનેડનો ચમકારો પારખીને તાન્શીએ પણ એ જ જગ્યાએ બીજો ગ્રેનેડ ઝિંક્યો હતો.

બેય ગ્રેનેડના ધડાકા સાથે બ્રહ્મપુત્રના જળમાં મોટો હિલોળો પેદા થયો. કાંઠા પર લાંગરેલી હોડીઓ ય ઉછળી ગઈ અને પાણી છેક અંદર સુધી ધસી આવ્યું.

ગ્રેનેડ બ્લાસ્ટ પછી મશીનગન ઘડીક અટકી પણ તરત જ ધણધણાટી ફરી શરૃ થઈ ગઈ. પહાડની ભીષણ દિવાલો સાથે 'ઠક્.. ઠક્.. ઠક્' અવાજ સાથે અથડાતી બુલેટના ખનકારા ગાજી રહ્યા હતા અને પથ્થરના અંધાધૂંધ છોતરાં ચારેબાજુ ઊડી રહ્યા હતા.

ગ્રેનેડ ફાટયા અને ઓવારા તરફ ખળભળાટ મચી ગયો કે તરત ત્યાં લપાયેલા ચારે ય તિબેટીઓએ અંદર વળાંકની દિશામાં આંધળી દોટ મૂકી દીધી હતી.

એક આદમીએ મશીનગન ચલાવતા જણ પર ફાયર કરવા માંડયું. હિરને ઝુઝારને પીછેહઠ કરવા ઈશારો કરીને તિબેટીઓને કવર ફાયર આપવા માંડયું. એ ચારે ય બખોલના વળાંક સુધી પહોંચ્યા એટલી વારમાં કેસી અને તાન્શી ય આવી પહોંચ્યા.

'ગો બેક...' કેસીએ તાન્શીને ઠોંસો માર્યો પણ વધુ કશું બોલી શકાય એવી હાલત ન હતી. ડિઝલની આગનો ધૂમાડો હવે બેબાકળો થયો અને તેમાં ગ્રેનેડના ધડાકાએ ઉમેરો કર્યો હતો. બંધિયાર હવામાં કાર્બન ડાયોક્સાઈડની ગૂંગળામણ હવે સહન થઈ શકે તેમ ન હતી.

કેસી અને હિરને કવર ફાયર આપ્યું એ વખતે રાઘવ નીચે ઉતર્યો.

એ હજુ ય ત્યાં જ ખોડાઈ રહ્યો હતો. ઓવારા તરફથી ફરીથી મશીનગન ધણધણવા લાગી હતી. તેને ઓજપાયેલો જોઈને હિરન ગન ચલાવતી તેના તરફ લપકી અને એક હાથે તેણે રાઘવને ઝકઝોરી નાંખ્યો, 'તું ઈન્જર્ડ છે?'

'હેં??' રાઘવ હજુ ય જાણે કશીક ગડમથલમાં હોય તેમ સ્વસ્થ જણાતો ન હતો, 'ના બટ...' તેણે ઓવારા તરફ હાથ લંબાવ્યો એટલે હિરનને લાગ્યું કે તે કવર ફાયરમાં જોડાવાનું કહે છે.

'નો...' તેણે રાઘવને પાછળ ધકેલ્યો, 'વી વિલ મેનેજ... યુ ગો બેક..'

ગણતરીની મિનિટોમાં ભીષણ ધડાકાથી આખી બખોલ ગાજી રહી હતી.

તિબેટી ગેરિલાઓ સાથે રાઘવ, ઝુઝાર અને ત્વરિતને જંગલની દિશામાં મોકલીને તાન્શીએ પોઝિશન લઈ લીધી એ પછી કેસી અને હિરને ફાયરિંગ કરતાં જઈને પીછેહઠ કરી હતી.

સામેથી બે ગ્રેનેડ ઝિંકાયા હતા. ફાયરિંગ સતત જારી હતું પણ બખોલનો નૈસર્ગિક વળાંક મુક્તિવાહિનીને આશીર્વાદરૃપ નીવડયો હતો. એ લોકોએ ફેંકેલે ગ્રેનેડ અહીંથી આગળ ફૂટતા ન હતા અને અહીં સુધી પહોંચવા માટે છાતી પર ગોળી ખાવી અનિવાર્ય બની જતી હતી.

પણ તોય એમણે પીછેહઠ કરી ન હતી એટલે કેસી ય પારાવાર આશ્ચર્યમાં પડી ગયો હતો.

આ લોકો છે કોણ?

***

'એ કદાચ મારા માણસો છે...' રાઘવે થોથવાતા અવાજે કહ્યું એ સાથે ત્વરિતની આંખો ફાટી ગઈ. ચળિતર ભાળી ગયો હોય તેમ વિસ્ફારિત, સ્તબ્ધ અને આઘાતભરી આંખે તે રાઘવને જોઈ રહ્યો.

જંગલમાં પ્રવેશ્યા પછી તિબેટીઓએ એ દરેકના હાથમાં ડાળખા થમાવી દીધા હતા. જંગલી સરુના ભાલા જેવા સીધા, વાગકણા, અણિયાળા પાનથી બચવા સતત ડાળખા આમતેમ ઘૂમાવતા જવાના હતા અને અને કેડી વગરના અડાબીડ, અંધારિયા જંગલમાં દોટ મૂકવાની હતી.

પાછળ બખોલમાં ખેલાતા મરણિયા જંગના ધડાકા-ભડાકા હજુ ય જારી હતા. છેલ્લે એકસામટો ગ્રેનેડમારો કરીને કેસી, હિરન અને તાન્શી પણ પોબારા ગણી જવાના હતા અને ત્યાં સુધીમાં સૌથી પહેલા મોકલેલા કાફલાએ બીજી છટકબારી તૈયાર કરી રાખવાની હતી.

ત્વરિત અંધારામાં પડતો, આખડતો, ઠેબા ખાતો તિબેટીઓ પાસેથી ઓવારા પર શું થયું તેની વિગતો મેળવવા મથતો હતો એટલામાં રાઘવ તેની નજીક પહોંચી ગયો અને તેનો ખભો દાબ્યો.

'રાઘવ...' ખુદનો હાથ પણ ન કળાય એવા કાળાડિબાંગ અંધારામાં માંડ રાઘવને પારખીને તેણે પૂછી લીધું, 'આર યુ ઓલરાઈટ?' ત્વરિતને ખબર હતી કે રાઘવ છેક વળાંક પર જ હતો, જ્યાં આગ ભડકી હતી.

'યાહ... આઈ એમ...' એટલું કહીને રાઘવ સ્હેજ નીચે ઝૂક્યો, 'બટ વેઈટ... મારા પગમાં કંઈક અટવાયું છે...'

ત્વરિતના ખભા પર હાથ ટેકવીને રાઘવ પગમાંથી કશોક વેલો કાઢવાનો ડોળ કરતો રહ્યો એટલી વારમાં બીજા તિબેટીઓ ખાસ્સા આગળ નીકળી ગયા.

'આપણી પાસે આ આખરી તક છે...' તેણે ફૂસફૂસાતા અવાજે ત્વરિતને કહ્યું એટલે ત્વરિત ચોંક્યો.

'શેની તક?'

'આ લોકોને ઝબ્બે કરવાની?'

'કોને?' ત્વરિત ત્યાં જ થંભી ગયો.

'અરે હિરનને... પ્રોફેસરને...' રાઘવે તેના કાન પાસે મોં લઈ જઈને કહેવા માંડયું, 'તેં કહ્યું હતું તેમ આ બધી જ વિદ્યા જો ખરેખર હોય તો એ રાષ્ટ્રની સંપત્તિ છે અને આ બંને બધુ જ પોતે બથાવી જવા માંગે છે. તું શું એમ માને છે કે, એ લોકો આપણને સૌને આ બધામાં ભાગીદાર ગણશે? અરે સરહદ વટયા પછી ક્યાંય આપણો કાંટો કાઢી નાંખશે...'

'વ્હોટ ડૂ યુ મિન યાર???' ત્વરિતને તેના શબ્દો પર વિશ્વાસ પડતો ન હતો.

'યસ...' તેનો અવાજ સ્હેજ ખચકાયો પછી ગળા નીચે થૂંક ઉતારીને નીચે શાંગરા તરફ હાથ લંબાવતા તેણે ઉમેર્યું, 'એ કદાચ મારા જ માણસો છે...'

'ઓહ નો... ઓહ કમ ઓન યાર...' ત્વરિત પ્રચંડ આઘાતથી બે ડગલા પાછળ હટી ગયો. તેના મોંમાથી રીતસર દબાયેલી ચીસ નીકળી ગઈ, 'તું સાચે જ ગધેડો છે...'

'એટલે?' રાઘવને હજુ ય ત્વરિતનો પ્રત્યાઘાત સમજાતો ન હતો. શાંગરાના જંગમાં કેસીએ આવનારા લોકોને ચકમો આપ્યો એટલે તેણે હવે ત્વરિતનો સાથ લઈને આખરી પ્રયત્ન કરવાની વેતરણ માંડી હતી પણ ત્વરિત તો કશું સાંભળવાને બદલે...

'અરે યાર... તને આ મિશનમાં ફરજિયાત જોડવા માટે હિરને સ્ટોરી ઉપજાવી કાઢી હતી...'

'ડોન્ટ ટેલ મી... શી ઈઝ ઈનફ સ્માર્ટ...'

'યસ... શી ઈઝ...' તેણે રાઘવને ધક્કો મારી દીધો, 'શી ઈઝ સ્માર્ટર ધેન યુ એન્ડ મી... આટલી બધી વિગત જાણી લીધા પછી તું વારંગલથી પાછો ફરે એ તેને રીસ્કી લાગતું હતું. એ તને ત્યાં જ ખતમ કરી દે પણ પ્રોફેસર એવું કરવા ન દે એટલે તને પ્રવાસમાં જોડવા માટે, ખાસ તો ઝુઝારને લાલચ આપવા માટે અને તને ક્રાઈમની ગંધ આપવા માટે તેણે આખી સ્ટોરી ઉપજાવી હતી. હકિકતમાં એવું કશું જ નથી..'

હવે રાઘવ તેને ફાટી આંખે જોઈ રહ્યો હતો... બિલકુલ એમ જ, જાણે ચળિતર ભાળી રહ્યો હોય...

***

એ વખતે શાંગરામાં ધડાકા શમી રહ્યા હતા. કેસી, હિરન અને તાન્શી છેલ્લો ઉગ્ર અને જીવલેણ પ્રહાર કરીને જંગલની કેડી તરફ દોટ મૂકી ચૂક્યા હતા. ગણતરીની મિનિટોની ભીષણ ધડબડાટી પછી શાંગરામાં આગ ઓલવાઈ રહી હતી. ધૂમાડો ધીમે ધીમે ઓસરી રહ્યો હતો. ગ્રેનેડની કડવી, તીખી વાસ આસ્તે આસ્તે ઘટી રહી હતી. જ્યાં ત્યાં વેરાયેલી પથ્થરની કરચો, ગ્રેનેડ બ્લાસ્ટને લીધે ઊડેલા મોટા ગચ્ચા, આમતેમ વેરાયેલો કેટલોક સામાન, ઘાયલ આદમીઓના દબાયેલા ઊંહકારા અને સ્તબ્ધ હવાના કાળાડિબાંગ સન્નાટા વચ્ચે બખોલમાં આમતેમ આથડીને કોઈક મોટેમોટેથી બરાડી રહ્યું હતું...

'રાઘવ... રાઘવ....'

બખોલના નિર્જન પોલાણમાં એ અવાજ વધુ બિહામણી રીતે પડઘાઈ રહ્યો હતો.

(ક્રમશઃ)