# ચાર્ટર્ડ ની ઓડીટ નોટ્સ # CA.Paresh K.Bhatt #
-: શિક્ષણ અને સંસ્કાર :-
૧૯૯૫-૯૬ માં શામળદાસ કોલેજ પાસે આવેલ વાંચનાલય માં વાંચવા જતા હતા ત્યાર ની એ વાત યાદ આવે છે . એ સાંજે વરસાદી વાતાવરણ હતું . વાંચનાલય માં હજુ લાઈટ ચાલુ થઇ ન હતી . સવાર ના વાંચતા હતા ને મોસમ નું પહેલું વરસાદી વાતાવરણ , ને ભીની સુગંધ સાથે નો ઠંડો પવન જાણે અમને બહાર બોલાવતો હોય. ગરમી થી ત્રસ્ત થાકેલા અમે ચાર પાંચ મિત્ર એ ઠંડી હવા માં ફ્રેશ થવા પગથીયા પર બેઠા હતા . એક મિત્ર M.TECH માં હતો , એક MBA કરતો હતો , એક CS ( કમ્પની સેક્રેટરી ) , અને એક MBBS ના છેલ્લા વર્ષ માં અને હું એ પણ વખતે CA નું ભણતો . ડોકટરો સામન્ય રીતે ત્યાં વાંચવા ઓછા આવતા પણ આ મિત્ર નજીક જ રહેતા હતા એટલે નિયમિત આવે. એ ચારેય મિત્રો ચર્ચા કરતા હતા કે અમેરિકા , યુરોપ , સિંગાપોર વગેરે માં એજ્યુકેશન હોવાથી કેટલી સ્વચ્છતા છે . આપણા કરતા ક્રાઈમ નું પ્રમાણ પણ કેટલું ઓછુ. લોકો માં ડીસીપ્લીન પણ કેટલી . વગેરે વગેરે .... આપણે ત્યાં એજ્યુકેશન નથી એટલે જ આ બધા પ્રોબ્લેમસ છે. ૧૫ મિનીટ સુધી તો શાંતિ થી સાંભળ્યા , ચર્ચા માં ભાગ જ ન લીધો , એટલે એમને પણ નવાઈ લાગી . મને કહે કેમ શાંત છો . અમે ખોટા છીએ ? મેં કહ્યું નહી , તમે સાચા નથી , એટલે એમને નવાઈ લાગી ! મેં એમને એક જ વાત કહી કે આ વાંચનાલય માં કોણ આવે ? તો મને કહે જે ગ્રેજ્યુએટ હોય તે આવે ? એટલે મેં કહ્યું ગ્રેજ્યુએટ ને ભણેલા જ કહેવાય ને ! મને કહે કેમ ? જો આ બધા જ ભણેલા ( ગણેલા કોઈ નહી ) હોય તો આપણે જે ટેબલ પર બેસીએ છીએ તેમાં વચ્ચે ઉભું પાર્ટીશન હોય છે એ પાર્ટીશન પર જે લખાણ ને ચિત્રો હોય છે , તેના પર પાન-માવા ની પિચકારી હોય , તેને બિનજરૂરી નુકશાન કરેલું હોય છે, ખુરશી ટેબલ આપણા માટે જ છે છતાં બેસવા જેવા નથી રહ્યા ! તો આ બધું કરવા કોઈ અભણ આવે છે ? આપણા બાથરૂમ ને ટોઇલેટ ની – એ ગંદકી કરવા કોઈ અભણ આવે છે ?
શિક્ષણ થી જ જો પરિવર્તન આવતું હોત તો આ વાંચનાલય કેટલું ચોક્ખું હોય ? દેશ ના જે આર્થિક કૌભાંડો થાય છે એ ભણેલ ગણેલ જ કરે છે એ કઈ કોઈ ગરીબ તો કરતો નથી . અમેરિકા ને યુરોપ માં કાયદા ખુબ કડક છે ને તેનું પાલન તો તેનાથી પણ કડક છે એટલે એટલું કહી શકાય કે કાયદા થી માણસ કન્ટ્રોલ માં છે. પણ તે શિક્ષણ થી સુધરેલો છે એમ ન કહી શકાય . જો એમજ હોય તો ૧૦૦% શિક્ષણ ધરાવતા પશ્ચિમ ના દેશો માં ખુબ સરસ કુટુંબ વ્યવસ્થા હોત , ૦ ક્રાઈમ હોત , અશ્લીલતા નું વરવું પ્રદર્શન ન હોત ...વગેરે વગેરે ..પણ એવું તો નથી .
કદાચ ગરીબ માણસ રોટલી માટે ચોરી કરતો હોય તો તેને માટે તો શાસ્ત્રો એ પણ કહ્યું કહે છે કે बुभुक्षितं किम न करोति पापम ....રાજ્ય ની જવાબદારી છે કે કોઈ વ્યક્તિ ભુખ્યો ન રહેવો જોઈએ . આથી એ ચોરી કરે તો દેશને વધી ને શું નુકશાન પહોચાડે ? જયારે ભણેલ ગણેલ જો નુકશાન કરે તો દેશ નું ધનોત પનોત કાઢી નાખે .
એ વાતો જયારે કરતા હતા ત્યારે જ કદાચ આ ખુબજ ભણેલ ગણેલ એવા “ચંદા કોચર , વિજય માલ્યા , નિરવ મોદી , મેહુલ ચોકસી “ વગેરે એ દેશ ના અર્થતંત્ર ને ચૂનો લગાડવા ની તેમની તૈયારી શરુ કરી દીધી હશે કે ભવિષ્યમાં આ લોકો ખોટા ન પડવા જોઈએ .
અલબત શિક્ષણ નો વિરોધ જ નથી . હોવુ જ જોઈએ . પણ શિક્ષણ માં કઈક જે ખૂટે છે તે ઉમેરાવવું જોઈએ .
એટલું જ કહ્યું કે “ આપવામાં આવે તે શિક્ષણ ને ઉપાડવા માં આવે તે સંસ્કાર “ .
અને એ જ વખતે ગાજ વીજ સાથે વરસાદ તૂટી પડ્યો ને અમે અંદર જઈ ને પાછા આ જ શિક્ષણ “ ભણવા “ લાગ્યા .
CA.PARESH K.BHATT. ૨૪/૦૪/૨૦૧૯.
મો.૯૪૨૬૯૧૦૮૯૫