# ચાર્ટડ ની વ્યંગ નોટ્સ # CA.PARESH K.BHATT #
....મોર્ડન અંગુલીમાલ....
એક મહાનગર માં અબિંબિસાર નામે એક રાજા રાજ્ય કરતો હતો. ખૂબ મોટું રાજ્ય ને ખૂબ મોટો વ્યાપાર. આ રાજ્ય માં એક અંગુલીમાલ નામે ખૂબ મોટો કોન્ટ્રાકટર. રાજ્ય દ્વારા કોઈ પણ ટેન્ડર બહાર પડે એટલે અંગુલીમાલ ને એ મળે. બિઝનેસ વર્તુળ મા સૌથી ક્રૂર બિઝનેસમેન તરીકે ઓળખાય. અત્યાર સુધીમાં 999 ટેન્ડર મેળવી ચુક્યો હતો. ટેન્ડર મેળવવા એ કોઈ નો પણ ઉપયોગ કરી નાખે. પરંતુ રાજા નું મૃત્યુ થતા તેના પુત્ર અપ્રિયદર્શી અશોક ગાદી પર આવ્યો. અંગુલી માલ ને ખબર પડી કે પિતા જેવો સરળ પુત્ર નથી. હવે તો અંગુલીમાલ પણ સિનિયર સીટીઝન થવા જઈ રહ્યો હતો. તેના પુત્ર ને હવે બિઝનેસ માં સેટ કરતો હતો. બસ આજ સમય માં એક ખૂબ જ મોટું ટેન્ડર બહાર પડ્યું હતું. એટલે અંગુલીમાલે વિચાર્યું કે આ 1000 મુ ટેન્ડર પાસ થઈ જાય એટલે દીકરો સેટ થઈ જાય ને હું રિટાયર થઈ જાવ. બસ ચિંતા એને એજ હતી કે આ અપ્રિયદર્શી અશોક ની સાથે સેટીંગ કેમ કરવું. આ ચિંતા માં એ ખુરશી માં બેઠો બેઠો સોમરસ નું પાન કરતો હોય છે. સેક્રેટરી એ જોઈ ને પૂછ્યું સર શું ચિંતા કરો છો ? જો ને આ ટેન્ડર નું સેટિંગ વિચારું છું. તરત જ સેક્રેટરી એ કહ્યું સર આપણા રાજ્ય માં યથાગત પ્રબુદ્ધ પધારી રહ્યા છે આપ એમને મળો. અપ્રિયદર્શી અશોક એમનાથી ખૂબ પ્રભાવિત છે. આપ નું દરેક કામ સરળ અને આસાનીથી થઇ જશે .
આ તરફ યથાગત પ્રબુદ્ધ ના શિષ્ય એ કહ્યું કે પ્રભુ આ રાજ્ય માં જઈ એ છીએ ત્યાં એક અંગુલીમાલ નામે એક ખૂબ જ ખુરાટ બિઝનેસમેન રહે છે. પ્રભુ એમના થી દુર રહેજો. પ્રભુ કહે નહિ વત્સ એને તો હું સૌ પ્રથમ મળીશ.તેનું જીવન બદલાવીશ. શિષ્ય કહે પ્રભુ એ આપનું જીવન બદલાવી નાખે એમ છે !
અંગુલીમાલ ને જેવી ખબર પડી કે યથાગત પ્રબુદ્ધ રાજ્ય માં પધારી ચુક્યા છે. એટલે સેક્રેટરી દ્વારા એપોઇન્ટમેન્ટ મગાવી. પ્રબુદ્ધે જેવી મંજુરી આપી કે તરત જ અન્ગુલીમાલ તેની પોશ ગાડી માં પ્રબુદ્ધ ને મળવા માટે નીકળી ગયો . યથાગત પ્રબુદ્ધ આપ ને મારા સાદર પ્રણામ આમ કહી ને યથાગત પ્રબુદ્ધ ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે . પછી યથાગત પ્રબુદ્ધ ના ચરણો માં બેસી ને અંગુલીમાલે કહ્યું પ્રભુ આપ આટલા વર્ષો થી વિહાર કરો છો આપે મારા માટે ઘણા કષ્ટ સહન કર્યા . આપ હવે આ રીતે વિહાર કરવાનું બંધ કરી પ્રભુ હવે અહીં સ્થીર થઈ ને રહો આ મારી નમ્ર વિનંતી છે .
***
બસ હવે રાજ્ય ની બહાર 100 એકર માં આવેલ માલઅંગુલી નામના રિસોર્ટ નું નામ - માલઅંગુલી આશ્રમ થઈ ગયું છે. યથાગત પ્રભુ હવે આજ આશ્રમ માં વિહાર કરે છે અને અંગુલીમાલ શિષ્ય તરીકે બધીજ સેવા કરે છે. યથાગત પ્રબુદ્ધે પણ આશ્રમ નો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ , એને જ સોંપી દીધો છે. આ 10 વર્ષો માં અંગુલીમાલ ના દીકરા એ પણ 779 ટેન્ડર તો મેળવી લીધા છે.
अस्तु - ૧૬.૦૫.૨૦૧૯