બદલો !!! Umang Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલો !!!

હું મુઠ્ઠીઓ વાળીને નિરંતર દોડી રહ્યો હતો ! મારો શ્વાસ ભરાઈ ગયો હતો ! પણ મને પરવા નહોતી. અચાનક એક ઠેબુ ખાઈને હું ગબડી પડ્યો ! મારા ગોઠણો છોલાઈ ગયા ! “આહ !” પીડાથી એક ઉંહકારો મારા મુખમાંથી નીકળી પડ્યો ! પણ હું પાછો સાબદો થઇને ઉભો થયો અને દોડવા લાગ્યો ! મારું ગામ, વખતપુર હવે બહુ દુર નહોતું ! મને દુરથી અમારા ગામની બહાર આવેલો વડલો દેખાઈ રહ્યો હતો ! હું પૂરવેગે મારા ગામ/મારા ઘર તરફ દોડ્યો. મારો ઘોડો મને છોડીને ક્યાંક ભાગી ગયો હતો ! વહેલી સવાર થવા આવી હશે, હજુ પણ ચારેકોર અંધારું હતું ! હું ઝડપથી ગામમાં ઘુસ્યો અને મારા ઘરના ડેલા પાસે આવીને મેં જોર જોરથી બારણું ખખડાવ્યું ! “કોણ છે ?” અંદરથી મારી પત્નીનો અવાજ આવ્યો. મને ચીડ ચડી. “હું છું, જલ્દી ખોલ” અને બારણું એક ધડાકા સાથે ખુલી ગયું અને હું અંદર ગાયબ થઇ ગયો !

“શું થયું ? કેમ આટલ હાંફો છો ? ઉભા રહો પાણી લાવું !” મારી પત્ની અંદર પાણી લેવા ગઈ અને મેં મારા નાનકડા ઘરમાં આવેલી નાનકડી ઓરડીમાં એક કોર સુતેલી મારી નવ વર્ષની સુંદર છોકરી જીવાને જોઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો. પ્રભાતશેરીનો સમય થઇ ગયો હતો, બહાર શોરબકોર સંભળાઈ રહ્યો હતો. મેં ઘ્રુજાતા હાથે પાણીનો પ્યાલો લીધો અને એક જ શ્વાસમાં હું પાણી પી ગયો અને મારી નાનકડી છોકરીને બથ ભરીને સુઈ ગયો !

***

“વંદે માતરમ !” સમુહમાં અવાજ આવ્યો અને હું ઉઠી ગયો ! મારું માથું તપી રહ્યું હતું. મને ઝીણા તાવ જેવું લાગતું હતું ! “હત્ત તેરેકી, અંગ્રેજોની સોરઠી છઠ્ઠી રેજીમેન્ટનો કેપ્ટન રાવજી પરમાર એમ કઈ ઢીલો થોડો પડી જાય ?” હું મનોમન હસ્યો અને મેં મારી પત્નીને ચા બનાવવા માટે બુમ પાડી. “વંદેમાતરમ” અવાજ વધી રહ્યો હતો ! થોડીવારમાં ઘોડેસવાર સૈનિકો આવી જશે અને આજે પણ એકાદ લાશ ઢળી પડશે ! મેં નિઃસાસો નાખ્યો !

“બાબા” મારી નાનકડીએ મારો હાથ પકડ્યો અને હું ચમક્યો. મેં હસીને એને મારી બાથમાં લીધી અને એના કોમળ ગાલો પર એક બચી ભરી લીધી. “બાપુ, તમને ખબર છે કાલે આપણી બાજુમાં રહેતી મારી દોસ્ત ભૂરી અને એના ઘરવાળા બહુ રડતા હતા ! કાલે ભુરીના બાપુને ઘેર લાવેલા, મેં આપણા બારણાની તિરાડમાંથી જોયેલું ! એમનું શરીર આખું લાલ લાલ થઇ ગયેલું ! એની માં ભૂરીને આપણે ત્યાં મૂકી ગયેલી. ભૂરીને પણ કઈ ખબર નહોતી, પછી એ બધા લોકો એના બાપુને ઊંચકીને ક્યાંક મૂકી આયા, ભૂરીની માં બહુ રડતી’તી બાપુ ! અરજણકાકા હવે પાછા નહિ આવે ક્યારેય ?” એની સુંદર મોટી મોટી આંખો મારી સામે જોઈ રહી હતી ! મારી અંદર જ્વાળામુખી ફાટી નીકળ્યો ! અચાનક મને ચડેલો તાવ જાણેકે બીજા દસ ડીગ્રી વધી ગયો ! મારો પરમ મિત્ર અરજણ પણ ગયો !!! નાં પાડી હતી મેં એને કેટલી વાર કે આવા સરઘસોમાં ના જા, પણ માને ? વાગી ગઈ ને ગોળી ? ગયો ને જાન !!! મારું માથું ભમી ગયું. એટલામાં ચા આવી ગઈ. મારી આંખોમાંથી ડબડબ આંસુ નીકળી રહ્યા હતા. મારી પત્નીએ મારો હાથ પકડી લીધો, એને ખબર હતી કે અરજણ મારો પ્રિય મિત્ર હતો અને અત્યારે સમય પણ એવો હતો કે હું એના ઘેર પણ જઈ શકું એમ નહોતો ! મેં આંખો મીચી દીધી અને મને મેં ગઈ કાલે અંગ્રેજો પર લીધેલા ભયાનક બદલાનું દ્રશ્ય યાદ આવવા લાગ્યું !

***

મારી રેજીમેન્ટમાંથી એક અઠવાડિયાની રજા લઈને હું મારા ગામ જતો હતો ! મારું મુખ્ય કામ અંગ્રેજોની વચ્ચે રહીને અમારા સ્થાનિક દેશપ્રેમી નેતા હરગોવિંદલાલને તમામ છુપી માહિતીઓ પહોંચાડવાનું હતું. ગામમાં ઘણા લોકોને આ વાતની ખબર હતી અને એ લોકો પણ અંગ્રેજોને એટલી જ નફરત કરતા હતા એટલે મારું પકડાવવું શક્ય નહોતું ! ખેર ! હું દિવાળી આવતી હતી એટલે રજા પર ઉતર્યો હતો અને મારા ઘોડા પર સવાર થઇને બેકાબુ બનીને ધૂળની ડમરીઓ ઉડાડતો મારા ગામ તરફ જઈ રહ્યો હતો ! મારી પત્ની, મારી નવ વર્ષની પુત્રી જીવા મને જોઇને ખુબજ ખુશ થવાની હતી ! મેં એમના માટે મીઠાઈઓ અને થોડાક કપડા પણ લીધા હતા !

ગામ લગભગ ૨૦ કોસ દુર હતું એટલામાં મેં દુરથી જોયું તો એક બગ્ગી ખાડામાં ફસાઈ ગઈ હતી ! મેં ઘોડો થોડો નજીક લીધો અને મેં જોયું તો એક અંગ્રેજ પોતાની પત્ની અને નાનકડી પુત્રી સાથે ત્યાં ઉભો હતો ! એની બગ્ગીનું પૈડું ખાડામાં ફસાઈ ગયું હતું અને એનો ચાલક અને એ અથાગ મહેનત કરતા હતા પણ એ નીકળતું નહોતું ! મને આવતો જોઇને એ લોકો સજાગ થઇ ગયા અને અંગ્રેજે હાથમાં બંધુક પણ લઇ લીધી પણ મારો સૈનિકનો ડ્રેસ જોઇને એના મુખ પર શાંતિ છવાઈ ગઈ.

“હેય મેન ! કેન યુ પ્લીઝ હેલ્પ અસ ? મદદ કરો” એણે ભાંગી તૂટી હિન્દીમાં કહ્યું અને હું ઘોડાની નીચે ઉતર્યો.

“હેલો સર, હું સોરઠની છઠ્ઠી રેજીમેન્ટનો કેપ્ટન રાવજી છું !” મેં પણ એના મીલીટરી વાળા ડ્રેસને જોઇને સલામ મારતા કહ્યું.

“ગુડ ગુડ ગુડ, યુ કેન રિલેક્ષ, આઈ એમ વિલિયમ સ્મિથ, બ્રિગેડીયર વિલી, જામનગર રેજીમેન્ટ તરફ જાઉં છું. આ મારી વાઈફ મેરી છે અને આ મારી નવ વરસની ડોટર ડોરોથી છે. પ્લીઝ અમને મદદ કરો” બ્રિગેડીયરે મારો હાથ મિલાવતા મારી ઓળખાણ એના કુટુંબ સાથે કરાવી.

મારી આંખોમાં ખુન્નસ છવાઈ ગયું ! આ સાલો બ્રિગેડીયર વિલી, આ એજ છે કે જેણે થોડા સમય પહેલા અમારી બાજુના ગામમાં આવેલા લગભગ ૧૫-૨૦ ક્રાંતિકારીઓને પકડીને ઢોર માર મારીને ગોળીએ દીધા હતા ! સાલ્લો હવે આવ્યો છે લાગ માં ! મારું લોહી ઉકળી ઉઠ્યું !

હું ધીરેથી નીચે ઉતર્યો અને મેં પણ એ લોકોની સાથે જોર કર્યું અને બગ્ગીનું પૈડું ખાડાની બહાર આવી ગયું. બ્રિગેડીયર ખુશ થયો અને એણે મારી પીઠ થપથપાવી. મેં દાણા નાખ્યા “સર, તમે પણ મારા ગામ બાજુ જ જાવ છો તો લેટ મી એસ્કોર્ટ યુ, અહી ઘણા દુષ્ટ ક્રાંતિકારીઓ રહે છે અને એ તમારા પર હુમલો કરી શકે છે, હું તમારી બગ્ગીની આગળ આગળ ચાલુ છું અને તમને ગામ સુધી પહોંચાડી દઉં છું”

બ્રિગેડીયર ખુશ થઈને હા બોલ્યા અને એ લોકો બગ્ગીમાં ચડી ગયા અને મેં આગળ આગળ ઘોડો ચલાવ્યો. થોડીવાર થઇ એટલે બગ્ગીમાંથી એક નાનકડો તીણો રડવાનો અવાજ આવ્યો. મેં ઘોડો ઉભો રાખ્યો અને બગ્ગી સુધી ગયો.

“સોરી મેન બટ માય ડોટર વોન્ટસ ટુ રાઈડ યોર હોર્સ ! મારી દીકરીને તારા ઘોડા પર સવારી કરવી છે અને એ માનતી નથી” અંદરથી બ્રિગેડીયરનો અવાજ આવ્યો. હું હસી પડ્યો અને મેં હાથ લાંબા કરીને ડોરોથી કે જે બ્રિગેડીયરની નાનકડી દીકરી હતી એને તેડી લીધી અને મારી આગળ ઘોડા પર બેસાડી દીધી અને અમે લોકો પાછા આગળ વધ્યા. ડોરોથી ખુશ થઇને ખીલ ખીલ હસવા લાગી અને તાળીઓ પાડવા લાગી !

એક વળાંક પાસે મેં બગ્ગી ઉભી રખાવી અને બ્રિગેડીયરને કીધું કે હું આગળ ચેક કરીને આવું છું કે રસ્તામાં ખાડા તો નથી ને, નહીતો વળી બગ્ગી ફસાઈ જશે ! એમ કહીને મેં ઘોડો મારી મુક્યો અને થોડે દુર એક ઝાડ નીચે એને બાંધી દીધો ! ડોરોથીને મેં કીધું કે તું અહી ઘોડા પર બેસી રહેજે હું આવું છું !

મેં ઉંધો રસ્તો લીધો અને હું પાછળથી વળાંક પહેલા ઉભેલી બગ્ગીની પાછળ પહોંચી ગયો અને કોઈ કઈ કરે કે સમજે એ પહેલા જ મેં મારી સર્વિસ રીવોલ્વોર કાઢી અને અંદર બેઠેલા બ્રિગેડીયર અને એની પત્નીને ઠાર કરી દીધા ! બગ્ગી ચાલક ભયથી ધ્રુજી રહ્યો હતો, મને એની દયા આવી પણ પછી મેં આંખો મીચીને એને પણ ઠાર માર્યો ! મારે કોઈ ચાડી ખાઈ જાય એવું પોસાય એમ નહોતું !

હવામાં ગોળીબારના અવાજો પડઘાઈ રહ્યા હતા ! મારી આંખોમાં મારા ભાઈ બંધુઓ માટે મેં લીધેલા બદલાનો સંતોષ હતો ! હું ધીરેથી સીટી વગાડતો વળાંક પાસે ચાલતો આગળ વળ્યો અને મને યાદ આવ્યું કે ડોરોથી તો હજી ઘોડા પર જ બેઠી હતી ! હું થંભી ગયો ! મેં દુરથી જોયું તો એ નાનકડી બાળા ઘોડાને હાથ પસારતી હતી અને ખીલ ખીલ હસી રહી હતી !

***

“બાબા, ચાલો આજે હું તમને મારી નવી દોસ્ત ને મળાવું, એ આપણા ગામની બહાર સીમ પાસે પેલો વળાંક છે ને ત્યાં રહે છે, ખુબજ સુંદર અને ગોરી ગોરી છે, અમે લોકો રોજ ખુબજ રમીએ છીએ !” મારી પુત્રી જીવાએ મારો હાથ પકડીને મને કહ્યું અને હું ચમકી ઉઠ્યો !

મેં ઘોડાને એડી મારીને દોડાવ્યો. નાનકડી જીવા મારી આગળ બેઠી હતી ! અચાનક ગામની સીમ પાસે વળાંક આવ્યો અને એ આંગળી ચીંધીને તાલી પાડી ઉઠી ! “જુવો બાબા, જુવો, એ ઉભી એ ! કેટલી સુંદર છે નહિ ? ઢીંગલી જેવી ! ભૂખરા વાળ અને માંજરી આંખો ! બસ મને અહી જ ઉતારી દો બાબા” જીવા તાલી પડતી બોલી ઉઠી અને મારા શરીરમાંથી ભય નું લખલખું પસાર થઇ ગયું ! મેં ઘોડો ઉભો રાખ્યો અને અમે નીચે ઉતર્યા અને જીવા એકદમ મારો હાથ છોડાવીને દુર એક ઝાડ નીચે દોડી ! ત્યાં એ ઉભી ઉભી કૈંક બબડવા લાગી ! હું ફાટી આંખે એની પાછળ પાછળ દોડ્યો અને મેં જોયું કે જીવા કોઈની સાથે ખીલ ખીલ હસતી હતી પણ કોઈ દેખાતું નહોતું ! અચાનક જીવા પાછી ફરી અને મારું હૃદય એક ધબકારો ચુકી ગયું !

જીવાની સુંદર મોટી મોટી આંખો હવે માંજરી થઇ ગઈ હતી ! એના મુખ પર એક અકળ સ્મિત હતું. એ ઘેરા ખોખરા અવાજે બોલી “બાબા, આને પણ સાથે લઇ લો ને ! બિચારી એકલી છે, એના માં બાપ નથી, આપણી સાથે રહેશે અને મારી સાથે રોજ રમશે ! બાબા, તમે મારું માનશો ને બાબા, આને લઇ લો ને બાબા”

મારી જીભ આ દ્રશ્ય જોઇને લોચા વાળવા લાગી ! હું સ્તબ્ધ થઇ ને ત્યાં જ ઉભો હતો ! હવે જીવા ફરીથી અંગ્રેજીમાં બોલી

“બાબા, પ્લીઝ બાબા, ટેઈક ડોરોથી વિથ અસ બાબા ! શી ઈઝ અ નાઈસ ગર્લ બાબા, શી લવ્ઝ મી અ લોટ, વી વિલ બી ઓલ્વેઝ ટુ ગેધર, બાબા, પ્લીઝ !!!”

મારી છાતીમાં સખ્ખત દુખાવો ઉપડ્યો ! જીવાને ક્યાંથી અંગ્રેજી આવડી ગયું ! મેં ધારી ધારીને જોયું તો જીવાની માંજરી આંખોમાં મને મારો ચહેરો દેખાયો ! ઘોડા પર બેઠેલી માસુમ ડોરોથીનું ગળું પકડતો ! મારી આંખો ફાટી ગઈ અને મારા મોઢામાંથી લોહીનો કોગળો બહાર નીકળી પડ્યો ! હું નીચે ઢળી પડ્યો !

***