REKHA CHITRA books and stories free download online pdf in Gujarati

રેખાચિત્ર

શાંતુને પહેલીજવાર જોઈ ત્યારે, સહજભાવે મને અરુચિ જેવું થયેલું. સામાજિક સમજણ એટલી બધી હજુ વિકસી નહોતી મારામાં. શાંતુ દેખાવે શ્યામવર્ણ ની, વાંકડિયા વાળ, પણ બહુ ટૂંકા, એવું લાગે કે, શાંતુએ માથે બેડા ઉપાડી બહુ પાણી ભર્યું હશે, તો જ આવા આછા વાળ થઈ ગયા હોય. પાછળ નાની જ ચોટી આવે એટલે એ બે ઉભી ચોટલીઓ રાખતી. શાંતુના ચહેરા પર સતત હાસ્ય રેલાય, પણ જેવી નજર ચહેરાથી નીચેના ભાગે પડે એટલે મનમાં ફરી અરુચીનો ભાવ ઉતપન્ન થાય. એના ગળા પર દાઝેલા ભાગના નિશાન હતા. એથીય વધુ નિશાન બન્ને હાથ પર હતા. નિશાન પણ કેવા! ચામડી પર સફેદ દાગ નહિ પણ, અમુક અંતરે જાડી જાડી ચામડી ઉપસી ને કાળી પડેલી, એટલે એ જોઈને કોઈને ગમે જ નહીં. દસ બાર વર્ષની દીકરી એટલે કપડાં વ્યવસ્થિત પહેર્યા હોય એટલે શરીરના બીજા ભાગ પર નજર ન જાય પણ, એટલી જાણકારી તો હતી જ કે, શાંતુના પેટ, સાથળ, છાતીના ભાગે પણ આવી જ ચામડી હતી, જે ઉપસેલી અને કંઈક વિચિત્ર દેખાતી. શાંતુને જ્યારે, KGBV માં એડમીશન મળ્યું અને હોસ્ટેલમાં લાવવામાં આવી ત્યારે એ વહેલી પરોઢે ઉઠી જતી, સાવરણો લઈને લાંબા રાગડે ભજન અને ગીતો ગાતી. કપડાં પહેરવા, બોલવા ચાલવા કે ખાવા પીવાની ખાસ સમજ નહોતી પડતી. બસ કામ કર્યા રાખતી. સંસ્થાના જે બહેન શાંતુને ગામડા માંથી આ શાળામાં લઈ આવેલા એમનું એને મન બહુ મહત્વ હતું. બેનના કપડાં ધોઈ દેતી, એમને જમવાનું પણ એ જ પીરસતી. વાંચવા લખવામાં તો એને સુજ ન પડતી પણ, બાકી બધાં જ કામ એ ઝપાટા ભેર કરતી. નવીનવી આવી ત્યારે, એ શાળાની બાલમિત્ર શિક્ષિકાઓને અચાનક વળગી પડતી ત્યારે એ શિક્ષિકાઓ એનાથી ડરી જતી. ધીમે ધીમે શાંતુના વર્તનમાં બદલાવ આવી ગયો. શાંતું છોકરીઓમાં બધાની માનીતી થઈ ગઈ. શાંતું કોઈપણ આવે તો તરત દોડીને બધા માટે પાણી લઈ આવતી, બહારથી આવનાર ચોખલીયા લોકોને શાંતુને જોઈને પાણી ગળે નહોતું ઉતરતું, ઘણા તો ના જ પાડી દેતા નથી પીવું એમ. પણ, શાળાના તમામ તો હવે, શાંતુને બરાબર સાચવવા સમજવા લાગ્યા હતા. સાતમ આઠમ, નવરાત્રી, દિવાળી, વેકેશનમાં બધા ને ઘરે જવા મળતું. આવી જ રજાઓમાં શાંતું એકવાર ઘરે ગઈ અને પછી પાછી આવી ત્યારે હસતી રમતી નટખટ શાંતું એકદમ શાંત બની ગઈ હતી. ચૂપચાપ રહેતી, કોઈ સાથે વાત નહોતી કરતી. એના વર્તનમાં આવેલા પરિવર્તનના કારણે શિક્ષિકા બહેનો, સંસ્થાની બહેનો ચિંતામાં આવી ગઈ. એકવાર શાંતુને એકલામાં પૂછવામાં આવ્યું અને શાંતું એ રડતા રડતા જે વાત કરી એ સાંભળીને જ બધા દુઃખી થઈ ગયા, વાત માન્યામાં આવે એવી જ નહોતી. શાંતુને જ્યાં જ્યાં દાઝેલા ભાગના નિશાન હતા એમાંથી અમુક જગ્યાએ પરું નીકળતું હતું. શાંતું એ જ્યારે કહ્યું કે, આ બધા ભાગ પર એને એની માતાએ જ ડામ આપ્યા છે ત્યારે કોઈ એ વાત માની જ શકવા તૈયાર નહોતા. રજાઓમાં માબાપ પાસે ગયેલી દીકરીની આવી હાલત!! શાંતુના કહેવા મુજબ એની માતા એ એને સાથળના ભાગે સાણસીથી એ દાઝેલા ભાગની ચામડી પર ચોટીયા ભરેલા, ડામ આપ્યા હતા. કોઈ સગી માં આવું કેમ કરી શકે?? પણ, શાંતું સાથે એ થયું હતું. શાંતું જયારે નાની હતી, ભાખોડિએ ચાલતી, ત્યારે એની માતાએ ચૂલા પર તવીમાં તેલ ગરમ કરવા મૂકેલું અને શાંતું ભૂલથી એ તવી ને અડી ગયેલી, ગરમ તેલ એના શરીર પર પડવાથી એ દાઝી ગયેલી અને બચી ગયેલી પણ આ દાગ કાયમી રહી ગયેલા. આવા શરીર વાળી દીકરી એની માતાને ગમતી નહોતી, એટલે બીજા ચાર પાંચ બાળકો અને શાંતું વચ્ચે ભેદ રાખતા. ગરીબ મજૂરી કરતું કુટુંબ આ એક દીકરીને સ્વીકારતું નહોતું જે કદરૂપુ લાગતું. શાંતું અનહદ લાગણીશીલ હતી.પણ ઘરમાંથી લાગણી મળતી જ નહોતી એટલે એને વેકેશન માં પણ ઘરે જવું ગમતું નહોતું, એવા જ એક વેકેશન માં એની આવી હાલત કરવામાં આવી. સંસ્થાની બહેનો શાંતુના ફેમિલીને બહુ બોલ્યા અને શાંતુને હોસ્પિટલ લઈ જઈને સારવાર કરાવી. આ દરમિયાન જ હું ત્યાંથી નીકળી ગઈ.થોડા સમય બાદ ફરી ત્યાં મુલાકાત કરી, શાંતું વિશે પૂછપરછ કરી. ત્યારે જાણવા મળ્યું કે, શાંતુની માતાએ આત્મહત્યા કરી, સળગી મર્યા. શાંતું ભણવાનું છોડી ઘરે જતી રહી એ પછી કોઈ સમાચાર નથી. શાંતું મારા જીવનમાં આવેલી એક એવી વિદ્યાર્થી છે જે મારા માનસપટ માંથી ક્યારેય દૂર થઈ જ નથી. ક્યાં હશે? કેવી હશે? કશું જ વિચારી શકાય એમ નથી........ .....કુસુમ ડાભી...23/8/2019

બીજા રસપ્રદ વિકલ્પો