માથાભારે નાથો - 14 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માથાભારે નાથો - 14

માથાભારે નાથો [14]
રિક્ષામાંથી ઉતરીને રાઘવ ફટાફટ એની રૂમ પર પહોંચ્યો. જાણે સિંહના મોઢામાંથી માંડ છુટેલું હરણું પોતાના કબીલામાં દોડાદોડ પહોંચી જાય તેમ. રાઘવની વહુ ઘણા દિવસથી રાહ જોતી હતી. ઘોડિયામાં સુતેલા તેના બાળકને તેડીને રાઘવ ખૂબ જ વ્હાલ કરતા કરતા રડવા લાગ્યો. જલ્દી પૈસાવાળા બનવાની લ્હાયમાં એ જે રસ્તે ચડી ગયો હતો એ રસ્તે ક્યાંય યુ ટર્ન નહોતો, એ રાઘવ જોઈ આવ્યો હતો. રામા ભરવાડ ના મનમાં રામ વસ્યા( કે પછી વાંહે કૂતરા ભસ્યા ?) એટલે એણે રાઘવને છોડી મુક્યો હતો.
નીતા, રાઘવને રડતો અને બાળકને ખૂબ જ વ્હાલ કરતો જોઈને સમજી ગઈ કે નક્કી કંઈક અજુગતું બન્યું છે, એટલે એ તરત જ રાઘવ પાસે આવીને ઉભી રહી. હળવેથી રાઘવના ખભે હાથ મૂકીને એણે રાઘવને પૂછ્યું, "શુ થયું ? કેમ આમ બાવરા બની ગયા છો ?''
રાઘવે પલંગ પર બેસીને એના બાળકને ખોળામાં બેસાડયું અને નિતાને પોતાની બાજુમાં બેસાડી.
"નીતા ચાલ સમાન પેક કર,આપણે
વતનમાં જતા રહીએ..આ સુરતમાં
લોકો બહુ જ ખતરનાક છે,હવે આપણે અહીં નથી રહેવું.."
"પણ થયું શું એ તો કહો,તમે જ્યાં
રાખશો ત્યાં હું રહીશ.."
રાઘવે, તે રાત્રે પોતાને ઉઠાવવામાં આવેલો ત્યાંથી માંડીને રામા ભરવાડે એને છોડી મુક્યો ત્યાં સુધીની બધી જ વાત પોતાની વ્હાલસોઈ પત્નીને કરી.
ત્યારબાદ બન્નેએ સામાન પેક કર્યો
અને જમીને રાઘવ મેટાડોર ભાડે કરી આવ્યો.રાત્રે બાર વાગ્યે રાઘવે પોતાના નાનકડા પરિવાર સાથે સુરતને અલવિદા કરી દીધી.
*** **** ***** ***** *******
મગન અને નાથો બીજા દિવસે ફરી વખત મહિધરપુરાની હીરા બજારમાં ગયા ત્યારે નરશી માધાની ઓફિસમાંથી તેના કારીગરોએ જણાવ્યું કે ગઈકાલે શેઠને આખલાએ ઉલળેલા એટલે શેઠ સિવિલ હોસ્પિટલમાં પડ્યા છે,એમના પગ ઉપર એક આખલો ચાલ્યો હતો અને બીજાએ ગોથું માર્યુ હતું.
મગન અને નાથો સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં દાખલ થયેલા નરશી માધા પાસે પહોંચ્યા ત્યારે એની પત્ની અને બાળકો સાથે એ આરામ કરી રહ્યો હતો. એના બન્ને પગે પ્લાસ્ટર આવ્યું હતું અને માથા પર પાટાપિંડી કરવામાં આવી હતી.
મગન અને નાથાને આવેલા જોઈને નરશીની પત્નીએ એને જગાડ્યો.નરશીએ સહેજ બેઠા થઈને આ બન્ને સામું જોયું. હીરાઘસુ કારીગરો કરતા પણ નબળા દેખાવવાળા આ બન્નેને જોઈને નરશીને ખૂબ નવાઈ લાગી.અને પોતાના આરામમાં ખલેલ પાડવા બદલ નાથા અને મગન પર ગુસ્સે ભરાયો.ત્રણ દિવસ પહેલા રચના સોસાયટીમાં રમેશની રૂમમાં રાઘવને લઈને ગયેલો ત્યારે આ બન્ને ત્યાં હતા એ એને યાદ આવ્યું.
"બોલો, શુ કામ છે ? કેમ અહીં આવ્યા છો..?" નરશીએ સહેજ ઉંચા અવાજે કહ્યું.
"તમારી અને રાઘવની ખબર કાઢવા આવ્યા છીએ નરશીભાઈ, ભગવાન કોઈને લાકડી લઈને મારવા નથી આવતો..નો કરવાના ધંધા કરો એટલે એ આવા ખૂંટિયા મોકલે.. સારું થયું જીવતા રહી ગયા છો..હવે જો ભગવાનના કોપ
થી બચવું હોય તો રાઘવ ક્યાં છે એ જલ્દી ભસી નાખો...એની વહુ અને એનો નાનકડો દીકરો એની વાટ જુએ છે..." નાથાએ કહ્યું.
નરશીની પત્ની આ બન્નેને જોઈ રહી હતી. એને નરશીએ બાળકને લઈને રૂમમાંથી બહાર જવા કહ્યું.
એ મગન અને નાથા સામે જોતી જોતી કમને બાળકને લઈને બહાર ચાલી ગઈ..
"જો ભાઈ, અમે તો તે'દી રાત્રે તમારી રૂમ પરથી રાઘવ પાસેથી માલ લઈને એને છોડી મુક્યો હતો, સાચું જ કહું છું યાર..પછી એ ક્યાં ગયો ઇ મને ખબર નથી.."
"એમ ? ખરેખર ? રામો ભરવાડ પણ તમારી હારે જ હતો ને ! પોલીસના બે ડંડા પડ્યા એટલે એણે તમારું નામ આપી દીધું છે, કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અમે રાઘવના અપહરણનો કેસ કર્યો છે, અને ત્યાંના ઇન્સ્પેકટર ચાવડા સાહેબ આ મગનના મોટાભાઈના ખાસ દોસ્ત છે, અને આ મગનના મોટાભાઈ ભાવનગરમાં ડીએસપી
છે, એટલે તરત જ રામા ભરવાડને પોલીસ સ્ટેશનમાં બોલાવીને બે ભાંઠા ઠોક્યાં, એટલે એ શેરી ગયો અને તમારું નામ આપ્યું છે, રામો કહેતો હતો કે તમે રાઘવને મરાવી નાખવા સોપારી આપી હતી..સાચું છે..? ચાવડા સાહેબે કીધું છે કે જો સીધી રીતે તમે લાઇન પર આવી જાવ તો ઠીક છે, નહીંતર અહીંથી ડોકટર રજા આપે એટલે ડાયરેક્ટ કાપોદ્રા પોલીસ તમારી ધરપકડ કરશે અને તમે અપહરણ અને ખૂન કરવાનો પ્રયાસ કર્યો છે, એટલે તમારી ઉપર આઈપીસીની કલમ 37 એ લાગશે, જે બિનજામીનપાત્ર હોય છે એટલે જામીન નો મળે, અને ઓછામાં ઓછી દસ વરહની જેલ પડશે એમ મારા કાકાએ કહ્યું છે, મારા કાકા અમદાવાદમાં હાઇકોર્ટમાં વકીલ છે.....''
નાથાએ આઈપીસીની આવડી એ કલમનો નંબર આપીને હાંકેલી આ ગપ સાંભળીને નરશીને ચક્કર આવવા લાગ્યા.એ વિચારમાં પડી ગયો.મગન-નાથાએ જે જાળ બિછાવી હતી એ મુજબ નરશીને આ લોકોની વાત માન્યા સિવાય છૂટકો નહોતો,કારણ કે મગને જે રીતે રામાનો ઉલ્લેખ કર્યો હતો એ જોતાં, તેની વાત ન માનવા માટે કોઈ કારણ નહોતું. નરશીને વિચારમાં પડેલો જોઈ મગને કહ્યું,
"જો તમારે આ બબાલ માંથી છૂટું થવું હોય તો રાઘવ ક્યાં છે એ કહી દો..અમે રાઘવને સહી સલામત લઈ આવશું, અને રાઘવ પાસેથી તમે બળજબરીથી જે માલ લઈ લીધો છે એ તમારે પાછો આપવો પડશે..જો રાઘવે તમારો માલ લીધો હશે તો અમે એ માલ તમને પાછો આપવી દેશું, પણ બીજાનો માલ તમે તફડાવી જાવ એ અમે ચલાવી લઈશું નહીં,સમજ્યા ?" "તમે લોકો રામા ભરવાડને જ મળો,રાઘવ ક્યાં છે એ એને ખબર છે અને ભાઈ, મને અખલાએ વગાડ્યું એમાં મારું પર્સ કોઈક લઈ ગયું છે, બજારમાં હું બેભાન થઈ ગયો હતો, મારી ગાડીના હેન્ડલમાં એ પર્સ મેં ભરાવ્યું હતું.ભાગદોડનો
લાભ લઈને કોઇકે એ પાકીટ લઈ લીધું છે, રાઘવ પાસેથી મેં જે માલ પડાવ્યો હતો એ માલ પણ એમાં જ હતો..તમારે મને પોલીસમાં પકડાવી દેવો હોય તો ભલે, પણ હું પોતે જ રાઘવાને લીધે પાયમાલ
થઈ ગયો છું.." નરશીએ કહ્યું.
નરશીની વાત સાંભળીને મગનના કાન ચમકયા ! "તો તે દિવસે જેનું બાઇક મારી સાથે અથડાયું હતું એ તું જ હતો એમને ! અને એ હીરા તારા જ હતા એમને" મગને મનોમન વિચાર્યું. એના હોઠ સહેજ વાંકાયા.પણ એને થયેલી આનંદની ઊર્મિને એણે હોઠ પર જ દાબી દીધી.
"ખરેખર ? આશરે કેટલા'ક રૂપિયા
નો એ માલ હતો ? બે પાંચ હજાર
ના એક બે પડીકાથી તમારા જેવા શેઠિયાઓનો વાળ પણ નો હલે...
તમે મે'રબાની કરીને રાઘવનો પત્તો આપો એટલે અમે નીકળીએ.......
અમારે હજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જવાનું છે,જો તમે રાઘવ
ક્યાં છે એ નહી બતાવો તો ચાવડા સાહેબ ધરપકડ કરવા આવવાના છે, હારે છાંપાવાળા પણ આવશે, તમારા ફોટા પાડીને પેપરમાં તમારા આ પરાક્રમને બિરદાવું તો પડશેને !
નાના માણસો તમારી જેવા આખલાઓની ઝપટમાં કેવી રીતે આવી જાય છે એ ફિલમ અમે લોકોને દેખાડશું.તમે એ ફિલમના વિલન છો નરશીભાઈ..." મગને પોતાને મળેલા માલની કિંમત જાણવા તીર ફેંક્યું..
"યાર, તમે વાત સમજો..એ કાંઈ બે પાંચ હજારનું પડીકું નહોતું, એમાં તૈયાર અને કાચા માલના પેકેટ હતા...લગભગ દસેક લાખનો માલ હતો અને રાઘવે મારો માલ ચોરી લીધો હતો,મેં એનું ખૂન કરવાની સોપારી કોઈને નથી આપી,હજી પણ એની પાંહે ચોરીનો માલ છે એ કઢાવવા માટે મેં રામા ભરવાડના તબેલામાં એને કેદ કર્યો છે..અમે એને સાચવીને રાખ્યો છે..યાર, તમે કેસ પાછો ખેંચી લો, હું રામા ભરવાડને ફોન કરું છું...અહીંયા હોસ્પિટલમાંથી હું એને ફોન કરીશ એટલે એ છોડી મુકશે..તમે યાર મને અત્યારે હેરાન ના કરો.."નરશી સાવ પાણીમાં બેસી ગયો. ફરીવાર ચાવડા સાહેબનું શસ્ત્ર ચાલી ગયું હતું ! મગન અને નાથો એકબીજાની સામે જોઇને મલકયાં.
"હં..અં...અં...હવે આવ્યું ઊંટ પહાડની નીચે..! તો હાલો અત્યારે જ ફોન કરો.."મગને કહ્યું.
"પણ અત્યારે હું ચાલી પણ શકતો નથી..રામો ભરવાડ મને મળવા આવશે જ ! ત્યારે હું એને કહીશ કે રાઘવને છોડી મુકે.. તમે ભલા થઈને આ વાતમાં પોલીસને નો નાખતાં..મારે હજી મારો જે માલ ગુમ થયો છે એની ફરિયાદ કરવાની છે.."નરશી હવે ગભરાયો હતો.કારણ કે જો એનું નામ રાઘવ
ના અપહરણ અને સોપારી આપવા જેવા ગુનામાં ખુલે તો એ પોતાના માલની ફરિયાદ કરી શકે નહીં..અથવા પોલીસવાળા પોતાને હેરાન કરવામાં બાકી રાખે નહીં.
"તમે રામા ભરવાડને જ ઉપાડો, પોલીસને સાથે લઈને એના તબેલા પર જાવ..તમને રાઘવ ત્યાં મળી જશે.."નરશીએ સાવ હથિયાર નાખી દીધા.
"પણ રામો ભરવાડ તમારું નામ આપે છે એનું શું ? પોલીસ,ફરિયાદ
કર્યા વગર અમારી હારે થોડી આવે ? અમારે તમારા નામની FR ફાડવી જ પડે.."નાથાએ પોતાના નોલેજ પ્રમાણે કહ્યું.
''તો ભાઇ તમે કયો એમ કરવા તૈયાર છું, પણ મારી ઉપર કેસ નો કરતા..મારા લાખો રૂપિયાના હીરા ગુમ થયા છે અને જો મારું નામ પોલીસના ચોપડે ચડશે તો હું બરબાદ થઈ જઈશ.."નરશી કરગરી પડ્યો.
"તો પહેલા વિચાર કરવો પડે ને ! રાઘવને બરબાદ કરી નાખ્યો એનું શું ? એની ઘરવાળી બિચારી કેટલાય દિવસથી એની વાટ જુએ છે..એને એક નાનો છોકરો હજી તો ઘોડિયામાં રમે છે.." મગને કહ્યું, રમેશે એને રાઘવની બધી જ હકીકત કહી હતી.
"ઇ વાત સાચી ભાઈ, સોરી...હવે જે થયું તે..એણે મારા હીરા ચોર્યા ન હોત તો આ બધું નો બનત. પણ હવે તમે લોકો જાવ..અને એને છોડાવી લ્યો.."નરશીએ કહ્યું.
"ઠીક છે, અત્યારે તો અમે જઈએ છીએ, પણ આ આપણી છેલ્લી મુલાકાત નથી હો..તમારે રાઘવને વળતર આપવું પડશે..અમે કાલ એને લઈને આવશું.."નાથાએ ઉભા થતા કહ્યું.
"કાંઈ વાંધો નહીં, તમે હવે જાવ ભાઈસા'બ.."નરશી હવે કંટાળ્યો હતો.
મગન અને નાથો નરશીની સ્પેશિયલ રૂમમાંથી બહાર નીકળ્યા
ત્યારે બહાર નરશીની પત્ની એના બાળકો સાથે ઉભી હતી.મગન થોડીવાર એને જોઈ રહ્યો. "ક્યાંક આને જોયેલી છે...પણ યાદ આવતું નથી...ક્યાં જોઈ હશે..?"
"તમે લોકો કોણ છો ? અને રાઘવ કોણ છે ? એમણે શુ કર્યું છે તે તમે પોલીસકેસ કર્યો છે ? મારા ઘરવાળા બહુ સારા માણસ છે..ઇ કોઈનું ક્યારેય ખરાબ નો કરે..અને આ રામો ભરવાડ કોણ છે..?"
નરશીની પત્નીએ નાથા અને મગન પાસે આવીને કહ્યું.
"જુઓ બેન, આ બધા સવાલ તમે તમારા ઘરવાળાને જ પૂછજો,અમે નવરા નથી સમજ્યા..?" નાથાએ ચાલતી પકડી.
મગન હજુ પેલીને જોઈને યાદ કરી રહ્યો હતો.."ક્યાં જોઈ હતી આને, ક્યાંક જોઈ તો છે જ..પણ ક્યાં ?"
નાથાએ એ જોયું એટલે એ ગુસ્સે થયો.."આ સાલ્લો, બયરૂ ભાળ્યું નથી ને ગુંદરની જેમ ચીપકયો નથી.."મનમાં એમ બબડીને જોરથી બોલ્યો, "આમ, હાલ્યની..
મોડું થાય છે..''
"તમે મગનભાઈ છો ને.? રૂપાવટી વાળા પાંચાકાકાને ઓળખો છો ?"
નરેશની પત્ની મગનને ઓળખી ગઈ.એ પણ મગનને ક્યાંક જોયો હોવાનું અનુભવતી હતી.
"હા, હું મગન. પણ હું કોઈ પાંચા કાકાને ઓળખતો નથી..હા રૂપાવટી હું મારા દોસ્તની જાનમાં આવ્યો હતો..અરે હા હા યાદ આવ્યું...તમે માંડવા પક્ષમાં હતા..તમારી બેનપણીના લગ્નમાં તમે આવેલા.અને અમે વરરાજાના દોસ્તોએ એને ઊંચકી લીધેલો..તમે
કન્યાને ઉંચકી હતી..એમાં.."
મગનને અટકાવીને પેલી વચ્ચે જ
બોલી, "હા..તમે મારી સાથે ભટકાયા હતા અને પછી ઝગડો થયેલો..."
મગનને એ આખી ઘટના યાદ આવી ગઈ. ઈશ્વર સુરાણીના લગ્ન બહુ વહેલા થઈ ગયેલા.કોલેજના બીજા જ વર્ષમાં હતા ત્યારે તેની જાન માં રૂપાવટી ગયેલા, ત્યાં કન્યાની બહેનપણીઓ સાથે બોલાચાલી થયેલી અને એમાં વર
ના પક્ષે મગન અને કન્યા પક્ષે આ નરશીની વહુ ઝગડી પડેલા અને પછી વડીલોએ બન્નેને ધમકાવીને આખો મામલો શાંત પાડેલો.
"પણ એ વખતે હું તમારી સાથે કારણ વગર જ ઝગડી પડેલો, મારે એવું નહોતું કરવું જોઈતું..સોરી હો
એ વખતે સમજણ ન્હોતીને "
મગને કહ્યું.
"હા, સાચી વાત છે, મારી પણ ભૂલ જ કહેવાય..તમે હવે અત્યારે સોરી ના કહેશો..હવે ઓળખાણ નીકળી જ છે તો તમે મારા ઘરવાળાને શુ કામ મળવા આવ્યા છો ઇ મને જણાવો..." નરશીની પત્નીએ કહ્યું.
નાથો ક્યારનો આ નવો પરિચય જોઈ રહ્યો હતો. એને આ બિલકુલ ગમ્યું નહી. કારણ કે આવી ઓળખાણથી હવે નરશી સાથે માંડેલો મોરચો નબળો પડી જવાનો એને ડર હતો. લડવાની બાબતમાં કોઈ એને રોકે એ નાથો સહન કરી શકતો નહીં. એટલે એણે આ પરિચય આગળ વધતો અટકાવતા કહ્યું, "ઇ બધું તમારા ઘરવાળાને જ પૂછી જોજોને ભાભી..." પછી તરત જ મગનનો હાથ ખેંચીને ઉમેર્યું, "હાલ ને ભાઈ,
તું તો પાછો માખણ ભાળીને મીંદડો જ થઈ જાશ..હાલ આમ મોડું થાય છે..!"
"પછી આવીશ હું..તમે ક્યાં રહો છો..?" મગને ચાલતા ચાલતા પૂછી લીધું. પેલીને પણ આ જૂની ઓળખાણ જવા દેવાનો કદાચ વિચાર નહોતો, કારણ કે તે દિવસે બનેલી ઘટના પછી એની બહેનપણીઓએ એને મગન સાથે લગ્ન કરવાનું કહી કહીને ખૂબ જ ચીડવી હતી.અને જેના લગ્ન હતા એ બહેનપણી પાસે મગનનું નામ અને ગામ વગેરે માહિતી પણ એણે મેળવી હતી..એ અરસામાં જ નરશી સાથે એનું સગપણ થઈ ગયું અને છ મહિના પછી લગ્ન પણ થઈ ગયા હતા.
"અમે વલ્લભનગરમાં 42 નંબરના બંગલામાં રહીએ છીએ..બેસવા આવજો.." મગનને પ્રેમભરી નજરે જોઈને એ બોલી.
"સારું, ચોક્કસ આવીશ ક્યારેક.." કહીને મગન ચાલતો થયો. હોસ્પિટલની કોરિડોરનો છેલ્લો વળાંક વળ્યો ત્યારે મગને પાછું ફરીને જોયું તો એ હજુ મગન અને નાથાને જતા જોઈ રહી હતી.બસ આજ રીતે એ દિવસે થોડીવાર ઝગડી પડેલો આ યુવાન દિલમાં વસીને પછી ચાલ્યો ગયો હતો, કદાચ આવી જ રીતે એ વળાંક વળી ગયો હતો !!
"તારે તો હાળા, જ્યાં હોય ન્યા ટાંગા જ ભરાવવા છે, હાળા આંય તો સખણું ગુડાવું'તું..!'' નાથો ખીજાયો હતો.
"ઇસ દિલ કે ટુકડે હજાર હુએ,
કોઈ યહાં ગીરા કોઈ વહાં ગીરા..
કોઈ યહાં ગીર કોઈ વહાં ગીરા..." એ ગીતની પંક્તિઓ ગાઈને મગને પોતાના પ્યારા દોસ્તને ધબ્બો મારતાં કહ્યું, "સુંદરીઓ જ્યારે સામેથી ઇજન આપતી હોય ત્યારે પુરુષ જાતે એ ઇજનને અવગણવું નહીં એમ શાસ્ત્રોમાં લખ્યું છે.."
"તારા ઘરના શાસ્ત્રોમાં લખ્યું હશે..મને જ્યાં હોય ત્યાં લંગર નાખવાની તારી આ ટેવ બિલકુલ નથી ગમતી...હાળા મગના તું સીધીનો રહેજે.."નાથો ખરેખર ગુસ્સે ભરાયો હતો.
"જલેબીના ગુંચળાની જેમ એકદમ સીધો જ રહીશ બસ ?"
નાથાએ ફરી ડોળા કાઢ્યા. બન્ને હોસ્પિટલમાંથી બહાર આવ્યા.
રૂમ પર પહોંચ્યા ત્યારે રમેશ એ લોકોની રાહ જોઈને બેઠો હતો.
"અરે, યાર કમાલ થઈ ગઈ..રાઘવ આવી ગયો છે, અને ગામડે જતો રહ્યો છે..કાલે સાંજે એ ઘેર ગયો હતો અને પછી તરત જ સમાન ભરીને ગામડે જતો રહ્યો છે, બિચારાને આ લોકોએ ધમકી જ આપી હોવી જોઈએ.."
મગન અને નાથાની નવાઈનો પાર ન રહ્યો.હજી તો નરશીને ડારાવીને ઘેર પણ પહોંચ્યા નથી ત્યાં તો રાઘવ છૂટીને ઘેર પણ આવી ગયો અને સમાન ભરીને ગામડા ભેગો પણ થઈ ગયો...
"રામા ભરવાડની ફાટી રહી લાગે છે, કાલે ચાવડા સાહેબની બીક બતાવેલી એટલે એણે નરશીને પૂછ્યા વગર જ રાઘવને છોડી મુક્યો હોવો જોઈએ.." મગને અંદાજ લગાવ્યો જે બિલકુલ સાચો હતો.
"ચાલો સારું થયું, રાઘવ ભલે ગામડે જતો રહ્યો, પણ એ કંઈ દૂધે ધોયેલો તો નથી જ..સાલ્લો એ ચોરટો તો હશે જ !" નાથાએ કહ્યું.
આ પ્રકરણ પૂરું થયેલું સમજીને નાથો, મગન અને રમેશ નાસ્તો કરવા ચાલ્યા ગયા, પણ એ વખતે એ લોકોને ખ્યાલ નહોતો કે પ્રકરણ પૂરું નથી થયું પણ હવે જ શરૂ થયું છે !
** ** ** ** ** ** ** ** ** ***
પ્રિય મગન,
તમે ખૂબ સરસ મજાના માનસ છો, તમે લોકા મને બોવ જ ગમતા છો..તમે લોકા કોલેજ કેમ રેગ્યુલર ની આવતા છો ? તમે લોકા જે દાડે
કોલેજ ની આવો તે દિવસ મને કંઈ સારું ની લાગતું..હું કેટલીવાર બહાર જોયા કરટી છું, મને એમ થાય કે તમે લોકા હમના જ આવહો..પન તમે તો આવતા જ ની મલો.. કોલેજમાં ટો રેગ્યુલર આવવું જ પડે કે ની ? અને તમે લોકો ક્યાં આગડી રહો છો એ ટો મને જનાવો પ્લીઝ ? તમાડા મમ્મી પપ્પા શુ કરતા છે ?
છેલ્લે મને કહેટા તો બોવ શરમ આવે છે પન કે'વુ બોવ જરૂરી મલે
ડિયર મગન આઈ લવ યુ સો મચ..
તમારી જિંદગીમાં મને સમાવશો કે ?"
લી. એકલા તમારી જ
ચમેલી કાંટાવાલા

પત્રને અંતે એક ગુલાબ દોરીને તેમાં C અને M દોર્યા હતા. પત્ર વાંચીને મગન હસી પડ્યો. બાજુમાં જ બેઠેલા નાથાએ પત્ર આંચકીને વાંચ્યો.
"લે આલે.. ઇ ડોબી તારામાં એવું તે શું ભાળી ગઈ છે કે તને ગુલાબ આપવા માંડી છે ? મગના તને આ જાડીમાં શુ રસ છે ? ક્યાં તું લફડ ફફડ લબાડીયો મગનો અને ક્યાં આ કાંટાવાળી જાડી અને લિપસ્ટિક, પાવડરના થથેડા વાળી એદણ..છાનો માનો ભણવામાં ધ્યાન રાખને બાપા..." નાથાએ ચમેલીનો લવલેટર વાંચીને મગન સામે જોયું ત્યારે મગન ચમેલી સામે જોઇને મીઠું મીઠું મુશ્કેરાઈ રહ્યો હતો. ચમેલી પાછું ફરીને છેલ્લી પાટલીમાં બેઠેલા મગનને જોઈને એનું સ્મિત ઝીલી રહી હતી..બીજા કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ તારામૈત્રક
જોઈને મૂછમાં હસી રહ્યા હતા.
પ્રોફેસર તારિણી દેસાઈ તો તે દિવસે મગનનું લેક્ચર સાંભળ્યા પછી,મગન કલાસમાં હાજર નથી એમ જ સમજતા હતા.હવે ફરી વાર એ મગનને કશું જ કહેવા માંગતા નહોતાં... પણ ચમેલી જેવી શહેરી સંસ્કારવાળી છોકરી આવા મુફલિસ અને ગામડિયા છોકરા ઉપર ફિદા થાય એ એમને જરાય ગમતું નહોતું.જો કે મગનની વાણી સાંભળ્યા પછી એમનો મગન પ્રત્યેનો મત બદલાયો જરૂર હતો.
નાથાએ ડોળા કાઢીને ચમેલીને બીવડાવી અને આગળ જોઈને બેસવા ઈશારો કર્યો.પણ પેલીએ સામા ડોળા કાઢ્યા.
"મગના, આ જાડીને તારે જે કહેવું હોય એ કહી દેજે..નકર હું કહી દવ છું, ક્યારની આ બાજુ જોયા કરે છે, ઇનો બાપ અહીં ભણવા મોકલે છે કે છાનગપતીયા કરવા?"
"તું શાંતી રાખને.. ભલેને બિચારી આનંદ લેતી..મારા જેવા ચીંથરે હાલ જુવાનનો કોઈ ભાવ પણ પૂછતું નથી..જ્યારે આ બિચારી એના દિલમાં વસાવીને બેઠી છે, તું ચૂપ મર..એનો પ્રેમ આપણને ઘણો કામ આવશે.." મગને કહ્યું.
તારીણી દેસાઈને પોતાના વર્ગમાં ચાલતું આ નેનમટક ખૂબ જ ખૂંચતુ હતું. પણ મગનની વાકધારા ચાલુ થાય તો જવાબ વાળવો ભારે પડી જાય તેમ હતું.છતાં એમણે ચમેલી
તરફ જોતા કહ્યું, "કેટલાક લોકો જીવનમાં પોતાનો રાહ ભૂલીને ખાબોચિયાંમાં જઈને ડૂબી મરતા હોય છે, પોતાના જીવનને ક્યાં માર્ગે લઈ જવું એની ગતાગમ તો હોતી જ નથી, પણ ખાબોચિયાને સરોવર સમજીને, છબછબીયા કરે પછી ડૂબી મરે.."
કલાસ પૂરો કર્યા પછી મગન અને નાથો જઈ રહ્યા હતા ત્યાં જ ચમેલી એમની પાછળ સ્કૂટર લઈને આવી..
"ટમે લોકા નાસ્ટો કડવાના કે ? મેં અમાડી દુકાનેઠી લોચો લાવેલી મલે
આવોની..આપડે આ ગાર્ડનમાં પેલી બેન્ચ પર બેસીને ખાઈએ..."
"લોચો ? ઇ વળી શું ? લોચો ખાવાનો હોય કે મારવાનો હોય ? અમારી બાજુ તો અમુક આ મગન જેવા લોકો લોચો મારતા હોય છે, હવે તમે લોચો ખાવાની વાત કરો છો..જાવ જાવ અમારે એવા કોઈ લોચામાં પડવું ની મલે.." નાથાએ ના પાડી.પણ મગન તો ચમેલી સાથે ચાલવા લાગ્યો..
"ટમે ની ખાવાના હોય ટો વાંધો ની" ચમેલીએ નાથાને કહ્યું.
"હવે, બેહની..મારા ભાઈબંધને લોચામાં નાખવા બેઠી છો તે મારે ચાખવો તો પડહે.." કહીને નાથો પણ એ લોકોની પાછળ પાછળ ચાલ્યો.
બગીચામાં બેસવાની બેન્ચ પર નાસ્તાના ડબ્બાને ચમેલીએ ખોલ્યો કે તરત જ લોચાની (સુરતની ફેમસ આઈટમ ખમણ અને લોચો છે, એ વાચકો જાણતા જ હશે..
આ લોચો ગરમાં ગરમ હોય ત્યારે એમાં બટર નાખીને, ચટણી અને કાંદા સાથે ખાવાની લિજ્જત કંઈક ઓર જ હોય છે !) સુગંધથી મગન અને નાથાના મોં માં પાણી આવી ગયું..
"હં..કં...અં...લાગે છે તો મજાનું હાળું..."એમ કહી નાથાએ એના મોટા પંજાની લાંબી આંગળીઓ થી લોચાનો મોટો કોળિયો લઈને મોઢામાં ઓર્યો..
બીજો કોળિયો મગને લીધો. ચમેલીએ લોચો ખાવા ડબ્બામાં હાથ નાખવા જ જતી હતી ત્યાં જ નાથાએ ડબ્બો ઉપાડી લીધો
"હવે તું તો રોજ ખાતી જ હઇશને
આવું આવું ખાઈને જ આ ખડકયું લાગે છે..ઉભી રે પેલા મને ચાખવા
તો દે..ડબ્બો ખોલ્યો નથી ને માંડ્યા ઝાપટવા,કોકનો વારો આવવા દેવો
જોવે.."એમ કહીને બીજો મોટો કોળિયો મોઢામમાં ઓરી દીધો.
"ટે ખાવની.. કોણ ના કેટુ છે,ટમે તો બો ડેન્જર લાગટા છો..આમને કંઇક કેવને ઓ મગન..."
"ઇ એવો જડભરત જ છે,તું બીતી
નહીં... ઇ જેવો બહારથી કઠણ છે એટલો જ અંદરથી નરમ છે..થોડો માથાભારે છે પણ દિલનો સારો છે" કાંદાનો ટુકડો મોમાં નાખીતા મગને કહ્યું.
ત્યાં જ નાથાએ ડબ્બો સાફ કરતા કહ્યું, "બસ આટલો જ લોચો લાવી... અમારી માટે લાવવું હોય તો જરીક સમાયે લાવજે.. આતો તારો ડોહો પરવાહ પણ નો પુગ્યો."
"પન તમે ટો ના કેટા ઉટા.. કાલે વધુ લાવવા..બસ.." ચમેલીએ ડબ્બો લેતા કહ્યું.અને બેગમાંથી પાણીની બોટલ આપી.
નાથો ટોયલેટ બાજુ જવાને બહાને ચાલ્યો ગયો.એટલે મગન અને ચમેલી એકલા પડ્યા.
ચમેલી મગનને તાકી રહી. અને મીઠું મીઠું હસતી રહી. મગને પણ એના સ્મિતનો જવાબ આપ્યા કર્યો.
"ટારો ડોસ્ત જબડો છે હો..ના ના કરટો, બઢો જ લોચો તો ખાઈ ગયો.."
"હમ્મ..એ તો એવો જ છે..." મગને કહ્યું.
"પન તું બો હારો છે..."
"તું પણ..."
"તને લોચો ભાવ્યો..?"
"હા, લોચો ખૂબ ભાવ્યો અને..."
"અને..?"
"અને તું પણ ભાવી..."
"ઓ...ઓ...ઓ...હું કંઈ ખાવાની ચીજ ની મલે..તેં મને કારે ચાખી?"
"તું કહે તો અત્યારે જ ચાખી લઉં.."
"એમ નહીં..."
"તો કેમ..."
"પેલા એ કહે કે હું તને ગમુ ટો છું ને..?"
"હા...વળી..ગમે છે.."
"તો ટું મારી સાઠે મેરેજ કડવાનો હોય ટો જ..."
"લે..આલે...(આણે તો ભારે કરી )" મગન મુંજાયો. ત્યાં જ નાથો આવતો દેખાયો.
"અલ્યા તમારું પત્યું હોય તો ચાલો...હવે જઈશું ?" નાથાએ બૂમ પાડી..મગને તરત જ પગ ઉપડ્યા
"કેમ જવાબ ની આયપો"ચમેલીએ
મગનનો હાથ પકડ્યો.
"પેલો ગાંડીયો આવે છે,પછી કે'વ"
"પન ખાલી હા તો કેવ... બોલની.."
"પછી કેવ...નિરાંતે..વિચારીને.."
"એમાં વળી વિચાડવાનું શુ હોય ?
"હા..કઈ દેવની..." ચમેલી મગનનો હાથ છોડતી નહોતી..
મગન હાથ છોડાવીને ભાગ્યો. પાછું ફરીને બાય કહી દીધું.
"કાં...? કરી લીધો પ્રેમ..? કેમ હાથ છોડતી નો'તી..?" જો જે હો કુંડાળામાં પગ પડ્યો તો કાઢવો અઘરો..આપણે છોકરીઓને છેતરી નહીં શકીએ..તને ગમતી જ હોય અને સો ટકા તું એને પ્રેમ કરતો હોય તો જા...જઈને હા પાડતો આવ..બાકી અમથું અમથું રમવું હોય તો હું એમ નહી કરવા દઉં.. એનો લોચો ખાધો છે એટલે એને હું લોચામાં નહી પડવા દઉં એ પાક્કું છે..હું તારો ભાઈબંધ ખરો, પણ ખોટે રસ્તે તો હું તને નહીં જ ચાલવા દઉં સમજ્યો...?"
નાથાએ મગનને કહ્યું ત્યારે ચમેલી એ બન્નેને જોઈ રહી હતી.નાથાએ કહેલા શબ્દો એણે સાંભળ્યા, અને
એના દિલમાં નાથા પ્રત્યે અપાર સ્નેહની લાગણી જાગી.એક બહેનના દિલમાં ભાઈ પ્રત્યે જાગે એવી જ !
"હું વિચારીને કહીશ..ચાલ હવે.."
કહીને મગન ચાલવા લાગ્યો. નાથાએ એક નજર ચમેલી તરફ ફેંકી, અને મગનની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
તે રાત્રે મોડી રાત સુધી મગનને ઊંઘ ન આવી. એણે ઘડિયાળમાં જોયું, રાતના બે વાગ્યે હતા. એ ધીરેથી ઉઠ્યો અને સહેજ પણ અવાજ ન થાય તેમ માળિયામાંથી
પોતાની જૂની સુટકેશ ઉતારી.
અંધારે સુટકેસમાં હાથ ફંફોસ્યો..
નરશી માધાના હીરાનું પર્સ મળ્યું નહીં, મગનને ધ્રાસકો પડ્યો.તરત જ એણે લાઈટ કરી.સુટકેસમાંથી પેલુ પર્સ ગુમ થઈ ગયું હતું !!

(ક્રમશ :)

મિત્રો, આપ સૌના પ્રતિભાવો મારા માટે ખૂબ જ મહત્વના છે, ઘણા મિત્રોએ પર્સ અંગે મગનને સલાહ આપી છે, એ સૌનો આભાર.