64 સમરહિલ - 69 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 69

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 69

દાયકાઓથી અડાબીડ જંગલ અને પહાડી ચટ્ટાનો સાથે બાથ ભીડીને તિબેટ આવ-જા કરતાં તિબેટ મુક્તિવાહિનીના લડાકુઓ ભયંકર શિસ્ત અને ચુસ્ત સતર્કતાનો પર્યાય હતા.

જ્યાં પણ કેમ્પ ઢાળ્યો હોય ત્યાં ત્રણ દિશાએથી નજર રાખવાનો તેમનો ક્રમ હતો. પુલામા શાંગરાની સામેની પહાડી પર તૈનાત તિબેટીઓની કેળવાયેલી આંખોએ કાળા ડિબાંગ અંધારા વચ્ચે ય ત્રણ હોડીની હાજરી પારખી લીધી હતી.

બ્રહ્મપુત્રમાં ફરતી હોડીઓ એ કોઈ નવાઈની વાત ન હતી. બેય કાંઠાઓ પર દૂર સુધી પથરાયેલા હુકમા, બોડો, નિરયા આદિવાસીઓના કબીલાઓની આવ-જા હોડીઓ મારફત જ થતી.

કહેવા માટે તો તવાંગ શહેર હતું પણ અંધારુ ઘેરાય એ પહેલાં જ સાંજે છ-સાડા છ પછી બજારો આટોપાઈ જતી અને મધ, જવ, ચોખા, ચંદનના લાકડા વગેરે વેચવા આવેલા આદિવાસી કાફલાઓ જીવન જરૃરિયાતની ચીજો ખરીદીને હોડકાંઓમાં પાછા ફરવા લાગે.

દૂર ભેંકાર ચટ્ટાન પરથી પહેરો ભરી રહેલા તિબેટીઓએ પહેલાં તો ત્રણ હોડકાંઓને સહજ ગણી લીધા પરંતુ અચાનક હોડકાં પરની મશાલો બુઝાઈ ગઈ અને એક હોડી કાફલાથી છૂટી પડીને ત્રાંસી દિશામાં આગળ વધી ત્યારે તેમને એ અજુગતું લાગ્યું.

ઘડીક તેમણે એ હોડીની મૂવમેન્ટ બારીકાઈથી નિરખ્યા કરી. સતત ત્રાંસમાં અને પછી સીધાણમાં હંકારતી એ હોડી સલામત અંતર રાખીને શાંગરાના ઓવારાને દૂરથી જોઈ શકાય એવી વેતરણમાં હોવાની પહેલી શંકા જન્મી એટલે ચોકિયાતોએ પહેલાં અંદરોઅંદર મસલત કરી અને પછી સંકેત મોકલ્યો.

સદીઓ સુધી વિકસિત જગતથી કપાઈને જીવતા તિબેટીઓ પાસે વિવિધ અવાજો કાઢવાની જન્મજાત આવડત હોય છે. ભયસૂચક અવાજ જૂદો, તોફાનના આગમનની એંધાણી આપતો અવાજ પણ જુદો. પહાડની ધાર પર ઝળુંબીને એક તિબેટીએ શંકુ આકારના કઢંગા વાદ્યમાં મોં ઘાલ્યું અને ફેફસામાં ભરેલી હવાને પૂરી તાકાતથી વહેતી મૂકી દીધી એ સાથે હિંસક પશુની ડણક જેવા બિહામણા અવાજથી હવામાં કંપારી વહેવા લાગી.

બખોલમાં રાત્રિભોજનની તૈયારી કરી રહેલા કાફલા માટે આ ત્રાડ આવી રહેલા ભયની શંકા જગાવવા માટેનો સંકેત હતો.

મશાલના અજવાળે નકશાઓ ચકાસી રહેલા કેસીએ સંકેત પારખીને સ્હેજ ત્રાંસી નજર ફેરવી પણ એ પહેલાં તો બખોલ આસપાસ પહેરો ભરી રહેલા ત્રણ-ચાર લૂંગીધારીઓ જરાક પણ હોહા કર્યા વગર ઓવારો ચકાસવા ધસી ગયા હતા. બાકીના લોકોના આંખ-કાન જરાક સતર્ક થયા પણ તેમણે પોતાનું કામ છોડયું નહિ.

આ તેમની સઘન કેળવણી હતી. ત્રાડ એ હજુ ભયની શંકાનો સંકેત હતો. ખરેખર ભયની ખાતરી ન થાય ત્યાં સુધી કોઈએ ઘાંઘા થવાનું ન હતું.

ગણતરીની મિનિટ પછી એ ત્રાડની પાછળ ચિચિયારી જેવો બીજો અવાજ પણ વહેતો થયો. ઓવારા ભણી આગળ વધતી હોડી સપાટાભેર પાણી કાપી રહી હતી અને તેની પાછળ નિશ્ચિત અંતર રાખીને આવતી બે હોડીઓએ ઊંધા તીર આકારનું ફોર્મેશન રચી નાંખ્યું હતું. હુમલો કરવાની આ પોઝિશન પારખીને ધાર પર ઝળુંબતા પહેરેદારોએ ભયની પાક્કી ખાતરીનો સંકેત વહેતો કર્યો ત્યારે હોડીઓ ઓવારાથી હજુ ત્રણસો મીટર છેટે હતી.

બીજા સંકેત સાથે સ્હેજપણ બોલાશ વગર બધા પોતપોતાના નિયત થયેલા કામમાં લાગી ગયા. ઓવારા નજીક જઈને હોડીઓની ખાતરી કરી આવેલા કેસીએ તિબેટી ભાષામાં દબાયેલા અવાજે સુચના આપી અને પછી હાથ-આંગળીના ઉપયોગ વડે કશાક સંકેતો કર્યા એ સાથે મશાલો ફટાફટ બુઝાવા લાગી.

આખો ય કાફલો બરાબર કેળવાયેલો હોય તેમ એક ટૂકડી વેરવિખેર પથરાયેલો બધો સરંજામ એકઠો કરવા માંડી. બીજી ટૂકડીએ જંગલની દિશામાં હારબંધ ઊભા રહીને માલસામાન વગે કરવા માંડયો અને ત્રીજી ટૂકડીના બાશિંદાઓ હથિયારો ઊઠાવીને પહાડીની ટોચ ભણી લપક્યા અને ત્રણ દિશાએથી બ્રહ્મપુત્રના ઓવારાને ઘેરી લીધો.

દબાયેલા પગલે દોડધામ કરી રહેલો આખો ય કાફલો ગણતરીની મિનિટોમાં તો જાણે અંતર્ધ્યાન થઈ ગયો હોય તેમ જંગલી સરૃના વન ભણી લપકવા લાગ્યો હતો. પ્રોફેસર અને ઉજમને જંગલ તરફ ધકેલી દેવાયા હતા.

હવે ફક્ત પંદર જણાએ આવી રહેલા અજાણ્યા ભયનો સામનો કરવાનો હતો. કોઈ કશું બોલતું ન હતું. કેસી પણ ફટાફટ હાથના સંકેતો ઘૂમાવીને ઈશારા કરતો જતો હતો. હિરનના માણસો પાસે હથિયાર ન હોય એ પારખીને કેસીએ વળી કશોક ઈશારો કર્યો એ સાથે એક આદમીએ કોથળામાંથી પ્લાસ્ટિકની કિટ જેવા બોક્સ સૌના હાથમાં થમાવી દીધા.

દરેક કિટમાં એક પિસ્તોલ, એમ્યુનિશન બોક્સ, બે ગ્રેનેડ, નાનકડાં લંચ બોક્સમાં મીઠું, મરચું નાંખીને બાફેલો ચોખાનો લોટ, પાણીની નાનકડી મશક જેવો સામાન હતો. હિરન કિટ જોઈને આ તંગ સ્થિતિમાં ય ટ્રેનર છોકરી સામે મલકી પડી. કેસી અને તેના સરફિરા આદમીઓ હર ઘડીએ કેવી સતર્કતાથી જીવતા હતા એ પારખીને તેના ચહેરા પર અહોભાવ તરી આવ્યો.

હિરન અને પેલી ટ્રેનર છોકરીને બખોલના દક્ષિણ છેડે લપકવાની સૂચના આપીને કેસીએ ઝુઝારને ય એ દિશામાં તગેડયો હતો.

ત્વરિતને બખોલના જંગલ તરફના છેડા તરફ ગન લઈને તૈનાત આદમીઓ તરફ મોકલીને રાઘવને તેણે પોતાની સાથે આવવા ઈશારો કર્યો.

પંદર મિનિટ પછી...

પોતે લીધેલા શ્વાસનો અવાજ પણ સંભળાય એવા તીવ્ર સન્નાટા વચ્ચે શાંગરાની બંધિયાર હવામાં અજંપો ઘુમરાઈ રહ્યો હતો. બખોલના મ્હોરાં આગળ અને ઓવારા તરફ લપાયેલા આદમીઓ કાળમીંઢ ચટ્ટાનના પોલાણમાં ગોઠવાઈ રહ્યા હતા. ઓવારા તરફથી આવતા હુમલાખોરો ઉજાસ રેલાવે તો ચામડીનો નૈસર્ગિક ચળકાટ તરત પકડાઈ ન જાય એ માટે તેઓ હાથના પંજા અને મોં પર ઉતાવળભેર મેંશ ચોપડી રહ્યા હતા.

કેસીનો વ્યુહ સ્પષ્ટ હતો.

હુમલાખોરો અંદર આવી જાય ત્યાં સુધી કોઈએ ફાયર કરવાનો ન હતો. એમની સંખ્યા અને ઘેરાવ કરવાનો હેતુ તેમજ ઓળખ સ્પષ્ટ ન થાય પછી પણ અનિવાર્ય જોખમ ઊભું થાય ત્યારે જ ફાયર કરવાનો હતો. જો ફાયર કરવાની નોબત જ ન આવે તો સૌએ ધીમે ધીમે જંગલ તરફ સરકી જવાનું હતું અને લડાઈ કરવી જ પડે તો આગળ ગયેલા કાફલાને ભાગવાનો પૂરતો સમય મળે તેની કાળજી રાખીને બબ્બેની ટૂકડીમાં ફાયર કરતા રહીને જંગલ તરફ પીછેહઠ કરવાની હતી.

સૌની નજર બખોલના મ્હોરા તરફ ખૂલતાં વળાંક પર ચોંટેલી હતી. સૌની આંખોમાં અજંપો અને ચહેરા પર તંગદીલી હતી.

ફક્ત કેસીના મનમાં સવાલ-જવાબનો વંટોળિયો ફૂંકાઈ રહ્યો હતો.

આવનારા લોકો કોણ હોઈ શકે?

***

ચીન એ તિબેટ મુક્તિવાહિનીનું મુખ્ય અને એકમાત્ર લક્ષ્ય હતું અને ભારતમાં તેમની હાજરી બીજી કોઈ રીતે હાનિકારક હતી નહિ. એટલે ભારતીય લશ્કર કે બોર્ડર પોલિસ ફોર્સ તેમની ગતિવિધિ પ્રત્યે આંખ આડા કાન કરતાં.

મિલિટરી ઈન્ટેલિજન્સ માટે મુક્તિવાહિનીની બીજી ઉપયોગિતા હતી. તેને મુક્તિવાહિની મારફત ચીન વિશે ઘણી બાતમીઓ મળતી. બદલામાં ભારતીય સેના પણ ક્યાંય પોતાની સંડોવણી સાબિત ન થાય એ રીતે મુક્તિવાહિનીને શસ્ત્રો, તાલીમ વગેરે સહાય આપતી.

શરત માત્ર એટલી જ કે તિબેટ મુક્તિવાહિની ભારતમાં આશરો લઈને પછી ભારતીય ભૂમિનો ચીનવિરોધી સશસ્ત્ર ઝુંબેશ માટે ઉપયોગ કરે છે એવો કાગારોળ કરવાની ચીનને કોઈ તક ન મળવી જોઈએ.

એંશીના દાયકાથી એનરોદ ત્સોરપેએ આ નીતિ રાખી હતી. ભારત નારાજ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરવી નહિ. ભારતીય લશ્કરને સહાયક બનતાં રહેવું અને ચીનને પજવવાની એકપણ તક ન છોડવી.

કેસીએ સુકાન સંભાળ્યું એ પછી પરિસ્થિતિ બદલાઈ હતી. નવી પેઢીના તિબેટી જવાનિયાઓ ભારતમાં જ પેદા થયા હતા અને વડીલોની વાતોથી વિશેષ તિબેટ પ્રત્યે તેમને ખાસ લગાવ રહ્યો ન હતો. આથી વતન પ્રત્યેનો તેમનો ઝુરાપો અને ચીનના શાસન સામેનો તેમનો આક્રોશ ઘટી રહ્યો હતો. સૌને હવે શાંત, સુવિધાભરી અને પોતાના અંગત કોચલામાં વિંટળાયેલી સલામત જિંદગી રાસ આવવા માંડી હતી.

ભારતમાં વસતાં તિબેટી પરિવારો પાંચ દાયકાથી પોતાની આવકનો નિશ્ચિત હિસ્સો મુક્તિવાહિનીને આપતાં હતાં પરંતુ ચીન જેવી મહાસત્તા સામે બાથ ભીડવા માટે આ ભંડોળ ચણા-મમરા જેટલું ય ન હતું.

વતનની આઝાદી કાજે જાન આપવા તૈયાર લડવૈયાઓ મળવા મુશ્કેલ થતા હતા, શસ્ત્રો-તાલીમ વગેરે માટે ભંડોળ પણ ખૂટતું જતું હતું. કેસીના હાથમાં મુક્તિવાહિનીની જવાબદારી આવી ત્યારે આવી વિષમ પરિસ્થિતિનો તેણે સામનો કરવાનો હતો.

ધર્મસત્તાના સર્વોચ્ચ પ્રતીક એવા દલાઈ લામા એક આદેશ કરે તો સમગ્ર તિબેટી સમુદાય જીવ આપી દે પરંતુ જરાક અમથી હિંસાને ય ત્યાજ્ય માનતા દલાઈ લામા, કેસી તેમજ ત્સોરપે પરિવાર પ્રત્યેની અપાર લાગણી છતાં, મુક્તિવાહિનીની હિંસક પ્રવૃત્તિઓના વિરોધી હતા. આરંભે તો તેઓ મુક્તિવાહિનીને જાહેરમાં વખોડીને તેનાંથી દૂર રહેવાના આદેશો પણ કરતા હતા પરંતુ એનરોદ ત્સોરપેની અનેકવારની વીનવણી પછી તેમણે જાહેરમાં મુક્તિવાહિનીને નકારવાનું બંધ કર્યું હતું.

આટલી તકલીફો વચ્ચે ય કેસીએ નવા-નવા મરજીવાઓની ભરતીમાં ઓટ આવવા દીધી ન હતી. છેક તિબેટમાં ઘૂસાડેલા ગેરિલાઓ દ્વારા મેળવેલા ચીનના સિતમના વીડિયો રેકોર્ડિંગ વગેરે વડે તેણે આઝાદીની અહાલેક ફૂંકવાનું સતત જારી રાખ્યું હતું.

પરંતુ આર્થિક તાકાત ઊભી કરવી એ પ્રશ્ન વધારે ગંભીર હતો. કેસીએ મુક્તિવાહિનીના લડવૈયાઓના પ્રત્યક્ષ (એક્ટિવ સેલ) અને પરોક્ષ (સ્લિપર સેલ) એવા બે પ્રકાર પાડયા. પરોક્ષ પ્રકારના લોકોને તેણે વિવિધ વ્યવસાયમાં પલોટવા માંડયા. ભારત સરકાર સાથે વખતોવખત થતી મંત્રણાઓમાં તેણે ભારપૂર્વક રજૂઆતો કરીને તિબેટિયનોને લોન વગેરે સવલતોમાં પ્રાથમિકતા ય મેળવી લીધી.

પરિણામે, ધરમસાલા, ડેલહાઉસી, કસૌની, ગિરિમાલ વગેરે વિસ્તારોમાં તેણે ગૃહઉદ્યોગો, લઘુઉદ્યોગો માંડી દીધા અને તેના નફામાંથી ભંડોળ ઊભું કરવા માંડયું. દોઢ હજાર ગેરિલાઓના નિર્વાહ માટે આ પણ અપૂરતું હતું એટલે તેણે નાછૂટકે બીજો રસ્તો અપનાવ્યો.

એ રસ્તો વધારે જોખમી હતો, ભારતના કાયદાની વિરુદ્ધનો હતો પણ એ વગર છૂટકો ન હતો કારણ કે એવું કશુંક કરવાથી જ તેને મબલખ પૈસા મળતા હતા, જેની તેને તીવ્ર જરૃર હતી.

એ રસ્તો હતો અફીણ, શસ્ત્રો અને એવા બીજા માલસામાનની હેરાફેરી. કોલકાતાનું બસો વર્ષ જૂનું શોમાબાજાર છેક અફઘાનિસ્તાનથી આવતા અફીણની લે-વેચ માટે કુખ્યાત હતું. કેસીના આદમીઓએ અહીં પાટલો માંડીને અફીણની લે-વેચ શરૃ કરી. તેમાં તગડો નફો હતો પણ એ જ અફીણ જો તેઓ સરહદ પાર કરાવીને તિબેટથીય દૂર છેક મંચૂરિયા પહોંચાડે તો તો બખ્ખા જ હતા.

કેસીએ તિબેટમાં ઘૂસણખોરીના છીંડા પાડી રાખ્યા હતા. ચીની લશ્કરના ભ્રષ્ટ અધિકારીઓને સાધીને તેણે મંચૂરિયા સુધી અફીણના ચક્કા પહોંચાડવા માંડયા. ભારતીય લશ્કરની રહેમનજર જાળવી રાખવા માટે તેણે ભારતમાં અફીણની એક કાંકરી ય ન વેચવાની તકેદારી રાખી. ઉપરાંત છેક મંચૂરિયા સુધી આખા રસ્તે ચીને બાંધેલા વ્યુહાત્મક બાંધકામો, ચોકીઓ અને ભારતીય સરહદ આસપાસ કરેલી જમાવટની તસવીરો, રેકોર્ડિંગ પણ મિલિટરી ઈન્ટેલિજન્સને આપવા લાગ્યો.

આ બધી એવી બાતમીઓ હતી જે ભારતીય લશ્કરને ઘરે બેઠા માત્ર કેસીના મરજીવાઓ મારફત જ મળતી હતી એટલે લશ્કર અને મિલિટરી ઈન્ટેલિજન્સ અફીણની હેરાફેરી પ્રત્યે આંખ આડા કાન કરી લેતું હતું.

બોર્ડર પોલિસ સાથે ય તેને એટલી જ સારાસારી હતી. મિલિટરી ઈન્ટેલિજન્સ તેને સેઈફ પેસેજ આપતું હતું એટલે બોર્ડર પોલિસને પણ રોકવાનું કંઈ કારણ ન હતું.

એવો જ બીજો ય કસદાર ધંધો હતો માનવ તસ્કરીનો.

ચીન ભારતીય યાત્રાળુઓને કૈલાસ-માનસરોવરની યાત્રાએ જવા માટે બહુ જ અંકૂશ રાખીને પરમિટ આપતું હતું. કુલ અરજી આવે તેના દસમા ભાગના લોકોને માંડ મંજૂરી મળતી હોય. એમાં ય ચીનના વાંધાવચકા અને હેરાનગતિ તો ખરા જ.

એકાદ-બે વખત આકસ્મિક રીતે એવા યાત્રાળુઓને કૈલાસ સુધી લઈ જવાની કામગીરી પાર પાડયા પછી કેસીને તેમાં ય કમાણીની તક દેખાઈ. પછી તો તેણે ચીની રૃક્કાઓ, પરમિટ, ઓળખપત્રોનું બનાવટી તંત્ર ખડું કરીને પેરેલલ ટૂરિઝમની હાટડી માંડી દીધી. ચીનના ભ્રષ્ટ અધિકારીઓની લાલચ તે બરાબર પારખી ગયો હતો.

અફીણ જેવા નશા સામે ભારે કડકાઈથી કામ લેતાં ચીનના લશ્કરી અધિકારીઓને ખુદને જ તેણે અફીણના બંધાણી બનાવી દીધા હતા.

કૈલાસની આઠ-દસ ટૂર સફળતાપૂર્વક પાર પાડીને કેસીને એ ધંધામાં કસ દેખાયો. એ આવકમાંથી તેણે એક્સ્પ્લોઝિવ્સ મેળવ્યા હતા અને લ્હાસાના ચાઈનિઝ રિજન્ટની કચેરી ઊડાવી દીધી હતી. તિબેટી નાગરિકોને પરેશાન કરવામાં આવશે તો દરેક રિજન્ટના આવા હાલ થશે એવી તેની ઊઘાડી ધમકી પછી ચીનાઓના સિતમ ઘટયા હતા અને મુક્તિવાહિનીનો ડંકો વાગી ગયો હતો.

- પણ પછી કેસીના આદમીઓને સાધારણ દાણચોર માનતા ચીની અધિકારીઓની દાઢ વધુ સળકી હતી. અફીણ, રોકડ લાંચ ઉપરાંત પડખું ગરમ કરવા માટે તિબેટી છોકરીઓની ય ચીનાઓએ માંગ કરવા માંડી ત્યારે કેસીના ધીકતા કારોબાર સામે પહેલી અડચણ ઊભી થઈ.

હમવતનીઓ પર ગુજારાતા એક સિતમ સામે બાથ ભીડવા જતા આ બીજા સિતમ ઊભા કરવાના? નાછૂટકે કેસીએ એ કારોબાર વીંટી લીધો.

ફરીથી એ જ આર્થિક તંગદીલી ઊભી થઈ. પરંતુ આ રીતે મેળવેલા પૈસાથી તેણે લ્હાસામાં કરાવેલા પરાક્રમોએ સ્થાનિક તિબેટીઓમાં જબ્બર પ્રભાવ ઊભો કરી દીધો હતો. છોકરીઓની એક એવી ફોજ ઊભી થઈ હતી, જે સંપૂર્ણતઃ તિબેટની સ્વતંત્રતાને વરી ચૂકી હતી. સાઠ-સિત્તેર યુવાન છોકરીઓના એ સરફિરા દળનું નેતૃત્વ જેના હાથમાં હતું એ છોકરીનું નામ તાન્શી.

શરૃઆતમાં કેસી તેના આઈડિયા સાથે સ્હેજે ય સંમત ન હતો. પરંતુ માથાની ફરેલી તાન્શીએ કેસીને ગણકાર્યા વગર છ-સાત યુવતીઓને સાથે લઈને તિબેટનો પ્રવાસ ખેડયો. તિબેટની અદાલતમાં જે દિવસે પવિત્ર બૌધ્ધ મઠોનો કબજો લેવા અંગેનો કેસ ચાલતો હતો એ જ વખતે અદાલતમાં વિસ્ફોટ કર્યા. એ ઘટનામાં ત્રણ છોકરીઓ મારી ગઈ. બે છોકરી જીવતી પકડાઈ ગઈ પણ ચીનાઓના બેશુમાર સિતમ તેમનાં મોંમાંથી હરફ પણ કઢાવી શકે એ પહેલાં તેમણે સાઈનાઈડ ચાવીને જીવ આપી દીધો. તાન્શી પોતે પણ ઘાયલ થઈ પણ ભારત પરત ફરવામાં એ સફળ નીવડી.

આટલા ટાંચા સાધનોથી કોઈ અનુભવ વગર કે કોઈ છીંડા શોધ્યા વગર આટલું ખતરનાક ઓપરેશન તમે કેવી રીતે પાર પાડયું?

કેસીએ જ્યારે પૂછ્યું ત્યારે તાન્શીએ જે જવાબ દીધો તેનાંથી એ સ્તબ્ધ થઈ ગયો હતો. આટલા વરસથી, ત્રણ-ત્રણ પેઢીથી વતનની આઝાદી કાજે ઝઝુમનારો એ જન્મજાત યોધ્ધો ય આ છોકરીઓની શહાદત સામે ઝૂકી પડયો હતો.

એ છોકરીઓએ ચીની અધિકારીઓને પોતાની મોહજાળમાં ફસાવ્યા હતા. તેમને પોતાનું શરીર સોંપી દીધું હતું અને પછી મોકો સાધી લીધો હતો. વતનપરસ્તીની આ બેમિસાલ ગાથા હતી.

એ પછી તાન્શીના હઠાગ્રહથી કેસીએ ફરીથી અફીણની દાણચોરીનો ધંધો ચાલુ કર્યો. ચીની અધિકારી માંગે ત્યારે ધરવા માટે હવે તાન્શીની વિષકન્યાઓ સ્વેચ્છાએ જ તૈયાર હતી.

બેહદ કામણગારી આ વિષકન્યાઓએ તો કેસીની ધારણાથીય અનેકગણો વધારે ઉત્પાત મચાવ્યો. ભારત-ચીનની સરહદથી લઈને પાટનગર લ્હાસા, આસપાસના ચાવીરૃપ વિસ્તારો અને છેક મંચુરિયા સુધીના તિબેટી પ્રદેશ ખુંદીને તેમણે કંઈક ચીની અધિકારીઓને પટાવ્યા અને ઢગલાબંધ છીંડાઓ ઊભા કર્યા.

શક્તિશાળી ચીનને પજવવાનો વારો હવે કેસીનો હતો. તિબેટમાં વિષકન્યાઓએ તેના માટે આબાદ ગ્રાઉન્ડ તૈયાર કરી આપ્યું હતું.

ઈન્ડિયન મિલિટરી ઈન્ટેલિજન્સ પણ અચાનક વધી પડેલા કેસીના કારનામાઓ અને બાતમીની બૌછારથી ખુશખુશાલ હતું.

તો પછી....

કેસીના દિમાગમાં ઘણના ફટકાની માફક સવાલ પછડાતો હતો....

મિલિટરી અને બોર્ડર પોલિસ સાથે આટલી સારાસારી છતાં અહીં શાંગરામાં તેમના પર ધસી આવતાં લોકો કોણ હોઈ શકે?

તેને પહેલી અને સૌથી વધુ સ્વાભાવિક શંકા હિરન અને તેના કાફલા પર ગઈ.

(ક્રમશઃ)