64 સમરહિલ - 72 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 72

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 72

પ્રોફેસર અને તેમની સાથેનો કાફલો બિહામણા અંધારામાં અડાબીડ જંગલ વચ્ચેથી સ્હેજપણ અવાજ ન થાય તેની કાળજી રાખતો દબાતા પગલે આગળ ધપી રહ્યા હતા.

ખભા પર વજનદાર કોથળા લાદીને બેય હાથમાં પકડેલી ડાળખીઓ વડે સરુના અણીદાર, તીરના ફણા જેવા સીધા પાન વચ્ચેથી જગ્યા કરતા લુંગીધારીઓ સપાટાભેર આગળ વધતા હતા પરંતુ પ્રોફેસર માટે એ એટલું આસાન ન હતું.

આટલાં ભીષણ અંધારામાં નજર માંડેલી રાખવી, વરસાદને લીધે ચીકણી થયેલી ઉબડખાબડ જમીન પર સંતુલન રાખવું, તેજકદમથી ચાલવું અને બેય હાથે સરુના પાનને હટાવતા જવા એ છપ્પનને કે પ્રોફેસરને ફાવતું ન હતું.

ક્યારેક ચીકણી, પીળી માટીના ગરેડામાં પગ લપસી પડતો હતો અને આખા ય શરીરમાં ભોંકાતા સરુના પાન ચહેરા પર તીણા ઉઝરડા પાડી જતા હતા. છતાં પણ છપ્પન ચૂપચાપ દોડયે જતો હતો. ત્વરિતે તેને રીતસર ધક્કો મારીને જંગલ ભણી જતા કાફલા તરફ ધકેલ્યો ન હોત તો ય એ પ્રોફેસરને એકલા છોડવા માંગતો ન હતો.

છેલ્લી મૂર્તિ ઊઠાવ્યા પછી છપ્પન જેવો રીઢો ચોર કંઈક અજાયબ રીતે ભાવુક થઈ રહ્યો હતો.

એ જરાક બેધ્યાન થયો અને ગાલ પર ભોંકાયેલા સરુના પાને લીસોટો પાડી દીધો એ સાથે તેના મોંમાંથી ગાળ નીકળી ગઈ. કમબખ્ત, કેવી જગ્યાએ આવી ચડયા છીએ!

મનોમન બબડીને એ ઘડીક ઊભો રહ્યો. કાળાડિબાંગ અંધારામાં આંખો ફાડીને તેણે આગળ જતા ઓળાઓને જોયા કર્યા. ઘડીક આંખ મીંચી, છાતીમાં ઊંડો શ્વાસ ભર્યો અને પછી સરુની ધારની પરવા કર્યા વિના કમરમાંથી સ્હેજ ઝૂકીને દોટ મૂકી દીધી.

હવે એ મરણિયો બન્યો હતો.

પણ પ્રોફેસરની હાલત વધારે ખરાબ હતી.

માથામાં ભોંકાતા પાનથી બચવા તેમણે માથા પર પટકો બાંધી લીધો હતો પણ આંખના ખૂણે, ગાલ પર, હડપચી પર પડેલા ઉઝરડામાંથી લોહીની ટશરો ફૂટવા માંડી હતી. દિવસભર પહાડોની ચટ્ટાનો ચડીને થાકેલા પગને આરામ મળે એ પહેલાં તો આ દડમજલ આવી પડી હતી એટલે પગમાં બાઝેલા ગોટલા શી વાતે ય પગને ઊંચકવા દેતા ન હતા.

છપ્પને સડસડાટ દોડીને ઢાળ ચડી નાંખ્યો એ જોઈને ઉજમ બહાદુર ઊભો રહી ગયો અને પાછળ ફરીને અંધારામાં આંખો તાણીને તેણે જોયું. પ્રોફેસર ક્યાંય દેખાતા ન હતા.

એ જ વખતે એક વેલામાં પગ અટવાવાથી પ્રોફેસર નીચે પટકાયા. એ છપાકો સાંભળીને ઉજમ નીચે ઉતર્યો. આખા શરીરે બાઝેલો ભીનો, ચીકણો કાદવ અને ચહેરા પર સંકોચવશ માયુસી...

'ઈટ્સ ડિફિકલ્ટ... પણ તું ચિંતા ન કર..' હાંફતી છાતીએ બોલી રહેલા પ્રોફેસર પોતાની તકલીફ કળાવા દેવા માંગતા ન હતા, 'હું ધીમે ધીમે આવું છું...'

વફાદાર ઉજમે પ્રોફેસરની મુશ્કેલી પારખીને ખભા પરથી માલ-સામાન લાદેલો કોથળો ઉતાર્યો અને તેને પગ પાસે મૂકી ગળા અને કમર ફરતો જાડો પટકો બાંધ્યો અને પ્રોફેસરને પોતાની પીઠ પર સવાર થઈ જવા કહ્યું.

'અરે ના... આમ તો..' પ્રોફેસરને સહજ સંકોચ થતો હતો. ઉજમનો પરિવાર ત્રણ પેઢીથી રાય ખાનદાનની સેવામાં જોડાયેલો હતો. સ્વયં ઉજમ પણ કોઈ જ મોટી અપેક્ષા વગર આ સંબંધ નિભાવી રહ્યો હતો. પ્રોફેસરનો સંકોચ પારખીને ઉજમ સ્હેજ નીચો ઝુક્યો. પ્રોફેસર ના.. ના કરતા રહ્યા એટલી વારમાં તો ઉજમે તેમને પીઠ પર બાંધેલા ગાળિયામાં જકડીને ઊંચકી લીધા હતા અને સરુના પાનથી બચવા સામાનનો કોથળો ચહેરા આડો ધરીને દોટ મૂકી દીધી હતી.

લગભગ વીસેક મિનિટની એ દડમજલ પછી નીચે બખોલમાં થયેલો પહેલો ધડાકો સંભળાયો હતો.

આગળ જતા લૂંગીધારીઓ ઘડીક અટક્યા. સાવ દબાયેલો એક સિસકારો થયો અને ફરી એ સૌએ આગેકૂચ માંડી દીધી.

પહાડની ટોચ નજીકના પોલાણ તરફ ખૂલતી બખોલ વાટે તેઓ જંગલમાં પ્રવેશ્યા હતા. ક્યાંક સમથળ, ક્યાંક ચઢાણ અને પછી ઊંડી ખાઈ ઓળંગીને તેમણે બ્રહ્મપુત્રના સામેના કાંઠા તરફ પહોંચવાનું હતું. બખોલમાં ચાલતી લડાઈ વહેલી તકે આટોપીને કેસી સહિતનો આખો કાફલો આ જ રસ્તે નદીકાંઠે આવે ત્યાં સુધીમાં છટકી જવાની પેરવી તેમણે આદરી દેવાની હતી.

જેમના ખભે માલસામાન ન્હોતો લદાયો એવા આદમીઓ રસ્તામાં જ્યાં અનુકૂળ ઝાડ જણાય ત્યાં ધારદાર કુહાડા ચલાવીને ખપ પૂરતા લાકડા કાપતા જતા હતા. કાંઠે પહોંચીને તરાપો બનાવવાની એ આગોતરી તૈયારી હતી. ખભા પર વજન હોય કે પીઠ સાથે રસ્સીથી બાંધેલું વજનદાર થડ ખેંચાતું હોય... જરાક સરખા અજવાસ કે એક અક્ષરની સુચના વગર પોતપોતાનું કામ કર્યે જતા મુક્તિવાહિનીના આ ગેરિલાઓની શિસ્ત દંગ કરી દે તેવી હતી.

પહેલો ધડાકો સંભળાયા પછી નીચે બખોલમાં બરાબર ધમસાણ મચ્યું હતું. પિસ્તોલના એકધારા શોટ્સ પછી શરૃ થયેલી મશીનગનની કારમી ધણધણાટી જંગલની અંધારઘેરી ભયાવહતાને વધુ બિહામણી બનાવતી હતી.

સૌના પગ આગળની તરફ ગતિ કરતા હતા પણ મન પાછળથી આવતાં અવાજોમાં અટવાયું હતું.

***

'એટલે?' ઉશ્કેરાટ અને પારાવાર ગુસ્સાથી તેની સામે જોઈ રહેલા ત્વરિતને રાઘવે પૂછી લીધું.

'એટલે શું, માય ફૂટ...' ત્વરિતને એટલો રોષ ચડતો હતો કે તે રાઘવને એક અડબોથ ઠોકી દેવા બે ડગલાં આગળ ધસી પણ આવ્યો, પરંતુ આ યોગ્ય સમય ન હતો. અત્યારે તો આગળ ભાગવાનું હતું અને અહીંથી છટકવાનું હતું. તેણે મજબૂતીથી રાઘવનું બાવડું ઝાલ્યું અને રીતસર તેને આગળના ચઢાણ તરફ ખેંચ્યો.

તેને માનવામાં ન્હોતું આવતું કે રાઘવે અહીં આવતાં પહેલાં આ આખા ય આયોજન વિશે કોઈને કહ્યું હોય... કોને કહ્યું હશે તેણે? કોણ હશે આ લોકો? પોલિસ કે ઈન્ડિયન આર્મી?

મનમાં ઊઠતાં સવાલોથી ધૂંધવાઈને હવે તેને પોતાને જ રાઘવની પૂછપરછ કરવાની ખણ ઉપડતી હતી.

રાઘવ તેને ગમતો હતો. દોસ્તી કરવાનું મન થાય એવો લાગતો હતો. પોલિસ અફસર તરીકે એ કેટલો દૃઢ, અને ભેજાંબાજ હતો એ ત્વરિતે તેના પહેલાં ઈન્ટ્રોગેશન વખતે જ અનુભવી લીધું હતું. અહીં અનુભવેલી આદમી તરીકેની તેની સાલસતા અને સહજતા ય તેને સ્પર્શી રહ્યા હતા.

હવે એ જ રાઘવ...

હિરન કે કેસીને ખબર પડશે એટલે રાઘવની શું વલે થશે તેની કલ્પના માત્રથી તે થથરી ગયો. શક્ય છે કે હજુ ય કંઈક તક હોય... તે અટક્યો અને પાછળ દોરાયેલા આવતા રાઘવને તાકી રહ્યો.

'યાર... મને સાચે ય માનવામાં નથી આવતું...' તાજુબી અને આઘાતના મિશ્રભાવે રાઘવની આંખમાં આંખ પરોવીને તેણે પૂછ્યું, 'સાચે જ તેં ગદ્દારી કરી છે?'

'ગદ્દારી?' હવે રાઘવ પણ ઉશ્કેરાયો, 'કોની ગદ્દારી? એ લોકોની, જે આટલું ખતરનાક કાવતરું કરે છે? એ લોકોની, જે હજારો વર્ષનો દેશનો વારસો કબજે કરવા આટલા ક્રાઈમ કરી ચૂક્યા છે?'

'બેવકૂફ છે તું...' ઉશ્કેરાટભેર સ્હેજ ઊંચકાઈ ગયેલો ત્વરિતનો અવાજ જંગલના ભેંકાર સન્નાટા વચ્ચે પડઘાઈ રહ્યો, 'આઈ સેઈડ... યુ આર અ ટિપિકલ ખાખી... તું ધારે છે એવું કશું જ નથી. સમજ યાર, હિરને એ વખતે ફક્ત અને ફક્ત તને સાથે લેવા માટે જ પોતે કશોક ગંભીર ક્રાઈમ કરી રહી હોવાની ગંધ આપી હતી. એ વખતે હું ય તેની વાતમાં લપેટાઈને ઉગ્ર વિરોધ કરી રહ્યો હતો પણ પછી તેણે જ મને સાચી વાત કહી હતી..'

'ક્યારે?'

'વારંગલથી આપણે નીકળ્યા ત્યારે... એ રાતે બંગલાની બહાર પરસાળમાં હું બેઠો હતો અને એ ત્યાં આવી હતી. તિબેટથી ધારેલી વિદ્યાઓ મેળવી શકાય એ પછી તે માઈન્ડ કમ્યુનિકેશનની પ્રાચીન વિદ્યાનો આવો ઉપયોગ કરવા ધારે છે એ મને ય આઘાતજનક લાગતું હતું. મેં એ વખતે ય તેનો વિરોધ કર્યો. ત્યારે તેણે મને કહ્યું હતું કે ઈટ વોઝ ઓલ અ ટ્રેપ.. એ તને કોઈપણ રીતે જવા દેવા માંગતી ન હતી.'

'એવું ય પોસિબલ છે ને કે તને આવું કહ્યું એ પણ એક ટ્રેપ જ હોય..'

રાઘવના સવાલની અણી પારખીને ત્વરિત ઘડીક નિરુત્તર થઈ ગયો.

'યા તો તું ટ્રેપમાં છે અથવા તો હું...' નીચેથી આવી રહેલા આદમીઓની ચહલપહલ પારખીને ત્વરિતે ફરી તેને ઉપર ખેંચ્યો પણ રાઘવે બોલવાનું ચાલુ રાખ્યું, 'બેય હાલતમાં તેમણે ગુનો તો કર્યો જ છે. આટઆટલી પૂરાતન અને હજારો વર્ષથી એક જગ્યાએ સ્થાપિત થયેલી મૂર્તિઓ તેમણે ઊઠાવી છે એ કંઈ નાનોસૂનો અપરાધ છે?'

'જ્યારે ગન તેનાં હાથમાં હતી ત્યારે તેણે તને જવા દીધો એ નાનોસૂનો ભરોસો છે? બિકાનેરના ખેતરમાં જ તું ભીંસાઈ ગયો હતો. તેણે ધાર્યું હોત તો ત્યાં જ તને અને તારા પેલા પઠ્ઠાને ઢાળી દીધો હોત'

'નો વે... એવું થયું હોત તો બીએસએફે તેમનો કેડો છોડયો ન હોત. હિરન એ સમજતી જ હોય...'

'ઓકે... પણ એ પછી તેં પોતે બિકાનેર છોડતી વખતે બીએસએફને ઓલ વેલનો સંકેત આપીને ઈન્વેસ્ટિગેશન કમ્પ્લિટ કરી નાંખ્યું હતું. એ પછી વારંગલમાં તો બીએસએફ ન હતી ને? ત્યાં તું સંમત ન થયો એ પછી તેણે તારો કાંટો કાઢી નાંખ્યો હોત અને તારી લાશની ય કોઈને ખબર પડી ન હોત. એવું કશું જ કરવાને બદલે એ દરેક વખતે તેણે તને સંમત કરવા કોશિષ કરી, એ નાનીસૂની ઉદારતા છે?'

રાઘવ ઘડીભર તેની સામે જોઈ રહ્યો.

'આઈ એમ ડેમ્ન સ્યોર...' ત્વરિતે ફરીથી આવેશભેર તેનો ખભો ભીંસી દીધો, 'હિરન ઓર પ્રોફેસર... મૂર્તિઓ ઊઠાવીને તેમણે જરૃર ગુનો કર્યો છે બટ ધે આર નોટ હાર્ડકોર ક્રિમિનલ... તેં બહુ જ મોટી ગલતી કરી નાંખી છે. હવે એટલિસ્ટ મને કહી દે, આ લોકો કોણ છે? અહીં સુધી કેવી રીતે પહોંચી ગયા? તારો હવેનો પ્લાન શું છે?'

રાઘવ શૂન્યમનસ્કપણે તેની સામે જોઈ રહ્યો. તેની આંખોમાં અકથ્ય ભાવ હતા. આકાશમાં ઘેરાયેલા વાદળોના ઘટાટોપ વચ્ચેથી ઘનઘોર અંધારું જંગલની છાતી માથે ભીંસાતું હતું અને અહીં નીચે ઉતરતી ખાઈના વળાંક પર ત્વરિતે વરસાવી સવાલોની ઝડીએ રાઘવને અવાક્ કરી દીધો હતો.

તેની પાસે ય અડધો જ જવાબ હતો.કેટલાંક સવાલ તો તેને પોતાને ય થતા હતા.

(ક્રમશ:)